Thursday, January 10, 2013

મીઠા સબ સે બોલીએ, તજીએ વચન કઠોર -જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

મીઠા સબ સે બોલીએ, તજીએ વચન કઠોર
કટુ વાણી માણસને વીંધી  નાખે છે. શબ્દોના ઘા જલદીથી રુઝાતા નથી. વાણી સંબંધોને જોડે છે અને તોડે પણ છે. શબ્દો તીર જેવા છે, એક વખત છૂટ્યા પછી પાછા ખેંચી શકાતા નથી
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

મીઠા સબ સે બોલીએ

સુખ ઊપજે ચહુ ઔર

વશીકરણ યહ મંત્ર હૈ

તજીએ વચન કઠોર


ઐસિ બાની બોલીએ

મનકા આપા ખોય,

ઔરન કો શીતલ કરે

આપ હી શીતલ હોય

શબ્દ બરાબર ધન નહીં

જો કોઈ જાને બોલ

હીરા તો દામેં મિલે

શબ્દકા મોલ ન તોલ

કાગા કિસકા ધન હરા

કોયલ કિસકો દેત

મીઠા શબ્દ સુનાય કે

જગ અપના કર લેત


કબીર સાહેબ કહે છે બધાની સાથે પ્રેમથી અને મીઠાશથી બોલો. એનાથી ચોમેર સુખનું વાતાવરણ ઊભું થશે. કઠોર વચનનો ત્યાગ કરીને પ્રેમથી સૌને જીતી લો. મીઠી વાણી બીજાને વશમાં રાખવાનો મંત્ર છે. વાણી એવી નહીં હોવી જોઈએ જેમાં અહંકાર વ્યક્ત થતો હોય. જે લોકો મધુર વાણી દ્વારા બીજાને શાતા આપે છે તેને એવી જ ઠંડક અને શાતા પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ તેમના દોહામાં કહે છે શબ્દો જેવું કોઈ ધન નથી પણ આ વાત એ જ લોકો જાણી શકે જેમને શબ્દોની અને વચનોની કિંમત હોય. ધન હોય તો હીરા મળી શકે પણ શબ્દોની કોઈ કિંમત નથી, તે અમૂલ્ય છે. શબ્દો અને વાણી માણસના જીવનને પરિવર્તિત કરી નાખે છે. શબ્દો માણસોને જોડે છે અને તોડે છે. એક કટુ વચન સંબંધોને વેરણછેરણ કરી નાખે છે. કઠોર વચનો કદી ભુલાતા નથી. કાગડા અને કોયલમાં રૂપ રંગમાં કોઈ ફરક નથી. ફરક માત્ર એટલો છે કાગડાની વાણી કર્કશ છે અને કોયલની વાણી મીઠી છે. મધુર અવાજથી કોયલ પ્રિય બની છે તેનો ટહુકો સાંભળવો ગમે છે. શબ્દોમાં મીઠાશ અને વાણીમાં મધુરતા હોય તો આ જગત તમારું છે.

કબીર સાહેબે થોડા શબ્દોમાં ઘણું કહી દીધું છે. માણસ પ્રેમ, સ્નેહ અને આ લાગણીના સંબંધોથી રંગાયેલો છે. ક્યાંય ને ક્યાંય સંવેદના પ્રગટે છે અને શબ્દો દ્વારા તે બહાર આવે છે. કુટુંબ અને સમાજમાં માણસ પરસ્પર સંબંધોથી સંકળાયેલો છે. મધુર વાણી દ્વારા સંબંધો વધુ સરળ બને છે. જીવન અને વહેવારમાં આપણે જો બોલવામાં ધ્યાન રાખીએ તો સંભવિત ઘર્ષણોને નિવારી શકાય.

કેટલાક માણસો ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તેવું બોલી નાખે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કટુ વાણી માણસને વીંધી નાખે છે. માણસનું સ્વમાન ઘવાય છે અને ઘા લાંબા સમય સુધી રૂઝાતા નથી. વાચા એ માણસને મળેલી અમૂલ્ય ભેટ છે. તેનો જો યોગ્ય ઉપયોગ થાય તો તે સંબંધોને ટકાવી રાખે છે અને દુરુપયોગ થાય તો સંબંધોનો વિચ્છેદ કરે છે.

આપણી આસપાસ એવા કેટલાય માણસો હોય છે જેઓ કામ ઓછું કરે છે પણ બોલે છે વધુ. તેમના હાથ કરતા તેમની જીભ વધુ ચાલે છે. તેઓ ગમે ત્યાં આડું અવળું બોલ્યા કરે છે. તેઓ બીજાની વાત સાંભળતા નથી અને બીજાને બોલવાનો મોકો આપતા નથી. તેમની જીભ કરવત જેવી હોય છે. ગમે તેને વેતરી નાખે છે. તેઓ સામા માણસને ગમશે નહીં, ખોટું લાગશે તેનો કદી વિચાર કરતા નથી અને બોલવામાં બફાટ કરી નાખે છે. આવા માણસોને કોઈ વતાવતું નથી. બધા તેનાથી દૂર ભાગે છે. ધર્મમાં મન, વચન અને કાર્યથી કોઈનું અહિત ન કરવું એવો સ્પષ્ટ આદેશ છે. આમાં વચનોનું અદકેરું મહત્ત્વ છે. શબ્દો બાણ જેવા છે એક વખત છૂટ્યા પછી તેને પાછા ખેંચી શકાતા નથી.

મન, મોતી અને કાચ એક વખત તૂટે પછી પાછા સાંધી શકાતા નથી. માણસે સમજી વિચારીને બોલવું જોઈએ. કાંઈ પણ કહેવાનું હોય ત્યારે ભાષામાં વિનય અને વિવેક હોવો જોઈએ. જીભથી સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા રોજબરોજ થતી હોય છે. આ શબ્દ હિંસાને રોકવી જોઈએ. શબ્દોમાં પણ ભાવ ન હોય તો તે ખોખલા બની જાય. કોઈને પણ આપણે આવકારીએ કે તેનું સ્વાગત કરીએ ત્યારે શબ્દોમાં મીઠાશ સાથે ભાવ પણ હોવો જોઈએ. પરાણે પરાણે ‘આવો પધારો’ એવા શબ્દો નીકળે ત્યારે એમાં બરકત રહે નહીં. માણસના શબ્દોમાં રણકાર અને તેના ચહેરા પરના ભાવો પરથી તેનું મન કળી શકાય.

દરેક માણસમાં ઓછે વધતે અંશે થોડો અહમ્ અને અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, કોઈને સત્તાનો તો કોઈ વિદ્રતાનો નશો ચડેલો હોય છે. માણસનો અહમ્ ઘવાય છે ત્યારે વાણી દ્વારા પ્રગટ થાય છે. માણસો વાગબાણથી એકબીજાને છેદતા રહે છે. મહેણાં-ટોણાં, આડકતરા કટાક્ષો અને કડવી વાણી દ્વારા એકબીજાની માનહાનિનો દોર ચાલતો રહે છે, પરંતુ આ બધું સરવાળે દુ:ખમાં પરિણમે છે. ભાષામાં સરળતા, સહજતા અને સ્વાભાવિકતા રહેવી જોઈએ. તેમાં દંભ અને દેખાડો લાંબો સમય ટકે નહીં. આપણે મીઠું મીઠું બોલીએ પણ તેની પાછળનો આશય સામા માણસ પાસેથી કામ કઢાવી લેવાનો હોય કે તેને છેતરી લેવાનો હોય તો તે ઠગની ભાષા બની જાય છે.

કેટલાક માણસો વાતવાતમાં કહેતા હોય છે. આપણને સીધું અને સટ કહેવાની આદત છે. આપણે સાચું હોય તે મોઢે સંભળાવી દઈએ. પણ સાચું શું છે તે તો પહેલા જાણીએ. આપણે કહીએ તે સાચું અને બીજા કહે તે ખોટું એમ આપણે જો માનીએ તો તે આપણો અહંકાર છે. સત્ય કડવું છે એ ભલે સાચું હોય પણ પરસ્પરના વહેવારમાં વાણી દ્વારા સત્યને મધુર બનાવી શકાય છે. આપણે કઈ રીતે કહીએ છીએ તેના પર આનો આધાર છે. વાણી માત્ર વિલાસ ન બને અને સાચા અર્થમાં વૈભવ બને તો પ્રેમનાં પુષ્પો ખીલ્યાં વગર રહે નહીં.

આખો દિવસ બકબક કરતા માણસોનો પણ તોટો નથી. તેઓ એક વખત બોલવાનું શરૂ કરે પછી તેમને અટકાવી શકાતા નથી. મહાન તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલ પાસે એક યુવાન વકતૃત્વ કળા શીખવા માટે આવ્યો. તેણે કહ્યું મારે સારું બોલતા શીખવું છે. મારે વકતૃત્વ કળામાં પારંગત બનવું છે. આમ કહીને તેણે પોતાનો આખો ઈતિહાસ સંભળાવી દીધો.

એરિસ્ટોટલે તેને અટકાવીને કહ્યું: તને આ માટે વધુ સમય લાગશે અને તારે બમણી ફી ચૂકવવી પડશે.

યુવકે કહ્યું: કેમ હું બોલવામાં કાચો છું. એરિસ્ટોટલે કહ્યું, બિલકુલ નહીં. મારે તને વકતૃત્વકળા શીખવતા પહેલા ચૂપ રહેવાનું શીખવવું પડશે. બોલવાનું સહેલું છે પણ ચૂપ રહેવાનું મુશ્કેલ છે.

બોલવામાં ઉગ્રતા, આક્રમકતા કે ગરમ મિજાજ રાખવો નહીં. શાંતિ અને ધીરજથી આપણી વાત સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળીને પછી જ પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું જોઈએ. દરેક માણસને પોતાના વિચારો અને ખ્યાલો છે. મતભેદ ભલે હોય પણ મનભેદ થવો જોઈએ નહીં. વાતવાતમાં ગુસ્સે થવાથી તેનું સારું પરિણામ આવે નહીં અને વાતાવરણ તંગ બને. કેટલાક માણસોનો સ્વભાવ જ એવો હોય છે તેઓ ધીમેથી શાંતિથી વાત કરી શકતા નથી. કોઈની વાત પૂરી ન થાય ત્યાં તેઓ જોરશોરથી કૂદી પડે છે અને ન કહેવાનું સંભળાવી દે છે. આવા માણસો પોતાનો બળાપો વ્યક્ત કરવાનો મોકો શોધતા હોય છે. કેટલાક માણસો વધુ પડતા ઢીલા હોય છે. તેમને વાતવાતમાં ખોટું લાગી જાય છે. તેઓ ભળતી પાઘડી પહેરી લે છે અને વાતનું વતેસર કરે છે. તેઓ કોઈ વાત ભૂલતા નથી અને અંદરને અંદર સળગતા રહે છે.

ઘણી વ્યક્તિઓ પૂર્વગ્રહથી પીડાતી હોય છે. કોઈ સારું બોલે તો પણ તેમને આડું લાગે છે. સંબંધોમાં જેટલી નિખાલસતા હોય તેટલું વધુ સારું ગેરસમજ થવાનો ભય ઓછો રહે. વર્તન અને વહેવાર બંને ચોખ્ખા હોવા જોઈએ.

આપણે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છીએ તેવું વર્તન આપણે દાખવવું જોઈએ. કોઈ સામે વાંધો પડ્યો હોય અથવા ગેરસમજ થઈ હોય તો જલદીથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. વિલંબ થાય તો વાત વધીને મોટી થઈ જશે. પાછળથી વાત કહેવી નહીં, બીજા સમક્ષ ઊભરો ઠાલવવો નહીં. કેટલાક માણસો બંને બાજુ ઢોલકી વગાડતા હોય છે. તેઓ તમને આમ કહેશે અને તમારી સાથે વાંધો પડ્યો હોય તેને કાંઈક જુદું કહેશે. આવા લોકો મીઠું-મરચું ભભરાવીને વાતને વધારતા હોય છે. બીજાને લડાવી મારવામાં તેમને આનંદ થતો હોય છે.

કોઈને કાંઈ કહેવું હોય, ઠપકો આપવો હોય તો બીજાની હાજરીમાં તેમ કરવું નહીં. બીજાની હાજરીમાં ટીકા થાય છે ત્યારે માણસ સહન કરી શકતો નથી, તેનું સ્વમાન ઘવાય છે. કોઈની પણ હાજરી ન હોય ત્યારે પ્રેમપૂર્વક વાત કરીને ખુલાસો કરી નાખવો જેથી વધુ ગેરસમજ થતી અટકી જાય.

દરેક માણસનો સ્વભાવ સરખો હોતો નથી. તેની બીજા કોઈ સાથે સરખામણી કરવી નહીં. તમારા કરતાં તો બીજા સારા એમ કહીને આપણે તે વ્યક્તિને દુ:ખ પહોંચાડીએ છીએ. કટુ વચન ઉચ્ચારતા પહેલા તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. દ્રોપદીએ ‘આંધળાના પુત્ર આંધળા’ એવી કડવી વાણી ઉચ્ચારી ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ થયું ન હોત.

આપણી ક્યાંય બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માટે પણ વિલંબ કરવો નહીં. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને.’ પશ્ર્ચાતાપનું પુનિત ઝરણું જ્યારે દિલમાંથી વહેવા માંડે ત્યારે કોઈના પ્રત્યે કશું વેરઝેર રહેતું નથી.

ગમે તેટલું સારું બોલીએ પણ દાનત ખરાબ હોય તો ‘મુખ મેં રામ બગલ મેં છૂરી’ જેવું થાય. પ્રેમની ભાષામાં શબ્દો કરતાં ભાવનું વધુ મહત્ત્વ છે. ભાવ વગરની ભાષા અધૂરી છે. પ્રેમ અને ભાવ હોય ત્યાં ભાષા કલકલ વહેતાં ઝરણા જેવી બની જાય.

No comments:

Post a Comment