પ્રેમ અને દોસ્તી: પુરુષની દૃષ્ટિ |
જ્યારે પુરુષ સ્ત્રીને કહે છે કે આપણે મિત્રો તરીકે રહીએ ત્યારે મને એ જૂઠો લાગે છે. ધર્મની બહેન નામના શબ્દો મને બકવાસ લાગ્યા છે. આ બધામાંથી મને પંજાબીઓ કહે છે એમ ‘પહલે ભૈયા, ફિર સૈયા’ની વાસ આવે છે |
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી જીવનની ઋતુઓ બદલાય છે, હવામાન તબદીલ થતું રહે છે, પણ બે શબ્દો મનુષ્યના પ્રથમ શ્ર્વાસથી અંતિમ ઉચ્છ્વાસ સુધી રહે છે: પ્રેમ અને દોસ્તી! આ બે શબ્દો વિનાના મનુષ્યનું અસ્તિત્વ લગભગ નિર્જીવ બની જાય છે. પ્રેમ શું છે, અને મૈત્રી શું છે, એવા પ્રશ્ર્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જિંદગીમાં પ્રેમ અને દોસ્તી છે. મારે માટે પ્રેમનું પાત્ર સ્ત્રી છે, મૈત્રીનું પાત્ર પુરુષ છે. હું સ્ત્રીની સાથે મૈત્રી જ ફક્ત રાખી શકતો નથી. અંતે એ મૈત્રીએ પ્રેમરૂપે ખીલવું જ પડશે. પુરુષની સાથે પ્રેમની શરૂઆત અંતે દોસ્તીમાં પરિણમે છે. દોસ્તી સમાંતર કે હોરિઝોન્ટલ વ્યાપમાં વિસ્તરે છે, પ્રેમની ગતિ ઊર્ધ્વ કે વર્ટિકલ છે. મારે હોરિઝોન્ટલ અને વર્ટિકલનો આ ક્રોસ કે સલીબ ઉપાડીને જિંદગી ગુજારવાની છે. જ્યારે પુરુષ સ્ત્રીને કહે છે કે આપણે મિત્રો તરીકે રહીએ ત્યારે મને એ જૂઠો લાગે છે. ધર્મની બહેન નામના શબ્દો મને બકવાસ લાગ્યા છે. આ બધામાંથી મને પંજાબીઓ કહે છે એમ ‘પહલે ભૈયા, ફિર સૈયા’ની વાસ આવે છે. અને કદાચ પ્રેમ અને દોસ્તીને સમજવામાં માણસ જિંદગીના છેલ્લા દિવસ સુધી નાકામિયાબ રહે છે. એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી છૂટવાની. દોસ્તી જુદી વસ્તુ છે. કૉફીના કપોમાં, શરાબના ગ્લાસોમાં, ગાળો બોલવામાં, લોહીની ભાષામાં, સિગારેટના ધુમાડામાં, ભાગતી ટેક્સીઓમાં, મૃત દોસ્તની જલી ચૂકેલી ચિતામાં અંગારને સૂકી આંખોથી જોતાં જોતાં મેં દોસ્તીઓ નિભાવી છે. પ્રેમને ગુણવાચક વિશેષણોનો ટેકો આપવો પડે છે, દોસ્તી મુઠ્ઠીઓ ખોલીને ક્ષિતિજની પાછળ ફેંકવી પડે છે. પ્રેમમાં નો-હાઉ નથી, વિદ્વત્તા નથી, વ્યાકરણ નથી. પુરુષ થવા ઈચ્છતા છોકરાનું એ પ્રથમ પુુરુષત્વ છે. પ્રેમમાં સફળતા એ ટ્રેજેડી છે. પડદો પડી જાય છે. બહારની દુનિયા બંધ થઈ જાય છે, સૌંદર્ય ૩ રાત અને ર દિવસની ચાંદની છે, માટે જ કદાચ હનીમૂનની પૅકેજ ટૂરો ૩ રાત અને ર દિવસની હોય છે. સૌંદર્યને જૂનું થઈ જવા માટે એટલો સમય કાફી છે. અતિ-પરિચય સૌંદર્યનું મૃત્યુ છે. પ્રેમમાં દરેક પુરુષ કર્મયોગી હોય છે. પ્રેમમાં નિષ્ફળતા એ સારી વસ્તુ છે. બૅટરીઓ ચાર્જ થઈ જાય છે, બુસ્ટર-રૉકેટ ફાટે છે, ડૉકિંગ થાય છે. ડિ-ડૉકિંગ થાય છે, પ્રેમ ટે્રેજેક્ટરીની બહાર નીકળી જાય છે. પ્રિયનું મૃત્યુ કે ડિવોર્સ એ પ્રેમનો સ્પ્લેશડાઉન છે. કેક પરના આઈસિંગની જેમ પ્રેમ પર કવિતા સ્ફૂરે છે, પશ્ર્ચાત્ સંગીતનું ફેડ-આઉટ થાય છે. કાળી મૂછો, જાડી પ્રિયાઓ, મલમલ અને મખમલ, લવન્ડર રંગછાયાઓ... એ પશ્ર્ચિમનો પ્રેમ હતો. આપણે ત્યાં મંગળ વચ્ચે આવે છે, શનિ છે, ગુરુ નપુંસક છે, રાહુ-કેતુ છે. અહીં ગુરુ અને શનિ પ્રેમ કરે છે, મંગળ અને મંગળ પ્રેમ કરે છે, પુરુષ અને સ્ત્રી એ માત્ર અકસ્માતો છે. જો મહાન પ્રેમી પુરુષ છે તો એના માથામાં એક સ્ક્રૂ લૂઝ હોવો જોઈએ, જો એ સ્ત્રી હોય તો ઘણા સ્ક્રૂ! પ્રેમમાં સ્ત્રી સશક્ત સેક્સ છે, અને પુરુષ કૉમિક સેક્સ છે. હવે ચાંદસા મુખડા નથી. ચંદ્ર પર ઊતરેલા માણસે ચંદ્રની બધી જ બદસૂરતી ટીવી પર બતાવી દીધી છે. દિલ હવે બદલી શકાય છે. પ્રેમમાં રહસ્ય રહ્યું નથી. કાંચળી ઉતારેલા સાપ જેવું નગ્ન શરીર જોયા પછી સેક્સનો ગ્લેમર નીકળી ગયો છે. દરેક નગ્ન ધડ સમાન લાગે છે. ધડ ને ચહેરા જ શરીર બનાવે છે અને બીજી વ્યક્તિની ઉપસ્થિતિનું એકાંત સેક્સ ભડકાવે છે. બાકી, સેક્સ એકલી વ્યક્તિમાં માત્ર એક આયામી છે, અંધ છે, એનામાં વહેતા પરપોટા જેટલું પણ ચેતન નથી. મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે. બુદ્ધિહીનને હું સહન કરી શકતો નથી. બુદ્ધિમાન સ્ત્રી સાથે સેક્સ એ શેમ્પેઈન સાથે કેવિયાર છે, અને શેમ્પેઈન-કેવિયારના લુત્ફનો મને અહેસાસ છે, અનુભવ છે, અનુભૂતિ છે. પ્રેમમાં ઈન્ટેન્સિટી છે. દોસ્તીમાં ઈન્ટિમસી છે. શત્રુ થવાનું માન હું દરેકને આપતો નથી. બહુ જ ખુશકિસ્મત માણસો મારા શત્રુઓ બની શકે છે. બુદ્ધિમાં એ મારો સમકક્ષ અથવા ઉચ્ચકક્ષ હોય તો, હું એને શત્રુ બનવાની તક આપું છું, કારણ કે એ મારી ખાનદાનીની તાસીર છે. પ્રેમ સૌથી વિકટ રહસ્ય છે, દોસ્તી સૌથી પ્રકટ ચમત્કાર છે. વીસ વર્ષ સુધી અસ્થમા કે ડાયાબિટીઝ હોય તો મનુષ્ય એના અસ્થમા અથવા ડાયાબિટીઝને દોસ્તરૂપે જુએ છે. મારું દર્દ મારી સ્ત્રી કરતાં મારી વધારે નિકટ છે. સેક્સ કરતાં વેદનાનો પરિગ્રહ વધારે સખ્ત હોય છે. બે હાર્ટ-અટેક પછી હું હાર્ટ-અટેક વિના મરી જઈશ તો મરવાની મજા જરા કિરકિરા થઈ જશે. દોસ્તી માણસને પુરુષ બનાવે છે, અને પુરુષને મનુષ્યની ગર્વિતા આપે છે. હેમિંગ્વેના ‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’માં વૃદ્ધ માછીમાર દિવસો સુધી મોટી માછલીની શોધમાં દરિયામાં ફરતો રહે છે અને જે માછલીને પકડવાનો છે એને ‘બ્રધર’ અને ‘ફ્રેન્ડ’ કહે છે. પહાડનું શિખર, કૂતરો, રાઈફલ, જેલમાં સાથે જાગતો રહેલો કેદી, સાથે સાથે રહેલા માણસો... આ બધામાં દોસ્તીના અંકુર છે પુરુષમાં. સ્ત્રી જો વર્ષો સુધી માત્ર દોસ્ત જ રહે છે તો એ સ્ત્રીમાં જરૂર કંઈક કમી છે, મનની, શરીરની, સેક્સની અથવા એ... ગુજરાતી સ્ત્રી છે? પ્રેમ અને દોસ્તી છે, રહી છે માટે જીવન ખરાબા ખરાબા પર ટકરાતું રહ્યું છે. પણ તૂટ્યું નથી. પ્રેમ છે, દોસ્તી છે માટે જિંદગી સહ્ય બની છે, અંદરથી તૂટનનો અવાજ સાંભળીને પણ સ્વસ્થ રહી શકી છે. શરીરનો ધર્મ છે મરતા રહેવાનો, અને મનનો ધર્મ છે જીવતા રહેવાનો. પ્રેમ એંજિન-ઑઈલ છે, દોસ્તી કુલન્ટ છે, મશીન ગરમ ન થઈ જાય એ માટે. પ્રેમ અને દોસ્તી એક જ પાત્રમાં મળતાં નથી, જિંદગીને એટલી બધી સંકીર્ણ બનાવી મૂકવાની દાનત પણ નથી. પ્રેમ અને દોસ્તી વચ્ચે એક હનુમાનરેખા જરૂરી છે. સત્તર વર્ષ પાઈપ પી પીને જે અવાજને ખરજનો અવાજ બનાવી દીધો છે, એ અવાજ પ્રેમ કરવા માટે હવે નકામો છે, હવે એ ખરજના અવાજની ઘુટનમાંથી ફક્ત દોસ્તી જ કતરા કતરામાં ટપકી શકશે. પણ ત્યક્તા, તલાકશુદા, અપરિણીતા, વિધવાનો અવાજ આટલો કાતિલ શા માટે લાગે છે, દોસ્ત? ધીરે ધીરે જિંદગી વેર લેતી જાય છે અને વર્ષોની શતરંજ શેષ થવા આવી છે. જેમની સાથે ત્રણ, ચાર, પાંચ દશકો જીવી લીધું હતું એ દોસ્તોના ફોટાઓ પર સુખડના હાર જોઈને હવે ઉદાસ થવાનું પણ હું ભૂલી રહ્યો છું અને એ સ્ત્રીઓને સંકોચાઈ જતાં જોઈ છે, એક સ્ત્રી પ્રેમને સહારે કેટલી જિંદગી સહન કરી શકે છે? હવે સોમવાર પછી શુક્રવાર આવી જાય છે, હવે દરેક દિવસ શનિવારની સવાર છે અને રવિવારની સાંજ છે. ગુજરી ગયેલી જવાનીમાં દરેક દિવસ રવિવારની સવારે શરૂ થતો હતો અને શનિવારની સાંજે સમાપ્ત થતો હતો. ચોવીસ કલાકની દરેક ક્ષણ ચૂસી ચૂસીને જીવી શકાતી હતી. હવે દાંતોમાં રૂટકૅનાલ છે અને કૅપ છે અને બ્રિજ છે અને ડેન્ચર છે અને ચાંદીનું ફીલિંગ છે. હવે દાંત થાકી ગયા છે. જેટલા દોસ્તો જીવે છે એનાથી વધારે દોસ્તો મરી ચૂક્યા છે. ગર્દિશ-આસ્માનીની મજા પણ ચાલી ગઈ છે. હવે સુકાઈ ગયેલી મોહતાજી પ્રેમનો પર્યાય છે, હવે કાળું પડી રહેલું લોહી દોસ્તોનો સહારો છે. પણ જિંદગી ધબકે છે. બડી મહર્બાની, બડી મહર્બાની. ક્લૉઝ અપ તમે આ પૃથ્વી પર સદાચાર અને સત્યનું સામ્રાજ્ય જોઈ રહ્યા છો, પણ મને દેખાતું નથી. -પ્રિન્સ આંદ્રે (લિયો તોલ્સતોય: વૉર ઍન્ડ પીસ: પૃષ્ઠ ૩પપ) |
Saturday, November 23, 2013
પ્રેમ અને દોસ્તી: પુરુષની દૃષ્ટિ
Labels:
પ્રેમ અને દોસ્તી:.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment