ગુડ મોર્નિંગ - સૌરભ શાહ મોગલકાળમાં દેશમાં ગુલામોનો વેપાર થતો. આ હકીકત સામ્યવાદી ઈતિહાસકારોએ ભૂંસી નાખી હતી. એનડીએના શાસન દરમિયાન નવેસરથી લખાયેલાં કેટલાંક પાઠ્યપુસ્તકોમાં આ ઉલ્લેખ આવ્યો અને સામ્યવાદી ઈતિહાસકારો ઊંચાનીચા થઈ ગયા. ‘ઈન્ડિયન હિસ્ટરી કૉન્ગ્રેસ (આઈએચસી)ના નેજા હેઠળ ઈરફાન હબીબ, સુપીરા જયસ્વાલ અને આદિત્ય મુખરજી જેવા વિદ્વાન મુસ્લિમવાદી સેક્યુલરો અને ભારતીય પરંપરાને વગોવનારા બંગાળી સામ્યવાદીઓએ ભેગા થઈને એનડીએ શાસન હેઠળની નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી) અર્થાત્ રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદને બદનામ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો. સેક્યુલર મીડિયાએ આમાં સાથ આપ્યો. પેલી સેક્યુલર ત્રિપુટીએ ‘ઈન્ડેક્સ ઑફ એરર્સ’ નામનો રિપોર્ટ પ્રગટ કરીને ભારતીય ઈતિહાસમાંની ત્રુટિઓને સુધારવાના પ્રયત્નનો વિરોધ કર્યો. આના જવાબમાં એનસીઈઆરટીએ એ મકખન લાલ, મીનાક્ષી જેન તથા હરિ ઓમ લિખિત પુસ્તક પ્રગટ કર્યું: ‘હિસ્ટરી ઈન ધ ન્યુ એનસીઈઆરટી ટેક્સ્ટબુક્સ: ફૉલસીઝ ઈન ધ આઈએસસી રિપોર્ટ.’ શિક્ષણના ક્ષેત્રમાં અને મીડિયામાં મુસ્લિમપ્રેમી સેક્યુલરવાદીઓની પક્કડ જબરજસ્ત છે. એમની સંસ્થાઓ પાસે કરોડો રૂપિયા છે. ભારત સરકાર પાસેથી મળતા અને વિદેશોમાંથી દાનરૂપે આવતા. આ પૈસાના જોરે તેઓ ભલભલાને પોતાના તરફી બનાવી શકે છે. પંડિત નેહરુ અને શિક્ષણપ્રધાન મૌલાના આઝાદની નીતિઓને કારણે દેશની તમામ મોટી શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાનો પર આ સામ્યવાદી સેક્યુલરો ચપ્પટ થઈને બેસી ગયા છે. જેઓ એમનો વિરોધ કરે એમને આ લોકોની તાકાતનો બરાબર પરચો મળી જાય છે. વિરોધ કરનારા શિક્ષણકારો કે સંશોધકોને મોટા પ્રોજેક્ટસમાંથી દૂર રાખવામાં આવે, નેશનલ અને ઈન્ટરનેશનલ પરિસંવાદોની આમંત્રિતોની યાદીમાંથી બાકાત કરી દેવામાં આવે, રિસર્ચના પ્રોજેક્ટસ માટેનું એમનું ભંડોળ અટકાવી દેવામાં આવે અને એમની હયાતિને વિસારે પાડી દેવામાં આવે. શિક્ષણના ક્ષેત્રમાં અનેક બુદ્ધિજીવીઓની કારકિર્દી આ સેક્યુલરોએ રગદોળી નાખી છે. આવું જ મીડિયામાં છે. તમે સેક્યુલર હોવાનો દેખાડો કરો એટલે આ મીડિયાના બીજા સાથીઓ તમારી આંગળી ઝાલીને તમને આગળ લઈ જાય, બઢતી અપાવે, જાતજાતના લાભ અપાવે. પણ એમના સેક્યુલરવાદને સહેજ પણ ઉઘાડો પાડવાની કોશિશ કરો તો તમારું પ્રમોશન અટકાવી દે, નોકરીમાંથી કાઢી મૂકે. બીજે ક્યાંય નોકરી ન મળે એવી તજવીજ કરે અને છેવટે કંઈ ન ચાલે ત્યારે તમારા પગમાં આંટી ભરાવીને ખાડામાં પાડી દે. ભારતના ઈતિહાસની અનેક જુઠ્ઠી તથા અતિશયોક્તિભરી બાબતો આપણા મનમાં ઘર કરી