Wednesday, January 2, 2013

સાકર વધારે જોખમી કે સિગરેટ?


ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

આપણે ભારતીયો લાંબું જીવતાં થયા છીએ પણ વૃદ્ધાવસ્થામાં આપણી તબિયત તદ્દન લથડી જાય છે એવું એક લેટેસ્ટ સર્વે કહે છે.

ગાંધીજી સવાસો વર્ષ જીવવા માગતા હતા અને અમે પણ કોઈ ગોડસે અમારા જીવનમાં ન આવે તો ગાંધીજીની એ ઈચ્છા પૂરી કરવા માગીએ છીએ. ડોક્ટરોથી માંડીને આરોગ્યના વિષયના નિષ્ણાતો સિગરેટને ખરાબ તબિયત માટેનું સૌથી મોટું કારણ ગણે છે. સિગરેટ પીવી હાનિકારક હશે, ચાલો ને છે, પણ એ વિશે ઘણી બધી અતિશયોક્તિ પ્રચલિત છે. અત્યારે હું સિગરેટની વિરુદ્ધમાં નથી લખવા માગતો કારણ કે વચ્ચેના પાંચ વર્ષ સમૂળગી છોડી દેવા છતાં ત્રણ-ચાર વર્ષ પહેલાં પાછી ચાલુ કરી. હવે જ્યારે કાયમની છૂટશે ત્યારે સિગરેટની વાત.

મારી માન્યતા, જાણકારી અને રિસર્ચ એમ કહે છે કે સિગરેટ કરતાં શુગર વધારે જોખમી છે (અંગ્રેજીવાળા શ્યોર, શુગર જેવા ઉચ્ચારો ‘એસ’ની સાથે ‘એચ’ નહીં લાગતો હોવા છતાં શું કામ કરતા હશે?) ખાંડ, સાકર કે શુગરને મારી દાદી ગામમાં મોરસ કહેતી. એ જમાનામાં મોરેશ્યસથી ખાંડ આવતી એટલે કદાચ.

શુગરને સિગરેટ જેટલી બદનામ નહીં કરવાનું મોટું કારણ વ્યાપારિક છે. કોલા કંપનીઓ, બિસ્કિટ કંપનીઓ અને પિત્ઝા વગેરે ફાસ્ટફૂડ, ટિનમાં ફૂડ વેચતી કંપનીઓ જેવી સેંકડો ઈન્ડસ્ટ્રીઝની રોજીરોટી સાકર વિના અટકી પડે. એટલું જ નહીં લોકોમાં જો સાકર નહીં ખાવા વિશે જાગૃતિ આવે તો ડાયાબિટીસની બીમારી નહિવત થઈ જાય જેને કારણે બ્લડપ્રેશર કિડનીની તકલીફ વગેરે જેવા ડઝનબંધ રોગો ઘટી જાય. સરવાળે નુકસાન લાખો ડોક્ટરોને થાય. ડોક્ટરો કરતાં વધારે, અબજો રૂપિયાનું નુકસાન દવા બનાવતી કંપનીઓને થાય.

શુગર સફેદ ઝેર છે એ વાક્ય ઘણું જૂનું છે અને સો ટકા સત્ય છે. અહીં હું મારા ગજા પ્રમાણે આ વિષય પર થોડુંક લખીશ. બાકીનું તમે ‘શુગર નેશન’ (જેફ ઓ’કોનેલ) અને ‘શુગર બ્લ્યુઝ’ (વિલિયમ ડફી) આ બે ખૂબ જાણીતાં અને ઈઝીલી ઉપલબ્ધ પુસ્તકોમાંથી વાંચી લેજો.

શુગર છોડવી કે ઓછી કરવી અઘરી નથી. ખાવાની કે લાઈફસ્ટાઈલની કોઈ પણ આદત બદલી શકાય છે. એક સાથે બધું જ બદલવાની કોશિશ નહીં કરવાની. ખાંડ બંધ કરવી કે ઓછી કરવી હોય તો ૨૧ દિવસ સુધી મન મક્કમ કરીને નવું પ્રમાણ જાળવી રાખવું. ૨૧ દિવસ પછી તમે અગાઉના જેટલી ખાંડ ખાવાની કોશિશ કરશો તોય નહીં ખવાય. ખાંડનો ગઢ સર કર્યા પછી તેલ, કસરત, મેંદો (અને હા, સિગરેટ) જેવા કિલ્લાઓ સર કરવાની કોશિશ કરવી. અહીં માત્ર ખાંડ ખાવાની વાત કરવી છે.

જૂના કોઈ પણ ધર્મના ગ્રંથોમાં ખાંડના ઉલ્લેખો નથી. ખાંડ અર્વાચીન યુગની શોધ છે. અગાઉ ભોજનમાંની મીઠાશ કુદરતી ખાદ્ય પદાર્થોમાંથી આવતી. લેટિન નામ સકારમ જે શર્કરા પરથી આવ્યું. ખાંડની પેદાશ તથા એનું ચલણ પ્રચલિત થયું તેની પાછળ માત્ર સત્તાનો લોહિયાળ જંગ છે જેમાં ઊંડા ઉતરવાની અહીં જરૂર નથી. ખ્રિસ્તી અને ઈસ્લામ ઈતિહાસ એની સાથે સંકળાયેલા છે. આધુનિક ઈતિહાસમાં એટલે કે ઈ. સ. ૧૬૬૦ પછી બ્રિટિશ લોકોએ શુગરને એક શસ્ત્ર તરીકે વાપરીને સામ્રાજ્ય વધાર્યું. ટૂંકમાં, ખાંડ જીવન જરૂરિયાતની નહીં પણ વેસ્ટેડ ઈન્ટરેસ્ટના પ્યાદું તે વખતે પણ હતી અને અત્યારેય છે.

તમને નવાઈ લાગશે કે બિયરને લિક્વિડ બ્રેડ ગણવામાં આવતો. એક જમાનામાં તે હેલ્ધી પીણું હતું. પણ ખાંડ દ્વારા પોલિટિક્સ રમનારા શાસકોઅ બિયરમાં ખાંડ દ્વારા આથો લાવવાની છૂટ આપી દીધી અને એ બિયર હાનિકારક બની ગયો. એક જમાનામાં બિયરમાં ખાંડ નાખવાથી સજા થતી.

ચામાં નાખીએ છીએ તે પાસાદાર રિફાઈન્ડ શુગર તો બહુ મોડેથી આવી. ખાંડનો આ પ્રકાર તો ઝેર કરતાં વધારે ખતરનાક છે. એક જમાનામાં શુગર વ્હિસ્કી કરતાં કે બીજી ખાવાપીવાની ચીજો કરતાં ખૂબ મોંઘી હતી. ૧૮૪૦ની સાલ પછી એનો વપરાશ વધારી વધારીને એનું ઉત્પાદન સસ્તું બનાવવામાં આવ્યું.

આ ખાંડ કોઈ પણ સ્વરૂપે પેટમાં જાય છે ત્યારે લોહીમાંના ગ્લુકોઝનું બેલેન્સ ખોરવાય છે, ઈન્સ્યુલીનનું લેવલ બદલાય છે. આને કારણે વર્ષો પછી શરીરમાં જે પરિસ્થિતિ સર્જાય છે તેને ડાયાબિટીસ કહે છે.

કમનસીબે ૪૦, ૫૦ કે ૬૦ વર્ષે આપણને શુગરને કારણે સર્જાતાં જોખમોની સમજ આપવામાં આવે છે. હકીકતમાં સ્કૂલનાં પાઠ્યપુસ્તકોમાં જ આ બધી લાલબત્તી ધરી દેવી જોઈએ. પણ જે સ્કૂલો પોતાની કેન્ટીન માટે કોલા કંપનીઓ સાથે સોદાબાજી કરતી હોય તે સ્કૂલો આવાં પાઠ્યપુસ્તકો છપાય તોય એનાં પાનાં ફાડી નાખવાનો આદેશ વિદ્યાર્થીઓને આપે.

રિફાઈન્ડ શુગર છોડી દેવાથી તબિયતમાં કે સ્વાદમાં કોઈ તકલીફ નથી થતી. શરીરને જોઈતી સાકર ફ્રુટ્સ અને બીજા ખોરાકોમાંથી પૂરતી મળી રહે છે. મીઠાઈઓ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ, ઠંડાં પીણાંમાં નખાતી કે ચા કૉફી તથા ખાવાનું રાંધતી વખતે ડાયરેક્ટ નખાતી શુગર હાનિકારક છે એ આપણે બધા જાણીએ. નથી જાણતા એટલું જ કે આ શુગર ક્ધઝમ્પશન અનનેચરલ છે. સિગરેટ પીવા જેટલું જ અકુદરતી.

ઈન્સ્યુલિનથી શુગર ક્ધટ્રોલ થઈ જશે એમ માનીને એવી દવાઓના બંધાણી થઈ જનારાઓના માથે શુગરનું અને દવાઓનું - બમણું જોખમ છે. ચાર પેગ વ્હિસ્કી પીધા પછી જે નશો ચડે એને ડોક્ટર કોઈ રોગનું નામ આપી દે અને પછી કહે કે હવે તમને એક ઇંજેકશન આપું છું જેને લીધે

આટલું બધું પીધા પછી પણ નશો નહીં ચડે - તો આ કેવી બેવકૂફ જેવી વાત કહેવાય. વ્હિસ્કી પીધી છે તો નશો થવાનો જ છે, એ ન થાય તે માટે દવા ન લેવાની હોય, વ્હિસ્કી ન પીવી એ જ એનો ઈલાજ છે.

ડાયાબિટીસ જેવી પરિસ્થિતિનો ઈલાજ ઇન્સ્યુલીન નથી, ખાવાપીવામાંથી શુગરની બાદબાકી કરવી જરૂરી છે. ઈન્સ્યુલીનની શોધ થઈ તે પહેલાં બ્રિટનમાં ડાયાબિટીસથી જેટલા લોકો મરતા તેના કરતાં વધારે લોકો ઈન્સ્યુલીનની શોધ થયા પછી ડાયાબિટીસને કારણે મરતા થઈ ગયા.

એલોપથી પર આધાર રાખીને જીવનનિર્વાહ કરનારાઓને નહીં ગમે, પણ હકીકત એ છે કે માણસનું આયુષ્ય વધારવામાં સાયન્સે મોટો ભાગ ભજવ્યો પણ માણસની તંદુરસ્તી સાથે ચેડાં કરવામાં મેડિકલ સાયન્સે એનાથી પણ મોટો ભાગ ભજવ્યો છે. ડાઉટ હોય તો ઋષિતુલ્ય ડોક્ટર મનુભાઈ કોઠારીને કોઈ વખત પૂછી જોજો

No comments:

Post a Comment