Wednesday, October 16, 2013

સમાજસેવા-મહેન્દ્ર પુનાતર

સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના હોદ્દાઓ હવે પ્રતિષ્ઠાના પ્રતીક જેવા બની ગયા છે. પૈસાના જોરે આવા હોદ્દાઓ આસાનીથી મળી જતા હોય છે. અહીં પણ ગેરવહીવટ, નાણાકીય ગેરરીતિ, જૂથવાદ અને ખુરશી માટે ખેંચાખેંચી વધી છે અને ચૂંટણી સમયે મહાભારત સર્જાય છે. સમાજ સેવાનો સાચો અભિગમ અને દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓમાં સમાજ ઉપયોગી કાર્યો માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે આ સંસ્થાઓનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે અને તેના દ્વારા સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. મંદિરો, હવેલીઓ, દેરાસરો અને ઉપાશ્રયોના વહીવટ માટે ટ્રસ્ટો અને સંઘો છે. આ બધા દ્વારા ધર્મ અને સેવાના સારા કાર્યો થઈ રહ્યા છે, પરંતુ છેલ્લાં થોડા વર્ષોમાં આ સંસ્થાઓનો વહીવટ અને કારભાર નબળો પડ્યો હોવાનું જણાય છે. નબળા કાર્યકરો, કાર્યકુશળતાનો અભાવ અને અંદરોઅંદરના મતભેદોના કારણે કેટલીક સંસ્થાઓએ અસરકારકતા ગુમાવી છે અને તેનો પ્રભાવ ઓછો થયો છે. પ્રામાણિક અને નિષ્ઠાવાન નેતૃત્વ સિવાય કોઈ પણ સંસ્થા સારું કાર્ય કરી શકે નહીં. સંસ્થાઓમાં પણ હવે રાજકારણ અને હુંસાતુંસી ઊભી થઈ છે. બીજાને ધક્કો મારીને ઊંચા આસને બેસી જવાની મનોવૃત્તિ વધી છે. સંસ્થાઓમાં જૂથવાદ વકરે છે ત્યારે સેવાની ભાવનાને મોટો ઘસારો પહોંચે છે. કેટલીક જગ્યાએ ગેરવહીવટ અને નાણાકીય ગેરરીતિઓ પણ થતી હોય છે. સંસ્થાઓ નાણાંકીય રીતે સધ્ધર બને અને ભંડોળ વધે ત્યારે કહેવાતી સેવાની સ્પર્ધા શરૂ થાય છે અને યાદવાસ્થળી રચાય છે. લાખો અને કરોડોના વહીવટ માટે હુંસાતુંસી થતી નજરે પડે છે. સૂંઠના ગાંગડે ગાંધી થવા માટે કાવાદાવા અને ખેલ રચાય છે. બધાને મોટાભા થવું છે. ખુરશી પર બેસવું છે. નામના અને પ્રસિદ્ધિ જોઈએ છે. નવ શ્રીમંતો માટે આ સંસ્થાઓ જાહેરજીવનમાં આગળ આવવા માટેનું પ્લેટફોર્મ બની ગઈ છે. નાના નાના મંડળના પ્રમુખો અને હોદ્દેદારો તેમના માહોલમાં કોલર ઊંચા રાખીને ફરતા હોય છે અને પ્રસિદ્ધિ માટે જાતજાતના નુસખા કરતા હોય છે. નબળી સંસ્થાઓમાં સેવા કરવા કે હોદ્દો ધારણ કરવા કોઈ આવતું નથી જ્યારે નાણાકીય રીતે સધ્ધર સંસ્થાઓ કે જેની મોટી માલ-મિલકતો હોય ત્યાં ચૂંટણીઓમાં મહાભારત સર્જાય છે.

મોટા ભાગની સંસ્થાઓનું આ વરવું ચિત્ર છે ત્યારે આપણને સહેજે એમ થાય કે ધર્મ અને સમાજની સેવા કરવા માટે નીકળેલા આ મહાજનોની નિષ્ઠા અને પ્રામાણિકતા કેટલી? સંસ્થાઓમાં કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો શોભાના ગાંઠિયા જેવા હોય છે. કેટલાક તોફાની અને અળવીતરા હોય છે જેઓ કામ કરતા નથી અને બીજાને કરવા દેતા નથી. મોટી સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થામાં સભ્ય બનવું અને હોદ્દો શોભાવવો એ પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. પૈસાના જોરે આવા હોદ્દાઓ આસાનીથી મળી જતા હોય છે. કેટલાક માણસો એકસાથે અનેક સંસ્થાઓમાં હોદ્દાઓ ધારણ કરતા હોય છે. સમય હોય કે ન હોય, શક્તિ હોય કે ન હોય તેઓ કદી ના પાડતા નથી. ઉંમર થઈ ગઈ હોય પણ મોહ જતો નથી. સરવાળે બધી સંસ્થાઓને સહન કરવું પડે છે. કેટલાક માથાભારે માણસો સંસ્થાઓને અધ્ધરતાલે રાખતા હોય છે. સમાજસેવાનો સાચો અભિગમ અને દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે.

સમાજનું ધ્યેય શું છે, તેની જરૂરિયાત શી છે તેનો ખ્યાલ મોટા ભાગની સંસ્થાઓને હોતો નથી એટલે બિનજરૂરી કાર્યો થતા રહે છે અને જે કરવા જેવું છે તે થતું નથી. મોટા ભાગનું દાન અને સહાય વેડફાઈ જાય છે. મોટા ભાગની પ્રવૃત્તિઓ વળતરરૂપ કે પરિણામલક્ષી નથી. એટલે કરોડો અને અબજો રૂપિયા ખર્ચાવા છતાં સમાજ ત્યાંનો ત્યાં રહ્યો છે.

સમાજસેવા શું છે? આ કાર્ય કઈ રીતે થવું જોઈએ અને આપણે જે કાંઈ કરી રહ્યા છીએ તે સાચી સમાજસેવા છે કે? આ બધા પ્રશ્ર્નો અત્યારના સંદર્ભમાં અતિ મહત્ત્વના બની ગયા છે. સમાજસેવાના અત્યારના સિદ્ધાંતો, મૂલ્યો, આદર્શો, સાંપ્રત પરિસ્થિતિ, સમયનો અભાવ, માનસિક તાણ, પદ-પ્રતિષ્ઠાનો મોહ અને મૂળભૂત પરિવર્તનનો અભાવ આ બધા પ્રશ્ર્નો ઊંડી વિચારણા માગે છે. આ બધી વિપરીત પરિસ્થિતિ વચ્ચે સામાજિક કાર્યો વધુ ઝડપી, અસરકારક અને પરિણામલક્ષી બને તે માટે ઊંડું મંથન કરવું જરૂરી છે.

સમાજસેવાનું કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે. તેમાં સમય અને અંગત સુખોનો ભોગ આપવો પડે છે. આ ઉપરાંત કુનેહ, કાબેલિયત, કાર્યકુશળતા અને દરેક પ્રશ્ર્નોને યોગ્ય સંદર્ભમાં સમજવાની-મૂલવવાની અને તેનો અમલ કરવાની શક્તિ હોવી જોઈએ. સંસ્થાઓના હોદ્દેદારોની લાયકાતનો આ માપદંડ હોવો જોઈએ. કામ કરવું સહેલું છે, પણ બીજા પાસેથી ધાર્યું કામ લેવું અઘરું છે. બધાને સંગઠિત રાખીને, તેમની શક્તિનો ઉપયોગ કરીને પરસ્પર વિશ્ર્વાસ, સમજદારી અને સંવાદિતા વડે આ બધા કાર્યો થવા જોઈએ. સાથે કામ કરનારા માણસો પાસેથી તેમનામાં રહેલી શક્તિ અનુસાર કામ લેવાની આવડત એ નેતૃત્વનો સૌથી મોટો ગુણ છે. કોઈની પાસેથી પરાણે કામ કરાવી શકાતું નથી. પ્રેમપૂર્વક પીઠ થાબડીને કામ લઈ શકાય છે. આમાં ઉદારમતવાદી વલણ અપનાવવું પડે.

સમાજસેવા એટલે સંસ્થામાં સાથે મળીને સંગઠિત બનીને જવાબદારી સરખે ભાગે ઉપાડી લેવાની ભાવના. કામ સ્વીકાર્યા પછી તેના અમલ માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ. એમાં બહાનાં ન ચાલે. ન થઈ શકે એવું હોય અને સમય ન મળી શકે તેમ હોય તો ચોખ્ખી ના પાડી દેવી એ પ્રામાણિકતા છે પણ વટ ખાતર કહેવું આ કામ મારા પર છોડી દો અને પછી એ કામ લટક્યા કરે અને સમયસર પૂરું ન થાય તો એ બદમાશી છે. આજકાલ સમાજસેવા સગવડિયા ધર્મ જેવી બની ગઈ છે.

હકીકતમાં સંસ્થાઓ પ્રોફેશનલ ધોરણે ચાલવી જોઈએ. તેમાં નફાતોટાનો સંપૂર્ણ ખ્યાલ રખાવો જોઈએ. યોજનાઓ માટેનાં સાધનો અને નાણાં કેવી રીતે ઊભા થઈ શકે તે માટેના માર્ગોની શોધ સતત ચાલુ રહેવી જોઈએ. કાર્યો નિર્ધારિત સમયમાં પૂરાં થવા જોઈએ. દાતાઓના પૈસાનો સદ્ઉપયોગ અને કામ દીપી ઊઠવું જોઈએ અને તેમાં દીર્ઘદૃષ્ટિ હોવી જોઈએ અને ભવિષ્યનો ખયાલ કરાવો જોઈએ. કોઈ પણ કામ નિર્ધારીત સમયમાં પૂરું થતું નથી ત્યારે સંસ્થાને બહુ મોટું નુકસાન થતું હોય છે. કાર્યકુશળતા અને ઝડપ વધે તે માટે આધુનિક સાધનો માટે થોડો જરૂરી ખર્ચ કરવો પડે તો અચકાવું જોઈએ નહીં. એકંદરે આ ખર્ચ ભારે પડતો નથી. અમુક ચોક્કસ શક્ય સેવા સિવાય બધા કાર્યો વિનામૂલ્યે સેવાથી પાર પાડવાની મનોવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.

જીવનમાં સેવા અને ત્યાગ જરૂરી છે અને તેમાં સાચો આનંદ પણ છે, પરંતુ સાથે સાથે એ પણ ખયાલ રાખવો જોઈએ કે આપણી ત્યાગ ભાવનાના કારણે આપણે એ સીમા સુધી ન પહોંચીએ કે જ્યાંથી નિરાશાનું સામ્રાજ્ય શરૂ થાય. ઘણા લોકો સમજ્યા વગર અથવા તો કાંઈક પ્રેરણાને વશ થઈને પોતાના અંગત ભોગે અને કુટુંબને નારાજ કરીને, સેવાનો ભેખ ધરીને, બગલથેલો ખભે લટકાવીને ફરતા હોય છે. આ પછી સેવાની નોંધ કે કદર થતી નથી ત્યારે અકળાયા કરે છે. સેવા અને ત્યાગ શક્તિ અનુસાર થાય તેનો આનંદ અનહ્દ હોય છે. એમાં મન પર કશો બોજ રહેતો નથી. બચાવેલા સમયનો સદ્ઉપયોગ છે. સંસ્થાઓએ કહેવાતી સેવા અને વધારે પડતી કરકસર કામની આડે આવે તો તેને હડસેલી દેવી જોઈએ.

સેવાનું જે કાર્ય કરીએ તેમાં પ્રેમ અને આનંદ હોવો જોઈએ. મનથી સારું લાગે એવું કાર્ય કરવું પણ ઢસરડા જેવી સેવાથી દૂર રહેવામાં ડહાપણ છે. કામની અને સત્તાની વહેંચણી, જવાબદારીનું વિભાજન અને વિશ્ર્વસનિયતા કામને સરળ અને ઝડપી બનાવે છે. પ્રબળ ઈચ્છા અને મક્કમ નિર્ધાર હોય તો ગમે તેવું મુશ્કેલ કાર્ય સરળ બની જાય છે. કાર્યકરોની સૌથી મોટી ફરજ કર્તવ્ય પાલનની છે. કાર્યની કદર ન થાય ત્યારે કાર્યકરોનો જુસ્સો તૂટી જાય છે. બડેખાઓ આમાં કંજૂસાઈ કરતા હોય છે. અને બધો યશ પોતાના શિરે લઈ લેતા હોય છે. કાર્યકરો પાયાના પથ્થરો છે અને બડેખાઓ માત્ર શોભાના કાંગરા. પાયો જેટલો મજબૂત બનશે એટલી ઈમારત વધુ સમય ટકી રહેશે એ સત્ય જેટલું વહેલું સમજાય તેટલું સારું. સમાજસેવા અંગેના કેટલાક તથ્યો...

(૧) સમાજ સેવા એટલે સગવડિયો ધર્મ. આમા ગમે ત્યારે એન્ટ્રી અને એક્ઝિટ કરી શકાય છે.

(૨) કામ કરવા કરતા બીજા પાસેથી કામ લેવાની આવડત વધુ મહત્ત્વની છે.

(૩) નાણાં ભેગા કરવામાં નહીં, પણ નાણાંનો સદ્ઉપયોગ કરવામાં સંસ્થાની સફળતા રહેલી છે.

(૪) યશ અને જવાબદારીને વહેંચતા શીખવું એનું નામ નેતૃત્વ.

(પ) સંસ્થાઓ કદી બંધ થતી નથી. લેટરપેડ પર પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે.

(૬) સંસ્થાની ચૂંટણી એટલે મુઠ્ઠીભર માણસોને આખા સમાજનું ભાવિ નક્કી કરવાનો પરવાનો.

(૭) સંસ્થાઓમાં સારા માણસો નિષ્ક્રિય બને છે ત્યારે ખરાબ માણસોને મોકળું મેદાન મળે છે.

(૮) કોઈ પણ સંસ્થામાં સૌથી સારો હોદ્દો ઉપપ્રમુખનો અને સૌથી ખરાબ હોદ્દો ટ્રેઝરરનો છે. સંસ્થાને સારા ખજાનચી મળે તો તેનું નસીબ.

(૯) એક સાથે એકથી વધુ સંસ્થાના હોદ્દા ધરાવવા નહીં. આમાં સંસ્થાનું અને આપણું બંનેનું હિત સમાયેલું છે.

(૧૦) જેટલું કરી શકાય એટલું માથા પર લેવું જેથી બહાના બતાવવાની જરૂરત ન રહે.

(૧૧) સમાજ સેવામાં મુશ્કેલીની ફરિયાદ ન કરવી, કારણ કે સ્વેચ્છાએ સ્વીકારેલો માથા પરનો આ ટોપલો છે.

(૧૨) ફંડ રેઈજિંગ કાર્યક્રમ પછી દાતાઓ મોટા ભાગે ભુલાઈ જતા હોય છે.

(૧૩) કામ કરવાની શક્તિ ન હોય તો પડકાર ફેંકવો નહીં. કાં તો કામ કરવું અથવા કરવા દેવું.

(૧૪) વ્યક્તિગત રીતે આપણે શક્તિશાળી છીએ. સામૂહિક રીતે નબળાં.

(૧૫) સારાં માણસો ઘણા છે. સાચા માણસો બહુ ઓછા.

(૧૬) અહીં બધા લોકો બોલી રહ્યા છે. કોઈ સાંભળતું નથી અને સાંભળી રહેલા જે દેખાય છે તેઓ બોલવાનો મોકો શોધી રહ્યા છે.

(૧૭) સમારંભના પ્રમુખસ્થાને કે અતિથિવિશેષ સ્થાનેથી તમે ગમે તે બોલી શકો છો એ તમારો અધિકાર છે અને આંખ આડા કાન કરવાનો પદાધિકારીઓનો અધિકાર છે.

(૧૮) અભિનંદન... આભાર... આ બે શબ્દો વાપરવામાં કંજૂસાઈ કરવી નહીં. સમાજ સેવકોનું આ ટોનિક છે.

(૧૯) અને છેલ્લે કોઈને આડા ન આવીએ એ સમાજની મોટી સેવા છે.

No comments:

Post a Comment