ગઈ છે. અકબર ઉદાર હતો, જહાંગીર ન્યાયપ્રિય હતો, ઔરંગઝેબ ધર્મિષ્ઠ હતો વગેરે. આ તમામ મોગલ સમ્રાટો બાપ, દીકરા યા સગા કાકાની કતલ કરીને સત્તા પર આવતા એ વાત જાણે ગૌણ હોય એ રીતે શીખવવામાં આવતી. મોટાભાગના મોગલ સમ્રાટો કાં તો આળસુ કાં ઐયાસ કાં દારૂડિયા કાં રંડીબાજ હતા એવી વાતો ક્યારેય શિખવાડાતી નથી અને એની સામે ભારતીય રાજાઓ કેટલા રંગીન મિજાજના હતા એ વાતો બઢાવીચઢાવીને શિખવાડાય છે. અસ્પૃશ્યતાની પ્રથાના પિતામહ મોગલો હતા. છતાં આજેય એ કલંક માટે ભારતીય પરંપરાને વગોવવામાં આવે છે. ચતુર્પણમાં ક્યાંય અસ્પૃશ્યતાનું નામોનિશાન નહોતું. મોગલોએ જ્યારે ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ દેશમાં કુદરતી હાજત માટે લોકો દિશાએ જતા, જંગલે જતા, ગામને પાદરે ખુલ્લા ખેતરમાં જતા. મોગલો આવ્યા એની સાથે એમનાં જનાનખાનાંઓ આવ્યાં. પર્દાનશીન બેગમો બહાર જતી નહીં. એમના માટે ડબાવાળા શૌચાલયો જનાનખાનામાં જ બનાવાયાં. આ ડબાઓ સાફ કોણ કરે એ મોટો પ્રશ્ર્ન હતો. મોગલ લશ્કરના હાથમાં જે હિંદુઓ પકડાતા એમની પાસે બે જ વિકલ્પ રહેતા. કાં તો મરી જવું કાં ઈસ્લામ ધર્મ અપનાવી લેવો. પછી ત્રીજો રસ્તો ખૂલ્યો વધારાનો મુંડકાવેરો ભરો તો આ બંનેમાંથી મુક્તિ મળે. જે પૈસાવાળા હિંદુઓ હતા એમણે પૈસા ભરી દીધા. પણ જે ગરીબ હતા પણ ઈસ્લામ અંગીકાર કરવા નહોતા માગતા એમનું શું કરવું? એમને પણ વિકલ્પ અપાયો. અમે જે કહીએ તે કામ કરવાનું. એ લોકોને શૌચાલયના ડબા સાફ કરવાનું હીન કામ સોંપાયું. એમની સાથેની ઉઠબેસ બંધ કરીને એમની આભડછેટ રાખવામાં આવી અને એમની વસતિ ગામથી દૂર રાખવામાં આવી. મોગલશાસન દરમ્યાન આને કારણે અસ્પૃશ્યતાનો ખૂબ ફેલાવો થયો. બ્રિટિશકાળમાં એ ચાલુ રહ્યો. આઝાદી પછી ઘટતો ગયો અને આજની તારીખે નહિવત્ છે. ક્યારેક છૂટાછવાયા કિસ્સા અસ્પૃશ્યતાના સર્જાય તો મીડિયામાં એ હદ સુધી એને ચગાવવામાં આવે કે આપણને લાગે કે આખા ભારતમાં આવું બની રહ્યું છે. આવા છૂટાછવાયા કે એકલદોકલ કિસ્સાનું એક ક્લાસિક ઉદાહરણ છે ભારતમાં એક જમાનામાં પ્રચલિત એવી દીકરી જન્મે એટલે એને દૂધપીતી કરી દેવાની પ્રથા. બીજી એક પ્રથા ભારતમાં હતી સતી થવાની જે રાજા રામમોહનરાયે બંધ કરાવી. આવું તમે ને હું ભણી ગયા છીએ. આજની તારીખે તમને કોઈ કહે કે આવી કોઈ પ્રથાઓ ભારતમાં હતી જ નહીં તો તમે માની શકો? સેક્યુલરવાદી અને મુસ્લિમપ્રેમી સામ્યવાદી ઈતિહાસકારોને કારણે આવી વાતો આપણે ઈતિહાસમાં ભણવી પડી હતી એવું જાણીને આઘાત લાગે તમને? કાલે વાત.
|
Friday, March 1, 2013
આ દેશમાં અસ્પૃશ્યતાની પ્રથા હિન્દુઓ લાવ્યા કે મુસલમાનો - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment