Friday, January 11, 2013

પત્રકારત્વ નું રાજકારણ-ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

Mumbai Samachar - મુંબઈ સમાચાર
મોહન ભાગવત શું બોલ્યા અને આપણે શું વાંચ્યું
 

અંબાણી બ્રધર્સ છૂટા પડયા એ સમયગાળાની આ વાત છે. ગુજરાતના એક પત્રકારે મોરારિબાપુના આ મુદ્દા વિશે પ્રતિભાવ માગ્યા. બાપુએ ફોન પર આવ્યા વિના કહેવડાવ્યું કે મારે આ વિશે કશું જ કહેવાનું ન હોય. બીજે દિવસે ન્યૂઝ છપાયા જેમાં મોરારિબાપુના મોઢામાં કેટલાક શબ્દો મુકાયા જે તેઓ બોલ્યા જ નહોતા. એ ગાળામાં હું અમદાવાદ રહેતો. બાપુ એ દિવસે ત્યાં જ હતા. એમણે ફોન કરીને મને મળવા બોલાવ્યો. તેઓ વ્યથિત હતા. એમણે ન આપેલા ઈન્ટરવ્યૂએ વાતનું વતેસર કરી નાખ્યું હતું. ખુદ કોકિલાબેન અંબાણીએ બાપુને ફોન કરીને કહ્યું કે તમે આવું કેમ બોલ્યા. મોરારિબાપુએ એક પત્ર તૈયાર કરાવ્યો, ખુલાસો કરતો. કે ભઈ, મેં આવો કોઈ ઈન્ટરવ્યૂ આપ્યો જ નથી. મને વંચાવ્યો. મેં કહ્યું, બાપુ આ પત્ર ન મોકલવો જોઈએ? કેમ? કારણ કે તમે મોકલશો તો જરૂર છપાશે પણ એનું મથાળું શું હશે એ હું તમને અત્યારથી કહી આપું: ‘મોરારિબાપુ ફેરવી તોળે છે’!

બાપુ હસી પડયા. પત્ર ફાડી નાખ્યો. કોઈ તમને કાદવમાં ઘસડી જવા માગતું હોય તો કંઈ આપણાથી ત્યાં પહોંચી ન જવાય.

લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનના હિંદુ મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે ત્યાં ગયા હતા. ભારત સરકાર વતી અને પાકિસ્તાન સરકારના સત્તાવાર મહેમાન તરીકે. પાકિસ્તાની પ્રમુખ કે વડા પ્રધાન ભારત આવે ત્યારે પ્રોટોકોલના એક ભાગરૂપે જેમ એમને ગાંધીજીની સમાધિએ રાજઘાટનાં દર્શન કરવા લઈ જવામાં આવે એમ અડવાણીને પણ મોહમ્મદઅલી ઝીણાની કબરનાં દર્શને લઈ જવામાં આવ્યાં. ત્યાં સત્તાવાર ફૂલની ગોળાકાર રિધ મૂકીને અડવાણી પાંચ-દસ સેકંડ  ઊભા રહ્યા. નથી માથું ટેકવ્યું, નથી પગે પડયા, પણ આપણા મીડિયાએ ચગાવ્યું કે અડવાણી મથ્થા ટેક કે આયે! એટલું જ નહીં, અડવાણીએ જે પ્રવચન ત્યાં આપ્યું તેને તોડીમરોડીને એ રીતે ભારતમાં પેશ કરવામાં આવ્યું કે જાણે અડવાણી ઝીણાના ચાહક હોય! મેં એ મૂળ પ્રવચનની નકલ નવી દિલ્હીથી મેળવીને એનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ કરાવીને પ્રગટ કર્યો ત્યારે અનેક ગુજરાતી વાચકો આશ્ર્ચર્યચકિત થઈ ગયા. વિશ્ર્વસનીય ગણાતા અંગ્રેજી મીડિયાએ કઈ હદ સુધી મૂળ પ્રવચન સાથે ચેડાં કર્યાં હતાં તે જાણીને લોકોને આઘાત લાગ્યો.

આજે અહીં બે લેટેસ્ટ ઉદાહરણોની વિગતે વાત કરવી છે. રાષ્ટ્રીય સેવક સંઘની વિચારધારા સાથે કોઈ સહમત હોય, ન હોય, સહેજ પણ પ્રોબ્લેમ નથી. જેમ કૉન્ગ્રેસની કે સામ્યવાદીઓની કે મુસ્લિમ લીગની સેક્યુલર વિચારધારા સાથે અમુક લોકો સહમત હોય, અમુક ન હોય.

પણ મેં કોઈ દિવસ જોયું નથી કે કોઈ હિન્દુવાદી પત્રકારે સેક્યુલર નેતાઓના પ્રવચનને મારીમચડીને છાપ્યું હોય. વારંવાર તમે જોશો કે સેક્યુલર પત્રકારો હિન્દુ નેતાઓને બદનામ કરવા એમના શબ્દોને તોડીમરોડી, તદ્દન જુઠ્ઠા સંદર્ભોમાં નાખી, સાવ ઊંધાચતા કરી નાખે, છાપે અને એટલું જ નહીં જે વિચારો પ્રગટ થતા જ નથી તેની ટીકા કરવા ટીવી પર ચર્ચાસભાઓ થાય, પેલા હિંદુવાદી નેતાને મારીઝૂડીને અધમૂઓ કરી નાખવામાં આવે અને બીજા દિવસે વળી નેશનલ પેપરો લાંબા... લાંબા તંત્રીલેખો લખીને બાકી જે કંઈ બચ્યું હોય તે પણ સાફ કરી નાખે.

આર.એસ.એસ.ની કે હિન્દુવાદી વિચારધારા સાથે સંકળાયેલી વ્યક્તિઓની ટીકા કરવી હોય તો પહેલાં એમના મૂળ વિચારોનું તમે અક્ષરશ: વાચકો સુધી રિપોર્ટિંગ કરો. પછી ટીકા કરો. પણ આ લોકોને ટીકા કરવામાં નહીં બદનામી કરવામાં રસ હોય છે. હિન્દુત્વની બદનામી, ભારતીય સંસ્કૃતિની બદનામી.

આર. એસ. એસ.ના સરસંઘચાલક મોહન ભાગવત આદરણીય વ્યક્તિ છે, ભણેલાગણેલા અને સંસ્કારી છે. એમણે આ એક અઠવાડિયામાં જે પ્રવચનો કર્યાં એમાંનાં ઉપરાછાપરી બે પ્રવચનોને સેક્યુલર મીડિયાએ ચગાવ્યાં. એક પ્રવચનમાં એમણે કહ્યું કે બળાત્કારો ભારતમાં નહીં, ઇન્ડિયામાં થાય છે અને બીજા પ્રવચનમાં એમણે કહ્યું કે લગ્ન તો કૉન્ટ્રાકટ છે અને પત્ની પતિની સંભાળ લેવા માટે કરારબદ્ધ છે. આવી હેડલાઈનો પછી પ્રવચનમાંનાં છૂટક વાકયો, સંદર્ભ વિના, તોડીમરોડીને મૂકવામાં આવ્યાં. તમે અંગ્રેજી વર્તમાનપત્રો વાંચતા હશો કે ટીવીની ન્યૂઝ ચેનલો જોતા હશો તો તમને મનમાં જરૂર એવી લાગણી થઈ હશે કે આ ભાગવત કેવી જુનવાણી અને તદ્દન વાહિયાત વાતો કરે છે, આર. એસ. એસ. તો છે જ સાવ જરીપુરાણી સંસ્થા, આજના મૉડર્ન યુગમાં આવી જર્જરિત વિચારોવાળી સંસ્થાની શું જરૂર છે.

પણ જો તમે મોહન ભાગવતના મૂળ પ્રવચન સુધી જવાની કોશિશ કરી હશે તો તમને ખ્યાલ આવશે કે એમના વિચારોમાંના શ્ર્વેત રંગને બિલકુલ શ્યામ બનાવીને તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ બંને પ્રવચનો નેટ પર ઉપલબ્ધ છે, યુટયુબ પર પણ છે અને ન્યૂઝ ભારતી ડોટ કોમ  પર પણ વાંચવા મળશે. 


ઝી ન્યૂઝે કહ્યું: ‘મોહન ભાગવત કહે છે કે સ્ત્રી (લગ્નના) કરારથી બંધાયેલી છે.’ ઈન્ડિયન એક્સપ્રેસે હેડલાઈન બનાવી: ‘પતિની દેખભાળ કરવા માટે સ્ત્રી કરારબદ્ધ છે.’ ઈન્ડિયા ટુડેએ કહ્યું: આરએસએસ ચીફ મોહન ભાગવતનું એક ઔર (ઊંબાડિયું): કહે છે કે ‘સ્ત્રીઓ માત્ર ઘરરખ્ખુ હોવી જોઈએ અને પુરુષોએ કમાવું જોઈએ.’ સીએનએન આઈબીએને કહ્યું: ‘આરએસએસ ચીફ કહે છે કે વિમેન શુડ બી જસ્ટ હાઉસવાઈવ્ઝ’ એન્ડ મેન ધ અર્નિંગ મેમ્બર્સ.’ એનડીટીવી કહે છે: ‘સ્ત્રીઓ ઘરેલુ કામ કરવા સર્જાયેલી છે: આરએસએસ ચીફનું એક ઔર આઘાતજનક વિધાન.’ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ લખ્યું: ‘મેરેજ ઈઝ લાઈક કૉન્ટ્રાક્ટ બિટવીન હસબન્ડ એન્ડ વાઈફ: મોહન ભાગવત.’

આ તમામ આદરણીય, પ્રતિષ્ઠિત, લોકપ્રિય અને વિશ્ર્વસનીય ગણાતાં મીડિયાએ પોતપોતાના રિપોર્ટ્સમાં આથીય વધુ તોડફોડ કરેલા પ્રવચનના ટુકડાઓ મૂક્યા. હિન્દુસ્તાન ટાઈમ્સ સહિત કેટલાકે તો એડિટોરિયલો છાપીને તંત્રીલેખોમાં ભાગવતના જુનવાણી અને સ્ત્રી વિરોધી માનસનો ઊધડો લીધો. રાષ્ટ્રીય સ્વયંસેવક જેવી તદ્દન નકામી સંસ્થાનાં ચીફ કેવો બકવાસ કરે છે એવું આપણને લાગે એ હદ સુધીની મોહન ભાગવતની ટીકાઓ થઈ.

તો મિત્રો, મોહન ભાગવતે કહ્યું શું? ન્યૂઝભારતી ડૉટ કોમ પર આ પ્રવચન જેમણે હજુ સુધી નથી વાંચ્યું કે યુટ્યુબ પર નથી જોયું એમના લાભાર્થે આરએસએસના સરસંઘચાલકના આ ‘વિવાદાસ્પદ’ પ્રવચનને અહીં ટાંકવાની રજા લઉં છું. હવે પછીના શબ્દો મોહન ભાગવતના છે:

"છેલ્લાં ત્રણસો વરસથી માણસ અહંકારી બનીને વિચાર કર્યા કરતો થઈ ગયો છે કે હું જે કહું છું તે જ સત્ય છે. આવું વિચારતો થયો એટલું જ નહીં એમાં માનતો પણ થઈ ગયો. માણસનો અહમ્ એટલો વધી ગયો કે એ કહેવા લાગ્યો કે જો પરમેશ્ર્વર હોય તો એણે મારી ટેસ્ટ ટ્યૂબમાં હાજર થવું પડે, તો જ હું માનું... તો આવી સ્થિતિ જ્યારે ઊભી થઈ ત્યારે પ્રશ્ર્ન થયો કે આ દુનિયા શું છે, આત્માપરમાત્મા બેકારની વાતો છે. જે કંઈ છે તે બધું જ ભૌતિકતાનો ખેલ છે. આ સૃષ્ટિમાં કોઈનો સંબંધ કોઈની સાથે નથી, જે કંઈ છે તે બધું જ સ્વાર્થ પ્રેરિત અને સ્વાર્થ આધારિત છે. આ એક સોદો છે, થિયરી ઓફ કૉન્ટ્રાક્ટ, થિયરી ઓફ સોશ્યલ કૉન્ટ્રાક્ટ. તે ત્યાં સુધી કે પત્નીનો પતિ સાથે સોદો નક્કી થઈ જાય છે. એને તમે લોકો વિવાહ સંસ્કાર ભલે કહેતા હો પણ એ એક સોદો છે (આખું પ્રવચન સાંભળવાની/વાંચવાની ધીરજ હશે તો સમજાશે કે ભાગવતજી પશ્ર્ચિમી સંસ્કૃતિ પર પ્રહારો કરી રહ્યા છે. એ પોતે શું માને છે તે હવે આવશે: (સૌ. શા.) તું મારું ઘર સંભાળ, મને સુખ આપ. હું તારા ભરણપોષણની ગોઠવણ કરી આપું છું. અને તને સુરક્ષિત રાખીશ. અને એટલે પતિને કારણે ઘર ચાલે છે. અને જ્યાં સુધી પત્ની કહ્યું માને છે ત્યાં સુધી પતિ એને કૉન્ટ્રાકટરૂપે રાખે છે, જ્યારે પત્ની કૉન્ટ્રાક્ટ પૂરો નથી કરી શકતી ત્યારે એને છોડી દો. કોઈ કારણસર પતિ કૉન્ટ્રાકટ પૂરો નથી કરી શકતો તો એને છોડી દો. બીજો કૉન્ટ્રાક્ટ કરવાવાળો શોધો. આમ જ ચાલે છે, બધી વાતોમાં સોદાબાજી જ થઈ ગઈ છે. પોતાના વિનાશનો ભય સર્જાય ત્યારે જ બીજાની રક્ષા કરવાની. પર્યાવરણને શુદ્ધ રાખો, નહીં તો શું થશે? મનુષ્યનો વિનાશ થઈ જશે. માણસનો વિનાશ ન થવાનો હોય તો પર્યાવરણની કોઈને પડી નથી. એટલે જ એક તરફ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાના અને બીજી તરફ ફેકટરીની ગંદકી નદીમાં છોડવાની - બેઉ એકસાથે ચાલ્યા કરે છે...

"સર્વે ભદ્રાણિ પશ્યન્તુ શું કામ? કારણ કે જો એવું નહીં થયું તો બહુ મોટો સંહાર થશે, ડરને કારણે... અને ડર ઝાઝું ટકતો નથી. આટલું મોટું રશિયા હતું, ૭૦-૭૨ સાલ સુધી એનાથી લોકો ડરતા રહ્યા. પણ પછી લોકોએ ડરવાનું છોડી દીધું. મરેલી મરઘી આગથી કેવી રીતે ડરે? એટલે ભયપૂર્વક એક વૈભવનું જે દૃશ્ય ઊભું કર્યું હોય તે ઝાઝું ટકતું નથી...

"આની સામે આ વિષયમાં ભારતના વિચારો શું કહે છે? એ કહે છે કે આવું નથી, મારા ભાઈ, દુનિયા સંબંધો પર આધારિત છે. દેખીતી રીતે બધા ભલે અલગ અલગ લાગે પણ બધા જ એક (સૂત્રે બંધાયેલા) છે. એમ કહો કે એક જ અનેકરૂપે પ્રગટ થયા છે. એટલે બધા એકમેકથી જુદા લાગે છે. વિશ્ર્વમાં કોઈ પણ જગ્યાએ બનતી નાનીસરખી અર્થહીન ઘટના પણ આખા વિશ્ર્વના કારભાર પર કોઈકને કોઈક રીતે તો અસર કરતી જ હોય છે. સારી ઘટનાઓ બની તો એનું પરિણામ સારું આવશે, નહીં બની તો નહીં આવે. કોઈકનો વિનાશ થઈ રહ્યો હોય તો તે તમારો પોતાનો વિનાશ છે. તમે એની સાથે જોડાયેલા છો, તમે એનું જ એક અંગ છો. કોઈ પણ મનુષ્ય આ સૃષ્ટિથી અલગ નથી.

"તમારા પોતાના ચિત્તમાં અભ્યાસપૂર્વક ધીરે ધીરે આનું મનન કરજો, જોજો, સમજજો, એની સાથે એકત્વ સાધજો, અને પછી એની સાથે જ રહેવાનો પ્રયત્ન કરજો. જે વ્યક્તિ આ રીતે એકત્વ સાધવાનો પ્રયત્ન કરે છે અને એમાં થોડીઘણી પણ સફળતા મેળવે છે એને ખ્યાલ આવે છે કે આ બધું જ મારું છે, બધામાં હું જ છું. એ પછી કયું કામ કેવી રીતે કરવાનું એનું કૌશલ્ય એનામાં આવે છે. ગીતામાં કહ્યું છે કે યોગ: કર્મસુ કૌશલમ્. એ પોતાનું જીવન તો સુખમય બનાવે જ છે, બીજાઓ માટે પણ સુખકારક નીવડે છે. પોતાના વિકાસથી એ આખી દુનિયાનો વિકાસ કરે છે અને આખી દુનિયાના વિકાસ દ્વારા પોતાનો વિકાસ કરે છે. દુનિયામાં કોઈ સંઘર્ષ નથી રહેતો. દુનિયામાં કોઈ તૃષ્ણા નથી રહેતી. દુનિયામાંથી દુ:ખ ઓસરી જાય છે. આપણે ત્યાં ભારતમાં જેટલી વિચારધારાઓ જન્મી છે એ સૌએ આ જ કહ્યું છે, શબ્દો માત્ર જુદા છે.

સરસંઘચાલક મોહન ભાગવતની આ ઉમદા ફિલસૂફી કૉન્વેન્ટ એજ્યુકેટેડ સેક્યુલરવાદીઓને હાય-ફન્ડા લાગે અને આ વાતો એમના માથા પરથી બાઉન્સ થઈને જાય એ શક્ય છે, પણ ન સમજાય તો એનું રિપોર્ટિંગ નહીં કરવાનું. જે વિચારનો ભાગવતજીએ વિરોધ કર્યો છે, લગ્ન માટેની પાશ્ર્ચાત્ય મેન્ટાલિટીનો, એ વિચારો જાણે ભાગવતજીના પોતાના છે એવું રિપોર્ટિંગ તમે કરો, અને કરો એટલું જ નહીં આવા વિચારો કરવા બદલ તમે દિવસરાત ટીવી પર, તંત્રીલેખોમાં એમને ધીબેડો ત્યારે કોનું કૅરેકટર ઉઘાડું પડે છે? મોહન ભાગવતનું કે મીડિયાનું?

આ લગ્નવાળી વાતના આગલા દિવસે મોહન ભાગવતે કહ્યું કે બળાત્કારો ‘ઈન્ડિયા’માં બને છે ‘ભારત’માં નથી બનતા. આ વિધાન પર પણ એમના પર ઘણી મોટી પસ્તાળ પડી હતી. એમણે ખરેખર શું કહ્યું હતું તે વાંચવા જેવું છે. તમને થશે કે મીડિયાની મૂર્ખામી પર હસવું કે મીડિયાની બદમાશી પર ક્રોધિત થવું. તમે જ નક્કી કરજો.


જાવેદ અખ્તર એક આદરણીય અને જવાબદાર સર્જક છે પણ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના પ્રવચનની મીડિયામાં તદ્દન ઊંધી રજૂઆત થઈ તે જાવેદસા’બ જેવા અનેકના ગળે ઊતરી ગઈ. જાવેદ અખ્તરે તો મૂળ પ્રવચનમાં શું હતું ને શું નહીં એની તપાસ કર્યા વિના, માત્ર અંગ્રેજી મીડિયાની હેડલાઈનોના આધારે સ્ટેટમેન્ટ પણ ફટકારી દીધુ: ‘ફરી એકવાર પુરવાર થઈ ગયું કે તમામ જમણેરીઓની માનસિકતા એકસરખી જ હોવાની. એ લોકો સ્ત્રીઓને ધિક્કારતા હોય છે અને એમનો આદર કરવાને બહાને એમને ધાકમાં રાખીને ગુલામ બનાવી દે છે.’

કાશ, જાવેદ અખ્તર જેવા માણસે દ્વેષયુકત સેક્યુલરિઝમનાં ચશ્માં છોડીને તટસ્થ બનીને મોહન ભાગવતના પ્રવચનના શબ્દો સુધી જવાની કોશિશ કરી હોત. ખેર, સામ્યવાદીઓ અને હિંદુત્વદ્વેષીઓ પાસેથી આવી તટસ્થતાની આશા જ રાખવી નકામી.

મોહન ભાગવતે કહ્યું કે બળાત્કારો ‘ઇન્ડિયા’માં થાય છે ‘ભારત’માં નહીં એવી હેડલાઈનો ઉછાળીને ટીવીના ચશ્મિસ્ટ પંડિતો મનફાવે એમ કમેન્ટ્સ ફેંકવા લાગ્યા. કોઈએ પૂછયું પણ નહીં કે ભાઈ, જરા સંભળાવો તો ખરા આખું પ્રવચન કે કયા સંદર્ભમાં આ બોલાયું છે.

અસામના સિલ્ચર શહેરમાં પ્રબુદ્ધ નાગરિકો સાથેના વાર્તાલાપમાં મોહન ભાગવતને દિલ્હીના બળાત્કારના સંદર્ભમાં પ્રશ્ર્ન પૂછાયો જેના જવાબમાં એમણે કહ્યું:

"ઈન્ડિયામાં જે આ બની રહ્યું છે, વધી રહ્યું છે તે બહુ ખતરનાક છે અને અશ્ર્લાદ્ય (ટીકાને પાત્ર) છે. પણ આવું ભારતમાં નથી થતું. એ ઇન્ડિયામાં થાય છે. જયાં ઈન્ડિયા નથી, કેવળ ભારત છે ત્યાં આવી વાતો નથી બનતી, આજે પણ જેમણે ભારત સાથેનો નાતો તોડયો એમણે આ કર્યું. કારણો અનેક છે. પ્રમુખ કારણ એ પણ છે કે આપણે નાનમતાને ભૂલી ગયા, સંસ્કારોને ભૂલી ગયા. માનવતા અને સંસ્કાર કેવળ પુસ્તકો વાંચવાથી નથી આવી જતાં, પરંપરાને લીધે આવે છે. પરવરિશથી આવે છે, પરિવારમાંથી આવે છે. પરિવાર આપણને શું શીખવાડે છે એમાંથી આવે છે.

"દુનિયાની મહિલાઓ તરફ જોવાની દૃષ્ટિ વાસ્તવમાં શું છે? દેખાય છે કે મહિલા પુરુષ માટે ભોગવવાની વસ્તુ બની ગઈ છે. પરંતુ તે લોકો એવું બોલશે નહીં. બોલશે તો બબાલ થઈ જશે. પણ જરા ઊંડા ઊતરીને જોશો તો લાગશે કે એ લોકોનો વ્યવહાર એવો જ છે જાણે મહિલા કોઈ ઉપભોગની ચીજ હોય. એ એક સ્વતંત્ર જીવ છે એટલે એને સમાનતા આપવામાં આવે છે પણ ભાવ એ જ ઉપભોગવાળો હોય છે. આપણે ત્યાં એવું નથી હોતું. આપણે કહીએ છીએ કે મહિલા જગતજનની છે. કન્યાઓને ભોજન કરાવાય છે આપણે ત્યાં કારણ કે એ જગતજનની છે ઉત્તર ભારતમાં આજે પણ
કન્યાઓ પગે પડવા આવે ત્યારે વડીલો એમને ચરણસ્પર્શ કરવા દેતા નથી કારણ કે એ જગતજનનીનું રૂપ છે. ઊલટાનું લોકો એના પગે પડતા હોય છે. મોટા મોટા નેતાઓ પણ આવું કરતા હોય છે. એમની સામે કોઈ નમસ્કાર કરવા આવે તો ના પાડીને પોતે સામેથી ઝૂકીને નમસ્કાર કરતા હોય છે. એ લોકો હિન્દુત્વવાદી ન હોય તો પણ આવું કરતા હોય છે કારણ કે આ જ કૌટુંબિક સંસ્કાર છે. આ સંસ્કાર આજના તથાકથિત એફલ્યુઅન્ટ પરિવારોમાં નથી જોવા મળતા. ત્યાં તો કરિયરિઝમ છે. પૈસા કમાઓ, પૈસા કમાઓ એ સિવાય બીજા કશા સાથે કોઈ લેવાદેવા નથી.

"આજના શિક્ષણે આ સંસ્કારોને બહાર હાંકી કાઢવાની હોડ લગાડી છે. શિક્ષણ વ્યક્તિને સુસંસ્કૃત બનાવવા માટે હોય છે. પરંતુ આજે એવું દેખાતું નથી. શિક્ષણ માનવત્વમાંથી દેવત્વ તરફ લઈ જવાવાળું હોવું જોઈએ. પરંતુ શિક્ષણ સંસ્થાઓમાંથી એવા શિક્ષણને લગભગ હટાવી દેવામાં આવ્યું છે. સમાજમાં મોટા માણસોએ જે આદર્શો રાખવાના હોય એ આદર્શો નથી રખાતા. આ પરિસ્થિતિ બદલાવી જોઈએ. કડક કાનૂન જરૂર હોવા જોઈએ. એમાં કોઈ બેમત નથી. ગુનેગારોને આકરામાં આકરી સજા થવી જોઈએ. એમાં પણ કોઈ બેમત નથી. ફાંસીની થતી હોય તો થાય. વિદ્વાન લોકો એ વિશે વિચારીને નક્કી કરે. પણ કેવળ કાયદાઓથી અને સજાની જોગવાઈઓથી વાત નથી બનતી. સડક પરના ટ્રાફિક માટે કાનૂન તો છે પણ વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે? પોલીસ હોય ત્યાં સુધી લોકો કાયદાને માન આપે છે. કયારેક તો પોલીસ હોય તોય કાનૂનનો ભંગ થાય છે. જેટલું મોટું શહેર અને જેટલા સંપન્ન અને સુશિક્ષિત લોકો એટલા ટ્રાફિકના નિયમો વધારે તૂટે છે.

"કાનૂન અને વ્યવસ્થાની સિસ્ટમ જો ચલાવવી હશે તો માણસે પાપભીરુ બનવું પડશે અને એના માટે સંસ્કારોનું હોવું બહુ જરૂરી છે. આપણી સંસ્કૃતિના સંસ્કારોને ફરીથી જીવિત કરવા પડશે. શિક્ષણમાં જો એ કામ થઈ શકે તો પરિસ્થિતિ બદલી શકીશું. ત્યાં સુધી કડક કાનૂન, કડક સજાઓ આવશ્યક છે.

"મહિલાઓને જોવાની આપણી દૃષ્ટિ માતૃશક્તિ જ છે. એ ભોગવસ્તુ નથી, દેવી છે. પ્રકૃતિની નિર્માત્રી છે. આપણા સૌની ચેતનાની પ્રેરક શક્તિ છે અને આપણને સઘળુંય આપનારી માતા છે. આ દૃષ્ટિ આપણે જયાં સુધી સૌમાં લાવતા નથી ત્યાં સુધી આનો અંત નહીં આવે. કેવળ કાનૂન બનાવવાથી કામ નહીં ચાલે. કાયદો હોવો જોઈએ પણ સાથે સંસ્કાર પણ જોઈએ.

હવે આમાં ટીકા કરવા જેવું શું છે? ટીકા એટલા માટે થઈ કેમ કે એમણે ભારતીય સંસ્કૃતિની વાત કહી. અને સેક્યુલરે ડાયરેક્ટલી તો ભારતીય સંસ્કૃતિની વાત કરતાં કહે છે એટલે પછી ભાગવતજીના ‘ઈન્ડિયા’ અને ‘ભારત’વાળા વિધાનને મારીમચડી એનું તદ્દન જુઠ્ઠું અર્થઘટન કરી એમના પર ટીકાઓનો વરસાદ વરસે છે. રિયલ ટાર્ગેટ ભાગવતજી નથી, આરએસએસ પણ નથી, ખરું નિશાન ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિમાં ઉછરેલા આપણે સૌ છીએ.

તો હવે શું કરવાનું? મીડિયાનું પાણી ચાર ગળણે ગાળીને પીવાનું. બને તો ઉકાળીને, ઠારીને, કચરો ગાળીને પીવાનું.

No comments:

Post a Comment