મૃત્યુ: જીવનનો ગહન બોધ |
દંભની આ દુનિયામાં માણસ જીવતો હોય છે ત્યારે લાખનો હોતો નથી, પણ મૃત્યુ પછી સવા લાખનો થઈ જાય છે. આંખો મીંચાઈ ગયા પછી બધાં માનપાન નકામાં છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જન્મ અને મૃત્યુ એક ઘટમાળ છે. મૃત્યુ કોઈને છોડતું નથી. ગમે તેવો ચમરબંધી માણસ હોય તો પણ તેને જવાનું છે. આ કુદરતી અનિવાર્ય ઘટના છે. મૃત્યુ જીવનનો બોધ છે. મૃત્યુ છે એટલે જીવન આટલું રસમય અને રહસ્યમય બન્યું છે. આજે સમયના ભાર હેઠળ મૃત્યુ ભુલાઈ ગયું છે. કેટલાય માણસો કમોતે મરે છે. મૃત્યુ ડગલે ને પગલે પીછો કરતું હોય છે. કોઈ ગરીબીના કારણે, કોઈ બીમારીના કારણે મૃત્યુ પામે છે. કોઈ અકસ્માતનો ભોગ બને છે. કોઈ ભૂખથી તો કોઈ વધારે પડતા ભોજનથી મરણને શરણ થાય છે. તો કોઈને કેફી દ્રવ્યો અને નશો મારી નાખે છે. જીવન કરતાં મૃત્યુ સસ્તું થઈ ગયું છે. માણસની સંવેદના પણ હવે બુઠ્ઠી બની ગઈ છે. મોટાં શહેરોમાં અકસ્માત થયો હોય તો લોકો ટોળે વળી જશે, પરંતુ તેને તત્કાળ હોસ્પિટલભેગો કરવા કોઈ આગળ આવશે નહીં. લોકોને આ માટે સમય હોતો નથી. આવા વખતે તાત્કાલિક સારવાર મળે તો માણસની જિંદગી બચી શકે, પરંતુ આવી ફુરસદ કોને છે? અકસ્માત થયો હોય, માણસ દમ તોડતો હોય ત્યારે આને કારણે ટ્રેન મોડી પડી તેની આપણે ચિંતા કરીએ છીએ. દુ:ખના સમયમાં, બીમારીમાં અથવા કોઈ જાતના સંકટના સમયમાં સગાંસંબંધીઓ અને પાડોશીઓ ખડે પગે હાજર રહે એવો સમય હવે ચાલ્યો ગયો છે. લોકો ઔપચારિક રીતે ખબરઅંતર પૂછી જાય, પરંતુ સેવાની ભાવના કે સહાયની ભાવના રહી નથી. ઘરના અને નજીકના જેમના માથે જવાબદારી હોય તેઓ મને-કમને સેવા કે સેવાનો દેખાવ કરતા હોય છે. અત્યારે માંદા પડવું એક ગુનો છે. લાંબી માંદગીમાં માણસ લાંબો થઈ જાય છે. તબીબી ખર્ચ વધ્યો છે. હોસ્પિટલના મોંઘા દરો અને દવાના ખર્ચાઓ ભારે પડી જાય છે. જિંદગીનો સવાલ હોય એટલે ઘર ખાલી કરીને અને દેવું કરીને પણ આ બધું કરવું પડે છે. મૃત્યુના મુખમાંથી કદાચ માણસ પાછો આવે તો આ બોજા હેઠળ પાછો દબાઈ જાય છે. લાંબી અસાધ્ય બીમારી માણસને ખુવાર કરી નાખે છે. માણસ જેટલો નજીકનો હોય તેટલું મૃત્યુનું દુ:ખ હોય છે. માણસ મરણ પામે છે ત્યારે તેને ખભો આપવા લોકો પડાપડી કરતા હોય છે, પણ એ જીવતો હતો ત્યારે થોડો ટેકો મળ્યો હોત તો તે થોડું લાંબું જીવી જાત. મૃત્યુ પછી આ બધું નકામું છે. સાદડી અને પ્રાર્થનાસભાઓમાં અંતરની ભાવના કરતાં ઔપચારિકતા અને દિલસોજી કરતાં દિખાવટ વધુ જોવા મળે છે. માણસને જિંદગીમાં જેટલું માન મળતું નથી તેટલું મરણોત્તર મળે છે. શોકસભા અને પ્રાર્થનાસભાઓમાં સદગતની ભારોભાર પ્રશંસા થતી હોય છે. તેના નાનામાં નાના ગુણોની કદર થતી હોય છે. તેના જવાથી મોટી ખોટ પડી છે એવું લોકો કહેતા હોય છે, પણ એ જીવતો હતો ત્યારે કોઈ ભાવ પૂછતું નહોતું. માણસને જિંદગી કરતાં મૃત્યુ વધુ યશ અપાવે છે. મૃત્યુ પછી આપણે તેના ગુણો ગાઈએ છીએ. એ માણસ જીવતો હતો ત્યારે બે સારા શબ્દો કહ્યાં હોત તો તેની છાતી ગજગજ ફૂલત અને તેને જીવવાનું કોઈ બહાનું મળી રહેત. જીવનમાં આપણને એવી કેટલીય વ્યક્તિઓ મળે છે જેમનું કોઈ ને કોઈ કાર્ય આપણને સ્પર્શી જતું હોય છે. તેમના પ્રત્યે અહોભાવની લાગણી ઊભી થાય છે. તેનાં કાર્યોને બિરદાવવાનું મન થાય છે, પરંતુ આપણે આપણી લાગણી અને સંવેદના પ્રગટ કરતા નથી. સમયની રાહ જોઈએ છીએ. અને માણસ આપણા કરતાં નાનો હોય તો અહંકાર આડો આવે છે. આપણે કોઈના પ્રત્યે ગુણાનુસાર સારો ભાવ પ્રગટ કરીએ તો તેને કેટલો આનંદ થાય. આમાં દંભ ન ચાલે. આપણું કામ કઢાવવાનું હોય ત્યારે સામા માણસના ગુણો ગાઈએ તો તેનો કોઈ અર્થ ન રહે. આપણે આવો ભાવ પ્રગટ કરવા માટે તેના મૃત્યુ સુધી રાહ જોવાની જરૂર નથી. આવો ભાવ તેની હયાતીમાં શા માટે પ્રગટ ન થાય? મૃત્યુ પછી કોઈ સારું બોલે તો સ્વજનોને સારું લાગે, પરંતુ આમાં પ્રમાણભાન રહેવું જોઈએ. મોટા ભાગના લોકોના કહેવામાં સચ્ચાઈ કરતાં દંભ વધુ હોય છે. આમાં માત્ર શબ્દો હોય છે, અંતરનો રણકો હોતો નથી. કોઈ પણ માણસનું માન, સન્માન અને બહુમાન કરવાનું હોય તો તેની હયાતીમાં થવું જોઈએ. મૃત્યુ પછીનું આવું બહુમાન, ચંદ્રકો, ખિતાબો કે મરણોત્તર એવૉર્ડનું મૂલ્ય શું? મૃત્યુ પછી માણસની મહત્તા અને સિદ્ધિને આંકવાનો શો અર્થ? માણસને તેની લાયકાત મુજબ જે કાંઈ મળવાનું હોય તે તેના જીવન દરમિયાન મળવું જોઈએ. મરણોત્તર એવૉર્ડ એ સમાજનો દંભ છે. સારા-સજ્જન માણસોની શોકસભાઓને બદલે તેમની હયાતીમાં સન્માનસભાઓ રાખવી જોઈએ અને તેમના પ્રત્યેનો પ્રેમભાવ પ્રગટ કરવો જોઈએ. આનાથી માણસને સારાં કાર્યો કરવાની પ્રેરણા મળશે અને તેનો જુસ્સો ઔર વધશે અને તેમને જિંદગીમાં કાંઈક કર્યાનો અહેસાસ થશે. આપણે મનુષ્યોને રોજ મરતા જોઈએ છીએ. તેમ છતાં બોધ થતો નથી. આપણે પણ એક દિવસ જવાનું છે એ વાત ભુલાઈ જાય છે અને કાયમના માટે અહીં રહેવાના હોઈએ એવો વર્તાવ કરીએ છીએ. આપણે ધન-દોલત, માન-સન્માન, કીર્તિ-યશ બધું ભેગું કરવા માટે જિંદગીભર દોડતાં રહીએ છીએ. જિંદગીને આરે ઊભેલો માણસ પણ કશું છોડવા તૈયાર નથી. જિંદગી જેમ વીતતી જાય છે તેમ તેમ પરિગ્રહની પક્કડ વધુ મજબૂત બનતી જાય છે, પણ મૃત્યુ બધું છોડાવી દે છે. કશું સાથે લઈ જવાનું નથી, સારાં કાર્યો અને સદભાવના ટકી રહે છે. મૃત્યનો બોધ થાય તો માણસનું જીવન પરિવર્તન થઈ જાય. ગમે તેવો ખૂનખાર માણસ હોય મૃત્યુ સામે ઢીલો પડી જાય છે. એક માણસને પોતાના સ્વભાવના કારણે બધા સાથે કાંઈક ને કાંઈક ખટરાગ રહેતો હતો. ઘરમાં અને બહાર તે અપ્રિય બની ગયો હતો. બધાની સાથે તેને વાંકું પડતું હતું. લોકો તેની સાથે વાત કરવા તૈયાર નહોતા. આથી તે ખૂબ કંટાળી ગયો હતો, પણ સ્વભાવ છૂટતો નહોતો. તે સંત એકનાથ પાસે ગયો અને પોતાની મૂંઝવણની વાત કરી. સંત એકનાથે કહ્યું: તારી મૂંઝવણ હવે વધુ વખત નહીં રહે. આજથી સાતમા દિવસે તારું મૃત્યુ થવાનું છે. જે કરવું હોય તે કરી લે. મૃત્યુનું નામ સાંભળતાં આ માણસ એકદમ ગભરાઈ ગયો. જીવન પ્રત્યેનો રસ ઊડી ગયો. અહંકાર ઓગળી ગયો. પોતાના વર્તન માટે પસ્તાવો થવા લાગ્યો તે ઘેર ગયો. પત્નીની માફી માગી. સંતાનો અને પાડોશીઓને કહ્યું: મારાથી કાંઈ અપરાધ થયો હોય તો માફ કરજો. કોઈ પણ ચીજમાં તેનું મન લાગ્યું નહીં. આસક્તિ છૂટી ગઈ. ધન-દોલતનો મોહ રહ્યો નહીં. બધું સંતાનોને સોંપી દીધું. માત્ર છ દિવસમાં તેનામાં ગજબનું પરિવર્તન આવી ગયું. માણસ સમૂળગો બદલાઈ ગયો. ક્રોધ અને અહંકાર ચાલ્યો ગયો. માણસ નરમઘેંશ જેવો બની ગયો. છ દિવસ પૂરા થયા અને તે સંત એકનાથ પાસે ગયો અને કહ્યું: હવે એક દિવસ બાકી છે. મને અંતિમ વિદાય આપો અને મારી સદગતિ કરો. સંત એકનાથ તેની સામે જોઈ રહ્યા અને કહ્યું: તારું મૃત્યુ હવે મરી પરવાર્યું છે. તને નવું જીવન મળ્યું છે. રાગ, દ્વેષ અને અહમ્ ઓગળી જાય છેે અને વેરઝેર ભુલાઈ જાય છે ત્યારે માણસને નવી જિંદગી મળે છે. મૃત્યુની નિકટતાનું ભાન થાય છે ત્યારે લોભ, મોહ અને આસક્તિ રહેતી નથી. મૃત્યુ માણસને સંયમ અને મર્યાદામાં રાખે છે. મૃત્યુ ન હોત તો માણસ હેવાન બની જાત. મહાવીર ભગવાને તેમના શિષ્ય ગૌતમસ્વામીને હંમેશાં એ જ કહ્યું હતું કે ‘પળભરનો પ્રમાદ કરશો નહીં.’ કોને ખબર છે આવતી પળ તમે છો કે નહીં. એક પણ પળ જે હાથમાં છે તેને પૂરી જાગૃતિથી જીવી લો અને તેનો સદુપયોગ કરો. દરરોજ નવી સવાર ઊગે છે અને નવો સમય મળે છે. આ સમયનો કેવી રીતે સદુપયોગ કરવો એ માણસે વિચારવાનું છે. આપણને જે કાંઈ મળ્યું છે તે પ્રભુની કૃપાથી મળ્યું છે. અંત સમયે તેનો હિસાબ પણ આપવાનો છે. સત્કૃત્યો કર્યાં હશે તો જીવન આનંદથી પસાર થશે અને મૃત્યુ પણ સુધરી જશે. દુષ્કૃત્યો કર્યાં હશે તો જીવન બગડી જશે અને મોત પણ બગડી જશે. જીવન અને મૃત્યુ બંને સુધરે એવા માણસના પ્રયાસો હોવા જોઈએ. માણસ શ્રીમંત હોય કે ગરીબ બધાએ એક દિવસ તો આ બધું મૂકીને જવાનું છે. સાથે કશું આવવાનું નથી. કબીરે કહ્યું છે તેમ... આયે હૈ સૌ જાયેંગે, રાજા રંક ફકીર ઈક સિંહાસન ચઢિ ચલે, ઈક બંધી જાત ઝંજીર ગારી એક હૈ ઉલટત હોત અનેક કહત કબીર ન ઉલટિયે રહે એક હી એક જે માણસ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ર્ચિત છે પછી રાજા હોય, રંક હોય કે ફકીર હોય. બધાએ એક દિવસ આ ફાની દુનિયાની વિદાય લેવાની છે. સાથે કશું આવવાનું નથી. સિકંદર જેવા સિકંદરે પણ દુનિયા જીતી લીધી હતી, પણ સાથે કશું લઈ જઈ શક્યો નહોતો. જીતીને પણ તે મૃત્યુ સામે હારી ગયો હતો. ભરયુવાનીમાં મૃત્યુ તેને ભરખી ગયું હતું. બધું મળ્યું હતું પણ ભોગવી શક્યો નહોતો. જિંદગી કેટલીક વખત માણસને થકવી નાખે છે ત્યારે મૃત્યુ એક વિરામ બની જાય છે. જેઓ જિંદગીને સમજતા નથી તેમને મૃત્યુ પણ સમજાતું નથી. જિંદગી એ જન્મ અને મૃત્યુ વચ્ચેની રેખા છે. આ રેખા કેટલી લાંબી છે તે નહીં પણ કેટલી તેજસ્વી છે તે મહત્ત્વનું છે. જીવનનો જે સહજતાથી સ્વીકાર કરે છે તેઓ મૃત્યુનો પણ એટલી જ સહજતાથી સ્વીકાર કરી શકે છે. મૃત્યુ તેમને સતાવતું નથી. આવા માણસો પાણીના પરપોટાની જેમ અદૃશ્ય થઈ જાય છે. મૃત્યુ તેમને ડરાવી શકતું નથી પણ તેમને સમાવી લે છે. મૂળ વાત જીવનને કેવી રીતે જીવવું તે છે. માણસે એવી રીતે જીવવું જોઈએ કે તે કોઈની આડે ન આવે. એક વાર રામકૃષ્ણ પરમહંસને એક ભક્તજને પૂછ્યું: અમારે સંસારમાં કેવી રીતે રહેવું? તેમણે જવાબ આપ્યો, ‘બધાં કામો કરવાં, પણ મન પ્રભુમાં રાખવું. પત્ની, પુત્ર, માબાપ એ બધાની સાથે રહેવું. તેમની સેવા કરવી, પોતાના માણસ છે તેવો ભાવ રાખવો, પરંતુ મનમાં સમજવું કે આમાંથી કોઈ આપણું નથી. હોડી પાણીમાં રહે તેનો વાંધો નથી, પણ હોડીમાં પાણી રહેવું જોઈએ નહીં. સાધક ભલે સંસારમાં રહે પણ સાધકના મનમાં સંસાર રહેવો જોઈએ નહીં. પ્રભુના સાંનિધ્યમાં જ મુક્તિનો અનુભવ થઈ શકે. આ માટે મોહને ત્યજીને પ્રેમ-ભક્તિનો માર્ગ અપનાવવો જોઈએ. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તેમ... મુજ મોહ સઘળો જે બધો મુક્તિરૂપે સળગી ઊઠો મુજ પ્રેમ સઘળો જે બધો ભક્તિરૂપે વ્યાપી રહો. |
Wednesday, January 1, 2014
મૃત્યુ- મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment