સપત્નીથી ઉપપતિ સુધી: શાસ્ત્રોમાં સ્ત્રી |
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
લગ્નની
મોસમમાં લગ્નપત્રિકાઓ આવવી જરૂરી છે. એક નિમંંત્રણપત્રિકામાં પ્રેમથી
લખ્યું હતું: આપ સપત્ની પધારશો. આમંત્રણ આપનાર સજ્જનનો આશય સ્પષ્ટ અને
સ્વચ્છ હતો પણ આ વાક્ય જરા ગડબડ પૈદા કરે એવું હતું. ‘સપત્ની’ એટલે શોક્ય
અથવા સૌત અથવા બીજી સ્ત્રી, ઉપપત્ની, મિસ્ટ્રેસ. ‘સપત્નીક’ એટલે પત્નીની
સાથ. સંસ્કૃતમાં ‘સપત્ન’ શબ્દ પણ છે અને એનો અર્થ થાય છે: શત્રુ, વેર.
એટલે આદેશ મુજબ એક સપત્ની, ખાસ કરીને લગ્નની સીઝનમાં, દરેક ‘સુજ્ઞ શ્રી’ને
હોવી જોઈએ...
ઘણા બધા શબ્દો, ધર્મના અને દૈનિક વ્યવહારના, આપણી સમજ બહારના હોય છે. હિંદુ ધર્મના પ્રકાંડ વિદ્વાન ડૉ. રાધાકૃષ્ણને એક વાર ચીનની માદામ સુનયાત સેનને આવકાર આપતાં હિંદુ દામ્પત્ય સમજાવ્યું હતું: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટેની સાધના માટે સ્ત્રી અને પુરુષ સમાન ભાગીદાર ગણાય છે, પણ સ્ત્રીને ‘ગૃહિણી’ કહી છે, એટલે કે ઘરની ઉપરી અથવા હેડ. બીજો શબ્દ છે ‘સચિવ’ એટલે ડાહી સલાહકાર અને ત્રીજો શબ્દ છે ‘સખી’ એટલે સારી મિત્ર. ‘આમંત્રણ’ અને ‘નિમંત્રણ’માંથી કયો શબ્દ સાચો છે? બંનેના અર્થો વિશે પ્રાચીન સંસ્કૃત વ્યુત્પત્તિભેદ પાડે છે. આમંત્રણ સામાન્ય રીતે ભોજન માટે હોય છે, એનો સ્વીકાર પણ કરી શકાય. નિમંત્રણનો અસ્વીકાર કરાતો નથી, એનો સ્વીકાર કરવો જ પડે છે. નિમંત્રણ એ યજ્ઞ કે શ્રાદ્ધ માટેના પ્રસંગે ઉપસ્થિત રહેવાની પ્રાર્થના હતી અને એનો અસ્વીકાર અધર્મ હતો. હવે તમને જ્યારે લગ્નની ‘નિમંત્રણપત્રિકા’ આવે ત્યારે આ વાતનો ખ્યાલ રહે અને બીજી એક વાત: નિમંત્રણ પાસે રહેનાર માટે હોય છે, જ્યારે આમંત્રણ દૂર રહેનારને અપાય છે. સંસ્કૃતમાં સેક્સભેદ બહુ સ્પષ્ટ છે. નિત્ય શબ્દ આપણે વારંવાર વાપરતા હોઈએ છીએ. ‘નિત્ય આકાશ’ કહેવાય છે, પણ પૃથ્વી વિશે લખવું હોય તો ‘નિત્યા પૃથ્વી’ લખાય છે. સ્ત્રીની ચામડી ‘ત્વચા’ છે, અને પુરુષની ચામડી ‘ત્વક’ છે. માછલી માટે સંસ્કૃતમાં ‘મત્સ્ય’ શબ્દ વપરાય છે. પણ એનો નારીશબ્દ પણ છે: ‘મત્સી’. આપણે ગુજરાતીમાં માછલો શબ્દ મત્સ્ય માટે વાપરતા નથી. જે કોયલ ગાય છે એ નર છે અને એને માટે શબ્દ છે ‘કોકિલ’, પણ સ્ત્રીકોકિલને માટે શબ્દ છે: ‘પિકી’. કાગડાને માટે જે શબ્દ છે એ છે ‘કાક’ અને કાગડી માટેનો શબ્દ છે: ‘કાકી’. આપણી ભાષાની કાકીઓએ સાવધાન થઈ જવા જેવો આ શબ્દ છે. સ્ત્રી શબ્દમાં ત્રણ લીટીઓ છે માટે એમાં સત્ત્વ, રજસ અને તમસ ત્રણે હોય છે, એવું એક વિધાન છે. પણ મૂળ આ શબ્દનો સંકેત માતૃત્વ તરફ છે. મૂળ ધાતુ છે ‘સ્ત્યૈ’ અને એનો અર્થ છે ગર્ભધારણ કરવાવાળી. નર અને નારીનો આ અર્થભેદ એટલો તીવ્ર છે કે ‘નર’ એટલે દોરી જનારો અથવા નેતા. નારી શબ્દ નર પર આધારિત છે એટલે સ્ત્રીસ્વાતંત્ર્યવાળી સ્ત્રીઓને અર્થ સમજ્યા પછી આ શબ્દ બહુ નહીં ગમે. મજાની વાત એ છે કે પાઈનએપલ તથા અનનાસમાં પણ સેક્સભેદ છે. રાજા પાઈનએપલ મોટું હોય છે, એ બહુ જ રસદાર હોય છે જ્યારે રાણી પાઈનએપલ નાનું હોય છે, પણ બહુ મીઠું હોય છે. પથ્થરોમાં પણ સેક્સ છે. શિલ્પશાસ્ત્રીઓ કહે છે કે મંદિરના કામ માટે નપુંસક એટલે કે ખોખરો અવાજ કરનારો પથ્થર વપરાય છે, શિવલિંગ માટે ઘન અવાજ કરનારો પુલ્લિંગ પથ્થર ઉપયોગમાં લેવામાં આવે છે. પણ મધુર અવાજ કરનાર સ્ત્રીલિંગ પથ્થર શિવલિંગનું થાળું બનાવવા માટે વપરાય છે... ડૉ. પ્રભુદયાલ અગ્નિહોત્રીએ પાણિનિના કાલથી પતંજલિના સમય સુધી ‘પત્ની’ શબ્દ આવતાં સુધીમાં જે પરિવર્તનો આવ્યાં એના પર પ્રકાશ નાખ્યો છે. ‘જનની’ એટલે માતા, જે જનન કરે છે, જન્મ આપે છે. પત્ની માટે ‘જાયા’ શબ્દ પણ હતો, અર્થાત્ જેમાં સંતાન ઉત્પન્ન કરી શકાય, પણ પત્ની શબ્દ આવ્યા પહેલાં ‘દાર’ શબ્દ મળે છે. આ શબ્દ ‘દૃ’ ધાતુથી બન્યો છે. દાર એટલે વિદારણ કરાવવાવાળી અથવા જેના દ્વારા વિદારણ કરાવવામાં આવે. વિદારણ એટલે ફાડવું, રૌંદવું, ખોલાવવું, કષ્ટ આપવું. યજ્ઞમાં સાથે ભાગ લેનારી સહધર્મિણી ‘પત્ની’ કહેવાતી હતી. ‘પત્ની સંયાજ’ અથવા યજ્ઞવિશેષના સંબંધમાં જ પત્ની શબ્દનો પ્રયોગ થતો હતો. ધીરે ધીરે આ પત્નીસંયાજની પ્રથા સામાન્ય ઘરોમાંથી અદૃશ્ય થતી ગઈ, પણ પત્ની શબ્દ રહી ગયો. પત્ની શબ્દ પતિ પરથી બને છે, એવું ડૉ. અગ્નિહોત્રીનું મંતવ્ય છે. પત્નીના ભરણપોષણનો ભાર પુરુષ પર રહેતો હતો માટે એ ‘ભાર્યા’ પણ કહેવાતી હતી. આપણા પૂર્વજોએ હજારો વર્ષ પહેલાં સ્ત્રીઓ વિશે લખેલાં વાક્યો આજે કદાચ બહુ સંબદ્ધ ન હોઈ શકે એ સ્વાભાવિક છે પણ સ્ત્રીનું એક વ્યક્તિ તરીકે આપણા સમાજમાં શી રીતે ઉત્થાન થયું એ સમજવા માટે એ દિવસોની વાતો સમજવી જરૂરી બની જાય છે. શુક્રનીતિના ત્રીજા અધ્યાયમાં સૂચના આપી છે: ન બાલં ન સ્ત્રિયં ચાતિલાલયેત્તા ડયેન્ન ચ (બાળક તથા સ્ત્રીને અતિ લાલન કે અતિ તાડન ન કરવું). આગળ વધારે સ્પષ્ટ સૂચના છે જેમાં કહ્યું છે કે ષોડશાબ્દાત્પરં પુત્ર (સોળ વર્ષ પછી પુત્રને) અને દ્વાદશાબ્દાત્પરં સ્ત્રિયં (બાર વર્ષપછી સ્ત્રીને) દુષ્ટ વાક્ય કહીને ટોકવાં નહીં અને બહુ સમય સુધી પીડવાં નહીં? એટલે સ્ત્રીને અતિ લાલન, તાડન, પીડન પર પૂર્વજોએ નિષેધમૂક્યો છે. પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાંથી સ્ત્રીનો મનોવૈજ્ઞાનિક કહી શકાય એવો અભ્યાસ મળે છે અને આજની જીવનદૃષ્ટિએ એનું મૂલ્યાંકન થઈ શકે છે. જુદા જુદા ગ્રંથોએ જુદી જુદી વાતો લખી છે. સુશ્રુતના આયુર્વેદના ગ્રંથમાં લખ્યું છે કે પુરુષ રપ વર્ષ સુધી અને સ્ત્રીએ ૧૬ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું. સ્ત્રીએ ઋતુમતિ થયા પછી ત્રણ વર્ષ સુધી વધારે ગુણવાળા પુરુષની રાહ જોઈ, જો એવો વર ન મળે તો સરખા ગુણવાળા ‘વર’ (અર્થ થાય છે શ્રેષ્ઠ)ને પરણવું. લગ્નની મૌસમ ચાલી રહી છે અને આમંત્રણો અને નિમંત્રણો બંને આવી રહ્યાં છે અને ‘સપત્ની’ની જેમ વેદકાલીન એક શબ્દ ‘ઉપપતિ’ પણ ઉમેરવો પડે એવું હવામાન છે. ઉપપતિ એટલે બીજો કે એક્સ્ટ્રા પતિ. જૂના જમાનાના લોકો આપણે ભ્રમમાં છીએ એવા જૂના નથી. સ્ત્રીનીપસંદગી કરતી વખતે માનવધર્મશાસ્ત્રે સૂચવેલો એક ગુણ મને વધારે ગમ્યો છે, અને એ છે: નાજુક દાંતવાળી. જે સ્ત્રી સાથે આખી જિંદગી ગુજારવાની છે એનાં દાંત નાજુક હોય તો લગ્નજીવન સુખી થાય છે...! |
Saturday, November 8, 2014
શાસ્ત્રોમાં સ્ત્રી-ચંદ્રકાંત બક્ષી,
Labels:
ચંદ્રકાંત બક્ષી,
શાસ્ત્રો,
સ્ત્રી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment