યે જો હૈ ઝિંદગી - ગીતા માણેક
હમણાં
જ આપણે ગાંધી જયંતી ઊજવી અને ગાંધીજીના ગુણગાન ગાયા. હિંદુસ્તાનને આઝાદ
કરવામાં તેમણે જે ફાળો આપ્યો એ વિશે તો બધા જ જાણે છે પણ જે આઝાદી મેળવવા
માટે ગાંધીજીએ પોતાનું સર્વસ્વ હોમી દીધું એ આઝાદી મળી ગયા પછી આપણે એટલે
કે ભારતીયોએ તેમની દશા શું કરી હતી? જે આઝાદી મેળવવા માટે તેમણે પોતાની
આહુતિ આપી હતી એ મળી ગયા પછી શું ગાંધીજી ખુશ હતા? ગાંધીજીની છબી આપણા
મનમાં એકદમ જ પોઝિટિવ એટલે કે વિધેયાત્મક વ્યક્તિત્વની છે પણ આ જ ગાંધીજી
તેમની જિંદગીના છેવટના દિવસોમાં ખૂબ જ નિરાશ અને ઉદાસ થઈ ગયા હતા.
બ્રિટિશરો આપણને આઝાદી આપવાની જાહેરાત કરી ત્યારપછીની ઘટનાઓ તેમ જ આઝાદી
પછીનો જે સમય ગાંધીજી જીવ્યા એ દિવસોમાં તેઓ ખૂબ જ દુ:ખી અને વ્યથિત હતા.
તેમની આ વ્યથા અને પીડા તેમણે પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરી છે.
૨ ઑક્ટોબર ૧૯૪૭ના દિલ્હી ખાતેની તેમની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું હતું, મારા દિલમાં દુ:ખ અને સંતાપ સિવાય કશું નથી. એક જમાનો હતો જ્યારે જનતા મારી દરેક વાત માનતી હતી, પરંતુ આજે મારી વાત કોઈ નથી સાંભળતું.’ છેવટના આ દોઢેક વર્ષના કાળમાં ગાંધીજીએ જે પ્રવચનો આપ્યા છે એમાં નિરાશા અને દુ:ખનો સૂર જ સંભળાય છે. જે ગાંધીજીએ જ્યારે તેમને સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય એવી શુભેચ્છા આપી હતી ત્યારે કહ્યું હતું કે મારે તો સવાસો વર્ષ જીવવું છે એ જ ગાંધીજી ૭૮મા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે હવે મારે વધુ જીવવું નથી, હે પરવરદિગાર મને ઊંચકી લે! ૧૭મી સપ્ટેમ્બર ૧૯૪૭ના પ્રાર્થનાસભામાં ગાંધીજીએ પોતાની આ ઇચ્છા વ્યક્ત કરી હતી એટલું જ નહીં પણ આખા દેશને વિનંતી કરી હતી કે બધા જ તેમની આ પ્રાર્થનામાં સામેલ થાય. આ પ્રાર્થનાસભામાં તેમણે જનમેદનીને સંબોધીને કહ્યું હતું, મેં તો પોતાનો નિર્ણય કરી લીધો છે. ભાઈ-ભાઈ વચ્ચે ચાલી રહેલી આ કત્લેઆમથી હિંદુસ્તાનની બરબાદી જોવા માટે હું જીવવા નથી માગતો. આ બધું જોયા પછી ઈશ્વર મને પાછો બોલાવી લે એવી પ્રાર્થના હું હરદમ કરતો રહું છું અને તમે બધા પણ મારી આ પ્રાર્થનામાં સામેલ થાઓ એવી મારી આપ સૌને વિનંતી છે.’ જેમને આપણે આપણા રાષ્ટ્રપિતા કહીએ છીએ, તેઓ એક એવા ભારતીય છે જેમનું નામ આજે પણ વિશ્વભરમાં આદર સાથે લેવામાં આવે છે એવી વ્યક્તિને પોતાના જ દેશમાં અને એ પણ આઝાદીનું સપનું સાકાર થઈ ગયા બાદ મૃત્યુની યાચના કરવી પડે એનાથી વધારે કરૂણ બાબત બીજી કઈ હોઈ શકે? જેમણે પોતાના જીવનના ૨૦૮૯ દિવસ આ દેશ માટે જેલમાં વીતાવ્યા, આપણને સ્વમાનપૂર્વક જીવતા શીખવ્યું, જે બ્રિટિશ સલ્તનત સામે એકલા અને અડીખમ ઊભા રહ્યા તે રાષ્ટ્રપિતાની હાલત આપણે શું કરી નાખી હતી? આનો જવાબ ૪થી ઑક્ટોબર ૧૯૪૭ના દિવસે ખુદ ગાંધીજીએ કહેલા શબ્દોમાં સાંભળીએ જ્યાં સુધી ગુલામ હતા એ સમય સુધી હું તમારા માટે કામનો હતો અને આઝાદ હિંદુસ્તાનમાં શું કોઈને મારી જરૂરત નથી?’ ગાંધીજીને લાગવા માંડ્યું હતું કે ભારત દેશના લોકો જે એક વખત તેમની એક હાકલ પર જીવ ન્યોચ્છાવર કરવા તૈયાર હતા તેમના માટે હવે તેઓ નિરર્થક, નક્કામા અને આઉટડેટેડ થઈ ગયા છે. કૌટુંબિક ભાવનાઓ અને મૂલ્યોની દુહાઈ દેતા આપણા દેશમાં આજે અનેક વૃદ્ધો જે લાગણી અનુભવે છે કંઈક એવી જ હાલત એ વખતે ગાંધીજીની કરી મૂકવામાં આવી હતી. આપણા સમાજમાં કોઈ વ્યક્તિ જીવનભર મહેનત કરીને પોતાના કુટુંબ માટે કમાઈ લાવે, બધાની જરૂરિયાતો પૂરી કરે ત્યાં સુધી બધા લોકો તેને ઈજ્જત અને આદર આપે છે પણ જે દિવસે તે નિવૃત્ત થઈ જાય કે તે કામ કરવાને લાયક ન રહે ત્યારે ઘણાં હિંદુસ્તાની ઘરોમાં તે માણસ નકામો લાગવા માંડે છે. તેના સક્રિય કાર્યકાળમાં જ્યારે ઘરમાં કોઈ તેમની સામે ઊંચા સાદે વાત કરવાની હિંમત નહોતું કરતું તેની સદંતર અવગણના થવા માંડે છે. બસ, જિંદગીના છેવટના વર્ષોમાં હિંદુસ્તાનીઓએ ગાંધીજી સાથે કંઈક આવો જ વ્યવહાર કર્યો હતો. બીજા બધાં તો ઠીક પણ ગાંધીજીના ડાબા અને જમણા હાથ સમા જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ પણ તેમની અવગણના કરી રહ્યા છે એવી પ્રતીતિ ગાંધીજીને થઈ રહી હતી. હિંદુસ્તાનને આઝાદી મળી એ દિવસોમાં ગાંધીજી બંગાળના નોઆખલીમાં એકલા પગપાળા ઘૂમી રહ્યા હતા અને હિંદુ-મુસ્લિમો વચ્ચે ચાલી રહેલા કોમી રમખાણોને કાબૂમાં લાવવા પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જવાહરલાલ નહેરુએ ગાંધીજીના આ પ્રયાસો અંગે નારાજગી વ્યક્ત કરતા હતું કે, મલમ લઈને ગાંધી હિંદના શરીર પર ઊઠી આવેલા ફોડલાઓની સારવાર કરવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યા છે એને બદલે તેમણે દેશના આખા શરીર પર આ ફોડલાઓ શા માટે ઊઠી આવ્યા છે એનું નિદાન કરવામાં ભાગ લેવો જોઈએ.’ ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકમાં આ નોંધ કરવામાં આવી છે. જવાહરલાલ નહેરુનો ગાંધીજીના વિચારો સાથે મતભેદ શરૂ થઈ ગયો હતો એ વાત લોર્ડ માઉન્ટબેટનના ધ્યાનમાં આવી હતી અને જ્યારે તેમને અહેસાસ થયો કે ગાંધીજી અને નેહરુ વચ્ચે વિચારભેદ શરૂ થઈ ગયા છે ત્યારે તેમને હાશકારો થયો હતો કારણ કે તેમને ખાતરી થઈ હતી કે હવે તેઓ આસાનીથી દેશના ભાગલાનો પ્રસ્તાવ મૂકી શકશે. દેશના ભાગલાનો વિરોધ કરનારો એ વખતે એકમાત્ર અવાજ હતો ગાંધીજીનો. નહેરુ અને સરદાર બંને ગાંધીજી સાથે આ મુદ્દા પર સહમત નહોતા અને એટલે તેમણે આ ભાગલા સ્વીકારવા પડ્યા હતા. ફ્રીડમ એટ મિડનાઈટ પુસ્તકમાં આ વિષયનો ઉલ્લેખ કરતા નોંધાયું છે કે હિંદુસ્તાન અખંડ રહે અને તેના ભાગલા ન પડે એના વિરોધમાં ગાંધીજી માત્ર એટલા માટે નહોતા કે તેમની પોતાના દેશ પ્રત્યે માત્ર કોઈ ગૂઢ ભક્તિ હતી, પરંતુ એના કારણે મારકાપ થશે અને પાડોશી બીજા પાડોશી પર હુમલો કરશે. ગાંધીજી એવું માનતા હતા કે જે ભૂલ કરવા માટે બધા કટિબદ્ધ છે એની કીમત તેમણે અનેક સદીઓ સુધી અને આવનારી અનેક પેઢીઓએ ચૂકવવી પડશે.’ જો કે કરૂણતા એ હતી આઝાદી પછી ગાંધીજીની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. ગાંધીજીએ ખુદ એ વખતે તેમના એક મિત્રને કહ્યું હતું કે, આ લોકો મને મહાત્મા કહેતા હતા પરંતુ મારી હેસિયત તેમના માટે એક ઝાડુવાળા જેટલી પણ નથી.’ છેવટના દિવસોમાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ વચ્ચે પણ અણબનાવ થઈ ગયા હતા. ગાંધીજી આ દિવસોમાં ખૂબ જ એકલતા અનુભવતા હતા. તેમની જીવનસંગિની કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈએ પણ આ પૃથ્વીના પટ પરથી વિદાય લઈ લીધી હતી. તેમનો સૌથી મોટો દીકરો હરિલાલ તો તેમનાથી બહુ દૂર થઈ ચૂક્યો હતો અને જેમને તેઓ સગા દીકરાથી પણ વિશેષ ગણતા હતા તે નહેરુ અને સરદાર વચ્ચે વૈચારિક મતભેદ વધી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓ કે સામાન્ય જનતા પણ તેમની વાત કાને ધરતી નહોતી. સ્વયં બાપુએ એ દિવસોમાં કહ્યું હતું, આજે મારી હાલત દીન છે. આજે કોણ મારી વાત સાંભળે છે? એક જમાનો હતો જ્યારે લોકો એ જ કરતા હતા જે હું કહેતો હતો.’ ગાંધી જયંતીના કે સ્વાતંત્રય દિવસ અથવા એવા કોઈ દિવસોએ કે પછી ચૂંટણી વખતે આપણે ગાંધીજીને યાદ કરતા હોઈએ છીએ પણ હકીકત એ છે કે ગાંધીજી જીવતા હતા ત્યારે જ આપણે વિસારે પાડી દેવાની શરૂઆત કરી દીધી હતી. |
Friday, October 3, 2014
સવાસો વર્ષ જીવવા માગતા ગાંધીજી ૭૮ વર્ષે મૃત્યુ માટે યાચના કરતા હતા! - ગીતા માણેક
Labels:
ગાંધીજી,
ગીતા માણેક
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment