Sunday, February 17, 2019

જવાહરલાલ નેહરુ‘ઝ નાઈન્ટીસેવન મેજર બ્લન્ડર્સ-સૌરભ શાહ

ટુ સ્ટાર્ટ વિથ પંડિત જવાહરલાલ નેહરુના પ્લસ પોઈન્ટ્સ ગણાવી લઈએ, પછી એમની બ્લન્ડર્સ વિશે વાત કરીએ. રજનીકાન્ત પુરાણિક ‘નેહરુ’ઝ નાઈન્ટીસેવન મેજર બ્લન્ડર્સ’ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે એ વાત કબૂલ કરવી જોઈએ કે નેહરુ પોતે પ્રામાણિક હતા, અપરાઈટ હતા, નૉલેજેબલ હતા, સેક્યુલર હતા, કલ્ચર્ડ અને હાર્ડ વર્કિંગ હતા, નિષ્ઠાવાન હતા. શક્તિશાળી નેતા હતા અને દેશ માટે જાત નિચોવી કાઢેલી એમણે. નેહરુની ફિઝિકલ ફિટનેસ ગજબની હતી. બિઝી અને સ્ટ્રેસફુલ જિંદગીમાં પણ એમણે તબિયતનું ધ્યાન રાખ્યું. યોગ કરતા. હેલ્ધી લાઈફસ્ટાઈલ હતી. કહેવાય છે કે ૨૭ મે, ૧૯૬૪ના રોજ તેઓ ગુજરી ગયા તેના બે વર્ષ પહેલાં એમની તબિયત કથળી ત્યારે જ એમણે દવાઓ લીધી. આયુષ્યનાં આ બે અંતિમ વર્ષ સિવાય એમણે જિંદગીભર ક્યારેય દવાઓ લેવી પડી નહોતી. એમણે પુસ્તકો લખ્યાં. એમનામાં હિંમત હતી. નિર્ભય હતા. ૧૯૪૭માં દિલ્હીનાં કોમી રમખાણો વખતનો એક ફેમસ કિસ્સો છે. એક માણસ પર હુમલો થતાં એમણે જોયું. તરત પોતાની ગાડી રોકાવીને એને બચાવવા દોડી ગયા હતા. નેહરુ લોકપ્રિય નેતા હતા. સંસદીય લોકશાહીમાં વિશ્ર્વાસ ધરાવતા. પાક્કા રાષ્ટ્રવાદી હતા. એમણે જ પ્લાનિંગ કમિશન, આઈઆઈટી, આઈઆઈએમ અને પબ્લિક સેક્ટરની અનેક જંગી કંપનીઓની સ્થાપનાને ઉત્તેજન આપ્યું.

અંગત રીતે નેહરુ અત્યંત પ્રામાણિક હતા. નેહરુના પી.એ. એમ.ઓ. મથાઈએ ‘રેમિન્સીન્સીસ ઑફ ધ નેહરુ એજ’માં નોંધ્યું છે કે એક વખત મેં (મથાઈએ) નેહરુને સજેસ્ટ કર્યું હતું કે તમારાં પુસ્તકોના વેચાણમાંથી પબ્લિશર તમને જે રૉયલ્ટી આપે છે તે આવક પર તમે ઈન્કમ ટેક્સ ભરતી વખતે ટાઈપિંગ અને બીજા પરચૂરણ ખર્ચાઓ મજરે લઈ શકો છો. કાયદેસર તમને આ ખર્ચાઓ બાદ મળી શકે એમ છે, પણ નેહરુએ ના પાડી. એમ કહીને કે મેં એ બધા ખર્ચા કર્યા જ નથી તો હું શા માટે ઓછો ટેક્સ ભરવા મારા રિટર્નમાં દેખાડું.

કુલદીપ નાયરે ‘બીયૉન્ડ ધ લાઈન્સ’માં એક કિસ્સો નોંધ્યો છે. તે વખતના પંજાબના મુખ્ય પ્રધાન ભીમસેન સાચર નેહરુ પાસે એક વાત લઈને આવ્યા. નેહરુનાં બહેન વિજ્યાલક્ષ્મી સિમલાના સરકીટ હાઉસમાં રહી ગયાં હતાં અને એમણે રૂપિયા અઢી હજારનું બિલ ચૂકવ્યું નહોતું. તે વખતે સિમલા પંજાબ રાજ્યનો હિસ્સો ગણાતું. મુખ્યમંત્રી સાચરને કહેવામાં આવ્યું કે રાજ્યના ગવર્નર સી. ત્રિવેદીએ આ બિલને રાજ્ય સરકારના ખાતામાં પરચૂરણ ખર્ચ પેટે મૂકવાનું સૂચન કર્યું છે. સાચર જોકે, આવી અપ્રામાણિકતાના વિરોધી એટલે એમણે નેહરુનું ધ્યાન દોર્યું. નેહરુએ કહ્યું કે આટલી મોટી રકમ એક ધડાકે મારાથી પંજાબ સરકારને ચૂકવી નહીં શકાય પણ હપ્તે હપ્તે સગવડ કરી આપું. એ પછી નેહરુએ પાંચ હપ્તે એ બિલ ભરી આપ્યું. દરેક વખતે એમના પર્સનલ બૅન્ક અકાઉન્ટમાંથી ચેક જતો.

કમનસીબે, નેહરુએ આવી દરકાર પોતાની આસપાસના નેતાઓની ન રાખી. પોતાની સરકારના માણસો પાસે પણ આવી અપેક્ષા ન રાખી. મનમોહન સિંહ જેવું જ કદાચ નેહરુનું પણ હતું.

નેહરુની બ્લન્ડર્સ વિશે વાત માંડતાં પહેલાં રજનીકાન્ત પુરાણિકના પુસ્તકમાં કેટલાક મહાનુભાવોને ટાંકવામાં આવ્યા છે. અબુલ કલામ આઝાદે ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં લખ્યું છે:

"... (તે વખતે) મને એવું લાગતું હતું કે જવાહરલાલ (કૉન્ગ્રેસના) નવા પ્રેસિડન્ટ બનવા જોઈએ (૧૯૪૬માં અને જે કૉન્ગ્રેસ-પ્રમુખ બને તે જ આઝાદી પછી દેશના પ્રથમ વડા પ્રધાન બનશે તે નક્કી હતું)... મેં તે વખતે મને જે શ્રેષ્ઠ લાગ્યું તે પ્રમાણે નિર્ણય લીધો હતો પણ એ પછી જે રીતે ઘટનાઓ બનતી ગઈ તે જોતાં મને ભાન થયું કે મેં મારી રાજકીય જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે... મારી બીજી ભૂલ એ હતી કે ન હું પોતે (કૉન્ગ્રેસ પ્રમુખના પદની ચૂંટણી માટે) ઊભો રહ્યો, ન મેં સરદાર પટેલને ટેકો આપ્યો.

નેહરુની કેબિનેટના એક પ્રધાન રહી ચૂકેલા એન. વી. ગાડગિલે કહ્યું છે:

‘દરેક તબક્કે સમાધાન કરીને નમતું જોખવાની નેહરુની વૃત્તિને લીધે કાશ્મીરનો પ્રશ્ર્ન લંબાયા કરે છે. વલ્લભભાઈને આ સમસ્યા સૂલઝાવવાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હોત તો આ પ્રશ્ર્નનો ઉકેલ કયારનો આવી ગયો હોત. કમ સે કમ એમણે એટલું તો કર્યું જ હોત કે જમ્મુકાશ્મીરનો આંશિક કબજો મેળવવાને બદલે એ આખોય પ્રદેશ ભારતના તાબામાં રહે અને આ પ્રશ્ર્નને એમણે ક્યારેય (યુનોમાં લઈ જઈને) આંતરરાષ્ટ્રીય ઓપ તો ન જ આપ્યો હોત.’

સરદાર પટેલના સેક્રેટરી વી. શંકરે ‘માય રેમિન્સીન્સીસ ઑફ સરદાર પટેલ’માં નોંધ્યું છે:

‘લૉર્ડ માઉન્ટબેટનનો પંડિત નેહરુ તેમ જ ગાંધીજી પર કેવડો મોટો પ્રભાવ હતો તેનાથી સરદાર વાકેફ હતા. મોટેભાગે આ પ્રભાવ ખૂબ નિર્ણાયક પુરવાર થતો. સરદારે નક્કી કરી નાખેલું કે ભારતીય રાજ્યો-રજવાડાંઓનો એકત્રીકરણ માટે એમણે જે નીતિ અપનાવેલી તે મુજબ હૈદરાબાદને પણ ભારતમાં ભેળવી દેવું અનિવાર્ય છે... મને યાદ છે કે અન્ય રાજ્યોને ભારતમાં સમાવી લેવામાં સરદારે જે ત્વરાથી કામ લીધું હતું તેની સરખામણીએ હૈદરાબાદની બાબતમાં એટલો બધો વિલંબ થઈ રહ્યો હતો કે સરદાર ખૂબ અકળાયેલા રહેતા... હૈદરાબાદ સામે પોલીસ ઍક્શન લેવાની બાબતમાં અસહમતિ દર્શાવનારા રાજાજી અને પંડિત નેહરુ વિશે સરદાર કહેતા કે: અહિંસક લડતને બદલે પોલીસ એક્શન લેવાની વાત આવે છે ત્યારે આ બે વિધવાઓ એમના સદ્ગત પતિ (અર્થાત્ ગાંધીજી)ને યાદ કરીને છાતી કૂટીને આક્રંદ કરતી હોય છે!’

રાજાજી એટલે ચક્રવર્તી રાજગોપાલાચારી જેમને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા અને જેમની પંદર વર્ષની દીકરી લક્ષ્મી ગાંધીજીના ૨૮ વર્ષના દીકરા દેવદાસ ગાંધીના પ્રેમમાં પડી ત્યારે બેઉ પિતાઓએ પોતાનાં સંતાનોને પાંચ વર્ષ સુધી એકબીજાને મળ્યા વિના રાહ જોવાનું કહ્યું. પાંચ વર્ષ પછી લગ્ન થયાં. દેવદાસ ગાંધીના ચાર પુત્રો રાજમોહન ગાંધી, ગોપાલકૃષ્ણ ગાંધી, રામચન્દ્ર ગાંધી અને તારા ગાંધી - ભટ્ટાચાર્ય. રાજમોહન ગાંધી ૧૯૮૯માં રાજીવ ગાંધી સામે અમેઠીમાંથી લોકસભાની ચૂંટણી લડેલા. હારી ગયેલા. ૨૦૧૪માં કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાઈને ઈસ્ટ દિલ્હીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડેલા. ફરી હારી ગયેલા. ગોપાલ ગાંધીને સોનિયા-મનમોહન સરકારે ૨૦૦૪થી ૨૦૦૯ સુધી પશ્ર્ચિમ બંગાળના ગવર્નરપદે રાખેલ અને રામચંદ્ર ગાંધીએ આજીવન યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે કામ કર્યંુ.

નેહરુની બ્લન્ડર્સ પર તો વાત આગળ વધારીશું જ. ક્યારેક એ સમયના અન્ય રાજનેતાઓની બ્લન્ડર્સ વિશે પણ ખૂલીને ચર્ચા કરવી જોઈએ.
***************
૧૯૪૬માં સરદાર પટેલને બદલે જવાહરલાલ નેહરુને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવાના ગાંધીજીના પગલા વિશે સૌ કોઈને ખબર છે. પણ બહુ ઓછાને ૧૯૨૯માં આવું જ બન્યું હતું એની જાણ છે.

૧૯૨૮માં મોતીલાલ નેહરુ કૉન્ગ્રેસ પ્રમુખ હતા. એ વર્ષે વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કરીને સરદારનું બિરુદ પામ્યા હતા. આ સત્યાગ્રહે સરદારને રાષ્ટ્રીય સ્તરે જાણીતા કર્યા. નેહરુ પાસે એ સમયે આવી કોઈ સિદ્ધિ નહોતી અને ઉંમરમાં પણ નેહરુ સરદાર કરતાં નાના હતા. આમ છતાં ગાંધીજીએ ગેરન્યાયી તેમ બિનલોકશાહી તરીકાથી સરદારને પાછળ ખસી જવાનું કહીને ૧૯૨૯-૩૦ની સાલ માટે નેહરુને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવ્યા. એ વર્ષે પણ (૧૯૪૬ની જેમ) મોટા ભાગની પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિઓએ સરદારનું નામ પ્રમુખપદ માટે સૂચવ્યું હતું. આ સંદર્ભમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે લખ્યું હતું: ‘કૉન્ગ્રેસનાં વર્તુળોમાં એક સામાન્ય લાગણી એવી પ્રવર્તતી હતી કે આ બહુમાન સરદાર વલ્લભભાઈ પટેલને મળવું જોઈતું હતું.’

આચાર્ય ક્રિપલાણીએ ટિપ્પણી કરી હતી કે, ‘ગાંધીજીએ જવાહરલાલની પસંદગી કરી તેની પાછળ રાજકીય કરતાં વધુ અંગત કારણો હતાં.’

મોતીલાલ નેહરુએ સરદાર પટેલની બારડોલીના સત્યાગ્રહની જીત પછી ૧૧ જુલાઈ, ૧૯૨૮ના રોજ ગાંધીજીને લખ્યું હતું: ‘આ સમયના મહાનાયક તો નિ:શંક વલ્લભભાઈ છે એ બાબતે મને કોઈ શંકા નથી અને આપણે એમને જ કૉન્ગ્રેસ પ્રમુખનો તાજ પહેરાવવો જોઈએ. પણ જો એ શક્ય ન હોય તો હું માનું છું કે કોઈપણ સંજોગોમાં જવાહરની પસંદગી શ્રેષ્ઠ રહેશે.’

મોતીલાલ નેહરુએ બહુ જ સટલ રીતે પોતાના દીકરાને આગળ ધરીને ગાંધીજીને બીજા તમામ નેતાઓનું પત્તું કાપવાનું કહ્યું. નેહરુ કુટુંબનો સગાંવાદ અહીંથી શરૂ થયો. ૧૯૨૯-૩૦ની સાલમાં કૉન્ગ્રેસનું પ્રમુખપદ મેળવનાર વ્યક્તિ ગાંધીજીના વારસદાર તરીકે સ્થાપિત થવાની એ વાત સ્પષ્ટ હતી, કારણ કે પ્રમુખ દ્વારા કૉન્ગ્રેસની ‘પૂર્ણ સ્વરાજ’ની લડતની ઘોષણા થવાની હતી. ૧૯૨૯ની ૩૧મી ડિસેમ્બરે નેહરુએ લાહોર અધિવેશન દરમ્યાન રાવી નદીના કાંઠે તિરંગો લહેરાવ્યો હતો. કૉન્ગ્રેસે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ હિન્દુસ્તાન માટે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી.

નેહરુની ૯૭ મેજર બ્લન્ડર્સવાળા પુસ્તકમાં લેખક રજનીકાન્ત પુરાણિકે આ ઘટનાને નેહરુની સૌથી પહેલી બ્લન્ડર ગણાવી છે જેમાં કદાચ નેહરુનો ઓછો પણ ગાંધીજીનો ફાળો મોટો હતો. નેહરુને એ પછીના વર્ષે ફરી કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા જેમાં પણ ગાંધીજીનો મોટો ફાળો રહ્યો.

નેહરુની બીજી બ્લન્ડર સર્જાઈ ૧૯૩૬-૩૭ની પ્રાંતીય ચૂંટણીઓ વખતે. તે વખતે જિન્નાહની મુસ્લિમ લીગે ચૂંટણીમાં ઘણો ખરાબ દેખાવ કર્યો હતો. જિન્નાહે હિન્દુ - મુસ્લિમ એકતાને અખંડ રાખવા બૉમ્બે પ્રાંતની કેબિનેટમાં મુસ્લિમ લીગના બે સભ્યને પ્રધાનપદું આપવાની માગ કરી હતી પણ કૉન્ગ્રેસે સામે શરત મૂકી કે મુસ્લિમ લીગના ચૂંટાયેલા સભ્યો કૉન્ગ્રેસમાં આવી જાય તો જ એ શક્ય બને. ઉત્તર પ્રદેશ પ્રાંત માટેની વાટાઘાટો પણ નેહરુ તથા મૌલાના આઝાદે મૂકેલી આવી જ શરતોને લીધે પડી ભાંગી. ૧૯૩૬ અને ૧૯૩૭માં પણ નેહરુ કૉન્ગ્રેસ પ્રમુખ હતા એટલે આ નિર્ણયો માટે ભલે સંસ્થા તરીકે કૉન્ગ્રેસ જવાબદાર ગણાય પણ વ્યક્તિ તરીકે નહેરુ જ જવાબદાર ગણાય. કૉન્ગ્રેસે ઠુકરાવેલી જિન્નાહની ઑફરનું પરિણામ શું આવ્યું? મુસ્લિમ લીગે ભારતના ભાગલા પાડીને અલગ પાકિસ્તાનની માગ કરવાની યોજના બનાવી.

ત્રીજી બ્લન્ડર. પંડિત નેહરુને પોતાનો નજરિયો આંતરરાષ્ટ્રીયવાદી છે એવું દેખાડવાની બહુ મોટી હોંશ હતી. ૧૯૩૯ની ૩જી સપ્ટેમ્બરે બ્રિટને જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી. નેહરુ અત્યાર સુધી પોતાની જાતને એન્ટિ નાઝી, એન્ટિ ફસિસ્ટ ગણાવતા રહ્યા હતા. બ્રિટનની લડાઈ પણ એ જ નાઝી અને ફાસીવાદી તત્ત્વો વિરુદ્ધ હતી. એ રીતે જોતાં નેહરુએ લડાઈમાં બ્રિટનનો સાથ આપવો જોઈતો હતો અથવા તો પછી ચૂપ રહેવું જોઈતું હતું, પણ નહેરુએ તે વખતે એન્ટિ બ્રિટિશ વલણ અપનાવ્યું. આ તો હજુ અડધી જ વાત થઈ. ૧૯૪૧માં રશિયા યુદ્ધમાં જોડાયું અને બ્રિટનને ટેકો આપતું થયું. નેહરુ પોતે સામ્યવાદી મિજાજના અને રશિયાના પ્રશંસક. નેહરુએ તરત જ પોતાનો સૂર બદલીને રશિયાને અને એમ કરીને બ્રિટનને ટેકો આપવાનું શરૂ કર્યું.

આટલા બૅકગ્રાઉન્ડ પછી ફરી ૧૯૩૯ની સાલ પર આવીએ. એક વાત સમજી લઈએ કે ગાંધીજી તેમ જ એમની સાથેના સૌ કોઈએ બ્રિટિશરો સામે ભારતને સ્વતંત્રતા આપવાની ‘લડત’ નથી ચલાવી પણ કાયદેસર દાખલા દલીલો મૂકીને સ્વતંત્રતાનો પોતાનો હક્ક જતાવ્યો છે. કોઈની સામે લડવામાં અને કોઈની આગળ પોતાનો વાજબી હક્ક માગવામાં ફરક છે. હક્ક માગતી વખતે આપણે સામેના પક્ષને સમજાવતા હોઈએ છીએ, એને આપણી વિરુદ્ધ નથી કરતા. હક્ક માગતી વખતે આપણે આપણી તાકાતનો પરચો દેખાડતા હોઈએ છીએ, સામેવાળાની તાકાતને લલકારતા નથી હોતા. ‘લડત ચલાવવી’ હોય તો એમાં આ બધું કશું જ ન હોય. એમાં પછી મરો કાં તો મારો જેવી પરિસ્થિતિ હોય. ગાંધીજીએ વાજબી રીતે જ ‘લડવાને’ બદલે ‘સમજાવવા’નો માર્ગ અખત્યાર કર્યો. લડવા ગયા હોત તો આપણે અંગ્રેજોની પ્રચંડ લશ્કરી તાકાત આગળ ચપટીમાં જ ખુવાર થઈ ગયા હોત. વળી ગાંધીજી અંગ્રેજ પ્રજાના એક સદ્ગુણને બરાબર જાણતા હતા કે અંગે્રજો ન્યાયપ્રિય હતા.

ખૈર. ૧૯૩૯ના વિશ્ર્વયુદ્ધ સમયના ગાળામાં ભારતમાં કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારો સરદાર પટેલની મહેનત અને સૂઝથી ચૂંટાઈને પ્રજાનું સારું કામ કરતી થઈ ગયેલી. બ્રિટિશ સરકાર અને મુસ્લિમ લીગના પેટમાં તેલ રેડાય એ રીતે આ કૉન્ગ્રેસી પ્રાંતીય સરકારોની તેમ જ સરદાર પટેલની લોકપ્રિયતા વધતી જતી હતી.

ગાડી સડસડાટ ચાલતી હતી ત્યાં જ જર્મની સાથેના યુદ્ધના પગલે બ્રિટનને અસહકાર આપવાના ઈરાદાથી નેહરુએ કૉન્ગ્રેસને પૂછયા કર્યા વગર વિવિધ પ્રાંતોની સરકારોમાંથી કૉન્ગ્રેસી પ્રધાનો રાજીનામું આપશે એવી ઘોષણા કરી દીધી. નેહરુએ એમ વિચારીને આ પગલું લીધું કે આવું કરવાથી બ્રિટિશ સરકારને સતાવીને, હેરાન કરીને આપણે એમની પાસેથી વહેલી આઝાદી મેળવી લઈશું!

સરદાર અને ગાંધીજી આ રાજીનામાવાળા તોફાનની સખત ખિલાફ હતા. પણ નેહરુ અને એમના સામ્યવાદી વિચારસરણીવાળા કૉન્ગ્રેસી સાથીઓ પોતાનું ધાર્યું કરીને જ જંપ્યા અને નવેમ્બર ૧૯૩૯ સુધીમાં બધી પ્રાંતીય સરકારો તૂટી પડી. એ વખતે જો ગાંધીજીનું સાંભળવામાં આવ્યું હોત અને સરદારનું કહ્યું માનવામાં આવ્યું હોત અને યુદ્ધમાં બ્રિટનને સાથ આપીને ઘરઆંગણે ભારતમાં એના માટે વધારાની વહીવટીય અગવડો ઊભી કરવામાં ન આવી હોત, તો ભાગલા વખતે કૉન્ગ્રેસનો હાથ ઉપર રહ્યો હોત. નેહરુની આ બ્લન્ડરને લીધે અંગ્રેજોએ એ વખતે મુસ્લિમ લીગને કૉન્ગ્રેસ જેટલું જ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું જે સ્વતંત્ર ભારતને ભારે પડ્યું.

આ તો બધી હજુ આઝાદી પહેલાંની બ્લન્ડર્સ થઈ. આઝાદી પછીની નેહરુની બ્લન્ડર્સ ગણાવવાની તો હજુ બાકી છે.
************************
૧૯૪૬માં નેહરુને ફરી એકવાર કૉન્ગ્રેસનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું જેના વાજબી હકદાર વલ્લભભાઈ હતા. પ્રમુખપદ મેળવ્યા પછી નેહરુએ કૅબિનેટ મિશન પ્લાન જેને કૉન્ગ્રેસે ઑલરેડી મંજૂર રાખેલો તેને અનુસરવાનો ઈનકાર કરી દીધો. નેહરુના આ ઈનકારને પગલે 

જિન્નાહે ૧૬ ઑગસ્ટ ૧૯૪૬ના દિવસને ડાયરેક્ટ ઍક્શન દિવસ જાહેર કર્યો જેને કારણે પંજાબ, બંગાળ, દિલ્હી, મુંબઈ અને સૌથી વધારે તો કલકત્તામાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ રમખાણો મુસ્લિમ લીગે કરાવ્યાં હતાં. પાંચ હજારથી વધુ લોકોનાં મોત થયાં, પંદર હજાર ઘાયલ થયા અને એક લાખ લોકો બેઘર થયા.

સરદાર પટેલે આ સંદર્ભમાં ડી. પી. મિશ્રાને લખ્યું: ‘ચોથી વખત પ્રમુખપદે ચૂંટાયા પછી પણ નેહરુ એક બાળક જેવી રીતે વર્તે છે... પણ આપણે આપણો ગુસ્સો ખાળી રાખવો જોઈએ... નેહરુની પ્રેસ કૉન્ફરન્સ ઈમોશનલ ગાંડપણ સમાન હતી...’

કઈ પ્રેસ કૉન્ફરન્સની વાત હતી? આગળ આવશે. મૌલાના આઝાદે પણ આ બનાવ વિશે આત્મકથા ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં નોંધ્યું છે: ‘સરદાર પટેલને ટેકો નહીં આપવાની ભૂલ મેં કરી. અમે (મૌલાના આઝાદ અને સરદાર) ભલે અનેક બાબતો પર ભિન્નમત ધરાવતા હતા છતાં હું માનું છું કે જો કૉન્ગ્રેસ પ્રમુખ તરીકે મારા પછી સરદાર આવ્યા હોત તો એમણે કૅબિનેટ મિશન પ્લાનનો સફળતાપૂર્વક અમલ કર્યો હોત. જિન્નાહને આ પ્લાનનો ઉલાળિયો કરવા માટેની તક આપવાની જે ભૂલ જવાહરલાલે કરી તેવી ભૂલ સરદારે ચોક્કસ જ ન કરી હોત. મેં પોતે (સરદારને ટેકો નહીં આપવાની અને નેહરુને ફરી કૉન્ગ્રેસપ્રમુખ બનવા દેવાની) ભૂલો ન કરી હોત તો કદાચ એ દસકાનો ઈતિહાસ કંઈક જુદો જ હોત.’

કૅબિનેટ મિશન પ્લાનમાં શું હતું? ૧૯૪૬માં ઇંગ્લૅન્ડે ભારતના હાથમાં સરકારનો દૌર સોંપવા માટેની વિધિઓ નક્કી કરવા એક કૅબિનેટ મિશન મોકલ્યું હતું. આપણે જેની અંગ્રેજોથી ‘આઝાદી મેળવવાની લડત’ કહીએ છીએ તે અંગ્રેજોની દૃષ્ટિએ તેમ જ ફૉર ઑલ ધ પ્રેક્ટિકલ પરપઝ ‘ટ્રાન્સફર ઓફ પાવર’ની પ્રક્રિયા હતી, સત્તાના હસ્તાંતરણની પ્રોસેસ હતી. ઇંગ્લેન્ડના તે વખતના વડા પ્રધાન ક્લેમન્ટ એટલીના સુઝાવથી આ મિશન ભારત આવ્યું હતું. ૧૬ મે ૧૯૪૬ના રોજ જાહેર કરવામાં આવેલા કૅબિનેટ મિશન પ્લાનના મહત્ત્વના મુદ્દાઓ સમજી લઈએ:

૧. સંયુક્ત ભારતને આઝાદી મળશે અર્થાત્ આખેઆખું હિન્દુસ્તાન આઝાદી પામશે. અલગ પાકિસ્તાનની માગણીને નકારી કાઢવામાં આવી હતી.

૨. મુસ્લિમ બહુમતીવાળા સિંધ, પંજાબ, બલુચિસ્તાનનું એક જૂથ રચાશે અને બંગાળ તથા આસામનું બીજું એક જૂથ રચાશે.

૩. મધ્ય અને દક્ષિણ ભારતના હિંદુ બહુમતી પ્રાંતોનું જુદું જૂથ રચાશે.

૪. કેન્દ્ર સરકાર દિલ્હીમાં રહેશે જે સમગ્ર દેશની સંરક્ષણ વ્યવસ્થા, રાજદ્વારી સંબંધો તથા ચલણ માટે જવાબદાર રહેશે અને બાકીની તમામ સત્તાઓ પ્રાંતોની પાસે રહેશે.

આ પ્લાન કૉન્ગ્રેસ - મુસ્લિમ લીગ - કોઈને મંજૂર નહોતો એટલે ૧૬મી જૂને નવો કૅબિનેટ મિશન પ્લાન જાહેર થયો. નેહરુએ આ બીજા પ્લાનને નામંજૂર કરતી બેજવાબદારભરી જાહેરાત મુંબઈમાં ૭ જુલાઈ ૧૯૪૬ની પત્રકાર પરિષદમાં કરી. આ બીજા પ્લાનમાં દેશના ભાગલા પાડીને મુસ્લિમોને અલગ પાકિસ્તાન આપવાની જિન્નાહની માગણી સ્વીકારી લેવામાં આવી હતી. ભારતનાં રાજા-રજવાડાંને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની છૂટ આપવામાં આવી હતી. હિંદીઓની કામચલાઉ સરકાર તથા બંધારણીય સભા રચવાની વાત હતી. નેહરુએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે અમને આ પ્લાનમાંથી બંધારણીય સભા રચવાની વાત જ મંજૂર છે, બાકીની કોઈ વાત મંજૂર નથી. નેહરુની જાહેરાતના પગલે જિન્નાહે કહ્યું કે મુસ્લિમ લીગ બંધારણીય સભામાં ભાગ નહીં લે. નેહરુએ જો ધીરજ રાખી હોત અને હિંદીઓની કામચલાઉ સરકાર રચવાનું અંગ્રેજોનું સૂચન સ્વીકારી લીધું હોત તો ભારતના ભાગલા વખતે થયેલી કત્લેઆમ ખાળી શકાઈ હોત, મિલકતની વહેંચણી અંગે ઓછો વિખવાદ થયો હોત અને શરણાર્થીઓની સમસ્યા એટલી વિકટ ન બની હોત કારણ કે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કામચલાઉ સરકારનું વિશાળ તંત્ર કામે લાગી ગયું હોત.

આસામના મુસ્લિમીકરણ માટે અને સિંધીઓને બેવતન બનાવી દેવા માટે પણ નેહરુએ લીધેલા નિર્ણયો જ જવાબદાર હતા. એ વિશે કાલે.
***********************
કાશ્મીર અને ચીનના મામલે નેહરુએ કરેલી બ્લન્ડર્સ બધાને ખબર છે, પણ બહુ ઓછાને જાણ છે કે આઝાદીના તુરંત બાદ જયારે હજુ ભારતીય લશ્કરના વડા નીમાયા નહોતા અને જનરલ સર મૅક્ગ્રેગર મૅક્ડોનાલ્ડ લૉકહાર્ટ સંયુક્ત ભારતના આર્મી ચીફ હતા અને થોડા મહિના સુધી (૧ ઑક્ટોબર, ૧૯૪૮ સુધી) ભારતના કમાન્ડર-ઈન-ચીફ રહ્યા ત્યારે એમણે નેહરુ સાથેની એક મીટિંગ બાદ શું કહ્યું. જનરલ લૉકહાર્ટે કહ્યું:

‘પ્રાઈમ મિનિસ્ટરે મેં રજૂ કરેલા પ્લાનના કાગળ તરફ એક નજર નાખી અને એમનો પિત્તો ગયો: "રબિશ! ટોટલ રબિશ! આપણને કોઈ કરતાં કોઈ ડિફેન્સ પ્લાનની જરૂર નથી. આપણે અહિંસામાં માનીએ છીએ. આપણને કોઈનાય તરફથી આક્રમણનો ભય નથી. આર્મીને વિખેરી નાખો. આપણી સંરક્ષણ જરૂરિયાતો માટે પોલીસ પૂરતી છે. નેહરુએ ઘાંટા પાડીને કહ્યું હતું.’

જનરલ લૉકહાર્ટે ક્વોટ કરેલા નેહરુના આ શબ્દો પછી આપણે ૧૯૬૨માં ચીન સામે શું કામ હાર્યા તે વિશે કારણો શોધવા જવાની જરૂર નથી.

નેહરુ કાશ્મીરના પ્રશ્ર્નને યુનોમાં લઈ ગયા એ તો એમની બ્લન્ડર ખરી જ, તિબેટના પ્રશ્ર્નને નેહરુ યુનોમાં ન લઈ ગયા એ એમની બ્લન્ડર હતી. ભારત અને ચીન વચ્ચે તિબેટ એક બફર જેવું રાષ્ટ્ર હતું. ચીને તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે તિબેટે યુનોમાં ધા નાખી હતી. યુનોએ તિબેટની ફરિયાદ સાંભળવાની ના પાડી, કારણ કે તિબેટ યુનોનું સભ્ય નહોતું. તિબેટે ભારત સરકારને વિનંતી કરી કે તમે યુનોમાં તિબેટનો ઈશ્યૂ ઉઠાવો. ભારતે ચીન નારાજ થશે એવા ડરથી તિબેટની વિનંતી માન્ય રાખી નહીં. ઊલટાનું આપણે બેશરમ બનીને તિબેટને શીખામણ આપી કે તમે તમારા આક્રમણખોર સાથે શાંતિપૂર્ણ રીતે સુલેહ કરી લો. ૨૩ નવેમ્બર, ૧૯૫૦ના દિવસે તિબેટની અપીલ યુનોની જનરલ એસેમ્બલીમાં ડિસ્કશન માટે આવી ત્યારે ભારતે આ ડિસ્કશનનો કોઈ મતલબ જ નથી એમ કહીને રજૂઆત કરી કે ભારતને ચીનની ચિઠ્ઠી મળી છે કે તેઓ આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાના છે. આવા ફાલતુ કારણોસર ભારતે યુનોમાં તિબેટને લગતી ચર્ચાનો વિરોધ કર્યો હતો.

૧૯૫૩ના ઑગસ્ટમાં ભારતના અનેક નેતાઓ અને અગ્રણી નાગરિકોએ તિબેટ પર થયેલા ચીની આક્રમણનો વિરોધ કરવા ‘તિબેટ દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું ત્યારે નેહરુએ ઑલ ઈન્ડિયા કૉન્ગ્રેસ કમિટીને પત્ર લખીને કહ્યું હતું કે એક પણ કૉન્ગ્રેસીએ એમાં ભાગ લેવાનો નથી, કારણ કે આ ઉજવણી ચીન સાથેની આપણી મૈત્રી વિરુદ્ધનું કૃત્ય છે!

સર વૉલ્ટર ક્રોકર બેવાર ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર તરીકે કામ કરી ચૂક્યા છે. એક વખત ૧૯૫૨થી ૧૯૫૫ દરમ્યાન અને બીજીવાર ૧૯૫૮થી ૧૯૬૨ દરમ્યાન. ૧૯૬૬માં વૉલ્ટર ક્રોકરે ‘નેહરુ: અ ક્ધટેમ્પરરી’ઝ એસ્ટિમેટ’ પુસ્તક લખ્યું જે નેહરુની બાયોગ્રાફી સમું છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રગટ કરેલા આ પુસ્તકમાં ક્રોકર લખે છે:

"૧૯૫૨-૫૩માં દિલ્હીમાં બોલાતું કે નેહરુ ખાનગીમાં તેમ જ જાહેરમાં તિબેટ પરના ચીનના આક્રમણને વાજબી ઠેરવતા હતા.

શું કારણ આનું? અરુણ શૌરીએ ‘આર વી ડિસીવિંગ અવરસેલ્વ્સ અગેઈન?’ નામનું પુસ્તક આ મુદ્દાની વિગતવાર છણાવટ કરવા માટે લખ્યું છે. રજનીકાન્ત પુરાણિક ‘નેહરુ’ઝ નાઈન્ટી સેવન બ્લન્ડર્સ’માં શૌરીના આ પુસ્તકને ક્વોટ કરતાં લખે છે કે નેહરુ કહેતા કે તિબેટમાં તો સામંતશાહી રાજ્યવ્યવસ્થા છે, એ કંઈ થોડો લોકશાહી દેશ છે? એને કેવી રીતે આપણાથી સપોર્ટ થાય?

એક જમાનામાં જે સરહદ ભારતની સૌથી સુરક્ષિત ગણાતી તે નેહરુના તિબેટ-બ્લન્ડરને લીધે એકદમ અસુરક્ષિત બની ગઈ. શૌરીએ નોંધ્યું છે કે ‘(નેહરુએ માની લીધેલું કે) આપણે જો અજગર સાથે સારી રીતે વર્તીશું તો એ આપણને ગળી નહીં જાય.’

વિન્સ્ટન ચર્ચિલે જુદા જ સંદર્ભમાં એક વાત કહી છે જે અહીં બરાબર ફિટ થાય છે: ‘ખુશામતિયો એ આશાએ મગરને ખવડાવતો હોય છે કે એ મને નહીં ખાય.’

૧૯૬૪ની સાલમાં નેહરુએ પોતાના જીવનના અંતિમ દિવસોમાં એવો વિલાપ કર્યો હતો કે, ‘મારા મિત્ર (ચીન)એ મને દગો આપ્યો.’

સ્વામી સચ્ચિદાનંદે નેહરુના આ શબ્દોના સંદર્ભમાં લખ્યું છે: ‘દુશ્મન દગો ન આપે તો બીજું શું આપે?’

ભારત છેક ૧૯૪૭માં આઝાદ થયું આમ છતાં ગોવામાંથી પોર્ટુગીઝોને હટાવતાં આપણને ૧૪ વર્ષ શું કામ લાગ્યાં?

૧૯૫૦માં વિદેશી બાબતોની સમિતિમાં થયેલી ચર્ચામાં ગોવા વિશે ખૂબ લંબાણપૂર્વક વાત થઈ ત્યારે સરદાર પટેલે નેહરુ તરફથી મળી રહેલા જાતજાતના મોળા-ભીરુ સૂચનોથી અકળાઈને કહ્યું હતું: ‘હમણાં જ લઈ લઈએ આપણે? બે જ કલાકની વાત છે.’

સરદારે આ પહેલાં જૂનાગઢ તથા હૈદરાબાદના પ્રશ્ર્નો સૉલ્વ કર્યા હતા. ગોવા કૉન્ગ્રેસને ૧૪ મે, ૧૯૪૬ના રોજ લખાયેલા પત્રમાંનું પ્રોમિસ પાળવા સરદાર આતુર હતા કે બને એટલું જલદી અમે તમને વિદેશીઓના (પોર્ટુગીઝોના) પંજામાંથી છોડાવી લઈશું, પણ નેહરુની હોતી હૈ ચલતી હૈ વાળી નીતિને કારણે ગોવાનો પ્રશ્ર્ન ઠેલાતો જ ગયો. બ્રિટિશ જો ભારત જેવડો મોટો પ્રદેશ ખાલી કરીને જતા રહી શકે તો ગોવા જેટલા ટચુકડા પ્રદેશ પર પોર્ટુગીઝોના કબજાને ભારત કેવી રીતે ચલાવી શકે એ વાત કોઈના સમજમાં આવતી નહોતી. નિર્ણયો લેવાની અશક્તિ, ગૂંચવાડા ભરેલી અને અસ્પષ્ટ વિદેશ નીતિ, હિંમતનો અભાવ અને ભારતની સંરક્ષણ તેમ જ સલામતી વ્યવસ્થા તરફનું દુર્લક્ષ ધરાવતું નેહરુનું ચિંતન - ગોવાએ આ બધાં કારણોસર છેક ૧૯૬૧ સુધી આઝાદી માટે રાહ જોવી પડી.

મોદીના પી.એમ. બન્યા પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન આ દેશની પ્રજાને અહસાસ થવા લાગ્યો છે કે નોર્થ-ઈસ્ટનાં ૭ રાજ્યો પણ ભારતનું જ અવિભાજય અંગ છે. ઈશાન ભારતને મેઈન સ્ટ્રીમમાં જોડવાના અનેક પ્રયાસોમાંનું લેટેસ્ટ ઉદાહરણ છે બ્રહ્મપુત્રની ઉપનદી પરનો સવા નવ કિલોમીટર લાંબો ભૂપેન હઝારિકા બ્રિજ. નેહરુએ ત્રણ કારણોસર આ સાત રાજ્યોની ઘોર ઉપેક્ષા કરી: ૧. ત્યાં ૨૨૦થી વધુ જાતિ-જનજાતિઓ વસે છે. આટલી વિભિન્ન પ્રજાને એક રાખવી અશક્ય છે. ૨. આ પ્રજાઓની માગણી સંતોષતા રહીશું તો ઠેર ઠેર આવી નાની જાતિઓ પોતાની માગણીઓ પૂરી કરવા આંદોલન ચલાવશે. ૩. આટલાં નાનાં રાજ્યોને સાચવવાં ભારતને આર્થિક રીતે પરવડે નહીં અને આ જ કારણોસર નેહરુએ ત્યાં ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ પર કોઈ લગામ રાખી નહીં.
****************************
નેહરુના વારસદારો અત્યાર સુધી કહેતા રહ્યા અને પાઠ્યપુસ્તકો દ્વારા આપણને ભણાવતા રહ્યા કે નેહરુ આઝાદ ભારતના ઘડવૈયા હતા, આર્કિટેક્ટ ઑફ ધ ન્યુ ઈન્ડિયા. સાચી વાત છે. પણ એમણે કેવું ભારત ઘડ્યું એ આપણાથી છુપાવવામાં આવ્યું.

સિદ્દવનહલ્લી નિજલિંગપ્પા નામના સિનિયર કૉન્ગ્રેસી નેતા એસ. નિજલિંગપ્પાના નામે વધારે જાણીતા હતા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન મૈસૂર રાજ્યના અને ૧૯૬૨-૧૯૬૮ દરમિયાન કર્ણાટક રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નિજલિંગપ્પા સાતેક વર્ષ પહેલાં જ ૯૭ વર્ષની ઉંમરે ગુજરી ગયા. ‘માય લાઈફ ઍન્ડ પોલિટિક્સ’ એમની આત્મકથા જેમાં લખ્યું છે:

‘ગ્રામીણ અર્થવ્યવસ્થાની અવગણના કરવા બદલ, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર તરફ બેધ્યાન બનવા બદલ અને કૃષિ અર્થતંત્ર માટે જેની સૌથી મોટી આવશ્યકતા હોય તે સિંચાઈ ક્ષેત્રને નિગ્લેક્ટ કરવા બદલ હું એમની (નેહરુની) સાથે ઝઘડ્યો છું. નેહરુએ મને ઉતારી પાડતાં કહ્યું હતું કે, ‘તમે તો સાવ ગંવાર છો, ગામડિયા છો, આ બધામાં તમારી ચાંચ ના ડૂબે.’ હું એમની સામે બોલતો, ‘તમને જો ગામડાંઓ માટે મને જેટલો લગાવ છે એના દસમા ભાગનો પણ પ્રેમ હોત તો ભારતનું અર્થતંત્ર સાવ જુદું જ હોત...’ હું માનું છું કે આ બાબતમાં રશિયાની વાનરનકલ કરવા સિવાય બીજી કોઈ સૂઝ એમનામાં નહોતી.’

નિજલિંગપ્પાનું નિરીક્ષણ સાચું છે. નેહરુ ભારતમાં રશિયાની જેમ સહકારી ખેતી કરવા માગતા હતા. ખેતીનો અનુભવ જેમના લોહીમાં હતો તે ચૌધરી ચરણ સિંહે નેહરુની સહકારી ખેતીની નીતિના ગતકડાનો તીવ્ર વિરોધ કર્યો હતો. છેવટે કૉન્ગ્રેસે આ અખતરો પડતો મૂકવો પડ્યો હતો.

જપાન અને જર્મની તો મહાન રાષ્ટ્રો હતાં જે બીજા વિશ્ર્વયુદ્ધમાં તબાહ થઈને ટૂંકા ગાળામાં અતિ સમૃદ્ધ બની ગયાં. મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા સહિતનાં છૂછાં દેશો પણ એક દોઢ દાયકામાં ક્યાંના ક્યાં નીકળી ગયા. એની સામે ભારતની છાપ એક આંતરરાષ્ટ્રીય ભિખારી તરીકેની રહી. યુનો અને વર્લ્ડ બૅન્ક પાસેથી તેમ જ સમૃદ્ધ દેશો પાસેથી લોન મળે ત્યારે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેતી તેમ જ ઉદ્યોગને લગતાં કામ થાય. નેહરુના આ કમનસીબ વારસાનો પડછાયો છેક ૧૯૮૦ના દાયકા સુધી લંબાયો જ્યારે મુંબઈની મ્યુનિસિપાલિટીએ શહેરમાં રસ્તા, ગટર, ફૂટપાથ કે રડ્યાખડ્યા ફ્લાયઓવર બનાવવા વર્લ્ડ બૅન્કની લોન મંજૂર થાય એની રાહ જોવી પડતી.

કૃષિ-સિંચાઈની અવગણના કરવાને લીધે આપણો દેશ ભૂખડી બારસોનો દેશ બની ગયો, માયકાંગલો બની ગયો. જપાન જેવા દેશો ખેતી અને શિક્ષણને પ્રાધાન્ય આપીને ઝડપભેર પગભર બની ગયા અને પગભર બનીને ભારે ઉદ્યોગોના ક્ષેત્રમાં વિકાસ કરી ગયા. નેહરુએ રશિયાની દેખાદેખી કરીને લોકોને આંજી નાખવા સીધી જ છલાંગ લગાવીને ભારે ઉદ્યોગો સ્થાપવાનું શરૂ કર્યું અને પાયાનાં બે ક્ષેત્રો-કૃષિ અને પાયાના શિક્ષણની ઘોર અવગણના કરી. નેહરુ ભૂલી ગયા કે રશિયા ભારે ઉદ્યોગો સ્થાપવાના ચક્કરમાં વારંવાર આવતા દુકાળથી પીડાતું રહ્યું હતું.

અન્નની કાયમી તંગી નેહરુ યુગનું એક ખૂબ મોટું લક્ષણ હતું. આવું જ બીજું એક પાસું એ જમાનાનું હતું - ખખડધજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર. તૂટ્યા ફૂટ્યા શેરી કક્ષાની ગલીઓ જેવા નેશનલ હાઈવેઝ, એના પર દોડતી ખડખડ પાંચમ જેવી એમ્બેસેડરો, ફિયાટ્સ અને ખટારા જેવા માલવાહક વાહનો. બીજા વિશ્ર્વયુદ્ધના જમાનાના લશ્કરી સરંજામવાળું સૈન્ય અને થ્રી નોટ થ્રી જેવી બાબા આદમના જમાનાની રાયફલોથી દેશની આંતરિક સુરક્ષા કરતી રાજ્યોની પુલિસફોર્સ. સંદેશવ્યવહારમાં સાધનોનાં ઠેકાણાં નહીં, વાહનવ્યવહારની સુવિધાના નામે મોટું મીંડું.

આ જ ગાળામાં દુનિયાના ટચુકડા દેશો પ્રગતિ કરીને આપણા કરતાં અનેકગણા આગળ નીકળી ગયા. ૧૯૪૭ થી ૧૯૬૪નો ગાળો ભારત માટે ઑપોર્ચ્યુનિટીઝની દૃષ્ટિએ સુવર્ણયુગ હતો પણ નેહરુ પોતાની ઈમેજને ચકચકિત રાખ્યા કરવામાં એટલા વ્યસ્ત હતા કે તેઓ દેશની આ દરેક સમસ્યાને સુલઝાવી શકે એવા વિચારોમાં ઓતપ્રોત થઈ શક્યા નહીં અને આ સમસ્યાઓના ઉકેલ માટે અધિકારી હોય એવા લોકોને પોતાની આસપાસ ભેગા કરી શક્યા નહીં. એને બદલે તેઓ સતત હજૂરિયાઓથી ઘેરાયેલા રહ્યા.

નેહરુના પગલે ચાલેલી કૉન્ગ્રેસી સરકારને પ્રતાપે છેક ૨૦૧૧માં પણ ભારતની ૩૩ ટકા પ્રજા ગરીબીની રેખા હેઠળ જીવી રહી હતી. વર્લ્ડ બૅન્કના આંકડા છે. રોજના સવા ડૉલર (અમેરિકી ડૉલર) કરતાં ઓછું કમાતો માણસ ગરીબીની રેખા હેઠળ જીવે છે એવું કહેવાય. ૬૯ ટકા ભારતીયો રોજના બે ડૉલર કરતાં ઓછું કમાય છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (આઈ.એમ.એફ.)ના આંકડા મુજબ માથાદીઠ આવકના આંકડામાં ૧૮૩ દેશોની યાદીમાં ભારતનો નંબર ૧૨૯મો આવે. શ્રીલંકા, મલેશિયા અને જમૈકા સુદ્ધાં આપણા કરતાં આગળ છે. સમાજવાદના ઓઠા હેઠળ નેહરુએ સામ્યવાદી નીતિઓ અપનાવી તેને બદલે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જતા મૂડીવાદને પ્રોત્સાહન આપ્યું હોત તો ભારત ૭૦ના નહીં તો છેવટે ૮૦ના દાયકામાં પગ મૂકતાં જ આજે છે એવું - ચીન અને અન્ય જાયન્ટ દેશોની બરોબરી કરતું થઈ ગયું હોત.

અંગ્રેજોના જમાનામાં સરકારી તંત્ર લોકોના શોષણ માટે હતું. લોકોના ખર્ચે અને જોખમે આ તંત્ર તથા તંત્ર ચલાવનારાઓ તગડાં બનતાં. નેહરુના આગમન પછી આ તંત્રમાં કોઈ સુધારો થયો નહીં. સરકારી નોકરો એટલા જ, બલકે વધુ, ઉદ્ધત, કામચોર, બેજવાબદાર અને સગાવાદીઓ બન્યા. મોદીએ ત્રણ જ વર્ષમાં સરકારી તંત્રના ટોચના લોકોનો અટિટ્યુડ બદલી નાખ્યો અને સૌને કામ કરતા કરી દીધા અને પંદર દિવસ પહેલાં એમણે દરેક મિનિસ્ટ્રીના સચિવોને પોતાની સાથેની હૉટલાઈન આપી દીધી જેથી સારાં કામમાં કોઈ પ્રધાન પણ આડે ન આવે.

નેહરુએ પ્રથમ દાયકાના શાસન દરમ્યાન દેશમાં થોડીક આઈઆઈટી અને આઈઆઈએમ સ્થાપી પણ પાયાના ભણતરની અવગણના કરી. પેલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ આટલા મોટા દેશમાં અપૂરતી હતી, પણ પોતે શિક્ષણ ક્ષેત્રે ઝડપી કદમ ઉઠાવી રહ્યા છે તેનો દેખાવ કરવા માટે પૂરતી હતી. નેહરુએ આ જ કર્યું. જાહેર ક્ષેત્રનાં એકમોથી લઈને કેટલાક ભારે ઉદ્યોગોની સ્થાપના દ્વારા પ્રજામાં એ જતાવવાની કોશિશ કરી કે પોતે કેટલા પ્રગતિશીલ છે, દીર્ઘદૃષ્ટા છે. પણ પાયાની સગવડોની ઘોર અવગણના કરી. હિંદી - સંસ્કૃતની ઉપેક્ષા અને અંગ્રેજી - ઉર્દૂને ઉત્તેજનવાળી નેહરુની શિક્ષણ નીતિએ ભારતને દાયકાઓ સૌથી અભણ રાખ્યું.

નેહરુએ ભારતના ઈતિહાસને મનમાન્યો મોડ આપીને લખ્યો જેનાં જ્વલંત ઉદાહરણો તમને નેહરુનાં પુસ્તકો ‘ગ્લિમ્પ્સીસ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં મળશે. ઈતિહાસની આવી જ ખોટી રજૂઆત નેહરુએ ભારતની શાળા - કૉલેજોમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોમાં થવા દીધી. સેક્યુલરિઝમને નામે એમણે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો પણ વિરોધ કર્યો હતો.

વિશ્ર્વનો ઈતિહાસ કહે છે કે આક્રમણખોરોએ જે દેશમાંથી લૂંટફાટ ચલાવી હોય તે લૂંટનો માલ એ દેશોને પાછો મેળવવાનો હક્ક છે. નાઝીઓએ યુરોપમાંથી જે જે માલ લૂંટીને જર્મની ભેગો કર્યો હતો તે સઘળો માલ યુરોપના દેશોએ બીજા વિશ્ર્વયુદ્ધ પછી જર્મની પાસેથી પાછો ઓકાવ્યો હતો. અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે એમણે દેશમાંથી કોહિનૂર સહિતની જે દુર્લભ અસ્ક્યામતો લૂંટી હતી તે પાછી માગવાની ફરજ તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની હતી. નેહરુએ આવું કરવાને બદલે માગણી કરનારાઓને શું જવાબ આપ્યો ખબર છે? નેહરુએ કહ્યું: ‘જે દેશ (ઈંગ્લેન્ડ) સાથે હવે આપણા સારા સંબંધ છે એની પાસેથી ભૂતકાળમાં આપણે આપેલી ભેટ-સોગાદો પાછી માગવાનું આપણને શોભે નહીં. (કોહિનૂર બ્રિટિશરોને ભેટ આપવામાં આવ્યો હતો એવું જુઠ્ઠાણું નેહરુએ સ્વીકારી લીધેલું). ઊલટાનું વિદેશી મ્યુઝિયમોમાં ભારતની કળાકૃતિઓ હોય તે સારું જ છે’!

************************************************
નેહરુ પોતે જ્યારે વડા પ્રધાન હતા ત્યારે, ૧૯૫૫માં, એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. આગલા વર્ષે ડૉ. રાધાકૃષ્ણન અને રાજાજીને ભારતરત્ન આપ્યા પછી એક વર્ષમાં નેહરુએ પોતાનું સન્માન કરી નાખ્યું. નેહરુપુત્રી ઇંદિરા ગાંધીએ પણ ૧૯૭૧માં પોતાની જાતને ભારતરત્ન અવૉર્ડથી નવાજી લીધી હતી. રાજીવ ગાંધીને એમના અવસાન બાદ - ૧૯૯૧માં ભારતરત્ન આપવામાં આવ્યો. કૉન્ગ્રેસ સરકારને તે વખતે બે આંખની શરમ નડી હશે કે શું પણ છેક ૧૯૯૧માં સરદાર વલ્લભભાઈ પટેલને મરણોત્તર ભારતરત્ન આપવામાં આવ્યો. નવાઈ છે કે સ્વર્ગસ્થ સંજય ગાંધીને કેમ કોઈએ ભારતરત્ન આપ્યો નહીં!

સરદાર પટેલ સાથેના નેહરુના સંબંધો વિશે ખૂબ લખાયું છે પણ એક માહિતી મારા માટે નવી નવાઈની હતી. ભયંકર શૉકિંગ હતી. કઈ માહિતી? આ.

એમ. કે. કે. નાયર નામના આઈ.એ.એસ. અધિકારીએ ‘વિથ નો ઈલ ફીલિંગ ટુ એનીબડી’ નામની સંસ્મરણકથામાં નોંધ્યું છે:

‘(મુંબઈમાં) સરદાર પટેલ ગુજરી ગયા છે એવી ખબર નેહરુને (દિલ્હીમાં) મળી કે તરત એમણે ગૃહ મંત્રાલયને બે નોંધ મોકલી. (સરદાર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હતા અને ગૃહ મંત્રી હતા). આ બંને નોંધ મંત્રાલયના સચિવ વી. પી. મેનનને મળી. એક નોંધમાં નેહરુએ લખ્યું હતું કે સરદાર જે સરકારી કૅડિલેક કાર વાપરતા હતા તે તાબડતોબ પીએમની ઑફિસે મોકલી આપવી. બીજી નોંધ વધારે આઘાતજનક હતી. નેહરુએ એમાં લખ્યું હતું કે સરકારના જે સચિવો સરદારની અંતિમયાત્રામાં ભાગ લેવા (મુંબઈ) જવા માગતા હોય તે સૌએ પોતાના ખર્ચે જવું.’

આ વાત કનૈયાલાલ મુનશીના આ લખાણ પરથી રિ-ક્ધફર્મ થાય છે. મુનશી તો ત્યાં સુધી લખે છે કે: ‘મુંબઈમાં સરદારનું મૃત્યુ થયું છે એવા સમાચાર આવ્યા પછી જવાહરલાલે એમના પ્રધાનમંડળના પ્રધાનોને તેમ જ તે પ્રધાનોના મંત્રાલય સાથે સંકળાયેલા સચિવોને અંતિમયાત્રામાં હાજરી આપવા માટે મુંબઈ જવાની મનાઈ ફરમાવી હતી. પ્રધાનોમાં હું (ક. મા. મુનશી) તે વખતે માથેરાન હતો. શ્રી એન. વી. ગાડગીલ, શ્રી સત્યનારાયણ સિન્હા અને શ્રી વી. પી. મેનને આ સૂચનાનું ઉલ્લંઘન કરીને અંતિમયાત્રામાં હાજરી આપી. જવાહરલાલે રાજેન્દ્ર પ્રસાદ (રાષ્ટ્રપતિ)ને પણ મુંબઈ જવાની મનાઈ ફરમાવી હતી જેને રાજેન્દ્ર પ્રસાદે ધ્યાનમાં નહોતી લીધી.

ગાંધીજીએ કૉન્ગ્રેસની પ્રાદેશિક સમિતિઓએ આપેલા મતની અવગણના કરીને સરદારને બદલે નેહરુને વડા પ્રધાનપદ સોંપ્યું (તે વખતે કૉન્ગ્રેસનું પ્રમુખપદ) તેની પાછળ સરદારની કથળતી તબિયત કારણભૂત હતી એવી વાયકા છે. આ વાયકાને વધુ બળ એટલા માટે મળ્યું કે આઝાદી મળ્યાના સવા ત્રણ વર્ષ બાદ (૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ) સરદારનું અવસાન થયું. સરદારને પેટની બીમારી હતી તે સાચી વાત. પણ આ કારણોસર એમને વડા પ્રધાન બનાવવામાં નહોતા આવ્યા એવી વાયકાનો કોઈ ઐતિહાસિક પુરાવો તો બાજુએ, સંદર્ભ પણ અવેલેબલ નથી. લાગે છે કે આ એક જાણીજોઈને ચલાવવામાં આવેલું માત્ર ગપ્પું છે. (આ બાબતે જો કોઈની પાસે નક્કર સંદર્ભ/પુરાવો હોય તો મને મોકલવા કૃપા કરશો. એની સચ્ચાઈ તપાસીને આપણે એની આધારભૂતતા નક્કી કરીશું). નેહરુના અવસાન પછી એમના નિવાસસ્થાનને નેહરુના સંગ્રહસ્થાન તરીકે જાળવવામાં આવે છે. સરદાર દિલ્હીમાં જ્યાં રહેતા હતા તે ઘરનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે. નેહરુએ સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં સરદારની તસવીર મૂકવા જેટલું સૌજન્ય પણ દાખવ્યું નહોતું. ૧૯૫૪માં ગ્વાલિયરના મહારાજા જીવાજી રાવ સિંધિયાએ સરદાર પટેલનું તૈલચિત્ર ભેટ આપીને સેન્ટ્રલ હૉલમાં મુકાવ્યું.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું ૧૯૬૩માં બિહારમાં અવસાન થયું અને પટનામાં એમની અંતિમક્રિયા હતી ત્યારે વડા પ્રધાન નેહરુએ પોતાના દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ફ્યુનરલમાં હાજરી નહોતી આપી, એવું કહીને કે, ‘અત્યારે હું ગુજરાતમાં ઈલેક્શન કેમ્પેન ફંડ ઉઘરાવવામાં વ્યસ્ત છું!’ એટલું ઓછું હોય એમ નેહરુએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે તમારે પણ ત્યાં જવાની જરૂર હોય.’ જેના જવાબમાં ડૉ. રાધાકૃષ્ણને નેહરુને સંભળાવી દીધું હતું કે:

‘ના, મારે તો ફ્યુનરલમાં જવું જ જોઈએ. એટલો આદર તો એમને આપવો જ ઘટે. મને લાગે છે કે તમારે પણ તમારો પ્રવાસ ટૂંકાવીને મારી સાથે પટના ચાલવું જોઈએ.’

નેહરુએ અપાર બ્લન્ડર્સ કરી. એમના જમાનામાં આજના જેવું મીડિયા હોત તો આજે આપણે નેહરુને મહાન નેતા ન ગણતા હોત. આ એક વાત થઈ. બીજી વાત એ થઈ કે તે વખતના જેવું જ મીડિયા આજે પણ હોત તો રાહુલ ગાંધીને આપણે સૌ ‘આધુનિક યુગના નેહરુચાચા’ ગણીને પૂજતા હોત. શું આનો અર્થ એ થયો કે નેહરુ એમના જમાનાના રાહુલબાબા હતા? વેલ, મેં તો માત્ર પ્રશ્ર્નાર્થ મૂક્યો છે. જવાબ તમારે આપવાનો છે.

************************

No comments:

Post a Comment