.. |
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
૧૯૪૮માં
ગાંધીજીના અવસાન પછી ચાર વર્ષ બાદ બી.બી.સી.એ ગાંધીજી વિષે એક મોટો
રેડિયો-પ્રોગ્રામ આપવાનું નક્કી કર્યું અને એમની સાથે જીવેલી વ્યક્તિઓના
ટૂંકા ઈન્ટરવ્યૂ સાથે એ પ્રોગ્રામ તૈયાર કર્યો. એક જ વ્યક્તિ વિષે
બી.બી.સી.નો આ લાંબામાં લાંબો કાર્યક્રમ હતો. ત્રણ વર્ષ પછી પરિણામ એ
આવ્યું કે ૨૭ કલાકનું રેકોર્ડિંગ થયું હતું, ટેપની લંબાઈ સાડાપંદર માઈલ
જેટલી હતી, ૯૦ કલાકનું એડિટિંગ થયું હતું. ૭૮ ટેપો હતી. પણ આ પરિશ્રમ પછી
જે નિષ્પત્તિ થઈ એમાં ગાંધીજી વિષે ઘણી અંતરંગ માહિતી પ્રકાશમાં આવી હતી.
"ગાંધીના ગુજરાતમાં આવું થઈ શકે? જેવા બાલિશ પ્રશ્ર્નો પૂછનારાઓની આંખો પહોળી થઈ જાય એવું ગાંધીજીનું વ્યક્તિત્વ આ રેકોર્ડિંગમાંથી સાફ ઊભરે છે. ઉમાશંકર જોષી વારંવાર કટાક્ષમાં કહેતા અને એમાં સંપૂર્ણ સત્ય હતું. ગાંધીજી ગાંધીવાદી ન હતા! જેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે એ લોકો ગાંધીજીની સૌથી નિકટ હતા અને એમના પ્રતિભાવ હિંદુસ્તાનના મૌખિક ઈતિહાસનો એક અંશ બની જાય છે. કેટલીક માહિતી ખરેખર રોચક પણ છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સર્વપ્રથમ ૧૯૧૭માં બિહારમાં ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા. ગાંધીજી પ્રથમવાર અમદાવાદની ક્લબમાં આવ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ રમી રહ્યા હતા, અને એમની સાથે માવળંકર પણ હતા, જે પાછળથી લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. ઔંધના એક નાના દેશી રાજ્યના રાજપુત્ર આપા પંત ત્રણચાર વર્ષ પછી આશ્રમમાં બેહોશ થઈ ગયા ત્યારે ગાંધીજીએ આપા પંતને માંસાહાર કરવાનો આદેશ આપ્યો હતો અને લખ્યું હતું કે જો તમે શાકાહારી પ્રોટેઈન પચાવી ન શકતા હો તો તમારે માંસાહારી પ્રોટેઈન લેવું જ જોઈએ. તમારે માંસાહાર કરવો જ જોઈએ. (એક વાત એવી પણ છે કે અબ્દુલ ગફારખાન માટે પણ આવી વ્યવસ્થા થઈ હતી.) રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ માટે ગાંધીજી ઈંગ્લૅંડ ગયા ત્યારે બર્નાર્ડ શો અને ચાર્લી ચેપ્લીન ગાંધીજીને મળ્યા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જનરલ સ્મટ્સે ગાંધીજીને મળીને ૧૭ વર્ષ પહેલાં ગાંધીજીએ જેલમાં બનાવીને સ્મટ્સને ભેટ આપેલાં ચપ્પલ પાછાં આપ્યાં હતાં! ગાંધીજીને અમેરિકા આવવાનું આમંત્રણ અપાયું ત્યારે ગાંધીજીએ મજાકમાં કહ્યું હતું કે