Wednesday, July 3, 2013

ખરાબ માણસ પણ સારું કરે ત્યારે દેવદૂત જેવો લાગે છે - મહેન્દ્ર પુનાતર

* દરેક બાબતમાં જેટલું જ્ઞાન અને અધિકાર હોય તેટલાં અદા કરવાં જોઈએ. વાતવાતમાં ડાહ્યા થવાની જરૂર નથી. * શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ ઘરમાં નહીં મળે તો બહાર ક્યાંય મળશે નહીં. ધરતીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જાય ઘર જેવી નિરાંત બીજે ક્યાંય નહીં મળે. * આપણું કામ કરનારાઓ પ્રત્યે ઉદાર દૃષ્ટિ રાખવી જોઈએ. માગે એ પહેલાં તેમને થોડું વધુ આપવું જોઈએ. આ માનવતા છે. માનવધર્મ એ સૌથી મોટો ધર્મ છે.

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

માણસ કોઈ પણ જાતના સ્વાર્થ વગર અને કોઈ પણ જાતના દેખીતા લાભ વગર જ્યારે પરમાર્થનું કામ કરે છે ત્યારે તેનો આનંદ અનોખો હોય છે. દાન અને સહાય એવી હોવી જોઈએ કે સામા માણસને હાથ લાંબો ન કરવો પડે. જેની પાસે પૈસા હોય એ જ દાન અને સહાય કરી શકે એવું નથી. આપણી પાસે જે કાંઈ હોય એમાંથી થોડુંક જરૂરિયાતવાળા દુ:ખી માણસને આપી શકીએ. થોડી સહાયમાં પણ ઘણું થઈ શકે છે. બની શકે તો ગરીબના આંસુ લૂછીએ, દુ:ખીને સહારો આપીએ, અપંગ અસહાયને હાથ લાંબો કરીને ટેકો આપીએ, સ્મિત વેરીને સામા માણસની વ્યથાને હળવી કરીએ અને કોઈને હૂંફાળું આશ્ર્વાસન આપીએ આ બધાં નાનાં પરમાર્થનાં કામો છે. એમાં બહુ વધારે ખર્ચ થવાનો નથી પણ તેનાથી જે ખુશી મળશે તે અપાર હશે.

દયા, કરુણા, પ્રેમ, સ્નેહ અને સંવેદના એ જીવનના સ્ત્રોતો છે. ગમે તેવો ખરાબ માણસ હોય, પરંતુ જીવનમાં કાંઈક ને કાંઈક સારું કરતો હોય છે. એનાં ખરાબ કામો સામે આ સારું કામ નજરે પડતું નથી. સારો માણસ પણ કાંઈક ને કાંઈક ખરાબ કામ કરતો હોય છે, પણ તેનાં સારાં કાર્યોની આડશે આ ખરાબ કામો ઢંકાઈ જાય છે. દરેક માણસ સારું - ખરાબ કરતો હોય છે, પણ જ્યારે સારું કામ થતું હોય છે ત્યારે મન નાચી ઊઠે છે અને ખરાબ કામ થયું હોય ત્યારે મન ડંખે છે.

એક ચોર રોજ કોઈને કોઈના ઘરમાં ઘૂસીને હાથ અજમાવે અને જે મળે તે લઈને છટકી જાય. એક દિવસ રાતે ઠંડીની ઋતુમાં ચોરી કરવા નીકળ્યો. કાતિલ ઠંડી હતી પણ ધંધો કર્યા વગર છૂટકો નહોતો. ચોર ફરતો ફરતો આજુબાજુ નિરીક્ષણ કરતો જાય છે. નગરજનો ઘરનાં બારીબારણાં બંધ કરીને નિદ્રાને આધીન થયા હતા. કયા ઘરમાં ઘૂસી શકાય એવું છે તેનો તાગ કાઢતો રહ્યો.

ચોર છેવટે એક ઘરમાં ઘૂસ્યો. તેને ખબર નહોતી કે આ ઘરમાંથી કશું નહીં મળે. આ ગરીબનું ઘર હતું. ગાત્રો ગળી જાય એવી ઠંડીમાં પણ તેમની પાસે પૂરતાં વસ્ત્રો અને ઓઢવાનું નહોતાં. અસહ્ય ઠંડીમાં કુટુંબ ટૂંટિયા વાળીને પડ્યું હતું. ઠંડીના કારણે બાળક રડી રહ્યું હતું. તેને ઓઢાડવા માટે આ દંપતી પાસે કશું નહોતું.

પત્ની કહે છે, ઠંડીમાં આ બાળક ઠૂંઠવાઈ જશે. તમે ઘરમાંથી ઓઢાડવા માટે કાંઈક શોધી કાઢો. પતિ કહે છે: આખું ઘર ફેંદી વળ્યો ઓઢાડવા જેવું કશું મળ્યું નથી. પતિએ પોતાનું ફાટેલું પહેરણ કાઢીને બાળકને ઓઢાડી દીધું પણ બાળક માટે એ પૂરતું નહોતું. બાળક જોરશોરથી ચીસો પાડી રહ્યું હતું.

ગરીબાઈનું આ દૃશ્ય જોઈને ચોરી કરવા આવેલા ચોરનું હૃદય દ્રવી ઊઠ્યું. ચોરને પણ દયા આવી ગઈ અને તે પોતાનો ગરમ ધાબળો બાળકને ઓઢાડીને અંધારામાં હળવેકથી ઘરની બહાર નીકળી ગયો.

બાળક રડતું બંધ થઈ ગયું. માતાએ હાથ ફેરવ્યો તો તેના પર ગરમ ધાબળો પથરાયેલો હતો. પતિ-પત્નીને થયું બાળકને બચાવવા માટે કોઈ દેવદૂત આવી ગયો છે. ગમે તેવો ખરાબ માણસ પણ જ્યારે સારું કામ કરે છે ત્યારે તે દેવદૂત જેવો લાગે છે.

* * *

કેટલાક માણસો વાતવાતમાં ડાહ્યા થતા હોય છે. કોઈ પણ બાબતમાં સમજે કે ન સમજે, પરંતુ માથું મારવાનો અને ડહાપણ ડોળવાનો તેમનો સ્વભાવ હોય છે. આવા માણસો અધકચરી સમજણના કારણે વાતનું વતેસર કરતા રહે છે અને સમગ્ર વાતને ગૂંચવી નાખે છે. સમાજમાં આવા કહેવાતા ડાહ્યા માણસોનો તોટો નથી. કોઈ પણ વાત હોય તેઓ આગળ આવી જાય છે અને પોતાનો કક્કો સાચો ઠેરવવાનો પ્રયાસ કરે છે. આડીઅવળી વાતો કરીને મૂળ વાતને ઠેબે ચડાવી દે છે. કોઈ પણ બાબતમાં કશું નહીં જાણવા છતાં બધું તેઓ જાણે છે તેવા તેમના પ્રયાસો હોય છે. હું કશું નથી જાણતો એમ કહેવું તેમના માટે મુશ્કેલ છે.

દરેક બાબતમાં જેનું જેટલું જ્ઞાન હોય અને જેટલો અધિકાર હોય તેટલો તે અદા કરે તો વાજબી છે પણ જેમાં તેનો અધિકાર નથી તેમાં જો ડાહ્યો થાય તો મૂરખ ઠરે છે. આવા ડહાપણ ડોળવાવાળા માણસોને છેવટે લોકો ઓળખી જાય છે. કોઈ મોઢે બોલતું નથી પણ પાછળથી તેની ટીકા થતી હોય છે. પણ આવા લોકોને આની અસર થતી નથી. ઊલટાનું તેઓ કહેશે ભાઈ આપણે તો જે કાંઈ સાચું હોય તે મોઢે સંભળાવી દઈએ ભલે પછી બીજાને ખોટું લાગે. ડૉક્ટરના વિષયમાં વકીલ માથું મારે અને વકીલના વિષયમાં ડૉક્ટર માથું મારે તો શું પરિણામ આવે? કેટલાક લોકો માનતા હોય છે આ બાબતમાં તેમનો અધિકાર છે અને વણમાગી સલાહ આપવા બેસી જાય છે. સલાહ એવી વસ્તુ છે જે આપવી ગમે છે લેવી ગમતી નથી. જ્યાં આપણો અધિકાર ન હોય ત્યાં માથું મારવાથી શું પરિણામ આવે તે અંગે નાની સમજવા જેવી વાત છે...

એક ધોબીને ત્યાં કૂતરો અને ગધેડો રહે. ધોબી પૂરું ખાવાનું ન આપે. કૂતરાએ ઘણાં વર્ષો સુધી વફાદારી બતાવી પણ ફળ કાંઈ મળ્યું નહીં. એક રાતે ધોબીના ઘરમાં ચોર ઘૂસ્યા. કૂતરાએ ભસવું જોઈએ, પરંતુ તે ભસ્યો નહીં. તેની બાજુમાં રહેલા ગધેડાએ કૂતરાને કહ્યું: ચોર આવ્યા છે ભસીને માલિકને જગાડ. કૂતરાએ કહ્યું: તે મને પૂરતું ખાવાનું આપતો નથી તેથી હું તેને નહીં જગાડું. ગધેડાએ કહ્યું, તું નહીં ભસે તો મારે મોઢું ખોલવું પડશે. કૂતરાએ કહ્યું: જેવી તારી મરજી. અને માલિકને જગાડવા માટે ગધેડાએ જોરજોરથી ભૂંકવાનું શરૂ કર્યું. દિવસભરનો થાકેલો ધોબી ભરઊંઘમાં હતો. ગધેડાના ભૂંકવાથી તેની ઊંઘમાં ખલેલ પડી. તે ધોકો લઈને ઊઠ્યો અને ગધેડાનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. ચોરે ચોરનું કામ કર્યું અને ગધેડાને માર પડ્યો.

કોઈ પણ બાબતમાં વગર અધિકારે માથું મારવાથી અને ખોટું ડહાપણ ડોળવાથી માનહાનિ થાય છે. પ્રતિષ્ઠા ઘટે છે અને જશને બદલે જૂતાં મળે છે.

* * *

એક કલાકારને સૌથી સુંદર વસ્તુનું ચિત્ર દોરવાનું મન થયું. તેણે ધર્મગુરુને પૂછ્યું જગતની શ્રેષ્ઠ વસ્તુ કઈ? ધર્મગુરુએ કહ્યું: શ્રદ્ધા. શ્રદ્ધાનાં દર્શન પ્રત્યેક ધર્મસ્થાનકોમાં થશે. શ્રદ્ધા અને વિશ્ર્વાસ પર જગત ચાલી રહ્યું છે. કલાકારને સંતોષ ન થયો. તેણે એક નવપરિણીત મહિલાને આ પ્રશ્ર્ન કર્યો કે જગતની શ્રેષ્ઠ વસ્તુ કઈ? તેણે કહ્યું: પ્રેમ. આ જીવનનું અમૃત છે. જીવનમાં બધું નહીં હોય તો ચાલશે પણ પ્રેમ વગરની દુનિયા નિર્ધન છે. પ્રેમ ખોવાઈ જશે તો કશું હાથમાં નહીં રહે. પ્રેમ થકી દરિદ્રતામાં પણ સમૃદ્ધિ લાગે છે. કલાકારે આ જ પ્રશ્ર્ન એક સૈનિકને પૂછ્યો. તેણે કહ્યું: જગતની શ્રેષ્ઠ વસ્તુ શાંતિ છે. શાંતિ વગર સુખચેન નથી.

શ્રદ્ધા, પ્રેમ અને શાંતિના વિચારમાં કલાકાર ઘેર પહોંચ્યો. એને જોતાં જ પત્ની અને સંતાનો દોડતાં આવ્યાં. બાળકો વીંટળાઈ વળ્યાં. પત્ની સ્મિત સાથે હાથ પકડીને ઊભી રહી ગઈ, કલાકારને વિચાર આવ્યો જેની હું શોધ કરી રહ્યો છું તે મારા ઘરમાં છે.

સંતાનોની નજરમાં શ્રદ્ધા, પત્નીની નજરમાં પ્રેમ અને ઘર શાંતિની દિવ્યભૂમિ. કલાકાર તુરત કામે લાગી ગયો. તેણે વિશ્ર્વની સુંદર વસ્તુનું ચિત્ર બનાવ્યું. તેને નામ આપ્યું ઘર.

શ્રદ્ધા, પ્રેમ અને શાંતિને શોધવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. તે ઘરમાં જ છે અને જો તે ઘરમાં નહીં મળે તો દુનિયામાં કશેથી મળશે નહીં. ધરતીનો છેડો ઘર. માણસ ગમે ત્યાં જાય, પરંતુ સાચું સુખ અને શાંતિ ઘર સિવાય બીજે ક્યાંય મળશે નહીં. ઘરમાં પ્રેમ, શ્રદ્ધા અને શાંતિ હશે તો પ્રભુ પણ ત્યાં બિરાજેલો હશે અને ઘર મંદિર બની જશે.

* * *

માણસ દાન, ધર્મ અને મોજશોખમાં હજારો - લાખો રૂપિયા ખર્ચે છે, પણ પોતાને ત્યાં કામ કરતા માણસો પ્રત્યે એટલો ઉદાર બની શકતો નથી. પોતાને ત્યાં કામ કરતી કામવાળી ૫૦ કે ૧૦૦ રૂપિયાનો પગાર વધારો માગે તો મોઢું ચડી જાય છે અને કેટલું બધું સંભળાવી દેવામાં આવે છે. કોઈ પોતાના હક્કનું માગે ત્યારે આપવા મન રાજી થતું નથી, પરંતુ કોઈ આપણને બનાવી જાય, છેતરી જાય ત્યારે હાથ ઘસતા બેસી રહીએ છીએ.

માણસો સામાન ઊંચકનારા મજૂર કે ઘોડાગાડીવાળા સાથે એક-બે રૂપિયા માટે રકઝક કરતા હોય છે, પરંતુ ભિખારીના હાથમાં એક-બે રૂપિયા મૂકી દેતાં અચકાતા નથી, કારણ કે તેમાં પુણ્ય મળી રહ્યું છે, એમ આપણે માનીએ છીએ. પણ કોઈના હક્કનું છીનવી લઈને, તેનું શોષણ કરીને આપણે કેટલું પાપ કરીએ છીએ તેનો ખ્યાલ આવતો નથી.

એક ભંગાર વેચવાવાળો માણસ કે કપડાના બદલામાં વાસણ વેચતી બાઈઓ ઘેર ઘેર ફરે, પરંતુ લોકો ભાવતાલમાં માથાકૂટ કરે અને પેલા શ્રમજીવીઓને ખાટવા ન દે. મોલમાં કે મોટા સ્ટોરોમાં ખરીદી વખતે ભાવતાલ થતા નથી. જે કિંમત હોય તે ચૂકવી દેવી પડે છે ત્યાં વાંધો આવતો નથી. આપણે નાના માણસો અને ગરીબો પ્રત્યે કેમ ઉદાર બની શકતા નથી એ પ્રશ્ર્ન છે. દાન, ધર્મ અને પુણ્યની વાત આવે ત્યારે માણસ અચાનક ઉદાર બની જાય છે.

એક મારવાડી શેઠે ખોટાં કામો કરીને કરોડોની કાળી કમાણી કરી હતી અને પછી ઉંમર થતાં ધન-દોલતનો ત્યાગ કર્યો હતો એટલે કે સંતાનોમાં તે વહેંચી દીધી હતી અને એક કરોડ જેટલી રકમ પોતાના હાથમાં રાખી હતી અને કહેતા બસ આપણે બધું છોડી દીધું છે, હવે પ્રભુની સેવા કરવી છે અને દાન-પુણ્ય કરવા છે જેથી જાણે-અજાણ્યે કાંઈ પાપ થયું હોય તો મુક્તિ મળે.

લોકો માને છે થોડું પાપ થઈ ગયું છે તો થોડું પુણ્ય કરી નાખો એટલે હિસાબ સરભર થઈ જાય, પરંતુ પ્રભુના દરબારમાં બંનેનો હિસાબ જુદો છે. પુણ્યનો લાભ મળશે પણ પાપની સજા ભોગવવી પડે છે. પાપ અને પુણ્ય બંનેનો હિસાબ જુદો છે.

જે લોકો આપણું કામ કરે, આપણી સેવા કરે તેના પ્રત્યે ઉદાર દૃષ્ટિ રાખવી જોઈએ. એ માગે એ પહેલાં તેમને થોડું વધુ આપવું જોઈએ. આ માનવતા છે અને માનવ ધર્મ એ સૌથી મોટો ધર્મ છે.

No comments:

Post a Comment