Friday, September 5, 2014

પુસ્તક, પત્ર અને લક્ષ્મી: પ્રચલિત શબ્દોના અપ્રચલિત અર્થ

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ


અમદાવાદના એક મિત્રે મારા કોઈ પુસ્તકમાં ‘મેલ કરવત મોચીના મોચી’ રૂઢિપ્રયોગ વાંચ્યો. મુંબઈ છોડીને જવું તો બીજે ક્યાં પરમેનન્ટ રહેવા જવું એ વિશેનો એક નિબંધ વીસેક વરસ પહેલાં લખ્યો હતો અને છેલ્લે તારણ કાઢેલું કે મુંબઈ જ બેસ્ટ છે, મેલ કરવત મોચીના મોચી.

આ રૂઢિપ્રયોગ કે કહેવત પાછળની વાર્તા ફેસિનેટિંગ છે પણ એ અહીં રજૂ કરવાનો આશય નથી. અમદાવાદના મિત્રનું કહેવું હતું કે કેટલા વખતે આ રૂઢિપ્રયોગ વાંચ્યો, હવે તો કોઈ લખવા- બોલવામાં ‘મેલ કરવત મોચીના મોચી’ વાપરતું જ નથી.

જૂના શબ્દોના નવા અર્થ શોધવા અને નવા શબ્દોને કૉંઈન કરવા એક ફેસિનેટિંગ કામ છે. પ્રચલિત શબ્દોના ઓછા જાણીતા અર્થ શોધવાની પણ મઝા આવે. અને ઓછા જાણીતા શબ્દોના રોજવપરાશમાં કામ લાગે એવા એવા અર્થ શોધવાની પણ એક ઔર મઝા છે. નવા શબ્દો અને નવા અર્થોની સાથે નવી દુનિયાઓ ઊઘડતી હોય છે. વચ્ચે એક લેખ માટે ‘પ્રવાસ’ શબ્દ વિશે સંશોધન કરતાં ખબર પડી કે પ્રવાસી એટલે માત્ર મુસાફર નહીં, પ્રવાસીના બીજા પણ બે અર્થ છે: પ્રવાસી એટલે ગેરહાજર વ્યક્તિ. પ્રવાસીનો વધુ એક અર્થ થાય છે: એક જાતનું ઉમદા પ્રાણી જે જૂની અને નવી બંને દુનિયામાં વસે છે. આ બીજો અર્થ જરા ન સમજાય એવો છે અને સમજાઈ જાય તો ઘણો મોટો અર્થબોધ એમાંથી ઉદભવે  એમ છે.

થોડાક લુપ્ત થઈ ગયેલા શબ્દપ્રયોગો અને રૂઢિપ્રયોગો વિશે વાત કરીએ, સાથોસાથ જાણીતા હોય પણ એના સૂચિતાર્થો ખોવાઈ ગયા હોય એવા શબ્દપ્રયોગોનું પણ તળ તપાસીએ. ઉદાહરણ તરીકે: ‘દોઢ ડાહ્યો’. બોલચાલમાં ખૂબ વપરાતા આ રૂઢિપ્રયોગમાંનું વધારાનું પચાસ ટકા ડહાપણ ક્યાંથી આવ્યું? દોઢ ડાહ્યાનો અર્થ આ છે: જે પોતાનું ડહાપણ આખું માને અને બીજાનું અડધું માને તથા તે બંનેનું મળીને થયેલું દોઢ ડહાપણ પોતાના એકલામાં જ છે એમ માને તે દોઢ ડાહ્યો કહેવાય. આ અર્થ મને ૧૮૯૮ની સાલમાં પ્રગટ થયેલા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના એક ગ્રંથમાંથી મળ્યો. આમ, માત્ર પોતાને વધુ પડતો શાણો સમજનાર નહીં, પણ સાથોસાથ બીજાને મૂરખ ગણતો માણસ દોઢ ડાહ્યો.

‘તોબરો ચડાવવો’ શબ્દપ્રયોગ કોઈએ રીસમાં મોઢું ચડાવ્યું હોય ત્યારે વપરાય છે, પણ એનું મૂળ ક્યાં? ઘોડાને તોબરો ચઢાવવામાં આવે ત્યારે એનું મોં ફૂલેલું હોય એવું લાગતું હોય છે. તોબરો એટલે ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી. ભાંગવાડીમાં દેશી નાટક સમાજનું એક નાટક ‘સદગુણી  વહુ’ બહુ ચાલ્યું હતું. નાટકનું એક ગીત એ જમાનામાં બહુ પૉપ્યુલર હતું: "ધન વિના ઘરેણાં તે શેનાં, નારીને તો જોઈએ છે ઘરેણાં; કહું ના તો ઝટ તોબરો ચઢે, માટે ‘થશે થશે’ કહું મોઢે.

‘એંચણિયો’ શબ્દ તમે સાંભળ્યો છે? એનો ઉચ્ચાર ‘એંચણિયો’ થાય. એંચણિયો એટલે પતંગનો પેચ લાગે ત્યારે ખેલદિલીથી રીતસર પેચ-પેચ રમવાને બદલે બીજાની પતંગ ખેંચી પાડવાની જેને ટેવ હોય તે. સમાજમાં કેટલા બધા એંચણિયા તમારી આસપાસ જોયા હશે, અત્યારે એમાંથી કોનું નામ તમને યાદ આવે છે!

‘ધમ ધોકા ને ચાપુ ચણા’ રૂઢિપ્રયોગ તો હવે વાંચવામાંય નથી આવતો. ધમ ધોકો ને ચાપુ ચણા આપ્યા સિવાય એ પાંસરો નથી થવાનો એવું વાક્ય બોલાય. એટલે કે ધમ દઈને ધોકો મારવાનો અને રડે એટલે ચાપુ ચણા આપીને ખુશ કરી દેવાનો. કોઈ વહાલું વાંકું ચાલતું હોય ત્યારે એને સીધું કરવાના ઉદ્દેશમાં પણ મજાકમાં આવું બોલાય.

એક જમાનામાં ‘દ્વારકાની છાપ’ એવો શબ્દોપ્રયોગ બહુ વપરાતો. કોઈની કીર્તિ કે એકાદા સારા કામની નિશાનીનો ઉલ્લેખ કરવો હોય ત્યારે ખાસ. આ દ્વારકાની છાપ ક્યાંથી આવી? એક જમાનામાં દૂર દૂરના પ્રાંતના લોકો દ્વારકા જઈને ત્યાં નાહીને ડૅરામાં જઈ હાથ પર છાપ લેતા. છાપ મારવાના છાપા લોઢાના રહેતા અને એ છાપા પર શંખ, ચક્ર, પદ્મ એવા આકાર કોતરેલા રહેતા એને તપાવીને હાથ પર પાડે એટલે જે ડામ પડે તે કદી ભૂંસાય નહીં, આજના ટૅટુનું રસ્ટિક સ્વરૂપ. વૈરાગી લોકો આવી છાપ બહુ લેતા, એવું બતાવવાને કે અમે દ્વારકા જઈ આવ્યા છીએ.

પુસ્તકનો એક પ્રચલિત અર્થ સૌને ખબર છે કે ચોપડી કે ગ્રંથ. પુસ્તકનો બીજો અર્થ આ છે. ઘોડા પર સાજ-સામાન નાખ્યા પછી એનો પાછલો ભાગ ઉઘાડો રહે છે તે પૂંછડા સુધીના ભાગને પુસ્તક કહે છે. પુસ્તકનો અન્ય એક અર્થ છે: સ્થાયી નિવાસ.

પત્ર એટલે કાગળ અથવા પુસ્તકનું પાનું. એ તો ખરું જ, પણ પત્ર એટલે તલવારની ધાર પણ થાય. પત્ર એટલે પક્ષી પણ થાય અને પત્ર એટલે રથ, ઘોડો કે ઊંટ જેવું વાહન પણ થાય. કાલ ઊઠીને તમારે ત્યાં કોઈ કુરિયરવાળો આવીને કહે કે એક પત્રની ડિલિવરી કરવા આવ્યો છું તો પહેલાં ચેક કરી લેવાનું કે એ લેટર લઈને આવ્યો છે, બર્ડ લઈને આવ્યો છે કે પછી ઊંટની ડિલિવરી કરવા આવ્યો છે.

પ્રામાણિક એટલે ઈમાનદાર એ તો ખરું. પ્રામાણિક એટલે વેપારીઓનો આગેવાન પણ થાય. પ્રામાણિક એટલે મર્યાદા જાણનાર, વિદ્વાન, માનનીય, સભાને લાયક એવા કુલ એકવીસ અર્થ છે આ શબ્દના. પ્રામાણિકતા અને લક્ષ્મી વ્યવહારમાં કદાચ એક સાથે ન બેસતાં હોય પણ અહીં વ્યવહારની વાત નથી થતી. લક્ષ્મી એટલે નાણું એ તો ગરીબોને પણ ખબર છે. ચંદ્રની અગિયારમી કળાને લક્ષ્મી કહે છે. લક્ષ્મીનો એક અર્થ છે: પીડા, દુ:ખ, (બોલો, હજુય લક્ષ્મીપતિ થવું છે તમારે?)

મધુરનો પ્રચલિત અર્થ સૌને ખબર છે. લોઢાને પણ મધુર કહે છે અને મધુરનો એક વધારાનો અર્થ છે- વિષ, ઝેર. મધુ- રજની વિશે ટિપ્પણ કરવી હવે નકામી છે. માથું શબ્દ સાથે જોડાયેલા કેટલા રૂઢિપ્રયોગો ગુજરાતીમાં હશે? ડઝન? બે ડઝન? પોણા બસો કરતાં વધુ રૂઢિપ્રયોગોમાં આ શબ્દે માથું માર્યું છે. આવક કરતાં ખર્ચ વધારે હોય ત્યારે માથા કરતાં મણિયો મોટો કહેવાય. માથે હાથ દેવો અને માથે હાથ ફેરવવો- બે લગભગ સરખી લાગતી ક્રિયાઓના અર્થ સાવ જુદા છે. માથે હાથ દેવો એટલે આશાભંગ થવું, નિરાશા કે ખેદનો ભાવ એમાં છે. માથે હાથ ફેરવવો એટલે પોતાનો સ્વભાવ કે ગુણ બીજાને આપવો. માથે હાથ ફેરવવાનો એક અર્થ છેતરવું એવો પણ થાય. જોકે, આ બેઉ રૂઢિપ્રયોગોનો એક સમાન અર્થ આશ્વાસન  આપવાનો પણ થાય છે. માથે સંસ્કાર કરવા એટલે? ના, જવાબ નહીં આપતા. ખોટા પડશો. માથે સંસ્કાર કરવા એટલે અનેક પ્રકારે વિતાડવું, કોઈને ખૂબ દુખી કરવું? માથે માથું ન હોવું એટલે? કામનો અતિશય બોજો હોવો.

અને છેલ્લે. આ લખનારના નામનો અર્થ? પ્રચલિત અર્થ છે- સુગંધ, સુવાસ કે ખુશ્બૂ અથવા તો અંગ્રેજીમાં જેને ફ્રેગ્રન્સ કહે તે. પણ જે પ્રચલિત નથી એવો એક સંસ્કૃત અર્થ છે- અગ્નિ. યજ્ઞનો અગ્નિ અથવા સમિધનો અગ્નિ.

નાઈસ ને? ફાયર ઍન્ડ ફ્રેગ્રન્સ!


ગુજરાતી ભાષાને લેખકો કે સાહિત્યકારો કે સારસ્વતો કરતાં પ્રજા વધારે સમૃદ્ધ કરે છે. સ્વામી આનંદે પોતાના શ્રવણ - લેખન - વાચન દરમ્યાન નજરમાં આવેલા યુનિક શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, ઓઠાં-ઉખાણાં વગેરેનો સંગ્રહ એક પુસ્તકમાં ગ્રંથસ્થ કરવાનો ઈરાદો રાખ્યો હતો, પરંતુ એમાંથી માત્ર શબ્દોને અને થોડાક રૂઢિપ્રયોગોને જ તેઓ ‘જૂની મૂડી’ નામના પુસ્તકરૂપે પ્રગટ કરી શક્યા હતા. સ્વામી આનંદ માનતા કે ભાષા ધરતી પરનો વીરડો છે અને જનવાણી અર્થાત્ લોકજુબાન એની અખૂટ સરવાણી છે. એ કહેતાં: પાણીના વીરડાને વાડકી કે છાલિયાથી ઉલેચ્યે જાઓ અને સો બેડાં પાણી ભરી લ્યો. ન ઉલેચો તો વીરડાનું પાણી એક ઘડા જેટલું જ રહેશે, ઉલેચાતું રહેશે તો વધુ ને વધુ ઘડા મળતા રહેશે. વાડકી - છાલિયાથી એને ઉલેચવાની પ્રક્રિયા પણ જનવાણી જ છે.

એનાથી રોજેરોજ ઉલેચાયા વગર વીરડો મેલો અને બંધિયાર બની જશે. ભાષારૂપી વીરડાનું પાણી જનવાણીને વાટકે ચડે ત્યારે જ એ ફિલ્ટર અને ક્લોરિનેટ થઈને પ્રજાના વપરાશ માટે નરવું થયું ગણાય.

શુદ્ધ ગુજરાતી ભાષા એ એક અલગ જ ચીજ છે. ભાષા અનેક રીતે બોલાતી હોય છે. તે બોલી છે. ‘શું ચાલે છે?’ એવું કોઈ પૂછે ત્યારે ‘શું’ શબ્દમાં સિસોટી વાગે તો સમજી લેવાનું કે પૂછનાર વ્યક્તિ નાગર છે, એવી જાણીતી માન્યતા છે, સાચી છે. નાગરોની બોલીમાં તમને ડી.ડી.ટી. છાંટીને શુદ્ધ કરેલી ગુજરાતી ભાષા સાંભળવા મળે એવું કહેવાતું આવ્યું છે. ગુજરાતમાં જે જમાનામાં શિક્ષણ સીમિત હતું તે ૭૫-૧૦૦ વર્ષ પહેલાંના જમાનામાં પણ સભ્ય - સંસ્કારી નાગરોને અન્ય વર્ગના લોકોથી અલગ તારવી શકાતા તે એમની શુદ્ધ બોલીને કારણે. ત્રણ દાયકા પહેલાંના જમાનામાં મુંબઈના ગુજરાતીઓમાં એવું મનાતું કે કેમ્પ્સ કોર્નર (અથવા ગોવાલિયા ટેન્કવાળી) ન્યુ ઈરા સ્કૂલના વિદ્યાર્થીઓને તમે એમના ગુજરાતીના ઉચ્ચારોને લીધે સહેલાઈથી અલગ તારવી શકો.

સ્વામી આનંદની ‘જૂની મૂડી’ ખરેખર સંઘરી રાખવા જેવી છે. ‘અક્તો’ એટલે કામે ન ચડવાનો દિવસ. ‘અબસાત’ એટલે અબ ઘડી. ‘અંતકાળિયો ચોળવો’ રૂઢિપ્રયોગનો અર્થ થાય: માણસ છેલ્લા શ્ર્વાસ લેતો હોય તે ઘડીએ ઘરના લોકો ઘી-ગોળ-લોટ ચોળીને લાડવો કરી મરનારને બંધાવે તે. રૂપરૂપનો અંબાર શબ્દપ્રયોગ હવેના લેખકો નથી કરતા. એને બદલે ચીકની છોકરી કે હૉટ ગર્લ શબ્દો વાપરે છે. પણ પેલો અંબાર એટલે શું? ઢગલો! હાય, મરી ગયા, ઢગલા નીચે દબાઈને!

એક સુરતી રમૂજ છે: કોઈ વસ્તુની જરૂર ન હોય તો અંગ્રેજીમાં એને ‘નૉજટ નેસેસરી’ ન કહેવાય, ‘નૉટ નેહેહરી’ કહેવાય. સુરતની સરકારી શાળામાં ગુજરાતી કક્કો શિખવાડતા હુરટી શિક્ષકજી કહેતા હોય છે: ‘ટ’ ટલવારનો ‘ટ’ નહીં, ‘ટ’ ટટ્ટુનો ‘ટ’!

ભાષાવિદ્ ડૉ. ટી. એન. દવેએ ગુજરાતની મુખ્ય બોલીઓ વિશે સંશોધન કરીને કહ્યું છે કે

ઉત્તર ગુજરાતની ભાષા ઘણે અંશે મારવાડીની અસર દર્શાવે છે, જ્યારે ચરોતરના લોકો કદાચ ભીલ પ્રજા અને બીજા મૂળના વતનીઓ સાથે ગાઢ સંપર્કમાં હતા જેને કારણે ચરોતરની બોલીમાં મૂળ બોલીઓનાં તત્ત્વો મોટા પ્રમાણમાં ભળેલાં છે. ગુજરાતની ભાષાનું પ્રાચીનતમ સ્વરૂપ કદાચ સૌરાષ્ટ્રમાંથી મળી આવે, કારણ કે સૌરાષ્ટ્ર (એક જમાનામાં) દ્વીપકલ્પ હોવાથી અને જમીન સાથે માત્ર એક જ રસ્તાથી સંકળાયેલું હોવાથી ત્યાંની બોલીએ ઘણાં જૂનાં રૂપોને સાચવી રાખ્યાં છે.

‘આઢવું’ એટલે ચરાવવા નીકળવું, ક્યાંક જવા નીકળવાનો પ્લાન કરવો કે ચર્ચવો. ઉદાહરણ તરીકે: કહો ત્યારે, કેણી મેર આઢશું? ‘ઈંડું’ એટલે દેવદેરાંના શિખરો પર મૂકાતો સોનાનો અથવા સાદો અણીદાર કળશ. ‘ઉકરડી’ એટલે દીકરી અને ‘ઊભડિયો’ એટલે રોજિંદી મજૂરી પર કામ કરનાર.

જામનગર, ગોંડલ, ધ્રોળ, રાજકોટ વગેરેના જાડેજાઓ એક સમૂહમાં હાલારમાં ભેગા થયા ત્યારે હાલારની જૂની ભાષા કચ્છથી આવેલી જાડેજા બોલીથી છવાઈ ગઈ હતી.

આ બોલીના સ્વરભાર, સૂર અને વાક્યખંડો સૌરાષ્ટ્રની બીજી બોલીઓના સમૂહમાંથી સહેલાઈથી જુદા તારવી શકાય એવું ડૉ. ટી. એન. દવેનું સંશોધન કહે છે. એમણે આપેલાં સૌરાષ્ટ્રની પાંચ પ્રાદેશિક બોલીઓનાં લક્ષણો વિશેનાં ઉદાહરણો જુઓ. કૌંસમાં શિષ્ટ ગુજરાતીનો શબ્દ છે, કૌંસ બહારનો શબ્દ બોલીમાં વપરાતો શબ્દ છે: ભઈ (ભાઈ), કાચી (કાકી), ચિસકોલી (ખિસકોલી), ઝી (ઘી), સોર (ચોર), શીર (ચીર), સે (છે), હાત (સાત).

બહુવચન કરતી વખતે કેટલાક શબ્દને ઉકારાંત લાગી જાય. બાઈ-બાઈઉં, માણસ-માણહું. ભૂતકાળનો જૂનો કર્મણિ પ્રત્યય બીજા પ્રદેશો કરતાં કાઠિયાવાડમાં વધુ વપરાય: ભરાયો - ભરાણો, લખાયું - લખાણું, ચોરાયું - ચોરાણું. કાઠિયાવાડી પછી ઝાલાવાડી બોલીની વિશિષ્ટતાઓનો વારો આવે છે: ચમ (કેમ), કીધું (કહ્યું), ઓલ્યો (પેલો), સોરી (છોકરી). સોરઠીમાં છોકરીનું સોરીને બદલે સોકરી થાય. હાલારીમાં ‘ત્યાં’નું ‘ઉઆં’ થાય. ગોહિલવાડીમાં સુરતીની જેમ ‘શ’નો ‘હ’ થાય: હાક (શાક), હિયોર (શિહોર).

આ વરસે મારી વોકેબ્યુલરીમાં એક નવો શબ્દ ‘ઉમેરાણો’ - મચકડું. અને એય મુંબઈગરા ગુજરાતી યંગસ્ટર્સની જુબાનમાંથી મળ્યો. વૉટ ઈઝ ધિસ મચકડા?

ભગવદ્ ગોમંડળ કોશના ૬,૮૭૧મા પાને ‘મચકો’ શબ્દના અર્થ આપ્યા. ‘મચકડું’ એ ‘મચકો’નું લાડકું (કે પછી તોછડું, ડિપેન્ડ્સ કે કયા સંદર્ભમાં વપરાય છે). આ ‘મચકો’નો પહેલો અર્થ ગર્વ કે અભિમાન. બીજો અર્થ તરછોડવું કે ત્યાગ અને ત્રીજો અર્થ મસ્ત છે અને એ જ અર્થમાં મેં એ શબ્દ વપરાતાં સાંભળ્યો છે: લહેકો, ચાળો, ઠમકો, ઠણકો, લટકો, છણકો. છણકો એનો પ્રિસાઈસ મીનિંગ થાય. ઘણીવાર યંગસ્ટર્સ કોઈના ‘કાંડ’ કે ‘પરાક્રમો’ને પણ મચકડા તરીકે ઓળખે, ‘નખરાં’ને પણ મચકડા કહે, આપસમાં ચડભડ થાય તેને પણ મચકડાં કહે.

આ ‘મચકો’ શબ્દને ‘અચકો મચકો કારેલી’વાળા ગીત સાથે કોઈ નિસ્બત હશે? ભગવદ્ ગોમંડળમાં ‘મચકો’ના ત્રીજા અર્થમાં છેલ્લે વિવરણ છે: ‘અચકવું અને વળી લટકો કરી પગ તથા અંગ મરડીને ચાલવું તે, છણકો કરીને હાલવું તે’. ભગવદ્ ગોમંડળની ‘મચકો’વાળી એન્ટ્રીમાં હજુ લખેલું છે કે: ‘પોતાના રૂપના ભાનવાળી રૂપાળી સ્ત્રી બીજી કોઈ લલનાને જુએ ત્યારે જરાક મોં મરડી મગજમાં ઓહો તારું રૂપ! એમ ગર્વવાચક ઉદ્ગાર કાઢે તે મચકો કહેવાય.’

તો અચકવું અને મચકવું પરથી અચકો-મચકો કારેલી ગીત બન્યું હશે. પણ આમાં કારેલી ક્યાંથી વચ્ચે આવી. કદાચ, સ્વીટહાર્ટને લોકબોલીમાં કારેલી કહેતા હશે. ડોન્નો.

સ્વામી આનંદે એકઠી કરેલી ‘જૂની મૂડી’માં ‘બેદ’ એટલે નપાવટ. હીણું, હલકાથી વધુ હલકું. ‘બુટ્ટી’ એટલે ખંધું માણસ અને ‘બુબકો’ એટલે દાટેલો દાબડો અથવા સંઘરેલું ધન. ‘પીમળ’ એટલે પરિમલ અથવા હળવી સુગંધ જેના પરથી બન્યું ‘પીમળવું’. ‘વખાણ’નો એક અર્થ થાય જૈન સાધુનું વ્યાખ્યા કે પ્રવચન (‘વખાણ વાંચવાં’ એટલે પ્રવચન કરવું).

‘ભયો ભયો’ શબ્દપ્રયોગ તમે ઘણીવાર વાપર્યો હશે. આટલું કામ થઈ જાય તો ભયો ભયો. સ્વ. કવિ સુરેશ દલાલે મુંબઈ વિશેના એક ખૂબસુરત કાવ્યમાં ભયો ભયોનાં આવર્તનો બખૂબી વાપર્યા છે. સ્વામી આનંદે આ ભયો ભયોનાં કુળ અને મૂળ શોધી કાઢ્યાં છે.

મંગળવારથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જશે. બિહારમાં આવેલા ગયા તીર્થમાં શ્રાદ્ધ સરાવ્યા પછી બધા પિતૃઓ સદાને માટે સ્વર્ગે જઈને વાસ કરે અને ત્યાર પછી તેના વંશજોએ ફરી ક્યારેય એનું શ્રાદ્ધ ન કરવું પડે એવી માન્યતા છે. પંડા કે ગોર શ્રાદ્ધ કરાવીને જાતે દક્ષિણા ન લે પણ જાત્રાળુને મુખ્ય ગોર પાસે મોકલે જે ઊંચે આસને બેઠેલા હોય. દરેક જાત્રાળુ પોતાના ગજા મુજબ દક્ષિણા મૂકી પગે લાગે ત્યારે મુખ્ય ગોર કંકુવાળા થાળમાં હાથ બોળીને જાત્રાળુઓની પીઠે થાપો મારીને ‘જા તેરે પિતર સરગ ભયે’ ન કહે ત્યાં સુધી જાત્રાળુએ કરાવેલું શ્રાદ્ધ પિતૃઓને પહોંચ્યું ન ગણાય. આ અંતિમ વિધિને સંક્ષેપમાં ‘ભયો’ કહે. એ વેળાએ મુખ્ય ગોર અને જાત્રાળુઓ વચ્ચે દક્ષિણા અંગે રકઝક થાય. છેવટે ગરીબ, કષ્ટ વેઠીને આવેલા જાત્રાળુઓ બે હાથ જોડીને કરગરે: ‘દેવતા, અમે ગરીબ છીએ. ભલા થઈને આટલું લઈ લ્યો અને ભયો કરો.’ કામ યથાયોગ્ય રીતે પાર પડ્યાનો સંતોષસૂચક ઉદ્ગાર છે - ભયો ભયો. જે દિવસે કોલમ સાંગોપાંગ પાર ઊતરે એ દિવસે કટારલેખકને ભયો ભયો થઈ જાય.


 

No comments:

Post a Comment