Saturday, January 26, 2013

.. યાદી ઝરે છે આપની -કિશોર વ્યાસ

.
ટૂંકા જીવનપટ પર વિશાળ સર્જનપટ બિછાવી ગયેલા રાજવી કવિ કલાપીની જન્મજયંતિએ તેમને સ્મરણાંજલિ
કિશોર વ્યાસ

‘નવાં શાસ્ત્રો નવી વેદી, નવી ગીતા કલાપીની,

અહા! ગુજરાતમાં ટહુકે અલગ કેકા કલાપીની’

૨૬મી જાન્યુઆરી, ૧૮૭૪. લાઠીના દરબારગઢ તેમ જ શહેરમાં ઘેર ઘેર તોરણો બંધાયાં હતાં, ડેલીએ ઢોલશરણાઈના સૂર રેલાઈને ગગન ગજવતા હતા, પ્રસંગ પણ એવો જ હતો. લાઠીના રાજા તખ્તસિંહજીને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો હતો. ઠેર ઠેર આનંદ પ્રવર્તતો હતો.

નામ પાડ્યું સૂરસિંહ. એ સૂરસિંહ એટલે સૂરતાની વાડીનો મીઠો મોરલો, રાજવી કવિ ‘કલાપી’. આજે એમની ૧૩૯મી જન્મજયંતી છે. જેમનું જીવનપટ માત્ર ૨૬ વર્ષ, પણ સર્જનપટ વિશાળ છે તેવા આપણા રાજવી કવિ ‘કલાપી’ માટે કવિતા ઉપનિષદ સમાન હતી. કવિતા જ ભૂખ અને એ જ તરસ, એ જ એમનો વૈભવ, વાસના, સાધના અને ઉપાસના બની રહી! પિતા ૧૮૮૬માં દેવ થયા. ૧૮૮૮માં માતા રામબા મૃત્યુ પામ્યાં ત્યારે તો આખું લાઠી રાજ્ય ખળભળી ઊઠ્યું, કારણ કે રાજા તખ્તસિંહજીને પણ ઝેર આપી મારી નાખવામાં આવ્યા હતા અને રાજમાતા રામબાને પણ ઝેર અપાયું હતું.

તેઓ ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ માટે રહ્યા હતા. ૧૫ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં.

કલાપીની સૂચના હતી કે પહેલાં રોહાવાળાં રમાબા પોંખાય, પરંતુ રાજરમતના કારણે પહેલાં પોંખાયાં આનંદીબા. નિયમ એવો કે જે રાણી પહેલી પોંખાય તે પટરાણી બને. રમાબા ધૂંધવાઈ ઊઠ્યાં અને ત્યાં જ રોપાયાં રાજખટપટનાં બીજ અને દોરાઈ કલાપીની આયુષ્યરેખા! બંને રાણીઓ અને રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી ‘મોંઘી’ સાથે રાજકોટમાં બંગલામાં રહેવાનું રાખ્યું, સ્વરૂપવાન રમાબા તરફ સૂરસિંહજીનો વધારે ઝુકાવ હતો. આનંદીબા તેમને ભોળાં લાગતાં. અને... મોંઘી...?

વર્ષ ૧૮૮૯, મહિનો ડિસેમ્બર, લાઠી. દરબારગઢનો વિશાળ ચોક. લગ્ન પછીનો ઉત્સવ. સૂરસિંહજીને મધુર કંઠે કચ્છીમાં હલકથી ગાતી અને રાસ રમતી એક સોહામણી યુવતી નજરે પડે છે. કંઠ અને ગીતના બોલ તેમના હૃદયને સ્પર્શી જાય છે. જાણવા મળ્યું કે એ તો રાણી રમાબા સાથે રોહાથી આવેલી તેમની દાસી છે. મોંઘી તરફ તેમનો વાત્સલ્ય ભાવ ઊભરાયો. મોંઘીને થોડા જ સમયમાં તેમણે પોતાની કવિતાઓ જ નહીં પણ સરસ્વતીચંદ્ર જેવી મહાનવલ વાંચતી કરી દીધી. જોકે, તેમનાં પ્રેમકાવ્યોમાં તો સ્નેહરાગિણી રમાબા જ હતાં.

મોંઘી યુવાનીમાં પ્રવેશી. ૧૮૯૩-૯૪નું વર્ષ. મોંઘીનાં મન, બુદ્ધિ અને ચિત્તનો વિકાસ જોઈ ઠાકોર સૂરસિંહજી ખૂબ જ પ્રભાવિત થયા અને કહ્યું: ‘આજથી તું મોંઘી નહીં, તારું નામ રહેશે શોભના. શોભના, મેં તને જેમ વાંચી છે, તેમ હવે તું મને વાંચ. તને મેં માટીમાંથી પિંડ અને પિંડમાંથી પૂતળી બનાવી, હવે તું બની મારી શોભના!’ એ સાથે ઠાકોરસાહેબનો શોભના પ્રત્યેનો વાત્સલ્યભાવ પ્રણયભાવમાં પલટાય છે અને સર્જાય છે ‘પ્રણય ત્રિકોણ.’

સૂરસિંહજી ગાઈ ઊઠે છે:

‘મ્હેં પૂતળી કંઈ છે ઘડી દિલમાં હજારો હોંશથી,

એ પૂતળી જેને ગણી તેનો થયો હું બાવરો!,!’


૧૮૯૨થી તેમનું સાહિત્ય સર્જન ખીલતું જોવા મળે છે. એ જ વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પરિચય અને પત્રવ્યવહારનો પ્રારંભ થતાં ધીરે ધીરે તેમનું સાહિત્યવર્તુળ વધતું જાય છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી તેમના જ્ઞાનગુરુ હતા. તે ઉપરાંત બળવંત ઠાકોર, લલીતજી, ભોળા કવિ, કવિ મસ્ત, કવિ કાન્તનો સમાવેશ જોવા મળે છે. તેમણે અંગ્રેજી સાહિત્યકારો શેક્સપિયર, મિલ્ટન, ગટે જેવા લેખકોને પણ ભરપૂર વાંચ્યા. તેમાંથી પ્રેરણા મેળવીને ‘માળા અને મુદ્રિકા’ અને ‘નારી હૃદય’ જેવી નવલકથાઓ લખી, પરંતુ તેમના સર્જનનું ખરું પ્રેરકબળ તો તેમનું જીવન જ બની રહ્યું અને તેમણે માત્ર ૨૬ વર્ષના આયુષ્યમાં ૨૫૯ કવિતાઓ, ખંડ કાવ્યો, ઊર્મિ કાવ્યો, ગઝલો અને ઉત્તમ ગદ્યનું સર્જન કરી, ગુજરાતી સાહિત્ય અને ગુર્જર ધરાને અર્પણ કર્યા.

૨૧ વર્ષની ઉંમરે તેમને લાઠીનું રાજ્યપદ સોંપાયું અને કલાપી લાઠીના રાજા બન્યા. ૧૮૯૪થી ઊર્મિ, આઘાત, પ્રત્યાઘાત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુથી રસપ્રચુર તેમનું સાહિત્ય સર્જન વિશ્ર્વઐક્યનાં દર્શન કરાવે છે. જેટલો સાહિત્ય પ્રત્યે રાગ હતો તેટલો રાજ વહીવટમાં નહીં, છતાં પણ તેમની પ્રજાવત્સલતા ‘ગ્રામ્ય માતા’ કાવ્યમાં ઊભરી આવે છે.

આવા ઋજુ હૃદયના રાજવીનું હૈયું રમાબા અને શોભના વચ્ચે ઝૂલતું થયું. રમાબા જો પ્રાણ છે તો શોભના શ્ર્વાસ છે. એક તરફ રમાબાની રાજખટપટ વધતી જાય છે અને સૂરસિંહજી શોભનામય થતા જાય છે. શોભનામાં કવિતા અને કવિતામાં શોભના છે. રાજવી કવિના હૃદયમાં સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. રમાબાને અન્યાય ન થાય અને શોભના સચવાય પણ રમાબા પતિને સ્પષ્ટ કહી દે છે કે શોભનાનો હાથ છોડી દો, પરંતુ સૂરસિંહજીનો જવાબ હતો: ‘રમા, મારા પ્રેમનો પડઘો હવે શોભના જ ઝીલી શકે તેમ છે, હું તેને પ્રેમ કરું છું અને એ પ્રેમને સન્માન આપવા હું તેની સાથે લગ્ન કરીશ.’ રમાબાએ કહ્યું: ‘એ કોઈ કાળે શક્ય નથી, હું લગ્ન થવા નહીં દઉં. રામ, તમે મારી સાથે આવેલી દાસી સાથે... ના, એ નહીં બને.’ કવિ હૃદય જખ્માયું અને સરી પડ્યા આ શબ્દો:

‘તુને ન ચાહું, ન બન્યું કદી એ,

તેને ન ચાહું, ન બને કદી એ,

ચાહું છું તો ચાહીશ બેયને હું,

ચાહું નહિ તો નવ કોઈને હું.’


રમાબા પર જાણે વીજળી પડી. સૂરસિંહજી મહાબળેશ્ર્વર ગયા કે તેમણે શોભનાને રામજી ખવાસ સાથે પરણાવી દીધી. ભગ્ન હૃદયના કલાપીની કલમેથી આંસુ ઝરતી રચના સરી પડે છે:

‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,

છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!’


શોભના તરફથી મનને પાછું વાળવું ક્યાં શક્ય હતું? દિલ પર કવિનો કાવ્યવિલાપ વધી ગયો. હવે જોવા મળે છે, પ્રણય વૈરાગ્યથી રડતા કલાપી! વિલાપમાં પ્રેમનો આલાપ કરતા કલાપી! કવિ રાગમાંથી ત્યાગ તરફ વળે છે. અને:

‘દુ:ખી દિલદર્દને ગાતાં, જિગરની આહમાં લ્હાતા,

ફના ઈશ્કે સદા થતાં હવે હું આજ પરવાર્યો!’


બસ, પછી તો પ્રજાનાં દુ:ખો સાંભળે અને પોતાનાં દુ:ખો કવિતામાં ઉતારે. પ્રણયની વેદનામાંથી ‘પ્રવીણ સાગર’ પ્રગટે અને ‘કેકારવ’ પણ ગુંજે.

૧૮૯૬-૯૭નો સમય. ભાવનગરમાં તેમનો કાવ્યસંગ્રહ છાપવા માટે જાય છે. મિત્ર બાલુ સંગ્રહને ‘મધુકરનો ગુંજારવ’ નામ આપવાનું સૂચન કરે છે. કવિ પૂછે છે: બાલુ, પણ આમાં હૃદયનો ગુંજારવ ક્યાં છે? આખરે તખલ્લુસ ‘કલાપી’ અને સંગ્રહનું નામ ‘કલાપીનો કેકારવ’ રાખવાનું નક્કી થયું. બસ, ત્યારથી એ કવિ ‘કલાપી’ તરીકે સાહિત્ય જગતમાં ઓળખાવા લાગ્યા. પણ... શોભનાના વિરહના અગ્નિમાં શેકાઈ રહેલા કલાપીને શોભના પત્ર દ્વારા નરકાગારમાંથી છોડાવવા વિનંતી કરે છે. પત્ર વાંચી કલાપીને આઘાત લાગે છે. ખૂબ જ વિચાર કર્યા પછી કલાપી પોતાનો નિર્ણય જાહેર કરે છે: ‘હું શોભનાને દુ:ખી થવા નહીં દઉં, હું તેને છોડાવીશ અને તેની સાથે લગ્ન પણ કરીશ.’ કલાપીના આ નિર્ણયથી રાણીવાસ સહિત દરબારગઢ હચમચી ગયો. ૧૮૯૮માં કલાપી પ્રિયતમા શોભના સાથે લગ્ન કરે છે. લગ્નમાં પુરોહિત છે પણ અગ્નિ નથી. પુસ્તકની સાક્ષીએ બંને ફેરા ફરે છે. કવિ કાન્તને પત્ર લખીને કલાપી જણાવે છે કે દર્દ વધતા મારે આ સાહસ કરવું જ પડ્યું છે.

રમાબા કોઈ પણ રીતે આ લગ્નને પડકારવા ધમપછાડા કરે છે, પણ તેમના હાથ હેઠા પડે છે. કલાપી ખુશ હતા. લગ્નથી પણ સંતુષ્ટ.

એક દિવસ મણિલાલના અવસાનના સમાચાર મળતાં કલાપી શોકમાં ડૂબી ગયા. તેમની સાથેના સાત વર્ષના સંબંધમાં કલાપીએ સાત જન્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યંુ હતું. તેમણે જ કલાપીને રાજધર્મ સમજાવી ગાદી ન છોડવા કહ્યું હતું. એ મણિલાલ નભુભાઈ દ્વિવેદી સિધાવ્યા અને તેમની યાદમાં લખ્યું:

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીંએ આંખથી યાદી ઝરે છે આપની!’


૮મી જૂન, વર્ષ ૧૯૦૦. શોભનાના સાંનિધ્યમાં કલાપી. રમાબાના મહેલમાં જતાં પહેલાં: ‘શોભના, આ રાજપાટ છોડીને એવા રાગમાં રંગાઈ જાઈએ કે આપણાં સર્વે કર્મો, કર્મો ન રહે. બસ, શોભના, ચાલ હું જાઉં, રમા રાહ જોતી હશે, જવું જ પડશે. ફરજ છે.’ ‘સુખે સિધાવો અને ફરજમાં પ્રેમને પણ પરોવજો,’ શોભનાએ વિદાય આપતાં કલાપીને કહ્યું. પણ તેને ક્યાં ખબર હતી કે કાળના ગર્ભમાં શું છુપાયું છે!

‘આવી ગયા રામ!’ રમાબાએ તેમના ઓરડે કલાપીને આવકાર આપતાં કહ્યું. આજે તમારા માટે મેં મારા હાથે પેંડા બનાવ્યા છે, તમને એ ભાવેને!’ ‘રમા, તમે સાંભળ્યુંને કે હું રાજપાટ છોડીને ક્યાંક દૂર ચાલ્યો જવા ઈચ્છું છું, તમે આવશોને મારી સાથે?’ ‘ના, રામ, હું પ્રતાપસિંહને યુવરાજપદે જોવા માગું છું. અને રામ, છોડો એ બધી વાતો અને આ પેંડા આરોગો,’ એમ કહી રમાબાએ આગ્રહ કરીને કે ગણતરીપૂર્વક ત્રણ પેંડા ખવડાવી દીધા. થોડી જ ક્ષણોમાં કલાપી બેચેની અનુભવવા લાગ્યા. તેમણે રમાબાને કહ્યું, ‘અચાનક આ અસુખ? હવે તો પેટમાં ચૂંક આવે છે. રમા, મને કંઈક થાય છે:

‘ધીમે ધીમે મૂરછા મુજ મગજને ચુંબન કરે,

અહા! હું ગાતો તે અનુભવી શકું છું સુખ હવે.’


રમા, મને લાગે છે કે,

‘હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને.’

ઝેર, હળાહળ ઝેર! શરીરમાં ફેલાતું જાય છે. વૈદ્યરાજે ઘી પીવડાવીને શરીરમાંથી ઝેર કાઢવાના કરેલા સૂચનને રમાબા સૌના આશ્ર્ચર્ય વચ્ચે ફગાવી દે છે. નજીકનાં શહેરોથી ડૉક્ટરને આવતાં કલાકો લાગી જાય છે અને એ પહોંચે છે ત્યારે કલાપી આખરી શ્ર્વાસ લેતાં કહે છે:

‘હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!

સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!’


અને ૯મી જૂન, ૧૯૦૦ના રોજ એ સૂરતાની વાડીના મીઠા મોરલાએ પોતાની કળા સમેટી લીધી!

No comments:

Post a Comment