Monday, July 22, 2013

માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે - શાહબુદ્દીન રાઠોડ

જીવનમાં સમસ્યા મહત્ત્વની નથી, માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે
હાસ્યનો દરબાર - શાહબુદ્દીન રાઠોડ

ઇંગ્લૅન્ડમાં એક ઉમરાવે પાર્ટી આપી. આયોજન ભવ્ય હતું. સો વર્ષ પૂર્વેના રજવાડી કલાત્મક નકશીવાળાં ચાંદીનાં વાસણોમાં ભાત ભાતની વાનગીઓ પીરસવામાં આવી હતી. ટ્યુડર ખાનદાનના મહત્ત્વના પ્રસંગોમાં જ વાસણોનો આ સેટ વપરાતો. હાથમાં ડ્રિંક્સના ગ્લાસ સાથે મહેમાનો વાતોમાં મશગૂલ હતા, જેમાં આકર્ષણના કેન્દ્રસ્થાને હતા સર વિન્સ્ટન ચર્ચિલ.

ચાલુ વાતમાં વિક્ષેપ પાડ્યા બદલ માફી માગી યજમાન ઉમરાવે ચર્ચિલને બાજુ પર બોલાવી વિનંતી કરી, ‘સર, માફ કરજો. વાત તો સાવ મામૂલી છે. અમારા ખાનદાનમાં વર્ષોથી આવા ખાસ પ્રસંગે વપરાતાં ચાંદીના વાસણોના સેટમાંથી એક ચાંદીનો ચમચો એક મહેમાને પોતાના ખિસ્સામાં સેરવી લીધો છે. એમના સ્વમાનને ઠેસ પહોંચાડવા હું ઈચ્છતો નથી અને ચાંદીનો ચમચો ગુમાવ્યાની ચિંતામાંથી પણ મુક્ત થઈ શકું તેમ પણ નથી. શું કરવું તેની મને કંઈ સમજ પડતી નથી. બસ, આ જ ચિંતાએ મને આપની સમક્ષ આવું કહેવા મજબૂર કર્યો છે.’

ચર્ચિલે કહ્યું, ‘ચિંતા કરશો નહીં, મહેમાનની મહત્તા પણ જળવાઈ રહેશે અને આપની ચિંતા પણ દૂર થશે.’

પાર્ટીનો દોર ચાલુ હતો. વાત કરતાં કરતાં ચર્ચિલ ચમચો ચોરી લેનાર સજ્જન પાસે પહોંચ્યા. વિવેકપૂર્ણ વાતચીતનો પ્રથમ તબક્કો પૂરો થતાં ચર્ચિલે મહેમાનને કહ્યું, ‘ખરું કહું તો મને આ ચાંદીનો સેટ ગમી ગયો છે. મેં તો તેમાંથી એક ચમચો ઊઠાવી લીધો છે.’ આમ કહી ચર્ચિલે પોતાના ખિસ્સામાંથી ચાંદીનો ચમચો કાઢી પેલા મહેમાનને બતાવ્યો. સર વિન્સ્ટન ચર્ચિલ જેવી મહાન વિભૂતિએ આવી વાત કહેવા પોતાને યોગ્ય વ્યક્તિ ગણી તે વાતથી જ મહેમાનનું હૈયું ભરાઈ આવ્યું. ચર્ચિલ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેણે જણાવ્યું, ‘સર, આપના પહેલાં મને પણ આવો વિચાર આવ્યો હતો અને ખોટું શું, મેં તો આપના પહેલાં જ આ કાર્ય પૂરું કર્યું છે.’ આમ કહી તેણે પોતાનો ચમચો ચર્ચિલને બતાવ્યો. બંને ખુશ થઈ જુદા પડ્યા.

પાર્ટીમાં મહેમાનોએ ડ્રિંક્સ, ડાન્સ, ડિનરનો આનંદ માણ્યો. વિદાયની વેળા આવી. ફરી વાતો કરતાં કરતાં ચર્ચિલ પેલા મહેમાન પાસે પહોંચ્યા અને ગંભીર ચહેરે ચિંતાતુર સ્વરે કહ્યું, ‘મને શંકા છે કે ઘરધણીને ચમચા ખોવાયાની ખબર પડી ગઈ લાગે છે. વાસણોની ગણતરી કરવા તેમણે નોકરોને સૂચના પણ આપી દીધી છે. મારી તો હિંમત નથી આવું સાહસ કરવાની. ઈજ્જતનો સવાલ છે. હું તો મારી ભૂલ સુધારી લઉં છું.’

આટલું કહી ચર્ચિલે પોતાનો ચમચો ચૂપચાપ ટેબલ પર મૂકી દીધો. મહેમાને કહ્યું, ‘સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હું પણ આવું જોખમ ખેડવા હરગિજ નથી ઈચ્છતો.’ મહેમાને પણ પોતાનો ચમચો ચૂપચાપ ટેબલ પર મૂકી દીધો. ફરી બંને ખુશ થયા.

જતાં જતાં સર વિન્સ્ટન ચર્ચિલે યજમાનને કહ્યું, ‘સમસ્યા હલ થઈ ગઈ છે.’

આવો જ એક અન્ય પ્રસંગ જેમાં સ્થળ, સમય અને પાત્રો બદલાઈ જાય છે.

અમેરિકાનું કનેક્ટિક્ટ પરગણું. તેનું હાર્ટફૉર્ડ શહેર, જ્યાં જગતના મહાન હાસ્યલેખક માર્ક ટ્વેઈને વસવાટ કર્યો હતો. ત્યાં એક યજમાને આવી જ શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. ગામના પ્રતિષ્ઠિત સજ્જનોની હાજરી હતી. પાર્ટીની તૈયારી પુરજોશથી ચાલી રહી હતી. મહેમાનો આવતા-જતા હતા. ચાંદીના વાસણોના સેટમાં વાનગીઓ પીરસાતી જતી હતી.

આવો મૂલ્યવાન સેટ જોઈ એક મહેમાને ચૂપચાપ ચાંદીનો ચમચો પોતાના કોટના ખિસ્સામાં સેરવી દીધો. અન્ય કોઈનું ધ્યાન નહોતું, પણ માર્ક ટ્વેઈનની ચકોર નજરે આ દૃશ્ય જોયું. તેમણે મનમાં કંઈક વિચાર્યું.

નિશ્ર્ચિત સમય થતાં પાર્ટી શરૂ થઈ. ભોજન પૂરું થતાં સૌ પ્રેક્ષકોના રૂપમાં ગોઠવાઈ ગયા અને માર્ક ટ્વેઈનને હાસ્યરસિક કાર્યક્રમ આપવા વિનંતી કરી. હાર્ટફૉર્ડનો આ શિરસ્તો જ હતો.

માર્ક ટ્વેઈને સ્ટેજ સંભાળ્યું. થોડી વાતો કરી કહ્યું, ‘આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ આજ હું આપની સમક્ષ એક જાદુનો પ્રયોગ રજૂ કરવા ઈચ્છું છું.’ આમ કહી માર્ક ટ્વેઈને એક ચાંદીનો ચમચો સૌ જુએ તેમ પોતાના ખિસ્સામાં નાખી દીધો. ત્યાર પછી તેમણે ઑડિયન્સમાં ફરતાં ફરતાં જે મહેમાને ચમચો ચોર્યો હતો તેના ખિસ્સામાંથી કાઢી સૌને બતાવ્યો. ચમચાચોર મહેમાન ડઘાઈ ગયા. માર્ક ટ્વેઈનના જાદુના કાર્યક્રમથી સૌને આશ્ર્ચર્ય થયું અને તાળીઓથી તેમને વધાવી લીધા. માર્ક ટ્વેઈને ચમચો ટેબલ પર મૂક્યો. સૌએ વિદાય લીધી. જતાં જતાં માર્ક ટ્વેઈને પોતાના ખિસ્સામાં રહેલો ચમચો ટેબલ પર મૂકી વિદાય લીધી.

જીવનમાં સમસ્યા મહત્ત્વની નથી, માનવી સમસ્યા કઈ રીતે હલ કરે છે તે અભિગમ મહત્ત્વનો છે. એક સૂફી સંત હતા. સરળ જીવન હતું. તેમને થોડા શિષ્યો હતા. જે શીખવવાનું છે તે જીવન દ્વારા વ્યક્ત થવું જોઈએ. એવું તેઓ માનતા. ‘વ્યર્થ બોલવું બંધ કરો.’, ‘વ્યર્થ ખાવું બંધ કરો’, ‘વ્યર્થ પરિશ્રમ બંધ કરો’ -બસ, આવું એ ક્યારેક સમજાવતાં. વર્ષો વીત્યાં. સંતને અવસ્થા આંબી ગઈ. ધીરે ધીરે શરીર શાંત થવા માંડ્યું. છેવટે અંતકાળ આવ્યો. સૂફી સંતે સૌ શિષ્યોને એકત્રિત કરી જણાવ્યું, ‘સંપત્તિ પ્રાપ્ત કરવામાં જિંદગીના અણમોલ વર્ષો વેડફી નાખવાં એના કરતાં જીવનમાં કરવાં જેવાં ઉમદા કાર્યો ઘણાં છે, એટલે મેં સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી છે. મારી પાસે સંપત્તિમાં માત્ર સમજણ છે અને થોડાં ઊંટ છે. હવે જેટલા ઊંટ છે તેને તમે પ્રથમ બે ભાગમાં વહેંચી નાખજો. સૌથી વયોવૃદ્ધ શિષ્યો છે તેને એક ભાગ આપી દેજો, ત્યાર પછી જેટલાં ઊંટો વધે તેને ત્રણ ભાગમાં વહેંચી નાખજો અને પ્રૌઢ શિષ્યોને બે ભાગ આપજો. હવે જે ઊંટો વધે તેમાંથી બે યુવાન શિષ્યોને એક-એક આપજો.’ ગુરુની વિદાયથી શિષ્યોનાં હૃદય ઘેરા વિષાદમાં ગરકાવ થઈ ગયાં. ગુરુની અંતિમ સફર પણ પૂર્ણ થઈ. થોડા દિવસ પછી ગુરુની ઈચ્છા પ્રમાણે વહેંચણીનો સવાલ આવ્યો, પરંતુ શિષ્યોની મૂંઝવણ એ હતી ઊંટ બધાં મળીને સત્તર હતાં. સત્તરના બે ભાગ કઈ રીતે પાડવા? ઘણી મથામણ પછી શિષ્યો જ્યારે સમસ્યા હલ ન જ કરી શક્યા ત્યારે ગમે તેવી સમસ્યાનો ઉકેલ લાવી શકતા એક સમજદાર મહાનુભાવ પાસે ગયા. એમણે શિષ્યોને આવકાર્ય, ભોજન, ઉતારો, વિશ્રામ વગેરેનો પ્રબંધ કર્યો. ત્યાર પછી શિષ્યોની વાત જાણી. પ્રથમ એ ખુશ થયા અને શિષ્યોને કહ્યું, ‘સમસ્યા તમારી તદ્દન સરળ છે. કહો, કેટલાં ઊંટ છે?’ શિષ્યોએ કહ્યું, ‘સત્તર’ તરત એ સજ્જને કહ્યું, ‘આ સત્તરમાં મારું એક ઊંટ હું તમને આપું છું. હવે કહો કેટલાં થયાં?’

શિષ્યોએ કહ્યું, ‘અઢાર’.

એક ઊંટ ઉમેરાતાં સમસ્યા સરળ બની ગઈ અને એક પછી એક વહેંચણી શરૂ થઈ. અઢારના બે ભાગ પાડવામાં આવ્યા જેમાંથી નવ ઊંટ સૌથી વૃદ્ધ શિષ્યોને સુપરત કરવામાં આવ્યાં. બાકી રહ્યાં નવ. તેના ત્રણ ભાગ પાડવામાં આવ્યાં. એના બે ભાગ એટલે છ ઊંટો પ્રૌઢ શિષ્યોને ફાળે ગયાં. નવ અને છ પંદર ઊંટ વહેંચાઈ ચૂક્યાં. બાકીનામાંથી બે યુવાન શિષ્યોને આપવામાં આવ્યાં. નવ અને છ પંદર અને બે સત્તર ઊંટની વહેંચણી પૂરી થઈ. એક ઊંટ વધ્યું. શિષ્યોએ કહ્યું, ‘આ એક ઊંટનું શું કરવું?’ સમસ્યા ઉકેલનાર સજ્જને કહ્યું, ‘એ મારું ઊંટ મને પાછું આપો.’ આટલી જટિલ સમસ્યાનો આવો સરળ ઉકેલ આવી ગયેલો જોઈને શિષ્યો ખુશ થઈ ગયા. તેમણે એ સજ્જનને વિનંતી કરી, ‘આજથી આપ અમારા ગુરુ. આપની રાહબરી નીચે અમે જીવતરના પાઠ શીખીશું.’

આ સમસ્યાનો ઉકેલ લાવનાર સજ્જન હતા, હજરત અલીસાહેબ. હજરત મહંમદસાહેબના જમાઈ, શિષ્ય અને જગતના પ્રથમ સત્યાગ્રહી તરીકે જેમની ગણના મહાત્મા ગાંધીજીએ કરી છે તેવા કરબલાના અમર શહીદ હજરત ઈમામ હુસેનસાહેબના પિતા.


A problem means the distance between reality and expectation

સમસ્યા એટલે વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચેનું અંતર. આ અંતર જેટલું મોટું એટલી સમસ્યા મોટી. આ અંતર જેટલું નાનું એટલી સમસ્યા નાની. આ બધા પ્રારબ્ધના પરિહાસ છે.




હસતાં મોઢે સહેતાં રહેશું પ્રારબ્ધના પરિહાસ,

અગનખેલ જીવતરનો ખેલી રચશું અમ ઈતિહાસ.

No comments:

Post a Comment