Tuesday, December 10, 2013

ઘરમાં અને બહાર માણસ જુદો - મહેન્દ્ર પુનાતર

સંસ્કાર અને સજ્જનતા પણ કેટલીક વખત દેખાવ બને છે. મુખવટો લગાવીને લોકો સારા દેખાતા હોય છે. સારા હોવું અને દેખાવું બંનેમાં ફરક છે. કેટલાક માણસો બહાર નમ્ર દેખાય છે, પણ ઘરમાં વિચિત્ર અને કઠોર
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

માણસ પોતાના અંગત માહોલમાં અને બહારની દુનિયામાં કેવો છે તેના પરથી તેના સંસ્કાર અને રીતભાતનો ખ્યાલ આવે છે. બહુધા માણસ બહારની દુનિયામાં વધુ સંસ્કારી અને સજ્જન નજરે પડે છે, પરંતુ તેના અંગત જીવનમાં આવું દેખાતું નથી. સંસ્કાર અને સજ્જનતા પણ કેટલીક વખત દેખાવ બની જાય છે. મુખવટો લગાવીને લોકો બહાર સારા દેખાતા હોય છે એટલા જ ઘરની અંદર કઠોર અને વિચિત્ર જણાતા હોય છે. માણસ આખી દુનિયા સાથે મીઠાશથી વર્તતો હોય, પરંતુ નિકટના પ્રિયજનો અને ખાસ કરીને પત્ની સાથે તેનું વર્તન બેહૂદું હોય છે. આપણે ત્યાં માની લેવામાં આવ્યું છે કે જેમની સાથે અંગત સંબંધો હોય તેની સાથે ગમે તેમ વર્તી શકાય. એટલે આપણે ઘણી વખત ઘરનાઓ સાથે અન્યાય કરતા હોઈએ છીએ. ઘરની બહાર જેટલી સજ્જનતા બતાવીએ છીએ એટલી ઘરની અંદર રહેતી નથી. માણસનો અસલી ચહેરો ઘરમાં છૂપો રહી શકતો નથી. માણસ ગમે તેટલો દેખાવ કરે, ગમે તેટલાં મહોરાં લગાવે પણ પત્ની પાસે તેની અસલિયત પ્રગટ થઈ જાય છે. આપણું કૌટુંબિક અને સામાજિક જીવન આપણી નૈતિકતાનો આધાર છે. જ્યાં આપણને કશો ફાયદો થવાનો ન હોય એવી પરિસ્થિતિમાં નાનામાં નાના માણસ સાથેનું આપણું વર્તન કેવું છે તે આપણા સંસ્કારની કસોટી છે.

જીવનવહેવારમાં સ્વાર્થ અને સંકુચિત ભાવનાને કારણે મનની મોકળાશ જેટલી હોવી જોઇએ તેટલી રહી નથી. આપણા મનમાં કાંઈક હોય છે અને કરતા કાંઈક બીજું હોઈએ છીએ. દંભ આપણી પ્રવૃત્તિનો પ્રાણ બની ગયો છે. આપણને શું લાગે છે તેના કરતાં બહારની દુનિયામાં આપણે કેવા દેખાઈશું તેની વધુ ચિંતા છે. દંભના કારણે જૂઠો વહેવાર ચાલે છે અને માણસ જેવો છે તેવો દેખાતો નથી.

* * *

બુદ્ધિ અને જ્ઞાનનો અહંકાર સૌથી વધુ ખતરનાક છે. કેટલાક માણસો પોતાને સર્વજ્ઞ માનતા હોય છે. દરેક બાબતમાં જરૂર હોય કે ન હોય માથું મારતા હોય છે. જાણકારી હોય કે ન હોય, પણ સલાહ આપવા બેસી જાય છે અને આ સલાહ આપણા ભલા માટે છે એવું ઠોકી ઠોકીને કહેતા હોય છે. આપણે તેની સલાહને અનુસરીએ એવો તેનો આગ્રહ હોય છે.

‘હું નથી જાણતો મને આ બાબતમાં જ્ઞાન નથી’ એમ કહેવું મુશ્કેલ છે. મોટા ભાગના લોકોની એવી માન્યતા હોય છે કે તેઓ બધું જાણે છે. કુટુંબ, સમાજ અને જુદાં જુદાં ક્ષેત્રોમાં આવા દોઢડાહ્યા માણસોનો તોટો નથી. આવા જિદ્દી અને હઠાગ્રહી માણસો કેટલીક વખત ઊંધું વેતરી નાખે છે. આ અંગે એક દૃષ્ટાંત કથા સમજવા જેવી છે.

એક ગામમાં એક આંધળો રહેતો હતો. ગામમાં તે આમતેમ ફરી શકતો હતો અને ગામની તેને પૂરી માહિતી હતી. દરેક રસ્તાની, ઘરોની તેને જાણકારી હતી. આંખ ન હતી, પરંતુ ગામમાં તે કદી ભૂલો પડતો નહીં. આવી આવડતથી તેના અહંકારનો પારો ઊંચે ચડી ગયો હતો. તેને એમ હતું કે પોતે ધારે ત્યાં જઈ શકે છે અને ફરી શકે છે અને બીજા અંધજનો કરતાં વધુ સમજદાર, હોશિયાર અને જાણકાર છે.

ગામમાં બીજા અંધજનો પણ હતા. તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આમ ગામમાં અને ગામમાં પડી રહેવાથી શું દહાડા વળશે. આપણે તો અંધ આંખે દુનિયા જોવી છે.

પેલો જાણકાર આંધળો કહે, ‘ચિંતા ન કરો. હું તમને દુનિયા દેખાડીશ. તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવજો.’ એક જણે કહ્યું: ‘ક્યાંય ઊંધું તો નહીં મારોને?’

ડાહ્યો આંધળો કહે, ‘અત્યાર સુધી એવું બન્યું છે? ગામમાં ક્યાંય મને એક ઠોકર વાગી છે? મારા જેવો જાણકાર માણસ ગામમાં કોઈ નથી. તમે મારી પર ભરોસો રાખો. હું તમને નવી દુનિયાનાં દર્શન કરાવીશ.’

એકબીજાને ટેકે ટોળી આગળ વધી. જ્યાં સુધી ગામની હદ હતી ત્યાં સુધી વાંધો આવ્યો નહીં. ડાહ્યો સૌથી આગળ ચાલતો જાય અને પાછળ એકબીજાને ટેકે ચાલતાને પૂછતો જાય, ભાઈ કાંઈ તકલીફ પડી? સાથે રહેલા અંધજનો કહે, ના, તમે તો સાચે જ દેખતા લાગો છો.

પણ જેવી ગામની સીમા પૂરી થઈ કે બધા ઠેબે ચડવા લાગ્યા. સાથે રહેલાઓએ ફરિયાદ શરૂ કરી. ડાહ્યો કહે, ભાઈ, હું તો જાણકાર છું, પણ આ રસ્તો જ એવો છે. જ્યાં દુનિયા ખાડાટેકરાવાળી હોય ત્યાં આપણે શું કરી શકીએ?

આંધળાઓ તેને ભરોસે આગળ ચાલ્યા પણ જાણકાર આંધળો ગામનો જાણકાર હતો, બહારનો નહીં. એક ઊંડો ખાડો આવતાં તે પડ્યો અને પાછળના બીજાઓને પણ સાથે લેતો ગયો.

ઓછું જાણતો માણસ વધારે જાણકારી હોવાની ડિંગ મારે છે અને બીજાને રાહ બતાવવા નીકળે છે ત્યારે આવી હાલત થાય છે. એટલે તો કહેવત છે ‘આંધળો ગામ બતાવે દુનિયા નહીં’.

દરેક ક્ષેત્રમાં આવા આંધળા માણસો પડ્યા છે. આવા આગેવાનો આખા કટકને ઠેબે ચડાવતા હોય છે. તેમને હા જી હા કરનારા માણસો પણ મળી રહે છે. લુચ્ચા રાજકારણીઓ અને પાખંડી ધર્મગુરુઓ લોકોને ઊંધે રવાડે ચડાવતા હોય છે. આવા ડાહ્યા લોકો દુનિયાને સુધારવા મથી રહ્યા છે, પરંતુ ખુદ સુધરતા નથી. સલાહ આપવી સહેલી છે પણ સ્વીકારવી કઠિન.

* * *

આપણું સમગ્ર જીવન આપણા મનનું પરિણામ છે. આપણે ક્રોધ, લોભ, મોહ અને રાગદ્વેષ દૂર કરવા માગીએ છીએ, પણ તેને ભૂલી શકતા નથી. એટલે સતત તે વસ્તુ આપણા મન પર અંકુશ જમાવે છે. કોઇ એક ધારાને ભૂલવી હોય, કોઈ એક વસ્તુને દૂર કરવી હોય તો બીજી મજબૂત ધારામાં જવું પડે, નહીંતર તેને અતિક્રમાશે નહીં. જે વસ્તુ સબળ હોય છે તે ચિત્ત પર છવાઈ જાય છે. મન વિપરીતમાં રહેતું હોય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ નહીં કરવાના સોગંદ લઈએ છીએ, વ્રત ધારણ કરીએ છીએ ત્યારે એ વસ્તુ વારંવાર આપણી નજર સમક્ષ આવે છે. કોઈ વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે વારંવાર યાદ આવે છે અને યાદ રાખવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે ભુલાઈ જાય છે. ઉપવાસ કરવાનું નક્કી કરીએ છીએ ત્યારે ભોજન સામે આવીને ઊભું રહી જાય છે.

ખોટાને તોડવા અને દૂર કરવાની ઉતાવળ કરતાં પહેલાં સાચાને પકડવાની કોશિશ કરવી જોઈએ. સાચું પકડાઈ જશે તો ખોટું એની મેળે દૂર થઈ જશે. નકારાત્મક વલણ પશ્ર્ચાતાપ અને પીડા અને ઉદાસીનતા ઊભી કરશે. જે નથી છોડાતું તેનો અફસોસ રહેશે અને સાચાને પકડી શકાશે નહીં. ખોટું છોડવા કરતાં સાચું પકડવાનો મનસૂબો મજબૂત હોવો જોઈએ. સારું હાથ લાગશે તો ખરાબ છોડવાનું સરળ બની જશે. માણસ ત્યાગની, છોડી દેવાની વાત કરે છે અને કદાચ થોડું છોડી પણ દે છે, પણ સારું પકડાતું નથી એટલે આ છોડવાનું વ્યર્થ બની જાય છે અને ત્યાગનો અહંકાર રહી જાય છે.

* * *

પરમેશ્ર્વરે સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું ત્યારે માણસ બંને આંખે સારી વસ્તુઓ જોતો હતો. બંને કાને સારી વાત સાંભળતો હતો અને બંને હાથે સારાં કાર્યો કરતો હતો. આથી શેતાન સાવ નવરો બની ગયો હતો. નવરો પડેલો આ શેતાન યુક્તિઓ અજમાવતો હતો. જેથી માણસ કાંઈક ખરાબ કામ કરે અને તેને મોકો મળે પણ કારી ફાવતી નહોતી.

એક દિવસ શેતાન સંપૂર્ણ ઉજ્જવળ સ્વરૂપ ધારણ કરીને અને સજ્જનતાનો મુખવટો લગાવીને માનવી પાસે ગયો અને કહ્યું: ‘તમે કેવા ગાંડા લોકો છો. શું એક આંખે દેખાતું નથી? એક કાનેથી સંભળાતું નથી? શું એક હાથે કામ લેવાતું નથી? જ્યાં એકની જરૂર છે ત્યાં તમે બેનો ઉપયોગ કરો છો. એકનો ઉપયોગ કરો ને બીજાને સાચવી રાખો. ભવિષ્યમાં તમને જ કામ લાગશે.’

માણસને શેતાનની વાત ગળે ઊતરી ગઈ. બસ ત્યારથી તે એક આંખે જોવા લાગ્યો, એક કાને સાંભળવા લાગ્યો અને એક હાથે કામ કરવા લાગ્યો. આથી પરિણામ એ આવ્યું કે નવરા પડેલા બીજા અંગનો શેતાને કબજો લીધો. આ પછી માણસની આંખોએ સારા સાથે નરસું જોવા માંડ્યું. એના કાને સાચાની સાથે ખોટું સાંભળવા માંડ્યું અને એના હાથે સતકૃત્યોની સાથે દુષ્કૃત્યો કરવાનું શરૂ કરી દીધું.

આ પછી માણસ એવી ભુલભુલામણીમાં પડી ગયો કે સારું શું અને ખરાબ શું, સાચું શું અને ખોટું શું? એ સમજવું મુશ્કેલ બની ગયું. ખરાબમાં સારું અને જૂઠમાં સત્ય દેખાવા લાગ્યું અને દંભે સજ્જનતાનો અને જૂઠે સત્યનો આંચળો ઓઢી લીધો. દરેક માણસે પોતાનું સત્ય બનાવી લીધું અને પછી હું કહું તે અને હું કરું તે સાચું તે જીવનનો મંત્ર બની ગયો.

ઈશ્ર્વરે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે માણસ આનંદપૂર્વક જીવી શકે એવી તમામ સુવિધાઓ આપી હતી. પ્રકૃતિનાં હર તત્ત્વોમાં જીવન ધબકતું હતું. જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિએ અજબનો નિખાર આપ્યો હતો. ખળખળ વહેતાં ઝરણાંઓ, નદીઓ, ઉપવનો, આકાશ, પર્વતો, પક્ષીઓ અને પ્રાણીઓથી જીવન ભર્યું ભર્યું હતું, પરંતુ માણસે સુખની વધુ પડતી ખોજમાં પ્રકૃતિ સાથે ચેડાં કર્યાં અને કુદરતી તત્ત્વોનો વિનાશ કર્યો. પ્રકૃતિ બદલવાની સાથે માણસનો સ્વભાવ બદલાઈ ગયો. આચાર-વિચારો, સંસ્કારો બદલાઈ ગયા. વિજ્ઞાન અને નવી નવી શોધોએ માણસને સુખસગવડનાં અનેક સાધનો આપ્યાં, પરંતુ મનની શાંતિ છીનવી લીધી. માણસનું જીવન યાંત્રિક બની ગયું. અતૃપ્તિ અને અશાંતિ વધી ગઈ. ઈશ્ર્વરે અર્પણ કરેલી સુંદર ભેટને માનવીએ કેવી વિકૃત કરી નાખી તેનું કોઈ લેખક દાર્શનિક સુંદર નિરૂપણ કર્યું છે...

ઈશ્ર્વરે પૃથ્વી બનાવી, માણસે પૈસા

ઈશ્ર્વરે પ્રકૃતિ બનાવી, માણસે સંસ્કૃતિ

ઈશ્ર્વરે ભૂગોળ બનાવી, માણસે ઈતિહાસ

ઈશ્ર્વરે રણ બનાવ્યું, માણસે સમરાંગણ

ઈશ્ર્વરે પથ્થર બનાવ્યા, માણસે મૂર્તિ

ઈશ્ર્વરે પાણી બનાવ્યું, માણસે શરબત

ઈશ્ર્વરે અવાજ બનાવ્યો, માણસે નામ

ઈશ્ર્વરે માટી બનાવી, માણસે કાચ

ઈશ્ર્વરે ભૂખ બનાવી, માણસે રોટી

ઈશ્ર્વરે સુખ બનાવ્યું, માણસે દુ:ખ

ઈશ્ર્વરે માણસ બનાવ્યો, માણસે ઈશ્ર્વર.

No comments:

Post a Comment