સંયમ એેટલે ભીતરનું પરિવર્તન |
કેટલાક
માણસો બળપૂર્વક મનને ધક્કો લગાવીને સંયમી હોવાનો દેખાવ કરતા હોય છે.
વૃત્તિઓને દબાવી રાખવાથી બહારથી બધું બદલાય છે પણ ભીતરમાં તેમનું તેમ રહે
છે. આ એક જાતનું દમન છે. લાંબો સમય ટકતું નથી જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવન અને ધર્મમાં અહિંસા, સંયમ અને તપનું અનેરું મહત્ત્વ છે. અહિંસામાં દયા, પ્રેમ અને કરુણા છે. જ્યારે સંયમ અને તપમાં જાત પર અંકુશ અને નિયંત્રણ રાખવાનું હોય છે. સંયમનો અર્થ દમન નથી. મોટે ભાગે સંયમ બળપૂર્વક ઈચ્છાઓને દબાવીને લદાતો હોય છે. અંદર કાંઈક હોય છે અને બહાર કાંઈક બીજું દેખાય છે. કેટલાક માણસો બળપૂર્વક મનને ધક્કા લગાવીને ઉપવાસો, વ્રતો અને બાધાઓ રાખતા હોય છે. બહાર તપસ્વીનો દેખાવ થતો હોય છે અને મન અંદરથી અકળાતું હોય છે આવો સંયમ લાંબો સમય ટકતો નથી. સંયમ શિસ્ત કે અનુશાસન નથી, પરંતુ ભીતરનું પરિવર્તન છે. વૃત્તિઓને બહાર દેખાવા દઈએ નહીં, પરંતુ અંદર એ જ રટણ ચાલતું હોય તો મોકો મળતાં આ વૃત્તિઓ બમણા જોરથી બહાર આવવાની છે. માણસ બહારથી શાંત હોય, પરંતુ અંદર ક્રોધ સળગતો હોય તો વહેલો મોડો બહાર આવવાનો છે. ઈચ્છાઓને જેટલા જોરથી દબાવીશું તેટલા તેના સામા પ્રત્યાઘાતો પડશે. વૃત્તિઓને દબાવવાની નથી, પરંતુ સમજપૂર્વક તેનું શમન કરવાનું છે. આજકાલ જીવનમાં અને ધર્મમાં સંયમની વાતો બહુ થઈ રહી છે. ધર્મગુરુઓ આ માટે બોધ આપતા હોય છે. હાથ જોડાવીને બાધા લેવરાવતા હોય છે. ઈચ્છા વગરનું પરાણે લીધેલું વ્રત લાંબો સમય ટકી શકતું નથી. કેટલાક વધારે પડતા સંયમી લોકોએ બહારથી બધું બદલી નાખ્યું હોય છે, પરંતુ ભીતરમાં તેનું તે જ હોય છે. માણસ બહારથી શાંત દેખાતો હોય પણ અંદર હિંસા, ઈર્ષ્યા અને અદેખાઈ હોય. માણસ બહારથી સંત જેવો દેખાતો હોય, પણ અંદર વાસના ભટકતી હોય, બહાર સ્મિત હોય અને અંદર દુશ્મનાવટ હોય. આવો સંયમ બહુ ભયાનક જ્વાળામુખી જેવો છે. તે અંદર ભડકતો રહે છે અને મોકો મળતાં ફાટે છે. માણસ બહાર સારો દેખાતો હોય પણ અસલી ચહેરો બહાર આવ્યા વગર રહેતો નથી. ઝઘડામાં, તકરારમાં માણસો હંમેશાં કહેતા હોય છે તેને ફટકારવાની જરૂર હતી, પરંતુ મેં સંયમ રાખ્યો. ફટકારવાની વૃત્તિ છે અને સંયમની વાત છે. મનમાં અને બહાર જુદું છે. વૃત્તિઓને, ઈચ્છાઓને આપણે કાં તો બળપૂર્વક દબાવી દેતા હોઈએ છીએ અથવા ભયને કારણે દબાવી રાખવી પડે છે. મેં સંયમ રાખ્યો હોવાનું કહેતા મોટા ભાગના માણસો કાંઈ કરી શકતા નથી અથવા કરી શકવાની શક્તિ ધરાવતા નથી એટલે આ સંયમ બની જાય છે, પરંતુ અંદર ક્રોધ પ્રજવલ્લિત હોય છે. આપણે રોજબરોજ જેની સાથે તકરાર થઈ હોય, જેની સાથે અણબનાવ હોય, જેની અદેખાઈ થતી હોય તેને મનથી ફટકારતા હોઈએ છીએ. આપણે ખુરશી પર બેસીને ન્યાયાધીશ બની ચાબખાં ફટકારતા હોઈએ છીએ. વેર જે અંદર હોય છે તે જલદીથી શમતું નથી. અંદર જોે પરિતર્વન ન હોય, હૃદય મળતા ન હોય તો હાથ મિલાવવાથી કશો અર્થ સરે નહીં. જે આપણી શક્તિ બહારનું હોય છે તે સ્વપ્નો દ્વારા પરિપૂર્ણ કરીએ છીએ. જે પાપો બહાર કરી શકતા નથી તે મન દ્વારા થઈ જતાં હોય છે. તપ અને સંયમ એકબીજાના પૂરક છે. તપ દ્વારા સંયમ રાખી શકાય છે અને સંયમ હોય તો તપ કરી શકાય છે, પરંતુ આ તપ દમનરૂપે હોવું જોઈએ નહીં. ઉપવાસ કર્યા હોય અને અંદર ભોજનની લાલસા હોય અથવા ઉપવાસ પછી ખાવા પર ઊતરી જવાય તો તે સાચું તપ નથી. તપશ્ચર્યા જેટલી થાય તેટલી જીવન સાથે વણાઈ જવી જોઈએ. તપ એ સાધના છે. ભીતરના પરિવર્તનની પ્રક્રિયા છે. તપ કર્યા પછી તપી જવાય, તપ દ્વારા માનની અપેક્ષા હોય, તપ માત્ર દેખાવ પૂરતું હોય તો એ ધર્મ નથી. અંદરથી જ્યારે પરિવર્તન ઊભું થાય છે ત્યારે બહાર દેખાવ કરવાની જરૂરત પડતી નથી. સંયમમાં દમન હોય નહીં. ભીતરમાં દબાવી રાખેલી વૃત્તિઓ ચાની કીટલીની વરાળ જેવી છે તે ઢાંકણું ઊંચકીને બહાર નીકળવાનો પ્રયાસ કરશે. આ અંગે ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંત કથાનો સાર સમજવા જેવો છે. એક ગામમાં એક ક્રોધી માણસ રહેતો હતો. તે એટલો ક્રોધી હતો કે આવેશમાં આવી જઈને તેણે પત્નીને કૂવામાં ધક્કો મારી દીધો. પત્ની કૂવામાં પડીને મરી ગઈ. આ કૃત્યથી તેને ઘણો પસ્તાવો થયો. ક્રોધી માણસો જલદીથી પસ્તાવો કરી લેતા હોય છે, પરંતુ તેનું પરિણામ આવતું નથી. તેઓ નક્કી કરે છે હું આવું કદી નહીં કરું અને પાછા તેઓ કરી નાખે છે. ક્રોધ તેમને જંપવા દેતો નથી. આ માણસ પણ પશ્ર્ચાતાપ કરીને બહુ દુ:ખી થઈ ગયો. ગામમાં એક મુનિ પધાર્યા હતા. મિત્રોએ સલાહ આપી તું તેમની પાસે જા. તેઓ તને કાંઈક રસ્તો બતાવશે. ક્રોધી માણસ મુુનિ પાસે ગયો અને પોતાની વિતક કથા સંભળાવી અને પૂછ્યું મહારાજ હું ક્રોધ પર વિજય કેવી રીતે મેળવી શકું તેનો રસ્તો બતાવો તો કૃપા થશે. મુનિએ કહ્યું, સામાન્ય ગૃહસ્થ માટે ક્રોધ પર વિજય મેળવવો મુશ્કેલ છે. આ માટે સંયમની સાધના કરવી પડે, સંન્યાસ લેવો પડે. પેલા માણસે કહ્યું: તો પછી વિલંબ શા માટે? મને હમણાંને હમણાં દીક્ષા આપી દો. ક્રોધી માણસો બહુ જિદ્દી હોય છે. તેઓ ધાર્યું કરીને રહે છે. ક્રોધી માણસો આ બાજુ કે તે બાજુ જલદીથી કૂદી પડે છે. આવેશમાં આવીને તેણે પત્નીને કૂવામાં ધકેલી દીધી અને આવેશમાં સંન્યાસ પણ ગ્રહણ કરી લીધો. ક્રોધી લોકો કહેવાતા તપસ્વી બની જાય છે ત્યારે તેમનામાં અદભૂત શક્તિ આવી જાય છે. ક્રોધમાં ભયંકર તાકાત છે. ક્રોધ જે બહાર હતો તે હવે અંદર ઊતરવા લાગ્યો. તેમણે કઠણ તપશ્ર્ચર્યા શરૂ કરી અને તપસ્વી તરીકે તેનું નામ થઈ ગયું. ક્રોધ પર વિજય મેળવવા તેણે સંન્યાસ લીધો હતો. ક્રોધને જીતવાના પ્રયાસમાં તે ક્રોધને અંદર ને અંદર દબાવતો ગયો. લોકો વાહવાહ કરવા લાગ્યા. જેમ જેમ માન મળતું ગયું તેમ તેમ શરીરને વધુ કષ્ટ આપીને તે તપ સમ્રાટ બની ગયો. ગુરુ તેના પર ખુશ થઈ ગયા અને તેને મુનિ શાંતિનાથ નામ આપ્યું. અંદર ક્રોધ હતો. બહાર શાંતિ હતી. એક વખત મુનિ શાંતિનાથ એક શહેરમાં આવી પહોંચ્યા જ્યાં તેનો એક જૂનો મિત્ર રહેતો હતો. મિત્ર તાજુબ થઈ ગયો કે તેનો ક્રોધી મિત્ર શાંતિનાથ કેવી રીતે બની ગયો. આ કઈ રીતે બન્યું તેનો તેને વિશ્વાસ આવતો નહોતો. તેને કુતૂહલ થયું. સાચી વાત જાણવાની જિજ્ઞાસા થઈ. આ માણસ પોતાના સંન્યાસી મિત્રને મળવા ગયો. શાંતિનાથ ઊંચા આસને બેઠા હતા. હજારો લોકો તેમનાં દર્શન માટે આવ્યા હતા. ભાવિકોની ભીડમાં મિત્ર તરફ તેની નજર ગઈ પણ તેણે નજર ફેરવી લીધી. માણસ જ્યારે ઊંચા આસને બેસે છે ત્યારે તેની નજર નીચે જતી નથી. પછી એ મંચ પ્રધાનોનો હોય, શાહુકારોનો હોય કે સંન્યાસીઓનો હોય. સંન્યાસીએ મિત્રને જોઈ તો લીધો, પરંતુ તેને ઓળખવા માગતો નહોતો. શ્રીમંતોની ભીડમાં આ સાધારણ માણસ તરફ નજર નાખવાનું શાંતિનાથને મન થયું નહીં. મિત્રને પણ સમજાઈ ગયું કે શાંતિનાથ મને ઓળખી ગયો છે પણ ઓળખવા માગતો નથી. મિત્રને ખ્યાલ આવી ગયો કે આ માણસ ક્રોધને જીતી શક્યો નથી. જ્યાં અહંકાર હોય ત્યાં ક્રોધ રહેવાનો. આમ છતાં તેને પૂરી ખાતરી કરવાનું મન થયું. તે સંન્યાસી મિત્ર પાસે આવીને બેસી ગયો. આમ છતાં તેણે તેની સામે જોવાની દરકાર કરી નહીં. શાંતિનાથ બીજા શ્રીમંત ભક્તો સાથે વાત કરતા રહ્યા. મિત્રે તેમની વાત અટકાવીને પૂછ્યું: મહારાજ આપની કીર્તિ ચોમેર પ્રસરી છે. આપના વિશે ઘણું સાંભળ્યું છે પણ આપનું ખરું નામ શું છે? મુનિને ક્રોધ આવી ગયો, પણ ક્રોધને દબાવી દીધો અને કહ્યું: અખબાર વાંચો છો કે નહીં, તેમાં રોજ મારું નામ આવે છે. મારી તસવીરો પ્રગટ થાય છે. અહીં મને સાંભળવા આવ્યા છો ને મારું નામ જાણતા નથી. મારું નામ છે મુનિ શાંતિનાથ. મિત્રે કહ્યું: બહુ ઉપકાર થયો. આપનું નામ હવે હૃદયમાં અંકાઈ જશે. પછી મુનિ બીજી વાતોમાં લાગી ગયા. પાંચ-દશ મિનિટ વીતી હશે ત્યાં મિત્રે વિક્ષેપ પાડીને કહ્યું: માફ કરજો આપે આપનું શું નામ કહ્યું? હું ભૂલી ગયો. જરા ફરી વખત કહેશો તો અહેસાન થશે. શાંતિનાથને ફરી ક્રોઘ આવી ગયો. આ વખતે ક્રોધને દબાવવો મુશ્કેલ થઈ પડ્યો. તેણે કહ્યું, ‘પાગલ, મારું નામ હમણાં મેં કહ્યું અને ભૂલી ગયો. તારા કપાળમાં લખી રાખ મારું નામ શાંતિનાથ છે.’ મિત્રે કહ્યું, ‘ધન્યવાદ, આપને કષ્ટ આપ્યું તે બદલ ક્ષમા ચાહું છું.’ વાતવાતમાં થોડો સમય વીતી ગયો. મોટા ભાગના લોકો વિખેરાઈ ગયા પછી પેલા મિત્રે મુનિનાં ચરણો પકડી લીધાં અને આજીજી સાથે કહ્યું, ‘મુનિજી, હું પણ કેવો છું, આપનું નામ પાછું વિસરાઈ ગયું. પ્લીઝ, હવે છેલ્લી વાર કહી દોને કે આપનું નામ શું છે?’ અંદર ખૂબ દબાવી રાખેલો મુનિનો ક્રોધ સ્પ્રિન્ગની જેમ ઊછળીને બહાર નીકળી ગયો અને તેમણે દંડો ઊંચકીને કહ્યું, ‘હવે તું મારું નામ પૂછીશ ને તો તારું માથું ફાડી નાખીશ. તારી બુદ્ધિ ક્યાં ગઈ છે?’ મિત્રે કહ્યું, ‘બધું યથાસ્થાને છે. મારી બુદ્ધિ મારી પાસે છે અને તમારો ક્રોધ તમારી પાસે છે. આમાં કશો ફેરફાર થયો નથી. હું તો માત્ર એ જાણવા આવેલો કે તમારો ક્રોધ જતો રહ્યો છે કે હજુ મોજૂદ છે અને હવે મને ખાતરી થઈ છે કે બધું યથાવત્ છે. કશું પરિવર્તન થયું નથી. કપડાં બદલાયાં છે પણ સ્વભાવ એનો એ જ રહ્યો છે. ક્રોધ, મોહ અને લોભ હિંસાનાં સ્વરૂપો છે. તે એક યા બીજા સ્વરૂપે પ્રગટ થયા વગર રહેતાં નથી. બહાર બધું બદલી જાય, પરંતુ અંદર કશું બદલાતું નથી. ઉપરથી દબાયેલો સંયમ આત્માને રૂપાંતરિત કરતો નથી. કોઈ પણ ક્રાંતિ બહારથી અંદરની બાજુએ થતી નથી. બધી ક્રાંતિ અને પરિવર્તનો અંદરથી બહાર તરફ થાય છે. અંદરથી બદલાય તો આચરણ પણ બદલી જશે. અંદરથી પરિવર્તન થાય તો બહારનો વહેવાર બદલાઈ જશે. દમન એ બંધન છે, મુક્તિ નથી. |
Monday, February 17, 2014
સંયમ- મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment