સત્ય અને અસત્યની ભેળસેળમાં સાચા-ખોટાનાં પારખાં કરવાં મુશ્કેલ છે |
જીવનદર્શન - મહેન્દ્ર પુનાતર સારું બોલવું, સાંભળવું, જોવું અને સારું કરવું એ ચાર ગુણો માણસના જીવનમાં વણાઇ જાય તો તેનું જીવન ધન્ય બની જાય. સારું બોલવું એટલે સત્ય બોલવું અને સારાસારનો વિવેક રાખવો, સારું સાંભળવું એટલે શ્રુત વચનો સાંભળવા, નિંદાથી દૂર રહેવું અને ગમે ત્યાં કાન સરવા કરવા નહીં. સારું જોવું એટલે જે છે તે જોવું તેમાં મનના રંગ પૂરવા નહીં અને સારું કરવું એટલે પ્રેમ, દયા અને કરુણા રાખવી અને જાણે અજાણ્યે કોઇનું કશું ખરાબ ન થાય, કોઇને ક્ષતિ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. અત્યારના સમયમાં સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઇને ગમતું નથી. સાચું બોલવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલા છે. લોકો પોતાના સ્વાર્થ માટે જૂઠનો સહારો લેતા હોય છે. માણસો કારણ વગર વાતવાતમાં જુઠું બોલતા હોય છે અને એકબીજાને બનાવતા હોય છે. સત્ય અને અસત્યની એટલી ભેળસેળ થઇ ગઇ છે કે સાચું શું અને ખોટું શું એ સમજવું મુશ્કેલ થઇ ગયું છે. દરેક માણસ પોતાની વાત સાચી સમજતો હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગર સત્ય સમજી શકાતું નથી. તેને સમજવા માટે ખુલ્લું દિલ અને વિશાળ દૃષ્ટિ જોઇએ. દરેક માણસ પોતાની રીતે સાચું શું છે તે મનમાં સમજતો હોય છે. પરંતુ સત્ય જ્યારે અનુકૂળ હોતું નથી ત્યારે જૂઠને સત્યના વાઘા પહેરાવીને સત્ય બનાવી દેવામાં આવે છે. પરંતુ આ જૂઠ લાંબો સમય ટકી શકતું નથી. એક જૂઠને છુપાવવા માટે અનેક જૂઠનો સહારો લેવો પડે છે અને છેવટે સત્ય પ્રગટ થઇ જાય છે. દરેક માણસ માને છે કે પોતે કહે છે તે સાચું છે. પોતાનો કક્કો સાચો ઠેરવવા માટે જાતજાતના પેંતરા થતાં હોય છે. કોઇ પોતાની કહેવાતી સાચી વાત ન માને ત્યારે અહમ્ ઘવાય છે. મોટા ભાગના મનદુ:ખો આમાંથી ઊભા થતાં હોય છે. કોઇ કાંઇ સંભળાવી જાય, ઊંચા સાદે બોલે કે ઠપકો આપે ત્યારે માણસનું મન ઘવાય છે. મનના ઘાવ જલદીથી રૂઝાતા નથી. પોતાનું અપમાન, અવહેલના થઇ હોય તેનો બદલો લેવાનો માણસ મોકો શોધતો હોય છે. કટુ વચનો દ્વારા એકબીજાને પરાસ્ત કરવાના પ્રયાસો થતા હોય છે. આ બધાના મૂળમાં એક જ વાત હોય છે. હું કહું એ જ સાચું બીજું બધું જૂઠ્ઠું. એકબીજા વચ્ચેના વહેવારમાં આવી નાની નાની વાતો ભૂલાતી નથી. અને પૂર્વગ્રહના જાળાઓ ગુંથાતા હોય છે. કોઇ માણસ પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય ત્યારે તેની કોઇ વાત ગમે તેટલી સાચી હોય તો પણ તેને સ્વીકારવા મન માનતું નથી. સત્ય સ્વીકારવામાં અભિમાન આડુ આવે છે. અહંકાર માણસને સાચી વાત સમજવા દેતો નથી. આમ પણ સત્ય શું છે એ દરેકની સમજણની વાત છે. સત્યના પણ અનેક પાસાં છે. સૌની વાતમાં થોડા થોડા સત્યના અંશો હોય છે. સંપૂર્ણ સત્યનો તાગ મેળવવો મુશ્કેલ છે. સત્ય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર બદલતું રહે છે. આજે જે વાત આપણને સાચી લાગતી નથી એ કાલે સાચી પણ લાગે. સમજણ અને અનુભવ આપણને સત્યથી નજીક લાવે છે. સત્ય બોલવામાં પણ સાવધાની રાખવાની જરૂર છે. તેનું પ્રયોજન શું છે તે સમજવું જોઇએ. સત્ય બોલવાનો આપણો હેતુ શું છે? આમ કરીને આપણે શું ઇચ્છીએ છીએ? સત્ય બોલીને આપણે બીજાને ફસાવવા માગીએ છીએ કે? ભીતરમાં શું ઘટી રહ્યું છે એ બધી બાબતોનું આમાં સવિશેષ મહત્ત્વ રહેલું છે. કેટલીક વખત માણસ સત્ય બોલે છે પણ બીજાના દિલને ઘાવ પહોંચાડવા માટે, બીજાને અપમાનિત કરવા માટે અથવા બીજાની માનહાનિ કરવા માટે. સત્ય પણ ખરાબ માણસોના હાથમાં ઘાતક શસ્ત્ર બની જાય છે. અપ્રિય સત્ય બોલવામાં કેટલીક વખત સૂક્ષ્મ હિંસા થઇ જતી હોય છે. આંધળા માણસને આપણે આંધળો કહીએ. ચોરને ચોર અથવા પાપીને પાપી કહીએ તો એ બિલકુલ સત્ય છે. પણ આપણી કેવી દૃષ્ટિ છે તેના પર આ સત્યનો આધાર છે. ચોરને ચોર કહીએ ત્યારે તેના દુષ્કૃત્ય તરફ આપણે ધ્યાન દોરવા માગીએ છીએ કે તેને અપમાનિત કરવા માગીએ છીએ એ બાબત મહત્ત્વની છે. આપણને પૂરી ખાતરી છે કે તે ચોર છે? તેને ચોર કહેવામાં આપણને આનંદ આવે છે? આપણો વિરોધી, દુશ્મન છે એટલે મોકો મળ્યો છે તો તેને ચોર તરીકે જાહેર કરવાની આપણે તક છોડવા માગતા નથી. આપણે તેના કરતા સારા છીએ એવો રસ તેમાંથી આપણે પ્રાપ્ત કરી રહ્યા નથી ને? આ સત્યનો નહીં પણ અહંકારનો રસ છે. સત્ય બોલવા પાછળ મલિન ઇરાદો હોવો જોઇએ નહીં. સત્ય આપણને પારદર્શક બનાવે છે. સન્માર્ગે ઘેરે છે. જીવનમાં પલટો આવી જાય છે. અનેક જૂઠોમાંથી બચી જવાય છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક ચોર હતો તેને આ ધંધો છોડવો હતો પણ છોડી શકતો નહોતો. તે એક સંત પાસે ગયો અને કહ્યું મહારાજ હું ખોટે પાટે ચડી ગયો છું મને આમાંથી ઉગારો. ચોરીની મને આદત પડી ગઇ છે. સંતે કહ્યું : જે કરતો હોય તે કરતો રહે પરંતુ હંમેશાં સાચું બોલજે. આમ કરીશ તો તને કોઇ દુ:ખ નહીં પડે. ચોરે કહ્યું : મહારાજ ચોરી કરવી અને સાચું બોલવું એ બંને વાતનો કઇ રીતે મેળ બેસે? સંતે કહ્યું : મેં જેમ કહ્યું છે તેમ કર. બીજી કશી બાબતની ચિંતા કરવાનું છોડી દે. સત્ય બોલવાથી તારી ચોરી છૂટી જશે. ચોરને સંતની વાત ગળે ઊતરી અને તેણે નિર્ણય કર્યો કે ગમે તે થાય પણ સત્ય બોલવું. એક વખત તે રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. તે દિવસે રાજા પણ વેશપલટો કરીને રાત્રે ફરવા નીકળ્યો હતો. એમાં તેને ચોરનો ભેટો થઇ ગયો. બંને વાતે વળગ્યા અને વાતવાતમાં રાજાએ પૂછ્યું આટલી મોડી રાતે આપ ક્યાં જાવ છો? ચોર ભાઇએ પ્રતિજ્ઞા લીધી હતી એટલે જુઠ્ઠું તો બોલાય નહીં. તેણે કહ્યું રાજાના મહેલમાં ચોરી કરવા જાઉં છું. રાજાએ કહ્યું : ચાલો હું પણ તમારી સાથે આવું એક કરતા બે ભલા. બંનેએ મહેલમાં પ્રવેશ કર્યો. એવું નક્કી કર્યું કે જે મળે તેમાં બંનેનો અર્ધો અર્ધો ભાગ. એક ઓરડામાંથી ચોરને પેટી મળી એમાં ત્રણ રત્ન હાર હતા. એક હાર પેટીમાં રહેવા દઇને તે બહાર આવ્યો અને રાજાને કહ્યું પેટીમાં ત્રણ હાર હતા. ભાગ પાડવામાં હરકત ન આવે તે માટે બે હાર લાવ્યો છું. એક પેટીમાં રહેવા દીધો છે. રાજાએ કહ્યું : તે આ ઠીક કર્યું. ફરીથી મળવાનો વાયદો કરીને બંને છૂટા પડ્યા. બીજા દિવસે મહેલમાં ચોરી થયાની ખબર પડી. રાજાએ ખજાનચીને તપાસ કરવા મોકલ્યા. પેટી ખુલ્લી હતી. બે હાર ગાયબ હતા. એક અંદર હતો. ખજાનચીના મનમાં લોભ જાગ્યો. તેને થયું બે હાર ચોરાયા કે ત્રણ ચોરાયા રાજાને શું ખબર પડવાની હતી. તેણે એક હાર પોતાના કપડામાં છુપાવી દીધો. તે રાજા પાસે આવ્યો અને કહ્યું મહારાજ બધા હાર ચોરાઇ ગયા છે. રાજાને બધી ખબર હતી. તેણે ખજાનચીને નોકરીમાંથી કાઢી મૂક્યો અને ચોરને ખજાનચી બનાવ્યો. સત્યનો સાધન તરીકે નહીં સાધ્ય તરીકે ઉપયોગ થવો જોઇએ. સત્ય દરેકનું પોતાનું હોય છે. તેમાં જીદ અહંકાર ભળે છે ત્યારે તેનું પરિણામ સારું આવતું નથી. લોકો સામસામા ટકરાય છે. સત્ય સાથે તેમને કોઇ લેવાદેવા હોતી નથી. સત્ય માટે કોઇ લડતું નથી અને સત્યની કોઇ લડાઇ હોતી નથી. સૌ લડે છે પોતાના મિથ્યાભિમાન માટે અને એમાં સૌથી મોટો ભોગ સત્યનો લેવાય છે. |
Wednesday, January 2, 2013
સત્ય પણ ખરાબ માણસના હાથમાં ઘાતક શસ્ત્ર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment