‘સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું ખાય છે, તેમનામાં પુરુષો કરતાં ચાર ગણી બુદ્ધિ, છ ગણી સાહસિકતા અને આઠ ગણી કામેચ્છા હોય છે’ |
સ્પોટ લાઈટ - સંજય વોરા દિલ્હીમાં થયેલી ગેન્ગરેપની ઘટનાને પગલે આપણા સમાજમાં સ્ત્રીની ભૂમિકા બાબતમાં વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે. એમ કહેવાય છે કે ઈશ્ર્વરે સ્ત્રીને ઘડ્યા પછી હાથ ધોઈ કાઢ્યા અને પછી કોઈ પ્રાણીને ઘડવાની હિમ્મત જ કરી નહીં. એમ પણ કહેવાય છે કે જે પુરુષ સ્ત્રીને સમજવાની કદી કોશિશ જ નથી કરતો તે જગતનો સૌથી સુખી પુરુષ હોય છે. એક ચિંતકે કહ્યું છે કે, ‘હું જ્યારે એમ કહું છું કે, ‘હું સ્ત્રીને ઓળખું છું’ તેનો અર્થ એવો થતો હોય છે કે, ‘હું સ્ત્રીને નથી ઓળખતો.’ હું જે કોઈ સ્ત્રીને જોઉં છું તે મારા કોયડા જેવી હોય છે. મને લાગે છે કે એ પોતાની જાત માટે પણ કોયડા જેવી હોય છે.’ મોન્ટેગ નામના વિચારકે ત્યાં સુધી કહ્યું છે, ‘જો પતિ બહેરો હોય અને પત્ની આંધળી હોય તો લગ્ન દીર્ઘજીવી બને છે.’ સ્ત્રીનાં લક્ષણોનું ખૂબ જ સારગર્ભિત વર્ણન કરતાં ચાણક્ય લખે છે, ‘સ્ત્રીઓ પુરુષો કરતાં બમણું ખાય છે, તેમનામાં પુરુષો કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે, છ ગણી સાહસિકતા હોય છે અને આઠ ગણી કામેચ્છા હોય છે’ મનુસ્મૃતિમાં ભલે કહ્યું, કે ‘સ્ત્રીની બુદ્ધિ તેની પાનીમાં છે’ ચાણક્ય સ્ત્રીની બુદ્ધિની બાબતમાં ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવે છે. આ કારણે જ તેણે કહ્યું છે કે, ‘સ્ત્રીમાં પુરુષ કરતાં ચાર ગણી બુદ્ધિ હોય છે.’ આ કારણે જ કહેવામાં આવ્યું છે કે, ‘જે કર ઝુલાવે પારણું, તે જગત ઉપર રાજ કરે છે.’ કહેવાયું છે કે, ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.’ વ્યવહારુ બુદ્ધિ બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની બરોબરી કરી શકે નહીં. સાહસિકતાની બાબતમાં પણ સ્ત્રી પુરુષ કરતાં ઘણી આગળ છે, એમ ચાણક્ય કહે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પુરુષ જ્યારે હિમ્મત હારી જાય છે, ત્યારે સ્ત્રી ઠંડા દિમાગથી રસ્તો શોધે છે. સ્ત્રીની કામવાસના પુરુષની કામવાસના કરતાં આઠ ગણી હોય છે. એવું વિધાન કરીને ચાણક્યે કામશાસ્ત્રનું રહસ્ય ખોલી કાઢ્યું છે. પુરુષની કામવાસના લાકડાના અગ્નિ જેવી હોય છે, જે જલદી પ્રજવલિત થાય છે અને શાંત પણ જલદી થાય છે. તેની સરખામણીએ સ્ત્રીની કામવાસના બકરીની લિંડીમાંથી પેદા થતાં અગ્નિ જેવી હોય છે, જેને પ્રગટ થતાં વાર લાગે છે અને શાંત પડતા પણ વાર લાગે છે. જૈન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્ત્રી જે આસન ઉપર બેઠી હોય ત્યાં બેસવામાં પણ જોખમ છે.’ સ્ત્રીની સરખામણી લતા (વેલી) સાથે કરવામાં આવી છે, જે નજીકના કોઈ પણ વૃક્ષ (પુરુષ) ઉપર ઢળી પડે છે. સ્ત્રીઓની અક્કલ અને સાહસિકતાની પ્રશંસા કર્યા પછી હવે ચાણક્ય સ્ત્રીઓ પ્રત્યે કોઈ પણ જાતના દ્વેષભાવ વિના સ્ત્રીઓમાં રહેલા સ્વાભાવિક દોષોની યાદી આપે છે. આ દોષો તમામ સ્ત્રીઓમાં હોય છે, એવું નથી, પણ મોટા ભાગની સ્ત્રીઓમાં આ સાત પ્રકારના દોષ વધુ-ઓછા પ્રમાણમાં હોય છે, એમ ચાણક્ય કહે છે. આ સાત અવગુણોમાં (૧) જૂઠું બોલવું, (૨) વિચાર્યા વિના સાહસ કરવું, (૩) માયાકપટ કરવાં, (૪) મૂર્ખતા, (પ) વધુ પડતો લોભ, (૬) ગંદકી અને (૭) નિર્દયતાને ગણાવવામાં આવ્યા છે. સ્ત્રી પોતાની ઉંમરથી માંડીને પોતાના પતિની આવક બાબતમાં જેટલી સહેલાઈથી જૂઠું બોલી શકે છે, એટલી સહેલાઈથી પુરુષો જૂઠું બોલી શકતા નથી. સ્ત્રીને સ્વચ્છતાની અને દયાની દેવી તરીકે ચીતરવામાં આવી છે, પણ ચાણક્યનું નિરીક્ષણ અલગ જ વાત કહે છે. ચાણક્યના મતે સ્ત્રીઓ ગંદકીપ્રિય હોય છે અને ક્રૂર હોય છે. સ્ત્રી ભલે દયાની દેવી જેવી દેખાતી હોય, પણ તે જ્યારે વીફરે ત્યાર કોઈની નથી રહેતી. આ કારણે જ નાગ કરતાં નાગણને અને વાઘ કરતાં વાઘણને વધુ ખૂનખાર માનવામાં આવે છે. મહાભારતમાં દ્રૌપદીએ દુ:શાસનની છાતીનું રક્ત પીવાના સોગંદ લીધા હતા અને તેણે જ્યારે આ રક્તનું પાન કર્યું ત્યારે જ તેને સંતોષ થયો હતો. દહેજના મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રીને ત્રાસ આપનારી તેની સાસુ અથવા નણંદ જ હોય છે. સાસુ અને નણંદ ભેગાં મળીને પરણેલી સ્ત્રીને સળગાવી નાખે તેવા કિસ્સાઓ પણ બને છે. થોડા સમય પહેલાં મારિયા સુસાઈરાજ નામની ટીવી અભિનેત્રીએ પોતાને રોલ ન આપનારા નિર્માતાનું પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને કાસળ કાઢી નાખ્યું હતું. સ્ત્રીના સ્વભાવમાં જ માયા અને કપટ ભરેલાં હોય છે. આ કારણે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે, ‘સ્ત્રીચરિત્રને કોઈ પારખી શકતું નથી.’ ચાણક્ય સ્ત્રીઓના માયાવી સ્વભાવ બાબતમાં અફલાતૂન નિરીક્ષણ રજૂ કરતાં કહે છે, ‘સ્ત્રીઓને કોઈ વ્યક્તિ માટે ખરો પ્રેમ નથી હોતો. તેઓ વાતચીત એક વ્યક્તિ સાથે કરતી હોય છે, બીજી વ્યક્તિ ઉપર તેમની નજર હોય છે અને મનમાં રટણ તો તેઓ કોઈ ત્રીજી વ્યક્તિનું જ કરતી હોય છે. આ જ સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ છે. કોઈ વ્યક્તિ એમ માનતી હોય કે સ્ત્રી તેને એકલાને જ પ્રેમ કરે છે, તો તે મૂર્ખ છે. આવા પુરુષને સ્ત્રી કઠપૂતળીની જેમ નચાવે છે.’ સ્ત્રી કદી પોતાના મનોભાવોને સરળતાથી વ્યક્ત નથી કરતી, પણ રિસાઈને, ઝઘડીને, છણકો કરીને કે કટાક્ષ કરીને પોતાનું ધાર્યું કામ કઢાવી લે છે. ચાણક્ય પોતે પણ એવું નથી માનતા કે દુનિયાની બધી જ સ્ત્રીઓમાં આ દુર્ગુણો હોય છે. આ કારણે જ તેમને પવિત્ર સ્ત્રીઓની પ્રશંસા કરતાં લખ્યું છે કે, ‘જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની પવિત્ર હોય અને જે પોતાના ધન-વૈભવથી સંતુષ્ટ હોય તેના માટે અહીં પૃથ્વી ઉપર જ સ્વર્ગ છે.’ પુરુષના જીવનને સ્વર્ગ બનાવવું કે નરક તે સ્ત્રીના હાથમાં છે. ચાણક્યે સફળ પત્નીનાં લક્ષણો વર્ણવતાં કહ્યું છે કે, ‘જે હૃદયને આનંદ પમાડે તેને જ પત્ની કહેવાય.’ દુનિયાના કેટલા પુરુષો આટલા નસીબદાર છે? ચાણક્ય કહે છે કે, ‘કુલટા સ્ત્રી પતિ માટે મૃત્યુ સમાન છે.’ સ્ત્રીની કસોટી ક્યારે થાય? ચાણક્ય કહે છે કે, ‘દરિદ્રતા આવે ત્યારે.’ પતિને દરિદ્રતા આવે ત્યારે કુલટા સ્ત્રી પતિનો સાથ છોડીને કોઈ અન્ય પુરુષના સંગમાં ચાલી જાય છે, પણ સતી સ્ત્રી પોતાના પતિના દુ:ખમાં ભાગીદાર બને છે અને તેને દરિદ્રતામાંથી બહાર લાવવામાં સહાય કરે છે. ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે, ‘પુરુષો થાકીને લગ્ન કરે છે, પણ સ્ત્રીઓ કુતૂહલને કારણે લગ્ન કરે છે. છેવટે બંને પસ્તાય છે.’ બીજા એક વિચારકે કહ્યું છે કે, ‘સારી સ્ત્રીઓ કોઈ કારણ વિના ગુસ્સે થઈ જાય છે અને કોઈ નિમિત્ત વિના રાજી થઈ જાય છે.’ ડિઝરાયલીએ તો એમ કહ્યું હતું કે, ‘પ્રત્યેક સ્ત્રીએ સુખી થવું હોય તો લગ્ન કરવાં જોઈએ, પણ પુરષે સુખી થવું હોય તો કદી લગ્ન કરવાં જોઈએ નહીં.’ ફ્રોઈડ જેવા મનોવિજ્ઞાનીએ કહ્યું કે, ‘મારા ૩૦ વર્ષના સંશોધન પછી પણ એક સવાલનો જવાબ મને નથી મળતો કે, ‘સ્ત્રીને શું જોઈએ છે?’ ઓસ્કાર વાઈલ્ડે કહ્યું છે કે, ‘સ્ત્રીને પ્રેમ કરો, પણ તેને સમજવાની કોશિશ કદી ન કરો.’ પોલેન્ડની કહેવત છે કે, ‘લગ્ન પહેલાં સ્ત્રી રડે છે, લગ્ન પછી પુરુષ.’ |
Friday, January 18, 2013
પુરુષોના જીવનને સ્વર્ગ બનાવવું કે નરક એ સ્ત્રીના હાથમાં છે - સંજય વોરા
Labels:
સ્ત્રીઓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment