Wednesday, January 2, 2013

બીજા તરફ જ નજર એ આપણી કમજોરી


દરેક માણસ મુખવટો પહેરીને બેઠો છે એટલે તેનો અસલી ચહેરો દેખાતો નથી. જીવનના સરળ ગણિતને આપણે ગૂંચવી નાખ્યું છે
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

લોકો મોટા ભાગે જીવનના સત્યથી દૂર ભાગે છે સત્ય હંમેશા કછોર હોય છે તે સ્વીકારવાનું મુશ્કેલ છે. માણસ બહુધા સ્વપ્નમાં, આશામાં, આંકાક્ષામાં જીવતો હોય છે. ઝંખનામાં જે સુખ હોય છે તે વાસ્તવિકતામાં હોતું નથી. માણસને જીવનમાં જે નથી મળથું તે કિંમતી બની જાય છે તે મેળવવા માટે સતત ફાંફાં મારે છે. મળી ગયું હોય છે તેની કિંમત તેને રહેતી નથી. તેનું સુખ પણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. સુખ ઝાંઝવાનાં જળ જેવું છે. જેમ જેમ આપણે નજીક જતાં જઈએ તેમ તેમ તે દૂર ભાગતું જાય છે. માણસ આંખો મીચીને તેની પાછળ દોડે છે અને વાસ્તવિકતાથી દૂર ભાગે છે. તેનું કારણ તે દુ:ખનુ ભૂલવા માગે છે, ટાળવા માગે છે, પણ જે વસ્તુને આપણે ભૂલવા માગતા હોઈએ તે વારંવાર યાદ આવે છે અને જે યાદ રાખવા માગતા હોઈએ તે જલદીથી વિસરાઈ જાય છે.

જીવન જેવું છે તેવું સ્વીકારવું એ વાસ્તવિકતા છે. માણસ હોય તેના કરતાં જૂદો દેખાવા મથે છે. દરેક માણસ મુખવટો પહેરીને બેઠો છે એટલે તેનો અસલી ચહેરો દેખાતો નથી. બહાર જે દેખાય છે તે મુખવટો છે અને તે બદલતા રહે છે. માણસ પત્ની પાસે જેવો દેખાય છે તેવો મિત્ર સામે દેખાતો નથી. માણસને તેની પત્ની સિવાય બીજું કોઈ સાચા અર્થમાં ઓળખી શકતું નથી, કારણ કે અહીં અસલી ચહેરો છુપાવી શકાતો નથી.

જીવનની આ આપાધાપીમાં માણસ ખૂદ પોતાનો અસલી ચહેરો ભૂલી ગયો છે. કોઈને પોતાની તરફ નજર કરવાની ફૂરસદ નથી. સૌ કોઈની નજર બીજા તરફ છે એટલે માણસ પોતાનાથી ચડિયાતા માણસોનું અનુકરણ કરે છે અને બીજાની ચાલે ચાલવા જતાં કેટલીક વખત ઠોકર પણ ખાય છે. માણસ પોતાની રીતે વિચારે અને પોતાની તરફ દૃષ્ટિ રાખીને ચાલે તો નિરાશ કે દુ:ખી થવાનું કારણ નથી. સારી વસ્તુને સ્વીકારવી અને નકલ કરવી એ બેમાં ફરક છે. બીજાની પાસે છે અને આપણી પાસે નથી તેનો અજંપો રાખવાની જરૂર નથી. આપણી પાસે પણ એવું કંઈક છે, જે બીજા પાસે નથી તેનો આનંદ માણવો જોઈએ. દંભનો અંચબો ઓઢીને પોતાની જાતને છેતરી શકાય, પણ જગતને લાંબો સમય છેતરી શકાતું નથી. ખોટો સિક્કો લાંબો સમય ચાલે નહીં.

માણસને જીવનમાં બધું જોઈએ છે, પણ પોતે શું છે તે વિચારતો નથી. પોતાની શક્તિ અને ક્ષમતા મુજબ સફળતા મેળવીને જીંદગી જીવવાની હોય છે. માત્ર સ્વપ્નો સેવવાથી કશું વળે નહીં સખત પરિશ્રમ અને પુરૂષાર્થ દ્વારા ધ્યેયને હાંસલ કરી શકાય માત્ર આશાના તાંતણે જીવાતું નથી. માણસે પોતાની તરફ નજર રાખીને પોતાની ક્ષતિઓ, ત્રુટિઓને ઓળખવી જોઈએ. પોતાનામાં રહેલીફણપોને દૂર કરવી જોઈએ અને આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આમ કરવું બહુ મુશ્કેલ છે. આપણે આ બધું છુપાવીએ છીએ બહાર કળાવા દેતા નથી અને બીજાના સુખો તરફ મીટ માંડીને ચાલતા રહીએ છીએ. સુખ આપણાં સાધનો અનુસાર આપણી પાસે છે. જે લોકો સુખને બહારથી શોધવાનો પ્રયાસ કરે છે તેના હાથમાં દુ:ખ સિવાય બીજું કશું આવતું નથી.

દરેક માણસને દુનિયાના તમામ કહેવાતા સુખો જોઈએ છે. સારી અને શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવાની આકાંક્ષા છે. ઈચ્છાનો કોઈ અંત નથી. એક ઈચ્છાની પૂર્તિ સાથે બીજી ઈચ્છાનો જન્મ થાય છે. આ વલોપાતમાં આપણે ઘણું બધું ગુમાવી દેતા હોઈએ છીએ. લાયકાત વગર જે કાંઈ એકાએક મળે છે તે લાંબો સમય ટકતું નથી અને તેનો આનંદ પણ ક્ષણજીવી નિવડે છે.

એક યુવક પત્નીની શોધમાં હતો. તેને કોઈ યુવતી પસંદ પડતી નહોતી. દરેકમાં કંઈકને કંઈક ખામી દેખાતી હતી. છેવટે કંટાળીને તે એક મેરેજ બ્યૂરોમાં ગયો. આ મેરેજ બ્યૂરો દરેકની લાયકાત મુજબ પાત્રને શોધવામાં સહાયરૂપ થતો હતો.

બ્યૂરોના મેનેજરે કહું: આપ સામેના ઓરડામાં જઈને આપને કેવી પત્ની જોઈએ છે તે પસંદ કરી લો.

યુવક ઓરડામાં ગયો તો સામે બે દરવાજા હતા. એક પર લખ્યું હતું ‘રૂપાળી સ્ત્રી’ અને બીજા પર લખ્યું હતું ‘ઘઉંવર્ણી સ્ત્રી’ અને બીજા પર લખ્યું હતું. ‘ઉંમરમાં મોટી’ યુવકે યુવાન સ્ત્રીવાળો દરવાજો ખોલ્યો તો અંદર બીજા બે દરવાજા હતા પ્રથમ પર લખ્યું હતું કે ‘રસોઈકામમાં કુશળ’ અને બીજા દરવાજા પર લખ્યું હતું. ‘રસોઈકામ નહીં જાણનારી’ યુવકે પ્રથમ દરવાજો પસંદ કર્યો. અંદર બીજા, બે દરવાજા હતા એક પર લખ્યું હતું. ‘શિક્ષિત’ અને બીજા પર લખ્યું હતું. ‘અશિક્ષિત’ યુવકે શિક્ષિત વાળો દરવાજો પસંદ કર્યો. અંદર બીજા બે દરવાજા હતા. એક પર લખ્યું હતું. ‘સંગીત નૃત્યમાં પારંગતવાળો દરવાજો પસંદ કર્યો. યુવકના હિસાબે જે સારું હોય એ પસંદ કરવું જોઈએ એટલે એ એવું પસંદ કરી રહ્યો હતો. અંદર ગયો તો બીજા બે દરવાજા હતા.

એક પર લખ્યું હતું કે પૈસાદાર યુવતી અને બીજા પર લખ્યું હતું કે ગરીબ યુવતી હવે યુવકની ધીરજ ખૂટી ગઈ. તેણે પૈસાદાર યુવતીવાળો દરવાજો પસંદ કર્યો અને અંદર ગયો ત્યાં સામે એક મોટું દર્પણ હતું અને તેની પર લખ્યું હતું કે આપને સર્વગુણ સંપન્ન યુવતી પત્ની તરીકે પત્ની તરીકે પત્ની જોઈએ છે, પણ દર્પણમાં જરા નજર કરો તમે તેને લાયક છો? યુવકે રોષે ભરાઈને સામે એક માત્ર દરવાજો હતો તે લાત. મારીને ખોલ્યો તો સીધો રસ્તા પર આવી ગયો.

જિંદગીમાં આપણે ઘણુંબધું ઈચ્છીએ છીએ. જીવનના દરેક દરવાજા પર ટકોરા મારીને આગળ વધી રહ્યા છીએ, પરંતુ કશું હાથ લાગતું નથી. સ્વપ્નોનો વાસ્તવિકતા સાથે મેળ ખાતો નથી. આપણે આ જ ઢાંચામાં જીવી રહ્યા છીએ. રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને અભિમાનના ચોકઠામાં જીવન જકડાયેલું છે. આજે બધુર્ંં નથી, તો આ રીતે જીવીએ છીએ, તેમ ઈચ્છીત મળી જશે તો પણ એ જ રીતે જીવવાના છીએ.

એક ભીખારીએ લોટરીની ટિકિટ ખરીદી અને પ્રભુને પ્રાર્થના કરી કે ‘હે પરવરદિગાર મને લોચરીનું પ્રથમ ઈનામ મળે એવો બંદોબસ્ત કરજે. લોટરીના પૈસામાંથી હું એક કાર ખરીદવા માગું છું. પગે ચાલતા ચાલતા ભીખ માગીને મારા પગના તળિયા ઘસાઈ ગયા છે.’ લોટરીનું ઈનામ મળે તો પણ ભીખ માગવાની વાત છૂટતી નથી. પગે ચાલીને નહીં તો કારમાં બેસીને પણ કામ તો આ જ કરવાનું છે. જીવન પણ આમ ચાલી રહ્યું છે. બધુ પ્રાપ્ત થઈ જાય તો પણ માર્ગ બદલાતો નથી. જે કરતા હતા તે જ કરતા રહેવાના છીએ. જીવનનું સ્વરૂપ બદલાય છે પણ મૂળભૂત રીતે કશું બદલાતું નથી. ધન મળ્યા પછી પણ કશું છૂટતું નથી. માણસ ઉદાર બનવાને બદલે વધુ સંકુચિત બનતો જાય છે. શ્રદ્ધા અને વિશ્ર્વાસ ઊભા થવા જોઈએ તે થતા નથી. ચાવી આપણા હાથમાં છે આમ છતાં દરવાજા પર ટકોરા મારી રહ્યા છીએ. વિશ્ર્વાસ ઊભો થાય તો પણ ખાતરી નથી.

એક નોકરે પોતાના શેઠને કહ્યું: હું છૂટો થવા માગું છું.

શેઠે કહ્યું: કેમ શું થયું? તને કોઈએ કશું કહ્યું? કોઈએ ઠપકો આપ્યો? કોઈએ અપમાન કર્યું? વાત શું છે?

નોકરે કહ્યું. ના’ પણ તમને મારામાં વિશ્ર્વાસ નથી.

શેઠે કહ્યું: મને તારામાં સંપૂર્ણ વિશ્ર્વાસ છે એટલે તો તિજોરીની ચાવી તને સોંપીને જાઉં છું.

નોકરે કહ્યું: પણ આમાંની એકે ચાવી તિજોરીને લાગતી નથી. આ તે કેવો વિશ્ર્વાસ?

જીવનનું ગણિત બહુ સીધું સાદું છે, પણ આપણે તેને ગૂંટચવી નાખ્યું છે એટલે આપણે જ્યાં સરવાળા કરીએ ચીએ ત્યાં બાદબાકી થઈ જાય છે અને ગુણાકાર કરીઅ છીએ ત્યાં ભાગાકાર થઈ જાય છે. આમ ધંધો ખોટનો જ રહે છે.

આપણે માલિક બનીને બેઠા છીએ અને સમજીએ છીએ કે આપણા જેવું કોઈ નથી પરંતુ આપણો આ ભ્રમ છે. ચાવીનો ઝુમખો આપણા હાથમાં છે, પણ તાળું ખુલતું નથી. બધુ પ્રાપ્ત થયા પછી પણ અંતરનાં દ્વાર ખુલ્યા નહીં તો બધી ચાવીઓ વ્યર્થ ગઈ. માણસ સરળતાથી અને સહજતાથી જીવે પોતાનાં સાધનોમા આનંદ માણે, ઊંચી આકાંક્ષા સેવે પણ વાસ્તવિકતાને નજરમાં રાખે અને કોઈને અંતરાયરૂપ ન બને તો જીવનમાં કોઈ મુશ્કેલી નથી.

No comments:

Post a Comment