Wednesday, June 19, 2013

ઘર એક મંદિર - મહેન્દ્ર પુનાતર

ઘર એક મંદિર: પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર
જીવન અને વહેવારમાં ધર્મ જેટલો ઊતરવો જોઈએ તેટલો ઊતર્યો નથી. ધર્મના પ્રભાવની સાથે જીવન જે રીતે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી. ધર્મના રંગે રંગાયેલા માણસોના ચહેરાઓ મુરઝાયેલા કેમ? માણસ મંદિરમાં જેવો દેખાય છે તેવો ઘરમાં બની રહે તો ઘર નંદનવન બની જાય. ધર્મ એ જીવન જીવવાની કલા છે, પણ આપણે તેને સાચી રીતે સમજતા નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ધર્મનો પ્રભાવ ચોમેર વધ્યો છે. મંદિરો, દેરાસરો, હવેલીઓ, ઉપાશ્રયો અને ધર્મસ્થાનકોમાં લોકોની ભીડ વધી છે. કથાઓ, વ્યાખ્યાનો, આધ્યાત્મિક શિબિરો અને પ્રવચનોમાં મોટી સંખ્યામાં લોકો ઊભરાય છે. મોટા ભાગના લોકો નતમસ્તકે ધ્યાનપૂર્વક સાંભળતા હોય એવું લાગે છે. જીવન અને ધર્મ અંગે જાણવાની લોકોની જિજ્ઞાસા વધી છે. આમ છતાં ધર્મની જીવન પર જે અસર થવી જોઈએ તે થતી નથી. વર્તમાનમાં કોઈ પણ માણસ સાચા અર્થમાં સુખી નથી. ધર્મના પ્રભાવની સાથે જીવન જે રીતે ખીલવું જોઈએ તે ખીલ્યું નથી. પારિવારિક શાંતિ સાચા સુખનો આધાર છે. તેમાં ઠેર ઠેર ગાબડાં પડ્યાં છે. ધાર્મિક માણસ વધુ શાંત, સરળ અને સહજ હોવો જોઈએ. તેનું ઘર શાંતિનું મંદિર બનવું જોઈએ. ધર્મના રંગે રંગાયેલો માણસ પણ આટલો દુ:ખી અને વ્યથિત કેમ? ધર્મનો પ્રભાવ છતાં સમાજ ખોખલો કેમ બનતો જાય છે? સંપ્રદાયો, ધર્મના ઝઘડાઓ અને વાદવિવાદો કેમ વધતા જાય છે? આ બધા પ્રશ્ર્નોનો જવાબ એટલો સરળ નથી પણ એક વાત ચોક્કસ છે કે જીવન અને વહેવારમાં ધર્મ જેટલો ઊતરવો જોઈએ તેટલો ઊતર્યો નથી. ધર્મ એ જીવન જીવવાની કળા છે, પરંતુ ધર્મને આપણે સાચી રીતે સમજતા નથી. આપણે આપણી રીતે તેનું અર્થઘટન કરીએ છીએ. ધર્મની વાત સાંભળવી સારી લાગે છે, પણ તેનું અનુશરણ થઈ શકતું નથી. આપણા સ્વભાવ અને વલણમાં કાંઈક પાયાની ખામી છે. ધર્મ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે, પણ આપણે આડેપાટે ચડી ગયા છીએ. આપણે ધર્મને આપણા ચોકઠામાં ફિટ કરી દીધો છે. આપણે જે કાંઈ કહીએ અને કરીએ તે જ સાચું, બીજું બધું ખોટું એમ માનીએ છીએ એટલે સાચી દિશા સૂઝતી નથી અને તેનાં ઘણાં કારણો છે. દંભ અને દેખાવ વધ્યો છે. આપણે જે કાંઈ છીએ તેના કરતાં જુદું જીવીએ છીએ. બહારનું અને અંદરનું જીવન અલગ છે. ધર્મનું મહોરું પહેરી લીધું છે પણ વહેવાર એટલો શુદ્ધ જણાતો નથી. સ્વાર્થ આવે ત્યારે માણસ જૂઠ અને કપટ આચરતાં અચકાતો નથી. ક્રોધ, લોભ અને મોહ છૂટતો નથી. પ્રેમ, દયા અને કરુણાનાં ઝરણાંઓ જે વહેવાં જોઈએ તે દિલમાં વહેતાં નથી. બહારથી માણસ સદાચારી લાગે છે, પરંતુ ભીતરનું જીવન ધર્મથી તદ્દન વિમુખ છે. ધર્માત્માઓનું જીવન અને આચરણ પણ જુદું ભાસે છે. તેઓ જોઈએ તેટલો પ્રેરણાનો સ્ત્રોત બની શક્યા નથી.

બીજું કારણ છે માણસ જાણ્યે-અજાણ્યે હિંસામાં પ્રવૃત્ત છે. આપણે રોજબરોજ સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા આચરતા રહીએ છીએ. હિંસા દૂર થાય નહીં ત્યાં સુધી પ્રેમ પ્રગટ થઈ શકે નહીં. ક્રોધ, લોભ અને મોહ પણ હિંસાનાં સૂક્ષ્મ સ્વરૂપો છે. આ ત્રણે એકબીજા સાથે સંકળાયેલાં છે. તેમાં માણસ પોતે શું કરે છે તેનું ભાન રહેતું નથી, ન કરવાનું કરી બેસે છે. પ્રગટ, અપ્રગટ હિંસાના ભાવો દૂર થાય નહીં ત્યાં સુધી મૈત્રીભાવના વિકસિત થઈ શકે નહીં.

ત્રીજું કારણ છે મંદિરનો ધર્મ ઘર અને દુકાન સુધી પહોંચતો નથી, પરંતુ દુકાનો મંદિર સુધી પહોંચી ગઈ છે. મંદિરમાં અને દેરાસરમાં માણસ પ્રભુ સામે બે હાથ જોડીને ઊભો હોય ત્યારે તેના ભાવો જોઈને આપણને એમ લાગે કે આ માણસ હવે જીવનમાં કદી ખોટું કરશે નહીં, પરંતુ મંદિરનાં પગથિયાં ઊતરતાંની સાથે જ ધર્મ વીસરાઈ જાય છે અને દુકાનો સુધી પહોંચ્યા પછી ધર્મ ધર્મ રહેતો નથી, પણ પાકો વહેવાર બની જાય છે. માણસ મંદિરમાં જેવો દેખાય છે તેવો ઘરમાં રહે તો ઘર નંદનવન બની જાય, પરંતુ આવું બનતું નથી. કૌટુંબિક વિખવાદ, સ્વાર્થના આટાપાટા, આ તારું અને આ મારું, હું કહું એ જ સાચું, પૈસાનો લોભ, આ બધાના કારણે જીવન કલૂષિત બની ગયું છે. જેની પાસે છે અને જેની પાસે નથી એ બંનેની સ્થિતિ સરખી છે. ધર્મ પોથીમાંનાં રીંગણાં જેવો બની ગયો છે.

ચોથું કારણ આપણે અહંકારમાં જીવી રહ્યા છીએ. ચોમેર બહોશી, કેફ અને નશો છે. કોઈને તનનું, કોઈને ધનનું તો કોઈને પદ-પ્રતિષ્ઠાનું અભિમાન છે. આપણો અહંકાર જ આપણું નુકસાન કરે છે. સુખેથી રહેવા દેતો નથી.

એક સૂફી સંત પાસે એક માણસ આવ્યો અને તેનાં વખાણ કરવા લાગ્યો. તેણે કહ્યું, ‘આપ સાક્ષાત્ ભગવાન છો. આપનાં દર્શનથી હું ધન્ય થઈ ગયો. આપ સર્વ વ્યાપી, પરમ જ્ઞાનિ, મહાન આત્મા છો. દુ:ખી અને ગરીબોના બેલી છો.’ આવું બધું આ માણસ બોલતો રહ્યો અને સંત સાંભળતા રહ્યા પણ કશું બોલ્યા નહીં.

આ માણસ ગયા પછી તુરત બીજો એક માણસ આવ્યો. તેને સંત સાથે કાંઈ વાંકું પડ્યું હશે. આવતાંની સાથે તે ગમેતેમ બોલવા લાગ્યો. તેણે સંતને લુચ્ચા, લફંગા, ધુતારા કહ્યા અને ગાળો આપી. છેવટે થાક્યો એટલે બૂમબરાડા પાડીને ચાલ્યો ગયો.

આ માણસ ગયા પછી ત્યાં બેઠેલા શિષ્યોએ સંતને કહ્યું, ‘આ માણસ આટલો બધો બકવાસ કરી ગયો અને તમે કશું બોલ્યા નહીં...’

સંતે કહ્યું, ‘તેણે કશું ખોટું કર્યંુ નથી. હું તેનો ઉપકારી છું. મારું સંતુલન ડગી ગયું હતું તેણે ઠીક કરી દીધું છે. આ પહેલા આવેલા માણસે મારી ભારોભાર પ્રશંસા કરીને મારા અહંકારના પારાને ઊંચે ચડાવી દીધો હતો. આ માણસે આવીને તેને નીચે ઉતારી દીધો છે. હવે હું મૂળ સ્થિતિ પર પાછો આવી ગયો છું.’

પ્રશંસા, ખુશામત ભલભલાને ડગમગાવી નાખે છે. એક વખત તેનો નશો ચડ્યા પછી ઊતરતો નથી. તે માણસને ખુવાર કરી નાખે છે.

પાંચમું કારણ છે મોહ અને આસક્તિ. ઈચ્છાઓ અનંત છે. તે કદી પૂરી થતી નથી. બધાની ખુશીનું અંતર એક કદમ દૂર છે. ગમે તેટલું મળ્યા પછી પણ એક કદમ દૂર જ રહે છે. માણસને જીવનમાં જે કાંઈ મળ્યું છે તેમાં રાજી નથી. જે નથી મળ્યું તે આંખમાં ખટકે છે.

મોહનો અર્થ છે આપણે આપણામાં નહીં, પરંતુ બીજી કોઈ વસ્તુમાં જીવી રહ્યા છીએ. કોઈને પુત્રમાં, કોઈને પત્નીમાં તો કોઈને તિજોરીમાં મોહ રહેલો હોય છે. તેના વગર તેને જીવન અધૂરું લાગે છે. જેના પ્રત્યે મોહ હોય તેના પ્રત્યે માણસ આસક્ત બની જાય છે. કોઈને તિજોરી લૂંટાઈ જાય કે કોઈની ખુરશી ખેંચાઈ જાય તો મોહને વશ થયેલો તે માણસ ખતમ થઈ જશે, કારણ કે તેનો જીવ તેમાં ચોંટેલો હતો. આ મોહ સંસાર છે. જ્યાં આપણે જીવ રાખી દીધો તેના દાસ બનીને રહેવું પડશે. જે વસ્તુને આપણે પકડીશું તેના ગુલામ બની જઈશું. તેના વગર આપણને નહીં ચાલે. અને જે વસ્તુને જોરથી પકડી રાખીશું તે પકડ ઢીલી થઈ જતાં છટકી જશે અને તેને ગુમાવવાનો વારો આવશે ત્યારે દુ:ખ અને પીડાનો પાર નહીં રહે. કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ ઓછું થશે તો મોહ ધીરે ધીરે ખતમ થઈ જશે. પછી કોઈ ચીજ પ્રત્યે આસક્તિ નહીં રહે. ઉંમરની સાથે સંસારનાં સુખો બદલાયા કરે છે. આપણી અંદર જે વસ્તુ જોર કરતી હોય તે સંસાર બની જાય છે. આપણે તેને રંગોથી ભરી દઈએ છીએ. રાગનો અર્થ છે આસક્તિ. જેના પ્રત્યે રાગ અને આસક્તિ હોય તે આપણે મન સુંદર બની જાય છે અને આપણે તેનાથી મોહિત બની જઈએ છીએ.

ધર્મ જીવનમાં ઊતરતો નથી તેનું છઠ્ઠું કારણ છે સ્નેહ અને પ્રેમનો અભાવ. જીવનમાં પ્રેમનાં ઝરણાંઓ સુકાઈ ગયાં છે. તેમાં રાગ-દ્વેષનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે. માણસ વિકસવાના બદલે સંકુચિત બની રહ્યો છે. પ્રેમને આપણે ઘરમાં કેદ કરી દીધો છે. એકદમ નજીકના માણસો સિવાય કોઈના પ્રત્યે પ્રેમભાવના રહી નથી. પ્રેમનું આ ફલક વિસ્તરવાના બદલે સંકોચાઈ ગયું છે. હવે તેનો વિસ્તાર પત્ની અને સંતાનો પૂરતો સીમિત બની ગયો છે. માત-પિતા, ભાઈ-બહેનો પણ આમાંથી બાકાત થતાં જાય છે. પ્રેમ વિના દુનિયા નિર્ધન છે. પ્રેમ જીવનનું અમૃત છે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. બીજાને દુખ આપવાનો વિચાર પણ આવી શકે નહીં. સામાનું દુ:ખ આપણું દુ:ખ બની જાય. પ્રેમમાં માત્ર ફરજ અને કર્તવ્ય નહીં, પરંતુ સંપૂર્ણ સમર્પણ હોય છે.

મનુષ્ય જીવન દુર્લભ છે, પરંતુ તેનો બોધ થતો નથી. જીવનની યથાર્થતા સમજાય એ પહેલાં જીવન વેડફાઈ જાય છે. જે વસ્તુ હાથમાં હોય છે ત્યાં સુધી ખ્યાલ આવતો નથી, પરંતુ હાથમાંથી છટકી જાય છે ત્યારે તેની કિંમત સમજાય છે. જીવનમાં પણ આવું બને છે. મોત જ્યારે દરવાજો ખટખટાવે છે ત્યારે જીવનનું મૂલ્ય સમજાય છે. માણસ આવતી કાલનો વધુ વિચાર કરે છે. સમગ્ર જીવન ભવિષ્ય પર નિર્ભર છે. આવતી કાલની ચિંતાઓ, ઈચ્છાઓ અને વાસના કેડો છોડતી નથી. અસ્તિત્વ વર્તમાનમાં હોય છે અને વર્તમાનમાં રહે છે. જીવનમાં આજની ક્ષણ મહત્ત્વની છે. માણસ આજને માણી શક્તો નથી. ભવિષ્યની ચિંતામાં આજનાં સુખોને ગુમાવી દે છે. ધર્મ હંમેશાં વર્તમાનમાં રહે છે. આજે જે જામી જાય છે તેને આવતી કાલ સુધી રાહ જોવાની જરૂર નથી. જીવનને આજની સાથે જોડી દઈને અને તેની ક્ષણેક્ષણ માણીએ તો જીવન ખુદ ધર્મ બની જાય.

No comments:

Post a Comment