ગુડ મોર્નિંગ |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ ફરી એક વાર, શ્રી ગણેશાય નમ: વાચક મિત્રો, હવે જો આપણે બિછડીયા તો શુષ્ક પુષ્પની જેમ કિતાબનાં પાનાંઓ વચ્ચે જ મળવાનું થશે. કવિ શોભિત દેસાઇના કંઠે ‘મરીઝ’નો આ શેર મંચ પરથી જયારે જયારે બોલાતો સાંભળ્યો છે ત્યારે ગળે ડૂમો બાઝયો છે: "એ સૌથી ઉચ્ચ તબકકો છે મિલનનો કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. આજે, અત્યારે, કંઇક આવી જ સિચ્યુએશન ઊભી થઇ છે. કહેવાનું ઘણું છે. લખવાનું ઘણું છે અને યાદ પણ બધું જ આવી રહ્યું છે. લખવું હતું ‘માતોશ્રી’માં બાળ ઠાકરે સાથેની પ્રથમ મુલાકાત વિષે લખવું હતું ૧૯૬૯માં સિટીલાઇટ સિનેમાની ફૂટપાથ પર બાળ નજરે જોયેલાં શિવસેનાનાં રમખાણો વિશે, લખવું હતું કિશોર ઉંમરે જ શરૂ થઇ ગયેલા ‘માર્મિક’ સાપ્તાહિકના વાંચન વિશે. લખવું હતું યશ ચોપરાએ શાહરૂખ ખાનને આપેલા ઇન્ટરવ્યૂ વિશે, તેર વરસની ઉંમરે જોયેલી દાગ વિશે, ફિલ્મ કરિયરના ભર મધ્યાહ્ને એમણે જોયેલી તડકી છાંયડી વિશે, ચલ્લા કી લબદા ફિરે વિશે. લખવું હતું જગજિત સિંહના સમાચાર સાંભળીને ગમમાં ડૂબી ગયેલી રાત વિશે, ગાલિબ અને ગુલઝારના શબ્દોને એમણે આપેલા મખમલી ગલેફ વિશે, નિદા ફાઝલીના ઘરે એમની સાથે ગાળેલી મધરાત સુધી લંબાયેલ એક સાંજ વિશે લખવું હતું સોનિયાજી ‘ત્યાગ’ વિશે, રાહુલભૈયાની ચાલઢાલ વિશે અને એમના બનેવીલાલના ઠાઠ વિશે. લખવું હતું ફેસબુક- ટ્વિટર અને વોટ્સએપ વિશે, એપલ- સેમસંગના ઉદય અને મારા ફેલરિટ નોકિયાના અસ્ત વિશે, સ્ટીવ જોબ્સ અને માર્ક ઝકરબર્ગના ઝંઝાવાતી જીવન વિશે. લખવું હતું રોમન પોલન્સ્કી, ડોમિનિક સ્ટ્રોસ ક્હન, જુલિયન અસાંજ અને મધુર ભંડારકર પર થયેલા બળાત્કારના કેસો વિશે, રેપના કાયદાઓ વિશે, વીમેન્સ લિબના ખોખલા નારાઓ વિશે. લખવું હતું લાઇફ ઓફ પાઇ, ધ આર્ટિસ્ટ અને મોડે મોડે જોયેલી શોશેન્ક રિડેમ્પશન વિશે લખવું હતું, નવ વાર થિયેટરમાં જોયેલી લવ આજ કલ વિશે, કમીને જોયા પછી સાત દિવસ સુધી રહેલા માથાના દુખાવા વિશે, સાંવરિયા જોયા પછી કયારેય નથી જોવી એ ગુઝારિશ વિશે અને સજળ આંખે વારંવાર જોયેલી આર. ડી. બર્મન પરની ડોકયુમેન્ટરી પંચમ અનમિકસ્ડ’ની એન્ડ ક્રેડિટ્સ વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડવાની ક્ષણો વિશે. લખવું હતું કાજલ ઓઝા- વૈદ્ય અને જય વસાવડા અને ધૈવત ત્રિવેદી જેવી નવી ખીલી ગયેલી શાનદાર કલમો વિશે અને લખવું હતું ગાલગાગામાં ધૂમરાયા કરતો, માત્ર મીટરમાં જ રમ્યા કરતી ગુજરાતી ગઝલો વિશે જ લખવું હતું. નવા અને / અથવા મૌલિક વિચારો સાથે બાપે માર્યા વેર હોય એવા પ્રેરણાની પડીકીઓ અને ચિંતનના ચૂરણના ખીમચાઓ ચલાવવાના કુટિર ઉદ્યોગ વિશે. લખવું હતું સિદ્ધાર્થ રાંદેરીયાનાં, ઊંઘમાં પણ યાદ આવે તો મોઢું મલકી જાય એવા ગુજજ્ુભાઇનાં નાટકો વિશે, લખવું હતું ગુજરાતી બ્લોગના નવા ખુલી ગયેલા વિશ્ર્વ વિશે, લખવું હતું ગુજરાતી સુગમ સંગીતની સ્થગિત થઇ ગયેલી સ્થિતિ વિશે, ટીવીના ટેલેન્ટ શોની ચાર દિનની ચાંદની વિશે, કયારેય નથી સુધરવાની એવી મચ્છી બજાર જેવી ઇડિયટ બોકસની ડિબેટસ વિશે. લખવું હતું ધ્રુવ ભટ્ટની નવલકથાઓના અસબાબ વિશે, ગુજરાતી ફિલ્મોમાં આવી રહેલા પ્લેઝન્ટ બદલાવ વિશે અને મોડર્ન બની રહેલા ગુજરાતીઓના ઇન્ટરનેશનલ મિજાજ વિશે લખવું હતું પૈસાની પેલે પાર જોતી થયેલી આપણી પ્રજાના નવા કલ્ચર વિશે, મુંબઇનાં મરાઠીઓ સાથે માણેલી ઉત્તમોત્તમ સાહિત્યિક કૃતિઓ, નાટકો અને પ્રકાશના દહી-મિસળ, પૂરી- પાતળભાજી અને પીયૂષ વિશે. લખવું હતું હિન્દુત્વની ક્ધસેપ્ટમાં પ્રવેશેલી સ્મનાર્ટનેસ વિશે, લખવું હતું. ત્રીસ વરસ પાછળ ફેંકાઇ ગયેલા ભાજપ વિશે અને લખવું હતું આ બધામાં એકલવીર બનીને ઝઝૂમતા નરેન્દ્ર મોદી વિશે. લખવું હતું સાબરમતી સેન્ટ્રલ જેલની બેરેકમાં મળેલા ગોધરાકાંડના મુસ્લિમ આરોપીઓ વિશે, ફાંસીની સજાની રાહ જોઇ રહેલા હાજી બિલાલ વિશે અને સળિયા પાછળના મારા પોતાના ૭૨ દિવસ વિશે. લખવું હતું ભગવાન માટેની બેઝિઝક શ્રદ્ધા વિશે, ‘કાં તું નહીં, કાં હું નહીં’ ની જીદ પર અડીને ઇશ્વર સાથે કરી નાખેલી બાથંબાથી વિશે અને લખવું હતું એનાં મરણોમાં સ્વીકારેલી અનકન્ડિશનલ શરણાગતિ વિશે. લખવું હતું ચાર-ચાર આંગળીએ પહેરીલી વીટીઓ વિશે, બ્રહ્માંડના દરેકેદરેક ગ્રહો-નક્ષત્રોને કરેલી ખુશામતો વિશે, નસીબ પલટવા માટે પલટેલી દરવાજાની દિશા વિશે અને લખવું હતું આ બધાની સંપૂર્ણ નિરર્થકતા વિશે. લખવું હતું માધુરી દીક્ષિત સાથેના ગળાડૂબ રોમાન્સ વિશે અને લખવું હતું એની સાથે બેવફાઇ કરીને કરીના, કતરિના અને અનુષ્કા સાથે ચલાવેલાં ખયાલી ચક્કર વિશે. લખવું હતું હેલ્થફ્રીક બનીને ખરીદેલી નાઇકીની ચડ્ડીઓ વિશે, નાસિકમાં બેસતા વરસનું પરોઢ થતાં પહેલાં યોજાતા પાડવા પહાટના મંત્રમુગ્ધ વાતાવરણમાં ફેલાઇ જતા શાસ્ત્રીય કંઠયસંગીત વિશે, જે. ડે મર્ડર કેસ વિશે, જિજ્ઞા વોરા વિશે. લખવું હતું યુવાની તરફ પાછા જઇ રહ્યા હોય એવા અમિતાભ બચ્ચનની એનર્જી વિશે, પરેશ રાવલ- નસીરુદ્દીન શાહના થિયેટર પ્રેમ વિશે અને હજુ બે દિવસ પહેલાં જ પૃથ્વીમાં જોયેલા મોહન રાકેશના નાટક આધે અધૂરેમાં મોહન અગાશે અને લિલિયટ દુબેની પ્રચંડ સ્ટેડજ પ્રેઝન્સ વિશે. લખવું હતું બરાક ઓબામનાના ઇલેકશન વિશે, રિ-ઇલેકશન વિશે, અમેરિકાની મહામંદી વિશે અને એનાં કારણો સમજાવતી ડોકયુમન્ટરી ઇન્સાઇડ જોબ વિશે. લખવું હતું પૈસાને પ્રોડકટ ગણીને વધુ પૈસો પેદા કરનારા મહારથીઓ વિશે અને એમના ફિનેન્શ્યલ સ્કેમ્સ વિશે અને તોય ન છૂટતા શેરબજારના વળગણ વિશે. લખવું હતું માના મૃત્યુ વિશે, પિતાના પરલોકવાસ વિશે સાત સમંદર પાર રહેતા ભાઇની આંખોમાં જોયેલી ભીનાશ વિશે. મામાના ધ્રૂજતા અવાજ વિશે, મમ્મીપપ્પાને કરવાના ખુલાસાઓ વિશે, એમના માટેની શિકાયતો વિશે. લખવું હતું ઓસામા બિન લાદેનને ખતમ કરવાની સીલ ટીમના અમેરિકન સોલ્ઝરની આત્મકથા વિશે, વિનોદ મહેતાની આત્મકથા વિશે, એસ. નિહાલસિંહની આત્મકથા વિશે. લખવું હતું અમેરિકી નાગરિકો પર અમેરિકન સરકાર બિગ બ્રધરનઈ જેમ વોચ રાખીને કઇ રીતે એમની પ્રાઇસીનો ભંગ કરી રહી છે એનું બયાન કરનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા પત્રકારના પુસ્તક વિશે અને મિયાં પડયા તોય ટંગડી ઊંચી રાખનારા અંકલ સેમ વિશે. લખવું હતું માથેરાનના વરસાદી દિવસો વિશે, સોમનાથ, માંડવી- તિથલના દરિયાકિનારાઓ પર એ. આર. રહેમાનના મ્યુઝિક જેમ ઘૂઘવતા સાગરનાં જળ વિશે સાગર કરતાંય ઘણું મોટું મન ધરાવતા કવિ સુરેશ દલાલ વિશે અને લખવું હતું ભોપાલ- હૈદરાબાદ, બેંગલોર, કલકત્તા, ચેન્નઇ અને દિલ્હીમાં મળેલા ગુજરાતીઓના વતનઝૂરાપા વિશે. લખવું હતું જાતે બનાવીને ઘેર ઘેર ફરીને વેચેલી ભેળપુરી- પાણીપુરીના સ્વાદ વિશે, સાઇકલના પેડલ પર તૂટતી જતી જિંદગીની એક એક કડી વિશે, મોઢું ફેરવી લેતા મિત્રો વિશે, બિછડતા સંબંધો વિશે, દુનિયાદારીની સમજ વિશે. લખવું હતું ટાઇટેનિક ડૂબી રહી હતી છતાં ટિકિટ લઇને એમાં ચડનારા નવા જાંબાઝ મિત્રો વિશે, બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાને બદલે એ ઘરના લીઝ પર લઇ લેનારા જૂના વફાદાર મિત્રો વિશે, હાથકડી પહેરાવનારાઓ વિશે, હાથ ઝાલનારાઓ વિશે. લખવું હતું ૯૭માં વર્ષે પણ નિયમિત લખનારા ખુશવંત સિંહ વિશે, ૯૨મે વર્ષે પણ ખોંખારો ખાઇને લખનારા ખડતલ નગીનદાસ સંઘવી વિશે. એંશી પ્લસની ઉંમરે કાળી મજૂરી કરીને વાચકોને ખુશ રાખતા કાન્તિ ભટ્ટ અને ખડખડાટ હસાવતા તારક મહેતા વિશે, ૭૫ પાર કરીને ભગ્નહૃદયને સાંધીને હોસ્પિટલના બિછાના પરથી કોલમ લખીને વાંચકો સાથેના વાઇદો પાળતા ગુણવંત શાહ વિશે. આ બધું જ લખવું હતું. આ ઉપરાંત પણ ઘણું લખવું હતું. લખાઇ ગયું હોત તો નહીં નહીં તોય ચાર-પાંચ હજાર ગુડ મોર્નિંગ લખાયા હોત. પણ એ તો હવે પાસ્ટ છે. ફયુચર શું છે? હજુ મારે બીજા પંદર-સત્તર હજાર ગુડ મોર્નિંગ લખવાનાં બાકી છે. (ગઇ કાલે જ માબાપ સમાન વડીલને પગે લાગવા ગયો ત્યારે એમણે શતાયું થવાના આશીર્વાદ આપી દીધા છે. નહીં લખાયેલા ગુડ મોનિર્ંંગના ગાળામાં પાન બનારસનું ખાધા વિના અક્કલનું તાળું ખૂલી ગયું છે અને લાગે છે કે પુનરજનમ થઇ રહ્યો છે. તમને રાખમાંથી બેઠું થઇ રહેલું યાયાવર કે ફીનિકસ દેખાય છે. મને અર્જુનને દેખાતી પક્ષીની આંખની જેમ બસ એક જ વ્યકિત દેખાય છે, વાચક મિત્ર તમે. |
Wednesday, January 2, 2013
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment