ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
૧૯૩૭થી
૧૯૪૮ વચ્ચેના ગાળામાં કુલ પાંચ વખત ગાંધીજીનું નામ શાંતિ માટેના નોબેલ
પ્રાઈઝ માટે નોમિનેટ કરવામાં આવ્યું હતું, પણ સૌને ખબર છે એમ ગાંધીજીને
ક્યારેય નોબેલ ઈનામ મળ્યું નહોતું. ૨૦૦૬માં નોર્વેજિયન નોબેલ કમિટીના
સેક્રેટરી ગેર લુંડસ્ટાડે જાહેરમાં ક્ધફેસ કર્યું હતું, ‘અમારા ૧૦૬ વર્ષના
ઈતિહાસમાં અમે સૌથી મોટી ભૂલ મહાત્મા ગાંધીને અવગણીને કરી છે. ગાંધીને
નોબેલ પીસ પ્રાઈઝ મળે કે ન મળે એને કારણે એમની પ્રતિભા ઓછી નથી થઈ જતી (આમ
છતાં અમારે પક્ષે એ ભૂલ કહેવાય જ) અને ૧૯૪૮માં ગાંધીના અવસાન બાદ નોબેલનું
શાંતિનું ઈનામ કોઈનેય નહીં આપીને સમિતિએ પોતાની ભૂલ સુધારી લેવાનો (ઝાંખો
પાંખો) પ્રયત્ન તો કર્યો જ હતો.’
નોબેલ પ્રાઈઝ વ્યક્તિના મૃત્યુ પછી અપાતાં નથી, ભારતરત્ન અપાય છે. ૧૯૪૮માં નોબેલ પીસ પ્રાઈઝની સમિતિએ આ ઈનામ કોઈનેય નહીં અપાય એવી જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે આ વર્ષે કોઈ પણ ‘હયાત વ્યક્તિ’ આ ઈનામને લાયક ઠરતી નથી. નોબેલ ઈનામો અમેરિકનોને, જયુઝ (યહૂદીઓ)ને અને હમણાંથી ઈસ્લામ કે મુસ્લિમ વિરોધી કાર્ય કરનારાઓને વધારે મળે છે એવું આંકડાઓ કહે છે. નોબેલની કક્ષાના કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય ઈનામોની બાબતમાં એક સત્ય જાણી લેવું જોઈએ કે આવાં ઈનામોની વિશ્ર્વસનીયતા બાંધવા માટે જેઓ ખરેખર એના હક્કદાર હોય એમને ક્યારેક ક્યારેક આવાં ઈનામો આપવામાં આવે છે. ક્રેડિબિલિટી ઊભી કરવા આ જરૂરી છે. એ પછી જ્યારે મોકો ઊભો થાય ત્યારે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ વાળા કે લાગવગિયાઓને ઘુસાડી દેવામાં આવે. દાખલા તરીકે ગુજરાતીમાં સાહિત્યનું કોઈ ઊચ્ચ પારિતોષિક મેળવનારાઓની યાદીમાં ઉમાશંકર જોષી, પન્નાલાલ પટેલ કે પછી લાભશંકર ઠાકર અને રમેશ પારેખનાં નામ તમે જુઓ એટલે પ્રભાવિત થઈ જાઓ. પણ આ જ પારિતોષિક કોઈ માવજીભાઈ કે લલ્લુભાઈ કે પંજુભાઈને પણ અપાતું હોય છે. પારિતોષિકની વેલ્યુ વધારવા ઉમાશંકર, પન્નાલાલ વગેરે જરૂરી હતા એટલે એમને એ ઈનામ અપાયાં. ઉમાશંકર વગેરેને તો આવાં પારિતોષિકો ન મળે તોય એમની સર્જનગુણવત્તા કે લોકપ્રિયતા સહેજ પણ ઘટતાં નથી, પણ નિર્ણાયક સમિતિ અને પારિતોષિક આપનાર સંસ્થાને પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ માટે માવજીભાઈ કે લલ્લુપંજુને ઈનામ આપવામાં વધારે રસ હોય છે. નોબેલ પારિતોષિકો આપવામાં કેવા કેવા ગોટાળો થાય છે એની વાત લાંબી છે અને ઘણી મઝાની છે. ૧૯૪૫માં, જર્મનીની હાર પછી નોબેલ પીસ પ્રાઈઝ માટે બ્રિટનના તે વખતના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું નામ નોમિનેટ થયું હતું. યુદ્ધખોર ચર્ચિલનું નામ શાંતિનું નોબેલ પ્રાઈઝ આપવા માટે નોમિનેટ થાય એ જ મોટી નવાઈ. જો કે, એ વર્ષે નહીં પણ ૧૯૫૩માં ચર્ચિલને નોબેલ ઈનામ આપવામાં આવ્યું અને તે પણ શાંતિ માટે નહીં, સાહિત્ય માટે! સાહિત્ય માટે કેમ? તો કહે એમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે અને ‘ધ સેક્ધડ વર્લ્ડ વૉર’ વિશે એમણે લખેલા છ ગ્રંથ જગમશહૂર થયા છે. લો કરો વાત. એ તો ઈતિહાસ કહેવાય, હિસ્ટરી. એને લિટરેચર થોડું કહેવાય. (આવું જ જોકે, ગુજરાતી ભાષામાં પણ બન્યું હતું. દિલ્હીની સાહિત્ય અકાદમીએ ગાંધીજીના સેક્રેટરી મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈને ‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’ નામના પુસ્તક માટે ઍવાર્ડ આપ્યો હતો. પુસ્તક સુંદર છે અને જીવનકથા એ સાહિત્યનો જ એક પ્રકાર છે. આ પુસ્તકમાં મહાદેવભાઈની બાયોગ્રાફી છે, પણ નારાયણ દેસાઈ કોઈ સાહિત્યકાર નથી અને આ ઍવૉર્ડ ડિઝર્વ કરે એવા બીજા ડઝનબંધ સિનિયર સાહિત્યકારો તે વખતે હયાત હતા પણ એ સૌને અવગણીને વેસ્ટેડ ઈન્ટરેસ્ટવાળી નિર્ણાયક સમિતિએ ચર્ચિલભાઈની જેમ નારાયણભાઈને નવાજવાનું નક્કી કર્યું હતું.) નોબેલ પ્રાઈઝ કેવી કેવી વ્યક્તિઓને પણ મળ્યાં છે, ખબર છે? ૧૯૧૮માં કેમિસ્ટ્રીનું નોબેલ ઈનામ ફ્રિટ્ઝ હેબરને મળ્યું હતું જેનો વિવાદ તે વખતે પણ ખૂબ ચગ્યો હતો અને આજ દિન સુધી નોબેલ ઈનામ માટેનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો આ જ રહ્યો છે કે જેણે પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમ્યાન ઝેરી ગૅસની શોધ કરવામાં મદદ કરી, માનવજાતનો એક સાથે લાખોની સંખ્યામાં સંહાર કરી શકાય એવા પોઈઝનસ વાયુની શોધ કરવામાં ભાગ લીધો એ માણસને નોબેલ લોરિયેટ કહેવો કે મહારાક્ષસ. કેમિસ્ટ્રીમાં જેમને રસ હશે કે ગતાગમ પડતી હશે એમને કાર્બન એસિમિલેશન વિશે જાણકારી હશે (આપણને એમાં રસ પણ નથી, ગતાગમ તો આટલીય નથી પડતી). ૧૯૬૧માં આ બાબતે મેલ્વિન કેલ્વિનને નોબેલ મળ્યું પણ એની સાથેના બીજા બે સંશોધકોને બિલકુલ ઈગ્નોર કરવામાં આવ્યા. આજની તારીખે ઘણા બોટનિસ્ટ અને બાયોલોજિસ્ટ કૅલ્વિન - બેન્સન - બૅશમ (સીબીબી) સાયકલ તરીકે જેને ઓળખે છે તે સંશોધનમાં એન્ડ્રુ બેન્સન તથા જેમ્સ બૅશમનો એકડો નોબેલ સમિતિએ સાવ કાઢી નાખ્યો. મેલ્વિન કેલ્વિને પણ નોબેલ વિજયના દાયકાઓ પછી લખેલી આત્મકથા ‘ફૅલોઇંગ ધ ટ્રેઈલ ઑફ લાઈટ’માં પોતાની સાયન્ટિફિક જર્નીમાં એન્ડ્રુ બેન્સનના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી કર્યો. મેલ્વિન કૅલ્વિન કરતાં ગેર્હાર્ડ ઍર્ટલનો સ્વભાવ સાવ જુદો. ૨૦૦૭માં એને કૅટેલિટિક ઈફેક્ટ્સ ઑફ મેટલ સરફેસીઝના વિષયે સંશોધન માટે કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એણે આશ્ર્ચર્ય અને નારાજગી વ્યક્ત કર્યાં, કારણ કે આધુનિક સરફેસ સાયન્સ અને કૅટેલિસિસના ક્ષેત્રે જેમણે પાયાનું કામ કર્યું હતું એ ગેબોર સોમોર્જાઈની નોબેલ સમિતિએ ઘોર અવગણના કરી હતી. હાલાકિ સોમોર્જાઈ અને ઍર્ટલને ૧૯૯૮માં કૅમિસ્ટ્રીનું એક અન્ય મહાપારિતોષિક સંયુક્તપણે અપાઈ ચૂક્યું હતું. સરફેસ સાયન્સના નિષ્ણાતોએ સોમોર્જાઈને એ નોબેલના આધા હિસ્સા માટે શા માટે લાયક ન ગણ્યા તે માટે ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આજ દિન સુધી એ રહસ્ય છે કે સમિતિએ આવું શું કામ કર્યું. ૨૦૦૮ના કૅમિસ્ટ્રી માટેના નોબેલ ઈનામ માટે પણ વિવાદ થયો હતો. ગ્રીન ફલોરસન્ટ પ્રોટીન અંગેના સંશોધન માટે ઓસામુ શિમોમુરા, માર્ટિન શાલ્ફી અને રોજર વાય. સીનને સહિયારું ઈનામ મળ્યું. આ વિષયમાં પાયાનું કામ કરનારા વૈજ્ઞાનિક - સંશોધક ડગ્લાસ પ્રાશરને અવગણવામાં આવ્યા. તે વખતે ત્રણમાંના એક વિજેતા માર્ટિન શાલ્ફીએ જાહેર નિવેદનમાં કહ્યું હતું, ‘અમે લોકોએ અમારી લૅબમાં જે કામ કર્યું તે કામના પાયામાં ડગ્લાસ પ્રાશરે સંશોધન કર્યું હતું. નોબેલ સમિતિએ ડગ્લાસ પ્રાશર અને મારા બીજા બે સાથીઓને (જેમને ઈનામ મળ્યું છે) નોબેલ આપીને, મને બાકાત કર્યો હોત તો કોઈ જ વાંધો નહોતો. પોતાની સિદ્ધિઓની ઘોર અવગણના થયા પછી ડગ્લાસ પ્રાશર પોતાના ક્ષેત્રની બહાર ફેંકાઈ ગયો. ૨૦૦૮ પછી અમેરિકાના અલબામા રાજયના હન્ટ્સવિલ શહેરમાં એણે શટલ બસના ડ્રાયવર તરીકેની નોકરી કરીને ગુજરાન ચલાવવું પડ્યું. ત્રિપુટીમાંના રોજર વાય. સીન ઘણા વખતથી ડગ્લાસ પ્રાશરનું નામ આગળ ધર્યા કરતો હતો. પ્રાશરની ઍકેડેમિક કરિયર સ્થગિત થઈ ગઈ ત્યારે સીને એને જૉબ પણ ઑફર કરી હતી. છેવટે ૨૦૧૩માં પ્રાશરે સીનની લૅબમાં જૉબ લીધી. ઈકોનોમિક્સનું નોબેલ પ્રાઈઝ આલ્ફ્રેડ નોબેલના વિલમાં નહોતું લખ્યું પણ છેક ૧૯૬૯માં બૅન્ક ઑફ સ્વીડને નોબેલ પરિવારની સાથે રહીને શરૂ કર્યું. ઘણા લોચા છે એમાં. આ નવુંસવું નોબેલ ઈનામ અત્યાર સુધીના પિસ્તાળીસ વર્ષમાં નવ-નવ વખત યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસરોને ફાળે ગયું છે. ૨૦૦૮માં અમેરિકનોની નજરમાંથી ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ સાવ ઊતરી ગયા હતા. બુશ વિરોધીઓને ખુશ કરવા એ વર્ષે આ ઈનામ બુશના કટ્ટર ટીકાકાર પૉલ ક્રુગમૅનને અપાયું. રસેલ ક્રોવાળું ‘બ્યુટિફુલ માઈન્ડ’ પિક્ચર જેમના પરથી બન્યું તે જહૉન ફૉર્બ્સ નૅશ તથા અન્યોને ૧૯૯૪માં આ નોબેલ મળ્યું ત્યારે એવડી મોટી કોન્ટ્રોવર્સી થઈ ગઈ કે નિર્ણાયક સમિતિના આજીવન સભ્યોની મુદત ત્રણ વર્ષમાં જ પૂરી કરી નાખવામાં આવી અને ઈકોનોમિક્સના આ નોબેલ ઈનામ માટે ભવિષ્યમાં પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી અને સોશ્યોલોજી જેવાં અર્થશાસ્ત્ર સાથે દૂરનો નાતો ધરાવતાં ક્ષેત્રોને પણ આવરી લેવાશે એવી ઘોષણા કરવી પડી. શાંતિનું નોબેલ પ્રાઈઝ પહેલેથી જ ચૂંથાયેલું રહ્યું છે તે આપણે ગાંધીજીની બાબતમાં જોઈ ગયા. શાંતિનું નોબેલ પ્રાઈઝ એક ઘણું મોટું પોલિટિકલ વેપન છે. મધર ટેરેસા નો ડાઉટ સારું કામ કરતાં હતાં કલકત્તામાં. મધર ટેરેસા જેવું કામ કરનારી પરગજુ ભારતીય મહિલાઓ ભારતમાં ઘણી છે. યુરોપ-અમેરિકાના ગરીબ-પછાત-કાળિયાઓ માટે પણ આવું જ કામ કરતી અનેક મહિલાઓ છે. મધર ટેરેસાને શાંતિનું નોબેલ આપીને એક કાંકરે બે પંખી મારવામાં આવ્યાં. ભારત ગરીબ દેશ છે એવું દુનિયાભરમાં હાઈલાઈટ થાય એટલું જ નહીં જ્યાં સુધી નોબેલ ઈનામો અપાતાં રહેશે ત્યાં સુધી આ રેકૉર્ડ રહે. જાણે અમેરિકામાં કાળિયાઓ ઈવન ધોળિયાઓ બધા જ સુખી-પૈસાદાર છે, જાણે એ લોકોને ત્યાં બધાયને માંદગીમાં સારવાર મળી રહે છે, કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતું નથી. બીજી વાત એ હાઈલાઈટ થાય કે ભારત જેવા પછાત દેશને ગરીબોના ઉદ્ધાર માટે ગોરી મહિલાની અને વિદેશી ફંડ્સની જરૂર પડે છે. એક તોતિંગ રાષ્ટ્રને ઈકવેડોર, વેનેઝુએલા કે નાઈજીરિયા જેવા દેશ તરીકે ચીતરવામાં મધર ટેરેસાને હાથો બનાવવામાં આવ્યાં, જે તેઓ ખુશીખુશી બની ગયાં. ચીન એક જુલમી દેશ છે એવો આંતરરાષ્ટ્રીય પ્રચાર કરવા માટે દલાઈ લામાને ૧૯૮૯નું શાંતિનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. શાંતિના નોબેલ પ્રાઈઝ વિશેની મુદ્દાની વાત વિસ્તારપૂર્વક કરતાં પહેલાં આજે બીજી થોડીક વાત કરી લઈએ. સાહિત્યના નોબેલ ઈનામની. ઈરવિંગ વૉલેસની નોબેલ ઈનામો પરની નવલકથા ‘ધ પ્રાઈઝ’ કેવી રીતે લખાઈ એ વિશે વૉલેસે ‘ધ રાઈટિંગ ઑફ વન નૉવેલ’ પુસ્તક લખ્યું છે એની વાત આવી ગઈ. પુસ્તક પણ મારા હાથમાં આવી ગયું. ઈરવિંગ વૉલેસ નોબેલ પારિતોષિકોની નિર્ણાયક સમિતિના એક સિનિયર સભ્ય ડૉ. સ્વેન હેડિનને મળ્યા (કેવી રીતે એની વાત ઘણી ઈન્ટરેસ્ટિંગ છે પણ લાઈફમાં એવી તો ઘણી બધી ઈન્ટરેસ્ટિંગ વાતો હોય છે જે કહેવાનો વખત, મોકો કે જગ્યા નથી મળતાં.) ડૉ. હેડિન સ્વીડનમાં રહેતા અને જર્મનીના હિટલરના જબરદસ્ત સપોર્ટર. હિટલર જ નહીં, હિટલરના સાથીઓ - ગોબેલ્સ, હિમલર, ગોરિંગ - બધાને ઓળખતા અને એ બધાના પ્રશંસક. ડૉ. હેડિન ધારે ત્યારે ફોન કરીને હિટલરને મળવા જર્મની જઈ શકતા. મઝાની વાત એ છે કે ડૉ. હેડિન એક નહીં ત્રણ-ત્રણ નોબેલ પ્રાઈઝ નિર્ણાયક સમિતિના સભ્ય હતા. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને લિટરેચર. એક વ્યક્તિમાં ત્રણ-ત્રણ વિષયોનું એવું તે કેટલું જ્ઞાન હોવાનું કે આવડું મોટું ઈનામ કોને આપવું તે નક્કી કરી શકે. ઈરવિંગ વૉલેસે ડૉ. હેડિન સાથેની મુલાકાતમાં અનુભવ્યું કે ‘આ માણસમાં તો ભારોભાર પ્રેજ્યુડિસ છે, આ વળી કેવી રીતે તટસ્થતાપૂર્વક કોઈ પણ બાબતે વિચારી પણ શકે.’ ડૉ. હેડિને ઈરવિંગ વૉલેસને વાતવાતમાં કહ્યું, ‘પર્લ બક (ચીની લેખિકા)ને નોબેલ આપવાની આઠ સભ્યો ના પાડતા હતા. મારા સહિત બે જ જણ પર્લ બકની તરફેણમાં હતા. છેવટે મારું ધાર્યું થયું અને પર્લ બકને નોબેલ મળ્યું... પર્લ બક અને એના હસબન્ડે મારું છેલ્લું પુસ્તક (‘ચ્યાંગકાઈ-શેકની જીવનકથા’) પ્રગટ કર્યું અને મને મામૂલી રૉયલ્ટી આપી. વિચાર કરો, મેં એને નોબેલ અપાવ્યું તો પણ.’ ઈરવિંગ વૉલેસે પૂછયું મૅક્સિમ ગૉર્કી જેવા મહાન લેખકને કેમ નોબેલ ન મળ્યું. હેડિન કહે, એ વહેલા ગુજરી ગયા, બાકી ઘણી વખત એમનું નામ યાદીમાં દેખાતું હતું. (ગૉર્કી ૬૮ વર્ષની વયે ૧૯૩૬માં ગુજરી ગયા. તે જમાનામાં એટલી ઉંમર પાકટ ગણાતી, ૬૦ પછી માણસ ખર્યું પાન ગણાતો.) ઈરવિંગ વૉલેસે પૂછયું એચ. જી. વેલ્સને કેમ ક્યારેય નોબેલ ન આપ્યું તમે લોકોએ? ડૉ. હેડિન કહે એ તો બહુ માઈનોર લેખક કહેવાય અને સાવ જર્નાલિસ્ટિક લખાણ હતું એનું. લો બોલો, ‘ટાઈમ મશીન’, ‘ધ ફર્સ્ટ મેન ઓફ ધ મૂન’, ‘ઈન્વિઝિબલ મૅન’, ‘ધ વૉર ઑફ ધ વર્લ્ડ્ઝ’ જેવી અડધો ડઝન ક્લાસિક્સ સહિત કુલ ચારેક ડઝન પુસ્તકો લખનારો લેખક નોબેલ પારિતોષિક સમિતિના સિનિયર નિર્ણાયક માટે માઈનોર, મામૂલી લેખકિયો હતો. વેલ્સ ૧૯૪૬માં ગુજરી ગયા. પછી વૉલેસે પૂછયું, ‘ડબ્લ્યુ. સમરસેટ મૉમને નોબેલ કેમ નહોતું મળ્યું.’ મૉમ, વેલ્સ, ગૉર્કી - આ બધા લેખકો જ્યારે લખતા હતા ત્યારે લિટરેચરનું નોબેલ નક્કી કરનારી સમિતિમાં ડૉ. હેડિન રહેતા એટલે ઈરવિંગ વૉલેસે આ વર્ટિક્યુલર લેખકો વિશે સવાલો કર્યા હતા. ‘ઑફ હ્યુમન બૉન્ડેજ’ જેવી સદાબહાર નવલકથા ઉપરાંત અનેક ટૂંકી વાર્તા, નાટકો અને બીજું ચિક્કાર લેખન કરીને ૯૧ વર્ષની વયે ૧૯૬૫માં મૃત્યુ પામેલા વિલિયમ સમરસેટ મૉમ વિશે ડૉ. હેડિનનો શું અભિપ્રાય હતો? ‘એ તો બહુ પૉપ્યુલર કહેવાતી અને લિટરેચરમાં ખાસ નોંધપાત્ર પ્રદાન નહીં.’ છેવટે ઈરવિંગ વૉલેસે પૂછયું, ‘અને જેમ્સ જોય્સને કેમ ન મળ્યું?’ ડૉ. હેડિન ઉવાચ: જેમ્સ જોય્સ વળી કોણ છે?’ ગુજરાતી સાહિત્યનું મસમોટું ઈનામ આપતી નિર્ણાયક સમિતિના સભ્ય પૂછે કે ‘રમેશ પારેખ? એ વળી કોણ?’ એવો આ ઘાટ થયો. ડૉ. કાર્લ ડેવિડ અફ વર્સન નામના વિવેચક કમ કવિ લિટરેચરનું નોબેલ પ્રાઈઝ આપવાની નિર્ણાયક સમિતિના સભ્ય હતા. આ એક જજને કારણે તોલ્સ્તોય, ઈબ્સન અને સ્ટ્રિન્ડબર્ગ જેવા ત્રણ-ત્રણ મહાન સાહિત્યકારો નોબેલથી વંચિત રહી ગયા. તોલ્સ્તોયે એક વખત કહ્યું હતું કે કોઈપણ પ્રકારના ઈનામની રકમ કળાકારની સર્જકતા માટે હાનિકારક છે. વર્સન મહાશયને આ વાત ચૂભી ગઈ હતી અને એમણે તોલ્સ્તોયની વિરુદ્ધ મત પડે એવો પ્રચાર શરૂ કર્યો હતો. ‘ડૉલ્સ હાઉસ’ જેવું લેન્ડમાર્ક નાટક (જેના વિશે બે સપ્તાહ પહેલાં તમે મંગળવારની ‘મેન-ટુ-મેન’ કોલમમાં વાંચી ગયા) જેણે લખ્યું તે હેન્રિક ઈબ્સન, જે સાહિત્યમાં વાસ્તવિકતાનો અને મોડર્ન થિયેટરનો પિતામહ ગણાતો (અને શેક્સપિયર પછી જો કોઈનાં નાટકો સૌથી વધુ ભજવાતાં હોય તો તે ઈબ્સનનાં) એ ઈબ્સન વિશે વર્સન મહાશયનો ઓપિનિયન હતો કે છેલ્લાં ૧૧ વર્ષમાં એણે કશું વર્થવાઈલ લખ્યું છે જ ક્યાં? સ્વીડિશ લિટરેચરનો નર્મદ ગણાતો ઑગસ્ટ સ્ટ્રિન્ડબર્ગ વર્સન મહાશયને નહોતો ગમતો કારણ કે સ્ટ્રિન્ડબર્ગે એકવાર કહ્યું હતું કે ‘હું માત્ર ઍન્ટી-નોબેલ પ્રાઈઝ જ સ્વીકારીશ. આ જ રીતે આન્દ્રે જિદને હોમોસેકસ્યુઅલ હોવાને કારણે વર્ષો સુધી અવગણવામાં આવ્યા. આલ્બર્ટ આઈન્સ્ટાઈને થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી. એના ઘણા વખત બાદ નોબેલથી નવાજવામાં આવ્યા. શું કામ? ફિલિપ લેનાર્ડ નામના જર્મન સાયન્ટિસ્ટ અને જાણીતા નોબેલ વિજેતા યહૂદીઓની ખિલાફ હતા. ફિલિપ લેનાર્ડની વગ નોબેલ નિર્ણાયક સમિતિ પર ખૂબ મોટી હતી. ફિલિપ લેનાર્ડ આ સમિતિના સભ્યોને સમજાવ્યા કરતો કે થિયરી ઓફ રિલેટિવિટી કોઈ શોધ છે જ નહીં અને એ ક્યારેય પુરવાર થઈ નથી અને એનું કોઈ મહત્ત્વ જ નથી. સાત વર્ષ સુધી આઈન્સ્ટાઈનને અવગણવામાં આવ્યા પછી ૧૯૨૧માં થિયરી ઓફ રિલેટિવિટી કરતાં ઊતરતી કક્ષાના એમના સંશોધન (ફોટોઈલેક્ટ્રિક ઈફેક્ટ) માટે એમને નોબેલથી નવાજવામાં આવ્યા. ૧૯૪૫માં ગેબ્રિયેલા મિસ્ત્રલ નામનાં બી ગ્રેડ ક્વયિત્રીને સાહિત્યનું નોબેલ એટલા માટે મળ્યું કે હેયલ્મર ગલબર્ગ નામના એક કવિ જે નોબેલની નિર્ણાયક સમિતિમાં હતા એમણે ગેબ્રિયેલાની કવિતાના પ્રેમમાં પડીને ગેબ્રિયેલાનું તમામ સર્જન સ્વીડિશમાં ટ્રાન્સલેટ કરી નાખ્યું હતું અને ગલબર્ગે બાકીના સભ્યોને મનાવ્યા કે ગેબ્રિયેલા જ આ વર્ષે ઈનામની હક્કદાર છે. એ વર્ષે ‘સિદ્ધાર્થ’ નવલકથાના લેખક હર્મને હેસ અને કાર્લ સેન્ડબર્ગ સહિત કુલ ચાર દિગ્ગજ સાહિત્યકારો રેસમાં હતા પણ ઈનામ ગેબ્રિયેલાકાકી લઈ ગઈ. આ બધી વાતો ડૉ. સ્વેન હેડિને ઈરવિંગ વૉલેસને કહી જે વૉલેસે ‘ધ રાઈટિંગ ઓફ વન નોવેલ’માં નોંધી છે. વૉલેસ લખે છે કે આવી ચોંકાવનારી વાતો સાંભળીને એક તબક્કે મને લાગ્યું કે ડૉ. હેડિન ૮૧ વર્ષના છે અને ઉંમરને કારણે સેનાઈલ થઈ ગયા હશે, એમની સ્મૃતિ ઝાંખી થઈ ગઈ હશે કે પછી જૂની ગૉસિપ ઉખેળીને આવી બધી વાતો કરતા હશે. ઈરવિંગ વૉલેસે ડૉ. હેડિનના બે તબક્કે થયેલા ઈન્ટરવ્યૂમાં જાણવા મળેલી આ બધી વાતો ક્ધફર્મ કરવાનું નક્કી કર્યું. ડૉ. હેડિન અને નોબેલ ફાઉન્ડેશન ઉપરાંત બીજી સંસ્થાઓની મદદથી તેમ જ સ્ટોકહોમમાં બનાવેલા કેટલાક મિત્રોની સહાયથી ઈરવિંગ વૉલેસે ચાર વિવિધ કેટેગરીમાં નોબેલ ઈનામો આપતી નિર્ણાયક સમિતિઓના કુલ છ સભ્યોને મળવાનું ગોઠવ્યું. સ્વીડિશ ઍકેડેમીના સેક્રેટરી ડૉ. ઑસ્ટરલિન્ગ આ છમાંના એક હતા. વીસ વર્ષ કરતાં વધુ સમયથી લિટરેચરની નોબેલ નિર્ણાયક સમિતિના સભ્ય હતા. આ એ જમાનો હતો (૧૯૪૬)નો જ્યારે રશિયામાં રહેતા કોઈ લેખક-કવિને સાહિત્યનું નોબેલ ઈનામ મળ્યું નહોતું (બોરિસ પાસ્તરનાકને ‘ડૉ. ઝિવાગો’ માટે ૧૯૫૮માં નોબેલ મળ્યું). તે વખતે સ્વીડનના તાકાત વર પાડોશી અને બિગ બ્રધર રશિયા સામે નોબેલ સમિતિ બહુ કતરાતી હતી. આને લીધે એન્તોન ચેખોવ, લેવ તોલ્સ્તોય, મેક્સિમ ગોર્કી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનારા રશિયન સાહિત્યકારોની એ ગાળામાં ઘોર અવગણના થઈ. ૧૯૪૬ સુધીમાં માત્ર એક જ રશિયન રાઈટરને નોબેલ મળ્યું હતું. ૧૯૩૩માં ઈવાન બુનિન નામના કોઈ ફાલતું રાઈટરને નોબેલ આપવામાં આવ્યું જેની સૌથી મોટી સિદ્ધિ લૉન્ગફેલોના ‘ધ સૉન્ગ ઓફ હિયાવથા’નો રશિયનમાં અનુવાદ કરવાની હતી. આવા માણસને કેમ નોબેલ મળ્યું? ઈરવિંગ વૉલેસના આ સવાલના જવાબમાં ડૉ. ઓસ્ટરલિન્ગે કહ્યું: ‘ચેખોવ અને તોલ્સ્તોયને નોબેલ ન આપ્યું એ માટે અમને ગિલ્ટી ફીલ થતું હતું એટલે...’ ડૉ. ઑસ્ટરલિન્ગે કહ્યું કે પર્લ બકને નોબેલ આપવાની તેઓ ખિલાફ હતા એટલું જ નહીં રોબર્ટ ફ્રોસ્ટ અને અપ્ટન સિન્કલેર જેવા તોતિંગ કક્ષાના સાહિત્યકારોને નોબેલ ન મળે એમાં એમનો (ડૉ. ઑસ્ટરલિન્ગનો) મોટો હાથ હતો. મઝાની વાત એ છે કે થોમસ વૂલ્ફ અને જેમ્સ જોય્સને નોબેલ ન મળ્યું કારણ કે એમનાં નામ ક્યારેય શોટ લિસ્ટ કરવામાં જ નહોતાં આવ્યાં. ડૉ. ઑસ્ટરલિન્ગે બીજી એક મઝાની વાત કહી. ઘણી વખત કઈ ભાષામાં લેખક-કવિ છપાય છે એ પણ અગત્યનું ફેક્ટર બની જાય છે. ડૉક્ટરે કહ્યું: ‘દાખલા તરીકે કોઈ જો હિન્દી ભાષામાં સાહિત્યનું સર્જન કરતું હોય તો તે ક્યારેય અમારા સુધી પહોંચવાનું જ નથી એટલે એમને નોબેલ આપવાનો કે એ માટે ઈવન કન્સિડર કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો.’ (વિચાર કરો હિન્દીની જો આ હાલત હોય તો ગુજરાતીનો શું ગજ વાગવાનો). ડૉ. ઑસ્ટરલિન્ગે ફ્રેન્કલી કબૂલ કર્યું કે પોતાના સહિતના કેટલાક સ્વીડિશ નિર્ણાયકોને અમેરિકન સાહિત્ય માટે ભારે અણગમો છે. શું કામ? ડૉ. ઑસ્ટરલિન્ગના શબ્દોમાં: ‘એ લોકોને તો નોબેલ પ્રાઈઝની રકમ કરતાં ઘણા બધા પૈસા (પોતાની નોવેલના રાઈટ્સ વેચીને) હૉલીવૂડમાંથી મળી જતા હોય છે’! નોબેલ ઈનામ આપનારી નિર્ણાયક સમિતિના સભ્યો ઉપરાંત ઈરવિંગ વૉલેસે કેટલાક નોબેલ પારિતોષિક વિજેતાઓને મળવાનું નક્કી કર્યું. આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને પર્લ બક સહિત પાંચ નોબેલ લોરિયેટ્સે ઈરવિંગ વૉલેસને સહકાર આપ્યો. ડૉ. રૉબર્ટ મિલિકન નામના નોબેલ વિજેતા પાસેથી ખબર પડી કે એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એકને બદલે બે મેડલ્સ આપવામાં આવ્યા હતા. એક સોલિડ ગોલ્ડનો ચંદ્રક જે સંભાળીને તિજોરીમાં મૂકી દેવાનો અને બીજો એના જેવો જ પણ પિત્તળ પર ઢોળ ચડાવેલો ચંદ્રક જે ઘર જતાઆવતા લોકોને બતાવવા માટે ચાલે. રશિયન સાહિત્યકારોને જેમ નોબેલ ઈનામથી દૂર રાખવામાં આવતા એમ રશિયન વૈજ્ઞાનિકોને પણ નોબેલ નહીં આપવાનો ચાલ તે વખતે હતો. એમાં અપવાદ પાવલોવ નામના રશિયન વૈજ્ઞાનિકનો હતો. પાવલોવને એટલા માટે નોબેલ અપાયું કે આલ્ફ્રેડ નોબેલ જીવતો હતો ત્યારે પાવલોવનો એ પ્રશંસક હતો અને પાવલોવને એણે મદદ પણ કરી હતી. |
Wednesday, October 22, 2014
નોબેલ ઈનામમાં ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં
Labels:
નોબેલ ઈનામ,
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment