માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એના પરથી એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
ઉદ્યોગો,
વેપાર કે કંપનીઓ ચલાવવા મૅનેજમેન્ટના જે આધુનિક સિદ્ધાંતો બનતા જાય છે એ
સિદ્ધાંતો જિંદગીના મૅનેજમેન્ટ માટે કેટલા ઉપયોગી બને? મૅનેજમેન્ટનું એક
સોનેરી સૂત્ર છે: કોઈ પણ સમસ્યાનું કાયમી સમાધાન નથી હોતું. પ્રશ્ન ઊભો
થાય તો એનું નિરાકરણ લાવવા અત્યાર સુધી જે વિચારો કારગત નીવડ્યા હોય એ જ
વિચારોનો આધાર રાખવો પણ મૂર્ખાઈ છે. બિઝનેસ અને જિંદગી - બેઉનું મૅનેજમેન્ટ
થઈ શકે એવા અનેક વિચારો દેશી તેમ જ વિદેશી મૅનેજમેન્ટ પંડિતો પાસેથી મળતા
રહે છે:
સૂરજ ચમકતો હોય ત્યારે જ ગળતું છાપરું રિપેર કરી લેવું જોઈએ. આપણી સૌથી મોટી મુસીબત એ છે કે સંઘર્ષના સમયે જ આપણે સંઘર્ષ કરવાનો છોડી દઈએ છીએ. માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એના પરથી એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે. વૃક્ષ કુહાડીને કહેતું હોય છે કે મારું લાકડું તારો હાથો બન્યું ત્યારે જ તો તું મને કાપે છે. ટેન્શનના સમયે પણ કામ કરતા રહેવા માટે યાદ રાખવું જોઈએ કે અંતે તો જિંદગી ઉલ્લાસમય છે, ઘોર અસલામતીભરી નહીં. છરીનો ઘા રુઝાઈ જતો હોય છે, જીભનો નહીં. સુખી થવાના બે જ માર્ગ છે: કાં તો ઈચ્છાઓ ઘટાડીએ, કાં ઈચ્છાઓ સંતોષવાના માર્ગ વધારીએ. ખોટું કામ કરવાનો સાચો રસ્તો કોઈ નથી. કાયમી આનંદ જેવું કશું હોતું નથી, જે હોય છે તે આનંદની ક્ષણો જ હોય છે. જે વ્યક્તિ કકળાટ કરવાને બદલે બહાદુરીપૂર્વક હસતાં પોતાનાં તમામ માનસિક - ભૌતિક દુખદર્દ સહન કરે છે એ સૌના આદરને પાત્ર બની જાય છે. જેને કારણે તમારા કામમાં અને તમારી જિંદગીમાં આનંદ વધે એવી જ વાતો વિચારો અને એવી જ વાતો બોલો. કોઈપણ કામ કરતી વખતે વિચારવાનું પણ રાખો, કારણ કે તમારે માત્ર અત્યારની સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવાનું, ભવિષ્યમાં આવી શકનારી સમસ્યાઓ વિશે પણ સજાગ રહેવાનું છે. મિત્રને પણ તમારી ખાનગી વાતને ખાનગી રાખવાનો ભાર સોંપતા પહેલાં બે વાર વિચાર કરો. જે કૂંજો વારંવાર કૂવા પાસે જાય છે તે અંતે ફૂટી જાય છે. કોઈક વાત વિશે સો ટકા ખાતરી રાખવા માટે કાં તો એ વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ અથવા બિલકુલ ન હોવી જોઈએ. કોઈકનો સાથ લેવા એની સાથે ચાલો. નવા મિત્ર પર નહીં, જૂના શત્રુ પર ભરોસો રાખો. કશુંક પસંદ નથી એવું કહેતાં પહેલાં એનો અનુભવ લઈ જુઓ. એક વાત યાદ રાખો કે કોઈક તમને નકારી કાઢે છે ત્યારે એ તમને ભવિષ્યમાં આવનારી વધારે ખરાબ પરિસ્થિતિઓમાંથી ઉગારી લે છે. મોટી સમસ્યાઓમાં મોટી તક છુપાયેલી હોય છે. જિંદગીમાં જે કંઈ મળ્યું છે એનાથી સંતોષ માનો, કારણ કે આટલું પણ તમને તમારી લાયકાત કરતાં વધુ મળ્યું છે. દોષ વિનાના માણસો શોધવા જઈશું તો મિત્ર ક્યારેય નહીં મળે. ગુસ્સામાં, આવેશમાં કે નશામાં જે બોલાઈ જતું હોય છે તે અગાઉ ક્યારેક વિચારેલું જ હોય છે. કટોકટીના બે અર્થ થતા હોય છે: એક - ખતરો અને બે - તક. સત્યનું તીર તાકાતાં પહેલાં એનું ફણું મધમાં બોળી લેવું. જિંદગીમાં તમે કંઈ પણ મેળવી શકશો, જો એને માટે બધું જ ગુમાવવા તૈયાર હશો તો. કોઈને ચૂપ કરી દેવાથી એનું પરિવર્તન કરી શકાતું નથી. બીજાને દગો દેતી વખતે તમે તમારી જાતને પણ દગો આપો છો. કબૂલાત કરી લીધા પછી પાપનું રૂપાંતર સત્યમાં થઈ જતું હોય છે. જ્યારે કંઈ પણ કરો તોય એનો અર્થ ન સરે એમ હોય ત્યારે કશુંય ન કરો. કૂવો ખાલી થઈ ગયા પછી જ તરસની કિંમત સમજાતી હોય છે. મધમાખીની જેમ જેમના મોઢામાં મધ હોય છે એમની પૂંછડીમાં ડંખ હોય છે. દરેક અસંતોષનું કારણ સરખામણી હોય છે. જે માણસ પહેલી ભૂલ કરીને એને સુધારી નથી લેતો એ બીજી ભૂલ પણ કરે છે. તમને પાડી નાખે એવા ઘોડા કરતાં તમારો સામાન ઊંચકતો રહે એવો ગધેડો સારો. જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં. ભૂલ કરવા કરતાં મોડું કરવું સારું. જીવનસાથીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જીવનમાં આવનારા આનંદ અને દુ:ખનો અડધોઅડધ હિસ્સો તમારા પોતાને કારણે આવવાનો છે. જિંદગીનાં બે જ લક્ષ્ય હોઈ શકે: એક - જે જોઈએ છે તે મેળવવું. અને બે - એ મળી ગયા પછી એને માણવું. બહુ ઓછા લોકો આ બીજા લક્ષ્યને સાકાર કરી શકે છે. કીડી માટે વરસાદનાં થોડાંક ટીપાં પણ પૂર સમાન છે. દરેક સમસ્યા સાથે એનો ઉકેલ જન્મતો હોય છે. કપડાંની જેમ કારકિર્દી પણ અલગ અલગ માપકદની પહેરી જોયા પછી જ બંધબેસતી આવે છે. જે થવાની ધારણા રાખી હોય એ જ થતું હોય છે. ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાયા પછી જ તમારા પર પારધીઓની નજર પડતી હોય છે. |
Thursday, November 27, 2014
જિંદગીનું મૅનેજમેન્ટ - સૌરભ શાહ
Labels:
મૅનેજમેન્ટ,
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment