Wednesday, February 6, 2013

દવા લેશો તો અઠવાડિયે સાજા થશો, નહીં લો તો..-સૌરભ શાહ.

દવા લેશો તો અઠવાડિયે સાજા થશો, નહીં લો તો...
સૌરભ શાહ

બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી સંસ્થા ‘ધ અમેરિકન ઍકેડેમી ઑફ પીડિયાટ્રિક્સ’ જાહેરમાં માતાના સ્તનપાનનો પ્રચાર કરે છે અને પાંચ લાખ ડૉલરનું દાન શિશુઆહાર બનાવતી દવા કંપની પાસેથી સ્વીકારે છે. એટલું જ નહીં, આ કંપનીનો લોગો સ્તનપાન વિશેના સંસ્થાના બ્રોશર પર છપાય છે! કોકાકોલા કંપની ન્યુટ્રિશન અને ડાયેટની ફિકર કરતી અમેરિકન કંપનીને સ્પોન્સર કરે છે. હૃદયરોગ વિશે સંશોધન કરતી સંસ્થાને હૃદયરોગની દવાઓ બનાવતી કંપનીઓ ફાઈઝર અને મર્ક તરફથી સાડાસાત લાખ અને પાંચ લાખ ડૉલરનું દાન મળે છે.

મુંબઈ તાતા કૅન્સર હૉસ્પિટલને સિગરેટ કંપની કે ગુટખા કંપની ચલાવે એવી વાત થઈ. આમ તો એના કરતાંય વધારે ગંભીર વાત થઈ, કારણ કે કોકાકોલા જ્યારે પોષણ કે ડાયેટની વાત કરે ત્યારે એ સંસ્થાનાં સંશોધનો કેટલાં પૂર્વગ્રહયુકત બની જવાનાં. બેબી ફૂડ કે મિલ્ક પાવડર બનાવતી કંપની શિશુ આરોગ્યનું સંવર્ધન કરતી સંસ્થાઓ સાથે જોડાય ત્યારે શું ધર્માદો કરવા જોડાય છે? ના, પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટને કારણે જોડાય છે.

જર્મનીના વિખ્યાત ‘સ્ટર્ન’ (અર્થાત્ સ્ટાર) મૅગેઝિને એક ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરી જેના પરિણામે પોલીસે ૪૦૦ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અને ૨,૦૦૦ દાક્તરો, દવાઓની દુકાનો વગેરે પર દરોડા પાડયા. પોલીસ કેસમાં પુરવાર થયું કે આમાંના મોટા ભાગના ડૉકટરો નિયમિતપણે દવા કંપની પાસેથી રોકડ નાણાં કે ભેટસોગાદો સ્વીકારતા હતા. ૨૦૧૦ની સાલમાં બે જર્મન ડૉકટરોને એક-એક વરસની જેલની સજા થઈ. લાંચ લઈને ચોક્કસ દવા કંપનીની દવા પ્રિસ્ક્રાઈબ કરવાનો ગુનો પુરવાર થયો હોય એવા કિસ્સા ભારતમાં કેટલા?

ડૉકટરોને ‘ખુશ’ કરવાનો બીજો એક ઉપાય છે એમને લૅકચર માટે કોઈ પ્રકારના સેમિનારમાં ઈન્વાઈટ કરીને મસમોટી ફી તથા ફ્રી લકઝરી વેકેશન આપવાનો. આ તમામ ખર્ચ સીધી યા આડકતરી રીતે દવા કંપનીઓ ઉઠાવે છે. દેખીતી રીતે કોઈ મસમોટું નામ ધરાવતી મેડિકલ સંસ્થાનું આયોજન હોવાનું પણ સ્પોન્સરશિપ કોઈ દવા કંપનીની હોવાની. અમેરિકામાં એક ડૉકટરને કુલ ત્રણ દવા કંપનીઓ પાસેથી માત્ર દોઢ વર્ષના ગાળામાં બીજા ડૉકટરોને લૅકચરો આપવા બદલ ડૉલર ૨,૨૪,૧૬૩ મળ્યા હતા.સંધિવાના રોગના આ નિષ્ણાત ડૉકટર સેલિબ્રેક્સ નામની પેઈન કિલરનો પ્રચાર પોતાનાં પ્રવચનોમાં કરતા હતા.

દવાઓના ધંધામાં બ્રાન્ડેડ અને જનેરિક બે પ્રકારની દવાઓ હોય છે. દાખલા તરીકે મલેરિયાના રોગ માટે ક્વિનાઈનની ગોળી લેવાની હોય. ક્વિનાઈન જનેરિક દવા થઈ. એની બ્રાન્ડેડ દવા લારિયાગો અને એવી બીજી ઘણી આવે છે. બ્રાન્ડેડ દવાઓ દાખલા તરીકે દસ રૂપિયે વેચાતી હોય તો જનેરિક દવાનો ભાવ રૂપિયો કે એથીય ઓછો હોય. બ્રાન્ડેડ દવાઓમાં પણ ઉત્પાદક કંપની જાણીતી હોય તો એનો ભાવ અનેકગણો વધી જાય, ઓછી જાણીતી કંપનીની બ્રાન્ડેડ દવા સરખામણીએ સસ્તી હોવાની.

ડૉકટરો કયારેય તમને જનેરિક દવા નહીં લખી આપે. તેઓ બ્રાન્ડેડ દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરશે. તેઓ જાણે છે કે દર્દીને પેરાસિટામોલ સસ્તી પડશે અને ઍનેસિન, મેટાસિન વગેરે મોંઘી પડશે છતાં તેઓ બ્રાન્ડેડ દવાઓ જ લખશે. (હાલાકી, ઍનેસિન વગેરે દવાઓમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી હોતી. આ બધી ઓવર ધ કાઉન્ટર વેચી શકાય એવી દવાઓ છે. માત્ર સહેલા ઉદાહરણ માટે આ નામ અહીં મૂકયાં છે).

જનેરિક દવાઓનો ભરોસો નથી, હાઈજેનિક રીતે એનું ઉત્પાદન થતું નથી. અંદર કયો કાચો માલ છે તેની કોઈ ખાતરી નથી હોતી આવી બધી દલીલો ડૉકટરો કરે છે. મુંબઈમાં ગયા અઠવાડિયે એક મોટી દવાની દુકાનનું ઉદ્ઘાટન થયું, ઘણા અખબારોમાં આ બિગ ન્યૂઝ છપાયા. બિગ એટલા માટે કે આ દુકાનમાં માત્ર જનેરિક દવાઓ જ વેચાશે. ગરીબ અને મધ્યમ વર્ગીય મુંબઈગરાઓ બ્રાન્ડેડ દવાઓની ચુંગાલમાંથી કેટલેક અંશે બચી જશે. આમાંના મોટા ભાગના દર્દીઓને તો બ્રાન્ડેડ દવા અને જનેરિક દવા શું છે એની પણ ખબર હોતી નથી. જેમને ખબર હોય છે, તે ડૉકટરો દવા કંપનીઓના અહેસાનના બોજ તળે દબાયેલા હોવાથી ચૂપ બેસે છે.

ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ પર્ટિક્યુલર સમાચાર એકાએક બધી જ ટીવી ચૅનલો પર છવાઈ જાય. ઘટના જાહેરમાં ન બની હોય તોય લગભગ એકસાથે તમામ ટીવી ચૅનલો ચિલ્લાચિલ્લી કરવા માંડે. દાખલા તરીકે હોમો સેકસ્યુઅલોને લગતો કોઈ મુદ્દો હોય, કોઈ ફૅશન શૉની વાત હોય, કોઈ નવી ફિલ્મનો પ્રચાર હોય. આવા વખતે સમજવાનું કે દરેક ન્યૂઝ ચૅનલને કંઈ સ્વયંભૂ પ્રેરણા નથી થઈ પરંતુ કોઈ પી. આર. ઓ. નામનો મોરલો દરેક ચૅનલની ઑફિસ ફરી ફરીને કળા કરી ગયો છે.

મેડિકલ ક્ષેત્રમાં પણ પી. આર.નું ખૂબ મહત્ત્વ છે. પબ્લિક રિલેશન્સ થકી દવા કંપનીઓ પહેલાં ડૉકટરોને અને ડૉકટરો દ્વારા દર્દીઓને શીશામાં ઉતારે છે. બાય ધ વે, સેલિબ્રેક્સ બનાવતી કંપનીએ લગભગ પોણા આઠ કરોડ ડૉલર જાહેરખબરો ઈત્યાદિ પાછળ ખર્ચ્યા પણ છેવટે એની પોલ ખુલ્લી પડી ગઈ કે દર્દીઓ માટે એ હાનિકારક છે એટલે એને માર્કેટમાંથી હટાવી લેવામાં આવી.

આપણા દરેકના ઘરમાં જાત જાતની દવાની ટીકડીઓનું ખાનું રહેવાનું. ડૉકટરે કહ્યું કે આપણને કયાંકથી ખબર પડીએ દવાઓ ખરીદી લીધી. કેટલાક લોકો સવાર-બપોર-સાંજ ડઝનબંધ રંગબેરંગી ટીકડીઓ નાસ્તાની જેમ ગળતા રહે છે. આપણે સમજતા જ નથી કે આ દવાઓ એક રોગ દબાવીને બીજો રોગ જન્માવી શકે છે. શરીરને દવાઓની જરૂર છે, શરીરને લાઈફ સ્ટાઈલ બદલવાની જરૂર નથી, પણ એ વાત આપણને અઘરી લાગે છે. વાસ્તવમાં લાઈફ સ્ટાઈલ બદલવી સાવ સહેલી છે. ‘બૅડ ફાર્મા’ (લેખક: બેન ગોલ્ડકેર) પુસ્તક વાંચ્યા પછી એ જ જૂનું તારણ યાદ આવે છે: દવા લેશો તો અઠવાડિયે સાજા થશો, નહીં લો તો સાજા થવામાં સાત દિવસ લાગી જશે. કદાચ, ત્રણ પણ લાગે, કંઈ કહેવાય નહીં.

No comments:

Post a Comment