Friday, December 5, 2014

છે જવાબો આપની પાસે ?- ચંદ્રકાંત બક્ષી


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


કહેવાય છે કે જવાન રહેવા માટે બે વસ્તુઓ જરૂરી છે: નિર્દોષતા અને આશ્ચર્ય  બાળકોમાં આ બંને ગુણ હોય છે. મોટી ઉંમરે માણસમાં હોશિયારી આવી જાય છે, એની નિર્દોષતા ચાલી જાય છે. હોશિયાર માણસ પાસે બધા જ પ્રશ્નોના ઉત્તરો હોય છે. અને એને કોઈ બાબતનું આશ્ચર્ય  કે વિસ્મય રહેતું નથી. બાળક પાસે પ્રશ્નો હોય છે, હોશિયારો પાસે જવાબો હોય છે. નિર્દોષતામાંથી જ આશ્ચર્ય પ્રકટ થાય છે અને આશ્ચર્ય પ્રશ્નો ઊભા કરે છે. મોટી ઉંમરે પ્રશ્નો થતા રહે એ જવાનીનું લક્ષણ છે.

આકાશનો રંગ બ્લુ શા માટે છે? દરેક પાંદડું લીલું જ શા માટે હોય છે? દરેક પ્રાણીનું લોહી લાલ શા માટે હોય છે? દરેક દૂધ સફેદ કેમ હોય છે?

આવા પ્રશ્નો બાળકો પૂછે છે અને એના ઉત્તરો શોધવાના પ્રયત્નમાં વિજ્ઞાનોનો જન્મ થયો છે. સોળમી સત્તરમી સદીના યુરોપમાં કલાકારો અને વિજ્ઞાનિકોએ નિર્દોષતાથી અને વિસ્મયથી આવા બાલીશ પ્રશ્નો પૂછ્યા હતા-અને ધર્મગુરુઓ અને ફિલસૂફો આના જવાબો આપી શક્યા ન હતા. પરિણામે યુરોપના ઈતિહાસમાં નવ-જાગૃતિકાળ આવ્યો. યુરોપ બાકીની દુનિયાથી આગળ નીકળી ગયું.

ચારસો વર્ષો પછી પણ અમેરિકા અને યુરોપ દુનિયાથી આગળ છે. એનાં કારણો છે-આશ્ચર્ય, પ્રશ્નો, સંશોધન. ધર્મગ્રંથોમાં લખેલી વાતોનો અસ્વીકાર, ધર્મગુરુઓના ડહાપણનો અસ્વીકાર, સદીઓ જૂના વિશ્ર્વાસનો અસ્વીકાર.

આજના હિન્દુસ્તાનમાં પણ સામાન્ય, બાળક જેવા પ્રશ્નો થઈ શકે છે. કેટલાક પ્રશ્નોથી હસવું આવી શકે છે. કેટલાક પ્રશ્નો નિરુત્તર રહી શકે છે. કેટલાક પ્રશ્નો કદાચ સાચા અર્થમાં પ્રશ્નો પણ ન હોઈ શકે?

ભારતમાં નૃત્યના ગુરુઓ હંમેશાં પુરુષો જ શા માટે હોય છે? ડોક્ટર યુગલો-પતિ અને પત્ની બંને ડોક્ટર હોય એવાં યુગલો ઘણી વાર નિ:સંતાન શા માટે હોય છે?

પઠાણની પત્નીને જોઈ છે?

સિનેમાની ટિકિટો પર મનોરંજન કર બધી જ ટિકિટો પર એકસરખો લાગે છે. ઈન્કમટેક્સની જેમ એમાં પણ સ્લેબ-સિસ્ટમો અથવા ચડ-ઊતરવાળો કર શા માટે નથી?

પાન નિયમિત ખાનારને હાઈબ્લડ પ્રેશર ન હોય અથવા ઓછું હોય એવું ખરું?

દક્ષિણ ભારતીયના લગ્નનો વરઘોડો જોયો છે?

હીજડાની સ્મશાનયાત્રા જોઈ છે?

લગ્ન-પત્રિકામાં પુત્રીને વિદાય આપવાનો સમય પણ હસ્તમેળાપ અને કન્યાદાનની જેમ શા માટે લખાતો નથી?

મુંબઈમાં વરસોવાથી કોલાબા સુધી સમુદ્રમાર્ગ પર ફેરી સર્વિસ શા માટે ચાલતી નથી?

ભારતમાં સમુદ્રકિનારા પર કોસ્ટલ-સર્વિસ અથવા સમુદ્રસેવા શા માટે નથી?

ઈન્ડિયન એર લાઈન્સ દાર્જિલિંગથી દેહરાદૂન સુધીની હિમાલયનાં શિખરો જોવાની એક વિમાની સેવા વિદેશીઓ અને દેશના પ્રવાસીઓ માટે શા માટે શરૂ કરતી નથી?

દુનિયાના બૌદ્ધો માટે ગૌતમબુદ્ધના જન્મસ્થાનથી નિર્વાણ સુધી સંકળાયેલાં સ્થાનો લુમ્બિની, ગયા, સારનાથ, કુશીનગરની એક યાત્રાનું નિયમિત આયોજન ભારત સરકાર શા માટે કરતી નથી? આ આયોજન દુનિયાના મુસ્લિમોની મક્કા-મદીનાની હજ યાત્રાના આધાર પર દુનિયાના બૌદ્ધો માટે શા માટે ન કરી શકાય?

મુસ્લિમોમાં માનસિક રોગો કે સંત્રાસ ઓછો છે એનું કારણ ઈસ્લામી શબ્દ-ઈન્શા અલ્લાહ (ઈશ્વરેચ્છા  બલિયસી) છે? ‘કલકા અલ્લાહ માલિક’ જેવી ફિલસૂફીને કારણે એમનામાં માનસિક ચિંતાનું પ્રમાણ ઓછું છે?

મુંબઈનાં ઘણાં ખરાં છાપાં પત્રિકાઓના રાજકીય કાર્ટૂનિસ્ટો કચ્છી શા માટે છે?

શીખોને શરદી હોય એવું ભાગ્યે જ જોવામાં આવે છે! શા માટે?

ગાંધીજીનું શરીર મસાલાઓ ભરીને લેનિન, માઓત્સે તુંગ અને હો-ચી-મિન્હની જેમ ભવિષ્યની પેઢીઓ માટે-માઉન્ટબેટનનું સૂચન હોવા છતાં શા માટે રાખ્યું નહીં?

સદીઓથી ભીખ માગવાના અને દાન આપવાના આપણા વ્યવહારોને આજના આર્થિક ભ્રષ્ટાચાર સાથે કોઈ સંંબંધ હશે ખરો?

પારસીઓ અંગ્રેજ શાસકોના પરિચયમાં આવ્યા, એમના વિશ્વાસપાત્ર રહ્યા, સૌથી પહેલાં પશ્ચિમી  આધુનિકતાથી રંગાયા, અંગ્રેજીને લગભગ માતૃભાષા બનાવી બેઠા પણ એ સૌથી ઓછા ખ્રિસ્તી બન્યા? શા માટે?

જૈનો વીરત્વમાં કદાચ સૌથી પાછળ હશે પણ એ ક્યારેય મુસ્લિમ બન્યા નહીં એની પાછળ કયું કારણ?

ભારતના શાસક અંગ્રેજ પ્રોટેસ્ટન્ટ હતા અને આખા દેશ પર રાજ ચલાવતા હતા, જ્યારે પોર્ટુગીઝ કેથલિક હતા અને ખૂણાના એક નાનકડા ગોવા પર રાજ કરતા હતા પણ ભારતના ખ્રિસ્તીઓમાં એક વિરાટ બહુમતી કેથલિક ખ્રિસ્તીઓની શા માટે છે? એ પ્રોટેસ્ટન્ટ શા માટે નથી?

અંગ્રેજી ભાષાના સૌથી મહાન કલાકારો, લેખકો, ક્રાન્તિકારીઓ આયરર્લેન્ડમાંથી આવ્યા, જ્યારે સ્કોટલેન્ડમાંથી ભાગ્યે જ કોઈ આવ્યું છે. શા માટે?

દુનિયાના શ્રેષ્ઠ રમતવીરો-સ્પોર્ટ્સમેન ઓસ્ટ્રેલિયાએ આપ્યા છે, પણ એટલા જ મોટા અને રાષ્ટ્રસમૂહના એક દેશ કેનેડામાંથી કોઈ જ પેદા થયું નથી. કારણ?

આફ્રિકાના લાખો ગુજરાતી-એમાંથી એક પણ ગુજરાતી લેખક આવ્યો નહીં. જ્યારે કલકત્તા અને કરાચીમાંથી દરેક પેઢીએ મેધાવી લેખકો પ્રકટતા ગયા. શું કારણ?

પ્રશ્નોનો અંત નથી કારણ કે નિર્દોષતામાંથી જન્મેલું વિસ્મય ઊભરાતું જાય છે. કદાચ પ્રશ્નો થઈ શકે છે એ યુવા સ્વસ્થતા છે. બાળકો જેવા પ્રશ્નો પૂછતાં આવડે તો સમજવું કે મન તંદુરસ્ત છે. બાળક જ મમ્મીને પૂછી શકે: મમ્મી, દૂધ ગાયમાંથી આવે તો ચા ભેંસમાંથી આવે?...


No comments:

Post a Comment