Monday, January 12, 2015

વાદ, વિવાદ, વિતંડાવાદ અને સંવાદ - સૌરભ શાહ


પહેલાં એવો સ્વભાવ હતો. હવે સમજ પડી ગઈ છે. બહુ દલીલબાજીમાં નહીં ઊતરવાનું. તમારો પોઈન્ટ ઑફ વ્યૂ રજૂ કરી દીધા પછી સામાવાળાને ગળે તમારી એ વાત ઊતરે તો ઠીક, ન ઊતરે તોય ઠીક. સામેની વ્યક્તિ તમારી સામે કોઈ નવો મુદ્દો લાવીને ચર્ચા શરૂ કરે ત્યારે જો એ અભિપ્રાય માગે તો તે વખતે તમને જે સાચું લાગ્યું હોય તે કહી દેવાનું. તમારો એ મુદ્દા વિશેનો અભિપ્રાય સામેની વ્યક્તિએ સ્વીકારવો જ જોઈએ એવી ચડસાચડસી કરવાનો કોઈ અર્થ નથી હોતો.

એક જમાનો હતો. ગધા પચીસીનો. આપણા વિચારથી વિરુદ્ધ જે કોઈ વિચારે તે બધા જ દુશ્મન જેવા લાગતા, મિત્રો પણ. ખૂબ બહસ કરતો. તણખા ઝરતા. પણ પછી ધીમે ધીમે ખબર પડવા માંડી કે લાંબી દલીલબાજીની ક્લાઈમેક્સ માત્ર ઈગોના ટકરાવમાં પરિણમતી હોય છે, પ્રકાશ તો કોઈ મળતો નથી જેમાં તમારું કે સામેવાળાનું જ્ઞાન વધે, બંનેની સમજણ વધે.

આજે હવે કોઈ એવી ચર્ચાબાજીમાં ઘસડી જવા માટે ઉશ્કેરે ત્યારે મુદ્દાની વાત કરીને ચૂપ થઈ જઉં છું. બીજાને કંઈ બોલવું હોય તો ભલે બોલ્યા કરે. દસકા પહેલાં ઈટીવી માટે એક ટોકશો કરતો ત્યારે એની કૅચલાઈન બનાવેલી: થોડો વાદ, થોડો વિવાદ અને ખૂબ બધો હૂંફાળો સંવાદ. સૌથી પહેલો ઈન્ટરવ્યૂ સ્વામી સચ્ચિદાનંદનો લીધેલો. આ વાક્ય સાંભળીને કહે: વાદ ભલે થાય, વિવાદ પણ ભલે થાય, પરંતુ વિતંડાવાદ ખોટો.

વિતંડા એટલે ખોટો બકવાસ, નકામી માથાઝીંક, પોતાનો પક્ષ જ ન હોય અને માત્ર સામા પક્ષનું ખંડન જ કર્યા કરવું તે. ઘણાને આવી ટેવ હોય છે - બીજાના કન્સિડર્ડ મતને ઉતારી પાડવાની. કોઈએ ખૂબ ધીરજથી એક પછી એક પાસું તપાસીને વિવેકપૂર્વક, પૂરી સ્વસ્થતાથી કોઈ નવી વાત રજૂ કરી હોય ત્યારે માત્ર તોફાન કરવાના ઈરાદે એની દલીલોનું ખંડન કરવાની ઘણા લોકોની હૉબી બની જતી હોય છે. પોતે ઈન્ટલેક્ચ્યુઅલ છે એટલે દેખાડો કરવા તમારા પાથ-બ્રેકિંગ, ચીલો ચાતરતા વિચારોને તેઓ ઉતારી પાડતા હોય છે. તાર્કિક રીતે પોતાની અસહમતિ પ્રગટ કરવાને બદલે તમારા વિચારોના ગ્રાફને ચૂંથીને, મારીમચડીને અને તમારાં વાક્યોને આઉટ ઓફ કોન્ટેક્સ્ટ તારવીને તેમ જ તમે આપેલાં દાખલા-ઉદાહરણોનું શીર્ષાસન કરીને એમાં મનઘડંત અર્થ આરોપીને તેઓ મંડી પડતા હોય છે બડબડ કરવા.

આવા લોકોની હડફેટે આવવા કરતાં બે ડગલાં પાછળ હટીને ફંટાઈ જવું સારું. નહીં તો તમારી એનર્જી વેસ્ટ થશે, એમાં ને એમાં પડ્યા રહેશો, તમારો કક્કો સાચો છે એવી જીદ રાખીને એ લોકોને સમજાવવા રોકાઈ જશો તો તમારી તર્કબદ્ધ વિચારસરણી તૂટી જશે, મૌલિક - નવા વિચારો કરવાની તમારી માનસિક ક્ષમતા ધીમે ધીમે નષ્ટ થતી જશે.

આમાં નુકસાન તમારું જ છે. એમણે કશું ગુમાવવાનું નથી હોતું. એમની પાસે ઉછીના વિચારો અને અહીંત્યાંથી ચાટી ચાટીને ભેગી કરેલી દલીલો સિવાય બીજું કશું નથી હોતું. દલીલબાજી કરીને તમને અપસેટ થતાં જોવાની એ મર્કટોને તો મઝા જ પડવાની છે.

હવે તો હું ત્યાં સુધી સમજતો થયો છું કે તમારા વિચારો સાથે સહમત થતા હોય એવા લોકો સાથે પણ અમુક હદથી વધારે ચર્ચા નહીં કરવાની કારણ કે તમારી સાથે સહમતિ હોય એનો અર્થ એ નથી કે એમનામાં પણ એવા વિચારો કરવાની નૈસર્ગિક શક્તિ હોય. પછી થાય શું કે એમાંના કેટલાક દોઢ ડાહ્યાઓ તમારા વિચારોને કંઈક એવી રીતે ઈન્ટરપ્રીટ કરીને પોતાનું ડહાપણ ડહોળે કે તમે વિચારતા થઈ જાઓ કે યાર, આ માણસ મૂળ મુદ્દાનો પતંગ ચગાવીને વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પોતે પણ બુદ્ધિશાળી છે એવું સાબિત કરવા આ સમર્થકો તમારા વિચારનો યુ-ટર્ન થઈ જાય એ હદે એને ફંટાવી દેતા હોય છે.

એટલે હવે ત્રણ ગોલ્ડન રૂલ્સ બનાવી લીધા છે. એક, તમારા વિચાર સાથે અસહમત થઈને કોઈ તમને દલીલોમાં ખેંચી જવા માગતું હોય તો એમાં તમારાં ટાઈમ અને એનર્જી વેડફવાનાં નહીં. બે, કોઈના વિચાર સાથે તમે અસહમત થતા હો ત્યારે સામેથી પૂછવામાં ન આવે ત્યાં સુધી ચૂપ રહેવું અને બોલવું જ પડે ત્યારે ઓછામાં ઓછા શબ્દોમાં તમારી જે દલીલો હોય તે મૂકીને વાતને આગળ વધારવાને બદલે એ જે કંઈ કહે તે સાંભળી લેવું. ભલે ને લોકો માને કે આ હાર્યો અને એ જીત્યો. વિચારોમાં ક્યારેય હારજીત નથી હોતી. નવા વિચારો આજે કદાચ કોઈને અસ્વીકાર્ય પણ હોય તો અસ્વીકારને કારણે એ નકામા નથી બની જતા.

અને ત્રીજો સોનેરી નિયમ એ કે જેમની સાથે તમારે વર્ષોનો ઘરોબો છે, જેમને તમારા માટે અને તમને જેમના માટે ઊંડા હૃદયથી આદર છે, તમારી સાથે અસહમત થતા હોય ત્યારે એમને મન ભરીને સાંભળવા. એક એક શબ્દ મનમાં ઉતારવો. પછી એમની સાથે દલીલ કરવાનું મન થાય તો તે પણ કરવી. આવી ચર્ચાઓ કરવાનો મોકો મળે એ જીવનનો અમૂલ્ય લહાવો હોય છે. આવી ચર્ચાઓના અંતે

પ્રકાશપુંજ પથરાતો હોય છે અને તમારી પ્રજ્ઞા એ ધોધમાં નહાઈને ઔર ઓજસ્વી બનતી હોય છે. મારું સદ્નસીબ છે કે એવી કેટલીક વ્યક્તિઓ છે આ દુનિયામાં અને મારી દુનિયામાં પણ એ પ્રવેશેલી છે.

No comments:

Post a Comment