અમેરિકામાં ૨૪ કલાક પછી મને પ્રાણીબાગમાં મૂકી દેવામાં આવશે. ઈંગ્લૅંડમાં બે ડિટેક્ટિવો સાર્જન્ટ અવન્સ અને સાર્જન્ટ રોજર્સને ગાંધીજીની સાથે જ સતત રાખવામાં આવ્યા હતા, જેમની સાથે ગાંધીજીની એટલી મૈત્રી થઈ ગઈ હતી કે હિંદુસ્તાન આવ્યા પછી બ્રિટિશ માલની હોળી કરનાર ગાંધીજીએ એમને માટે ખાસ આગ્રહપૂર્વક સરસ ઈંગ્લિશ ઘડિયાળોની ભેટ મોકલી હતી. ડૉ. વેરીઅર એલવીને જ્યારે પોતાની ધર્મપરિવર્તન કરવાની ઈચ્છા વિષે લખ્યું ત્યારે ગાંધીજીએ એમને પોતાના જ ખ્રિસ્તી ધર્મમાં રહેવાની સ્પષ્ટ સલાહ આપી હતી. ગાંધીજી લંડનની રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ માટે સ્ટીમરમાં કૅબિન-બર્થમાં નહીં પણ ડેકના સામાન્ય પ્રવાસી તરીકે ગયા હતા, જ્યાં ખાવાનું, સૂવાનું, પ્રાર્થના કરવાનું, બધું ખુલ્લામાં હતું. બાળકોએ આવીને ગાંધીજીની રજા માગી કે અમે ડેક પર નાચી શકીએ છીએ ત્યારે ગાંધીજીએ કહ્યું કે મારી સૂવાની જગ્યાની આસપાસ તમે નાચી શકો છો, પણ મારા ઉપર નહીં નાચતા! લંડનથી પાછા ફરતાં સ્વિટ્ઝર્લેન્ડમાં ગાંધીજી પ્રખ્યાત ફ્રેંચ લેખક અને ગાંધીજીની જીવનકથા લખનારા રોમાં રોલાને મળ્યા હતા, જેમણે પિયાનો પર ગાંધીજીને બિટોવનની સિમ્ફની વગાડીને સંભળાવી હતી. રોમમાં ગાંધીજી વેટિકનમાં ગયા હતા, મીચેલ એન્જેલોનાં અમર ચિત્રો જોયાં પણ એમને સૌથી વધારે રસ પિત્તળના વિરાટ ક્રોસમાં પડ્યો હતો. એ ક્રોસની પાછળ જઈને જોઈ આવ્યા હતા, જ્યાં જવાની મનાઈ હતી. નોઆખાલી પાસેના ગામમાં ગાંધીજી એક ધોબીના ઘરમાં રહ્યાં હતાં, કેરોસીનના લાલટેનના અજવાળામાં પત્રો લખતા, રોજ સવારે પાંચ મિનિટ બંગાળી શીખતા, એક ગામથી બીજા ગામ સુધી માઈલો ઉઘાડા પગે ચાલતા. એક આંધળી વૃદ્ધાએ ગાંધીજીને કહ્યું હતું, હું તમને જોવા માગું છું, બાપુ! હું તમને હાથથી અડું! ગાંધીજીએ એ વૃદ્ધાનો હાથ પકડ્યો ત્યારે એમની આંખોમાં આંસુ હતાં. એ વખતે ગાંધીજી ૭૭ વર્ષના હતા. ગાંધીજીની અંગ્રેજ શિષ્યા મીરાંબહેન ઉર્ફ માર્ગરેટ સ્લેડે કહ્યું છે કે ગાંધીજીનો નિર્ણય હતો કે કૂતરાઓ મારી નાખવામાં અહિંસાના સિદ્ધાંતનું કોઈ ઉલ્લંઘન ન હતું. આશ્રમમાં એક વાછરડાંના શરીરમાં કીડા પડી ગયા, અને રોગ અસાધ્ય બની ગયો ત્યારે ગાંધીજીએ એ વાછરડાંને મારી નાખવાની અનુમતિ આપી હતી. મીરાંબહેને વર્ણન કર્યું છે કે બાપુ ઝૂક્યા, વાછરડાંનો આગલો પગ હાથમાં લીધો, ડૉક્ટરે એની પાંસળીઓમાં એક ઈંજેક્શન આપ્યું, એક ઝટકો લાગ્યો, અને વાછરડું મરી ગયું. બાપુ એક શબ્દ બોલ્યા નહીં, વાછરડાંના મોઢા પર એક કપડું ઢાંકીને ચાલ્યા ગયા. આ ઘટનાની બહુ તીવ્ર પ્રતિક્રિયા આવી. રેહાના તૈયબજીએ કહ્યું કે બાપુએ મને એક પત્ર બતાવ્યો જે એક જૈન મિત્ર તરફથી આવ્યો હતો, લખ્યું હતું: ગાંધી, તમે વાછરડું મારી નાખ્યું છે. તમે ગૌહત્યા કરી છે, જો હું બદલામાં તમારી હત્યા ન કરું તો હું જૈન નથી. ડૉ. ઝાકિર હુસેન કહે છે કે ગાંધીજી હંમેશને માટે રેંટિયો વપરાય એમ ઈચ્છતા ન હતા. ગાંધીજી એ મશીનના વિરોધી હતા જે મનુષ્યનું શોષણ કરે છે. જે વિરાટ મશીનોનો કોઈ માલિક નથી એ મશીનોના ગાંધીજી વિરોધી હતા. એ કહેતા કે જે મશીનનો માણસ પોતે માલિક બની શકે, વાપરી શકે એ આદર્શ મશીન હતું. (આજનાં કૉમ્પ્યુટરો માટે ગાંધીજીનો કદાચ વિરોધ ન હોત!) જેલમાં ગાંધીજીની પાછળ પ્રતિમાસ બ્રિટિશ સરકાર ૧૫૦ રૂપિયા ખર્ચ કરતી હતી ત્યારે જેલ સુપરિન્ટેન્ડન્ટે ઉપરી અધિકારીઓને લખ્યું કે આવા મહાન પુરુષ માટે સરકારે વધારે ખર્ચ કરવો જોઈએ. ગાંધીજીને ખબર પડી ત્યારે એમણે કહ્યું કે આ પૈસા ઈંગ્લૅંડથી આવતા નથી, મારા દેશવાસીઓના ખિસ્સામાંથી આવે છે. મારી પાછળ મહિને ૩૫ રૂપિયાથી વધારે તમે ખર્ચો એવું હું ઈચ્છતો નથી. ગાંધીજી માનતા કે અંકુશો વ્યક્તિના પ્રયત્નો અને જવાબદારીને રૂંધી નાંખે છે. ગાંધીજીની હત્યાની આગલી સાંજે, જાન્યુઆરી ૨૯, ૧૯૪૮ને દિવસે ઈંદિરા (ગાંધી) એમના નાનકડા પુત્ર રાજીવને લઈને ગાંધીજીને મળવા ગયાં હતાં. ઈંદિરા ગાંધી કહે છે કે બાપુ મારા નાના છોકરા સાથે રમવા લાગ્યા. અમે ગોળાકાર બનાવેલો એક ફૂલગુચ્છ લઈને બાપુ પાસે ગયાં હતાં, જે વાસ્તવમાં વાળમાં નાખવા માટે હતો. બાપુએ મારા દીકરા રાજીવને પૂછ્યું કે આ ફૂલો હું ક્યાં લગાવું? મારા માથા પર પહેરી લઉં? મારા દીકરાએ બાપુને કહ્યું: માથા પર તમે કેવી રીતે લગાવશો? તમારે વાળ તો છે જ નહીં? દાંડીકૂચ માટે એક પણ સ્ત્રીને પસંદ કરવામાં આવી ન હતી. અને દરેક આશ્રમવાસીએ ડાયરી લખવાની હતી. દાંડીકૂચ પછી ગાંધીજીને પકડવા માટે પુલિસ આવી ત્યારે ૧૮૨૭ના ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાનૂન નીચે વૉરંટ જારી થયું હતું. ગાંધીજીએ પુલિસની રજા લઈને બાવળનું દાતણ લઈને દાતણ કરવું શરૂ કર્યું હતું અને પુલિસને વૉરંટ વાંચવાની વિનંતી કરી હતી...! |
Friday, October 3, 2014
ગાંધીજી, જે ગાંધીવાદી ન હતા. - ચંદ્રકાંત બક્ષી
Labels:
ગાંધીજી,
ગાંધીવાદી,
ચંદ્રકાંત બક્ષી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment