Wednesday, January 2, 2013

માણતા આવડે તો કોઈ સમય ખરાબ નથી


જીવનમાં સુખને સુખ કદી હોતું નથી. વધારે પડતું સુખ પણ દુ:ખમાં પરિણમે છે. આ જીવનનું ચક્ર છે, તે ફરતું રહે છે. એટલે જ જીવનનો આનંદ છે.
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

એક ગર્ભશ્રીમંત શેઠ હતા. ધન, દોલત, સંપત્તિ અપાર હતી. તેમને સુખ શું છે તે જાણવું હતું. સાચું સુખ તેમણે અનુભવ્યું નહોતું. કોઈએ કહ્યું અહીંથી થોડે દૂર ગામ બહાર ઝાડ નીચે એક ફકીર રહે છે. સુખ શું છે તે બતાવી શકે છે.

શેઠે આ ફકીર પાસે આવીને કહ્યું બાબા મારે સુખ શું છે તે જાણવું છે, અનુભવવું છે. મને તે માટેનો રસ્તો બતાવો.

ફકીર ઓલિયો અને ધૂની માણસ હતો. શેઠ તરફ નજર કરીને કહ્યું: સુખ શું છે એ તારે જાણવું છે? શેઠે કહ્યું: આપ જણાવો તો ઉપકાર.

ફકીરે કહ્યું: દુ:ખ શું છે તેની તને ખબર છે? દુ:ખનો અનુભવ તે કદી કર્યો છે?

શેઠે કહ્યું: ના મહારાજ, પણ મારે તો સુખ શું છે તે જાણવું છે. જણાવશો તો કૃપા થશે.

ફકીરે કહ્યું: એમાં કૃપા શાની. સુખ જોઇતું હોય તો તારે તેની કિંમત ચૂકવવી પડશે.

શેઠે કહ્યું: હું ગમે તે કિંમત ચૂકવવા તૈયાર છું. બસ આપ મહેરબાની કરો.

શેઠે રૂપિયાની થેલી ફકીરના ચરણોમાં મૂકી અને કહ્યું: હવે તો આપ મને સુખનો અહેસાસ કરાવો.

ફકીર રૂપિયાની થેલીને એકીટશે જોઈ રહ્યો અને પછી થેલી ઉપાડીને ભાગ્યો.

શેઠ સ્તબ્ધ બની ગયા. તેને થયું આ લુચ્ચો, લબાડ-ધૂર્ત ફકીર મને બનાવી ગયો, પરંતુ એમ ફોગટના પૈસા કેમ જવા દેવાય. તેણે બૂમો પાડીને ફકીરની પાછળ દોટ મૂકી. ફકીર આગળ અને શેઠ પાછળ. શેઠ દોડતા રહ્યા, હાંફી ગયા. શ્ર્વાસ હમણાં નીકળી જશે એમ થયું, પરંતુ એમ પૈસા જતા શી રીતે કરી શકાય.

ફકીર દોડતો દોડતો એક વૃક્ષ પાસે અટકી ગયો. શેઠના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા અને તેઓ ફકીરની નજીક પહોંચે એ પહેલાં ફકીરે પૈસાની થેલીનો ઘા તેના તરફ કર્યો. થેલી નીચે પડી કે તુરત શેઠે ઊંચકી લીધી અને છાતી સરસી ચાંપીને નિરાંતનો દમ લીધો. ત્યારે ફકીરે કહ્યું; શેઠ, આ ક્ષણ તમારા સુખની ક્ષણ. આવા સુખનો અનુભવ તમે કદી નહીં કર્યો હોય.

ઓશોએ ટાંકેલી આ કથાનો સાર એટલો છે કે દુ:ખ અને મુશ્કેલી દૂર થાય એ પછીની ક્ષણો સુખની હોય છે. દુ:ખ વગર સુખનો સાચો અનુભવ થઈ શકતો નથી. સુખ અને દુ:ખ એકબીજાના પૂરક છે. જીવનમાં સુખને સુખ કદી હોતું નથી. વધારે પડતું સુખ પણ દુ:ખમાં પરિણમે છે. આ જીવનનું ચક્ર છે. તે ફરતું રહે છે. એટલે જ જીવનનો આનંદ છે.

જીવનમાં આનંદ અને ખુશીની જરૂર છે, તેના વિના જીવન શુષ્ક અને રસવિહીન બની જાય. મોટા ભાગના લોકો ભોગવે છે પણ તેનો આનંદ માણી શકતા નથી. માણસ વિચારે છે પહેલાં ભેગું કરી લઇએ પછી નિરાંતે આનંદ માણીશું. ભેગું કરવામાં જિંદગી વીતી જાય છે પછી સમય રહેતો નથી. માણસ સાચો આનંદ માણી શકતો નથી તેનું મુખ્ય કારણ તનાવ છે. સાચી ખોટી ચિંતાઓ અને ઉપાધિઓના બોજ હેઠળ તે દબાયેલો રહે છે. કેટલાક લોકો કારણ વગર ભાર લઇને ફરતા હોય છે અને વાતવાતમાં ઉગ્ર બની જતા હોય છે. આવા લોકોની હાજરી વાતાવરણને તંગ બનાવી દે છે. કેટલાક માણસો સોગિયું મોઢું રાખીને ફરતા હોય છે. તેને એમ લાગે છે કે તે જગતમાં તેના જેવું બીજું કોઈ દુ:ખી નથી. તેઓ સતત ટેન્શનમાં રહે છે અને આસપાસના લોકોને પણ ટેન્શનમાં રાખે છે. જ્યારે કેટલાક માણસો ખુશમિજાજી હોય છે. ગમે તેટલું દુ:ખ હોય કદી રોદણા રોતા નથી ગમે તેવી ચિંતા હોય તો પણ હસી શકે છે. દુ:ખને કળાવા દેતા નથી. આવા માણસો મુસીબતોનો સામનો કરી શકે છે અને તેમાંથી બહાર નીકળી શકે છે. દુ:ખ અને સંતાપ આ જગતમાં કોને નથી. પછી આટલો બધો વલોપાત કરવાનું કોઈ પ્રયોજન નથી. જીવનમાં જે લોકો હસી શકે છે તે હારતા નથી. માણસને આજ કરતા કાલની વધુ ચિંતા છે. એટલે આજને તે માણી શકતો નથી. ચિંતાનું મુખ્ય કારણ શ્રદ્ધા અને વિશ્ર્વાસનો અભાવ છે. દુ:ખ અને મુશ્કેલી કાયમના માટે રહેતા નથી. ધીરજ, સહનશક્તિ અને આત્મવિશ્ર્વાસ હોય તો સમયની સાથે બધું થાળે પડી જાય છે. જ્ઞાની પુરુષો કહે છે, આમ છતાં જીવનમાં સૌથી મહત્ત્વના છ પ્રકારના આનંદ છે. તેમાં ત્રણ પ્રકારના આનંદ આપણું હિત કરનારા છે અને ત્રણ પ્રકારના આનંદ આપણા હિતશત્રુ જેવા છે.

સંસ્કારી વર્તન, વિવેક, શિષ્ટાચાર, સાત્ત્વિક વાંચન, સંગીત અને સારી સોબતમાંથી મેળવેલો આનંદ અદ્ભુત હોય છે. બીજા પ્રકારનો આનંદ છે દીનદુ:ખીઓની સેવા, દયા, કરુણા અને બીજાને ઉપયોગી થવાની ભાવના અને ત્રીજા પ્રકારનો આનંદ છે પ્રવાસ, પર્યટન, નવું જોવાની જાણવાની જિજ્ઞાસા અને સકારાત્મક વલણ જ્યારે અહિત કરનારા આનંદ છે પરિશ્રમ અને પુરુષાર્થ વગરનું ધન, અણહકની કમાણી અને કાળાધોળાં કરીને મેળવેલી લક્ષ્મીનો આનંદ બહું લાંબો સમય ટકતો નથી. બીજો અહિત કરનારો આનંદ છે બેફામ મોજશોખ, વિલાસી જીવન, ભૂખ કરતાં વધુ ભોજન, થાક કરતા વધુ આરામ અને ત્રીજો અહિત કરનારો આનંદ ઈર્ષા, અદેખાઈ અને બીજાનું સારું નહીં જોઈ શકવાની મનોવૃત્તિ છે. માણસને જીવન જીવવાની કલા હસ્તગત થઈ જાય તો બેડો પાર, જિંદગી સુધરી જાય. મોટાભાગના માણસો જીવતા નથી ઢસરડો કરતા હોય છે. તંગ દોર પર તેમની જિંદગી ચાલે છે. જીવનભર ફાંફા મારે છે અને છેવટે જે પ્રાપ્ત કરે છે તે વ્યર્થ બની જાય છે. માણસે સમયની સાથે જીવી લેવાનું હોય છે. સમય હાથમાંથી સરકી જાય પછી કશો અર્થ રહેતો નથી. જિંદગી મોજના બદલે બોજ બની જાય છે. શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ ન રહે તો બધાં સુખો નકામાં બની જાય છે. આનંદથી જીવવા માટે જે ચીજોની જરૂરત છે તે માણસને મળી ગઈ હોવા છતાં તેને સંતોષ થતો નથી. માત્ર પૈસા અને ધનદૌલતથી સુખ અને આનંદ પ્રાપ્ત થતા નથી. જો આમ હોત તો બધા શ્રીમંત લોકો સુખી અને આનંદસભર હોત.

કેટલાક માણસોને ધન, દૌલત, ઐશ્ર્વર્ય બધું મળ્યું હોય છે. આમ છતાં તેઓ રાત-દિવસ કામના બોજા હેઠળ દબાયેલા, ચિંતાઓથી ગ્રસ્ત, તાણ અનુભવતા જોઈએ ત્યારે કદીક મનમાં વિચાર આવે છે આ બધું શા કામનું? દોડવાનું જ હોય તો આ બધું હોય કે ન હોય શું ફરક પડે છે. શ્રીમંત પરિવારોમાં થોડી એવી મિલકતો માટે લાંબા સમય સુધી ઝઘડા ચાલે છે. તેઓ એકબીજાને પરેશાન કરે છે નિરાંતે ખાઈ શકતા નથી કે ઊંઘી શક્તા નથી. થોડું ન છોડી શકવાના કારણે તેઓ અસહ્ય યાતના ભોગવે છે. બાપદાદાઓ ગમે તેટલું મૂકી ગયા હોય સંતાનો સુખેથી જીવશે તેની કોઈ ખાતરી નથી. જ્યાં વધુ હોય છે ત્યાં વધુ લોભ અને સ્વાર્થ હોય છે. પોતાના લોકો માટે પણ થોડો ત્યાગ ન કરી શકે એ બીજાના માટે શું કરવાના હતા. મેળવવા કરતાં છોડવાનું બહુ આકરું છે. થોડા લોભને ખાતર માણસ કેટલું બધુ ગુમાવે છે તેનો તેને ખ્યાલ આવતો નથી. જીવનના અંતે આ બધું સમજાય તો પણ તેનો કોઈ અર્થ નથી. માણસને થોડું નમવામાં તેનું અભિમાન અને અહંકાર આડે આવે છે નજીકના માણસો પાસેથી વધારે પડતી અપેક્ષા પણ દુ:ખનું કારણ છે.

ઈશ્ર્વરે માણસને લાયકાત કરતાં વધુ આપ્યું છે. તેનો સદ્ઉપયોગ થવો જોઈએ. દરેક માણસ નિયતિને આધીન છે. સુખ-દુ:ખ, સારું-નરસું, ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા આ બધું આવ્યા કરવાનું છે. આ અંગે ચિંતા કે ઉચાટ રાખવાનો કોઈ અર્થ નથી. નરસિંહ મહેતાએ કહ્યું છે તેમ...

જે ગમે જગદગુરુદેવ જગદીશને

તે તણો ખરખરો ફોક કરવો

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે

ઉગરે એક ઉદ્વેગ ધરવો.

No comments:

Post a Comment