સ્વાર્થનો સંઘર્ષ: છેતરવા કરતાં છેતરાઈ જવું સારું |
સ્વાર્થ ભાવનામાં સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. દીકરો બાપ સાથે ઝઘડે છે. સ્નેહીઓ વચ્ચે દીવાલો રચાય છે. ગાઢ મૈત્રી તૂટે છે અને ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવનમાં સ્વાર્થનો સંઘર્ષ છે. પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે. રાગ-દ્વેષનો આ સંગ્રામ છે. સ્વાર્થ વધુ ઘેરો બને છે ત્યારે તેમાં મતાગ્રહ, હઠાગ્રહ અને ઝનૂન ઉમેરાય છે. માણસમાં પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર અને દયાનાં ઝરણાંઓ અને સ્ત્રોતો અનેકવિધ સ્વરૂપે વહેતાં હોય છે પણ સ્વાર્થની પાળોથી આ વહેણો અટકી જાય છે. પોતાનો સ્વાર્થ સધાતો હોય ત્યારે માણસ બધું કરી ચૂકે છે. સ્વાર્થ ભાવનામાં સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. દીકરો બાપ સાથે ઝઘડે છે, સ્નેહીઓ વચ્ચે દીવાલો રચાય છે. ગાઢ મૈત્રી તૂટે છે અને ભાઈઓ ભાઈઓ દુશ્મન બની જાય છે. પોતાના થોડા એવા સ્વાર્થ માટે બીજાનું પારાવાર નુકસાન કરી નાખે છે. સ્વાર્થ આવે છે ત્યારે માણસ અંધ બની જાય છે, દૃષ્ટિ સીમિત થઈ જાય છે. પોતાના લાભ સિવાય તેને બીજું કશું દેખાતું નથી. સ્વાર્થ માટે માણસ અસત્ય, હિંસા અને અનીતિનો આશ્રય લે છે, જૂઠું બોલે છે, કપટ આચરે છે અને બીજાને એક યા બીજી રીતે છેતરતો રહે છે. જીવનનાં બધાં દુ:ખોનું મૂળ સ્વાર્થ છે. સ્વાર્થના કારણે લોભ અને મોહ ઊભો થાય છે અને માણસ ન કરવાનાં કામો કરે છે. માણસ સમાજમાં અનેક પ્રશ્ર્નોથી વીંટળાયેલો, મૂંઝાયેલો છે. સામાન્ય માણસ આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી બચવા મથામણ કરે છે. સુખ ઝંખે છે, મુશ્કેલીઓ ટાળવા મથે છે. તે નથી સંત કે નથી દુષ્ટ, તે નથી ધાર્મિક કે અધાર્મિક, તે નથી સદાચારી કે દુરાચારી. તે સત્ય-અસત્ય, નીતિ-અનીતિ, પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચે ખેંચતાણ અનુભવતો હોય છે. સામાન્ય માણસો થોડુંક કહેવાતું સુખ મેળવવા માટે અબુધપણે અજ્ઞાન વશ અનીતિ આચરે છે. શક્તિશાળી માણસો સત્તા, કીર્તિ, પદ અને પ્રતિષ્ઠા માટે જૂઠ અને અનીતિનો સહારો લેતા હોય છે. સ્વાર્થ, લોભ અને મોહના કારણે માણસ જૂઠ, ફરેબ અને કાવાદાવા રચે છે. આમ છતાં જન સમાજ અને સમુદાય સર્વથા મનુષ્યત્વ ગુમાવી બેઠો નથી. દરેક માણસ સારો અને સદાચારી બનવા ઈચ્છે છે. સંજોગો અને પ્રકૃતિ અનુસાર તે સ્વાર્થમાં ખેંચાય છે. આમ છતાં સ્વાર્થભાવના વચ્ચે પણ કદી કદી સારાઈનાં તત્ત્વો બહાર આવે છે. કોઈપણ માણસ બધી રીતે સારો કે ખરાબ નથી. ખરાબ માણસ પણ સારું કરે છે ત્યારે દેવદૂત જેવો લાગે છે. આવું બને છે ત્યારે પુષ્પો ખીલી ઊઠે છે. માનવતાનો ઉજાસ દેખાય છે. સાધુ-સંતો પણ સર્વગુણ સંપન્ન નથી. જગતમાં સારું અને ખરાબ બંને છે તે દ્વંદ્વો અને વિરોધાભાસ વચ્ચે ચાલી રહ્યું છે. શુભ-અશુભ, સારું-નરસું, સુખ-દુ:ખ, ચડતી-પડતી, આશા-નિરાશા, જય-પરાજય બધું સાથે ચાલી રહ્યું છે. જિંદગી એ સમયનો સરવાળો છે. એમાં આપણે ગુણાકાર કરતા રહીએ છીએ અને છેવટે ભાગાકાર થઈ જાય છે. ટૂંકા સ્વાર્થ અને બીજાને ઓછું અને પોતાને વધુમાં વધુ મળી જાય એવી લાલસાના કારણે આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ. એક બોધકથા આ અંગે પ્રેરક છે. એક કુંભારને ગધેડા ચરાવતાં ચરાવતાં નદીના પટના ઉપરવાસમાંથી એક ચમકતો પથ્થર દેખાયો. તેજના ઝગારા મારતો એ પથ્થર એટલો આકર્ષક હતો કે તેણે ઊંચકીને ફેરવી ફેરવીને જોયો. તેને થયું ચાલો છોકરાઓને રમવાના કામમાં આવશે. પછી થયું કે આ સરસ ચમકતો પથ્થર છોકરાઓ ખોઈ નાખશે તેથી તેણે આ ગોળમટોળ પથ્થર ગધેડાની ડોકે બાંધી દીધો. એક દિવસ એ ગધેડાને લઈને જતો હતો ત્યાં સામેથી ગામનો ઝવેરી મળ્યો. ગધેડાની ડોકમાં આ ચમકતો પથ્થર જોઈને તેને આશ્ર્ચર્ય થયું. પાસે જઈને આ પથ્થરને ચોમેરથી બરાબર નિહાળ્યો. ગધેડાની ડોકમાં હીરો જોઈને તેને આશ્ર્ચર્ય થયું. લાખો રૂપિયા આપતાં ન મળે એવું આ રતન હતું. અબુધ કુંભારતે તેની કિંમતનો ખ્યાલ શી રીતે આવે? તેને મન તો આ ચકમકતો પથ્થર હતો. ઝવેરીએ જઈને પૂછ્યું: તારે આ પથ્થર વેચવો છે? કુંભારે હા પાડી. શેઠે કહ્યું: બોલ કેટલા પૈસા આપું. કુંભારને થયું શેઠ બરાબર લાગમાં આવ્યા છે. આ પથ્થર તેમને ગમી ગયો છે. એટલે હવે ઓછા પૈસા લેવાય નહીં. કુંભારે કહ્યું: પૂરા સો રૂપિયા લઈશ. એમ માગી રકમ આપી દે તો શેઠ શેના? શેઠે કહ્યું: કેમ ગાંડો થઈ ગયો છે. આના સો રૂપિયા હોય. આના તને કોઈ પાંચ રૂપિયા પણ નહીં આપે. રકઝક પછી શેઠ આ પથ્થરના રૂપિયા ૫૦ આપવા તૈયાર થયા. પણ કુંભારે જીદ પકડી કે આમાં કાંઈ ઓછું નહીં થાય. શેઠને થયું ગામમાં આની કિંમતની કોને ખબર છે. બીજું કોઈ દસ રૂપિયા પણ આપવા તૈયાર નહીં થાય. આજે નહીં તો કાલે એ ૫૦ રૂપિયામાં દોડતો આવશે. એક-બે દિવસમાં ક્યાં ખાટું-મોળું થઈ જવાનું હતું. એક-બે દિવસ થયા ત્યાં પાછો શેઠને કુંભારનો ભેટો થઈ ગયો. શેઠે જોયું તો ગધેડાની ડોકમાંથી પથ્થર ગુમ. તેને ઘડીભર આંચકો લાગી ગયો. તેણે કુંભારને પૂછ્યું ગધેડાની ડોકમાંથી પથ્થર કેમ કાઢી નાખ્યો. કુંભારે કહ્યું: હું ગધેડાને લઈને ઊભો હતો ત્યારે કોઈ શેઠ રસ્તા પરથી મોટરમાં પસાર થયા અને ગધેડાની ડોકમાં આ પથ્થર જોઈને નીચે ઊતર્યા. તેમને આ ચકમકતો પથ્થર ગમ્યો અને મને ૨૦૦ રૂપિયા આપીને ખરીદી લીધો. આપણને ફાયદો થઈ ગયો. શેઠે કહ્યું: મૂરખ, આ પથ્થર હીરો હતો. લાખો રૂપિયાની ચીજ તેં માત્ર ૨૦૦ રૂપિયામાં પધરાવી દીધી અને મોટું નુકસાન વહોરી લીધું. કુંભારે કહ્યું: હું તો અબુધ છું. મને કિંમતની શી ખબર. આમ છતાં હું ફાયદામાં રહ્યો. મને સોને બદલે બસો રૂપિયા મળ્યા, પરંતુ તમે ઝવેરી થઈને માત્ર રૂપિયા ૫૦ના લોભમાં લાખો ગુમાવ્યા. મૂરખ કોણ હું કે તમે? ઓશોએ ટાંકેલી થોડા ફેરફાર સાથેની આ દૃષ્ટાંતકથા હૃદય સોંસરવી ઊતરી જાય એવી છે. જીવનમાં આપણે થોડા માટે કેટલું બધું હાથથી જતું કરીએ છીએ. થોડા પૈસા, થોડી મિલકત, થોડા લોભ અને થોડા સ્વાર્થ ખાતર આપણે કુટુંબમાં, સમાજમાં કેટલું બઘું ગુમાવીએ છીએ તેનો ખ્યાલ રહેતો નથી. ભાઈઓ જુદા પડે છે, કુટુંબના ભાગલા પડે છે ત્યારે નાની નાની વસ્તુઓ અને થોડા લોભ માટે ઝઘડા થાય છે અને સ્નેહ-સંબંધોના તંતુઓ તૂટી જાય છે એ પાછા સંધાતા નથી. સમય જતાં સંબંધો સુધરે તો પણ તેની કરચો દૂર થતી નથી અને પાછળથી એમ પણ થાય છે કે આ ખોટું થઈ ગયું. મનનાં મોતીઓ એક વખત તૂટ્યા પછી પાછાં સંધાતા નથી. અબુધ માણસો આવું કરે તો સમજી શકાય છે, પરંતુ શિક્ષિત અને સમજદાર લોકો જાણતા હોવા છતાં સ્વાર્થના કાવાદાવા રચે છે ત્યારે સમજાતું નથી કે તેઓ આખરે શું મેળવવા માગે છે. મોટા લોકોને મોટો લોભ, મોટો સ્વાર્થ અને મોટો અહમ્. જે માણસ સ્નેહ, પ્રેમ અને સંબંધોમાં પણ ફાયદાનો, ગણતરીનો અને નફા-નુકસાનનો વિચાર કરે છે તે કેટલી વખત મોટી ખતા ખાય છે. સમાજમાં ચોમેર જાત જાતના અને ભાત ભાતના લોકો છે. કેટલાક લડે છે, કેટલાક લડાવી મારે છે, કેટલાક ઘૂસણિયા તો કેટલાક માખણિયા. કેટલાક સ્વજન હોવાનો, મિત્ર હોવાનો, પર દુ:ખભંજન હોવાનો ડોળ કરે છે. સ્વાર્થના પાયા પર રચાયેલા સંબંધોમાં ધૂર્ત લોકોનો પાર નથી. સગાંઓમાં, પાડોશમાં અને સમાજમાં મીઠું મીઠું બોલીને છેતરી જનારા લોકોનો તોટો નથી. પોતાના અંગત ફાયદા માટે કપટ આચરે છે, જુઠ્ઠાણાં ફેલાવે છે અને કોઈને ઉલ્લુ બનાવીને છેતરી જવામાં આનંદ અનુભવે છે. માણસ સત્યની, ઉદારતાની નીતિમત્તાની, પ્રામાણિકતાની વાતો કરે છે પણ તેને જીવનમાં ઉતારવાનું બહુ કઠિન છે. સ્વાર્થ તો વધતેઓછે અંશે બધામાં રહેલો છે, પણ માણસે એટલું તો નક્કી કરવું જોઈએ કે તે બીજાને છેતરશે નહીં. કોઈથી છેતરાવું નહીં એ સારું છે. આમ છતાં કોઈને છેતરવા કરતાં છેતરાઈ જવાનું વધુ સારું છે. |
Wednesday, February 6, 2013
સ્વાર્થનો સંઘર્ષ મહેન્દ્ર પુનાતર
Labels:
મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment