ગુડ મોર્નિંગ - સૌરભ શાહ તમે શીખતા રહો છો. તમારા પોતાના અનુભવ પરથી. બીજાના અનુભવ પરથી. કેટલીક વાતો અનુભવ પરથી નહીં, માત્ર જાણી લઈને શીખવાની હોય છે. કેટલીક વાતો ગમે એટલી શીખવવામાં આવે છતાં જાત અનુભવ વિના શીખી શકાતી નથી. જિંદગીમાં સૌથી મોટી વાત તમે કઈ શીખ્યા? આવો પ્રશ્ર્ન એક વખત બ્યુ બૉમનને થયો જે એણે આખા અમેરિકામાં સંખ્યાબંધ આમ અને ખાસ માણસોને પૂછયો. જે જવાબ મળ્યો તેનું નાનકડું પુસ્તક વિખ્યાત અમેરિકન પ્રકાશક સાયમન ઍન્ડ શુસ્ટરે પ્રગટ કર્યું: ‘ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ આય હૅવ લર્ન્ડ ઈન લાઈફ’. ગુજરાતીમાં કોઈકે આવો પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ. બ્યુ બૉમને સોળ વર્ષની ઉંમરે આ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. માત્ર વિવિધ ક્ષેત્રના સફળ લોકોને જ નહીં, જનસામાન્યને પણ પૂછવું જોઈએ કે જિંદગીમાં તમે શું શીખ્યા? એક જ વાક્યમાં જવાબ આપો. જગવિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને ‘અ બ્રીફ હિસ્ટરી ઑફ ટાઈમ’ના પ્રસિદ્ધ લેખક સ્ટીફન હૉકિંગે બ્યુ બૉમનને જવાબ લખ્યો: ‘હું એક વાત શીખ્યો છું કે તમને જે પ્રાપ્ત થયું છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો.’ આ અને આ પછીનું દરેક વાક્ય સડસડાટ વાંચી જવાને બદલે, મન થાય ત્યાં રોકાઈને તમે તમારી રીતે થોડુંક વિચારી લેજો. આખરે આ દરેક વ્યક્તિ પોતાના જીવનનો નિચોડ કહી રહી છે એક વાક્યમાં. આપણા પોતાના જીવનના સંદર્ભમાં આ વાત ક્યાં બંધ બેસે છે એ આપણે શોધવાનું છે. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ના પત્રકાર વિલિયમ સફાયરે સાદીસીધી પણ એકદમ ઉપયોગી વાત કહી: ‘બીજાઓ તમારું કામ કરી આપશે એવી આશા ન રાખો.’ કેલિફોર્નિયાવાસી અભિનેતા વિન્સેન્ટ પ્રાઈસે કહ્યું: ‘જિંદગી પ્રત્યે કુતૂહલ સેવો અને સાવચેત રહો.’ નાણાકીય તથા આર્થિક બાબતોના જૂના ને જાણીતા મૅગેઝિન ‘ફૉર્બ્સ’ના તંત્રી જેમ્સ માઈકલ્સે કહ્યું: ‘ખૂબ બધા પ્રશ્ર્નો પૂછો. ક્યારેય એવા ભ્રમમાં ન રહો કે કોઈને પૂછવાની કે સાંભળવાની કે તમારી પોતાની ધારણાઓ-માન્યતાઓને પડકારવાની તમને જરૂર નથી.’ ન્યૂ યૉર્કવાસી લેખિકા એન. બીટ્સે કહ્યું: ‘તમે કંઈક કરવા માગતા હો તો કરો. કોઈની મદદ માગશો તો બહુ બહુ તો એ ના પાડશે એટલું જ ને.’ (આ વાક્ય અમારા એક વડીલ મિત્રનું ફેવરિટ વાક્ય હતું અને અમને આવી શીખામણ એમણે ઘણી વાર આપી છે. મેં આ વિશે એક લેખ પણ લખ્યો છે. બેએક મહિના પહેલાં તમે વાંચ્યો જ હશે. ન વાંચ્યો હોય તો શોધીને વાંચી લેજો). ન્યૂ યૉર્કની ફૂડ ક્રિટિક ગેઈલ ગ્રીન કહે છે: ‘કશુંક સારું લાગતું હોય તો એ સારું જ હશે. પછી એ કરવામાં ખચકાટ નહીં અનુભવવાનો.’ સ્વિડનની સ્કૂલમાં ભણતી બચ્ચી ટ્નિા ટ્રિગે કહ્યું: ‘મિત્રો બનાવવા અને એમની સાથે સારો વર્તાવ રાખવો જેથી મૈત્રી ટકી રહે.’ પેન્સિલ્વેનિયાના દાનવીર વૉલ્ટર એનબર્ગે કહ્યું: ‘લોકો તમારી સાથે જેવો વર્તાવ કરે એવું ઈચ્છતા હો એવો વર્તાવ તમારે એમની સાથે કરવાનો.’ મૅસેચ્યુસેટ્સના દરિયાઈ સંશોધન કેન્દ્રના નિયામક ડૉ. રોબર્ટ ડી. બેલાર્ડે કહ્યું: ‘સપના જોવાનું હંમેશાં યાદ રાખો અને એથી વધારે અગત્યની વાત તો એ કે આ સપનાને સાકાર કરવા તનતોડ મહેનત કરો, એને અડધેથી છોડી ન દો!’ કેલિફોર્નિયાનિવાસી એક બીજા અભિનેતા પૉલ વિન્ફિલ્ડે કહ્યું: ‘એક મિનિટ માટે પણ આપણે બીજાની જગ્યાએ પોતાની જાતને મૂકીને જોઈશું તો આપોઆપ એમના માટે સમજદારી અને સહાનુભૂતિ પ્રગટશે. ન્યૂ યૉર્કના બેઝબોલ ખેલાડીઓના એસોસિએશન સાથે સંકળાયેલા ડોનાલ્ડ એમ. ફેર માને છે: ‘લોકો આપણી સાથે એકદમ પરફેક્ટ બિહેવિયર કરે એવી આશા રાખવી નહીં, કારણ કે તેઓ પણ આખરે માણસ છે - એમનામાં એ બધી જ નબળાઈઓ, તમામ દુર્ગુણો હોવાના, જે તમારા પોતાનામાં છે.’ યુનાઈટેડ નેશન્સમાં કામ કરતા શૅલોન નામના ઑફિસરે કહ્યું: ‘તમારાથી તાકાતવાળા લોકો સાથે ઍડજસ્ટમેન્ટ-આટલું શીખી લેવું જોઈએ તમારે.’ ન્યૂ યૉર્કના ટૅકસી ડ્રાઈવર પૉલ શેલ્ડનના મતે: ‘જિંદગીનો મોટામાં મોટો રોગ છે - ઈર્ષ્યા, જેલસી.’ હેરલ્ડ કુશનર નામના યહૂદી પાદરીએ કહ્યું: ‘જિંદગીનો હેતુ સ્પર્ધા કરીને જીતવાનો નથી. જિંદગી છે વિકસવા માટે. બીજાઓ સાથે વહેંચવા માટે. પાછળ નજર કરતાં જણાશે કે બીજાઓના જીવનમાં તમે જ્યારે જ્યારે ખુશી લાવ્યા છો ત્યારે એનો આનંદ બીજાઓને હરાવીને તમે આગળ નીકળી ગયા એના આનંદ કરતાં અનેકગણો વધારે હતો.’ ન્યૂ યૉર્કના ભૂતપૂર્વ મેયર ઍડવર્ડ આઈ કોશ કહે છે: ‘તમે લીધેલા નિર્ણયોમાં વિશ્ર્વાસ રાખો. નિર્ણયો સત્વરે લો અને કોઈ એના વિશે ગમે તે કહે, તમને જો એ નિર્ણય સાચો લાગતો હોય તો એને વળગી રહો. જો તમને જણાય કે નિર્ણય લેવામાં ભૂલ કરી છે તો જાહેરમાં કબૂલ કરીને દિશા બદલતાં સંકોચ નહીં રાખવાનો.’ ન્યૂ યૉર્કમાં રહેતી વિખ્યાત લેખિકા ગેઈલ શીહિ કહે છે: ‘પરિવર્તન વિના વિકાસ શક્ય નથી અને વિકાસ માટે જરૂરી છે કે આપણી સલામતીને કામચલાઉ ત્યજી દઈએ. આના પરિણામે જાણીતી, પણ આપણી મર્યાદા બની ગયેલી પ્રવૃત્તિઓ છોડી દેવી પડશે અથવા સલામત પણ કશુંય અભૌતિક વળતર ન આપતું કામ છોડવું પડશે.’ ન્યૂ યૉર્કનિવાસી સંગીતકાર જૉન કેજે કહ્યું: ‘જિંદગીમાં કશું જ બિનમહત્ત્વનું નથી.’ ફ્લોરિડાના ધારાશાસ્ત્રી રે ડિલમેને દરેક રીતે લાગુ પડે એવી એક કામની વાત કહી: ‘પેટ ભરાઈ ગયા પછી ખાવું નહીં.’ અર્થશાસ્ત્રી ગ્રે પેલાસ્ટે કહ્યું: ‘માત્ર પૈસાને ખાતર કોઈ પણ કામ ન કરવું. અણુ બૉમ્બને કારણે દુનિયામાં જેટલાં મોત થયાં છે એના કરતાં વધુ પૈસાની લાલચે થયાં છે.’ ટેક્સાસની એન સેમુર કહે છે: ‘જિંદગીનો દરેક દિવસ આયુષ્યનો અંતિમ દિન છે, એમ માનીને જીવવું.’ અહીં એક નાનકડો વિરામ લઈએ. મારા એક વડીલ મિત્રે આજે જ મને કહ્યું કે આપણે સૌ દરેક ક્ષણે મરતા હોઈએ છીએ. દરેક ક્ષણે આપણા જીવવાનો સમય ઓછો થતો હોય છે. દરેક ક્ષણે આપણે મૃત્યુ તરફ સરકતા જઈએ છીએ. મેં કહ્યું, વડીલ, આપની વાત સાથે હું સો ટકા સહમત થઉં છું પણ તમે જે દૃષ્ટિએ જિંદગી જુઓ છો તેના કરતાં તદ્દન ઊંધા છેડાથી હું જિંદગીને જોઉં છું. મેં શું કહ્યું એમને? અને આ પુસ્તકમાંની થોડીક બાકી રહી ગયેલી વાતો. બેઉ આવતી કાલે.
|
Monday, October 28, 2013
જિંદગીમાંથી સૌથી મોટી વાત તમે કઈ શીખ્યા - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment