કાળ,
સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કર્મ આ પાંચ કારણનો સુમેળ સર્જાય ત્યારે
કાર્ય સિદ્ધ થાય છે અને નસીબનાં દ્વાર ખૂલે છે. આમાંથી એકનો પણ અભાવ હોય તો
ધાર્યું પરિણામ આવતું નથી. જીવનમાં સફળતા અને નિષ્ફળતાનો આધાર આના પર છે જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર મનુષ્ય જીવન ગહન અને અટપટું છે. કાલે શું થવાનું છે તેની કોઈને ખબર નથી. સંસારમાં બધું સર્વ માટે સરખું ઊતરતું નથી, કોઈને ઈચ્છિત સુખ જલદીથી મળી જાય છે તો કોઈને મહેનત કરવા છતાં ધારણા મુજબનું સુખ મળતું નથી. એક માણસ સુખી અને બીજો માણસ દુ:ખી કેમ? ખોટું કામ કરનારાઓ લાખો રૂપિયા કમાતા હોય છે અને મોજમજા કરતા હોય છે અને નીતિથી જીવનારા લોકો દુ:ખી દેખાય છે તેનું કારણ શું? જીવનમાં જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, સુખ-દુ:ખ શેમાંથી ઉદભવે છે? કોઈને જ્ઞાન થાય નહીં, કોઈ સારું જોઈ શકે નહીં, કોઈ સારું સાંભળી શકે નહીં. કોઈ સુખ શોધી શકે નહીં અને દુ:ખમાં રત રહે. કોઈનો જન્મ શ્રીમંતને ત્યાં થાય તો કોઈ રંકને ત્યાં અવતરે. કોઈ લાંબું જીવે, કોઈ ટૂંકું, કોઈને ધન, પદ અને પ્રતિષ્ઠા સહેલાઈથી મળી જાય અને કોઈને મહેનત કરવા છતાં યશ મળે નહીં. કોઈને હર તબક્કે અંતરાયો નડ્યા કરે. કોઈનાથી સુખ જીરવાતું નથી, તો કોઈ દુ:ખ સહન કરી શકતા નથી. આ પાછળનું કારણ શું છે? હિન્દુ ધર્મશાસ્ત્રો કહે છે, આ કર્મનું પરિણામ છે. કર્મો અનુસાર ફળ મળે છે. કર્મનાં પરિણામો દરેકને ભોગવવાં પડે છે. આ જગતમાં જે કાંઈ વસ્તુ બને છે તે કારણ વગર બનતી નથી. કોઈ પણ કાર્ય પાછળ કારણ રહેલું છે. જૈન ધર્મ કહે છે આ સંસારમાં જે કાંઈ બને છે તે પાંચ કારણો મળવાથી, ભેગાં થવાથી જ થાય છે. કોઈ પણ ઘટના ઘટિત થાય છે તેની પાછળ આ પાંચ કારણોનો સુમેળ છે. આ પાંચ કારણોમાંથી કોઈ પણ એકની ઊણપ રહે તો કાર્ય થતું નથી. કાર્યસિદ્ધિ અને સફળતાનો આના પર આધાર છે. આ પાંચ કારણો છે કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કર્મ. આ પાંચ કારણો એકસાથે મળે ત્યારે કાર્ય સિદ્ધ થાય છે અને સફળતા મળે છે. આમાંથી એકપણ કારણ ઓછું રહે તો જે પરિણામ ઊભું થવું જોઈએ તે થતું નથી. આ પાંચ કારણો ભેગાં થાય તો આપણે તેને ભાગ્ય-નસીબ ગણીએ છીએ અને તેમાં ઊણપ રહે તો દુર્ભાગ્ય ગણાય છે. માત્ર પુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળશે એવું ચોક્કસ નથી, પણ જીવનમાં પુરુષાર્થ અત્યંત જરૂરી છે અને સફળતાનું એક મહત્ત્વનું કારણ છે, એકલા ભાગ્યને આધીન રહેવાનો કોઈ અર્થ નથી. કોઈ પણ કાર્ય નાનું હોય કે મોટું હોય, પણ આ પાંચ કારણોના સમન્વયથી બને છે. જે કાર્ય જે સમયે થવાનું હોય તે સમયે થાય છે. કોઈ પણ કાર્ય પાછળ સમય અને કાળ મહત્ત્વનો છે. બચપણ, યુવાની, વૃદ્ધાવસ્થા આ બધા કાળનાં સ્વરૂપો છે. સૂર્ય, ચંદ્રનો ઉદય અને અસ્ત તેના નિર્ધારિત સમયમાં થાય છે. ઋતુઓ સમય પ્રમાણે બદલાય છે. કુદરત અને અસ્તિત્વમાં સમય પ્રમાણે ફેરફાર થતા રહે છે. સમય પહેલાં ફૂલો ખીલે નહીં, ફળો આવે નહીં. સ્ત્રીને સંતાનપ્રાપ્તિ ઋતુકાળ પહેલાં થઈ શકે નહીં. બધી ઘટનાઓ કાળને આધીન છે. સમય અને કાળ પ્રમાણે બધું ચાલે છે. સમય વીતી જાય તો જે થવાનું હોય છે તે થતું નથી. સમય ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. વીતી ગયેલી ક્ષણો પાછી આવતી નથી. મહાવીર ભગવાને કહ્યું છે, ‘કાળ નિર્દય છે અને શરીર દુર્બળ છે એ સત્યને સ્મરણમાં રાખીને માણસે જીવવું જોઈએ.’ કાળ કદી કોઈના માટે રાહ જોતો નથી. કાળ એટલે સમય અને તે આપણી મરજી મુજબ આવતો અને જતો નથી. સમય આપણી સાથે ચાલે નહીં. આપણે સમયની સાથે ચાલવાનું હોય છે. સમય સાથે સમાધાન કરવાનું હોય છે. જ્યારે સમય આવે ત્યારે તેનો સદુપયોગ કરી લેવો જોઈએ અને સમયને ઓળખતાં શીખવું જોઈએ. આજે જે કરવાનું હોય તે કાલ પર મુલતવી રાખવાની જરૂર નથી. જીવન હંમેશાં વર્તમાનમાં ચાલે છે. કાલે શું થશે તેની કોઈને ખબર નથી. વીતી ગયેલી ક્ષણો પાછી આવતી નથી. સમય એટલે એક રીતે કહીએ તો તક તેનો યથાર્થ રીતે ઉપયોગ કરવાની, જાગૃત રહેવાની આ વાત છે. જીવનમાં સફળતા માટે સમય મહત્ત્વનો છે. સમય સારો હોય પણ આપણે કશું કરીએ નહીં તો કશું પરિણામ આવે નહીં. આમ છતાં એકલો સમય કાર્યને સિદ્ધ કરી શકતો નથી. કાર્યસિદ્ધિનું બીજું મહત્ત્વનું પાસું છે સ્વભાવ. જૈન ધર્મ કહે છે દરેક વસ્તુને તેનો સ્વભાવ છે અને તે મુજબ તે કાર્ય કરે છે અને આ સ્વભાવ દૂર કરી શકાતો નથી. અગ્નિનો સ્વભાવ છે બાળવાનો અને તે ગરમી આપશે. પાણીનો સ્વભાવ છે શીતળતાનો, તે ઠંડક આપશે. આ તેનું મૂળભૂત તત્ત્વ છે. તે બદલી શકાતું નથી. એમ દરેક માણસને તેનો સ્વભાવ છે તે મુજબ તે કાર્ય કરે છે. કોઈનો સ્વભાવ ગરમ, કોઈનો ઠંડો, કોઈ ઉદાર કોઈ કૃપણ. કોઈ સારું જોઈ શકે, બોલી શકે, કરી શકે, કોઈ તેમ ન કરી શકે, કોઈ આશાવાદી, કોઈ નિરાશાવાદી, કોઈ સકારાત્મક, કોઈ નકારાત્મક, કોઈ ઉત્સાહી કોઈ મંદ. કોઈનો સ્વભાવ મિલનસાર, કોઈનો અતડો. આમ સ્વભાવ મુજબ દરેક માણસ વર્તે છે. જે સમયે જેવું વર્તન અને વલણ હોવું જોઈએ તે મુજબ તે કાર્યસિદ્ધિનો હિસ્સો બને છે. સમય સારો હોય પણ વલણ સારું ન હોય તો તે અવરોધક બને છે. કાર્યની નિષ્પત્તિનું ત્રીજું પાસું છે નિયતિ. નિયતિ એટલે વિધિના લેખ. જે નિર્માણ થયું છે તે આવીને ઊભું રહેવાનું છે. દુનિયામાં જે કાંઈ બને છે તે નિયતિને આધીન છે. માણસ ગમે તેટલો ધનવાન, શક્તિવાન અને વીર્યવાન હોય, પરંતુ નિયતિ સામે ઝૂકવું પડે છે. નિયતિ અનુસાર જે ઘટના બનવાની છે તેને રોકી શકાતી કે ટાળી શકાતી નથી. માણસ ગમે તેટલો સારો-સજ્જન હોય, પણ કાંઈક એવી ઘટના બને છે જેનાથી તેની કીર્તિ, આબરૂ, પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચે છે. શ્રીમંત માણસ પણ ક્યારે સડક પર આવી જાય છે તેની ખબર પડતી નથી. જેની કોઈ ધારણા ન હોય, જેની કોઈ અપેક્ષા ન હોય, જે બનવાનું સંભવિત ન હોય તેવું અચાનક બને છે ત્યારે આપણને એમ થાય કે આમ કેમ બન્યું. આવું કોઈ કાળે બને નહીં આમ છતાં કેમ આવી પડ્યું. આનું નામ છે નિયતિ. જે બનવાનું હોય છે તે બનીને રહે છે. માણસ આ અંગે લાચાર છે. તેનો આગોતરો કોઈ ઉપાય નથી. માણસે આવી અસંભવિત ઘટનાનો સામનો કરવો પડે છે. કેટલીક મુશ્કેલી અને દુ:ખોને આપણા તમામ પ્રયાસો છતાં અટકાવી શકાતા નથી. અચાનક, ધારણાથી વિપરીત સારું બને, માણસ રાતોરાત તળેટીમાંથી સમૃદ્ધિના શિખર પર પહોંચી જાય, જેની કદી પણ કલ્પના નહોતી એવું બને તો તેનું કારણ પણ નિયતિ છે, આપણે તેને પ્રારબ્ધ, નસીબ, ભાગ્ય-દુર્ભાગ્ય જે કહેવું હોય તે કહીએ, પરંતુ જીવનમાં તે અનિવાર્ય છે. ભાગ્ય અનુસાર જીવનમાં સુખદુ:ખનો અનુભવ કરવો પડે છે. નસીબનું પાંદડું ફરતાં વાર લાગતી નથી. આ નસીબ પણ સમય અને માણસના મૂળભૂત તત્ત્વ જેને સ્વભાવ કહ્યો છે તેના પર ઊભું છે. કાર્યસિદ્ધિ અને સફળતાનું ચોથું અંગ છે પુરુષાર્થ. કાર્યસિદ્ધિ માટેના અનુકૂળ સંજોગો હોય પણ પુરુષાર્થ ન હોય તો પરિણામ આવે નહીં. જીવનમાં મહેનત અને પુરુષાર્થ વગર કશું મળતું નથી, પણ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે આડેધડ, સમજ વગરની મહેનત પણ યારી આપતી નથી. ઘણા માણસો જિંદગીભર મહેનત કર્યા કરે છે, પણ સફળતા મળતી નથી, કારણ કે કાર્યસિદ્ધિ માટેનાં બીજાં કારણોનો અભાવ હોય છે. બધાં કારણો ભેગાં થયાં હોય, પણ પુરુષાર્થ ન હોય તો માણસનું ભાગ્ય બદલે નહીં, એટલે જ ગીતામાં કહ્યું છે ‘ફળની આશા વગર કર્મ કરતા રહેવું જોઈએ.’ આમાં સફળતાને અવકાશ છે. ભોજનનો સમય હોય, ભૂખ લાગી હોય, ભોજન હાજર હોય, પરંતુ જ્યાં સુધી માણસ કોળિયો મોઢામાં ન મૂકે અને ભોજનની ક્રિયા ન કરે ત્યાં સુધી પેટ ભરાતું નથી. બધા સંયોગો હોય પણ પુરુષાર્થ ન હોય તો કશું બની શકે નહીં. આ ચાર કારણોને કર્મની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. કર્મો અનુસાર આ ચાર કારણોનું સંયોજન થાય છે. આ ચાર કારણોનું એકસાથે મળવું તે કર્મને આધીન છે. જે પ્રકારનાં આપણાં કર્મો હોય તે પ્રમાણે ફળ મળે છે અને સુખ-દુ:ખનો અનુભવ થાય છે. હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ કર્મના મુખ્યત્વે ત્રણ ભાગ છે: (૧) ક્રિયમાણ કર્મ (૨) સંચિત કર્મ અને (૩) પ્રારબ્ધ કર્મ. માણસ સવારે જાગે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે કાંઈ કર્મ કરે છે તે ક્રિયમાણ કર્મ છે. તેનું તુરંત ફળ મળે છે, પરંતુ કેટલાંક ક્રિયમાણ કર્મો એવાં હોય છે જે કર્મ કરવાની સાથે ફળ આપતાં નથી પણ તે સંચિત થાય છે અને સમય આવે ત્યારે તેનું ફળ મળે છે. સંચિત કર્મ પાકીને ફળ આપવા તૈયાર થાય તેને પ્રારબ્ધ કર્મ કહેવાય. જન્મજન્માંતરનાં સંચિત કર્મો અનુસાર જન્મ મળે છે. આ કર્મો અનુસાર માતા-પિતા, સ્ત્રી, પુત્ર-પુત્રીઓ આદિ મળે છે. ક્યા માતા-પિતાને ત્યાં જન્મ લેવો છે એની પસંદગી આપણે કરી શકતા નથી. આવું હોય તો કોઈ પણ ગરીબ મા-બાપને ત્યાં જન્મ લેવાનું પસંદ કરે નહીં. આ બધાં ઋણાનુબંધનો, પારબ્ધવશાત્ જીવનકાળ દરમિયાન આવીને મળે છે અને ઋણાનુ બંધન અનુસાર એકબીજાને સુખ-દુ:ખ આપે છે અને આ સંબંધ પૂરો થાય એટલે છૂટા પડી જાય છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ એકબીજાના વિરોધી નથી, પણ પૂરક છે. કાર્યની સફળતામાં આ બંનેનો મહત્ત્વનો ફાળો છે. કર્મના પ્રભાવ દ્વારા સમય, સંજોગો, સ્વભાવ, પુરુષાર્થ અને પ્રારબ્ધ એક થાય છે. આ બળ આ ચાર કારણોને આઘાંપાછાં થવા દેતું નથી. વિપરીત સંજોગોમાં માણસને સફળતા મળે છે તેની પાછળ આ બળ રહેલું છે. જૈન ધર્મ કહે છે કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં આ પાંચ કારણો ને સંયોગ થવો જરૂરી છે. તે અનુસાર જીવનમાં ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા આવ્યા કરે છે. કોઈનું સુખ, કોઈની સફળતા કે ચડતી જોઈને નિરાશ થવાનું નથી કે ઈર્ષા કરવાની નથી, પણ પુરુષાર્થ કરતા રહેવાનું છે. આપણો સમય ક્યારે આવે અને ભાગ્ય ક્યારે પલટે એ કહી શકાય નહીં. મેદાનમાં રહીને લડતા રહીશું તો જ જીત સંભવિત છે. |
Wednesday, January 29, 2014
પુરુષાર્થ, પ્રારબ્ધ અને કાર્યસિદ્ધિ - મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment