કેટલામું રસગુલ્લું ખાધા પછી મીઠાશનો સ્વાદ ઘટવા માંડે છે? |
સૌરભ શાહ પૈસો કે મનગમતું કામ. માણસનું લક્ષ્ય આ બેમાંથી કયું હોવું જોઈએ? જિંદગીમાં વેળાસર આનો જવાબ મળી જાય તેઓ બાકીનું જીવન સુખેથી ગાળી શકે અને જેઓ બીજો વિકલ્પ પસંદ કરે છે એમનું જીવન વધારે સુખી બની જાય છે. પૈસાના મહત્ત્વ વિશે અને પૈસાની નિરર્થકતા વિશે સ્પષ્ટતા હોય તો બીજી અનેક ગૂંચ ઉકેલાઈ જાય. ખાવાપીવા અને રહેવા પૂરતી કમાણી થતી હોય એ પછી પૈસો શું કામનો? એકવીસ ઈંચનું જૂનું ટીવી ફેંકીને બત્રીસ ઈંચનું એલસીડી લેવા માટે પૈસો જોઈએ છે. ભવિષ્યમાં માંદગી આવી પડે તો સારવાર માટે પૈસો જોઈએ છે. નાના ફલેટમાંથી મોટામાં જવા માટે, દીકરીનાં લગ્ન માટે, દીકરાઓને ધંધો કરવા માટે, યુરોપમાં વેકેશન ગાળવા માટે, ચારને બદલે ચાળીસ જોડી કપડાં માટે પૈસો જોઈએ છે. જોઈએ છેવાળી યાદીઓ કયારેય પૂરી થતી નથી. જિંદગી પૂરી થઈ જાય છે. જાત પર ત્રાસ કરીને, જીવન સાથે સમાધાનો કરીને જે કંઈ ભેગું કર્યું એમાંથી થોડુંઘણું ભોગવ્યું, ન ભોગવ્યું અને બાકીનો એંઠવાડ વિલમાં લખીને વારસદારો માટે મૂકી જવાનો આ એક વિકલ્પ છે. સુખી થવા માટે પૈસાને લક્ષ્યમાં રાખીને જિંદગી ગોઠવી દેવાથી આપણે સલામતી મહેસૂસ કરતા થઈ જઈએ છીએ. આસપાસના લોકો, કુટુંબીઓ, મિત્રો, સમાજ - બધા પૈસો હશે તો તમને માન આપશે. પણ આપણે કયારેય એવો સવાલ જાતને પૂછયો નહીં કે આવું માનપાન મેળવીને કરવાનું શું? દીકરીના લગ્નમાં મહેમાનો પાછળ ગજા બહાર ખર્ચ કરી લીધા પછી સાંભળવા મળતાં વખાણોની આવરદા કેટલી? જિંદગીના પહેલા દસ લાખમાંથી જેટલો આનંદ મળે છે એટલો આનંદ એ પછીના દસ લાખમાંથી નથી મળતો. રસગુલ્લા જેવું જ પૈસાનું છે. એક, બે, ત્રણ, ચાર... કેટલા ખાઈશું? પછી સ્વાદ ઘટતો જશે અને આઠમું, બારમું કે પંદરમું રસગુલ્લું ખાધા પછી બેસ્વાદ બનવા માંડશે. પૈસાને પણ, અર્થશાસ્ત્રમાં જેને ઘટતા તુષ્ટિગુણનો નિયમ કહે છે તે લૉ ઑફ ડિમિનિશિંગ રિટર્ન્સ લાગુ પડે છે. પૈસાનું સેચ્યુરેશન પોઈન્ટ છે. મારું સેચ્યુરેશન પોઈન્ટ તમારા સેચ્યુરેશન પોઈન્ટ કરતાં ઉપરનીચે હોઈ શકે. દરેકની પોતાની પરિસ્થિતિ અને માનસિકતા હોય એ પ્રમાણે પેલું પોઈન્ટ ઉપરનીચે થાય. જિંદગીનો હેતુ પૈસા કમાવાનો ન હોય પણ મનગમતું કામ કરવાનો હોય ત્યારે ઘણાં સમીકરણો બદલાઈ જાય. મનગમતું કામ કરતા હોઈએ ત્યારે થોડાક રસગુલ્લા ખાધા પછી એને ઘટતા પુષ્ટિગુણનો નિયમ લાગુ નથી પડવાનો. મનગમતા કામની બાબતમાં ક્યારેય સેચ્યુરેશન પોઈન્ટ નહીં આવે. અને કામ કરતાં રહીશું એટલે પૈસા તો આવવાના છે. બે પૈસા કદાચ ઓછાવત્તા આવશે, પણ આવવાના તો ખરા. એટલા પૈસામાંથી લોકો ઈમ્પ્રેસ થઈ જાય એવી મોંઘી ગાડી નહીં આવે, સસ્તી તો આવશે. અને એય નહીં આવે તો છેવટે રિક્ષા, બસ, ટ્રેનમાં જવાઆવવા જેટલા ભાડાના ખર્ચા તો નીકળી જ શકવાના છે. જિંદગીમાં અગત્યનું શું છે? કોઈ પણ ભોગે પૈસો કમાઈને સાહબીમાં રહેવાનું? કે પછી મનગમતું કામ કરતાં રહીને બે ટંક પૂરતું કમાઈ લેવાનું? આ બધા વિચારો વારંવાર આવતા રહે છે પણ ‘ઇન્ડિયન ઓશન’ બૅન્ડ વિશે જાણ્યા પછી વધારે તીવ્રતાથી આવ્યા. રૉક મ્યુઝિક આપણો સબ્જેક્ટ નહીં. એટલે ‘ઈન્ડિયન ઓશન’નું કશું સાંભળેલું નહીં, એના વિશે પણ કંઈ સાંભળેલું નહીં. પણ થોડાક મહિનાઓ પહેલાં મિત્રોએ મને આ બૅન્ડના સંગીતનો પરિચય કરાવ્યો. છેક ૧૯૯૦થી આ બૅન્ડ પાશ્ર્ચાત્ય અને ભારતીય સંગીતનું ફ્યુઝન કરીને સંગીતપ્રેમીઓને જલસા કરાવે છે. કમર્શ્યલ સફળતા મળે તે પછી જ ક્રિયેટિવિટીનો કદર થતી હોય એવા જમાનામાં ‘ઈન્ડિયન ઓશને’ માર્કેટના તમામ નિયમો-રિવાજોના ભુક્કા બોલાવીને ડાયરેકટ ચાહકોના દિલમાં વાસ કર્યો છે. ૧૯૯૩માં ‘ઈન્ડિયન ઓશન’ નામે જ પહેલું આલ્બમ બહાર પડ્યું. એ પછી ડિઝર્ટ રેન, કન્ડિસા, ઝીની અને ખજૂર રોડ આવ્યાં. સાંભળતી વખતે શ્રોતા ટ્રાન્સમાં ઉતરી જાય, મંત્રમુગ્ધ બની જાય, નશો ચડી જાય એને. સુસ્મિત સેન, અશીમ ચક્રવર્તી, રાહુલ રામ અને અમિત કિલમ - આ ચાર ‘ઇન્ડિયન ઓશન’ના વાદકો. અશીમ ત્રણ વર્ષ પહેલાં અકાળે ગુજરી ગયા. આ બૅન્ડનો ઈતિહાસ સાંભળો તો ફરહાન અખ્તરવાળી ‘રૉકઓન’ ફિલ્મ યાદ આવી. (બાય ધ વે, રાહુલ દેવ બર્મન વિશેના પહેલા જ લેખમાં મારે ઉલ્લેખ કરવો હતો. ‘રૉકઓન’નો પણ લખાઈ ગયું હતું ‘રૉકસ્ટાર’.) ગાઈવગાડીને પાઈની પેદાશ નથી થવાની અને ઘડીભરની નવરાશ નથી મળવાની એવી ખાતરી હોવા છતાં ચિક્કાર આર્થિક સંઘર્ષ વચ્ચે ‘ઇન્ડિયન ઓશન’ના કલાકારો જિંદગી માટે કડવા થયા વિના પોતાનું કામ કરતા રહ્યા. ઈન્દ્રજિત દત્તા નામનો ગિટારિસ્ટ શરૂનાં વર્ષોમાં સાથે રહ્યો પણ પૈસાની ભીડને કારણે બૅન્ડ છોડી દીધું. આજની તારીખે ઈન્દ્રજિત જાહેરમાં અફસોસ કરે છે કે બૅન્ડ નહોતું છોડવું જોઈતું. જિંદગીમાં જે કરવું છે તે નથી કરતા અને પછી વાંક બીજાઓનો કાઢીએ છીએ. |
જીવનની
એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી ન શકાય.
મોટાભાગની મૂંઝવણો અને ગૂંચો તો સમય પસાર થતાં ઢીલી પડતી જાય છે અને આપોઆપ
ઉકલી જાય છે. પણ પૈસા કમાવા છે કે મનગમતું કામ કરવું છે એ વિશેનો ડાયલેમા એક એવી દ્વિધા છે જેનો ઉકેલ મોટી ઉંમરેય મળતો નથી. અથવા તો એમ કહીએ કે ઉકેલ તો મળી જાય છે. પણ એ સોલ્યુશનને સ્વીકારીને એનો અમલ કરવાની હિંમત નથી ચાલતી. ‘ઈન્ડિયન ઓશન’ બેન્ડ તો એક દાખલો છે. પૈસાને બદલે પૅશનને કેન્દ્રમાં રાખીને જિંદગી જીવાતી હોય ત્યારે એનું કેટલું સુંદર પરિણામ આવે એનો જીવતો જાગતો દાખલો છે. પૅશનનો મતલબ એવો નથી થતો કે તમે માત્ર વિચાર્યા કરો કે દીવાસ્વપ્નો જોતા રહો કે હું જિંદગીમાં ક્યારેક આ મનગમતું કામ કરીશ, પેલું કામ કરીશ. નાને પાયે, રોજ, સતત કામ શરૂ થઈ જવું જોઈએ. એક વાત જિંદગીમાં મને બહુ વહેલી સમજાઈ ગઈ હતી તમારી આડે કોઈ નથી આવતું અને બીજું તમારી કોઈ પણ મુસીબત માટે બીજાનો વાંક ક્યારેય કાઢવાનો નહીં. તમારે જે કરવું હોય તે કરતાં તમને તમારી જાત સિવાય બીજું કોઈ રોકનારું નથી હોતું. તમે જે બંધનોની વાત કરો છો તે તમારાં માની લીધેલાં બંધનો છે, વળગણો છે. તમે એ બંધનોથી છૂટી ન શકતા હો તો એનો મતલબ એ કે તમને તમારી પૅશન કરતાં મોટું વળગણ એ બંધનોનું છે. તમારે એવરેસ્ટના બેઝ કૅમ્પ સુધી ટ્રેકિંગ માટે જવું છે તો એ માટે છ મહિના ટ્રેનિંગ લેવી પડવાની. ઘર-પતિ કે પત્ની-બાળકો-રોજગારથી ટેમ્પરરી પણ મુક્ત ન થઈ શકતા હો તો એનો અર્થ એ કે ટ્રેકિંગ કરતાં મોટું પૅશન તમને આ બધી વાતોનું છે. તો પછી જાતને કોસવાનું બંધ કરીને કબૂલ કરો કે હા, ભાઈ મારા માટે ઘર-ફેમિલી મેમ્બર્સ-પૈસા કમાવા વગેરેનું મહત્ત્વ વધારે છે, ટ્રેકિંગનું ઓછું. અને કબૂલ કર્યા પછી મારાથી ક્યારેય ટ્રેકિંગ પર જવાતું નથી એવાં રોદણાં રડવાનું બંધ કરી દેવાનું, જાત સાથે પણ એવી વાત નહીં કરવાની. મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકરે એમના સિંગાપોરના અનુભવની વાત કરી. ભરચક ટ્રાફિકવાળો રસ્તો ઓળંગવાનો હતો. સિગ્નલ પાસે પાંચ-સાત મિનિટ ઊભા રહ્યા. મોટરિસ્ટો માટેનું ગ્રીન સિગ્નલ ક્યારેય લાલ થાય જ નહીં. છેક પંદર-સત્તર મિનિટે ખબર પડી કે અહીં પગે ચાલનારાઓએ સિગ્નલ પડે એની રાહ જોવાની નથી હોતી. રસ્તો ક્રોસ કરવો હોય તો જાતે જ બટન દબાવી દેવાનું. આપણા માટેની બત્તી ગ્રીન થઈ જશે અને ગાડીવાળાઓને લાલ સિગ્નલ મળી જશે. કેટલું સહેલું. આપણે રાહ જોઈને ઊભા રહીએ છીએ કે ક્યારે કોઈ આપણા માટે અનુકૂળતા કરી આપે, સંજોગો આપણી ફેવરના થાય પછી મનગમતું કામ શરૂ કરીએ. હકીકત એ છે કે મનગમતું જે કામ કરવું છે તે શરૂ કરી દેવાનું. રસ્તો આપોઆપ ખૂલતો જશે. બીજી વાત. તમારા કોઈ પણ વાંકગુના વિના બીજા કોઈએ તમને જાણી જોઈને કૂવામાં ધકેલ્યા હોય તોય તમારી આ પરિસ્થિતિ માટે બીજાનો દોષ નહીં કાઢવાનો. કોઈ તમને કૂવામાં ન નાખે એ માટે તમારે સાવધ રહેવાની જરૂર હતી. ગાફેલ રહ્યા એટલે કોઈએ તમારી સાથે બદતમીજી કરી. તમારા પોતાનામાં એટલી તાકાત કે ચબરાકી નહોતી કે પેલો ધક્કો મારતો હતો ત્યારે ટેબલ્સ ટર્ન કરીને તમે એને પણ કૂવામાં પાડો અથવા તો એથીય આગળ એને જ અંદર નાખો અને તમે બહાર રહો. બીજાનો વાંક નહીં કાઢવાનું સૌથી મોટું કારણ એ કે વાંક જેનો હોય તે અત્યારે આ પરિસ્થિતિમાં તો તમે પોતે જ છો. બીજાનો વાંક કાઢવાથી કંઈ તમે એમાંથી બહાર આવી જવાના નથી. ઊલટાનું કદાચ સેલ્ફ-પિટીમાં સરી પડશો અને જે પરિસ્થિતિ માટે તમે કારણભૂત નથી એમાંથી તમને ઉગારવાની જવાબદારી પણ તમારી નથી એવું વિચારીને તમારે પોતે જે પ્રયત્નો કરવાના હોય તે નહીં કરો. બીજાનો વાંક નહીં કાઢવાનો એનો મતલબ એ નથી કે તમારે તમારી જાતને કોસ્યા કરવાની, પોતાના માટે ઊણપત અનુભવવાની. હું જ નકામો છું, મારામાં કંઈ અક્કલ જ નથી, લોકો દર વખતે મારો ગેરલાભ લઈ જાય એવું વિચાર્યા કરશો તો તમારા જેવો લૂઝર બીજો કોઈ નહીં. પણ કોઈ મને આગળ આવવા દેતું નથી, બધાને મારી બહુ ઈર્ષ્યા થાય છે, દરેક જણ મને કોઈને કોઈ રીતે નડતું જ રહે છે, મારી કોઈને કદર જ નથી, બધાએ મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે, એકેએક જણ સ્વાર્થી છે, કોઈનું ભલું કરવાનો જમાનો રહ્યો જ નથી... આવું વિચાર્યા કરવાથી આપણે હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ એટલું જ નહીં ધીમે ધીમે પાછળ ખસતા જઈએ છીએ અને એક તબક્કે કાળની ગર્તામાં ખોવાઈ જઈએ છીએ. તો હવે આટલી વાત નક્કી. એક તો, પૈસો પૈસાની જગ્યાએ છે, લક્ષ્મી વંદનીય છે. પણ મનગમતું કામ કરવાની પ્રાયોરિટી પહેલી છે. બીજું, તમારે જે કરવું છે તે કરવા માટે કોઈ તમારે આડે નથી આવતું, તમારા પોતાનામાં જીદનો અભાવ હોય તો કોઈ શું કરે? અને છેલ્લે, મારી ખરાબમાં ખરાબ પરિસ્થિતિ સર્જાય તો પણ મારે બીજી કોઈ વ્યક્તિનો વાંક નથી કાઢવાનો, મારે પોતે જ પ્રયત્નો કરીને એમાંથી બહાર આવવાનું છે. બસ, હવે કરો જલસા. |
Tuesday, January 22, 2013
પૈસો કે મનગમતું કામ.-સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment