Wednesday, February 27, 2013

હું કહું એ જ સાચું, બીજું બધું ખોટું -- મહેન્દ્ર પુનાતર

માણસને ધનનું, અહંકારનું અને મોટાઈનું પડ વળગેલું છે. તે સુખચેનથી જીવવા નથી દેતું આ જગત કૂતરાની પૂંછડી જેવું છે, અનેક મનુષ્યો હજારો વર્ષથી તેને સીધું કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે પણ તે વાંકું ને વાંકું જ રહ્યું છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ચહેરા ઉપર ચહેરા જોયાં

માણસ ઉર્ફે મહોરાં જોયાં

છે અસતને અહીંયા રાહત

સતની ઉપર પહેરા જોયા

સીધા સાદા માણસને મેં

સાગરથી પણ ગહેરા જોયા

મૌનને મારા સમજે કોણ

કાનોવાળા બહેરા જોયાં

વર્ષો પહેલાં તે લખેલા

કાગળ આજે કોરા જોયાં

ડૉ. ઈન્તેખાબ અન્સારીની આ રચના જીવનની વાસ્તવિક્તાનો ખ્યાલ આપે છે. આ જગતમાં માણસ અનેક ચહેરા લગાવીને બેઠો છે તેને ઓળખવાનું મુશ્કેલ છે. માણસ જેવો છે તેવો દેખાતો નથી. લોકો વાંકું પડે ત્યારે વાતવાતમાં કહેતા હોય છે ‘તમને આવા નહોતા ધાર્યા’. વર્ષોનો સંબંધ હોવા છતાં કેટલીક વખત માણસને ઓળખી શકાતો નથી. સીધો સાદો દેખાતો માણસ પણ આટલો ઊંડો હશે તે કળી શકાતું નથી. આ જગતમાં અસત્ય સત્યના વાઘા પહેરીને ચાલી રહ્યું છે અને સત્યને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે.

આપણે શબ્દોમાં જીવીએ છીએ એટલે મૌનની, હૃદયની ભાષાને આપણે સમજી શકતા નથી. શબ્દોની ભાષા શિષ્ટાચારની ભાષા છે, હૃદયની ભાષા પ્રેમની ભાષા છે. સત્ય આજે ડરામણું બની ગયું છે. તેનો સામનો કરવો મુશ્કેલ છે. સાચું સાંભળવાનું આવે છે ત્યારે લોકો આંખ આડા કાન કરે છે. સ્વાર્થ આવે ત્યારે સત્ય-અસત્ય, સારું-નરસું, શુભ-અશુભ બધા ભેદ ભુલાઈ જાય છે. સમયની સાથે સંબંધો પણ વિસરાઈ જાય છે.

આ જગતમાં લોકો એકબીજાને સુધારવા મથી રહ્યા છે, પરંતુ પોતાની જાતને સુધાર્યા વગર જગતને સુધારવાનું મુશ્કેલ છે. આપણાં પોતાનામાં પરિવર્તન આવી જાય તો જગતમાં પરિવર્તન થયેલું જ લાગશે. આજે કોઈ પણ પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે લોકો જાતજાતની સલાહ આપશે. સલાહ એક એવી વસ્તુ છે જે આપવી ગમે છે, લેવી ગમતી નથી. કેટલાક લોકો આ માટે આગ્રહશીલ હોય છે, આપણે તેમની સલાહ ન સ્વીકારીએ તો તેમને માઠું લાગી જાય છે. આમાં કાંઈ આડું થઈ જાય તો તેઓ આપણને ધમકાવે છે. ‘મારી સલાહ માની હોત તો આ હાલત ન થાત.’ બીમારી આવી ગઈ, આર્થિક મુશ્કેલી પડી કે વહેવારનો કોઈ પ્રશ્ર્ન ઊભો થયો તો સમાજમાં રહેલા આવા કાજીઓ આપણને જાતજાતની સલાહ આપીને આપણું મગજ ખરાબ કરી નાખે છે. દરેક માણસને એમ લાગે છે કે પોતે કંઈક જાણે છે, સમજે છે, બીજા કરતા વધુ અનુભવી છે, કંઈક વિશેષ છે. આવા ભ્રમમાં એ રાચે છે. સાચું સાંભળવાનું કોઈને ગમતું નથી. વખાણ અને પ્રશંસાયુક્ત વાતો સાંભળવાનું સૌને ગમે છે. દરેક માણસ પોતાના લાભની, સ્વાર્થની વાત ધ્યાનપૂર્વક સાંભળતો હોય છે. બીજી બધી વાતો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે.

દરેક માણસ માને છે કે પોતે કહે તે સાચું છે. સમાજમાં પોતાનો કક્કો સાચો ઠેરવવા જાતજાતના પેંતરા થતા હોય છે. કોઈ પોતાની કહેવાતી સાચી વાત ન માને ત્યારે અહમ્ ઘવાય છે. કેટલાકને તેમાં પોતાનું અપમાન લાગે છે. મોટાભાગનાં મનદુ:ખો આમાંથી ઊભા થતાં હોય છે. કોઈ કાંઈ સંભળાવી જાય, ઊંચા સાદે બોલે, ઠપકો આપે કે ટીકા કરે ત્યારે માણસનું મન ઘવાય છે. મનના ઘા જલદીથી રૂઝાતા નથી. પોતાનું અપમાન કે અવહેલના થઈ હોય તેનો બદલો લેવાનો માણસ મોકો શોધતો હોય છે. કટુ વચનો દ્વારા એકબીજાને પરાસ્ત કરવા પ્રયાસો થતા હોય છે. આ બધાના મૂળમાં એક જ વાત હોય છે - હું કહું એ સાચું બીજું બધું જુઠું. સંબંધો અને વહેવારોમાં આવી નાની નાની અણગમતી વાતો ભૂલાતી નથી. આવી નકામી વાતોથી પૂર્વગ્રહનાં જાળાં ગૂંથાતાં હોય છે. કોઈ પણ માણસ પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય ત્યારે તેની કોઈ વાત સમજવા મગજ તૈયાર હોતું નથી. દરેક માણસ પોતાની રીતે બીજાને મૂલવવાનો પ્રયાસ કરે છે. માણસનું પોતાનું એક આભાસી જગત હોય છે, તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બને છે.

માણસ પોતાના ખ્યાલો અને ખ્વાબોમાં જીવતો હોય છે. હકીકતમાં જે થઈ શકતું નથી તે સ્વપ્નો દ્વારા પરિપૂર્ણ કરવાનો મિથ્યા પ્રયાસ થતો હોય છે. માણસ પોતાની અધૂરપ અને નબળાઈ છુપાવવાનો પ્રયાસ કરતો હોય છે, એટલે તેને બહારનો દેખાવ કરવો પડે છે. માણસ આજે દુ:ખી અને પરેશાન છે તેનું કારણ તે પોતાની રીતે જીવતો નથી. માણસને ધનનું, અહંકારનું, અભિમાનનું, મોટાઈનું પડ વળગેલું છે. આ પડ માણસને સુખચેનથી જીવવા દેતું નથી. આમાં જરાક ટાંચણી ભોંકાય તો ઊંડા ઘા પડી જાય છે. જે કંઈ લાયકાત મુજબ મળે છે તે ટકી રહે છે. દંભ અને દેખાવ દ્વારા જે ઊભું થાય છે તે પાણીના પરપોટા જેવું છે. તે લાંબો સમય ટકતું નથી. આમ છતાં માણસો કીર્તિ, પદ, પ્રતિષ્ઠા અને માન-મોભો મેળવવા હવાતિયાં મારતા હોય છે. માણસ હાંફી જાય, થાકી જાય, પણ આ દોડ બંધ થતી નથી. આપણે દુનિયાની ચિંતા છોડી દઈએ, જેને જે કહેવું હોય તે કહે - મન પર વાત ન લાવીએ, બીજાની બાબતમાં માથું ન મારીએ અને આપણી પોતાની રીતે આગળ વધતા રહીએ તો જીવન સુખનો સાગર છે. બાલાશંકર કંથારિયાની એક રચના આમાં બોધરૂપ છે...

ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સ્હેજે

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુ:ખ વાસે તો

જરાયે અંતરે આનંદ ઓછો ન થવા દેજે

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો

જગત કાજી થઈને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે

ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

આ જગતમાં જે કાંઈ બને સુખ દુ:ખ તે પ્રભુની પ્રસાદી ગણીને સ્વીકારી લેવાનું હોય છે. જીવનમાં અંતરાયો આવવાના છે. ચડ-ઊતર, સફળતા-નિષ્ફળતા એ જીવનનો ભાગ છે. તેમાંથી વ્યથિત થવાની જરૂર નથી. આ જગત જેવું છે તેવું રહેવાનું છે. તે કૂતરાની પૂંછડી જેવું વાંકું છે. તેને ગમે તેટલું સીધું કરવાનો પ્રયાસ કરો તો પણ એ વાંકું રહેવાનું છે. આ અંગે સ્વામી વિવેકાનંદની એક દૃષ્ટાંતકથા પ્રેરક છે.

એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. ધન મેળવવાની તેની પ્રબળ ઈચ્છા હતી. તેણે સાંભળ્યું હતું કે ભૂત-પ્રેતને વશ કરવામાં આવે તો જોઈતું બધું મળી રહે. અલાઉદ્દીનના ચિરાગ જેવા જીનની શોધમાં તે નીકળ્યો અને કઠીન સાધના કરી. આ સાધનામાં એક સિદ્ધ મહાત્મા મળી ગયા. આ માણસે પોતાની ઈચ્છા દર્શાવી.

મહાત્માએ પ્રથમ તો તેને ના પાડી અને કહ્યું આ લફરામાં પડતો નહીં. દુ:ખી થઈ જઈશ. શાંતિથી ઘેર ચાલ્યો જા. આમાં પડવા જેવું નથી, પણ આ માણસ માનવા તૈયાર થયો નહીં અને ખૂબ આજીજી કરવા લાગ્યો કે એક વખત મારી આ મનોકામના પૂર્ણ કરો.

મહાત્માએ છેવટે કંટાળીને એક તાવીજ આપ્યું અને કહ્યું; આ તાવીજ તારી પાસે રાખ અને હું કહું તે મંત્ર ત્રણ વખત બોલજે એટલે જીન તારી પાસે આવી જશે, પરંતુ એક વસ્તુ યાદ રાખજે એને રાત દિવસ કામ આપ્યા કરજે. એને નવરો રહેવા દેતો નહીં, નહીંતર તને ભરખી જશે.

પેલા માણસે વિચાર્યું કે મારી પાસે ઘણા કામ છે, મારે ઘણું મેળવવાનું છે. એ નવરો ક્યાં રહેવાનો છે. તેણે મહાત્માની રજા લીધી અને ઘેર ગયો. તાવીજ હાથમાં રાખીને ત્રણ વખત મંત્રનો જાપ કર્યો અને ખરેખર જીન તેની સમક્ષ હાજર થઈ ગયો અને બોલ્યો માલિક શી આજ્ઞા છે?

આ માણસ જે કાંઈ કામ સોંપે તેને તે પલકવારમાં કરી આપતો હતો. ધન સંપત્તિ, મહેલાતો, આભૂષણો જે માગ્યું તેણે હાજર કર્યું. જે કંઈ હુકમ થતો તે થોડી વારમાં હાજર થઈ જતું હતું. આ માણસે મેળવવા જેટલું બધું મેળવી લીધું. મોટાં કામો પણ તે ક્ષણ વારમાં પૂરા કરી આપતો હતો. માણસ હવે કામ આપતાં પણ થાકી ગયો. તેને નવરો બેસવા દેવાય નહીં, માણસની ચિંતા વધી ગઈ, તે ખૂબ પરેશાન થઈ ગયો, રોજ તેને શું કામ સોંપવું, તેનું જીવવું મુશ્કેલ થઈ ગયું.

તે પાછો મહાત્મા પાસે ગયો અને કહ્યું મને આમાંથી બચાવી લો. મારે કંઈ જોઈતું નથી, મારી પહેલાની જિંદગીમાં મને પાછો મૂકી દો.

મહાત્માએ કહ્યું; મેં તને પહેલા જ કહ્યું હતું કે આમાં પડ નહીં, હવે એક ઉપાય છે. જો આ સામે કૂતરું ઊભું છે ને તેની પૂંછડી સીધી કરવાનું કામ તેને સોંપી દે. લાખ ઉપાય કરશે તો પણ એ સીધી નહીં થાય અને તે સતત કામમાં રહેશે.

પેલા માણસે જીનને આ કામ સોંપી દીધું. જીને કૂતરાની પૂંછડી પકડી અને ખૂબ સાવધાનીપૂર્વક સીધી કરી પણ તેના પરથી હાથનું દબાણ જરાક ઓછું થયું કે તે વાંકી ને વાંકી, હવે જીન પરેશાન થઈ ગયો.

આ જગત પણ કૂતરાની પૂંછડીની જેમ વિચિત્ર અને વાંકું છે, અનેક મનુષ્યો હજારો વર્ષથી તેને સીધું કરવાનો પ્રયત્ન કરતા આવ્યા છે, પણ તે વાંકું ને વાકું રહ્યું છે. હજારો ઉપાય કરો, તે સીધું થવાનું નથી અને તેને સીધું કરવાની જરૂર પણ નથી. જરૂર છે આપણે પોતે સીધા થઈ જવાની. આપણે સુધરીશું તો જગત સુધરેલું દેખાશે. આપણામાં પરિવર્તન આવ્યું તો બધું બદલાઈ જશે. આપ ભલા તો જગ ભલા...

No comments:

Post a Comment