Saturday, August 27, 2016

સંતો-સ્વામીઓ -ગુરુઓ - ચંદ્રકાંત બક્ષી

તમારા ફૅમિલી-સ્વામી પસંદ કરો

અમેરિકામાં ફૅમિલી સાઈકિયાટ્રિસ્ટ અથવા માનવશાસ્ત્રી હોય છે એમ ભારતમાં ફૅમિલી સ્વામીઓ આવી ગયા છે. મોટા શામિયાના બંધાય છે, લાખો રૂપિયા ખર્ચાય છે, બહાર સેંકડો ગાડીઓ ઊભી રહે છે, મેળા જેવું વાતાવરણ જામે છે


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


એક જમાનો હતો જ્યારે ગાંધીજી છેલ્લા મહાત્મા હતા! પછી દેશ સમૃદ્ધ થયો. કાળું નાણું વધ્યું, હિંસા ફૅશનેબલ બની અને હિંદુસ્તાનમાં ‘ગૉડમેન’ વધ્યા. ગૉડમેન શબ્દ કદાચ ખુશવંતસિંહે આપ્યો છે. ગૉડમેન એટલે મહાત્મા. મહાઋષિ, ભગવાન, મહારાજ, સ્વામી, બાપુ, યોગી અથવા એવા માણસો જેમને સાંભળવા ભક્તજનો, ભાવકો, ચાહકો, શ્રોતાઓ (અને દર્શકો પણ) લાખોની સંખ્યામાં જમા થઈ જાય, ભાવવિભોર થઈને સાંભળે! હવે આધુનિક અને ધનિક પરિવારોની સુખી શેઠાણીઓને ફૅમિલી ડૉક્ટર અને હેર ડ્રેસરની જેમ ફૅમિલી સ્વામીઓ હોય છે, અમેરિકામાં ફૅમિલી સાઈકિયાટ્રિસ્ટ અથવા માનવશાસ્ત્રી હોય છે એમ ભારતમાં ફૅમિલી સ્વામીઓ આવી ગયા છે. મોટા શામિયાના બંધાય છે, લાખો રૂપિયા ખર્ચાય છે, બહાર સેંકડો ગાડીઓ ઊભી રહે છે, મેળા જેવું વાતાવરણ જામે છે. ગીતા, રામાયણ, ઉપનિષદ, બ્રહ્મ, આત્મા, સકામ અને નિષ્કામ કર્મની વાતો થાય છે! મહાત્મા મોહનદાસ ગાંધી પ્રાર્થનાસભાઓ કરતા હતા. આજના મહાત્માઓ મોટી સભાઓ ભરે છે, સમાજ કલ્યાણની નહીં પણ આત્માના કલ્યાણની વાતો કરે છે. સ્વામી-સાધુઓનાં વ્યાખ્યાનોનાં પુસ્તકો છપાય છે, ઈન્ટર્વ્યૂ આવે છે, એમના જ અવાજમાં એમની કૅસેટો વેચાય છે. ધર્મની વાતો વધારેમાં વધારે ફેલાય એ માટે વિજ્ઞાનનો ભરપૂર સહારો લેવામાં આવે છે. મેક-અપ કરીને આ સંતો ટી.વી. પર પણ નિયમિત દેખા દે છે! ધેર્સ નો બિઝનેસ લાઈક ગૉડમેન્સ બિઝનેસ!

આ ગૉડમેનને ગુજરાતીમાં શું કહીશું? ભગવાનદાસ? કે ધર્મવીર?

મને ધાર્મિક વ્યાખ્યાનો કે પ્રવચનોમાં બહુ આસ્થા નથી પણ આ ભગવાનદાસો કે ધર્મવીરો કે ગૉડમેનમાં બહુ રસ છે, અને વર્ષોથી એમને સાંભળતો રહ્યો છું. લોકપ્રિયતામાં એ ફિલ્મ-સ્ટારો અને રમતવીરોથી જરાક જ પાછળ છે! રાજનેતાઓને આપણે લોકપ્રિયતામાં ગણતા નથી. કારણ કે એમની સુલતાની અને મુફલિસી થોડા જ દિવસોની હોય છે. ધર્મવીરોને પ્રજા પગથી વોટ આપે છે, કાનથી વિશ્ર્વાસ કરે છે. એ શબ્દના અને અવાજના જાદુગરો છે. એમની આંખોમાં મેસ્મેરિઝમ હોય છે, એમના ભક્તો અને ભાવકો માટે એ દેવતાસ્વરૂપ છે.

જે. કૃષ્ણમૂર્તિને વર્ષો પૂર્વે જવાનીમાં સાંભળ્યા હતા. એમના અવાજમાં માધુર્ય હતું. આજે કૃષ્ણમૂર્તિ થાકી ગયા છે પણ જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સના પટાંગણમાં દરેક શિયાળે એમનાં પ્રવચનો ગોઠવાય છે. એમની બોલવાની રીત સંવાદની છે. મદારી બીન વગાડતો અટકી જાય અને સર્પ હાલી જાય એમ એ વાત કરતાં કરતાં હલાવી નાખે છે. એમની ભાષા ઉચ્ચસ્તરીય છે, એ એક શિક્ષિત વર્ગ માટે છે અને એમનાં પ્રવચનો અંગ્રેજીમાં હોય છે એ અત્યંત ખૂબસૂરત હતા. આજે પણ ખૂબસૂરત લાગે છે. શ્રીમતી ઍની બેસન્ટે બે ભારતીયોને પોતાના પુત્રો ગણ્યા હતા - એક જે. કૃષ્ણમૂર્તિ, અને બીજા કૃષ્ણમેનન! બંને વિશ્ર્વવિખ્યાત બની ગયા.

ચિણ્મયાનંદને સાંભળ્યા ત્યારે એ એટલા મશહૂર ન હતા. એક સિનેમા થિયેટરમાં એ વચ્ચેના માર્ગથી પ્રવેશ્યા, જેવી રીતે મલ્લ-કુસ્તીઓમાં મલ્લો પ્રવેશે છે એમ! સ્ટેજ પર ગયા અને વચ્ચે બેસી ગયા. એમણે એક રંગીન ઉપવસ્ત્ર લપેટેલું હતું, પાછળ બે બ્લૅક બોર્ડ હતા. એ દક્ષિણ ભારતીય લઢણવાળું અંગ્રેજી બોલતા હતા. નાટકીય રીતે બંને બોર્ડો પર લખેલી માહિતી એક લાંબી લાકડીથી બતાવતા ગયા અને બોલતા ગયા. પ્રવચનની મધ્યમાં નાટકીય રીતે એમનું ઉપવસ્ત્ર નીકળી પડ્યું, અને એમનો લાંબો દેહ ચમકતો રહ્યો કદાચ આ બધું જ એમની નાટકીય શૈલીનો ભાગ હશે.

કોલકાતામાં મહાઋષિ મહેશ યોગીને સાંભળ્યા ત્યારે એ આટલા વિશ્ર્વવિખ્યાત થયા ન હતા. એમની કાળી દાઢીમાં એક સફેદ ટુકડો હતો. ઊંચાઈમાં ધાર્યા કરતાં નીચા હતા. કેસરી ઉપવસ્ત્ર હતું. એમનું શાંત, સૌમ્ય સ્મિત હંમેશાં યાદ રહેશે. કારણ કે એ સતત સસ્મિત રહેતા હતા! હૃષીકેશમાં કહેવાય છે કે એમની એરકન્ડિશન્ડ ગુફાઓ છે જ્યાં અભ્યાસીઓ બેસીને મનન કરી શકે છે. હૃષીકેશ ગયો ત્યારે એક માણસે કહ્યું હતું કે આ માર્ગ પર ઉપર ગુફાઓ છે, પણ જવાના સંયોગ ન હતા, કારણ કે હૃષીકેશ-હરદ્વારની બસ હડતાલ પડી ગઈ હતી અને પાછા જવાની ઉતાવળ હતી. એ એમના ‘ટ્રાન્સન્ડૅન્ટલ મૅડિટેશન’ માટે સુખ્યાત છે.

ભગવાન રજનીશ જ્યારે આચાર્ય રજનીશ હતા ત્યારે મેટ્રો સિનેમાની પાસે મેદાનમાં એમને ઘણી વાર સાંભળ્યા છે! પછી તો ભગવાન બહુ મોંઘા થઈ ગયા અને સાંભળવાનું ગજુ કે ભક્તિ રહ્યાં નહીં! રજનીશે બધા જ સ્વામીઓને ટેપ અને કૅસેટનું મહત્ત્વ સમજાવ્યું, કદાચ ફોટા, માસિક, કૅસેટ, મેડલોનો સૌથી વિશેષ ઉપયોગ રજનીશે કર્યો. એટલા વૈજ્ઞાનિકો અને વ્યવસ્થિત કોઈ સ્વામી ન હતા. પાછળથી એમના હિન્દી ઉચ્ચાર ખરાબ થઈ ગયા પણ શરૂમાં એ બહુ સરસ ઉચ્ચારણ કરતા હતા: એમની ધૂન, સ્ત્રીઓ અને ખાસ કરીને વિદેશી સ્ત્રીઓનું નાચવું, પ્રવચન આપતી વખતે ઘૂંટાયેલા અવાજે બોલવું અને વચ્ચે વચ્ચે અટકી જવું - આ એમના સાંનિધ્યની લાક્ષણિકતાઓ! ભારતમાં રજનીશની કક્ષાના વક્તાઓ બહુ ઓછા હતા. એમની વક્તૃત્વશક્તિની વિશેષતા એમની ચૂપકીદી અથવા ખામોશી! એ બોલતા હોય અને વચ્ચે સેકંડો સુધી સન્નાટો છવાઈ જાય! શબ્દોની પસંદગી શ્રેષ્ઠ અને અભ્યાસપ્રકાંડ પંડિતનો... અને શ્રોતાઓને પોતે બુદ્ધિજીવી હોવાનો આભાસ થાય!

ડોંગરે મહારાજને અંબાજીમાં સાંભળ્યા હતા. આ મહારાજોની યાદશક્તિ જબરી હોય છે. વાર્તાની જેમ રસતરબોળ કરે. વિચારવાનું ભુલાવી દે, પણ એમનો શ્રોતાવર્ગ નિમ્ન મધ્યમવર્ગમાંથી આવે છે એટલે ઉદાહરણો વધારે રહે. ભાષા અત્યંત સીધી સાદી અને સમજાય એવી, બહુ જ મોટો વર્ગ એમને સાંભળવા આવે.

પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાયના ઘણા શિક્ષિતો પણ ભક્ત છે. એ તર્કશુદ્ધ લાગ્યા હતા. ઉચ્ચારણ સ્પષ્ટ મહારાષ્ટ્રીય, અને વાતમાં રોજિંદા જીવનની રમૂજ પણ આવે. અવાજ ઊંચો જાય, કથા, ઉદાહરણ, કટાક્ષની વચ્ચે વચ્ચે ગંભીર વાત આવી જાય. એમની શૈલી બહુ સફળ રહી છે, એમનો પણ એક ખાસ વર્ગ છે.

હમણાં હમણાં મુરારિબાપુ પ્રચલિત થઈ ગયા છે. એ ગાઈ શકે છે અને વાસ્તવથી દૂર એવી આદર્શની વાતો બહુ સામાન્ય ભાષામાં કહી શકે છે. એ થોડાં જ વર્ષોમાં બહાર આવ્યા છે પણ એમનો અવાજ ઊંચોનીચો થઈ જાય છે. જેમને બહુ બોલ્યા કરવું પડતું હોય એમના અવાજની આટલી બધી વધઘટ ભવિષ્યમાં ગળાને ખરાબ કરી નાખે એવો ભય રહે છે!

આમાં એક વાત સૂચક છે: મુરારિબાપુ સ્કૂલશિક્ષક હતા. મહાઋષિ મહેશ યોગી અને રજનીશ વર્ષો સુધી કૉલેજોમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસરો હતા: પ્રોફેસરોને ધર્મવીરો થવાનું સહેલું પડતું હશે? 

No comments:

Post a Comment