Friday, October 25, 2013

બુઢાપો કે વૃદ્ધત્વ: શું પસંદ કરશો? - ચંદ્રકાંત બક્ષી


પોતાના બુઢાપા માટે દરેક માણસ પોતે જ જવાબદાર હોય છે! જીવનની અવધિ અને તંદુરસ્તીની અવધિ બંનેને જુદા પાડતાં આવડવું જોઈએ
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

મનુષ્યનું આયુષ્ય કેટલું હોવું જોઈએ? બાઈબલ ‘થ્રી સ્કોર ઍન્ડ ટેન,’ એટલે કે ૨૦૩=૬૦+૧૦=૭૦ વર્ષ ગણે છે. હું ધારું છું એક માણસ ૭૦ વર્ષ જીવે તો પછી એણે વધારે બૂઢા થવાનો આગ્રહ કે જીદ ન રાખવાં જોઈએ. એક કહેવત વાંચી હતી કે કોઈ માણસ એટલો બુઢ્ઢો ક્યારેય થતો નથી કે મૂર્ખ કે સ્ટ્યુપીડ દેખાવાના નવા નુસખા ન શીખી શકે! એક ફ્રેંચ ફિલસૂફે વધારે વેધક લખ્યું છે કે જવાન બેવકૂફ કરતાં બૂઢો બેવકૂફ વધારે અસહ્ય હોય છે. ફિલસૂફ કોન્ફ્યૂશિયસે એક સ્થળે રમૂજ કરી છે કે ‘શું કરવું?’... ‘શું કરવું?’ કહ્યા કરતા બૂઢાનું શું કરવું એ મને ક્યારેય સમજાયું નથી અને ચીનાઓ એમના અગાધ ડહાપણમાંથી એક સત્ય તારવે છે: મૂર્ખાઓ ખરેખર લોકપ્રિય હોય છે...! પણ આપણાં શાસ્ત્રો મનુષ્ય ૧૦૦ વર્ષ જીવે એ આશીર્વાદ આપે છે: શતં જિવમ્ શરદ:! એકસો શરદ ઋતુઓ જીવ! પણ ફક્ત ૧૦૦ વર્ષના આશીર્વાદ નથી. સાથે બીજા પણ આશીર્વાદો છે: પહ્યેમ્ શરદ:, શતં શ્રુણુયામ શરદ:, શતં અબ્રવામ શરદ:, શતમદીનાંસ્યામ શરદ:! એટલે કે આંખ, કાન, વાણી બરાબર ચાલતાં હોવા જોઈએ અને જીવન ‘અદીન’ હોવું જોઈએ, જે સૌથી મહત્ત્વનું છે. અદીન એટલે કોઈકની દયા પર નહીં, પણ આત્મનિર્ભર, સ્વાવલંબી, પોતે પોતાનું કામ કરી શકે એવું સક્રિય. ચિત્રકાર પાબ્લો પિકાસોને ૯૧મે, વર્ષે પૂછ્યું ત્યારે એણે ઉત્તર આપ્યો કે મૃત્યુનો ડર તો નથી, પણ અપંગ થઈ જવાનો ડર છે, અક્રિય થઈ જવાનો ડર છે. અદીન રહેવું કે ન રહેવું એ બુઢાપાની સૌથી મોટી ચૅલેંજ છે...

ઉંમર વધવાની સાથે જ્ઞાન, અકલ, સમજદારી વધે જ એ જરૂરી નથી. જ્ઞાનથી કર્તવ્ય અને કાર્યનો ફર્ક સમજાય છે. કર્તવ્ય એટલે કરી શકાય એવું જેમાં ધ્યેયનો ભાવ રહેલો છે. કાર્ય એટલે થઈ ગયેલું કામ. કર્તવ્ય કાર્ય બનવું જોઈએ...! નાના હોઈએ ત્યાં સુધી મોટાભાઈ અને નાનાભાઈનો સંબંધ બહુ સ્પષ્ટ હોય છે. આપણે મોટા થઈ જઈએ પછી જ્ઞાન આવે છે કે પ્રજાપતિના બંને પુત્ર હતા, અસુર અને દેવ. અસુર મોટાભાઈ હતા અને દેવ નાનાભાઈ હતા! જવાન હતા ત્યારે સમજાવ્યું હતું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એક જ બની જાય છે. પૈસા કમાવા જોઈએ, પછી કામ એટલે કે આનંદ શંકર ધ્રુવ જેને ‘સુખની ઈચ્છા’ કહે છે એ આવે છે અને ઘણાખરાના પુરુષાર્થની ઈતિ આ અર્થ અને કામમાં જ આવી જાય છે. અર્થની સાથે કામ ન હોય શું થાય? આનંદ શંકર ધ્રુવ કહે છે કે માણસ કંજુસ બની જાય...

કંટાળો માણસને બૂઢો બનાવી દે છે. શરીરને થાક છે, મનને કંટાળો છે. જીવનમાં નવા વિસ્મયો નથી માટે કંટાળો આવે છે. વ્યાયામ શરીરની કસરત છે, સંગીત મનની કસરત છે. પસીનો થવાનો આનંદ આવવો જોઈએ. ૬૫ વર્ષ સમાપ્ત થાય છે અને સરકાર તમને ‘સિનિયર સિટીઝન’ની કક્ષા આપી દે છે, હવે તમે વરિષ્ઠ નાગરિક બની ગયા છો. જાડા રાજકારણીઓ મને ગમ્યા નથી, મારો તર્ક એ છે કે જે માણસ પોતાના ખુદના શરીરનું તંત્ર સંભાળી શક્યો નથી એ માણસ દેશ કે રાજ્ય કે જિલ્લાનું તંત્ર કેવી રીતે સંભાળી શકશે? મને અમેરિકાના લીડરો, લશ્કરમાંથી આવેલા લીડરો અને નહેરુ પરિવારના નેતાઓ એટલા માટે ગમે છે. એ શરીરની ચુસ્તી વિશે સતર્ક હતા. બૂઢા થવું એક વાત છે અને વૃદ્ધ થવું બીજી વાત છે, જો કે બંને શબ્દોનું મુખ્ય સૂત્ર એક જ છે. વૃદ્ધની સાથે સાથે માણસ વયોવૃદ્ધ, બુદ્ધિવૃદ્ધ થતો જાય છે. બૂઢાપો મનની સડનની દિશા છે. હું બૂઢાઓની સાથે રોજ સવારે ફરવા જવામાં માનતો નથી, સવારની ખુશનુમા હવામાં શેરના ભાવ કે મોંઘવારી કે મંદી કે કોઈ પરિચિતની પુત્રવધૂની નિંદા કે આ દેશનું શું થવા બેઠું છે, જેવા નકારાત્મક વિચારો કરીને મૂઢતામાં ડૂબવા માગતો નથી. બૂઢાઓનો સૌથી મોટો શોખ હોય છે: બીમારીની
વાતો! બીમારીની વાતો કરવા બેસવું નહીં અને પોતાની બીમારી વિશે પણ બહુ વાતો કરવી નહીં. રોજ સવારે નિયમિત ફરવા જતા એક માણસનું અવસાન થયું ત્યારે મિત્રો ચિંતામાં પડ્યા: આવો નિયમિત, સ્વસ્થ માણસ જેના શરીરમાં કોઈ રોગ ન હતો, મરી કેવી રીતે ગયો? મારો જવાબ: વધારે પડતો ઑક્સિજન! શરીરના ઑક્સિજનનો ઈન-ટેઈક જરૂર વધતો હશે...!

બીમારી વિશે વાંચવાંચ નહીં કરવું. દરેક રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બજારમાં મળે છે. એ ચિંતા એમને કરવા દેવી. કોઈ ડૉક્ટર આ જમાનામાં આપણને મરવા નહીં દે, આપણે મરી જઈએ તો ડૉક્ટરનો એક ઘરાક જાય છે, આપણે જીવતા રહીએ એમાં એને ફાયદો છે. જીવતા જ રહીએ અને બીમાર રહ્યા કરીઓ તો! મંદિરમાં રોજ રોજ અને વારંવાર જઈને ભગવાનને તંગ કર્યા કરવામાં હું માનતો નથી પણ હસતા રહેવું. એક મિત્રે કહ્યું કે હસવું એ યોગ છે. યોગ એટલે ફૅશનેબલ માણસો જેને ‘યોગા’ કહે છેે એ. યોગ કરવાથી તબિયત સારી થાય છે. જે માણસને હસવામાં પણ તકલીફ પડતી હોય એ માણસની મનહૂસિયતો રોગ લા-દવા છે.

સ્ત્રીઓમાં રસ લેવો. એટલા માટે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેને ભેગા કરીને ભગવાને સ્ત્રીનું સર્જન કર્યું છે. એનામાં ક્રિએટર, પ્રીઝર્વર અને ડિસ્ટ્રોયર અથવા સર્જક, પોષક અને નાશક ત્રણેના ગુણઅવગુણ ભરેલા છે. હંમેશાં જવાન માણસો સાથે રહેવું અને એમની પાસેથી શીખવું. ક્યારેય સલાહો કે ઉપદેશો આપવા બેસી જવું નહીં. અપ્રિય થવાનો એ સરળમાં સરળ માર્ગ છે. આપણા ચહેરા કરતાં આપણાં બૂટ હંમેશાં વધારે ચમકતાં હોવાં જોઈએ, એ વાતનો ખ્યાલ રાખવો. માણસનો બૂઢાપો હંમેશાં પેટથી શરૂ થાય છે, પેટ ફુલવા માંડે છે અને જવાની સંકોચાવા માંડે છે, ખાસ કરીને પુરુષોમાં! પેટ અંદર હોય ત્યાં સુધી જ લેટેસ્ટ કપડાં પહેરવાની મજા છે. જિલા જૌનપુરથી વારાણસી એક્સપ્રેસમાં આવતા ભૈયાના બિસ્તરને કસકસાવીને બાંધ્યું હોય એમ બેલ્ટ કે પટ્ટો ખેંચીને પેટને પકડી રાખવાથી જવાન થવાતું નથી. કપડાં હંમેશાં સારામાં સારાં પહેરવાં, અને નિરાશા હોય ત્યારે ખાસ, શેવિંગ કરવામાં આળસ કરવી નહીં. જવાહરલાલ નહેરુ જેલમાં પણ રોજ દાઢી કરતા. જવાહરલાલ નહેરુ હંમેશાં એકદમ સ્વચ્છ સફેદ જ રૂમાલ રાખતા. આ બંને બાબતમાં હું નહેરુને અનુસરું છું. જોગિંગ કરવાથી કે દોડદોડ કરવાથી શરીર ચુસ્તદુરસ્ત રહે છે એવું હું માનતો નથી. અમેરિકનો કહે છે કે માણસ વૃદ્ધાવસ્થા તો રોકી શકતો નથી, પણ પાતળો જરૂર રહી શકે છે! હું પણ એ સત્યમાં માનું છું અને માઓ ત્સે-તુંગ કહેતો હતો: હું અને ચુ-તેહ (એમના સેનાપતિ) એક દિવસમાં તો જાડા નથી થયા...! જાડા થવા માટે પણ કેટલી બધી ‘મહેનત’ કરવી પડે છે?

ફ્રેંચ લેખક આલ્બેર કામ્યુએ લખ્યું હતું કે ૪૦ વર્ષ પછી માણસ પોતાના ચહેરા માટે જવાબદાર હોય છે. એક સ્કૉટિશ કહેવત છે કે ૪૦ વર્ષ પછી જે માણસ પોતાનો જ ડૉક્ટર બનતો નથી એ મૂર્ખ છે. ડૉ. જહૉન રોવ, જે જીરોન્ટોલોજી કે વૃદ્ધવિજ્ઞાનના તજ્જ્ઞ છે, કહે છે: પોતાના બૂઢાપા માટે દરેક માણસ પોતે જ જવાબદાર હોય છે! જીવનની અવધિ અને તંદુરસ્તીની અવધિ (લાઈફ સ્પાન અને હેલ્થ સ્પાન) બંનેને જુદા પાડતાં આવડવું જોઈએ. સારા મિત્રો હોવા, એવા વૃદ્ધમિત્રો જેમને વૃદ્ધાવસ્થામાં મૃત્યુ સિવાય બીજી ચીજોમાં પણ રસ-રુચિ હોય, એ કિસ્મતની વાત છે. વર્ષો જાય છે એમ શરીર શિથિલ બનતું જાય છે પણ દિમાગ ધારદાર બનતું જાય છે એવો મારો મત છે...

No comments:

Post a Comment