Tuesday, February 18, 2014

તમારી જિંદગીમાં દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે?- સૌરભ શાહ

શું તમને ખબર છે કે તમારી જિંદગીમાં દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે?
સાચા મિત્રો માટે તમને ક્યારેય ફરિયાદ હોતી નથી, કારણ કે એમના માટે તમને કોઈ અપેક્ષા પણ હોતી નથી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બાહનાબાજી નથી હોતી, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી

મૅન ટુ મૅન - સૌરભ શાહ

દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે એ વાત ઘણા પુરુષો સમજી શકતા નથી. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમારે એને બદલવાની કોશિશ નથી કરવાની, તમારું એના પ્રત્યેનું વલણ બદલવાનું છે અને બદલામાં તમે જેવો વ્યવહાર એની પાસેથી મેળવવા ઈચ્છો છો તે મેળવો છો, તમારે જ લોકોને શીખવવું પડતું હોય છે કે એમણે તમારી સાથે કઈ રીતે વર્તવું અને કઈ રીતે નહીં, તમારી સાથેના વ્યવહારમાં એમણે ક્યાં, કેટલી છૂટ લેવી અને કઈ હદ સુધીની મર્યાદા જાળવવી.

કોઈ તમારી સાથે સારી રીતે વર્તતું ન હોય તો એમાં વાંક માત્ર સામેની વ્યક્તિનો નથી હોતો, તમારો પણ એટલો જ વાંક હોય છે અને આ વાત તમારે સ્વીકારવી પડે. તમારી ખૂબ નજીકના વર્તુળમાં પ્રવેશી જતી વ્યક્તિઓ કોઈ તબક્કે તમને દુ:ખી કરવા માંડે ત્યારે એમનો વાંક કાઢવાને બદલે વાંક તમારો નીકળવો જોઈએ - તમે શા માટે એમને તમારી આટલી નજીક આવવા દીધા? હવેથી ખ્યાલ રાખવાનો.

સ્વાર્થ વગરના સંબંધો આ દુનિયામાં ક્યારેય રચાતા નથી. ક્યારેય નહીં. એક વખત અલગ સંદર્ભમાં મેં લખ્યું હતું કે તમે મને ચંદ્ર વગરની શરદપૂર્ણિમા બતાવો, હું તમને સ્વાર્થ વગરનો સંબંધ બતાવીશ. કશુંક તમને જોઈતું હોય છે એમની પાસેથી, કશુંક એમને મેળવવું હોય છે તમારી પાસેથી. એ કશુંક દરેક વખતે ભૌતિક કે સ્થૂળ સ્તરનું જ હોય એ જરૂરી નથી. સૂક્ષ્મ અને અભૌતિક પણ હોઈ શકે. પરંતુ અંતે તો લેવડદેવડની જ વાત હોય છે. રિયલ મિત્ર કોને કહેવાય? ખરો મિત્ર એને કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય. તેં મને આટલી લાગણી આપી જે આ પલ્લામાં મેં મૂકી અને હવે સામેના પલ્લામાં હું પણ એટલી જ લાગણી જોખીને તને આપીશ એવી મેન્ટાલિટીથી ન તો કોઈ સંબંધ બંધાય, ન કોઈ મૈત્રી ટકે. લાગણીઓને માપીજોખીનેતોળીને વહેંચનારાઓને ક્યારેય તમારા અંતરંગ વિશ્વમાં સ્થાન નથી હોતું. જેમની સાથે મૈત્રીના શિખરે તમે પહોંચી ગયા હો એમની પ્રશંસા તમે સાચા દિલથી કરી શકો છો, કારણ કે વખાણ કરીને તમારે એમની પાસેથી કંઈ મેળવવાનું નથી હોતું. એમની ટીકા પણ તમે કોઈ જાતના દંશ વિના કરી શકો છો, કારણ કે તમને ખાતરી હોય છે કે એ ટીકા સાંભળીને એ તમારી પાસેથી કશું પાછું લઈ લેવાના નથી. તદ્દન નિર્ભાર થઈને તમે એમની સાથે વર્તી શકો છો. તમારાં તમામ મહોરાં, નકાબ, બુરખાઓને બાજુઓ મૂકીને તમે જેવા છો એવા જ પેશ આવી શકો છો. જિંદગીનો આ ઘણો મોટો આનંદ છે. લોકો તમને ફોલી ન ખાય એ માટે સતત પહેરવું પડતું બખ્તર તમે આવા મિત્રોને મળો છો ત્યારે શરીર પરથી ઉતારીને ઊંચે મૂકી દો છો.

સાચા મિત્રો માટે તમને ક્યારેય ફરિયાદ હોતી નથી, કારણ કે એમના માટે તમને કોઈ અપેક્ષા પણ હોતી નથી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બાહનાબાજી નથી હોતી, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી. તમને ખબર હોય છે કે તેઓ આ સંબંધને આવરી લેતા પ્રદેશમાં જે કંઈ કરે છે તેની પાછળનો એમનો આશય એકદમ શુભ છે અને જે કંઈ નથી કરતા તેની પાછળનાં કારણો તદ્દન દોષરહિત છે. આવી મૈત્રી તમને દુનિયામાં ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે. તેઓની હાજરી તમારા જીવનમાં ચોવીસ કલાકની ન હોય છતાં સતત એક અહેસાસ તમને થયા કરે છે કે તેઓ તમારી સાથે જ છે, તમારી આસપાસનું વાતાવરણ બનીને સતત તમારી પડખે છે. એમની હાજરીમાં થતું તમારું દરેક હાસ્ય અને દરેક રુદન તમારા અંગત ખજાનાનો હિસ્સો બની જાય છે. જન્મોજનમનો સાથ જો માગવાનો હોય તો આવા મિત્રોનો માગવાનો હોય. પ્રાર્થના કરવાની હોય તો કુન્દનિકા કાપડીઆના શબ્દોમાં કરવાની હોય: ‘પરમાત્મા, અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓને પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના અને સાત્ત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ.’

દુનિયામાં ટકી રહેવા માટે તમને આવા મિત્રોની અનિવાર્યતા મહેસૂસ થાય છે, કારણ કે તમે જુઓ છો કે તમારી નજીક આવી ગયેલા ઘણા બધા કહેવાતા મિત્રો તમારી પડતી સમયે સૌથી વધુ જોરથી તાળીઓ પાડવા લાગે છે. તમારા એકાંતમાં તમને એ તાળીઓ સંભળાય છે અને એ તાળીઓના ગુંજારવને તમે સાચવી રાખો છો જેથી પુખ્તતાનું એક વધુ પગથિયું ચડવામાં તમને એ કાખઘોડી તરીકે કામ લાગશે. આ જ લોકો તમારી ચડતી વખતે ફરી પાછા હાજર થઈ જવાના પણ હવે એમના બેશરમ સ્મિતથી તમે ભોળવાતા નથી.

તમારી પાસે આવા લોકો સાથે પનારો પાડવા માટે એક ઈનબિલ્ટ શૉક ઍબ્ઝોર્બર, એક સ્ટેબિલાઈઝર આવી ગયું હોય છે જેને કારણે તમે લાગણીપ્રૂફ બની જાઓ છો. એમની બનાવટી પ્રશંસા અને એમની બેવજૂદ ટીકાથી તમે અકળાતા નથી, તમારો સો ટચનો આક્રોશ કે તમારી ચોવીસ કૅરેટની હૂંફ - કશુંય તમે આવા લોકોમાં વહેંચતા નથી, વેડફતા નથી, કારણ કે તમને ખબર હોય છે કે દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે. માગવાનું કશું જ નથી હોતું ભગવાન પાસે, કારણ કે તમારી હૃદયની ઈચ્છાઓ હોઠ પર શબ્દસ્થ થાય તે પહેલાં જ, જરાય ટટળાવ્યા વિના, એ બધું જ આપતો રહે છે છતાં માગવાનું હોય તો એની પાસે એક જ વસ્તુની માગણી થાય: જન્મોજનમની મૈત્રી.



પ્રથમ પુરુષ એકવચન

ઉત્તમમાં ઉત્તમ માનવીનાં પણ દરેકેદરેક પાસાં ઉત્તમ જ હોય એવી આશા રાખવી વ્યર્થ. - સ્વામી સચ્ચિદાનંદ

No comments:

Post a Comment