Tuesday, November 1, 2016

એક ‘ભગવાન’ની કોઇ ‘લક્ષ્મી’ સાથેની લવસ્ટોરી!



અંદાઝે બયાં - સંજય છેલ

દિવાળી હમણાં જ ગઇ છે અને લક્ષ્મીપૂજા પણ થઇ ગઇ તો એક અલગ જ લક્ષ્મીની વાત કરીએ. દેસી પત્રકારો-લેખકોએ જેમને ‘સેક્સ-ભૂખ્યા ભગવાન’ તરીકે વખોડે છે એ ઓશો કે ભગવાન રજનીશને એમનાં છેલ્લા દિવસોમાં મારે જોવાનું-સાંભળવાનું બનેલું. જુહૂમાં બચ્ચનનાં જૂના બંગલા નજીક, પાર્ક સામે ‘સુમિલા’ બંગલામાં અમેરિકા અને દુનિયા આખીમાં રખડીને થાકી હારીને રજનીશ પાછા આવેલાં.- (વ્યંગ્યલેખક શરદ જોષીએ લખેલું: ‘લૌટ કે ભગવન ભારત આયે’) ત્યારે રજનીશ ખૂબ બીમાર લાગતાં હતાં, હાથ કાંપતાં હતાં. ધીમે ધીમે ઊડતાં હંસની જેમ સૌ પર દૃષ્ટિ ફેંકી રહ્યાં હતાં. ચુંબક જેવી આંખો અને ચાબુક જેવી ઝૂબાન આજે ય યાદ છે! પણ આજે એ ભગવાન રજનીશની એક ઓછી જાણીતી લવસ્ટોરી યાદ આવે છે-

૧૯૫૨માં સાગર યુનિવર્સિટીમાં વાદવિવાદ સ્પર્ધા યોજાયેલી ત્યારે રજનીશ મોહન જૈન નામનો છોકરો, જબલપુરની હિતકારીણી સીટી કૉલેજ તરફથી જાડો કૂર્તો, ઢીલી ધોતી પહેરીને આવેલો. ‘ઇન્સાન આજ ખો ગયા હૈ!’, ‘હમારે ભીતરકી લાલટેન બુઝગઇ હૈ!’ જેવી પંચ લાઇનોવાળું આદર્શઘેલું તીખું પ્રવચન નાકમાંથી બોલેલો. એનું અંગ્રેજી ખૂબ દેશી, ‘શેકસપીઅર’ને ‘સેક્સપીયર’ બોલે અને બધાં હસી પડતાં. બોલતી વખતે આંખો બંધ કરીને ગહન ધ્યાનમાં ઊતરીને શૂન્યને સંબોધન કરતો હોય એમ રજનીશે લાજવાબ ભાષણ આપીને પહેલું ઇનામ જીતેલું, પણ બીજા સ્ટુડંટ્સ મહિનાઓ સુધી રજનીશની ‘ઇજ’, ‘વાજ’, ‘બિકાજ’ બોલવાની દેસી સ્ટાઇલ પર મજાક કરતાં, પણ જ્યારે રજનીશને પ્રથમ ઇનામ મળ્યું તો અમુક સ્ટુડંટો પ્રો. રાયસાહેબને ત્યાં એનો વિરોધ કરવા પહોંચી ગયાં, પણ રજનીશ તો ત્યાં પહેલેથી હાજર હતો! પ્રો.રાયસાહેબ આગળ રજનીશે દાવો કર્યો કે એણે પ્લેટોથી લઇને બટ્રાઁડ રસેલ સુધી બધા જ ફિલોસોફરો વાંચ્યાં છે! રાયસાહેબે, ચેક કરવા માટે પ્લેટો, એરીસ્ટોટલ, કનફયુશિયસ, શંકર અને રસેલ વીશે રજનીશને અઘરાં સવાલો પૂછયાં. રજનીશે સચોટ જવાબો તો આપ્યાં, પણ ઉપરથી પ્રો. રાયસાહેબને વડીલની જેમ સલાહ પણ આપી કે બટ્રાઁડ રસેલની નવી કિતાબ ‘ઓન હેપીનેસ’ એમણે વાંચવી જોઇએ! આ બધું જોઇને રજનીશનો વિરોધ કરવા ગયેલાંઓ ચૂપચાપ હારીને પાછાં જતાં રહ્યાં! રજનીશનો આ પ્રથમ વિજય હતો!

રજનીશ પછી જબલપુર જતાં રહ્યાં પણ દર વર્ષે વાદ-વિવાદમાં પહેલો નંબર જીતવાનો ક્રમ ચાલુ હતો. હવે એણે અલગ જ ડ્રેસ બનાવ્યો, લાકડીની ચપ્પલ પહેરતાં. દાઢી વધારી. બુંદેલખંડનાં નીર્જિવ  ‘ગાડરવાડા’ ગામનો એ છોકરો, અલગ ઇમેજ, અલગ કપડાં, ચોંકાવનારાં વાકયો, એમાં વેધક રમૂજોથી ઓળખાતો અને ભાષણમાં વેપારીઓનાં હિસાબ જેવી તર્કબદ્ધ રજૂઆત એ કરતો. દસ ભાઇ-બહેનોનાં પરિવારમાં જન્મેલ રજનીશ, નાનાનાનીને ત્યાં કૂચવાડા ગામમાં ઉછરીને બગડી ગયેલો. એને બીજાંની ઊડતી પતંગ કાપીને પકડવામાં મજા આવતી. એ કટી પતંગોને સાચવી રાખતો. બીજાની ઊડતી પતંગ કાપવામાં એકસપર્ટ રજનીશે આખી જિંદગી ધર્મ-સમાજ-કાનૂનની ઊડતી પતંગો કાપેલી. બાળ રજનીશનાં પરાક્રમની ફરિયાદ એની નાની પાસે આવતી તો નાની કહેતી, ‘વો થોડા ઐબી હૈ. મા-બાપ ગાડરવાડા મેં દૂર હૈ તો થોડે ઐબ આ ગયે હૈં!’ રજનીશમાં અનેક એબ કે દૂષણો હતાં પણ સૌથી મોટો એબ હતો: ગમે તેવા પાવરફૂલ પર ‘આક્રમણ’ કરવાની હિમ્મત! ગાંધીજી હોય કે હિન્દુ ધર્મ હોય કે જૈન શાસ્ત્રો હોય, રજનીશે એનાં એબ મુજબ સતત આક્રમણ કરેલું.

રજનીશનાં નાના એકવાર ભયંકર બીમાર પડયાં. કૂચવાડા ગામમાં સારી હૉસ્પિટલ જેવું નહીં એટલે ગાડરવાડા જવા માટે નાનીએ ગાડું કાઢયું. વૃદ્ધ નાનાનું માથું બાળક રજનીશનાં ખોળામાં. જંગલ-પર્વતને વીંધીને કાળી રાત્રે સફર શરૂ થઇ ત્યારે બાળ રજનીશ ‘વોર્ગે’ નામનાં તિબેટિયન મંત્રો બોલીને પ્રાર્થના કરતો હતો. એ મંત્રોનો અર્થ તો નહોતો ખબર પણ એટલી ખબર હતી કે દલાઇ લામાઓનાં અંતિમ સમયે ‘વોર્ગે’ વાંચવામાં આવે છે. ‘વોર્ગે’ મંત્રો, બાળ રજનીશે ફકત કોઇનાં મોઢે સાંભળેલા પણ ફોટોગ્રાફીક યાદશક્તિને લીધે એને મોઢે હતાં! પણ રસ્તામાં અધવચ્ચે નાનાનું મૃત્યુ થઇ ગયું. ત્યારે રજનીશે રડતી નાનીને કહ્યું, ‘નાના ગયા તો શું છે. પાછા કૂચવાડા જવાનો અર્થ નથી, ગાડરવાડા જ ચાલો.એક યાત્રા શરૂ કરી છે તો પૂરી કરવી જોઇએ!’

રજનીશનાં સ્ટારડમમાં ‘ગાડરવાડા’ શબ્દનું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ યોગદાન છે. ‘ગાડર’ એટલે કે ઘેટાંબકરાં. એક જમાનામાં ગાડરવાડામાં ઘેટાંબકરાં ચરાવવાનો ધંધો થતો. ‘ગાડર’ એ ‘ગાડ્ડલિકા’ નામનાં સંસ્કૃત શબ્દની નીપજ છે.ગાડ્ડલિકા પ્રવાહ એટલે એક જ ટોળાંમાં ચાલતો ઘેંટાનો પ્રવાહ. ઘેંટાબકરા એક ગ્રુપમાં સાથે ચાલે એવું એને નાનીએ સમજાવેલું અને ત્યારે જ રજનીશને બત્તી થઇ કે ઘેટાંની જેમ માણસોને પણ ગ્રુપમાં હાંકી શકાય તો? આખરે ધર્મ પણ શું છે? ઇશુને તો ‘શેફર્ડ’ કહેવાય જ છે ને? પ્રભુ ગોવાળ અને ભક્તો એનાં ઘેટાં. તો બાળ રજનીશને મનમાં કલ્પનાઓ સૂઝી કે હું ગોવાળ બનું ને મારાં ઘેટાંઓ હોય તો? બાળક રજનીશે પોતાનાં નવાં સંપ્રદાયની ફેન્ટસી શું ‘ગાડરવાડા’ નામ વિશે વિચારીને કરવી શરૂ કરી હશે?

૧૩-૧૪ વર્ષે રજનીશ દાદાની કપડાંની દુકાનમાં બેસતાં. કપડું માપવાની એક ‘ગજ’ માપવાની વિશિષ્ટ સ્ટાઇલ દાદાએ શીખવી જેથી કરીને થોડું કપડું બચાવીને પ્રોફિટ થાય! નાકમાંથી બોલનારો રજનીશ, લાંબાવાળ અને મોટી ચમકદાર આંખો વડે જાતજાતની વાતો કરીને ઘરાકોમાં પોપ્યુલર થવા માંડયો. ‘ભૈયા..કાકી..કક્કા..ફૂઆજી, બિન્ના..’ એવાં સંબોધનોથી હજબની સેલ્સમેનશીપ કરતો. છોકરીઓની ઓઢણી, પોલકાંનાં કપડાં પોતાનાં અંગ પર લગાડીને હસાવતો! મોટી આંખો, લાંબા વાળ,ગળામાં માળા અને સ્ત્રૈણ આવાજને લીધે ઘણા એને છોકરી માની બેસતાં. એક સાંજે નદીપારથી એક ખેડૂત આવ્યો અને એણે ઉતાવળમાં રજનીશને કહ્યું, ‘બિન્ના (બહેન) એક ગમછા દિયો તો..’ રજનીશ ભડકયો, ‘હમ બિન્ના નોય!’ ખેડૂતે કહ્યું, ‘તો સાલે મોંડિયો ઘાંઇ ઝૂથરાં કાંય બઢાયે હો? (તો છોકરીઓ જેવા લાંબા લટિયાં શુ કામ વધાર્યાં છે!) બસ રજનીશનું મન ખાટું થઇ ગયું ઘરે જઇને ‘અથૌ’ કરવાની ઇચ્છા મરી ગઇ. (‘અથૌ’ એટલે ત્યાંનાં જૈનોમાં સૂર્યાસ્ત પહેલાનું જમણ) એ સીધો હજામને ત્યાં ગયો અને કહ્યું, ‘હમેં જે ઝૂથરે કટવાને હૈ!’ હજામે, કાતર ઉઠાવી. રજનીશે કહ્યું, ‘નહીં. ઉસ્તરા સે બાલ મુંડવાને હૈં!’ હજામે પૂછ્યુંક્યું, ‘ઉસ્તરાસે બાલ મુંડવાઓગે? કોઇ મર ગયા?’ રજનીશે કહ્યું, ‘હાં, આજ મૈં મર ગયા સમઝ!’ રજનીશ, વાળ ઉતરાવીને પોટલીમાં બાંધીને ઘરે લઇ ગયો અને નાનીને કહ્યું, ‘હમ અબ બિન્ના નાહી. દેખનાં નાની, દુનિયાકી સબ બિન્ના હમારે પીછે આયેગી એક દિન!’ અને મોટા થઇને રજનીશે, ભગવાન કે ઓશો બનીને કેટકેટલી બિન્ના ઉર્ફ કન્યાઓને કેવી ઘેલી કરેલી એનો ઇતિહાસ એમની રાસલીલાઓથી છલકાય છે!

રજનીશનાં બાળપણનાં ગવાહો કહે છે કે એનાં જીવનમાં પહેલી બિન્ના (છોકરી) હતી: લક્ષ્મી, એની પાડોશી. રજનીશે લક્ષ્મીને પોતાની વાતોથી જીતી લીધેલી. ગાડરવાડા જેવા ગામમાં રહીને પણ રજનીશ, તમામ પુસ્તકો પર તૂટી પડેલો. એને સંસારનું સત્ય જાણવું હતું અને આખા સંસાર પર રાજ કરવું હતું. ગાડરવાડા છોડીને દુનિયા જિતવી હતી પણ લક્ષ્મી પરનો પ્રેમ એને રોકી રાખતો હતો. રજનીશ, દિનરાત લક્ષ્મી સાથે ખૂબ વાતો કરતો, જ્ઞાન ઠાલવતો, નવાં નવાં ખેલ કરતો. હા, દરેક પ્રકારનાં ખેલ! યુવાન રજનીશ, લક્ષ્મીની સાથે જિંદગી વિતાવવાનાં સપનાં જોઇ રહ્યો હતો પણ લક્ષ્મી અચાનક જ ટાઇફોઇડથી મરી ગઇ! રજનીશ માટે આખું ગાડરવાડા ગામ, રાતોરાત વિરાન થઇ ગયું! ના વાંચવામાં મન લાગે, ના ભણવામાં. મેટ્રિકની પરીક્ષામાં પણ રસ નહીં.

પછી રજનીશ, જબલપુર તો આવ્યો પણ મનમાં ‘લક્ષ્મી’ જ લક્ષ્મી. આ તરફ લક્ષ્મીનાં મા-બાપ પણ જુવાન દીકરીનાં મોતથી ગાડરવાડામાં દુ:ખી હતાં! એ લક્ષ્મીનાં મા-બાપને આશ્વાસ આપવા જતો. અવતાર પુરુષની જેમ દાવો કરતો કે, ‘શોક ના કરો.. હું તમને લક્ષ્મી સાથે ફરી મળાવીશ. લક્ષ્મી મારી સાથે જ છે!’ જુવાન દીકરી ગુમાવેલા લક્ષ્મીનાં માબાપને સાંત્વના આપવા રજનીશ પુરાણ, ઉપનીષદ્, ગીતા, પુનર્જન્મવિશે રસાળ શૈલીમાં પ્રવચન આપતો અને લક્ષ્મીનાં મા-બાપ રજનીશના ભક્ત બની ગયાં. રજનીશની પ્રેમિકા લક્ષ્મીનાં મા-બાપ જ એના પહેલાં અનુયાયી. ‘લક્ષ્મી’ નામનો પ્રથમ પ્રેમ જ રજનીશનાં જીવનનું, વિચારોનું, સાધનાંનું કેન્દ્રબિંદુ બની ગયું અને એટલે જ ભગવાન બન્યા બાદ રજનીશે શિષ્યાઓને સંન્યાસ આપતી વખતે જે નવાં નામ આપ્યાં એમાં ‘લક્ષ્મી’ શબ્દ જોડતાં ગયાં...મા યોગ લક્ષ્મી, મા વિજય લક્ષ્મી, મા વિરાગ લક્ષ્મી, મા સજીવ લક્ષ્મી! જો જુવાનીમાં રજનીશને પેલી લક્ષ્મી મળી ગઇ હોત તો એણે કયારેય ‘ભગવાન’ ના બનવું પડત! લક્ષ્મીના અભાવે જ એક ‘ભગવાન’ને જન્મ આપ્યો. અહીં ‘લક્ષ્મી’ને દરેક અર્થમાં જોઇ શકાય, કારણકે રજનીશથી વધુ લક્ષ્મી-સંપન્ન ગુરુ કે સંત બીજું કોણ હતું? આમ ‘ભગવાન’ રજનીશ સદાય  ‘લક્ષ્મી’થી ઘેરાયેલાં જ રહ્યાં!

No comments:

Post a Comment