Sunday, June 25, 2017

આ જગતને કોણ નિયંત્રિત કરી રહ્યું છે, અને તેનો સૃષ્ટા કોણ છે? - મહેન્દ્ર પુનાતર


જિનદર્શન - મહેન્દ્ર પુનાતર


આ સમગ્ર જગત કેમ ચાલે છે? તેની પાછળનું બળ ક્યું છે? કોણ તેને નિયંત્રિત કરી રહ્યું છે? આ વિશ્ર્વ, આ બ્રહ્માંડ શું છે? આ ગહન પ્રશ્ર્નોની મનુષ્યની ખોજ સદાકાળથી ચાલી આવી છે. આમ છતાં સૃષ્ટિના રહસ્યોને મનુષ્ય ખરા અર્થમાં સમજી શક્યો નથી. જૈન દર્શને આ અંગેનો વિસ્તૃત ખ્યાલ આપ્યો છે. આ જગત છ મૂળ દ્રવ્યો પર રચાયેલું છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવ એ છ દ્રવ્યો છે. કે વળી ભગવંતોએ હવે આ બધાને ‘લોક’ નામ આપ્યું છે.

જગતમાં જે મૂળ દ્રવ્યો છે એ સદાકાળથી છે તેને કોઇએ બનાવ્યા નથી અને તેને કોઇ મિટાવી શકશે નહીં. આ દ્રવ્યો રૂપાંતરિત થાય છે.

એ બને છે, બગડે છે. પરંતુ બનવું બગડવું તેના રૂપનું છે. મૂળ તત્ત્વ બનતુ પણ નથી અને બગડતું પણ નથી. આ છ દ્રવ્યો સદાકાળથી છે અને સદાકાળ રહેશે. અને બીજું વચમાં જે કાંઇ દેખાય છે તે આ છ મૂળ દ્રવ્યોનું પરસ્પર એક થવું અથવા જુદા થવું એ છે. સમગ્ર સંસાર સંયોગ છે અને આ છ દ્રવ્યો મૂળ છે. અનંત આત્માઓ છે અને આત્મા પરમાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે. આત્માની ત્રણ અવસ્થા છે.

એક બહિર આત્મા જ્યારે ચેતના બહાર તરફ વહે છે. બીજી અવસ્થા છે અંતરાત્મા જ્યારે ચેતના ભીતરની તરફ વહે છે. વાસના અને વિચારો બહારની તરફ વહે છે. જ્યારે આત્માની નિમ્રતમ અવસ્થા ધ્યાનમાં અને મૌનમાં છે જે અંદરની તરફ વહે છે. આત્માની ત્રીજી અવસ્થા છે જેમાં ચેતના ક્યાંય પણ વહેતી નથી. ન તો બહાર કે ન તો અંદર. ચેતના હોય છે પરંતુ ગતિ કે કંપન રહેતું નથી. આ સમાધિ અવસ્થા છે. સ્થિરતામાં સંપૂર્ણ જાગૃતિ. આ ત્રીજી અવસ્થામાં આત્મા પરમાત્મા બની શકે છે. બહિર આત્મામાંથી અંતરાત્મા અને અંતરાત્મામાંથી પરમાત્મા બનવાનું હોય છે. અનંત આત્માઓ છે. કોઇ એક આત્મા બીજામાં લીન થઇ શકતો નથી. દરેકનું સ્વતંત્ર દ્રવ્ય અસ્તિત્વ છે.

ધર્મ દ્રવ્યનું લક્ષણ છે ગતિ. જેમાં ગતિ હોય છે તે ધર્મ. જેમાં ગતિ અટકે છે તે અધર્મ. જેમાં વિકાસ થાય છે તે ધર્મ અને જેનાથી અભિવ્યક્તિ પૂર્ણ કક્ષાએ પહોંચે છે તે ધર્મ. જેનાથી વિકાસ અને પ્રગતિ અટકી જાય છે તે અધર્મ. અધર્મ સ્થિતિને રોકી દે છે.

જ્યારે ધર્મ ગતિના તત્ત્વને આગળ વધારે છે. બંને વસ્તુઓ આપણા પર આધાર રાખે છે. આપણે અધર્મ સાથે જોડાઇ જઇએ તો ગતિ અટકે છે. ધર્મની સાથે જોડાઇએ તો આગળ વધવાનું શરૂ થાય છે. આ આધ્યાત્મિક યાત્રા છે. માછલીમાં તરવાની ક્ષમતા હોય છે પરંતુ પાણીનો સહારો ન હોય તો તે તરી શકતી નથી. આપણી ક્ષમતા છે પરમાત્મા બનવાની પરંતુ ધર્મનો સહારો હશે તો આપણે તરી શકીશું અને અધર્મનો સહારો હશે તો ડૂબતા પણ વાર નહીં લાગે. જીવનની અમૃતયાત્રામાં જ્યાં જ્યાં રોકવાવાળા તત્ત્વો છે તેની સાથેની સાઠગાંઠ અધર્મ છે. આપણે કિનારા પર ખૂંટીઓ સાથે બંધાયેલી હોડીઓની જેમ જકડાયેલા છીએ. વાસનાની ખૂંટીઓ અને રાગદ્વેષના ખીલાઓએ આપણને બાંધી રાખ્યા છે. આ ખીલાઓ દૂર થાય તો હોડી આગળ વધી શકે. ધર્મ ખોલે છે, મુક્ત કરે છે. બંધનોને કાપે છે.

મહાવીર પ્રભુ રાજમહેલ છોડીને ચાલી નીકળે છે તો એમ નથી માનવાનું કે રાજમહેલમાં કોઇ ખરાબી હતી કે ધન વૈભવમાં કોઇ બુરાઇ હતી, પરંતુ મહાવીર ભગવાને જોયું કે આ ખીલાઓ છે અને જ્યાં સુધી હું ખીલે બંધાયેલો રહીશ ત્યાં સુધી ધર્મના તત્ત્વો સાથે મારો સંબંધ નહીં બંધાય અને ગતિ થઇ શકશે નહીં. મહાવીર ધનને છોડતા નથી પરંતુ ધનને પોતાનાથી છોડાવે છે. ધન છોડવું સહેલું છે પરંતુ ધનથી પોતાને છોડાવવાનું બહુ દુષ્કર છે. ધનને છોડીને ભાગી શકાય છે અને બીજું ધન પકડી લેવાય છે. જેને પણ પકડી લઇએ એ ધન બની જાય છે, કિંમતી ચીજ બની જાય છે. પછી એ રાજમહેલ હોય કે નાની એવી ઝૂંપડી હોય. નાની એવી વસ્તુ પણ માણસને બાંધી રાખે છે. જ્યાં જ્યાં ભવિષ્યની સુરક્ષા અને આશ્ર્વાસન છે ત્યાં તે વસ્તુ ધન બની જાય છે. અગર ભવિષ્ય નથી તો ધનનું કોઇ મૂલ્ય નથી.

ધર્મ, અધર્મ પછી ત્રીજું મૂળ દ્રવ્ય છે આકાશ. બધા પદાર્થોને અવકાશ દેવાનું આકાશનું લક્ષણ છે. આકાશ એટલે અવકાશ દેવાની ક્ષમતા. આકાશ તમામ પદાર્થોને જગ્યા આપે છે. જેને જે તરફ ગતિ કરવી હોય તે કરી શકે છે. જે બનવું હોય તે બની શકે છે. આકાશ કોઇને રોકતું નથી કે કોઇને ધક્કો મારતું નથી. જો કોઇ પદાર્થ ગતિ કરવા માગે તો આકાશ તેને માર્ગ આપે છે. દરેક પદાર્થ સ્વતંત્ર છે. નિરપેક્ષ અસ્તિત્વ છે ચારે બાજુ. આપણે જે કાંઇ કરી રહ્યા છીએ તેને માટે આપણા સિવાય બીજું કોઇ જવાબદાર નથી. આપણને કોઇ રોકતું નથી, કોઇ ટોકતું નથી.

ચોથું દ્રવ્ય છે કાળ-સમય. સમય વહેતો રહે છે. દરેક પદાર્થ સમયાનુસાર પરિવર્તન પામે છે. નવી વસ્તુ જૂની થાય છે. બચપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ. આ બધું કાળનું પરિણામ છે. જગતની પ્રવૃત્તિ-નિવૃત્તિમાં જે પાંચ કારણ આપવામાં આવ્યા છે તેમાં કાળ પણ એક કારણ છે. કાળ, સ્વભાવ, નિયતિ, પુરૂષાર્થ અને કર્મ. આ પાંચ કારણોથી કાર્યની ઉત્પત્તિ થાય છે. સમય પણ અવકાશ આપે છે. સમય આપણી પર જોર લગાવતો નથી. સમય પણ તટસ્થ છે તે સારો કે ખરાબ હોતો નથી. આપણે આપણી અનુકૂળતા મુજબ તેને સારો ખરાબ ગણાવીએ છીએ. સમય એ પરિવર્તન છે. તે આપણને સુવિધા આપે છે. આપણે તેનો કેવો ઉપયોગ કરીએ છીએ તે આપણા પર આધારિત છે એમાં સમયનો કોઇ દોષ નથી.

સંસારના સંપૂર્ણ પદાર્થો બે વિભાગમાં વિભક્ત થઇ શકે છે. એક ચેતન અને બીજું જડ. તેના નવ ભેદ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ આને નવ તત્ત્વ કહેવામાં આવે છે. આમાં સૌથી પ્રથમ જીવ છે. જીવાત્મા એટલે ચેતના, અનુભવ એ જીવનું લક્ષણ છે. જીવાત્મા, જ્ઞાન, દર્શન, સુખ અને દુ:ખથી ઓળખાય છે. છ દ્રવ્યોમાં અંતિમ તત્ત્વ છે જીવાત્મા.

આકાશનું લક્ષણ છે અવકાશ. કાળનું લક્ષણ છે સમય, ધર્મનું લક્ષણ છે ગતિ, અધર્મનું લક્ષણ છે અગતિ. તેવી જ રીતે જીવનું લક્ષણ છે અનુભવ. જેમ જેમ અનુભવની ક્ષમતા પ્રગાઢ થવા લાગે છે તેમ તેમ મનુષ્ય આત્મા બનવા લાગે છે જેટલી અનુભવની ક્ષમતા ઓછી હોય છે એટલો મનુષ્ય આત્માથી દૂર અને પદાર્થથી નજીક હોય છે. અંતિમ અને શુદ્ધ અનુભવ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે કશું જાણવાનું બાકી રહેતું નથી. ચેતનાનું લક્ષણ છે અનુભવ. સૂરજ ઊગે છે, પુષ્પો ખીલે છે, ઝરણાઓ ખળખળ વહે છે અને જ્યાં જ્યાં ચેતન્યનો ધબકાર છે તેની સંવેદના મનુષ્ય અનુભવે છે. જડ પદાર્થો પર તેની કોઇ અસર થતી નથી. સુખ દુ:ખ, જ્ઞાન બોધ એ જીવના લક્ષણો છે.

આ છ મૂળ્ય દ્રવ્યો પર વિશ્ર્વ રચાયેલું છે તે અનાદિકાળથી છે. તેનો કોઇ સૃષ્ટા નથી તે અસૃષ્ટ છે તેને કોઇએ બનાવ્યું નથી અને તેને કોઇ મિટાવી શકશે નહીં.

No comments:

Post a Comment