Monday, April 13, 2015

યોગ અને સત્ય-સૌરભ શાહ

યોગ અને સત્ય: બીજાનું અહિત ન થાય તે માટે બોલાયેલું જુઠ્ઠાણું સત્ય છે

સૌરભ શાહ


લોકો મને કટાક્ષમાં પૂછે છે: અચ્છે દિન આયે? હું કહું છું જે દિવસે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના સોગંદ લીધા ત્યારથી જ અચ્છે દિન શરૂ થઈ ગયા છે. નાનામોટા અનેક નિર્ણયો તેમ જ એનાં પરિણામો ટાંકી શકાય પણ એ કામ મોદીને પીએમપદે વરસ પૂરું થશે ત્યારે આવતા મહિનાની ૨૬મીએ કરીશું. અત્યારે એમાંનો માત્ર એક મુદ્દો લઈએ આરોગ્યનો.

મોદી વડા પ્રધાન બન્યા એ પછી, ગયા વર્ષના નવેમ્બરની ૯મીએ સરકારે એક નવી સ્વતંત્ર મિનિસ્ટ્રી ઊભી કરી - ‘આયુષ’. આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી. આ પાંચેય ઉપચાર પદ્ધતિના પ્રથમાક્ષરો એ.વાય.યુ.એસ.એચ. એટલે ‘આયુષ’. કેન્દ્ર સરકારના આ મંત્રાલયનું બીજ પી. વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા ત્યારે નખાયું. માર્ચ ૧૯૯૫માં એમણે ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન ઍન્ડ હોમિયોપથી નામનો સરકારી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો જેને નવેમ્બર ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ‘આયુષ’નું નામ આપ્યું. મોદી સરકારે આ ખાતાને ફુલકુલેજેડ મિનિસ્ટ્રીનું સ્વરૂપ આપીને એનો વ્યાપ વધાર્યો. એ પછી બીજા જ મહિને સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૭૭ રાષ્ટ્રના સહયોગથી ૨૧ જૂનનો દિવસ ‘ઈન્ટરનેશનલ યોગ ડે’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રથમ ઉજવણી બે મહિના પછી થવાની.

ભારતના સેક્યુલરો ભલે બૂમાબૂમ કરે કે યોગ તો હિન્દુત્વ સાથે સંકળાયેલી પરંપરા છે માટે મુસ્લિમ વિદ્યાર્થીઓને ભણાવતી શાળાઓમાં યોગાભ્યાસ ફરજિયાત ન હોવો જોઈએ. અમેરિકા સહિત ઘણા બધા દેશોએ કહ્યું કે યોગને માત્ર હિંદુ ધર્મની પરંપરા સાથે સાંકળીને સીમિત કરવાની જરૂર નથી, એનો લાભ દરેક ધર્મ-જાતના લોકોએ લેવો જોઈએ.

યોગસાધના એટલે માત્ર યોગાસન કરવા એવું નહીં. ‘યોગ એટલે આસન અને શ્ર્વાસની કસરત (પ્રાણાયામ) એવું માનવું એ હીરાને લખોટી માનવા જેવું છે’ એવું સ્પષ્ટ મંતવ્ય ‘યોગસાધના અને જૈનધર્મ’ પુસ્તકમાં લેખક સુરેશ ગાલાએ વ્યક્ત કર્યું છે.

આ પુસ્તકમાં લેખક જાણકારી આપે છે કે ભારતની યોગસાધનાની પરંપરા અનાદિ છે. આ અનાદિ યોગસાધનાને સૂત્રોમાં ગૂંથવાનું કામ મહર્ષિ પતંજલિએ કર્યું. મહર્ષિ પતંજલિએ ‘પાતંજલ યોગસૂત્ર’ ગ્રંથ રચીને યોગ જે માત્ર સાધનાનો વિષય હતો એને શિક્ષણનો પણ વિષય બનાવ્યો. મહર્ષિ પતંજલિનો જન્મ આશરે ૩,૦૦૦ વર્ષો પહેલાં થયો. એક નવી વાત આ પુસ્તક પરથી એ જાણવા મળી કે, ‘મહર્ષિ પતંજલિ માટે એમ પણ કહેવાય છે કે એમણે વાક્શુદ્ધિ માટે વ્યાકરણ, ચિત્તશુદ્ધિ માટે યોગ અને શરીરશુદ્ધિ માટે વૈદિકશાસ્ત્ર લખ્યું. આનો અર્થ એ થયો કે પાણિનિ, પતંજલિ અને ચરક એક જ વ્યક્તિ છે.’

જોકે, અન્ય વિદ્વાનો અને સંશોધકો આ વિશે મતાંતર ધરાવતા હોઈ શકે. આપણે ત્યાંનો પ્રૉબ્લેમ એ છે કે પાશ્ર્ચાત્ય દેશોની જેમ આપણે ડૉક્યુમેન્ટેશન ઓછું કર્યું છે જેનું એક કારણ એ કે હજાર વર્ષના ગુલામીકાળ દરમ્યાન આપણે જે કંઈ દસ્તાવેજીકરણ કર્યું હશે તે આપણા વિદેશી શાસકોએ રફેદફે કરી નાખ્યું. ઠીક છે.

સામાન્ય વાચકને, નવા નિશાળિયાને પણ સમજ પડે અને આગળ વધેલાઓને પણ નવી જાણકારી મળે એ શૈલીમાં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગને આ પુસ્તકમાં સમજાવાયો છે: બહિરંગયોગ, અંતરંગયોગનું પ્રવેશદ્વાર અને અંતરંગયોગ એવા ત્રણ પ્રકાર પાડીને પ્રથમ પ્રકારમાં ૧. યમ, ૨. નિયમ, ૩. આસન અને ૪. પ્રાણાયામ ગણાવ્યા છે. પાંચમો પ્રત્યાહાર જે અંતરંગયોગનું પ્રવેશદ્વાર અને છેલ્લે અંતરંગયોગ જેમાં ૬. ધારણા, ૭. ધ્યાન અને છેલ્લે ૮. સમાધિ આવે.

યમનો સંબંધ સામાજિક વિકાસ સાથે, નિયમનો સંબંધ વ્યક્તિગત વિકાસ (સદાચાર) સાથે, આસનનો સંબંધ શારીરિક વિકાસ સાથે, પ્રાણાયામ અને પ્રત્યાહારનો સંબંધ માનસિક વિકાસ સાથે અને ધ્યાન તથા સમાધિનો સંબંધ આધ્યાત્મિક વિકાસ સાથે છે. ધ્યાન અને સમાધિ તરફ જતાં પહેલાં ધારણાનું પગથિયું આવે છે. ધારણાનો અર્થ મનની ચંચળતાને રોકીને મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો.

અહીં આપણે પુસ્તકમાંથી માત્ર બેઝિક વાતને સમજવાની કોશિશ કરીએ - યમ અને નિયમ.

પાતંજલ યોગસૂત્રના પહેલા પાદ-સાધનપાદ ૩૦મા સૂત્રમાં પાંચ યમ ગણાવ્યા છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય (અચૌર્ય), ૪. બ્રહ્મચર્ય અને ૫. અપરિગ્રહ.

અહિંસાની વાત કરતાં પાતંજલિ યોગસૂત્રના પહેલા પાદના ૩૧મા સૂત્રનું વિશ્ર્લેષણ કરતાં સુરેશ ગાલા ચાર પ્રકારની અહિંસા વિશે વાત કરે છે.

૧. જાતિસીમિત અહિંસા: માછીમાર માછલી મારશે, બીજા પ્રાણીઓને નહીં મારે. રાજા ગાય અને બ્રાહ્મણ સિવાય બીજાઓને મારશે. આ થઈ જાતિસીમિત અહિંસા.

૨. દેશસીમિત અહિંસા: તીર્થસ્થળોમાં જીવને નહીં મારે અને માંસાહાર નહીં કરે. પણ તીર્થસ્થળો સિવાયની બીજી જગ્યાએ જીવને મારે અને માંસાહાર પણ કરે. આ દેશસીમિત અહિંસા છે.

૩. કાલસીમિત અહિંસા: પવિત્ર દિવસોમાં જીવોને નહીં મારે અથવા માંસાહાર નહીં કરે. ઘણી માંસાહારી વ્યક્તિઓ શ્રાવણ મહિનામાં કે પછી મંગળવારે કે ગુરુવારે માંસાહાર કરતી નથી. આ કાલસીમિત અહિંસા થઈ.

૪. આચારપરંપરાસીમિત અહિંસા: ક્ષત્રિયોએ ગામ અને બ્રાહ્મણના રક્ષણ માટે કે યુદ્ધમાં હિંસા કરવી જોઈએ, અન્યથા નહીં. આ આચારપરંપરાસીમિત અહિંસા થઈ.

આટલું કહ્યા પછી છેલ્લે સમજાવાયું છે:

‘યોગસાધકે પાંચ યમનું પાલન, ઉપરોક્ત સીમા તજીને, અસીમિત કરવું જોઈએ. યોગસાધક માટે પાંચ યમનું પાલન અંતર્મુખ બનવામાં સહાયક છે.

અહિંસા પછી સત્ય. લેખક કહે છે: ‘કેટલીક વખત સત્ય બોલવાથી બીજાનું અહિત થવાનું હોય એવે સમયે અસત્ય બોલવું પણ સત્ય બની જાય છે. દાખલો આપતાં લેખક કહે છે: ગાયને મારવા પાછળ પડેલો કસાઈ કોઈ વ્યક્તિને પૂછે કે ગાય કઈ તરફ ગઈ છે ત્યારે વ્યક્તિ સત્ય કહે તો કસાઈ ગાયને પકડીને મારી નાખે. આવા વખતે વ્યક્તિ ગાય ગઈ હોય એ દિશાને બદલે ઊંધી દિશા કસાઈને બતાવે તો એ અસત્ય પણ સત્ય છે.

અસ્તેય. કોઈની પણ માલિકીની વસ્તુનું, ધનનું કે અધિકારનું એની ઈચ્છા વિરુદ્ધ, ચોરીછૂપીથી કે બળજબરીથી હરણ કરવું એ સ્તેય છે, ચોરી છે. આવું ન કરવું એને અસ્તેય કહે છે એટલું જણાવીને ઉમેરે છે: ‘પોતાના કર્તવ્યનું પાલન યોગ્ય રીતે ન કરવું એ પણ સ્તેય છે.’ દરેક સંસારીએ અસ્તેય વ્રત પાળતી વખતે લેખકની આ વાત પણ મનમાં સંઘરી રાખવી જોઈએ.

બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે સમજાવીને બીજા પગથિયા તરફ જઈએ: નિયમ જે પાંચ પ્રકારના છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્ર્વર પ્રણિધાન.

શૌચના બે હિસ્સા:

દ્રવ્ય શૌચ એટલે કે કફશુદ્ધિ અને મુખશુદ્ધિ, મળશુદ્ધિ, સ્વચ્છ વસ્ત્રો તથા સ્થાનશુદ્ધિ. ‘યોગસાધકે મુખશુદ્ધિ (દાતણ કે બ્રશ દ્વારા) રાખવી જોઈએ. જમ્યા પછી કોગળા કરી મુખ શુદ્ધ રાખવું જોઈએ. યોગસાધકના મોઢામાંથી વાસ ન આવવી જોઈએ. યોગસાધકે પેટ સાફ રાખવું જોઈએ, મળરહિત રાખવું જોઈએ. જરૂર પડે તો હરડેનો ઉપયોગ પણ કરવો જોઈએ. નિયમિત સ્નાન કરવું જોઈએ. વસ્ત્રો સ્વચ્છ પહેરવાં જોઈએ. યોગસાધક જે સ્થાનમાં રહેતો હોય એ સ્થાનને પણ સ્વચ્છ રાખવું જોઈએ.

શૌચનો બીજો પ્રકાર છે: ભાવશૌચ. અર્થાત્ સ્વાર્થ, પ્રપંચ, ઈર્ષ્યા આદિ મનને મેલું કરવાવાળા ભાવ છે. આ મેલને ધોવા મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થરૂપી શુભભાવનાના જળથી મનને રોજ નવડાવવું જોઈએ. માધ્યસ્થ એટલે તટસ્થ, પક્ષપાતરહિત, રાગદ્વેષરહિત.

બીજો નિયમ સંતોષ. પોતાની યોગ્યતા કે ભૂમિકા પ્રમાણે અર્થ અને કામનાં જે સાધનો મળ્યાં છે એમાં સંતુષ્ટ રહેવું. કામ અહીં સેક્સના અર્થમાં જે અતૃપ્ત છે અને જે અશાંત છે એને સુખની પ્રાપ્તિ નથી થતી એવું લેખકનું કહેવું છે.

ત્યારબાદનો નિયમ તપ જેના પાંચ પ્રકાર: આહાર, વિહાર, નિહાર, વ્યાયામ અને નિદ્રા. નિહાર એટલે મળમૂત્રાદિની ઉત્સર્ગક્રિયા. એ વિશે સમજાવતાં જણાવાયું છે: ‘યોગસાધકે અઠવાડિયે કે પંદર દિવસે એકવાર હરડે લેવી જોઈએ જેથી શરીરમાં મળ જમા થાય નહીં. યોગસાધકનું ધ્યેય ચિત્ત પર ચોંટેલા મળ (કષાય, ક્રમો, વાસનાઓ ઈત્યાદિ) દૂર કરવાનું છે પણ એની શરૂઆત શરીરને મળવિહીન બનાવીને કરવાની છે. આયુર્વેદમાં કહ્યું છે: સર્વેષાં રોગાણાં કુપિત મલ: કારણમ્. કુપિત મળ જ બધા રોગોનું કારણ છે.’

બાકીના ચાર નિયમ આહાર, વિહાર, વ્યાયામ, નિદ્રા વિશેની સાદી સમજ તો આપણી પાસે છે જ.

સ્વાધ્યાયમાં ચિંતનાત્મક અને મનને પોષણ આપે એવા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યના પરિશીલનની વાત આવે છે અને ઈશ્ર્વર પ્રણિધાનમાં હૃદયમાં પરમચૈતન્ય (ઈશ્ર્વર) પ્રત્યે શરણાગતિના ભાવ સાથેની સાધનાનો સમાવેશ થાય છે. લેખક કહે છે: ‘ઈશ્ર્વર પ્રણિધાન (માત્ર) ભાવના, કલ્પના અથવા વિચારનો વિષય નથી, પણ પ્રત્યક્ષ અનુભવનો વિષય છે.’

No comments:

Post a Comment