ધન અને સત્તા માણસને ભ્રષ્ટ બનાવે છે તે સંપૂર્ણ સત્ય નથી. તે આપણને ભ્રષ્ટ બનવાનો અવસર જરૂર પૂરો પાડે છે. જેની લાંબા સમયથી રાહ હતી. અન્યથા આપણને તે કેવી રીતે ભ્રષ્ટ કરી શકે? |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર પંતજલિએ યોગસૂત્રમાં મનુષ્યના ચિત્તની ત્રણ અવસ્થા બતાવી છે. એક સુષુપ્તિ, બીજી સ્વપ્ન અને ત્રીજી જાગૃતિ. સાધારણ રીતે માણસ સ્વપ્ન અવસ્થામાં હોય છે. માણસ ઊંઘતો હોય કે જાગતો હોય વિચારોના ઘોડા દોડ્યા કરે છે. આ અવસ્થા છે ઈચ્છાની આકાંક્ષાની, કામનાની. માણસને જીવનમાં જે નથી મળતું તેની આકાંક્ષા હોય છે અને સ્વપ્નના મહેલો રચાય છે. મહેનત અને પુરુષાર્થ વગર ઈચ્છિત બધું મળી જાય એવી માણસની મહેચ્છા હોય છે. એટલે આ સ્વપ્નો સિદ્ધ થતા નથી. કેટલીક વખત માણસ સ્વપ્નોમાં આ બધું ભોગવી લેતો હોય છે એટલે સ્વપ્નો રૂપાળા લાગે છે. માણસ પોતાની શક્તિ અનુસાર સ્વપ્નો સેવે તો સફળતાનો અવકાશ છે, પરંતુ માણસને રાતોરાત બધું મેળવી લેવું છે. કોઈને બધું એમને એમ મળતું નથી. એની પાછળ સંઘર્ષની લાંબી કઠિન રફતાર હોય છે. ખાલી સ્વપ્નાઓ માણસને દોડાવે છે. તેને એમ થાય છે. આમ કરી નાખું, તેમ કરી નાખું. પછી સફળતા ન મળે ત્યારે હતાશા અને નિરાશાનો દોર શરૂ થાય છે. અવાસ્તવિક સ્વપ્નો આપણી પાસેથી વર્તમાનનું સુખ છીનવી લે છે. લાંબા મોટા સુખની દોડમાં માણસ પોતાની પાસે જે છે તેનું સુખ ગુમાવી બેસે છે. આમાંથી બચવા માટેના બે ઉપાયો છે સ્વપ્ન અવસ્થાની બંને બાજુએ એક એક અવસ્થા છે. એક સુષુપ્ત અવસ્થા એટલે બેહોશી, પ્રગાઢ નિંદ્રા આમાં માણસ સ્વપ્નોમાંથી બહાર નીકળી જાય છે. પણ ભવિષ્યને જોઈ શકતો નથી. સાચી વાત સમજી શકતો નથી. દિશા વગરના વહાણની જેમ જિંદગી આગળ ચાલતી જાય છે. આ અવસ્થામાં માણસ સાચું શું ખોટું શું? સારું શું ખરાબ શું? એ સમજી શકતો નથી. આડેધડ બધું ચાલતું રહે છે. આવા લોકો ગમે તેવું સમજ વગરનું સાહસ કરી નાખે છે અને ઊંધે માથે પટકાય છે અને કેટલીક વખત આવા આંધળુકિયા સાહસમાં સફળતા પણ મળી જાય છે. સમાજમાં આવા માણસો આપણને ઠેર ઠેર જોવા મળે છે. કોઈ પણ વાતમાં તેમને સમજાવવા મુશ્કેલ છે. તેઓ પોતાની વાત છોડતા નથી. બીજાની પરવા કરતા નથી. તેમના જીવનમાં બધુ અતિ હોય છે. તેઓ અતિ પ્રેમ કરી શકે છે, અતિ ક્રોધ કરી શકે છે અને અતિ ઉદાર પણ બની શકે છે. તેમના જીવનમાં કશું નિશ્ર્ચિત હોતું નથી. સ્વપ્નોમાંથી બહાર નીકળવાની બીજી અવસ્થા છે જાગૃતિ. માણસ બેહોશીમાંથી બહાર નીકળે છે ત્યારે આ અવસ્થા ઊભી થાય છે. આમાં માણસ સાચું અને સારું જોઈ શકે છે. તેની દૃષ્ટિ વિધાયક બને છે અને તેનું વલણ સકારાત્મક બને છે. આવા માણસો વિચારપૂર્વક આગળ વધે છે. ખંત, મહેનત અને પુરુષાર્થ દ્વારા સફળતા હાંસલ કરે છે. તેઓ આત્મવિશ્ર્વાસ અને ધીરજથી નિશ્ર્ચિત માર્ગે જવા ઉત્સુક રહે છે. તેમનું સાહસ સમજપૂર્વકનું હોય છે અને તેઓ લાંબી દૃષ્ટિથી વિચારી શકે છે. આવા માણસો સફળતા સાથે વધુ નમ્ર અને નિખાલસ બને છે. સાચી સમજણ હોવાના કારણે તેમને દંભ કરવો પડતો નથી. સ્વપ્ન એટલે સંસાર, જ્ઞાની પુરુષોએ તેને માયાજાળ કહ્યો છે. જેની વચ્ચે આપણે ઊભા છીએ જે નથી તેને આપણે જોઈ રહ્યા છીએ અને જે છે તે દેખાતું નથી. માણસ જાગે ત્યારે સ્વપ્નો તૂટી જાય છે. બધું સાફ સાફ દેખાવા લાગે છે. ધર્મ તરફની યાત્રા પણ સ્વપ્નોમાંથી બહાર નીકળીને થઈ શકે છે. જ્યાં સુધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, ક્રોધ, લોભ અને મોહનું આવરણ છે ત્યાં સુધી ધર્મનો કશો અર્થ રહેતો નથી. એક બાજુ ધર્મ થાય છે અને બીજી બાજુ અધર્મ. ભગવાન મહાવીરનું સૂત્ર છે જાગરણનું. મહાવીર કહે છે જાગો, ઊઠો અને આ માયાજાળને તોડી નાખો. માણસ ઊંઘમાં અને આંખો ખૂલી હોય ત્યારે પણ સ્વપ્નો જોતો હોય છે. સ્વપ્નોને વાસ્તવિકતા સાથે સંબંધ હોતો નથી. મનમાં અતૃપ્ત ઈચ્છાઓ અને વાસનાઓના તરંગો ચાલતા હોય છે. ભીતર ચિત્ર ઘૂમી રહ્યું હોય ત્યારે મન ડહોળાતું હોય છે. મન સાફ થઈ જાય ત્યારે તરંગો શમી જાય છે અને માણસ સંપૂર્ણપણે સ્વસ્થ બને છે. મન પરનો અંકુશ આવે ત્યારે માણસ માલિક બની જાય છે. તે કોઈ પણ વસ્તુનોે ગુલામ રહેતો નથી. કોઈ પણ બાબત તેને પજવી શકતી નથી. સામાન્ય રીતે આપણે ધનના, ચીજવસ્તુઓના, પત્નીના, પુત્રના માલિક ગણાઈએ છે. તેમની પર આપણું આધિપત્ય રહે છે. પણ આ બંધન છે, ગુલામી છે. જે પોતાનો માલિક બનતો નથી એ બીજાનો માલિક બની શકે નહીં. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આ જગતમાં જ્ઞાન અને બોધ સારભૂત તત્ત્વ છે. જે માણસ જાગ્રત રહે છે તે જાણતા અજાણતા થયેલા કર્મોનો નાશ કરી શકે છે અને નવા દોષોમાં બંધાતો નથી. દરેક માણસ જીવનમાં કાંઈને કાંઈ મેળવવા માગે છે. ધન, પદ, પ્રતિષ્ઠા પર સૌની નજર છે. આમાં ધન સૌથી મહત્ત્વનું છે પણ જિંદગી સપ્રમાણ રીતે ચાલતી નથી. આપણે જ્યારે કાંઈ પણ મેળવીએ છીએ ત્યારે બીજી બાજુ ગુમાવતા પણ હોઈએ છીએ. જે મળે છે તે ખ્યાલમાં રહે છે પણ જે ગુમાવીએ છીએ તેની જલદી ખબર પડતી નથી. ખબર પડે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. મહાવીર કહે છે આ પણ એક જાતની બેહોશી છે. આપણે જાગીએ ત્યારે જીવનનો અર્થ પણ જાગશે. મહાવીરે કહ્યું છે કે ‘ધાર્મિકોનું જાગવું અને અધાર્મિકોનું સૂઈ રહેવું શ્રેયકર છે.’ પરંતુ સારા માણસો સમયસર જાગતા નથી અને ખરાબ માણસો ઉપદ્રવ મચાવતા હોય છે. નાદીરશાહ બહુ જુલ્મી રાજા હતો. તે આળસુ પણ એટલો જ હતો. રાતે નાચ, ગાન, જલસા ચાલતા અને સવારે મોડે સુધી તે સૂઈ રહેતો હતો. તેણે એક દિવસ એક સૂફી ફકીરને પૂછ્યું: મારા દરબારીઓ કહે છે મારે વહેલા ઊઠી જવું જોઈએ બહુ આરામ ઠીક નહીં. તમે શું સલાહ આપો છો? ફકીરે કહ્યું: તમે મોડે સુધી સૂઈ રહો તે જ સારું છે. નાદીરશાહે કહ્યું તમારો કહેવાનો અર્થ શો છે? ફકીરે કહ્યું: તમારા જેવી વ્યક્તિ જેટલી વધુ સૂઈ રહે એ ખુદ તમારા માટે અને પ્રજા માટે સારું રહેશે. આનાથી શાંતિ રહેશે. આપ સૂતા રહો તેમાં સર્વનું ભલું છે. ફકીરે સાચું કહ્યું પણ નાદીરશાહની આંખો ખુલી નહીં. નાદીરશાહ બેહોશીમાં હતો. તેની આંખો ખૂલી નહીં તે જાગી શક્યો નહીં. સમાજમાં પણ આવું જ છે સારા માણસો સક્રિય બનતા નથી એટલે ખરાબ માણસોને મોકળું મેદાન મળે છે. દરેક માણસ વિચારે છે જે થતું હોય તે થવા દો. આપણે શું? પગ નીચે રેલો આવ્યા વગર માણસ જાગતો નથી તેથી અનિષ્ટો વધ્યા છે. દરેક માણસનો સંકૂચિત સ્વાર્થ છે. આપણી નજર સમક્ષ પાપ થઈ રહ્યું હોય પણ તેને અટકાવી શકતા નથી. દરેક માણસ જો જાગૃત હોય, હિંમત અને આત્મવિશ્ર્વાસ હોય અને ખોટું થતું અટકાવવાની પ્રબળ ઈચ્છા હોય તો કુટુંબ, સમાજ અને દેશમાં જબ્બર પરિવર્તન ઊભું થાય. ધર્મ, નીતિ અને પ્રામાણિકતાને નવી દિશા મળે. સાચા માણસોનો પ્રભાવ જબ્બર હોય છે. હિંમત હોય તો એક સાચો માણસ દશને ખોટું કરતા અટકાવી શકે છે. ધન, સત્તા અને શક્તિ ખોટા માણસોના હાથમાં જવી જોઈએ નહીં. આ ત્રણે વસ્તુ ખરાબ નથી. પણ ખોટા, અપ્રમાણિક માણસોના હાથમાં જાય છે એટલે ખરાબ બની જાય છે. કોઈપણ વસ્તુ મૂળભૂત રીતે સારી કે ખરાબ નથી તેનો કેવી રીતે ઉપયોગ થાય છે તેના પર આનો આધાર છે. ધન, સત્તા અને શક્તિ માણસને ભ્રષ્ટ બનાવે છે તે સંપૂર્ણ સત્ય નથી. શક્તિ કોઈને ભ્રષ્ટ બનાવતી નથી, પરંતુ આપણી અંદર જે વિચારો છે તેને પ્રગટ કરે છે. તે આપણને ભ્રષ્ટ થવા માટેનો અવસર આપે છે જેની આપણે રાહ જોઈ રહ્યા હોઈએ છીએ અન્યથા તે આપણને કેવી રીતે ભ્રષ્ટ બનાવી શકે? માણસ પાસે કશું ન હોય, કશું કરવાની તક ન હોય ત્યારે તે એમ કહે કે હું પ્રમાણિક છું. સદાચારી છું, ત્યાગી છું. તો તેનો કોઈ અર્થ રહેતો નથી. દ્રાક્ષ દૂર હોય ત્યાં સુધી ખાટી લાગે છે. માણસની અંદર જે કાંઈ દબાયેલું છે તે અવસર મળતા પ્રગટ થઈ જાય છે. ધન સારા માણસોના હાથમાં જાય તો શુભ અને ખરાબ મણસોના હાથમાં જાય તો અશુભ બને છે. ત્યાગીની ખરી પરીક્ષા સંસારની અંદર છે, બહાર નહીં. સંસાર બહારથી નહીં અંદરથી નાબૂદ થવો જોઈએ. સંસાર એટલે જીવનની આપાધાપી. મહાવીર જાગવાનું કહે છે ભાગવાનું નહીં. આપણે જાગી જઈશું તો બધું નકામું છૂટી જશે અને ત્યાગ કરવા જેવું કશું બચશે નહીં. આપણે જીવનમાં જે કાંઈ કરી રહ્યા છીએ એ મહત્ત્વનું નથી પણ શા માટે કરી રહ્યા છીએ તે મહત્ત્વનું છે. આપણે જે કાંઈ કરીએ છીએ તે જાગૃતિમાં કરીએ છીએ કે બેહોશીમાં તે મહત્ત્વનું છે. કર્મ તો બધા કરે છે. જીવનને ટકાવી રાખવા માટે તે જરૂરી છે. માનવજાતની સંસ્કૃતિ અને પ્રગતિના પાયામાં બુદ્ધિ, મહેનત અને પુરુષાર્થ રહેલો છે, પરંતુ જરૂરત અને વાસના વચ્ચે ફરક રહેલો છે. માણસ પોતાની શારીરિક અને માનસિક જરૂરત સિવાયનું જે કાંઈ કરે છે તે વાસના છે. આને કોઈ સીમા નથી અને તે કદી પૂરી થતી નથી. ઈચ્છાઓ અનંત છે અને જીવનની જરૂરત સાથે તેને કોઈ સંબંધ નથી. ભૂખ્યો માણસ રોટી માગે, જેની પાસે અંગ ઢાકવા કશું નથી તે વસ્ત્રો માગે, આશ્રય વગરનો માણસ માથે છાપરું માગે તે સમજી શકાય છે. માણસ સુખેથી રહી શકે તેને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે એટલી શક્તિ માટે મથામણ કરે તે પણ જરૂરી છે, પરંતુ મબલખ સંપત્તિના માલિકો કશું છોડી શકે નહીં અને વધુ ને વધુ મેળવવાની ઝંખનામાં દોડતો રહેતો તેનો જીવન સાથે કોઈ સંબંધ નથી. માણસની જરૂરત બહુ ઓછી છે. વાસનાઓ, આકાંક્ષાઓ અને ઈચ્છાઓ વધુ પ્રબળ છે. જે માણસને ચેનથી રહેવા દેતી નથી. માયાનું આ જગત માણસના મનમાંથી નીકળી જાય તો તે ત્યાગી અને તપસ્વીથી કમ નથી. ધર્મનું આ સારભૂત તત્ત્વ છે. |
Wednesday, December 18, 2013
ધાર્મિકો જાગે અને અધાર્મિક સૂઈ રહે એ શ્રેયકર - મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment