Showing posts with label સૌરભ શાહ. Show all posts
Showing posts with label સૌરભ શાહ. Show all posts

Monday, June 27, 2016

બાબા રામદેવની જીવન ગાથા - સૌરભ શાહ

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સૈદ અલીપુર નામના એક નાનકડા ગામમાં જન્મ. પિતા રામનિવાસ એક સાધારણ કિસાન. મા ગુલાબદેવી ધાર્મિક વૃત્તિની ગૃહિણી. દીકરાનું નામ રાખ્યું રામકિશન. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ - બેઉના આશીર્વાદ. બાળપણથી જ પિતાના ખેતી-પશુપાલનના કામકાજમાં રામકિશન સાથ આપતો. ગામમાં સ્કૂલ નહોતી. નજીકના શહબાજપુર ગામની સરકારી શાળામાં બધા છોકરાં ભણવા જતાં. રામકિશને પણ ત્યાં પ્રવેશ લીધો. આગલા ધોરણના વિદ્યાર્થીઓ માટે નકામા થઈ ચૂકેલાં પાઠ્યપુસ્તકોથી કામ ચલાવી લેવાનું. ગાડીનાં ટાયરોમાંથી બનેલા જાડા ચંપલ પહેરવાનાં. અભ્યાસમાં તેજ. સ્મરણશક્તિ બેજોડ. શિક્ષકોનો પ્રિય થઈ ગયો રામકિશન. સખત મહેનત અને પ્રામાણિકતા એની રગ રગમાં.  
સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનની સરકારી યોજના હેઠળ જમવાનું બને. રાંધવા માટે તેલ આવે. થોડાક તોફાની છોકરાઓએ તેલ ચોરીને એમાં ભજિયા તળીને ખાધાં. રામકિશન એ ટોળીથી દૂર હતા. પણ ચોરી કરનારા છોકરાઓએ વાત ફેલાવી કે રામકિશન પણ એમની ટોળીમાં સામેલ હતો જેથી એ ક્યાંય જઈને કોઈને ફરિયાદ ન કરી બેસે. વાત ઊડતી ઊડતી રામકિશનના પિતાને કાને આવી. પિતાએ કોઈ પૂછપરછ કે ઊલટતપાસ કર્યા વિના રામકિશનનાં હાથ બાંધીને એને ઘરની દીવાલના ખીલા પર ટિંગાડી દીધો અને પછી ડંડો લઈને ખૂબ માર્યો, ખૂબ પીટ્યો. રામકિશન ચીખતો-ચિલ્લાતો રહ્યો: મેં ચોરી નથી કરી. કઠોર સ્વભાવના પિતા પર એની કોઈ અસર પડી નહીં. મા વચ્ચે પડવા ગઈ તો બાપે એને પણ ધમકાવી: તું આ નઠારાની તરફદારી કરીશ તો તને પણ મારીશ. પિતા મારતા મારતા થાકી ગયા ત્યારે રામકિશનનો છુટકારો થયો.

બીજે દિવસે ચોરી કરનારા છોકરાઓ પકડાયા. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું, પણ પિતાજી પર આ વાતની કોઈ અસર થઈ નહીં. પોતે ભૂલ કરી છે એવો કોઈ અફસોસ એમને થયો નહીં.

આઠમા ધોરણમાં આવ્યા પછી રામકિશનમાં સમજણ પ્રગટવા માંડી. ઘરે રહેવું નહોતું. શાળામાં મહાપુરુષોનાં ચરિત્રોનું અધ્યયન કર્યું હતું. સંસ્કૃતના શ્ર્લોક અને ભજનો કંઠસ્થ હતા. એ જ ગાળામાં ગામમાં એક યુવા સંન્યાસી આવ્યા. ધર્મશાળામાં ઉતારો હતો. ગામના છોકરાઓ તથા કિશોરોને વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં રહેલી ખામીઓ સમજાવતા. સ્વામી દયાનંદ સરસ્વતીના ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ વિશે કહેતા. વેદ-ઉપનિષદ અને ગુરુકુળો દ્વારા અપાતી પરંપરાગત શિક્ષણ પદ્ધતિની જાણકારી આપતા.

કિશોર રામકિશન રોજ એમને સાંભળવા જતો. ‘સત્યાર્થ પ્રકાશ’નું વાંચન શરૂ કર્યું. યુવા સ્વામી તો થોડા દિવસમાં બીજે ગામ જતા રહ્યા પણ રામકિશનના દિમાગમાં દિવસરાત ‘સત્યાર્થ પ્રકાશ’ના વિચારો ચાલતા. એણે નક્કી કર્યું કે હવે મારે સરકારી સ્કૂલમાં નથી ભણવું, ગુરુકુળમાં જ ભણીશ. સ્વામી દયાનંદ સરસ્વતી જેવો સંન્યાસી બનીશ. એના માટે અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ જરૂરી અને તે ગુરુકુળમાં જ શક્ય છે. ખબર હતી કે માબાપને આવું કહેશે તો ડાંટ અને માર બેઉ પડશે અને પછી એના પર એવો પહેરો લાગી જશે કે ઘરેથી ભાગવું મુશ્કેલ બની જશે.

આઠમાનું પરિણામ આવી ગયું. રામકિશનની ઉંમર ૧૬ વર્ષની. સારું રિઝલ્ટ આવ્યું હોવાથી માબાપ ખુશ હતા. ૧૯૮૫ની આસપાસની કોઈ સાલ હતી. ઑક્ટોબરનો મહિનો. ગાંધી જયંતીની ઉજવણીના બરાબર બે દિવસ પછી રામકિશને ગૃહત્યાગ કર્યો. સવારના ચાર વાગ્યે ખાખી ફુલ પેન્ટ અને બ્લ્યુ શર્ટના સ્કૂલ યુનિફૉર્મમાં રામકિશને ઘર છોડ્યું. એક મિત્રને સાધી રાખ્યો હતો. ઘરે બધાં સૂતા હતા. ઘરની બહાર મિત્ર સાઈકલ લઈને તૈયાર હતો. નક્કી કર્યા પ્રમાણે દોસ્તાર રામકિશન માટે બે જોડી સફેદ વસ્ત્ર અને થોડી રોકડ રકમ લઈને આવ્યો હતો. રામકિશને મિત્રને કહ્યું કે તું જેટલે દૂર સુધી મને લઈ જઈ શકે એટલે દૂર લઈ જા જેથી ઘરવાળાઓને ખબર પડે ત્યાં સુધી હું એટલો દૂર પહોંચી ગયો હોઉં કે કોઈ મને શોધી ન શકે. દોસ્તાર ડબલ સવારી કરીને હરિયાણાના નાંગલ ચૌધરી નામના ગામ સુધી રામકિશનને છોડી આવ્યો ત્યાંથી નારનૌલની બસ પકડીને રામકિશન દિલ્હી પહોંચ્યો અને દિલ્હીથી હરદ્વારની બસ પકડી. પહેલી વાર બસની યાત્રા કરી રહ્યો હતો. મનમાં ડર હતો, ક્યાંક પિતાજી રસ્તામાં મળી ન જાય. ડરના માર્યા રસ્તામાં ક્યાંય ખાધુંપીધું પણ નહીં. સવારના ચાર વાગ્યાનો નીકળેલો રામકિશન સાંજે બસમાં રુડકી ગામે પહોંચ્યો. બસ ડ્રાઈવરે મુસાફરોના ચાપાણી માટે બસ રોકી હતી પણ રામકિશનને લાગ્યું કે હરદ્વાર આવી ગયું છે. ડરના માર્યા કોઈને પૂછીને ચોકસાઈ કરવાનું પણ સૂઝયું નહીં. બસ સ્ટેશનથી ચાલતાં ચાલતાં શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે ખબર પડી કે હરદ્વાર તો હજુ ૨૫ કિલોમીટર દૂર છે. રામકિશન દોડીને પાછો બસ પકડવા આવ્યો, પણ બસ ઊપડી ગઈ હતી. બીજી બસ સવારે આવશે. એક ઔર મુસીબત.

સ્કૂલનો યુનિફૉર્મ બદલવાનો ટાઈમ જ નહોતો મળ્યો. રુડકી શહેરમાં અંધારામાં રખડતાં રખડતાં એક કૉલોની પાસે ખાલી પ્લૉટ જોયો. સૂમસામ પ્લૉટમાં જઈ યુનિફૉર્મ કાઢીને ફેંકી દીધો અને સફેદ વસ્ત્રો ધારણ કરી લીધાં. ત્યાં જ કૉલોનીમાં કોઈએ એને કપડાં બદલતાં જોઈ લીધો. ચોર... ચોર... બૂમો પડી. રામકિશન કોઈને ખુલાસો કરવા રોકાવાને બદલે સીધો ત્યાંથી દોડ્યો. દોડતાં દોડતાં કોઈ દુકાને આવીને પૂછયું કે રાતે ગામમાં રોકાવું હોય તો કોઈ જગ્યા છે. દુકાનદારે એક ધર્મશાળા બતાવી. ધર્મશાળામાં જઈને રજિસ્ટરમાં ખોટું નામ-સરનામું લખાવીને દસ રૂપિયામાં સૂવા માટે એક ખાટલો લીધો. ભોજનની વ્યવસ્થા અહીં નહોતી. બહાર જઈને કોઈ હૉટેલમાં ખાઈ લેવાનું સૂઝયું નહીં. ભૂખ્યા પેટે જ રામકિશન સૂઈ ગયો.

બીજા દિવસે હરદ્વારની બસ પકડી. હરદ્વાર ઊતરીને જવાલાપુર પહોંચીને જે એક નામ યુવા સ્વામી પાસે સાંભળ્યું હતું તેનું ઠેકાણું પૂછયું. ત્રીસ કલાકની રખડપટ્ટીનો હવે અંત આવી રહ્યો હતો. સ્વામી દિવ્યાનંદના ‘યોગ ધામ’ પર પહોંચીને ત્યાંના વ્યવસ્થાપકોને કહ્યું કે હું આ ગુરુકુળમાં ભરતી થઈને અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ કરવા માગું છું. વ્યવસ્થા સંભાળનારાએ કહ્યું કે આ તો આશ્રમ છે, તમારે જેનો અભ્યાસ કરવો છે તેના માટે તો ગુરુકુળમાં જવું પડે. બાકી અહીં આશ્રમમાં રહીને ગાયોની સેવા કરવી હોય તો ગૌશાળામાં સાથ આપી શકો છો. થોડી વાર રોકાઓ. સ્વામીજી આવશે ત્યારે મળીને વાત કરી જુઓ!

રામકિશન કહે કે મારે તો ગુરુકુળમાં ભણવું છે. ગાયોની સેવા તો હું મારા ઘરે પણ કરતો હતો.

આશ્રમવાળાઓએ જવાલાપુરના આર્ય સમાજનું ઠેકાણું બતાવ્યું - ત્યાં જઈને તપાસ કરો. યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.

રામકિશન ત્યાં ગયો. માર્ગદર્શન મળ્યું. મેરઠમાં ગુરુકુળ પ્રભાત આશ્રમ છે. ત્યાં સ્વામી વિવેકાનંદજી નામના ગુરુ અષ્ટાધ્યાયી અને મહાભાષ્યનો અભ્યાસ કરાવે છે. મેરઠના ટિકરી વિસ્તારના ભોલાઝાલમાં નાની નહેરને કિનારે આ આશ્રમ છે. ત્યાં જવાનો રસ્તો અને બસનો રૂટ સમજી લઈને રામકિશન મેરઠ જવા રવાના થયો.

ગુરુકુળ પ્રભાત આશ્રમમાં એક બ્રહ્મચારી મળ્યો - ચિંતામણિ નામ. એણે કહ્યું કે સ્વામી આજે તો નહીં મળે, સવારે મળશે. આજ રાત આશ્રમમાં વિશ્રામ કરો. રામકિશનને રાતવાસો કરવાની જગ્યા મળી, સાથે જમવાનું પણ. બે દિવસ પછી પેટમાં અન્ન પડ્યું.

સવારે સ્વામી વિવેકાનંદજી સાથે મુલાકાત થઈ. એમણે પૂછયું, ‘અત્યારે તું કયા ધોરણમાં ભણે છે?’ રામકિશને કહ્યું, ‘આઠમું પાસ કરીને નવમામાં આવ્યો.’

સ્વામીજીએ કહ્યું, ‘અમારા ગુરુકુળમાં તો પાંચમું પાસ કરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ. તેં તો આઠમું પાસ કરી લીધું છે. તું બીજા વિદ્યાર્થીઓ કરતાં ઉંમર અને સમજમાં મોટો છે. એક કામ કર જિન્દ જિલ્લામાં પીલૂખેડાની પાસે કાલવા ગુરુકુળ છે. ત્યાં આચાર્ય બલદેવ છે. એ મોટી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને અષ્ટાધ્યાયી અને મહાભાષ્ય પણ શીખવાડે છે.’

રામકિશન એ જ દિવસે નીકળીને રાતે જિન્દના કાલવા ગુરુકુળ પહોંચ્યા. આચાર્ય રાતે મળે એવું નહોતું. રાત રોકાઈને સવારે આચાર્ય બલદેવને મળીને ગુરુકુળમાં પ્રવેશ માટે વિનંતી કરી. આચાર્યે પૂછયું, ‘બેટા, કિસ કક્ષા મેં પઢતે હો.’

‘જી ગુરુજી, નૌંવી કક્ષા મેં અભી પ્રવેશ લિયા હૈ...’

‘બેટા, તુમ સમય સે પહલે આ ગએ. ઈસ ગુરુકુલ મેં તો કમ સે કમ દસવીં યા બારાવીં પાસ વિદ્યાર્થીયોં કો હી લિયા જાતા હૈ...’

રામકિશનના પગ તળેથી ધરતી સરકી ગઈ. ઘર છોડી દીધું હતું. હવે એક ગુરુકુળ તરફથી કહેવાયું કે ઉંમર મોટી છે, બીજા ગુરુકુળ માટે ઉંમર નાની હતી. ઘરે પાછા ફરવું નથી એવો નિશ્ર્ચય અડગ હતો. સોળ વર્ષના રામકિશનને ૧૯૮૫ના અરસામાં ખબર નહોતી કે પાંચ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી પતંજલિની આયુર્વેદિક ચીજવસ્તુઓ બનાવતા યોગગુરુ બાબા રામદેવ બનતાં પહેલાં હજુ કેટલાં કષ્ટ અને કેટલી દુવિધાઓમાંથી પસાર થવાનું છે. સંદીપ દેવ લિખિત ‘સ્વામી રામદેવ: એક યોગી-એક યોદ્ધા’ એમના જીવન પર લખાયેલી સૌપ્રથમ અને એકમાત્ર સત્તાવાર બાયોગ્રાફી છે.


કાલવા ગુરુકુળના આચાર્ય બલદેવે રામકિશનને પ્રવેશ તો ન આપ્યો પણ એક સૂચન કર્યું:

‘બેટા, ચિંતા મત કરો. એક દિન યહાં રુક જાઓ ઔર કલ ખાનપુર ચલે જાઓ. વહાં આર્ષ ગુરુકુલ કે સંચાલક આચાર્ય પ્રદ્યુમ્નજી અષ્ટાધ્યાયી ઔર મહાભાષ્ય કે પ્રકાંડ વિદ્વાન હૈં ઔર વે તુમ્હારી ઉમ્ર કે બચ્ચોં કો પ્રવેશ ભી દેતે હૈ.’

સૂચન તો સારું હતું પણ એક પ્રૉબ્લેમ હતો. ખાનપુરનો આશ્રમ રામકિશનના ગામ સૈદ અલીપુરની નજીક જ હતો. રામકિશનને ડર હતો કે ઘરવાળા જો ખાનપુર આવી ગયા તો ઘસડીને એને પાછો લઈ જશે. એક બાજુ ઘરથી ખૂબ દૂર એવી કોઈ જગ્યાએ રહેવું હતું તો બીજી બાજુ મન કહેતું હતું કે જ્યાં ભણવા મળતું હોય ત્યાં જતા રહેવું જોઈએ.

કાલવાના આશ્રમમાં રાત રોકાઈને બીજે દિવસે રામકિશન ખાનપુરના આર્ષ આશ્રમમાં પહોંચ્યો. આશ્રમમાં પ્રવેશતાં જ રામકિશનનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ગુરુ પ્રદ્યુમ્નની હાજરીમાં યજ્ઞ વેદી પર મંત્રોચ્ચાર કરી રહેલા બાળકો અને કિશોરોને જોઈને રામકિશનને થયું કે સંસ્કૃતના અભ્યાસનું પહેલું પગથિયું અહીં જ છે.

રામકિશનને જોઈને આચાર્ય પ્રદ્યુમ્ને પૂછયું કે, ‘તારું નામ શું? અહીં આવવાનું પ્રયોજન શું?’ રામકિશને આપવીતી સંભળાવી. આચાર્ય પ્રદ્યુમ્ન આ નવા વિદ્યાર્થીની તાલાવેલી સમજી ગયા. એના હાથમાં અષ્ટાધ્યાયી મૂકીને કહ્યું, ‘ભલે, આ વાંચ. હું તને અહીં પ્રવેશ તો આપું છું પણ મારી એક શરત છે. તારે તારા માબાપને જણાવી દેવાનું કે તું અહીં ભણવા માટે આવ્યો છે. તું નહીં જણાવે તો હું મારી રીતે જણાવી દઈશ. માબાપથી છુપાવીને વિદ્યા મેળવવી યોગ્ય ન ગણાય.’

આચાર્ય પ્રદ્યુમ્ન પાસેથી અષ્ટાધ્યાયી મળતાં જ રામકિશને એનાં સૂત્રો કંઠસ્થ કરવા માંડ્યાં. વ્યાકરણશાસ્ત્રી પાણિની લિખિત અષ્ટાધ્યાયીમાં ૪,૦૦૦ સૂત્રો છે જે મોઢે થઈ જાય, સમજાઈ જાય એ પછી જ સંસ્કૃતનું ખરું જ્ઞાન મેળવી શકાય. અષ્ટાધ્યાયીનું અધ્યયન કર્યા વિના લોકો સંસ્કૃતના શ્ર્લોકોના અર્થનો અનર્થ કરી બેસે છે. જર્મન વિદ્વાન મેક્સમૂલરે આવા જ અનર્થો કર્યા છે.

આચાર્ય પ્રદ્યુમ્ને રામકિશનના ઘરે પત્ર મોકલી આપ્યો. પત્ર મળ્યો ત્યારે રામકિશને ઘર છોડ્યાને આઠ દિવસ વીતી ચૂક્યા હતા. નવમા દિવસે પિતાજી ધૂંઆંપૂઆ થતા આર્ષ ગુરુકુળ પર પહોંચ્યા. આવતાંવેંત રામકિશન પર વરસી પડ્યા: ‘બધાના જીવ અધ્ધર કરી નાખ્યા છે તેં. તારી મા રડી રડીને કેટલી સુકાઈ ગઈ છે. બસ, હવે બહુ થયું. ચુપચાપ અહીંથી નીકળ અને ઘરે ચાલ નહીં તો હાથપગ તોડીને ઠેકાણે કરી નાખીશ.’

ગુરુજીએ પહેલેથી જ રામકિશનને કહી દીધું હતું કે, ‘કોઈ માબાપ આજના સમયમાં પોતાના બાળકને ગુરુકુળમાં ભણાવવા નથી માગતા. એટલે તારા ઘરવાળા તને આવીને પાછો લઈ જ જવાના. ગુરુકુળમાં ભણવાની તારી ઈચ્છા જો અટલ હશે તો જ તું પાછો આવવાનો, અન્યથા ઘરે જ રહેવાનો.’

પિતાજી ઘસડીને રામકિશનને ઘરે પાછો લઈ ગયા. સવારથી નીકળ્યા હતા. બપોરે ઘરે પહોંચ્યા. મા ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. આઠ દિવસમાં પાગલ જેવી થઈ ગઈ હતી. ભૂખી-તરસી તાંત્રિક, જ્યોતિષ, પંડિત - ક્યાં ક્યાં ભટકી હતી. રડતાં રડતાં બોલ્યા કરતી હતી: તારે જવું જ હતું તો મને કહીને જવું હતું. તેં જરા સરખું વિચાર્યું નહીં કે તારા ગયા પછી તારી માનું શું થશે? તારા ચાચા-તાઉ કોણે કોણે અમારા પર શું શું જુલમ નથી કર્યા. આખું જીવન કષ્ટમાં ગયું છે. એ લોકોની મારપીટ, એમની સાથેના ઝઘડા... મને હતું કે તારા પિતાએ મારા માટે કંઈ ન કર્યું પણ તું મોટો થઈને મને સુખી કરશે. તને મોટો કરવામાં મેં શું શું દુખ નથી વેઠ્યું? તને તો કંઈ ખબર જ નથી. મેં કેટકેટલાં સપનાં સેવ્યાં હતાં તારા માટે, પણ તેં તો તારી માને જીવતેજીવ મરવા દીધી. બોલ, હવે તો ભાગીને ક્યાંય નહીં જાય ને?’

બાબા રામદેવ માના એ શબ્દો યાદ કરીને પોતાની જીવનકથાના આલેખક સંદીપ દેવને કહે છે: તે વખતે હું વિચાર્યા કરતો કે મા કેમ રડતી હશે? હું ભણવા માટે જ તો ગયો હતો. પણ મેં નક્કી કરી લીધું કે હું ફરી ભાગી જઈશ. મારે ગુરુકુળમાં જ રહેવું છે અને ત્યાં રહીને ભણવું છે. મા થોડી શાંત થાય પછી ફરી ભાગી જવાનો મેં પ્લાન બનાવ્યો.

મા ગરમાગરમ બાજરાના રોટલા સાથે ઘરનું માખણ અને દહીં પીરસીને લાડકા દીકરાને જમાડતી અને આ બાજુ પિતાજીનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો: ‘રામકિશન, તેરી પઢાઈ તો અબ હો ચૂકી પૂરી! માંને તુઝે બિગાડ રખા હૈ. અબ તુઝે ગુરુકુલ તો ક્યા, સ્કૂલ મેં ભી પઢને નહીં જાના હૈ. અબ તુ ચૂપચાપ મેરે સાથ મિલકર ખેતી કર. તુમ્હારા બ્યાહ કર દેતા હૂં. દેખતા હૂં કૈસે ઘર છોડતા હૈ?’

ત્રણ દિવસ થઈ ગયા. રામકિશન માતાપિતા સાથે ખેતરમાં જતો, ત્યાં કામ કરતો. ઘરે આવીને ગૌશાળાની સફાઈ કરતો. ચોવીસે કલાક માબાપની નજર હેઠળ રહેતો. ઘરથી ભાગીને સહેજ પણ દૂર જવાની કોઈ તક મળતી નહીં. ગુરુકુળથી આવતી વખતે અષ્ટાધ્યાયી છુપાવીને લઈ લીધી હતી. વખત મળતો ત્યારે છાનાં છાનાં વાંચ્યા કરતો. પણ આવું કેટલા દિવસ ચાલે?

એક દિવસ રામકિશને કાવતરું કર્યું. ખેતરમાં કામ ચાલુ હતું ત્યારે માને કહ્યું: ‘મને કકડીને ભૂખ લાગી છે. કંઈક ખાવું છે.’ માએ કહ્યું, ‘જા, આ ચાવી લે. ઘરે જઈને રોટી ખાઈ લે. પણ આવતી વખતે દરવાજો બંધ કરવાનું ભૂલતો નહીં, કૂતરાં ઘૂસી જશે...’

રામકિશન ચાવી લઈને દોડ્યો. ઘરમાંથી અષ્ટાધ્યાયી લીધી, ઘરના દરેક ખૂણે નજર કરી, માતાપિતાનું સ્મરણ કરીને મનોમન એમની માફી માગી લીધી અને દરવાજો બંધ કરીને દોટ લગાવી. બસ સ્ટેશને જવામાં ખતરો હતો. કાચી સડક પર જ દોડવાનું શરૂ કર્યું. સૈદ અલીપુરથી ખાનપુરનું ૨૫-૩૦ કિલોમીટરનું અંતર દોડી દોડીને જ કાપ્યું.

ગુરુકુળ પહોંચતાં પહોંચતાં સાંજ થઈ ગઈ. આચાર્ય પ્રદ્યુમ્ન રામકિશનને જોઈને પ્રસન્ન થયા. ‘આ ગયે બ્રહ્મચારી? મૈં તુમ્હારી હી રાહ દેખ રહા થા. મુઝે ભરોસા થા કિ તુમ્હારા સંકલ્પ દૃઢ નિકલેગા. ચલો અપની અષ્ટાધ્યાયી નિકાલો.’

સવારથી કંઈ ખાધું નહોતું. ઉપરથી દોડી દોડીને પગ સૂજી ગયા હતા. શરીર તૂટતું હતું. આમ છતાં રામકિશને તરત જ અષ્ટાધ્યાયીનો પાઠ શરૂ કરી દીધો. ગુરુ વધારે ખુશ થયા. બોલ્યા, ‘કાલથી અભ્યાસ શરૂ કરજે. અત્યારે હાથમોઢું ધોઈને જમી લે.’

બીજે દિવસે ઍઝ એક્સ્પેક્ટેડ પિતાજી ગુરુકુળમાં!

‘તારું દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને? ફરી ભાગીને આવ્યો? તું આવે છે કે તારા હાથપગ તોડી નાખું?’

‘બાપુ, અબ ચાહે હાથ-પૈર તોડો, જાન સે મારો યા ઝમીન મેં ગાડ દો. ન મૈં સરકારી સ્કૂલ મેં પઢૂંગા, ન હી ઘર મેં રહૂંગા. અબ મેં રહૂંગા તો ગુરુકુલ મેં, અન્યથા રસ સંસાર મેં નહીં રહૂંગા.’ બાબા રામદેવ જૂના દિવસો યાદ કરતાં કહે છે કે પોતે કેવા દૃઢ સંકલ્પ સાથે પિતાજીને કહી દીધું હતું.

પિતાજી ખાલી હાથ પાછા જતા રહ્યા. મા પાછી રડવા લાગી. પિતાજીએ માને સમજાવી: ‘એ જિદ્દી છે, નહીં માને. બહુ જોર કરવા જઈશું તો કોણ જાણે શું નું શું કરી બેસશે. પાછો ભાગીને ક્યાંક બીજે જતો રહેશે. એના કરતાં અહીં ખાનપુરમાં જ છે તો સારું છે. નજીક જ છે. સલામત છે. વચ્ચે વચ્ચે મળવા જતા રહીશું. આમેય કંઈ ખોટું કામ તો નથી કરતો. ભણવા જ ગયો છે ને. હા, એનું ભણવાનું એવું છે કે મને ફિકર છે કે ક્યાંક સાધુ ન બની જાય. પણ જિંદગી છોડીને જતો રહે એના કરતાં દુનિયા છોડીને સાધુ થાય તો ભલે થાય.’

આ બાજુ રામકિશનના મોસાળમાં આ સમાચાર પહોંચી ગયા. નાનાજી સવાર સવારમાં ઊંટગાડી જોડીને ગુરુકુળ આવી ગયા. પાછી એ જ રેકર્ડ: ‘ચલતા હૈ કિ નહીં, માં કો રુલા રખા હૈ... હાથ-પૈર તોડ દૂંગા... તુઝે શર્મ નહીં આતી, માબાપ કો તંગ કરતે હુએ...’

પણ પથ્થર પર પાણી. નાનાજીની ઊંટગાડી પાછી જતી રહી: ‘ ચલો, ઈસ પાગલ લડકે કો કોઈ ન સમઝા પાવેગા...’


આચાર્ય પ્રદ્યુમ્નની દેખરેખ હેઠળ રામકિશનના ગુરુકુળજીવનની શરૂઆત થઈ. આચાર્યે સૌપ્રથમ તો રામકિશનનું નામ બદલ્યું: ‘રામકિશન શુદ્ધ નામ નથી. અપભ્રંશ છે.’ આચાર્યે રામકિશનનું નામ બ્રહ્મચારી રામકૃષ્ણ આર્ય કર્યું.

ગુરુકુળમાં વૈદિક શિક્ષણ ઉપરાંત શારીરિક અને માનસિક મજબૂતી પર પણ ધ્યાન આપવામાં આવતું હતું. આ ઉપરાંત સફાઈથી લઈને પશુપાલન અને રસોઈ બનાવવાની જવાબદારી તેમ જ ચારો લાવવાની જવાબદારી પણ ઉઠાવવી પડતી. પ્રાચીન ગુરુકુળીય પ્રથાનુસાર વિદ્યાર્થીઓએ ભિક્ષા માગવા પણ જવું પડતું જેથી નમ્રતા, ઉદારતા અને સેવાના ભાવો જાગૃત થાય.

ગુરુકુળના રસોડે દાળ અને શાક બનતાં. રોટી ભિક્ષાથી લાવવાની રહેતી. દૂધનો ખર્ચ બ્રહ્મચારીઓના ઘરવાળાઓએ મોકલવાનો રહેતો. જેમના ઘરે રકમ મોકલવાની સ્થિતિ ન હોય એમને દૂધથી વંચિત રહેવું પડતું.

રામકૃષ્ણના પિતાનો ગુસ્સો હજુ ઊતર્યો નહોતો. ગુરુકુળમાં પૈસા મોકલતા નહીં. એમણે ધાર્યું હતું કે પૈસા નહીં મોકલું તો છોકરો થાકી હારીને પાછો આવી જશે, ત્રણ મહિના સુધી પિતા મક્કમ રહ્યા. રામકૃષ્ણને ફરક પડતો નહોતો. દૂધ ભલે ન મળે, વિદ્યા તો મળતી હતી. એક દિવસ ગુરુજીને શું સૂઝયું કે એમણે રામકૃષ્ણને રોજ એક ગ્લાસ દૂધ આપવાની મંજૂરી આપી. ત્રણ મહિના પછી પિતાજી ગુરુકુળ આવ્યા. એક વરસના દૂધ માટે રૂપિયા ત્રણસો જમા કરાવી દીધા એટલું જ નહીં પાછલા પૈસા પણ ચૂકતે કરી દીધા. રામકૃષ્ણ ખુશ થયા. ચાલો, પિતાજીનો ગુસ્સો તો ઓસરી ગયો.

બાબા રામદેવ આજથી માત્ર પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંના એ અનુભવો યાદ કરતાં કહે છે:

‘અમારે રોટી માટે ભિક્ષા માગવા નજીકના ગામોમાં જવાનું રહેતું. બાલદી ભરીને આશ્રમના બધા માટે રોટી ભેગી કરવાની. હું ને મારાથી ઉંમરમાં નાના એવા એક દેવેન્દ્ર બ્રહ્મચારી ભિક્ષા માગવા નીકળી પડતા. હાથમાં બાલદી રાખીને કોઈ પણ ઘરની બહાર ઊભા રહીને હું બૂમ પાડતો: ‘ઓમ ભિક્ષામદેહિ!’ ઘરમાંથી કોઈ મહિલા બહાર આવીને અમને બ્રહ્મચારીના વેશમાં જોતી એટલે સમજી જતી કે અમે ભિક્ષા માગવા આવ્યા છીએ. અમે કહેતા, ‘માતાજી, નમસ્તે’. એ રસોડામાંથી રોટી લાવીને અમારી બાલદીમાં મૂકતી અને અમે ‘જી, ખૂબ ખૂબ આભાર’ કહીને બીજા ઘરે જતા.

‘ગુરુકુળમાં બીજાં કાર્યો વારાફરતી બધા ભ્રહ્મચારીઓએ કરવાનાં આવતાં. પણ ભિક્ષા માગવાની કાયમી જવાબદારી મારા પર આવી ગઈ હતી. કારણ કે હું બાલદી ભરીભરીને રોટીઓ લઈ આવતો. આને કારણે ગુરુકુળના બધા બ્રહ્મચારીઓ અને ગુરુજનોને બેઉ ટંક રોટી ખાવા મળતી. શરૂમાં ભિક્ષા માગવામાં સંકોચ થતો પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સંકોચ ઓછો થતો ગયો અને પછી તો ટેવ પડી ગઈ.’

‘ભિક્ષામાં અમને ઘઉંની રોટી અને બાજરાના રોટલા મળતા. સબજી અને દાળ તો ગુરુકુળમાં બનતાં જ હતાં. દૂધની પણ વ્યવસ્થા હતી. વારતહેવારે ગૃહસ્થ લોકો ભિક્ષામાં ખીર અને શીરો પણ આપતા હતા. શીરો તો એટલો મળતો કે બે દિવસ સુધી અમને બધાને ચાલતો. ખીર એક જ દિવસમાં પૂરી કરી નાખવી પડતી. થોડા વખત પછી એક ધનાઢ્ય વ્યક્તિએ મારી પ્રતિભા જોઈને મને છાત્રવૃત્તિ મોકલવાનું શરૂ કર્યું. મહિનાના રૂપિયા ૩૦૦ને હિસાબે વર્ષે દહાડે ૩,૬૦૦ રૂપિયાની છાત્રવૃત્તિ હું ગુરુકુળમાં રહ્યો ત્યાં સુધી આવતી રહી’, એમ સ્વામી રામદેવ કહે છે!

આજે બાબા રામદેવને કૉન્ગ્રેસ સહિતના વિરોધપક્ષો ગાળો આપતા રહે છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર એમના વિશે ભૂંડામાં ભૂંડી મજાકો થતી રહે છે પણ એમના પર આ બધાની કોઈ અસર થતી નથી. રામદેવ કહે છે: ‘હું તો બચપણથી જ ગાલી-પ્રૂફ થઈ ગયો હતો. એટલે કોઈ મને ગાળો આપે, મારા વિશે અપશબ્દો કહે કે મારી અભદ્ર મજાકો ઉડાવે તો મારું રુંવાડુંય ફરકતું નથી. હું તો બસ મારી ધૂનમાં ચાલ્યો જાઉં છું.’

એ વખતના દિવસોની એક ઘટના યાદ કરતાં બાબા કહે છે:

‘ખાનપુર ગામમાં એક માતાજી હતી. ગામમાં છેલ્લું ઘર એમનું જ હતું. હું જ્યારે એમને ત્યાં ભિક્ષા માગવા જઉં ત્યારે ગાળો આપીને અમારું સ્વાગત કરતી: ગુરુકુલ ને હમારે ભરોસે હી ઐસે ઐસે ખાગડ (આખલો) સાંઢ પાલ રખે હૈં. કમા કર ખાયા નહીં જાતા, ઐસે ભીખ માંગને ચલે આતે હૈં...’ અને આવું કહ્યા પછી એ બે રોટી આપતી પણ હતી! પછી તો અમારો નિત્યક્રમ થઈ ગયો કે બીજે ક્યાંય જઈને ભિક્ષા માગીએ કે ન માગીએ, એ મૈયાના ઘરે જરૂર પહોંચી જતા. જે દિવસે એમની ગાળો ન સાંભળીએ એ દિવસે સુનું સુનું લાગતું. ગાળોની સાથે બે રોટી - જાણે પ્રેમથી લપેટીને અપાતી હોય એવું લાગતું. આ ગાળોએ મારામાં અપમાન સહન કરવાની શક્તિ સર્જી, હું માન-અપમાનના અહંકારમાંથી બહાર આવી ગયો.’

જુવાનજોધ દીકરો ભિક્ષા માગીને ખાય છે એ વાત ઘરવાળાઓથી કેટલા દિવસ સુધી છૂપી રહેવાની હતી! એક સવારે રામકૃષ્ણનાં મા-બાપ, બેઉ ગુરુકુળ આવી પહોંચ્યા. રામકૃષ્ણ એમના આવવાનું કારણ પૂછે - સમજે એ પહેલાં જ પિતાજી વરસી પડ્યા: ‘તુમને મેરી નાક કટા દી. ઘર સે ભાગા હી, અબ ભીખ ભી માંગને લગા હૈ.’ મા પણ જોડાઈ: ‘પૈસે તો તેરે બાપૂ ભેજતે હી હૈં. કમ પડ ગયા તો ઔર મંગવા લેતા, લેકિન કમ સે કમ ભીખ તો ન માંગતા.’

વાત એમ બની હતી કે સૈદ અલીપુરની એક છોકરીનાં લગ્ન ખાનપુરમાં થયા હતાં અને એક દિવસ ભિક્ષા માગતાં માગતાં અજાણતાં જ રામકૃષ્ણ એ છોકરીના સાસરિયે પહોંચી ગયા હતા. એ બહેને ભિક્ષા તો આપી દીધી પણ પોતાનાં પિયરિયાંઓમાં ચાડી ખાધી કે રામનિવાસચાચાનો છોકરો જે ઘરેથી ભાગી ગયો હતો તે હવે ઘરે ઘરે ભીખ માગીને ખાય છે. એ છોકરીના પિતાએ આ વાત રામનિવાસ યાદવને તો પહોંચાડી જ, સાથોસાથ પંચાયત પણ બેસાડી. પંચે વ્યંગ કરતાં કહ્યું, ‘રામનિવાસ, જો અનાજની કમી હતી ઘરમાં તો અમને કહેવું હતું. અમે લોકો તારી આબરૂ ઢાંકવા આવી જાત. પણ બેટાને બીજે ગામ ભીખ માગવા માટે મોકલવાની શું જરૂર હતી?’

રામનિવાસ યાદવ આખા ગામમાં થયેલું આવું અપમાન સહન નહીં કરી શક્યા. પત્નીને લઈને દીકરા પાસે ગુરુકુળ છોડાવવા આવી પહોંચ્યા. પણ દીકરો અડગ હતો. ઘરે પાછા જવાનો તો સવાલ જ નહોતો. ‘તો કયા યહીં રહકર જિંદગીભર ભીખ માંગેગા?’ પિતાએ આવેશમાં પૂછયું.

રામકૃષ્ણે બાપુની ક્ષમા માગતાં કહ્યું: ‘બાપુ, આ ભીખ નથી ભિક્ષા છે. ગુરુકુળમાં ગુરુ પોતાના વિદ્યાર્થીઓને અભાવ, તપ અને સંઘર્ષોની ભઠ્ઠીમાં તપાવે છે જેથી જીવનમાં જ્યારે પણ સંઘર્ષ અને પ્રતિકૂળતાના સંજોગો આવે ત્યારે એનો આત્મવિશ્ર્વાસ ન તૂટે અને એ સફળતાના શિખરે આસાનીથી પહોંચી જાય. આ ભીખ ત્યારે થઈ જાય જ્યારે અમે કામચોરી કરતા થઈ જઈએ. પણ પ્રાચીન ભારતીય વિદ્યા પદ્ધતિમાં ભિક્ષા માગવી એ તો વિદ્યાર્થીજીવનમાં અહંકારને ઓગાળવાની ઉત્તમ રીત છે. જો અહંકાર મનમાં રહી જાય તો જ્ઞાનની પ્રાપ્તિ ક્યારેય ન થાય અને આમેય જ્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અમને ભિક્ષા આપે છે અને અમે એના ઘરનું અન્ન-જળ ગ્રહણ કરીએ છીએ ત્યારે જિંદગીભર અમને એ અહેસાસ રહેતો હોય છે કે અમારા લોહી માંસ મજ્જામાં એમનો પરસેવો ભળેલો છે. આ અહસાસ જ આખી જિંદગી ગરીબો માટેના અમારા કર્તવ્યમાં અમને અડગ રાખે છે.’

એ પ્રસંગને યાદ કરતાં સ્વામી રામદેવના પિતાજી રામનિવાસ યાદવ કહે છે: ‘મૈં બેહદ ગુસ્સે મેં થા. મૈને ઉસે હડ્ડી-પસલી તોડને કી ધમકી ભી દી. માને ભી ઉસે અપના વાસ્તા દિયા થા. કહા - ‘તૂ ગુરુજી સે કહકર ભીખ માગને કા કામ છોડકર કોઈ દૂસરા કામ લે લે...’ લેકિન ઉસને માં કો કહા કિ ‘જો ગુરુજી કહેંગે મૈં તો વહી કરૂંગા.’ અપની ઔર સે કોઈ આગ્રહ નહીં કરૂંગા.’ આખિર માંને કહા, ‘ઠીક હૈ, તૂ ભિક્ષા માંગ, લેકિન કમ સે કમ ઉસ લડકી કે ઘર ભીખ માંગને મત જાના. ગાંવ મેં બડા અપમાન હોતા હૈ...’

આ સાંભળીને રામકૃષ્ણે કહ્યું હતું: ‘નહીં મા, ભિક્ષા મેં દો રોટી કે સાથ પ્રતિદિન ગાલી દેનેવાલી એક માતા કે સમાન હી અબ તો મૈં ગાંવવાલી ઉસ બહન કે ઘર ભી ભિક્ષા માંગને રોજ જાઉંગા. મેરે અંદર કા માન - અપમાનરૂપી અહંકાર ઈસસે ટકરાકર હી ધ્વસ્ત હોગા.’

ઘઉંનો પાક તૈયાર થઈ જાય એ પછી ભિક્ષામાં પશુઓ માટે ઘઉંના દાણા કાઢી લીધા પછી વધતું ભૂસું અને બ્રહ્મચારીઓ માટે અનાજ પણ માગવામાં આવતું. મોટાભાગના લોકો એક પોટલું ભરીને ભૂસું કે અનાજ ભિક્ષામાં આપતા. એક પોટલામાં જેટલું ભરાય એટલું ભૂસું ભરી લેવાનું. એક મણ, બે મણ, જેટલું ભરાય એટલું. પણ એક પોટલાથી વધારે નહીં. આચાર્ય પ્રદ્યુમ્ન શારીરિક રીતે પણ ઘણા શક્તિશાળી હતા. આજે પણ છે. તેઓ એક પોટલામાં ૧૦૦ કિલો ભૂસું બાંધીને ખભા પર ઉઠાવી ગુરુકુળ સુધી ચાલીને આવતા. રામકૃષ્ણે પણ ગુરુકુળમાં વ્યાયામ, દંડ-બેઠક વગેરે કરીે શરીરને મજબૂત બનાવી દીધું હતું. એ ૮૦ કિલો જેટલું ભૂસું એક પોટલામાં લાદીને ઊંચકી લેતા. ગુરુકુળમાં ગુરુજી પછી ભૂસાની સૌથી વધુ ક્ષિભા રામકૃષ્ણ દ્વારા આવતી. આ ભૂસાને ભૂસાદાનીમાં ચડાવવાનું કામ સૌથી કઠિન રહેતું. એ કામ કરવામાં આખા માથામાં, નાક-કાન-મોઢામાં બધે જ ભૂસું ભરાઈ જતું. શ્ર્વાસ લેવાની તકલીફ થઈ જતી. ભૂસું ચઢાવવાનું કામ એક-એક મહિના સુધી ચાલતું. ગુરુકુળનો આ સૌથી કઠોર મહિનો રહેતો.

સંસારની આ બધી કષ્ટભરી ગતિવિધિઓમાંથી સંન્યાસીના આથીય કઠિન અનુભવો સુધી પહોંચવા માટે રામકૃષ્ણે હજુ ઘણાં વર્ષો સુધી આકરી તપશ્ર્ચર્યા કરવાની હતી.

ખાનપુરના ગુરુકુળમાં અભ્યાસ પૂરો કરીને રામકૃષ્ણે કાલવાના ગુરુકુળમાં પ્રવેશ લીધો. ખાનપુરથી સોએક કિલોમીટરના અંતરે આવેલા કાલવાના આશ્રમે અન્ડર એજ હોવાને લીધે રામકિશનને પ્રવેશ નહોતો આપ્યો, પણ હવે વાંધો નહોતો. કાલવા ગુરુકુળના આચાર્ય બલદેવ રામકિશનનને ઓળખી ગયા. રામકિશને હવે પોતાનું નામ રામકૃષ્ણ રાખવામાં આવ્યું છે એવી જાણકારી આપીને પોતે વીતેલાં વર્ષોમાં શું શું શીખ્યા તેની વિગતો આપી. આચાર્ય બલદેવે પ્રસન્ન થઈને કહ્યું, ‘ઘણું સરસ... પણ અહીં તારે તારા નામમાંથી કોઈ એક પસંદ કરવું પડશે. રામકૃષ્ણ - એવું બે નામવાળું વ્યક્તિત્વ નહીં ચાલે. તને જોઈએ તો તું તારું નામ રામ રાખી લે અથવા કૃષ્ણ...’

રામકૃષ્ણ વિચારમાં પડી ગયા. એમને અચાનક યાદ આવ્યું,

‘માને રામ નામ પસંદ છે. એજ નામ રાખી લઉં.’

‘ભલે, બ્રહ્મચારી. આજથી તારું નામ રામદેવ,’ આચાર્ય બલદેવે નામકરણ કર્યું. નવા ગુરુકુળમાં ઉચ્ચ અભ્યાસની સાથે ભિક્ષાટન, ગૌસેવા વગેરે રૂટિન ચાલુ જ હતાં.

૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં ગુરુકુળ નજીકના ધડોલી ગામના સજ્જનોએ ગૌશાળા માટે ૧૦ એકર જમીન ગુરુકુળને દાનમાં આપી. આ આખીય જમીન પર બાવળનું જંગલ હતું. રામદેવે બીજા બ્રહ્મચારીઓ સાથે કુહાડીથી બાવળનાં તમામ ઝાડ કાપ્યા, કોદાળીથી એનાં મૂળિયાં ઉખાડ્યા. પાવડા - ઘમેલાથી આ બધા બિનઉપયોગી થડ - ડાળખાં - મૂળિયાંને હટાવીને બાવળના જંગલવાળી જમીન પર ગૌશાળાનું નિર્માણ કર્યું. રામદેવે પોતાને મળતી છાત્રવૃત્તિની તમામ રકમ આ ગૌશાળાને આપી દીધી.

કાલવાના આ નવા ગુરુકુળમાં સિનિયર વિદ્યાર્થીઓ જે કંઈ શીખી લે તે વિદ્યા એમણે જુનિયર બ્રહ્મચારીઓને પાસ કરવાની. ગુરુ-શિષ્ય પરંપરાથી ચાલતા આ આશ્રમમાં રામદેવ ભણતા અને ભણાવતા પણ ખરા. જે કંઈ ભણાવવાનું હોય તે જો એક કલાક માટે ભણાવવાનું હોય તો એ માટે પહેલાં તેઓ પોતે બે કલાક સુધી એ વિષયને પાકો કરી લેતા.

સવારે સૌ કોઈએ પોણા ચાર વાગ્યે ઊઠી જવાનું અને રાત્રે બરાબર ૧૦ વાગ્યે સૂઈ જવાનું. સ્વામી રામદેવ ગુરુકુળનાં એ વર્ષોને યાદ કરતાં કહે છે: ‘પાંચ સાલ તક ગર્મ કપડા તો નહીં હી પહના, કભી ઉસ દૌરાન કંબલ યા રજાઈ ભી નહીં ઓઢી. મૈંને અપની પૂરી પઢાઈ કેવલ દો જોડી વસ્ત્રોં મેં પૂરી કી હૈ. સુબહ ઉઠને કે બાદ સભી કો ઠંડે પાની સે હી નહાના પડતા થા, ચાહે કિતની હી કડાકે કી ઠંડ હો. ગુરુકુલ મેં કભી નહાને કે લિએ ગર્મ પાની નહીં દિયા જાતા થા... પૂરે જીવન એક દિન ભી નહાને મેં સાબુન કા ઈસ્તેમાલ નહીં કિયા...’

ગુરુકુળમાં સવારે આસન - પ્રાણાયમ કરવાના અને સાંજે કુશ્તી અને દંડબેઠક. રામદેવ રોજના પાંચસો દંડ લગાવતા. યુ ટ્યુબ પરના એક વિડિયોમાં એમને આ ઉંમરે અનુભવી કુશ્તીબાજો સાથે ફ્રેન્ડલી કુશ્તી રમતાં જુઓ કે બીજા ભારેખમ વ્યાયામ કરતાં જુઓ તો પચ્ચીસ વર્ષ પહેલાં રોજના પાંચસો દંડ કરવાના દાવામાં કોઈને અતિશયોક્તિ નહીં લાગે. આટલા દંડ લગાવવાની પ્રેક્ટિસને લીધે શરીર પરસેવે રેબઝેબ થઈ જતું અને બે-ચાર ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં પણ શરીરની આંતરિક ગરમી જળવાઈ રહેતી.

ખાનપુર ગુરુકુળમાં રામદેવનો પરિચય બાલકૃષ્ણ સાથે થયો હતો. રામદેવ કરતાં એમની ઉંમર નાની. રામદેવ કાલવાના આશ્રમમાં દાખલ થયા એ પછી બાલકૃષ્ણ પણ ખાનપુર ગુરુકુળમાં અભ્યાસ પૂરો કરીને કાલવામાં આવ્યા. અહીં ધીરે ધીરે બંને વચ્ચેનો પરિચય ગાઢ મૈત્રીમાં પલટાયો. રામદેવ માટે બાલકૃષ્ણ સગા નાના ભાઈ સમાન બની ગયા. કાલવા આશ્રમનાં આચાર્ય બલદેવ સ્વામી રામદેવની બાયોગ્રાફીના લેખક સંદીપ દેવને કહે છે: ‘રામકિશનને કાલવા ગુરુકુલ મેં શિક્ષા કે ઉપરાંત ભારતીય દર્શન, વેદ, ઉપનિષદ કે ગહન અધ્યયન કે લિયે લગાતાર પૂરે દેશકી યાત્રા કી ઔર વિદ્વાનો કે સાથ સત્સંગ કિયા. હિમાલય કી ગુફાઓ ઔર કંદરાઓ મેં ઉસને લંબે સમય તક તપસ્યા કર રહે તપસ્વીયોં ઔર યોગિયોં સે યોગ કી બારીકિયાં સીખીં હૈં.’

કાલવાના આશ્રમમાં અભ્યાસ પૂરો થયા પછી રામદેવ ‘આચાર્ય’ની ઉપાધિ (ડિગ્રી) માટે લાયક બન્યા. ગુરુ બલદેવે એમને આચાર્ય રામદેવ બનાવીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા અને કાલવા આશ્રમની સંપૂર્ણ જવાબદારી એમના ખભા પર નાખી દીધી. બલદેવજી કાલવાનો આશ્રમ અને એની જમીન રામદેવના નામે કરવા માગતા હતા પણ રામદેવ એ જંજાળમાં પોતાને બાંધવા નહોતા માગતા.

આચાર્ય રામદેવે સેંકડો ભારતીય યુવાનોને દેશના જાહેરજીવનને ચારિત્ર્યવાન બનાવાવમાં ઉપયોગી થાય એવું ભણતર આપવા માગતા હતા. આ માટે સૌથી પહેલાં એ હરિયાણાના કિશનગઢ ઘાસેડાસ્થિત ગુરુકુળમાં પહોંચ્યા. ત્યાંના બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું પણ એ જ ગાળામાં એક દુર્ઘટના બની ગઈ. ગુરુકુળના એક બાળકે ચોરી કરી. આચાર્ય રામદેવે સીસમના ડંડાથી એને ખૂબ માર્યો. બાળક લોહીલુહાણ થઈ ગયું. તાવ ચડી ગયો.

આચાર્ય રામદેવને દિવસો સુધી પોતાના આ વર્તન બદલ પસ્તાવો થતો રહ્યો. ગુરુકુળમાં બ્રહ્મચારીઓની આ રીતની પિટાઈ કંઈ નવી વાત નહોતી. પણ રામદેવ પોતાના આ વર્તાવથી અંદરથી હચમચી ગયા. છેવટે શાંતચિત્તે એમણે એક નિર્ણય લીધો. ગુરુકુળ છોડીને હિમાલય જતા રહેવું.

એજ ગાળામાં બાલકૃષ્ણનો પત્ર આવ્યો હતો. મોટા ભાઈ સમાન આચાર્ય રામદેવને એમણે લખ્યું હતું: ‘તમે જે જ્ઞાન મેળવ્યું તેની જરૂર આખા દેશને છે. તમે ગુરુકુળ પૂરતું તમારું જ્ઞાન કેવી રીતે સીમિત રાખી શકો? વૈદિક જ્ઞાન પરંપરા, યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા (નેચરોપથી અથવા કુદરતી ઉપચાર)ના જ્ઞાનને જન-જન સુધી પહોંચાડવા માટે તમારે ગુરુકુળના સીમિત દાયરામાંથી બહાર નીકળીને આખા દેશને સંબોધિત કરવાનો છે.’

આચાર્ય રામદેવ અને એમના જૂના મિત્ર બાલકૃષ્ણ હરદ્વારની પવિત્ર ભૂમિ પર વર્ષો બાદ ફરી ભેગા થાય છે. બાલકૃષ્ણને પણ આચાર્યની ઉપાધિ પ્રાપ્ત થઈ ગઈ છે. બીજે જ દિવસે બેઉ આચાર્યોએ દલિત બસ્તીઓમાં જઈ જઈને સ્વચ્છતા કાર્ય શરૂ કરી દીધું. બીમાર લોકોને આયુર્વેદના ઉપચારોથી સાજા કરવા માંડ્યા. સાથોસાથ બેઉ આચાર્યોએ અહીંના લોકોને નશાખોરી, અશિક્ષણ, ભ્રષ્ટાચાર, અપરાધ વગેરેની ખિલાફ સમજાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે બંનેની ખ્યાતિ ફેલાતી ગઈ. છેક આસામથી લોકો આયુર્વેદના ઉપચાર માટે આવતા થયા. પ્રસિદ્ધિ જેમ વધતી ગઈ તેમ વિઘ્નનો સૌથી પહેલો પડાવ આવ્યો - પોતાના જ લોકો તરફથી. ધર્મના ઠેકેદારો અને મઠાધીશોના પેટમાં આ જોડીનું કામ ખૂંચવા લાગ્યું. કારણ કે આ બંનેના કાર્યને લીધે પોતાના સંપ્રદાયમાં થતો વધારો અટકી જતો હતો. ધર્માંતરણનું કાર્ય કરનારાઓ તરફથી બીજું વિઘ્ન ઊભું થયું. આ બંને વિઘ્નોનો સામનો કરીને બેઉ આચાર્યોએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી. આ બંને તરફથી મળતી આયુર્વેદની દવા માટે કોઈએ એક પૈસો આપવાનો નહોતો, પોતાનો ધર્મ પણ બદલવાનો નહોતો.

આ ગાળામાં હરદ્વારના એક સંત શ્રી શંકરદેવ મહારાજે બેઉ આચાર્યોની સમાજસેવાથી પ્રભાવિત થઈને એમને વિનંતી કરી કે તમે બંને મારા કૃપાલુ બાગ આશ્રમમાં આવી જાઓ, એનું સંચાલન કરો અને તમારી પ્રવૃત્તિ આગળ વધારો.’

આચાર્ય રામદેવે એમના ચરણસ્પર્શ કરીને કહ્યું, ‘ભ્રષ્ટાચાર, અપરાધ, ઉત્પીડન અને નશાખોરીની દેશવ્યાપી ઘટનાઓથી મન વિચલિત થઈ ગયું છે. પીડિત માનવતાનો ઉદ્ધાર જરૂરી છે પણ એક સાથે આટલી બધી સમસ્યાઓનો સામનો કરવાનું કોઈ ગજું નથી. અમારી પાસે જે આત્મશક્તિ જોઈએ તે નથી. આ બધી સમસ્યાઓનું નિરાકરણ શોધવા અમારે અમારી પોતાની અંદર ઝાંકીને જોવું પડશે. સ્વયંને જાગૃત કરીને જ બીજાને જાગૃત કરવાનો પ્રયાસ કરી શકાય. ધ્યાન અને તપ દ્વારા આત્મશક્તિનો સંચય કરીને હમ જરૂર આપની પાસે આવીશું, ત્યાં સુધી અમને આજ્ઞા આપો.’

સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારથી ગંગોત્રી ભણી પ્રયાણ કર્યું.

આચાર્ય રામદેવના શબ્દોમાં: ‘બસ મેં બૈઠકર હમ ગંગોત્રી પહુંચે. ગંગોત્રી મેં પહુંચતે હી ઉસકે આકર્ષણને હમેં જકડ લિયા. ગંગા કી લહરોં ઔર ગુફાઓ ને મન કો અજીબ શાંતિ સે ભર દિયા. હમારે મન મેં ભી થા કિ દુનિયા સે એકદમ કટકર ગુફાઓં મેં રહના હૈ. તપસ્યા કરને કી ધુન સવારથી. વહાં પહુંચ કર હમ ઘંટોં બૈઠકર ધ્યાન કરને લગે. હમ વહાં લગભગ તીન સાલ રહે ઔર ઈસ દૌરાન તીન ગુફાઓં કો બદલા...’

સ્વામી રામદેવ કહે છે: ‘હમારી પહલી ગુફા ગંગોત્રી કે ઉપર તપોવન મેં થી. દૂસરી ગુફા સૂરજકુંડ કે સામને થી. યહાં ગંગા કી લહરેં ગુફા કી દીવાર સે ટકરાતી રહતી થી. ભયંકર ગર્જના હોતી થી. રાત-રાત ભર ગર્જના ચલતી રહતી થી. કઈ બાર ધ્યાન ભી ભંગ હો જાતા થા. ઈસલિયે હમને ઈસ ગુફા કો ભી છોડ દિયા. હમારી તીસરી ગુફા પાંડુ ગુફા કી તરફ બાયીં ઓર થી. અભી ભી વહાં એક સંત રહ રહે હૈં. ઈસ ગુફા મેં હમેં પૂર્ણ શાંતિ કી પ્રાપ્તિ હુઈ, ઐસી શાંતિ કી પ્રાપ્તિ હુઈ કિ મેરા મન યહાં સે હટન કો હુઆ હી નહીં. મૈં લગાતાર સાધના મેં રહને લગા. દુનિયા કો પૂરી તર સે ભૂલ ગયા...’

અહીં ખાવાપીવાની કોઈ સગવડ નહોતી. નીચે ઈશાવાસ્યમ્ આશ્રમમાં સદાવ્રત ચાલતું હતું ત્યાં અન્ય સંન્યાસીઓ અને સાધુઓની જેમ આ બંને આચાર્યો પણ લાઈનમાં ઊભા રહીને એક ટંકનું ભોજન મેળવી લેતા. આશ્રમ તરફથી મળતા ભોજનની સબ્જીમાં મરીમસાલા એટલા લાગતા કે એને પાણીમાં ધોઈને તેઓ ખાતા!

સ્વામી રામદેવ કહે છે: ‘વહાં સ્વાધ્યાય કે તૌર પર મૈં મહર્ષિ પતંજલિ કા યોગદર્શન ઔર ઉપનિષદ પઢતા થા. સુબહ-શામ ગાયત્રી મંત્ર કા જાપ કરતે થે. વહીં યોગિયોં સે યોગ શીખા. સુબહ પ્રાણાયમ કરતે ઔર યોગ સાધના કો પ્રબલ બનાને મેં જુટે રહતે. ઉસ સમય મન મેં વિચાર આયા કિ સેવા કા બડા કામ નહીં કરેંગે, બલ્કિ સાધના પથ પર હી આગે બઢેંગે. આત્મા વ પરમાત્મા સે સાક્ષાત્કાર કરેંગે ઔર ઈસકે લિએ યદિ પૂરા જીવન લગ જાએ તો ભી લગા દેંગે. આત્મા વ પરમાત્મા સે સાક્ષાત્કાર કે લિયે કઈ તરહ કી સાધનાએં ઔર પ્રયોગ કિએ. સાધના કી અલગ - અલગ વિધિયોં કો આજમાયા.’

ત્યાં અનેક યોગીઓ પાસેથી યોગની ક્રિયાઓ શીખવા મળી. યોગનો અભ્યાસ વધતો ગયો. ‘યોગ હી મેરા જીવન બન ગયા,’ સ્વામી રામદેવ કહે છે, ‘તીન સાલ તક મૈં સાધના કરતા રહા. ચૌથે સાલ ગંગોત્રી મેં અપના આશ્રમ ભી લે લિયા. લોગોં સે દાન ઔર ઉધાર માંગ-માંગ કર મૈંને પાંચ લાખ મેં અપના આશ્રમ લિયા ઔર હમેશા કે લિયે હિમાલય મેં હી, બસ જાને કા નિર્ણય લે લિયા.

આચાર્ય રામદેવના આ વિચારો જાણીને અને સેવાને બદલે સાધનાના માર્ગે જ આગળ વધવાના નિર્ધારને દૃઢ થતો જોઈને આચાર્ય બાલકૃષ્ણે એમને સમજાવ્યા:

‘સમાજ સે કટ કર નહીં, સમાજ સે જુડકર સાધના પથ પર ચલના હૈ. સમાજસેવા કો હી સાધના બનાના હૈ. ગુરુકુળના વિદ્યાર્થીઓ દીન-હીન બનીને નહીં પણ સમાજની સમક્ષ આદર્શ બને એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે. ગુરુ, રાષ્ટ્ર અને પૃથ્વીનું ઋણ ચૂકવવાનું છે.’

આચાર્ય રામદેવને ગળે આ વાત ઊતરી. એમણે હિમાલયના એકાંતવાસની સાધના છોડીને સંસારમાં પ્રવેશી સમાજની સેવા કરવાનો નિર્ણય કર્યો. પણ સંસારમાં પુન:પ્રવેશ કરતાં પહેલાં જગતમાં રહેલાં કંચન અને કામિનીનાં આકર્ષણોથી આજીવન દૂર રહેવા એક સંકલ્પ જાહેર કરવાનો હતો. મન તો ભગવા રંગે રંગાઈ ચૂક્યું હતું. શરીર પરનાં વસ્ત્રોને પણ ગેરૂઆ રંગે રંગવાનાં હતાં.


હિમાલયથી ઊતરીને આચાર્ય રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે હરદ્વારના કનખલસ્થિત કૃપાલુબાગ આશ્રમને પોતાની પ્રથમ કર્મભૂમિ બનાવી. આશ્રમમાં સુવિધાઓ પણ હતી અને આશ્રમની પોતાની સમસ્યાઓ પણ હતી. આવી વિષમ પરિસ્થિતિમાં ૧૦ નવેમ્બર ૧૯૯૪ના રોજ બેઉ આચાર્યોએ સૌ પ્રથમ ‘યોગ સાધના એવં યોગ ચિકિત્સા શિબિર’નું આયોજન કર્યું. એના બે મહિના પછી બીજા કેટલાક સાધુસંતો તથા કર્મયોગીઓના સહકારથી ૫ જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ ‘દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ’ની સ્થાપના કરી. એ પછી કૃપાલુબાગ આશ્રમમાં રોજેરોજ યોગ અને આયુર્વેદ ચિકિત્સાની શિબિરો થવા માંડી. ધીમે ધીમે કૃપાલુબાગ આશ્રમ યોગ, પ્રાણાયમ અને આયુર્વેદિક ચિકિત્સાના પ્રમુખ કેન્દ્ર તરીકે જાણીતો થવા માંડ્યો. આચાર્ય રામદેવ લોકોેને યોગ અને પ્રાણાયમ દ્વારા સ્વાસ્થ્ય લાભ કરાવતા જ્યારે આચાર્ય બાલકૃષ્ણ લોકોને આયુર્વેદિક તથા એક્યુપ્રેશર ચિકિત્સા દ્વારા સ્વસ્થ કરતા.

એક દિવસ એક રોગીએ આચાર્ય બાલકૃષ્ણને ફરિયાદ કરી, ‘તમે જે દવા લખી આપો છો તે બજારમાં તો ક્યાંય મળતી નથી. આવી દવાઓ શું કામ લખી આપો છો?’

કૃપાલુબાગ આશ્રમના ગુરુ સ્વામી શંકરદેવે કહ્યું, ‘એમાં વળી કઈ મોટી વાત છે. શુદ્ધ આયુર્વેદિક દવા જો બજારમાં ન મળતી હોય તો જડીબૂટી વિશે તમે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તેનો લાભ ઉઠાવો અને તમારી જાતે દવા બનાવીને રોગીઓને સાજા કરો.’

બેઉ આચાર્યો બીજા જ દિવસે જંગલમાં નીકળી પડ્યા. શહેરમાં કરિયાણાની દુકાને જે જે જડીબુટ્ટી ઉપલબ્ધ હોય તે મેળવીને બાકીનાની શોધમાં પહાડીઓમાં, જંગલોમાં ભટકવાનું, જાણકાર લોકોની મદદ લેવાની. પાછા આવીને મંડપ-વાસણ ભાડે આપનારાઓ પાસેથી રોજના દસ રૂપિયાના ભાડે તોતિંગ તપેલું લઈ એમાં દવાઓ બનાવવાની. કામ પૂરું થઈ જાય એટલે તરત ભારેખમ તપેલું જાતે ઊંચકીને પાછું આપી આવવાનું જેથી બીજા દિવસનું ભાડું ચડી ન જાય. જડીબુટ્ટીની ગૂણીઓ ભરી ભરીને ક્યારેક સાઈકલ પર, ક્યારેક હાથ રિક્સામાં તો ક્યારેક ગંગાનાં ઉછળતાં પાણીમાં તરીને આશ્રમમાં લાવવામાં આવતી. ક્યારેક કેટલાય કિલોમીટર સુધી ઊંચકીને ચાલવું પડતું. આજેય હરદ્વારમાં કેટલાય લોકો છે જેમણે સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આવું કરતાં જોયા છે.

સેવાનું કામકાજ ધમધોકાર ચાલતું થઈ ગયું હતું. આ બાજુ રામદેવનાં માતાજીની ઈચ્છા હતી કે દીકરો સામાન્ય લોકોની જેમ ઘર વસાવે, પોતાને પૌત્ર-પૌત્રીઓનું સુખ પ્રદાન કરે. પણ રામદેવના મનમાં કોઈક અલગ જ ધૂન સવાર હતી. વર્ષોથી ઈચ્છા તો થતી જ રહેતી હતી પણ હવે એનો અમલ કરવાનું અનિવાર્ય લાગતું હતું. સ્વામી શંકરદેવે રામદેવની આ ઈચ્છા સાંભળીને કહ્યું, ‘સોચ લો ફિર રામદેવ. સંન્યાસ આસાન બાત નહીં હૈં. તુમ પરિવાર કે બંધન મેં નહીં બંધ સકોગે. સંન્યાસી કો ખુદ કો મારકર સમાજ કો જાગૃત કરના પડતા હૈં.’

રામદેવે કહ્યું: ‘સંન્યાસ દીક્ષા કે બાદ મૈં એક પરિવાર નહીં, બલ્કિ અનેક પરિવાર કો પ્રેમ કર સકૂંગા. ખુદ કો મારકર હી તો મૈં પૂરી માનવતા સે અસીમ પ્રેમ કર સકૂંગા.’

સ્વામી શંકરદેવે આચાર્ય રામદેવનાં માતાપિતા સહિત એમના બંને ગુરુઓ આચાર્ય પ્રદ્યુમ્ન તથા આચાર્ય બલદેવને સંદેશાઓ મોકલી દીધા કે બ્રહ્મચારી આચાર્ય રામદેવ ગૃહસ્થ જીવનને બદલે સંન્યાસ જીવનમાં પ્રવેશ કરવા માટે ઈચ્છુક છે માટે આપ સૌ આશીર્વાદ આપવા પધારો.

૯ એપ્રિલ, ૧૯૯૫. રામનવમીનો પવિત્ર દિવસ. હરદ્વારના પાવન ગંગાતટ પર મંત્રોચ્ચારણ, યજ્ઞ તથા હવન સાથે આચાર્ય રામદેવની દીક્ષાવિધિ શરૂ થઈ. સ્વામી શંકરદેવ, આચાર્ય પ્રદ્યુમ્ન, આચાર્ય બલદેવ, માતા-પિતા, આચાર્ય બાલકૃષ્ણ તેમ જ અન્ય સાધુ - સંન્યાસીઓની હાજરીમાં આચાર્ય રામદેવે મા ગંગાની ગોદમાં ઊતરીને સંન્યાસ ધર્મનો સંકલ્પ કર્યો:

‘મૈં આજ સે સભી પ્રકાર કી એષણાઓં વ આસક્તિયોં કે મોહ સે ઉપર ઉઠકર અપને સંન્યાસ ધર્મકા પાલન કરુંગા. મૈં ધન કે પ્રલોભન સે મુક્ત રહકર આર્થિક વ આધ્યાત્મિક સામર્થ્ય કા ઉપયોગ લોકકલ્યાણ હેતુ કરુંગા. મૈં માન-સમ્માન કા ત્યાગ કરતે હુએ અનાસક્ત રહકર અપને કર્તવ્યોં કા વહન કરુંગા.’

સ્વામી શંકરદેવે ગંગાના પ્રવાહમાં સ્થિર ઊભેલા આચાર્ય રામદેવના વાળની લટ કાપી અને પહેરવા માટે એમને ભગવાં વસ્ત્રો આપ્યાં. સ્વામી શંકરદેવ આ લટ અને રામદેવની જનોઈને પોતાના હાથે ગંગાને સમર્પિત કરી દીધાં. દીક્ષા ગુરુ સ્વામી શંકરદેવના હાથે આચાર્ય રામદેવ હવે સ્વામી રામદેવ બન્યા. ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે સ્વયંનો સ્વામી બની જાય છે, જે પોતાને જાણતો થઈ જાય છે તે ‘સ્વામી’ કહેવાય છે. રામદેવે સ્વનો સાક્ષાત્કાર કરી લીધો હતો, પોતે કોણ છે, પોતે શું કરવા માગે છે, પોતાનામાં કેટલી શક્તિ છે - આ બધા પ્રશ્ર્નોનોસંતોષકારક ઉત્તર, એમણે પોતાની પાસેથી મેળવી લીધો હતો. અને એટલે હવે તેઓ સમાજમાં સૌ કોઈના માટે સ્વામી રામદેવના માનભર્યા સંબોધનને લાયક બની ગયા હતા.

યોગ વિશે સ્વામી રામદેવની આ એક વાત સૌ કોઈએ ધ્યાનમાં રાખવા જેવી છે. યોગ દ્વારા ચમત્કારો કરવા, હવામાં ઊડવું કે પાણી પર ચાલવું એવા દાવાઓ અવારનવાર કેટલાક ઢોંગીઓ કરતા રહે છે. બાબા રામદેવ આપણા જેવી આકરી ભાષા નથી વાપરતા પણ નમ્રતાપૂર્વક સાફ સાફ શબ્દોમાં કહે છે:

‘મુઝે યોગદર્શન કંઠસ્થ હૈં. લેકિન પરકાયા પ્રવેશ, આકાશગમન, જલ-અગ્નિ-કાંટોં પર યોગ. સાધના કે બલ પર ચલના, અણિમા-સધિમા જૈસી સિદ્ધિઓં કો કરતે મૈંને તો અપની આંખોં સે કિસી મહાપુરુષ કો નહીં દેખા. પ્રાચીન કાલ મેં હી યે સિદ્ધિમાં હોતી થીં. ઈન્હેં ખોજને કે લિયે પૂરે હિમાલય ક્ષેત્ર, તિબ્બત - સભી જગહ મૈંને લગાતાર યાત્રા કી, ખાક છાની, લેકિન આજ તક મુઝે ઐસા કોઈ સિદ્ધ પુરુષ નહીં મિલા હૈ...’

૫ જાન્યુઆરી, ૧૯૯૫માં શરૂ કરેલા ‘દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ’ને આમ જનતાથી માંડીને કૉર્પોેરેટ સેક્ટર સુધીના સૌ કોઈના તરફથી દાન મળતું થઈ ગયું. પાંચ રૂપિયાથી માંડીને લાખો રૂપિયા આવતા. ૧૦ વર્ષમાં, ૪ ફેબ્રુઆરી, ૨૦૦૫નો રોજ આમાંથી ‘પતંજલિ યોગપીઠ’નો જન્મ થયો. યોગ, આયુર્વેદ, સ્વદેશી, વૈદિક તથા પ્રાકૃતિક જ્ઞાનના બીજમાંથી એક વટવૃક્ષ ઊભું થયું. શરૂઆતમાં તો દાનની રાહ જોયા વિના બૅન્કમાંથી લોન લઈ લઈને બાંધકામ વગેરેનું કામકાજ થતું. થોડાં વર્ષો પહેલાં જે ‘આસ્થા’ ચૅનલ પર બાબા રામદેવની યોગ શિબિરનું કલાકેક માટે પ્રસારણ થતું એ આખેઆખી ચૅનલ એમણે ખરીદી લીધી. એમણે એટલે? એ તો સંન્યાસી છે. એક પણ પૈસાની માલિકી એમની નથી. જે કંઈ છે તે બધું જ ટ્રસ્ટનું છે. બિલકુલ ઓપન કારભાર છે. હિસાબ કિતાબ કોઈપણ સરકારી એજન્સી જઈને જોઈ શકે છે.

સોળ વર્ષની ઉંમરે જેઓ બસમાં પણ નહોતા બેઠા તેઓ આજે વર્ષના હજારો કિલોમીટરના પ્રવાસો કરીને દેશવિદેશમાં યોગ - આયુર્વેદનો નિ:સ્પૃહ બનીને પ્રચાર કરી શકે છે. પણ એક વખત એવો હતો જ્યારે સ્વામી રામદેવના માથે રોજ કોઈને કોઈ વાતે માછલાં ધોવાતાં. એમને બનતી આયુર્વેદિક દવામાં માનવ અસ્થિનો ભુકો વાપરવામાં આવે છે એવો તદ્દન જુઠ્ઠો આક્ષેપ સામ્યવાદી પક્ષના મુખિયા પ્રકાશ કરાતનાં પત્ની બ્રિન્દા કરાતે એટલો ઉછાળ્યો એટલો ઉછાળ્યો કે ઘડીભર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું. બ્રિન્દાનાં બહેન રાધિકા રૉય એનડીટીવીના સ્થાપક અને માલિક પ્રણય રૉયનાં પત્ની થાય. એમની ચૅનલે બાબાને બદનામ કરવાની આગેવાની લીધેલી. આ ઉપરાંત આર્થિક અને ક્રિમિનલ બાબતોની અનેક ફરિયાદો સ્વામી રામદેવ, એમના સાથીઓ તેમ જ એમની સંસ્થાઓ વિરુદ્ધ થતી રહી. આજની તારીખે પણ ક્યાંક ક્યાંકથી એમની પ્રોડક્ટ્સ વિશે કોઈને કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ દ્વારા આવી હેરાનગતિ થતી જ રહે છે. સ્વામી રામદેવે આ બધું પાર્ટ ઑફ ધ ગેમ તરીકે સ્વીકારી લીધું છે. તમે જેટલા મોટા માણસની અને જેટલા વધારે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતા હશો તેટલી વધુ વિઘ્ન પ્રવૃત્તિઓ તમારી સાથે થવાની. સ્વામી રામદેવ આવી સેંકડો આપત્તિઓ વચ્ચે અડીખમ રહ્યા તે પોતાની તાકાતને કારણે. સેંકડો પોલીસ કેસ, કોર્ટ કેસ, ઈન્ક્વાયરીઝ વગેરેની અગ્નિપરીક્ષામાં તેઓ વધુ ઉજળા થઈને, અણિશુદ્ધ સ્વરૂપે બહાર આવ્યા. આજે પતંજલિ પ્રોડક્ટ્સનું ટર્નઓવર વર્ષે પાંચ હજાર કરોડનું છે તે કંઈ મોદી સરકારની મહેરબાનીને કારણે નથી. આ સરકારને તો બે જ વર્ષ થયાં છે હજી. બાબાએ ખરી પ્રગતિ તો અગેન્સ્ટ ઑલ ઑડ્સ કરી છે. કૉન્ગ્રેસની - સોનિયાજીની - મનમોહન સિંહની સેક્યુલર સરકાર એમની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી, છતાં આટલી પ્રગતિ એમણે કરી. મોદીની જેમ રામદેવ પર પણ વર્ષો સુધી એમના વિરોધીઓ પથરા ફેંકતા આવ્યા છે. દસ વર્ષ તો શું પાંચ વર્ષ પહેલાં પણ કોઈએ નહોતું વિચાર્યું કે મોદી પ્રાઈમ મિનિસ્ટર બનશે કે રામદેવની પતંજલિ પ્રોડક્ટ્સ દેશની ભલભલી મલ્ટિનેશનલ કંપનીઓના મોઢે ફીણ લાવી દેશે.

આપણે ત્યાં સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સમાં ભગવાં કપડાંધારીઓની મજાક કરવાની પ્રથા પડી ગઈ છે. ભારતીય સંસ્કૃતિની જે કોઈ વાતો કરે એમને પછાત, ગામડિયા અને અક્કલના ઓથમીર કહેવાની પ્રથા પડી ગઈ છે. આ પ્રકારના તમામ સેક્યુલરિયાઓને ભોંયભેગા કરીને સ્વામી રામદેવે દેશની નવી પેઢી સામે એક જબરજસ્ત રોલ મૉડેલ ઊભું કર્યું છે. આ કંઈ બિઝનેસની વાત નથી. તમારે ફેક્ટરી ખોલીને મધ, ટુથપેસ્ટ, ઘી, શેમ્પુ કેવી રીતે બનાવવાં અને કેવી રીતે હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવું એનું રોલ મૉડલ કંઈ તમારે બાબા પાસેથી શીખવાનું નથી. કોઈ જો એવું તમને ભરમાવતું હોય તો તમારે પહેલાં તો આ સંસારમાંથી સંન્યાસ લેવો પડે, પછી એક પણ રૂપિયાનો વહીવટ તમારી પાસે રાખ્યા વિના સાદીસીધી જિંદગી જીવવી પડે. બોલો, છે એવી તૈયારી? સ્વામી રામદેવ પાસેથી હજારો કરોડનો બિઝનેસ કરતાં શીખવાનું નથી. એથી આગળ એવું ઘણું ઘણું શીખવાનું છે. મારે હિસાબે સૌથી મોટી આ ત્રણ વાત શીખવાની છે.

૧. મોટી પ્રાપ્તિ માટે મોટો ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ કરવાની તૈયારીરૂપે લાલચો પર કાબૂ રાખવાની પ્રેક્ટિસ કરવી પડે. બાબા હોય, મોદી હોય કે પછી વિરાટ કોહલી કે શાહરૂખ ખાન દરેક વ્યક્તિએ પોતાની જિંદગીમાં ઘણું બધું જતું કર્યું હોય છે ત્યારે જઈને તેઓ પોતાના ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી શકે છે.

૨. અપમાનોથી ડરવું નહીં અને વિરોધીઓને જડબાતોડ જવાબ આપીને ભોંયભેગા કરી નાખવામાં શરમાવું નહીં. બાબા ખુલ્લેઆમ સાબુ બનાવતી કે મધ - ટૂથપેસ્ટ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓને પડકારે છે. કારણ કે એમની સ્પર્ધા કરવાની બાબામાં તાકાત છે.

૩. ધ્યેય સ્પષ્ટ રાખો. આજે વિચારો કે આમ કરીશું ને કાલે વિચારો કે તેમ એ રીતે જિંદગીમાં આગળ નહીં વધાય. અટવાયા કરશો. આંખ સામેનું નિશાન સ્પષ્ટ હોવું જોઈએ અને જિંદગીના કોઈપણ તબક્કે એ ટાર્ગેટ આઉટ ઑફ ફોકસ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું.

‘સ્વામી રામદેવ: એક યોગી - એક યોદ્ધા’ સંદીપ દેવે લખેલી સ્વામી રામદેવની પહેલી અને એકમાત્ર ઑફિશ્યલ બાયોગ્રાફી છે. પતંજલિ આયુર્વેદ ડૉટ નેટ પર આ અને બીજાં ઘણાં યોગ - આયુર્વેદ - કુદરતી ઉપચાર વિશેનાં પુસ્તકો તથા ડીવીડી તેમ જ પતંજલિની તમામ પ્રોડક્ટસ તમને ઑનલાઈન ખરીદી માટે મળી જશે. યુટયુબ પર એમની અઢળક વીડિયોઝ છે.

સ્વામી રામદેવ જે કંઈ કરી રહ્યા છે તે મારા-તમારા ને આખા દેશના ભલા માટે કરી રહ્યા છે. આવી શ્રદ્ધા જો કોઈનામાં ન હોય તો પણ એણે યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારને પોતાના જીવનમાં અનિવાર્ય બનાવી દેવાં જોઈએ. તનથી અને મનથી સ્વસ્થ રહેવું હશે તો આ બધું જ છેવટે કામ આવવાનું છે. તમે જે ક્ષેત્રમાં હો તે ક્ષેત્રમાં કામ કરીને એના સર્વોચ્ચ સ્થાને પહોંચવાની તમન્નાને સાકાર કરવી હોય તો આ ત્રણેય વસ્તુઓ યોગ, આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા તમારું કશું જ નુકસાન કર્યા વગર, તમારી પાસે કોઈ ઝાઝો ખર્ચ કરાવ્યા વગર તમને ત્યાં સુધી લઈ જવામાં મદદ કરશે. કમ સે કમ મને તો પર્સનલી કરી જ રહી છે.

Sunday, June 19, 2016

ચર્ચાઓ મૂર્ખામીભરી અને વાહિયાત હોય છે-સૌરભ શાહ

સૌરભ શાહ


રજનીશજીએ દસ ઝેનકથાઓ વિશે પ્રવચનો કર્યાં હતાં. આ પ્રવચનો દરમ્યાન એમણે કહ્યું કે, ‘તમામ ચર્ચાઓ મૂર્ખામીભરી અને વાહિયાત હોય છે.ચર્ચાઓ દરમ્યાન સૌથી મોટું જે શસ્ત્ર વપરાય છે તે તર્ક છે. તર્ક દ્વારા કોઈક તાર્કિક નિર્ણય પર આવી શકાય પરંતુ સત્ય સુધી ન પહોંચી શકાય.’

તમારામાં ધારદાર તર્કશક્તિ હોય તો તમે સામેની વ્યક્તિને કોઈ પણ વિષયમાં, તમારી પાસે જેના વિશે પૂરતી માહિતી નથી એવા વિષયમાં પણ, તત્કાળ ચૂપ કરી શકો, એની પાસે જેનો જવાબ જ ન હોય એવી દલીલો કરીને એને હરાવી શકો. દલીલો દરમ્યાન આપણે જે બોલતા હોઈએ છીએ તે વાસ્તવમાં તો કશુંક છુપાવવા માટે, કશુંક પ્રગટ કરવા માટે નહીં. આ કશુંક એટલે આપણું અજ્ઞાન. જેમની સાથે સહમત ન થવું હોય એમની સાથે તર્કહીન દલીલો કરવાનો કેટલાકને શોખ હોય છે

ચર્ચા કે વિવાદની નિરુપયોગિતા પુરવાર કરવા રજનીશજી એક ઝેનકથાનો આશ્રય લે છે.

જપાનમાં ઝેન સાધુઓના મઠમાં એક પ્રથા હતી. એક ગામથી બીજે ગામ જતા સાધુએ આવા કોઈ મઠમાં આશ્રય લેવો હોય તો એણે મઠમાં રહેતા કોઈ સાધુ સાથે બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરી એને હરાવવો પડે. તો જ એક રાત માટે એને મઠમાં રહેવા મળે.

ઉત્તર જપાનમાં બે ભાઈઓ આવા એક મઠનું સંચાલન કરતા. મોટો ભાઈ વિદ્વાન હતો જ્યારે નાનો ભાઈ જરા મૂરખ અને એક આંખે કાણો. એક દિવસ કોઈ સાધુ રખડતાં રખડતાં આ મઠમાં આવી પહોંચ્યો. મોટો ભાઈ થાકી ગયો હતો એટલે એણે નાનાને કહ્યું કે ચર્ચા તું કરજે અને તમારા વચ્ચેનો સંવાદ મૌનની ભાષામાં જ ચાલે એવો આગ્રહ રાખજે.

અંદર ચર્ચા શરૂ થઈ અને થોડી જ વારમાં પ્રવાસી સાધુ બહાર આવીને મોટા ભાઈને કહેવા લાગ્યો: ‘તમારો ભાઈ તો ઘણો હોશિયાર છે. એણે પળવારમાં મને હરાવી દીધો. મારાથી આ મઠમાં નહીં રહી શકાય.. હું જાઉં છું.’

મોટા ભાઈએ વિનંતી કરી કે, ‘જતાં પહેલાં જરા એટલું તો કહેતા જાઓ કે ચર્ચા શું થઈ?’ પ્રવાસીએ કહ્યું, ‘ચર્ચાની શરૂઆત મેં કરી. બુદ્ધના પ્રતીકરૂપે મેં એક આંગળી ઊંચી કરી. એની સામે તમારા ભાઈએ બે આંગળીની સંજ્ઞા કરીને દર્શાવ્યું કે એક બુદ્ધ અને બીજો એમનો ઉપદેશ - બેઉ ઉપયોગી છે. આ જોઈને મેં બુદ્ધ, એમનો ઉપદેશ અને એમના અનુયાયીઓને ત્રણ આંગળીના પ્રતીક દ્વારા રજૂ કર્યા: બુદ્ધ, ધમ્મ અને સંઘ. આની સામે તમારા વિદ્વાન ભાઈએ મુઠ્ઠી વાળીને બતાવી અને મૌન રહીને જ મને સમજાવી દીધું કે આ ત્રણેયનું મૂળ તો એક જ છે - જાગૃતિ!

પ્રવાસી સાધુ જતો રહ્યો અને થોડી જ વારમાં નાનો ભાઈ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થતો બહાર આવ્યો અને બોલ્યો. ‘પેલો પ્રવાસી સાધુ કેટલો તોછડો હતો. કોની સાથે કેવી રીતે વાત થાય એનુંય એને ભાન નહોતું.’

‘કેમ, શું થયું?’ મોટાએ પૂછયું, ‘શેના વિશે ચર્ચા થઈ?’

‘શું ધૂળ ચર્ચા થઈ? મને જોયો કે તરત એણે એક આંગળી ઊંચી કરી, એમ કહેવા કે તને તો એક જ આંખ છે! મેં નમ્રતા બતાવીને બે આંગળી દેખાડી કે ભાઈ, અભિનંદન! તમને તો બે આંખ છે ને! આ જોઈને પેલો મને વધારે ચીડવવા લાગ્યો. ત્રણ આંગળી બતાવીને મને કહે કે, મને ભલે બે આંખ હોય પણ આપણા બે વચ્ચે તો કુલ ત્રણ જ આંખ છે! પછી મારો પિત્તો ગયો એટલે મુક્કો ઉગામીને મેં કહ્યું કે હવે જો આગળ વધ્યો છે તો માર ખાઈશ! અને પેલો ડરીને જતો રહ્યો!’

લાંબી લાંબી દલીલોને અંતે બહુ ઓછા લોકોને સમજાતું હોય છે કે પોતે કલાકો સુધી જે વલોવ્યા કર્યું તે પાણી હતું, છાશ નહીં.

Sunday, January 24, 2016

અધૂરપ, વિશ્વાસ અને જનરલ નૉલેજ

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

કમ્પલીટ મૅન કે કમ્પલીટ વુમન એક મિથ છે. ઈન્કમ્પલીટ મૅન કે ઈન્કમ્પલીટ વુમન વાસ્તવિકતા છે. માણસના સ્વભાવમાં, એના વ્યક્તિત્વમાં પરફેક્શન ક્યારેય નથી હોતું. કયાંક કોઈક પાસામાં કશુંક ખૂટતું જરૂર હોવાનું. માણસોની આ અધૂરપનો મહિમા કરવા જેવો છે. અધૂરાપણાને વગોવ્યા કરવાથી અને પૂર્ણતાનો આગ્રહ રાખ્યા કરવાથી જે કંઈ મળ્યું છે તેનો આનંદ લેવાનું, એમાંથી સંતોષ મેળવવાનું ચૂકી જઈએ છીએ.

માણસમાં કશુંક નથી હોતું ત્યારે જ એ એની શોધ પોતાનામાં કે બીજાઓમાં કરે છે. એની આ શોધયાત્રા એના વ્યક્તિત્વની વિકાસયાત્રા બની જાય છે. પોતાની અધૂરપ વિશેનો અહેસાસ જેનામાં વધુ છે એના માટે આવી યાત્રાઓ વધુ ફળદાયી બનવાની. આવી યાત્રાઓ કરી લીધા પછી એની અધૂરપો ઓછી થશે, મટી નહીં જાય, માણસ સંપૂર્ણ નહીં બની જાય. જે ઘડીએ માણસને લાગ્યું કે એની તમામ અધૂરપો મટી ગઈ છે, પોતે સંપૂર્ણ બની ગયો છે તે ઘડીએ એનું માનસિક મૃત્યુ નિશ્ચીત.

જિંદગીમાં કશુંક ખૂટતું રહે ત્યારે જ જીવવાની મઝા આવે છે. બધું જ સતત મળતું રહે એ કોઈ કાળે શક્ય નથી અને ધારો કે કોઈકના માટે એ શક્ય બન્યું તો એ શું કરશે પોતાની અધૂરપ વિનાની જિંદગીનું? કંઈ દિશામાં આગળ વધશે? કંઈ સંપૂર્ણતાનું નિશાન તાકશે એ?

પોતાને સંપૂર્ણ માનતા કે પોતે પૂરેપૂરું પ્રાપ્ત કરી ચૂક્યા હોવાની ખાતરી રાખતા લોકો ભારેખમ થઈ જાય છે અને આ ભારમાં એમના વ્યક્તિત્વની કુમાશ ડૂબી જાય છે. અધૂરા હોવાનો અહેસાસ લઈને ચાલતા માણસો હળવાફૂલ બનીને ધરતી પર પગ રાખીને ચાલી શકે છે.

* * *

કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો વિશ્વાસ એના આપવાથી આપણામાં નથી જન્મતો. વિ
શ્વાસ આપણા મનમાં ઊગતો હોય છે. તમારે મારા પર વિશ્વાસ રાખવો જોઈએ એવું કોઈ કહે ત્યારે એમના કહેવાથી તમને એમના પર વિશ્વાસ જન્મે એ જરૂરી નથી. કોઈ તમને એવું ક્યારેય ન કહે તો એને લીધે તમે એનામાં અવિશ્વાસ ધરાવતા થઈ જાઓ એ પણ જરૂરી નથી.

કોઈના પર વિ
શ્વાસ હોવો કે ન હોવો એનો તમામ આધાર સામેની વ્યક્તિ પર નથી, તમારા પોતાના પર છે. તમારામાં કોઈને વિશ્વાસ હોય કે ન હોય એનો આધાર તમારું એની સાથેનું વર્તન કે તમારા એના માટેના વિચારો નથી હોતા. પણ એ વ્યક્તિ પોતે એનું પોતાનું મનોજગત આ માટે જવાબદાર હોય છે.

સામેની વ્યક્તિ તમારા માટે ગમે એટલું કરી છૂટે છતાં તમને એનામાં વિ
શ્વાસ ન બેસે એ શક્ય છે. સામેની વ્યક્તિ માટે તમે ગમે એટલું નકારાત્મક વિચારો તે છતાં તમારા માટેનો એનો વિશ્વાસ ન તૂટે એ પણ શક્ય છે.

કોઈના વિ
શ્વાસપાત્ર બનવાના ધમપછાડા કરવાને બદલે માણસ પોતે જે કરવું છે તે જ કર્યા કરે એ ઈષ્ટ છે. એને કારણે કોઈને તમારા પર વિશ્વાસ બેસે તો સારી વાત છે, ન બેસે તો એ એનો પ્રૅાબ્લેમ છે. કોઈ તમારી સાથે ગમે એટલી સારી રીતે વર્તે છતાં તમને એનામાં ભરોસો મૂકવાનું મન ન થાય તો એવી લાગણીઓમાં કશું ખોટું નથી, કારણ કે વિશ્વાસનુું કોઈ ગણિત નથી, એનું કોઈ સમીકરણ હોતું નથી, એની કોઈ તૈયાર ફૉર્મ્યુલા નથી.

રાતોરાત જન્મતો વિ
શ્વાસ એકાએક તૂટી શકે છે. ધીમે તાપે શેકાઈને પરિપકવ થતા વિશ્વાસમાં તડ પડવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. આપણામાં કેટલાને વિશ્વાસ છે એની ગણતરી કરવા કરતાં આપણને કેટલા લોકોમાં વિશ્વાસ છે એની યાદી મનને વધારે શાતા આપે છે.

* * *

દક્ષિણ કોરિયાની રાજધાની કઈ એની તમને ખબર હોય તો તમારી પાસે જનરલ નૉલેજ છે એવું કહી શકાય? ના. તમારી પાસે જનરલ ઈન્ફર્મેશન છે. ઉમાશંકર જોશી લિખિત તમામ કાવ્યસંગ્રહોની યાદી જ નહીં બલ્કે એમના તમામ કાવ્યો તમને મોઢે હોય તો તમારી પાસે એમના સાહિત્યનું જનરલ નૉલેજ છે એવું કહેવું અયોગ્ય ગણાશે, તમારી પાસે એટલી જનરલ ઈન્ફર્મેશન છે એવું જરૂર કહી શકાય. ઉમાશંકરની કવિતાની ખૂબીઓ વિશે તમે પચાસ મિનિટનું વક્તવ્ય આપી શકો કે એ વિષય એક દીર્ઘ લેખ જેવી પરિચય પુસ્તિકા લખી શકો તો તમારી પાસે એટલું જનરલ નૉલેજ છે એવું કહી શકાય. સચિન તેન્ડુલકરે નિવૃત્તિ લેતાં પહેલાં કઈ મૅચમાં કેટલા રન કર્યા, કેટલી ફોર મારી, કેટલી સિક્સર અને કેટલી સેન્ચુરી મારી કે કેટલી વિકેટ લીધી એની માહિતીના આંકડા તમને મોઢે હોય તો તે જનરલ ઈન્ફર્મેશન છે. અને ‘સચિન તેન્ડુલકરની ક્રિકેટકળાની ખૂબીઓ તથા ખામીઓ: સુનીલ ગાવસ્કર તથા ડૉન બ્રૅડમૅનની તુલનામાં’ વિષય પર તમે અધિકારપૂર્વક ઊંડાણથી બોલી શકો તો એ તમારું જનરલ નૉલેજ.

જનરલ નૉલેજ (જી.કે.) અને જનરલ ઈન્ફર્મેશન વચ્ચેનો ભેદ સમજ્યા વગર જ આપણે જીકે- જીકેનાં મંજિરાં વગાડીને માહિતીની બોલબાલા કરીએ છીએ. આ માહિતીનો યુગ છે, માહિતી વિના કોઈને ચાલશે નહીં, માહિતી જ અંતિમ શક્તિ છે, અંતિમ શસ્ત્ર છે એવો પોપટપાઠ કર્યા કરતા લોકો એક દિવસ આ જ માહિતીના ઉકરડામાં દટાઇને દમ તોડવાના છે. દરેક માહિતી દરેકેદરેકને ઉપયોગી નથી હોતી- માહિતીની બાબતનો આ સુવર્ણ નિયમ હોવો જોઈએ. ઑસ્ટ્રેલિયા મેલબોર્ન શહેરના ઍરપોર્ટની આસપાસની ત્રીસ કિલોમીટર ત્રિજ્યાની ભૂમિની ટોપોગ્રાફી કેવી છે એની માહિતી મારા કે તમારા માટે કંઈ કામની નથી. ઈન્ટરનૅશનલ ફ્લાઈટની કૉકપીટમાં બેસનારાઓ માટે આ માહિતી અનિવાર્ય છે.

માહિતીના ઢગલાઓ ખડક્યા કરવાથી કોઈનો કશો જ ઉધ્ધાર થતો નથી. ગૂગલ સર્ચ કરશો તો માહિતીનો ઘણો મોટો ખજાનો મળશે પણ એ માહિતીને મૂલવવી કેવી રીતે એ વિશેની જાણકારી બહુ ઓછી મળશે. છાપાઓમાં લખાતાં લેખો- કૉલમોમાં કે પ્રવચનોમાં તમે આ ઉછીની માહિતી કે ઉછીના દૃષ્ટિકોણથી તમે લોકોનું મનોરંજન કરી શકો અને પોતાની વિદ્વતા સ્થપાવાનો ભ્રમ પણ ઊભો કરી શકો. છાપાં ઉપરાંત ટીવી, ઈન્ટરનેટ, પુસ્તકો, સામયિકો દ્વારા માહિતીનો નાયગ્રા નિરંતર ઠલવાતો રહે છે. તમારા માટે કઈ માહિતીની જરૂર છે અને કઇ નહીં તેનો ખ્યાલ ઘણાને નથી હોતો. દર અડધો કલાકે કશુંક ને કશુંક પેટમાં પધરાવ્યા કરતા ખાઉધરાઓની જેમ તેઓ આખો વખત માહિતી ખા ખા કરે છે. છેવટે તેમને માહિતીનો બંધકોશ થઈ જાય છે. ધીમે ધીમે જ્ઞાન માટેની એમની પાચનશક્તિ પણ મંદ પડી જાય છે.

માહિતી હોવી જોઈએ માણસ પાસે. ખપપૂરતી અને ક્યારેક ભવિષ્યમાં કામ આવે એવી. પણ કઈ માહિતી ક્યારે મેળવવી અને એમાંથી કેટલી ક્યાં સુધી સંઘરી રાખવી એ માટેની વિવેકબુદ્ધિ બધામાં નથી હોતી. આવતા વર્ષે દિવાળી અને બેસતું વર્ષ અંગ્રેજી કૅલેન્ડરની કઈ તારીખે આવે છે એની માહિતી આજની તારીખે મારા તમારા માટે કામની નથી, આવતા વર્ષે સપ્ટેમ્બર- ઑકટોબરમાં કામની હશે. પણ કોઈ હોટેલિયર કે ટૂર ઑપરેટર માટે આ માહિતી આજથી ઉપયોગી છે.

માહિતીના ખડકલાને જનરલ નૉલેજ માની લીધા પછી સૌથી મોટું નુકસાન માણસની જ્ઞાનપિપાસાને થાય છે. એ માનવા માંડે છે કે પોતાની પાસે ખૂબ બધી માહિતીનો ભંડાર છે એટલે પોતે જ્ઞાની થઈ ગયો. જેની પાસે માહિતીનો ભંડાર છે અને જેની પાસે થોડુંક જ્ઞાન છે એ બંને વચ્ચે એટલો જ ફરક છે જેટલો ફરક મમરાની ગૂણ અને બદામની પોટલી વચ્ચે છે.

Monday, April 13, 2015

યોગ અને સત્ય-સૌરભ શાહ

યોગ અને સત્ય: બીજાનું અહિત ન થાય તે માટે બોલાયેલું જુઠ્ઠાણું સત્ય છે

સૌરભ શાહ


લોકો મને કટાક્ષમાં પૂછે છે: અચ્છે દિન આયે? હું કહું છું જે દિવસે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના સોગંદ લીધા ત્યારથી જ અચ્છે દિન શરૂ થઈ ગયા છે. નાનામોટા અનેક નિર્ણયો તેમ જ એનાં પરિણામો ટાંકી શકાય પણ એ કામ મોદીને પીએમપદે વરસ પૂરું થશે ત્યારે આવતા મહિનાની ૨૬મીએ કરીશું. અત્યારે એમાંનો માત્ર એક મુદ્દો લઈએ આરોગ્યનો.

મોદી વડા પ્રધાન બન્યા એ પછી, ગયા વર્ષના નવેમ્બરની ૯મીએ સરકારે એક નવી સ્વતંત્ર મિનિસ્ટ્રી ઊભી કરી - ‘આયુષ’. આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી. આ પાંચેય ઉપચાર પદ્ધતિના પ્રથમાક્ષરો એ.વાય.યુ.એસ.એચ. એટલે ‘આયુષ’. કેન્દ્ર સરકારના આ મંત્રાલયનું બીજ પી. વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા ત્યારે નખાયું. માર્ચ ૧૯૯૫માં એમણે ઈન્ડિયન સિસ્ટમ ઑફ મેડિસિન ઍન્ડ હોમિયોપથી નામનો સરકારી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો જેને નવેમ્બર ૨૦૦૩માં અટલ બિહારી વાજપેયીની સરકારે ‘આયુષ’નું નામ આપ્યું. મોદી સરકારે આ ખાતાને ફુલકુલેજેડ મિનિસ્ટ્રીનું સ્વરૂપ આપીને એનો વ્યાપ વધાર્યો. એ પછી બીજા જ મહિને સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૭૭ રાષ્ટ્રના સહયોગથી ૨૧ જૂનનો દિવસ ‘ઈન્ટરનેશનલ યોગ ડે’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રથમ ઉજવણી બે મહિના પછી થવાની.

ભારતના સેક્યુલરો ભલે બૂમાબૂમ કરે કે યોગ તો હિન્દુત્વ સાથે સંકળાયેલી પરંપરા છે માટે મુસ્લિમ વિદ્યાર્થીઓને ભણાવતી શાળાઓમાં યોગાભ્યાસ ફરજિયાત ન હોવો જોઈએ. અમેરિકા સહિત ઘણા બધા દેશોએ કહ્યું કે યોગને માત્ર હિંદુ ધર્મની પરંપરા સાથે સાંકળીને સીમિત કરવાની જરૂર નથી, એનો લાભ દરેક ધર્મ-જાતના લોકોએ લેવો જોઈએ.

યોગસાધના એટલે માત્ર યોગાસન કરવા એવું નહીં. ‘યોગ એટલે આસન અને શ્ર્વાસની કસરત (પ્રાણાયામ) એવું માનવું એ હીરાને લખોટી માનવા જેવું છે’ એવું સ્પષ્ટ મંતવ્ય ‘યોગસાધના અને જૈનધર્મ’ પુસ્તકમાં લેખક સુરેશ ગાલાએ વ્યક્ત કર્યું છે.

આ પુસ્તકમાં લેખક જાણકારી આપે છે કે ભારતની યોગસાધનાની પરંપરા અનાદિ છે. આ અનાદિ યોગસાધનાને સૂત્રોમાં ગૂંથવાનું કામ મહર્ષિ પતંજલિએ કર્યું. મહર્ષિ પતંજલિએ ‘પાતંજલ યોગસૂત્ર’ ગ્રંથ રચીને યોગ જે માત્ર સાધનાનો વિષય હતો એને શિક્ષણનો પણ વિષય બનાવ્યો. મહર્ષિ પતંજલિનો જન્મ આશરે ૩,૦૦૦ વર્ષો પહેલાં થયો. એક નવી વાત આ પુસ્તક પરથી એ જાણવા મળી કે, ‘મહર્ષિ પતંજલિ માટે એમ પણ કહેવાય છે કે એમણે વાક્શુદ્ધિ માટે વ્યાકરણ, ચિત્તશુદ્ધિ માટે યોગ અને શરીરશુદ્ધિ માટે વૈદિકશાસ્ત્ર લખ્યું. આનો અર્થ એ થયો કે પાણિનિ, પતંજલિ અને ચરક એક જ વ્યક્તિ છે.’

જોકે, અન્ય વિદ્વાનો અને સંશોધકો આ વિશે મતાંતર ધરાવતા હોઈ શકે. આપણે ત્યાંનો પ્રૉબ્લેમ એ છે કે પાશ્ર્ચાત્ય દેશોની જેમ આપણે ડૉક્યુમેન્ટેશન ઓછું કર્યું છે જેનું એક કારણ એ કે હજાર વર્ષના ગુલામીકાળ દરમ્યાન આપણે જે કંઈ દસ્તાવેજીકરણ કર્યું હશે તે આપણા વિદેશી શાસકોએ રફેદફે કરી નાખ્યું. ઠીક છે.

સામાન્ય વાચકને, નવા નિશાળિયાને પણ સમજ પડે અને આગળ વધેલાઓને પણ નવી જાણકારી મળે એ શૈલીમાં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગને આ પુસ્તકમાં સમજાવાયો છે: બહિરંગયોગ, અંતરંગયોગનું પ્રવેશદ્વાર અને અંતરંગયોગ એવા ત્રણ પ્રકાર પાડીને પ્રથમ પ્રકારમાં ૧. યમ, ૨. નિયમ, ૩. આસન અને ૪. પ્રાણાયામ ગણાવ્યા છે. પાંચમો પ્રત્યાહાર જે અંતરંગયોગનું પ્રવેશદ્વાર અને છેલ્લે અંતરંગયોગ જેમાં ૬. ધારણા, ૭. ધ્યાન અને છેલ્લે ૮. સમાધિ આવે.

યમનો સંબંધ સામાજિક વિકાસ સાથે, નિયમનો સંબંધ વ્યક્તિગત વિકાસ (સદાચાર) સાથે, આસનનો સંબંધ શારીરિક વિકાસ સાથે, પ્રાણાયામ અને પ્રત્યાહારનો સંબંધ માનસિક વિકાસ સાથે અને ધ્યાન તથા સમાધિનો સંબંધ આધ્યાત્મિક વિકાસ સાથે છે. ધ્યાન અને સમાધિ તરફ જતાં પહેલાં ધારણાનું પગથિયું આવે છે. ધારણાનો અર્થ મનની ચંચળતાને રોકીને મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો.

અહીં આપણે પુસ્તકમાંથી માત્ર બેઝિક વાતને સમજવાની કોશિશ કરીએ - યમ અને નિયમ.

પાતંજલ યોગસૂત્રના પહેલા પાદ-સાધનપાદ ૩૦મા સૂત્રમાં પાંચ યમ ગણાવ્યા છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય (અચૌર્ય), ૪. બ્રહ્મચર્ય અને ૫. અપરિગ્રહ.

અહિંસાની વાત કરતાં પાતંજલિ યોગસૂત્રના પહેલા પાદના ૩૧મા સૂત્રનું વિશ્ર્લેષણ કરતાં સુરેશ ગાલા ચાર પ્રકારની અહિંસા વિશે વાત કરે છે.

૧. જાતિસીમિત અહિંસા: માછીમાર માછલી મારશે, બીજા પ્રાણીઓને નહીં મારે. રાજા ગાય અને બ્રાહ્મણ સિવાય બીજાઓને મારશે. આ થઈ જાતિસીમિત અહિંસા.

૨. દેશસીમિત અહિંસા: તીર્થસ્થળોમાં જીવને નહીં મારે અને માંસાહાર નહીં કરે. પણ તીર્થસ્થળો સિવાયની બીજી જગ્યાએ જીવને મારે અને માંસાહાર પણ કરે. આ દેશસીમિત અહિંસા છે.

૩. કાલસીમિત અહિંસા: પવિત્ર દિવસોમાં જીવોને નહીં મારે અથવા માંસાહાર નહીં કરે. ઘણી માંસાહારી વ્યક્તિઓ શ્રાવણ મહિનામાં કે પછી મંગળવારે કે ગુરુવારે માંસાહાર કરતી નથી. આ કાલસીમિત અહિંસા થઈ.

૪. આચારપરંપરાસીમિત અહિંસા: ક્ષત્રિયોએ ગામ અને બ્રાહ્મણના રક્ષણ માટે કે યુદ્ધમાં હિંસા કરવી જોઈએ, અન્યથા નહીં. આ આચારપરંપરાસીમિત અહિંસા થઈ.

આટલું કહ્યા પછી છેલ્લે સમજાવાયું છે:

‘યોગસાધકે પાંચ યમનું પાલન, ઉપરોક્ત સીમા તજીને, અસીમિત કરવું જોઈએ. યોગસાધક માટે પાંચ યમનું પાલન અંતર્મુખ બનવામાં સહાયક છે.

અહિંસા પછી સત્ય. લેખક કહે છે: ‘કેટલીક વખત સત્ય બોલવાથી બીજાનું અહિત થવાનું હોય એવે સમયે અસત્ય બોલવું પણ સત્ય બની જાય છે. દાખલો આપતાં લેખક કહે છે: ગાયને મારવા પાછળ પડેલો કસાઈ કોઈ વ્યક્તિને પૂછે કે ગાય કઈ તરફ ગઈ છે ત્યારે વ્યક્તિ સત્ય કહે તો કસાઈ ગાયને પકડીને મારી નાખે. આવા વખતે વ્યક્તિ ગાય ગઈ હોય એ દિશાને બદલે ઊંધી દિશા કસાઈને બતાવે તો એ અસત્ય પણ સત્ય છે.

અસ્તેય. કોઈની પણ માલિકીની વસ્તુનું, ધનનું કે અધિકારનું એની ઈચ્છા વિરુદ્ધ, ચોરીછૂપીથી કે બળજબરીથી હરણ કરવું એ સ્તેય છે, ચોરી છે. આવું ન કરવું એને અસ્તેય કહે છે એટલું જણાવીને ઉમેરે છે: ‘પોતાના કર્તવ્યનું પાલન યોગ્ય રીતે ન કરવું એ પણ સ્તેય છે.’ દરેક સંસારીએ અસ્તેય વ્રત પાળતી વખતે લેખકની આ વાત પણ મનમાં સંઘરી રાખવી જોઈએ.

બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિશે સમજાવીને બીજા પગથિયા તરફ જઈએ: નિયમ જે પાંચ પ્રકારના છે: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્ર્વર પ્રણિધાન.

શૌચના બે હિસ્સા:

દ્રવ્ય શૌચ એટલે કે કફશુદ્ધિ અને મુખશુદ્ધિ, મળશુદ્ધિ, સ્વચ્છ વસ્ત્રો તથા સ્થાનશુદ્ધિ. ‘યોગસાધકે મુખશુદ્ધિ (દાતણ કે બ્રશ દ્વારા) રાખવી જોઈએ. જમ્યા પછી કોગળા કરી મુખ શુદ્ધ રાખવું જોઈએ. યોગસાધકના મોઢામાંથી વાસ ન આવવી જોઈએ. યોગસાધકે પેટ સાફ રાખવું જોઈએ, મળરહિત રાખવું જોઈએ. જરૂર પડે તો હરડેનો ઉપયોગ પણ કરવો જોઈએ. નિયમિત સ્નાન કરવું જોઈએ. વસ્ત્રો સ્વચ્છ પહેરવાં જોઈએ. યોગસાધક જે સ્થાનમાં રહેતો હોય એ સ્થાનને પણ સ્વચ્છ રાખવું જોઈએ.

શૌચનો બીજો પ્રકાર છે: ભાવશૌચ. અર્થાત્ સ્વાર્થ, પ્રપંચ, ઈર્ષ્યા આદિ મનને મેલું કરવાવાળા ભાવ છે. આ મેલને ધોવા મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થરૂપી શુભભાવનાના જળથી મનને રોજ નવડાવવું જોઈએ. માધ્યસ્થ એટલે તટસ્થ, પક્ષપાતરહિત, રાગદ્વેષરહિત.

બીજો નિયમ સંતોષ. પોતાની યોગ્યતા કે ભૂમિકા પ્રમાણે અર્થ અને કામનાં જે સાધનો મળ્યાં છે એમાં સંતુષ્ટ રહેવું. કામ અહીં સેક્સના અર્થમાં જે અતૃપ્ત છે અને જે અશાંત છે એને સુખની પ્રાપ્તિ નથી થતી એવું લેખકનું કહેવું છે.

ત્યારબાદનો નિયમ તપ જેના પાંચ પ્રકાર: આહાર, વિહાર, નિહાર, વ્યાયામ અને નિદ્રા. નિહાર એટલે મળમૂત્રાદિની ઉત્સર્ગક્રિયા. એ વિશે સમજાવતાં જણાવાયું છે: ‘યોગસાધકે અઠવાડિયે કે પંદર દિવસે એકવાર હરડે લેવી જોઈએ જેથી શરીરમાં મળ જમા થાય નહીં. યોગસાધકનું ધ્યેય ચિત્ત પર ચોંટેલા મળ (કષાય, ક્રમો, વાસનાઓ ઈત્યાદિ) દૂર કરવાનું છે પણ એની શરૂઆત શરીરને મળવિહીન બનાવીને કરવાની છે. આયુર્વેદમાં કહ્યું છે: સર્વેષાં રોગાણાં કુપિત મલ: કારણમ્. કુપિત મળ જ બધા રોગોનું કારણ છે.’

બાકીના ચાર નિયમ આહાર, વિહાર, વ્યાયામ, નિદ્રા વિશેની સાદી સમજ તો આપણી પાસે છે જ.

સ્વાધ્યાયમાં ચિંતનાત્મક અને મનને પોષણ આપે એવા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યના પરિશીલનની વાત આવે છે અને ઈશ્ર્વર પ્રણિધાનમાં હૃદયમાં પરમચૈતન્ય (ઈશ્ર્વર) પ્રત્યે શરણાગતિના ભાવ સાથેની સાધનાનો સમાવેશ થાય છે. લેખક કહે છે: ‘ઈશ્ર્વર પ્રણિધાન (માત્ર) ભાવના, કલ્પના અથવા વિચારનો વિષય નથી, પણ પ્રત્યક્ષ અનુભવનો વિષય છે.’

Monday, January 12, 2015

વાદ, વિવાદ, વિતંડાવાદ અને સંવાદ - સૌરભ શાહ


પહેલાં એવો સ્વભાવ હતો. હવે સમજ પડી ગઈ છે. બહુ દલીલબાજીમાં નહીં ઊતરવાનું. તમારો પોઈન્ટ ઑફ વ્યૂ રજૂ કરી દીધા પછી સામાવાળાને ગળે તમારી એ વાત ઊતરે તો ઠીક, ન ઊતરે તોય ઠીક. સામેની વ્યક્તિ તમારી સામે કોઈ નવો મુદ્દો લાવીને ચર્ચા શરૂ કરે ત્યારે જો એ અભિપ્રાય માગે તો તે વખતે તમને જે સાચું લાગ્યું હોય તે કહી દેવાનું. તમારો એ મુદ્દા વિશેનો અભિપ્રાય સામેની વ્યક્તિએ સ્વીકારવો જ જોઈએ એવી ચડસાચડસી કરવાનો કોઈ અર્થ નથી હોતો.

એક જમાનો હતો. ગધા પચીસીનો. આપણા વિચારથી વિરુદ્ધ જે કોઈ વિચારે તે બધા જ દુશ્મન જેવા લાગતા, મિત્રો પણ. ખૂબ બહસ કરતો. તણખા ઝરતા. પણ પછી ધીમે ધીમે ખબર પડવા માંડી કે લાંબી દલીલબાજીની ક્લાઈમેક્સ માત્ર ઈગોના ટકરાવમાં પરિણમતી હોય છે, પ્રકાશ તો કોઈ મળતો નથી જેમાં તમારું કે સામેવાળાનું જ્ઞાન વધે, બંનેની સમજણ વધે.

આજે હવે કોઈ એવી ચર્ચાબાજીમાં ઘસડી જવા માટે ઉશ્કેરે ત્યારે મુદ્દાની વાત કરીને ચૂપ થઈ જઉં છું. બીજાને કંઈ બોલવું હોય તો ભલે બોલ્યા કરે. દસકા પહેલાં ઈટીવી માટે એક ટોકશો કરતો ત્યારે એની કૅચલાઈન બનાવેલી: થોડો વાદ, થોડો વિવાદ અને ખૂબ બધો હૂંફાળો સંવાદ. સૌથી પહેલો ઈન્ટરવ્યૂ સ્વામી સચ્ચિદાનંદનો લીધેલો. આ વાક્ય સાંભળીને કહે: વાદ ભલે થાય, વિવાદ પણ ભલે થાય, પરંતુ વિતંડાવાદ ખોટો.

વિતંડા એટલે ખોટો બકવાસ, નકામી માથાઝીંક, પોતાનો પક્ષ જ ન હોય અને માત્ર સામા પક્ષનું ખંડન જ કર્યા કરવું તે. ઘણાને આવી ટેવ હોય છે - બીજાના કન્સિડર્ડ મતને ઉતારી પાડવાની. કોઈએ ખૂબ ધીરજથી એક પછી એક પાસું તપાસીને વિવેકપૂર્વક, પૂરી સ્વસ્થતાથી કોઈ નવી વાત રજૂ કરી હોય ત્યારે માત્ર તોફાન કરવાના ઈરાદે એની દલીલોનું ખંડન કરવાની ઘણા લોકોની હૉબી બની જતી હોય છે. પોતે ઈન્ટલેક્ચ્યુઅલ છે એટલે દેખાડો કરવા તમારા પાથ-બ્રેકિંગ, ચીલો ચાતરતા વિચારોને તેઓ ઉતારી પાડતા હોય છે. તાર્કિક રીતે પોતાની અસહમતિ પ્રગટ કરવાને બદલે તમારા વિચારોના ગ્રાફને ચૂંથીને, મારીમચડીને અને તમારાં વાક્યોને આઉટ ઓફ કોન્ટેક્સ્ટ તારવીને તેમ જ તમે આપેલાં દાખલા-ઉદાહરણોનું શીર્ષાસન કરીને એમાં મનઘડંત અર્થ આરોપીને તેઓ મંડી પડતા હોય છે બડબડ કરવા.

આવા લોકોની હડફેટે આવવા કરતાં બે ડગલાં પાછળ હટીને ફંટાઈ જવું સારું. નહીં તો તમારી એનર્જી વેસ્ટ થશે, એમાં ને એમાં પડ્યા રહેશો, તમારો કક્કો સાચો છે એવી જીદ રાખીને એ લોકોને સમજાવવા રોકાઈ જશો તો તમારી તર્કબદ્ધ વિચારસરણી તૂટી જશે, મૌલિક - નવા વિચારો કરવાની તમારી માનસિક ક્ષમતા ધીમે ધીમે નષ્ટ થતી જશે.

આમાં નુકસાન તમારું જ છે. એમણે કશું ગુમાવવાનું નથી હોતું. એમની પાસે ઉછીના વિચારો અને અહીંત્યાંથી ચાટી ચાટીને ભેગી કરેલી દલીલો સિવાય બીજું કશું નથી હોતું. દલીલબાજી કરીને તમને અપસેટ થતાં જોવાની એ મર્કટોને તો મઝા જ પડવાની છે.

હવે તો હું ત્યાં સુધી સમજતો થયો છું કે તમારા વિચારો સાથે સહમત થતા હોય એવા લોકો સાથે પણ અમુક હદથી વધારે ચર્ચા નહીં કરવાની કારણ કે તમારી સાથે સહમતિ હોય એનો અર્થ એ નથી કે એમનામાં પણ એવા વિચારો કરવાની નૈસર્ગિક શક્તિ હોય. પછી થાય શું કે એમાંના કેટલાક દોઢ ડાહ્યાઓ તમારા વિચારોને કંઈક એવી રીતે ઈન્ટરપ્રીટ કરીને પોતાનું ડહાપણ ડહોળે કે તમે વિચારતા થઈ જાઓ કે યાર, આ માણસ મૂળ મુદ્દાનો પતંગ ચગાવીને વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પોતે પણ બુદ્ધિશાળી છે એવું સાબિત કરવા આ સમર્થકો તમારા વિચારનો યુ-ટર્ન થઈ જાય એ હદે એને ફંટાવી દેતા હોય છે.

એટલે હવે ત્રણ ગોલ્ડન રૂલ્સ બનાવી લીધા છે. એક, તમારા વિચાર સાથે અસહમત થઈને કોઈ તમને દલીલોમાં ખેંચી જવા માગતું હોય તો એમાં તમારાં ટાઈમ અને એનર્જી વેડફવાનાં નહીં. બે, કોઈના વિચાર સાથે તમે અસહમત થતા હો ત્યારે સામેથી પૂછવામાં ન આવે ત્યાં સુધી ચૂપ રહેવું અને બોલવું જ પડે ત્યારે ઓછામાં ઓછા શબ્દોમાં તમારી જે દલીલો હોય તે મૂકીને વાતને આગળ વધારવાને બદલે એ જે કંઈ કહે તે સાંભળી લેવું. ભલે ને લોકો માને કે આ હાર્યો અને એ જીત્યો. વિચારોમાં ક્યારેય હારજીત નથી હોતી. નવા વિચારો આજે કદાચ કોઈને અસ્વીકાર્ય પણ હોય તો અસ્વીકારને કારણે એ નકામા નથી બની જતા.

અને ત્રીજો સોનેરી નિયમ એ કે જેમની સાથે તમારે વર્ષોનો ઘરોબો છે, જેમને તમારા માટે અને તમને જેમના માટે ઊંડા હૃદયથી આદર છે, તમારી સાથે અસહમત થતા હોય ત્યારે એમને મન ભરીને સાંભળવા. એક એક શબ્દ મનમાં ઉતારવો. પછી એમની સાથે દલીલ કરવાનું મન થાય તો તે પણ કરવી. આવી ચર્ચાઓ કરવાનો મોકો મળે એ જીવનનો અમૂલ્ય લહાવો હોય છે. આવી ચર્ચાઓના અંતે

પ્રકાશપુંજ પથરાતો હોય છે અને તમારી પ્રજ્ઞા એ ધોધમાં નહાઈને ઔર ઓજસ્વી બનતી હોય છે. મારું સદ્નસીબ છે કે એવી કેટલીક વ્યક્તિઓ છે આ દુનિયામાં અને મારી દુનિયામાં પણ એ પ્રવેશેલી છે.

પારસી કહેવતો -સૌરભ શાહ

‘તડ્ડન પોનિયો છે, માય બાપે અમઠો ઉજાગરો કીધો’

સૌરભ શાહ



પિલૂ નાણાવટી પારસી પ્રજા વિશેના એક પુસ્તકમાં લખે છે. ‘પારસીઓ, એમનું નામ સૂચવે છે એ પ્રમાણે પર્શિયાના, એટલે અત્યારના ઈરાનના. પારસી શબ્દનો અર્થ, પાર્સ અથવા ફાર્સથી ઊતરી આવેલી વ્યક્તિ. દક્ષિણ ઈરાનમાં આવેલો આ પ્રદેશ, પ્રાચીન સમયમાં ‘પાર્સ’ નામે ઓળખાતો હતો. ગ્રીકોએ એને પર્સિપોલીસ નામ આપ્યું. ભારતની કુલ વસતીમાં પારસીઓની સંખ્યા માત્ર ૦.૦૧૬ (પોઈન્ટ ઝીરો સોળ) ટકા છે.’

પિલૂ નાણાવટી આગળ જણાવે છે:

‘(દુનિયાભરમાં) આશરે ૯૦,૦૦૦ (નેવું હજાર)ની સંખ્યા ધરાવતી આ નાનકડી કોમનું મૂળ આર્યોની ઈન્ડો-યુરોપિયન શાખામાં મળે છે. ઈતિહાસવિદોના મત પ્રમાણે પ્રાચીન કાળમાં લગભગ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વ અથવા એથી પણ પહેલાં આર્યો મધ્ય તુર્કસ્તાનના ઊંચા પામીર પ્રદેશમાં વસતા હતા. તેમાંની એક શાખા યુરોપ તરફ ગઈ અને બીજી શાખા પશ્ર્ચિમ એશિયા, ખાસ કરીને ઈરાન તરફ ઊપડી. અને ત્યાર પછીના સમય દરમિયાન ધીરે ધીરે અફઘાનિસ્તાન થઈ ભારત આવી...

ઈ.સ. ૬૫૧માં પર્શિયન સામ્રાજ્યની પડતી થઈ. આરબોના આક્રમણ સામે એ ટકી શક્યું નહીં. ત્યાર પછી, હાલના પારસીઓના પૂર્વજોએ ઈરાનથી ગુજરાત તરફ કૂચ કરી...’

લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં ભારત આવીને ભારતીય બની ગયેલી આ ઉમદા કોમની ઉમદા ભાષા હજુય જળવાયેલી છે. પારસી ભાષાની ખાસિયતો, એમાં રહેલું દુનિયાદારીનું ડહાપણ, ખૂબ જ હળવાશભરી રીતે થતી અભિવ્યક્તિ આ બધું જ પારસી કહેવતો અને રૂઢિપ્રયોગોમાં સમાયેલું છે. સૂની તારાપોરવાલા અને મહેર મારફતિયાએ આ પારસી ખજાનાને ‘પારસી બોલ’ નામના પુસ્તકમાં ઠાલવી દીધો છે. હેમન્ત મોરપરિયા અને ફર્ઝાના કૂપરનાં વ્યંગ ચિત્રોને કારણે આ પુસ્તક વાંચવા જેવું જ નહીં, નિરાંતે જોવા જેવું બન્યું છે. પારસી ગુજરાતીના શબ્દો રૂટિ માણેકશાએ અંગ્રેજીમાં ઢાળ્યા છે. ‘ગુડ બુક્સ’ અને ‘ફોર્ટી નાઈન આઉટ ઑફ ફિફ્ટી બુક્સ’ દ્વારા પ્રગટ થયેલું આ પુસ્તક કોઈ પણ ગુજરાતી/પારસી પ્રેમીના હૃદયમાં વસી જાય એવું છે.

કોઈ માણસ સ્ટુપિડ હોય એને પારસીઓ કેવી રીતે ઓળખે? કહે કે: ‘એેને તો બુધવારના વાંધા છે!’ મતલબ કે સોમવાર, મંગળવાર એટલું બોલ્યા પછી આગળ વારના નામ પણ એને નથી આવડતા! કોઈ મદદ માગે અને પોતે સ્થિતિપાત્ર હોવા છતાં તદ્દન મામૂલી મદદ કરે એવા માણસ માટે પારસીમાં કહેવત છે: ‘એણે તો પૂમરે પાની પાયુ.’ એટલે કે રૂના પૂમડાને ભીનું કરીને પાણી આપ્યું!

સાવ નાનો લાભ લેવા માટે મોટું નુકસાન કરનારા માટે શું કહેવાય? ‘મોપ (મોભ) ભાંગીને ગિલ્લી કીધી.’ ઘરને ટેકો આપતો મોટો-લાંબો લાકડાનો બીમ એટલે મોભ. અને કોઈનામાં કશુંક કરવાની તાકાત ન હોય છતાં કરવા જાય એવી વ્યક્તિ માટે કહેવાય: ‘ચરયો (ચઢ્યો) નહીં તેટલામાં ઊતરી ગયો.’ આ રૂઢિપ્રયોગમાં જોકે, સેક્સ્યુઅલ અન્ડરટોન છે!

મોભવાળી જ કહેવતનું એક બીજું રૂપ છે: ‘વહાન ભાંગીને પાટલા બનાવ્યા.’ ગુડ ફૉર નથિંગ જેવી વ્યક્તિને શું કહેવું: ‘તડ્ડન પોનિયો છે, માય બાપે અમઠો ઉજાગરો કીધો.’

આ જુબાન એટલી મિઠ્ઠી છે કે એમાં બોલાતા શબ્દકોશ બહારના શબ્દો પણ પ્યારા લાગે. એટલે જ પારસીઓમાં કહેવાતું હોય છે: ‘મમ્મો ચચ્ચો વગર સીરપા નહીં.’ ‘સીરપા’ એટલે ઊંધેથી વાંચો તો ‘પારસી’! કોઈનાથી ખૂબ ત્રાસી ગયેલો પારસી એને શું કહેશે? ‘અહીં મલ્યો તો મલ્યો, ઉપર ના મલતો.’ અને કોઈને શ્રાપ આપવાનું મન થાય તો શું કહેવાનું? ‘તારે ઘેરે તાર આવે.’

કોઈની પાસે તમે કંઈક ફેવર માગવા જાઓ ને એ પણ તમારી પાસે એવી જ કોઈ ફેવરની માગણી કરે ત્યારે કેવી સિચ્યુએશન ઊભી થાય: ‘વેવાઈ તમે નાતરૂં કરો તો આવો વેવાણ આપરે કરીએ’!

કોઈ બહુ ફાંકા મારતું હોય પણ એની ખરી પરિસ્થિતિ તમને ખબર હોય ત્યારે તમારે કહેવાનું: ‘મોટે ઘેરે મોટી વાત ને અરધી રોટલી પર આખી રાત.’ કોઈએ ધંધો શરૂ કર્યો હોય પણ તમને ખબર હોય કે આ ધંધામાં એ પૈસા કમાવાનો જ નથી ત્યારે કહેવાનું: ‘એણે છોલેલા બોરનો ધંધો સરૂ કરિયો.’ મારા મોઢામાંથી તારે જે બોલાવવું છે તે નહીં બોલાવ, મારા મોઢામાં શબ્દો નહીં મૂક-આવું કહેવું હોય ત્યારે બોલવાનું: ‘મોહનામાં (મોઢામાં) બૂક ના મૂક.’

જ્યાં ને ત્યાં પોતાનો ફાયદો શોધતો આદમી ભટકાઈ જાય એના માટે કહેવાય: ‘જહાં મલી તારી, તહાં છોરી ગારી.’ અર્થાત્ જ્યાં મળી તાડી, ત્યાં છોડી ગાડી.

અને કેટલાક શબ્દપ્રયોગો: ફેન્સી કપડાં પહેરેલી વ્યક્તિ હોય તો એને ‘એસ્કી મેસ્કી’ કહેવાય. જાડા માણસને ‘જારો પોરો’, અસ્તવ્યસ્ત માણસોને ‘જીઠરા પીઠરા’, ખોટાં ટેન્ટ્રમ્સ કરનાર ‘ફેસ્ટા ફજેટા’ કહે, ગુસ્સો કરે ત્યારે ‘ફૂ ફા’ કહે છે, એની એ જૂની વાતનું પિંજણ કરે ત્યારે ‘પીજન પોટલો’ કહે છે. ટાઈટમ્ટાઈટ કપડાં પહેરીને નીકળનાર ‘ટાઈટ ટટર’ છે. અને શેમલેસ વ્યક્તિ ‘નફ્ફટ નગારું’ છે.

લૂઝ કૅરેક્ટરનો માણસ ‘નારાનો ઢીલો’ અને સેક્સી લેડી ‘ફટાકરી’ છે એ તો તમને ખબર છે પણ કોઈ પારસીમિત્ર તમને મળીને કહે કે ‘નાખ સુકાયચ’ ત્યારે સમજવાનું કે હવે એમનું નાક સુકાઈ રહ્યું છે, ડ્રિન્ક લેવાનો ટાઈમ થઈ ગયો છે! અને ‘જીભમાં કાનું પરી ગયું.’ એવું કહે ત્યારે સમજવાનું કે તમારી વાત સાંભળીને હવે શું બોલવું એની એમને સમજ નથી પડતી. મિત્ર સ્પીચલેસ થઈ ગયા છે.

કોઈ ખોટેખોટે તમારા દુખમાં સહભાગી છે એવું દેખાડે ત્યારે માનવાનું કે એની ‘આંખમાં આંસૂ નહીં ને નાકમાં નીટ નહીં.’ કોઈના પ્રોબ્લેમ સાથે તમને નિસબત ના હોય ત્યારે કહેવાનું: ‘રરે રૂપાલો, પીંજારાના બાપનું સું?’ એક સરસ કહેવત છે: ‘સુન્નુ જોઈ ઘસી ને માનસ જોઈ વસી.’ સોનાની પરખ ઘસીને થાય એમ માણસને પરખ એની સાથે વસીને, રહીને જ થાય.

લાંબા સાથે ટૂંકો જાયવાળી કહેવત પારસીમાં આ રીતની છે: ‘મગોલની (મોગલની) સુજે વાનિયો ચાલે, મરે નહીં ને માંડો પરે.’ ડૂબતો માણસ તરણું ઝાલેનું પારસી વર્ઝન છે: ‘ડૂબતો માનસ ફીનને વરગે.’ મોજાંનાં ફીણને વળગે. કાગડો દહિંથરું લઈ જાય ત્યારે પારસીઓ કહેશે: ‘ગઢેરો દરાખ ચાવી ગયો.’ સુંદર સ્ત્રી માટે કહેશે: ‘ખોડાયજીએ એને માખન-મલીદાથી બનાવી છ.’ પત્નીથી પતિએ શું શું છુપાવવાનું હોય? ‘લેંઘાનું નારૂં ને પેટીનું ટારૂં બૈરીથી છુપાવવું.’ અને આગળ-પાછળથી ફ્લેટ હોય એવી છોકરીની મજાક કેવી રીતે થાય? ‘નહીં અગાસી, નહીં ઓટલો.’ બિલકુલ સુકલકડી માણસને શું કહેવાય? ‘સૂક્કા બૂમલા જેવો.’ સૂખેલી બોમ્મિલ. બૉમ્બે ડક નામની લાંબી-પાતળી માછલીને સૂકવણી કરીને સાચવવામાં આવતી હોય છે અને પાતળી ક્ધયા પાસે હરેલીભરેલી સમૃદ્ધિ હોય ત્યારે કહેવાય: ‘નાલ્લા આંબા પર મોટ્ટી કેરી.’

પારસી કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દપ્રયોગો અનેક ઠેકાણે એક ચોક્કસ શારીરિક અંગના ઈનોસન્ટ ઉલ્લેખો આવે છે જે બધા આ સુંદર મઝાના પુસ્તકમાં સંઘર્યા છે. પણ ગુજરાતીઓ માટે એ વાંચવામાં ઑફેન્ડિંગ હોવાના. આ જ ફરક છે, ગુજરાતીઓ અને પારસીઓમાં. એટલે જ પારસીઓ દિલના ખુલ્લા અને બીજી બધી પ્રજાઓ કરતાં વધારે ટ્રાન્સપરેન્ટ છે.

------------------------

Saturday, December 20, 2014

ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકર ની અનકહી કહાની - સૌરભ શાહ




‘સર, મારા મિત્રો મને કહ્યા કરે છે કે ભારતનું બંધારણ (સંવિધાન, કૉન્સ્ટિટ્યુશન) મેં ઘડ્યું છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે આ બંધારણને બાળી નાખવામાં હું સૌથી પહેલો હોઈશ. મારે એ નથી જોઈતું. એ કોઈનુંય ભલું કરે એમ નથી...’

બે-ચાર હાર્ટ ઍટેક સામટા આવી જાય એવી હકીકત એ છે કે આ શબ્દો ‘ભારતના બંધારણના ઘડવૈયા’ તરીકે જેમને સ્થાપી દેવામાં આવ્યા છે તે ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ઉર્ફે બાબાસાહેબ આંબેડકરના છે. આ શબ્દોના સંદર્ભો માટે જુઓ: પ્રોસીડિંગ્સ ઑફ ધ કાઉન્સિલ ઑફ સ્ટેટ્સ (રાજ્યસભા), ૨ સપ્ટેમ્બર ૧૯૫૩, - કૉલમ: ૮૬૪-૮૦ અને ૩ સપ્ટેમ્બર, ૧૯૫૩ - કૉલમ: ૯૯૭-૧૦૦૩.
આંધ્ર પ્રદેશની નોખા રાજ્ય તરીકે રચના અંગે રાજ્યસભામાં ચર્ચા ચાલતી હતી ત્યારે બાબાસાહેબ આંબેડકરના આ શબ્દો બોલાયા. આંબેડકર આવેશમાં આ શબ્દો બોલી ગયા હતા? ના. એ આપણે પાછળથી જોઈશું. આંબેડકરના આ વિધાન અંગે પ્રતિક્રિયા આપતાં તે વખતના મદ્રાસ રાજ્યના યુવાન સભ્ય કે. એસ. હેગડેએ (પાછળથી તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને તે પછી લોકસભાના સ્પીકરપદે પણ રહ્યા હતા) રાજ્યસભાના સભ્યો સમક્ષ કહ્યું હતું કે જેમને એક પ્રધાન તરીકે બંધારણ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોય તે પોતે જ બંધારણને બાળી નાખવાની વાત કરતા હોય તે ભારે આઘાતજનક કહેવાય. હેગડેએ કહ્યું, ‘તેઓ (આંબેડકર) શું સારો દાખલો બેસાડી રહ્યા છે? મને દુ:ખ થાય છે કે ડૉ. આંબેડકર ગૃહની નિંદા કરીને ગૃહમાંથી બહાર નીકળી ગયા. તેઓ જો ગૃહને હલકું ચીતરવા માગતા હોય તો એમના નિવેદનની પ્રતિક્રિયા સાંભળવાની તૈયારી પણ એમનામાં હોવી જોઈએ. બહુ જ હળવા શબ્દો વાપરીને હું કહું તો આંબેડકર જ્યારે કહે છે કે આ બંધારણ સાથે પોતે સહમત થતા નથી ત્યારે તેઓ નિર્લજ્જપણે એવી ઘોષણા કરે છે કે એક બનાવટને, એક ઠગાઈને, છેતરામણીને તેઓ શાશ્વતી બક્ષી રહ્યા છે. એમની આખી જિંદગી આવા અનેક વિરોધાભાસોથી ખીચોખીચ છે. આરંભે તેઓ જાતિવાદના જોરે આગળ આવવા મથ્યા અને હવે એ ભૂતકાળમાંથી બહાર નીકળવા માટે ઘણું મોડું થઈ થઈ ચૂક્યું છે. મને એમના માટે માત્ર દયા આવે છે...’

કે. એસ. હેગડેના વિધાનનું છેલ્લેથી બીજું વાક્ય સૂચક છે. આંધ્ર પ્રદેશની રચના કરવાની ચર્ચા દરમ્યાન આંબેડકરે ભાષાવાદ અને જાતિવાદને કારણે દેશના ટુકડેટુકડા ન થઈ જાય એ વિશે સલાહો આપી હતી. આંબેડકરના રાજયસભામાં બોલાયેલા પેલા શબ્દો, ક્ષણિક આવેશ નહોતો. આ જ શબ્દો એમણે ત્રણ વર્ષ પછી, પોતાના મૃત્યુ (છ ડિસેમ્બર, ૧૯૫૬ના થોડાક મહિના અગાઉ રાજકીય બાબતોના અભ્યાસી તથા જીવનકથાકાર માઈકલ બ્રેકરને કહ્યા હતા. બ્રેકરે આંબેડકરના એ શબ્દોને ઑફસફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રગટ થયેલા પોતાના પુસ્તક ‘નેહરુ અ પોલિટિકલ બાયોગ્રાફી’ના ૪૨૩મા પાને ટાંક્યા છે.

ભારતનું નવું બંધારણ ઘડવા માટેની બંધારણીય સભાની રચના કરવા માટે પ્રાંતીય ધારાસભાઓની ૧૯૪૬માં ચૂંટણી થઈ. કુલ ૧૫૮૫ બેઠકોમાંથી આંબેડકરના શેડયુલ્ડ કાસ્ટ્સ ફેડરેશનને માત્ર એક જ બેઠક મળી. એટલું જ નહીં, બૉમ્બે પ્રેસિડન્સીની ૧૭૫ બેઠકોમાંથી ક્યાંય આંબેડકરના ફેડરેશનને સમ ખાવા પૂરતી એક બેઠક પરથી પણ જીત ન મળી. છેવટે, ધનંજય કીર દ્વારા લખાયેલી આંબેડકરની જીવનકથામાં જણાવ્યા મુજબ, આંબેડકર મુસ્લિમ લીગની મદદ લઈને બંગાળમાંથી ચૂંટાયા. પણ પછી તો બંગાળના ભાગલા થયા એટલે આંબેડકરનો મતવિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં જવાનો થયો. આંબેડકરના સદનસીબે કૉન્ગ્રેસે નવ-ભારતની રચનાની આગલી સંધ્યાએ આ તમામ ખરડાયેલો ભૂતકાળ દાટી દેવાનું નક્કી કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ સ્ટેટના તે વખતના મુખ્ય પ્રધાન બી. જી. ખેરને સૂચના આપી અને તે મુજબ મુંબઈની બેઠક પરના લાયક ઉમેદવારોને ઉમેદવારી ન નોંધાવવા માટે સમજાવી દેવામાં આવ્યા અને આંબેડકર મુંબઈથી ચૂંટણી જીતીને બંધારણીય સભામાં જાય એવી સગવડ કરી આપવામાં આવી. આંબેડકર પોતે પહેલેથી જ બંધારણીય સભાની રચનાના વિરોધી હતા. ૧૯૪૫ની ૭મી મેએ શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશને એક ઠરાવ પસાર કર્યો હતો જેના શબ્દો આંબેડકરના પોતાના હતા. એ ઠરાવમાં સપ્રુ કમિટીએ કરેલા બંધારણીય સભા રચવાના સૂચનને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યું હતું. બંધારણીય સભા બોલાવવાના મૂળભૂત વિચારનો જ એ ઠરાવે વિરોધ કર્યો હતો.

આંબેડકરના આ વિચારો ૧૯૪૬ના આખાય વર્ષ દરમ્યાન પણ રહ્યા. ૧૯૪૬ની ૯મી ડિસેમ્બરે બંધારણીય સભાની પ્રથમ બેઠક મળી તેના થોડાક દિવસ પહેલાં પણ આંબેડકર બંધારણીય સભાનો વિરોધ કરતા રહ્યા. આ બાબતના પુરાવા તમને ‘ટ્રાન્સફર ઑફ પાવર’ના નવમા ગ્રંથના પૃષ્ઠ ૧૯૭-૬૯૮ પરથી મળે છે. બંધારણીય સભાની પ્રથમ બેઠકના માંડ પખવાડિયા પહેલાં, નવેમ્બર, ૧૯૪૬માં, આંબેડકર મુસ્લિમ લીગની સાથે મળીને બંધારણીય સભાના તીવ્ર વિરોધનો જુવાળ ફેલાવે એવી પૂરેપૂરી શક્યતા હતી. ૨૭ નવેમ્બર, ૧૯૪૬ના રોજ રવાના થયેલા ‘પ્રાઈવેટ ઍન્ડ સીક્રેટ’ સંદેશામાં વાઈસરૉય લૉર્ડ વેવલે બ્રિટનના વિદેશ પ્રધાનને જણાવ્યું: ‘ધ ઑલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ્સ ફેડરેશન (જેના આંબેડકર સર્વેસર્વા હતા) દ્વારા જાહેરાત થઈ છે કે ટૂંક સમયમાં જ તેઓ નિર્ણય લેશે કે બંધારણીય સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો કે નહીં, અત્યારે તો તેઓ એવું જ કરશે એવું લાગે છે, અને જો તેઓ એવું કરે તો એનો અર્થ એ થશે કે તેઓ મુસ્લિમ લીગ સાથે ભળી ગયા છે.’

આ વાતની જાણ ભારતની આઝાદી માટે લડી રહેલા સૌ નેતાઓને હતી. રાજકારણમાં વિરોધીઓને પોતાની પાંખમાં લઈ લેવાનો કે ચૂપ કરી દેવાનો શ્રેષ્ઠ ઉપાય ક્યારેક એ પણ હોય છે કે વ્યક્તિ જેનો વિરોધ કરી રહી હોય એ જ જવાબદારી એને સોંપી દેવી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના કિસ્સામાં એવું જ બન્યું હતું.


૧૪ મે, ૧૯૪૬ના રોજ બ્રિટિશ કેબિનેટ મિશનના એક સભ્ય એ.વી. એલેક્ઝાન્ડરને બાબાસાહેબ આંબેડકરે લખેલો એક પત્ર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રકાશિત બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ક્રમના ગ્રંથમાં પૃ. ૪૯૨થી ૪૯૯ સુધી પ્રગટ કર્યો છે. આ પત્રમાં આંબેડકર લખે છે: ‘અછૂતોને (બાબાસાહેબે અનટચેબલ્સ શબ્દ વાપર્યો છે) કારણે જ બ્રિટિશર્સ ભારત પર રાજ કરી શક્યા છે, ઘણા બ્રિટિશર્સ માને છે કે ક્લાઈવ-હેસ્ટિંગ્સ-વગેરે જેવાઓને કારણે અંગ્રેજો ભારત સર કરી શક્યા. આ ખોટી વાત છે. અંગ્રેજો દ્વારા ભારત જિતાયું છે - ભારતીય લશ્કરથી અને તે એવા લશ્કરથી જેમાં તમામ સૈનિકો અછૂત હતા. અછૂતોએ બ્રિટિશને ભારત પર કબજો જમાવવામાં મદદ ન કરી હોત તો ભારત પર અંગ્રેજ શાસન આવી શક્યું ન હોત. પ્લાસીની લડાઈનો જ દાખલો લો, જેને કારણે ભારતમાં બ્રિટિશ શાસનનાં મૂળિયાં નખાયાં. અથવા તો ખડકીની લડાઈનો દાખલો લો. આ બેઉ નિર્ણાયક લડાઈઓમાં બ્રિટિશો વતી જે સૈનિકો લડ્યા તે બધા જ અછૂતો જ તો હતા...’

ગ્રંથ ૯ના પૃષ્ઠ ૬૩થી ૬૭ પર આંબેડકરે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ (ગોળમેજી પરિષદ) દરમિયાન બ્રિટિશ વડા પ્રધાનને સંબોધીને કરેલા પ્રવચનનો પાઠ આપવામાં આવ્યો છે: ‘વડા પ્રધાનશ્રી, એક બાબતની સ્પષ્ટતા કરવાની મને રજા આપો. બ્રિટિશે ભારતીય પ્રજાને તાબડતોબ સત્તા સોંપી દેવી જોઈએ એવી માગણી કરતી લડત દલિતોએ ક્યારેય શરૂ કરી નથી કે એ માટે (આઝાદી માટે) દલિતો આતુર પણ નથી અને બૂમરાણ મચાવતા પણ નથી. સાદી રીતે કહું તો રાજકીય સત્તા મરણ માટે (અર્થાત્ આઝાદી માટે) અમને સહેજ પણ તાલાવેલી નથી, આતુરતા નથી (વી આર નૉટ ઍન્કસિયસ ફૉર ટ્રાન્સફર ઑફ પોલિટિકલ પાવર).

અહીં જરા વાર અટકીને બાબાસાહેબ આંબેડકરના રાજકારણમાંથી ફોકસ હટાવીને એમના ધર્માંતર તરફ નજર કરી લઈએ. આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તેની પાછળ એમની ઊંડી સમજણને બદલે ઊંડી ગણતરી હતી એવું કહેવું વધુ યોગ્ય ગણાશે. આંબેડકરે જે પ્રકારના બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો તેમાં અને મૂળભૂત બૌદ્ધ ધર્મમાં જમીન-આસમાનનો તફાવત છે. બૌદ્ધ ધર્મના જેવી ઉમદા ફિલસૂફીથી કોઈપણ વિચારવંત વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. આંબેડકરે જો એ જ ફિલસૂફીનો પ્રચાર દલિતોમાં કર્યો હોત તો પણ એમણે ઘણું મોટું પ્રદાન કર્યું છે એમ કહેવાત.

અરુણ કાંબળે નામના પ્રૉફેસરે બાબાસાહેબ આંબેડકરના જીવન વિશે સારું એવું સંશોધન કર્યું છે. એમની રિસર્ચનું એક તારણ એવું છે કે આંબેડકર હિંદુ મટીને શીખ બનવા માગતા હતા. આંબેડકરે કહ્યું હતું, ‘હું હિન્દુ ધર્મ નહીં પાળું, મુસલમાન પણ નહીં બનું. મારા માટે બૌદ્ધ ધર્મ સિવાય કોઈ ત્રીજો ધર્મ છે જ નહીં.’

પણ આવું જાહેર કરતાં પહેલાં, એટલે કે ૧૯૪૦-૪૧ની સાલ પહેલાં, આંબેડકરે શીખ ધર્મ અપનાવવા વિશે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો ત્યારે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મના આગેવાનોએ એમને પોતાની પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ એ બેઉ ધર્મોમાં આંબેડકરને રસ નહોતો પડ્યો. આ વિશે આંબેડકરે કરેલું મનોમંથન જાણવા જેવું છે. પ્રૉફેસર કાંબળે દ્વારા સંશોધિત પત્રોમાંના એક પત્રમાં આંબેડકર પોતાના એક સાથીને લખે છે:

‘હરિજનો હિંદુ ધર્મ છોડીને શીખ બનશે તો તેઓ હિંદુ સંસ્કૃતિમાં જ ગણાશે, પરંતુ મુસ્લિમ કે ખ્રિસ્તી બની જશે તો હિંદુ સમાજમાંથી તેઓ ફેંકાઈ જશે.’

પ્રૉફેસર કાંબળેએ અનેક દસ્તાવેજી પુરાવાઓ સાથે પુરવાર કર્યું છે કે આંબેડકરે પોતાના સંખ્યાબંધ અનુયાયીઓ સાથે શીખ બનવાનો નિર્ણય કરી નાખ્યો હતો. પણ ગાંધીજીએ એ વિચારનો વિરોધ કર્યો હતો. તે વખતે દક્ષિણના હરિજન નેતાઓ ડૉ. શંકરાચાર્ય કુર્ટકોટ્ટી તથા આર. બી. રાજા પણ હાજર હતા. પણ આંબેડકરને ગાંધીજીની દલીલો ગળે ઊતરતી નહોતી. શીખ ધર્મ અંગીકાર કરવાના સંદર્ભે આંબેડકરે ૧૯૩૬માં ઈંગ્લૅન્ડનો પ્રવાસ પણ કર્યો હતો. ત્યાંની શીખ સંસ્થા તરફથી એમને ખર્ચ પેટે રૂ. ૭,૦૦૦ આપવામાં આવ્યા હતા જેની નોંધ અમૃતસરના ગુરુદ્વારા ગૅઝેટમાં જોવા મળે છે.

આંબેડકર માનતા કે હિંદુ તથા ઈસ્લામ ધર્મની કેટલીક સારી વાતોને શીખ ધર્મે પોતાનામાં સમાવી લીધી છે. તમામ કોટિના શીખો લંગરમાં એકસાથે કોઈ ભેદભાવ વિના જમવા બેસતા એ પ્રથા પણ એમને ગમતી.

આમ છતાં આંબેડકરને કેશ વધારવાની અને હાથે પહેરવાના કડાની શરત ગમતી નહોતી. તેઓ માનતા કે આધુનિક જમાનામાં આ બે શરતો અગવડરૂપ છે. કિરપાણ સામે એમને વાંધો નહોતો. શીખ પ્રજાની બહાદુરી માટે એમને માન હતું. જોકે, શીખ ધર્મમાં વપરાતી ગુરુમુખી લિપિ અંગે આંબેડકરને બહુ સંતોષ નહોતો. એમને લાગતું કે મહારાષ્ટ્રમાં શીખ બનનારા લોકો ગુરુમુખી લિપિ અને પંજાબી ભાષા વિના ચલાવી શકે એમ છે.

આંબેડકર શીખ ધર્મ અપનાવવા વિશે ભારે મનોમંથન કરી રહ્યા હતા એ જ અરસામાં એમને જાણ થઈ હતી કે શીખોમાં પણ પછાત કોમ જેવું હોય છે. એક બાજુ તેઓ એ હકીકતથી પ્રભાવિત હતા કે ગુરુ ગોવિંદસિંહે પોતાના લશ્કરમાં ઘણા બધા અસ્પૃશ્યોને સ્થાન આપ્યું હતું. પણ શીખોમાં પછાત કોમ અને છૂતાછૂતની સમસ્યા હોય એ વાત એમને કનડતી રહી. આ જ અરસામાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ વધતાં એમને જાણ થઈ કે બૌદ્ધધર્મીઓ વર્ગભેદમાં માનતા નથી અને ભીમરાવમાંથી તેઓ ભીમસિંહ થતાં થતાં રહી ગયા.



૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળનું સ્થાન ભારતના સ્વાતંત્ર સંગ્રામમાં કેટલું મહત્ત્વનું છે તે સૌ કોઈ જાણે છે. સંખ્યાબંધ દેશનેતાઓએ ૧૯૪૨ની ‘ક્વિટ ઈન્ડિયા’ની લડતમાં ભાગ લીધો. આ સમયે બાબાસાહેબ આંબેડકર ક્યાં હતા?

આંબેડકર વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના લેબર મેમ્બર હતા અર્થાત્ ભારતમાંની બ્રિટિશ સરકારના પ્રધાનમંડળના સભ્ય હતા.

અનેક દસ્તાવેજી પુરાવાઓ દ્વારા સિદ્ધ થાય છે કે પૂરાં વીસ વર્ષ સુધી આંબેડકરે એ જ વિચારો પ્રગટ કર્યા જે બ્રિટિશર્સ ખુદ પ્રગટ કરવા ચાહતા હતા, જે બ્રિટિશર્સની તરફેણના હતા. ૯મી ઑગસ્ટ, ૧૯૪૨ની વહેલી સવારે ગાંધીજી તથા અન્ય રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ થઈ ત્યાર બાદ પણ આંબેડકરે બ્રિટિશર્સને અનુકૂળ હોય એવા જ વિચારો પ્રગટ કર્યા એટલું જ નહીં, અમુક વિચારો તો બ્રિટિશર્સે જાહેર કરેલી ઈચ્છાને માન આપવા ખાતર જ પ્રગટ કર્યા.

વાઈસરૉયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકેની આંબેડકરની વરણી ૨૦ જુલાઈ, ૧૯૪૨ના રોજ થઈ. તેઓ તરત જ દિલ્હી ગયા અને નવી રચાયેલી કાઉન્સિલના સત્રોમાં હાજરી આપવાનું એમણે શરૂ કર્યું. કૉન્ગ્રેસે ૮મી ઑગસ્ટે ‘હિંદ છોડો’ના ઠરાવ પસાર કર્યો એ પછી તાબડતોબ, અંગ્રેજોની પૂર્વતૈયારીના ભાગરૂપે, તમામ મોટા નેતાઓની ધરપકડ શરૂ થઈ ગઈ. પણ એનું પરિણામ અંગ્રેજોએ ધાર્યું નહોતું એવું આવ્યું. નેતાઓની ગેરહાજરીમાં આંદોલન મોળું પડી જવાને બદલે ઔર ભડકયું. ઠેર ઠેર હડતાળો પડી, દેખાવો થયા, સત્યાગ્રહો થયા અને ગાંધીજીના આદેશનું ઉલ્લંઘન કરીને હિંસાત્મક બનાવો પણ બન્યા. અંગ્રેજ સરકાર, સ્વાભાવિક રીતે જ, દેખાડો એવો કરવા માગતી હતી કે નેતાઓની ધરપકડ પછી જનતામાં રોષ ફેલાયો નથી, ખાસ કંઈ પ્રતિક્રિયા આવી નથી. આંબેડકરે આ બાબતમાં અંગ્રેજોએ આપેલી બ્રીફ કરતાં પણ વધુ કામ કર્યું.

પંદરમી સપ્ટેમ્બર ૧૯૪૨ના રોજ એસેમ્બલીમાં દેશભરમાં થયેલાં આંદોલનો તથા હડતાળો વિશે એક નિવેદન કરતાં આંબેડકરે જે કંઈ કહ્યું તે મહારાષ્ટ્ર સરકારે પ્રગટ કરેલાં એમનાં લખાણો તથા પ્રવચનોના ૧૪ ગ્રંથોમાંના દસમા ગ્રંથના પાના નં. ૫૫૩ થી ૫૫૭ વચ્ચે પ્રગટ થયું છે. આંબેડકરે કહ્યું કે ભાગ્યે જ કોઈ દેખાવો થયા છે અને હડતાળો પણ બહુ ઓછી પડી છે. એટલું જ નહીં એને લગતી કોઈપણ વિગત પ્રગટ કરવી જાહેર જનતાના હિતમાં નથી એમ કહી એમણે આ અંગે કશીય માહિતી આપવાનો ઈનકાર કરી દીધો: ‘આ અંગે કોઈપણ માહિતી આપવી પ્રજાના હિતમાં નથી... હું કહી ચૂકયો છું એમ હું સહેજ પણ માહિતી આપવા તૈયાર નથી કારણ કે માહિતી આપવી જનતાના હિતમાં નથી... મેં કહી દીધું છે કે માહિતી આપવી જનતાના હિતમાં નથી...’ આમ એકના એક વાક્યનું પુનરાવર્તન કરી કરીને આંબેડકરે ‘ક્વિટ ઈન્ડિયા મુવમેન્ટ’ તરીકે પાછળથી ઓળખાતી થયેલી આ મહાન ઘટનાની વિગતો પર પડદો પાડી દેવાની બ્રિટિશ ઈચ્છાને અમલમાં મૂકી હતી.

ત્રણ દિવસ પછી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં દેશભરમાં થયેલી રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ વિશે ચર્ચા થઈ ત્યારે આંબેડકરે આ ધરપકડને તેમ જ સરકારનાં અન્ય પગલાંને વાજબી ઠેરવ્યાં હતાં. ત્યારબાદનાં બેત્રણ વર્ષ દરમ્યાનનાં આંબેડકરના એસેમ્બલીમાંના અનેક પ્રવચનોમાંના એકનો અંશ જુઓ:

‘કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિના લગભગ બધા જ નેતાઓનો અહિંસા પરથી વિશ્વાસ  ઊઠી ગયો છે. મોટા ભાગનાઓ અહિંસાના વિચારથી વિમુખ થઈ ગયા છે એટલું જ નહીં કૉન્ગ્રેસે વ્યવસ્થિત હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું એવું નિર્દેશ કરતા પૂરતા પુરાવાઓ મળી ગયા છે.’

આ વખતે એસેમ્બલીમાં એક સભ્યે કહ્યું હતું, ‘તમે ખોટાં વિધાનો કરી રહ્યા છો.’ બીજા કેટલાક સભ્યોએ કહ્યું હતું, ‘આ વાત ખોટી છે.’ ‘આવા કોઈ પુરાવા નથી.’ પણ આંબેડકર પોતાના નિવેદનને ઝનૂનપૂર્વક વળગી રહ્યા, કોઈ નક્કર પુરાવાઓ પેશ કર્યા વગર.

આંબેડકરે કૉન્ગ્રેસને હિંસાવાદી ચીતરવાની બ્રિટિશ ઈચ્છાનો અમલ કરતાં એસેમ્બલીમાં કહ્યું હતું કે દેવલાલીની અટકાયત દરમ્યાન જયપ્રકાશ નારાયણ ચોરીછૂપીથી એમનાં પત્નીને ખાનગી કાગળિયાં સરકાવી દેતાં પકડાઈ ગયા ત્યારે એ કાગળિયામાં પૂરતા પુરાવા મળી આવ્યા હતા કે કૉન્ગ્રેસ માત્ર દેખાવ ખાતર જ અહિંસાની વાતો કરે છે.

અહીં એક વાતનો ઉલ્લેખ જરૂરી છે કે બ્રિટનના વિદેશ પ્રધાને ભારતના વાઈસરૉયને મોકલેલાં સૂચનોમાં તેમ જ વૉર કૅબિનેટે લંડનમાં લીધેલા નિર્ણયોનો એક સાર એ હતો કે કૉન્ગ્રેસની વિશ્વનીયતાને જાહેર જનતાની આંખમાં ખતમ કરવી, કૉન્ગ્રેસને યેનકેનપ્રકારેણ બદનામ કરવી.

બ્રિટિશ દ્વારા મળેલા પ્રધાનપદનું ઋણ ચૂકવતા હોય એમ આંબેડકર બેંતાળીસની લડત વિરુદ્ધ બ્રિટિશ સરકાર દ્વારા લેવાયેલાં પગલાંનો એસેમ્બલીમાં બચાવ કરતા રહ્યા એટલું જ નહીં એમણે એમ પણ જાહેર કર્યું કે ભારત પર શાસન કરતી આજની (બ્રિટિશ) સરકાર જ ભારત માટે ઉત્તમ છે!

આંબેડકરે કહ્યું: ‘જો ભારતીયો એક એવી સરકાર ચાહતા હોય જેમાં લોકશાહી હોય, સરમુખત્યારશાહી ન હોય... તો ગૃહને મારે એક વાતની ખાતરી આપવી છે કે અત્યારે આપણી પાસે જે છે એના કરતાં બહેતર સરકાર બીજી કોઈ હોઈ શકે જ નહીં.’

તે વખતની સરકારમાં વાઈસરૉયને અપાયેલા વીટો પાવરને કારણે વ્યવહારમાં તેઓ એક પ્રકારના સરમુખત્યાર જ બની જતા હતા. કૉન્ગ્રેસી નેતાઓ જેલમાં હતા ત્યારે આંબેડકરે બ્રિટિશ સરકાર વતી રેડિયો પર પ્રજાજોગું ઉદબોધન કર્યું હતું. ૧ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ પ્રસારિત થયેલા નિવેદનમાં તેઓ બ્રિટિશ સરકાર વતી બોલ્યા હતા: ‘બ્રિટિશ સરકાર રાષ્ટ્રવાદની હાલની ઘેલછાને પ્રોત્સાહન આપવા માગતી નથી. રાષ્ટ્રવાદનો અર્થ જો એટલો જ થતો હોય કે પ્રાચીન સમયને વળગી રહેવું, જૂનાની જ પૂજા કરવી અને જેનાં મૂળ કે રંગ સ્થાનિક નથી તે સઘળાની અવગણના કરવી તો એવા રાષ્ટ્રવાદને અંગ્રેજ સરકાર સ્વીકારી શકે એમ નથી. સરકાર મૃતમાંની જીવંત શ્રદ્ધાને જીવતાઓની મૃત શ્રદ્ધા બનવા દઈ શકે નહીં. ભૂતકાળનો ભરડો સમાજને ગૂંગળાવી દે અને વર્તમાનનું જેને કોઈ મૂલ્ય ન હોય તથા ભવિષ્ય માટેની જેને કોઈ આશા ન હોય એવી કોઈ પરિસ્થિતિ બ્રિટિશ સરકાર ચલાવી નહીં લે... ક્વિટ ઈન્ડિયાના નારાને બદલે પ્રજાને ન્યુ ઈન્ડિયાનો નારો મળવો જોઈતો હતો... ભારતની આઝાદીના દુશ્મનો ભારતીયો જ છે, બીજા કોઈ નહીં...’

આંબેડકરનાં આ અને આવાં અનેક નિવેદનોને સિફતપૂર્વક ઈતિહાસના કોઈ ખૂણામાં ધૂળ ખાવા મોકલી આપવામાં આવ્યા છે. એને બદલે આંબેડકરની એક જુદી જ છબિ ભારતીય પ્રજા સામે મૂકવામાં આવી છે. એવી છબિ જે દલિતોના વોટ લાવી આપે. એવી છબિ જેના વડે દલિત નેતાઓ પોતાની પ્રજાનું હજુ વધારે શોષણ થવા દઈ પોતે સોનાના મહેલો બનાવી શકે.



મહાત્મા ગાંધીને અને એમના નેતૃત્વ હેઠળ ચાલતી આઝાદીની ચળવળને ઉતારી પાડવામાં, એમનો વિરોધ કરવામાં સામ્યવાદીઓ, એમ. એન. રૉય અને બાબાસાહેબ આંબેડકર જેવાઓની બ્રિટિશ સરકારને સખત જરૂર રહેતી. એમ. એન. રૉય જાણીતા વિચારક, લેખક અને રૅડિકલ ડેમોક્રેટિક પક્ષના સ્થાપક હતા. ગાંધીજીના તેઓ આકરા ટીકાકાર હતા. એમ. એન. રૉયનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવાય છે, આંબેડકરની જેમ જ. રૉય અને આંબેડકર આ આદરને કેટલા પાત્ર છે, હતા- એ વિશે તપાસ કરીએ.

એમ. એન. રૉયને બ્રિટિશ સરકાર તરફથી મોટી રકમ એમના ‘કામ’ના વળતરરૂપે મળે છે એ કૌભાંડ રૉયના વર્તુળમાં, આ રકમ અંગેની વહેંચણીમાં મતભેદ થતાં જ બહાર આવ્યું હતું. શરૂમાં આ રકમ માહિતી અને પ્રસારણ ખાતા તરફથી ચૂકવવામાં આવતી હતી. પાછળથી લેબર ડિપાર્ટમેન્ટ અથવા તો શ્રમ વિભાગ તરફથી ચૂકવાતી અને આ વિભાગ આંબેડકરને હસ્તક હતો.

આ કૌભાંડ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ખૂબ ચર્ચાયું. સભ્યોએ જાણવા માગ્યું: શું એમ. એન. રૉય દ્વારા ઈન્ડિયન લેબર ફેડરેશનને દર મહિને રૂપિયા તેર હજાર ચૂકવવામાં આવે છે?

૧૯૪૩-૪૪ની સાલમાં સોનાનો હાઈએસ્ટ ભાવ ૯૬ રૂપિયા ૪ આના હતો અને લોએસ્ટ ૬૫ રૂપિયા ચાર આના. સરાસરી પકડો તો ૭૬ રૂપિયા ૧૧ આના ૬ પાઈનો ભાવ થયો- તોલા દીઠ. આ ગણતરીથી એ વખતની ૧૩ હજાર રૂપિયાની રકમ આજના કેટલા રૂપિયા બરાબર થઈ? હવે બાકીની ગણતરી તમે કરો. આજના લગભગ પચાસ લાખ રૂપિયા જેવી રકમ થઈ.

લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પૂછાયું કે આ જે રકમ એમ. એન. રૉયને ચૂકવવામાં આવે છે તેનું ઑડિટિંગ થાય છે? જો થતું હોય તો એ હિસાબ ગૃહમાં રજૂ કરશો?

આ પ્રશ્ર્નોનો જવાબ આપતાં ૪ એપ્રિલ ૧૯૪૪ના રોજ આંબેડકરે કબૂલ કર્યું કે એમ. એન. રૉય થ્રુ ઈન્ડિયન લેબર ફેડરેશનને ‘ઔદ્યોગિક કામદારોનો નૈતિક ઉત્સાહ ટકાવી રાખવા માટે પ્રચાર કરવાના કામસર’ દર મહિને રૂપિયા તેર હજાર ચૂકવવામાં આવે છે.’ આંબેડકરે કહ્યું કે હા, આ પૈસાનો હિસાબ રાખવામાં આવે છે, પરંતુ ‘ગૃહમાં એ હિબાબ રજૂ કરવાનો કોઈ ફાયદો નથી.’

ગૃહના સભ્યોએ પૂછ્યું કે ફેડરેશન જેમની દેખરેખ હેઠળ ચાલે છે તે વ્યક્તિ (અર્થાત્ એમ. એન. રૉય) શું બીજાઓને આ પૈસા વહેંચીને એમને પ્રચારનું કામ સોંપી શકે છે? આંબેડકરે કહ્યું કે આ પૈસાની વહેંચણી કેવી રીતે થાય છે એ અંગે મારી પાસે કોઈ જાણકારી નથી.

ઑડિટમાં આ અંગે (પૈસાની વહેંચણી અંગે) કશો પ્રકાશ પાડવામાં આવ્યો નથી? સભ્યોએ પૂછ્યું.

‘મને કોઈ માહિતી નથી,’ આંબેડકરે કહ્યું, ‘જાહેર નાણાંના ખર્ચ અંગે જે રીતે હિસાબનું ઑડિટિંગ થાય એ જ રીતે આ ખર્ચનું પણ થાય છે.’

ફેડરેશને આ પૈસાની વહેંચણી અંગેના કોઈ નિયમો બનાવ્યા છે? આ નિયમો સરકારને જણાવવામાં આવ્યા છે?

આંબેડકરે કહ્યું: ‘મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી.’

તમે એ અંગે તપાસ કરશો?

આંબેડકર: ‘માનદ્ સભ્ય શ્રી સત્તાવાર પ્રશ્ર્નની નોટિસ રજૂ કરશે તો એ અંગે હું તપાસ કરાવીશ.’

મુદ્દાને વળગી રહેતાં સભ્યોએ પૂછયું, ‘અન્ય કોઈ સંસ્થાને આ રીતે પૈસા આપવામાં આવે છે?’

આંબેડકરે જવાબ આપ્યો, ‘આવા સવાલ અંગે મને પહેલેથી નોટિસ મળવી જોઈએ.’

યુવાન સભ્ય ટી. ટી. ક્રિશ્ર્નમાચારીએ પૂછયું, ‘તમને ખાતરી છે કે આ જ એક માત્ર સંસ્થા કામગારોનો નૈતિક જુસ્સો જાળવીને સરકારને મદદ કરી શકે છે?’

‘મારી પાસે માહિતી નથી. આ સવાલ મને પૂછતાં પહેલાં એ અંગેની નોટિસ મને મળવી જોઈએ.’ આંબેડકરે જવાબ આપ્યો.

એક દિવસ ગૃહમાં એક સભ્યે જ્યારે પૂછયું કે આ (તેર હજાર રૂપિયાની) રકમનો એક ભાગ કૉન્ગ્રેસ વિરોધી પ્રચાર માટે વાપરવામાં આવે છે એની સરકારને જાણ છે કે કેમ ત્યારે આંબેડકરે કહ્યું, ‘સરકારને આ વિશે કોઈ માહિતી નથી.’

જોકે, આ વાત ખોટી હતી. હોમ (પોલિટિકલ) ડિપાર્ટમેન્ટની એ અરસાની ખાનગી ફાઈલો દર્શાવે છે કે સરકાર મહાત્મા ગાંધી વિરુદ્ધનાં એમ. એન. રૉયનાં ઉચ્ચારણોની વિગતવાર નોંધ રાખતી હતી.

શરૂમાં સરકારને રૉયથી ખૂબ સંતોષ હતો પણ પાછળથી ઈન્ટેલિજન્સ બ્યુરોએ જ્યારે માહિતી આપી કે રૉય પોતાની પાર્ટી (રૅડિકલ ડેમોક્રેટિક પાર્ટી) સ્થાપી રહ્યા છે ત્યારે સરકારને રૉયમાંથી રસ ઊડવા માંડ્યો અને રૉયનું સ્થાન સામ્યવાદીઓએ લીધું. બ્રિટિશ સાથેની છૂપી સમજૂતી અનુસાર સામ્યવાદીઓ ‘પીપલ્સ વૉર’ નામની એમની પ્રચારપત્રિકામાં ગાંધીજી, સુભાષચન્દ્ર બોઝ અને જયપ્રકાશ નારાયણ વિશે આવડી ને આવડી ગાળો લખતા હતા.

માસિક તેર હજાર રૂપિયાવાળી વાત પર પાછા આવીએ. જે ફેડરેશનને એમ. એન. રૉય હસ્તક રકમ મળતી તે ફેડરેશનના પ્રમુખ જમનાદાસ મહેતા પોતે લે જિસ્લેટિવ એસેમ્બલીના સભ્ય હતા. એમણે જાહેર નિવેદન કર્યું: ‘સરકાર તરફથી ફેડરેશનને માસિક તેર હજાર રૂપિયા મળે છે એ વાત કાળામાં કાળું જુઠ્ઠાણું છે.’

તો હવે સાચું કોણ?

એક બાજુ સરકાર વતી આંબેડકર કબૂલ કરી ચૂક્યા છે કે ફેડરેશનને આ રકમ ચૂકવાય છે. બીજી બાજુ એ જ ફેડરેશનના પ્રમુખ કહે છે કે આવી કોઈ રકમ સંસ્થાને મળતી જ નથી. એસેમ્બલીના સભ્યોએ જાણવા માગ્યું છે કે આ બે વાતમાંથી સત્ય શું છે?

આંબેડકરે ગૃહમાં જવાબ આપ્યો, ‘બે નિવેદનોમાંથી સાચું કયું, ખોટું કયું તે વિશે સ્પષ્ટતા કરવાની મારી ફરજ નથી. તમે ધારો તે તારણ આમાંથી કાઢી શકો. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે રકમ આપવાની વ્યવસ્થા સંસ્થા સાથે થઈ છે, વ્યક્તિ (રૉય) સાથે નહીં.’

બીજે દિવસે લેખિત પ્રશ્નના ઉત્તરમાં આંબેડકરે નામોશીભરી કબૂલાત કરવી પડી કે આવી રીતની રકમ અન્ય કોઈ કામગાર યુનિયનને અપાતી નથી. આ બાજુ પ્રમુખ જમનાદાસ મહેતાએ જાહેર નિવેદન દ્વારા સત્તાવાર પત્રવ્યવહાર ખુલ્લો પાડીને કહ્યું કે, ‘ફેડરેશન કે તેના પ્રમુખ કે તેની કારોબારી સમિતિની જાણ બહાર ફેડરેશનના નામે રૂા. ૧૩,૦૦૦ની માસિક રકમ એમ. એન. રૉયને, તેઓ મનફાવે તે રીતે વાપરી શકે એ માટે, મળે છે.’

ગૃહમાં ફરી વિવાદ થયો. જમનાદાસ મહેતાના આ સનસનાટીભર્યા વિસ્ફોટના સંદર્ભમાં સવાલ પૂછાયો ત્યારે થૂંકેલું પાછું ગળવું પડે એવી હાલત થઈ. પણ એને બદલે આંબેડકરે ગૃહને કહ્યું, ‘હું અગાઉ જે જવાબ આપી ચૂક્યો છું તેમાં મારે કોઈ ઉમેરો કરવાનો નથી.’

આખી વાતની ક્લાઈમેક્સ હવે આવે છે. ફેડરેશનના અંચળા હેઠળ તો એમ. એન. રૉયને બ્રિટિશ સરકાર રૂપિયા તેર હજારનો માસિક દરમાયો તો આપતી જ હતી. એ ઉપરાંત સરકાર રૉયને બીજા તેર હજાર રૂપિયા દર મહિને આપતી હતી: રૉયની રેડિકલ ડેમોક્રેટિક પાર્ટીના સાપ્તાહિક ‘ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડિયા’ની દર અઠવાડિયે ૧,૦૦૦ નકલ માટેના લવાજમ પેટે અને પાર્ટીના દૈનિકની રોજની ૨,૦૦૦ નકલના લવાજમ પેટે!

મહાત્મા ગાંધી વિરુદ્ધ પ્રચાર કરવા માટે મહિને છવ્વીસ હજાર (આજના લગભગ એક કરોડ) રૂપિયાની બ્રિટિશ મહેરબાની મેળવનારાઓ અને એમને છાવરનારાઓની છબિઓ તથા એમનાં પૂતળાંઓને આજે આપણે હારતોરા કરીએ છીએ.
બાબાસાહેબ આંબેડકર વિશેના આ છેલ્લા હપ્તામાં જાણીએ કે ‘બંધારણના ઘડવૈયા’ આંબેડકર નહીં પણ ખરેખર કોણ હતા.

આંબેડકરને બંધારણનો મુસદ્દો ઘડવાની સમિતિના અધ્યક્ષપદે ચૂંટવામાં આવ્યા હતા ખરા, પણ આ સમિતિ છેક રચાઈ ૨૯ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ, જ્યારે બંધારણીય સભાનું કામકાજ ડિસેમ્બર ૧૯૪૬થી શરૂ થઈ ચૂક્યું હતું - નવ મહિના પહેલાં. ડ્રાફ્ટિંગ સમિતિ રચવાના નિર્ણયની ઘોષણા કરતી વખતે બંધારણીય સભામાં જણાવાયું હતું કે આ સમિતિ ‘બંધારણીય સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા બંધારણના મુસદ્દાના અધિકૃત પાઠની ચકાસણી કરવા માટે’ રચવામાં આવે છે.

આમ, બંધારણનો મુસદ્દો આંબેડકર પિક્ચરમાં આવ્યા તે પહેલાં તૈયાર જ હતો. કોણે ઘડ્યો હતો એ મુસદ્દો? આ પ્રશ્ર્નને બદલે કોણે કોણે એ ઘડ્યો હતો એમ પૂછવું વધુ વાજબી લેખાશે. ભારતનું તંત્ર ચલાવવા કયા કયા નીતિનિયમોની જરૂર પડશે એ વિશે અનેક નેતાઓએ વર્ષો સુધી આ વિષય પર કામ કરીને બંધારણના મુસદ્દાની એક એક ઈંટ ગોઠવી હતી. છેક ડિસેમ્બર, ૧૯૨૪માં એક રાષ્ટ્રીય અધિવેશનમાં ભારતના નેતાઓએ ‘ધ કૉમનવેલ્થ ઓફ ઈન્ડિયા બિલ’ ઘડ્યું હતું જે જાન્યુઆરી, ૧૯૨૫માં અખિલ ભારત સર્વપક્ષીય અધિવેશનની બેઠક મળી ત્યારે રજૂ કરવામાં આવ્યું અને એ જ વર્ષના એપ્રિલમાં એને આખરી સ્વરૂપ મળ્યું. ૧૯૨૭ના મે મહિનામાં મુંબઈમાં મળેલી કૉન્ગ્રેસ મહાસમિતિની બેઠકમાં ‘સ્વરાજનું બંધારણ’ ઘડવા માટેની જવાબદારી કૉન્ગ્રેસની કાર્યકારી સમિતિને સોંપવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદનાં વર્ષોમાં આ અંગે ખાસ્સું એવું કામ થયું. મોતીલાલ નેહરુ સમિતિએ પણ આરંભિક યોગદાન આપ્યું હતું. ત્યારબાદ ૧૯૪૪માં સર તેજ બહાદુર સપ્રુના નેતૃત્વ હેઠળની સમિતિએ નાગરિકોના મૂળભૂત હક્કો વિશે તથા અનુસૂચિત જાતિ તેમજ લઘુમતીના હક્કો વિશે ઉપરાંત સંસદ - વિધાનગૃહો અને સરકારી તંત્રની રચના વિશે સંખ્યાબંધ ઉપયોગી અને વિગતવાર સૂચનો કર્યાં.

જુલાઈ, ૧૯૪૬માં કૉન્ગ્રેસ કાર્યકારી સમિતિએ બંધારણીય સભા રચવા માટેની તૈયારી કરવા એક નિષ્ણાત સમિતિ રચી. આ સમયે ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને બોલાવીને કહ્યું હતું, ‘અત્યારે તમારા હાથમાં જે કામ હોય તેને છોડીને આ સમિતિના કાર્યમાં જોડાઈ જાવ તો સારું. આ ખૂબ જ અગત્યનું કામ છે અને તમારે એનો બોજો તમારા ખભા પર લઈ લેવો જોઈએ.’ આ સમિતિએ કેબિનેટ મિશન પ્લાનના માળખામાં રહીને મુસદ્દા તૈયાર કર્યા. મુનશીએ ‘પિલગ્રિમેજ ટુ ફ્રીડમ’ના પ્રથમ ગ્રંથમાં પોતાના આ કાર્ય વિશે વિગતે વાત કરી છે.

ટૂંકમાં, બંધારણીય સભા ડિસેમ્બર, ૧૯૪૬માં મળી ત્યાર બાદ બંધારણ ઘડવાનું કામ શરૂ થયું નહોતું. દાયકાઓ અગાઉથી એ માટે મોટા મોટા વિદ્વાન નેતાઓ પોતપોતાના દિમાગનું દહીં કરતા રહ્યા હતા.

સપ્ટેમ્બર, ૧૯૪૬માં સર બી. એન. રાવે મૂળભૂત હક્કો વિશે બે વિગતવાર નોંધ તૈયાર કરી. કે. ટી. શાહે પણ પોતાની નોંધ તૈયાર કરી હતી.

૧૯૪૭ના જાન્યુઆરીની ૨૪મીએ મૂળભૂત હક્કો (ફન્ડામેન્ટલ રાઈટ્સ) તથા લઘુમતીઓ અને આદિવાસીઓના હક્કો વિશેની સલાહકાર સમિતિ રચાઈ જેમાં પચાસ સભ્યોનાં નામ હતા. સમિતિના પ્રમુખને બીજા ૨૨ સભ્યો નીમવાની સત્તા હતી. સમિતિના ચૂંટાયેલા પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. આ સમિતિએ પાંચ પેટાસમિતિઓ રચી. આચાર્ય ક્રિપલાની, કનૈયાલાલ મુનશી, સર બી. એન. રાવ, એચ. વી. આર. ઐયંગર, એસ. એન. મુખર્જી ઈત્યાદિ આ પેટાસમિતિઓ સાથે સંકળાયેલા હતા. સર અલ્લાદી કૃષ્ણાસ્વામી અય્યર, એન. ગોપાલસ્વામી ઐયંગર, કે. એમ. પણિકર ઈત્યાદિએ પોતપોતાની રીતે મહત્ત્વનો ફાળો બંધારણ ઘડવામાં આપ્યો.

બી. એન. રાવે બંધારણીય સભાના સભ્યોને વિશ્ર્વના કેટલાક દેશોના બંધારણોની જોગવાઈઓ વિશે નોંધ તૈયાર કરીને આપી. આ વિવિધ બંધારણોમાંની કઈ કઈ કલમ ભારત માટે અનુકૂળ છે અને કઈ જોગવાઈઓને લાગુ પાડતાં વ્યવહારુ તકલીફો ઊભી થઈ શકે છે એવી ટિપ્પણીઓ આ નોંધમાં હતી. બી. એન. રાવની વ્યાપક નોંધમાં અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ, જર્મની, યુગોસ્લાવિયા, ટર્કી, ચેકોસ્લોવેકિયા, પોલેન્ડ, આયર્લેન્ડ, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, રશિયા, ચીન, પોર્ટુગલ, ગ્રીસ, બ્રાઝિલ સહિતના બે ડઝનથી વધુ દેશોનાં બંધારણોની જોગવાઈઓ અને ભારતના સંદર્ભમાં તેની ખૂબીઓ તથા ખામીઓ વિશે નેત્રદીપક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

બી. એન. રાવે બંધારણીય સભાના મુખ્ય મુસદ્દાકાર એસ. એન. મુખર્જીની મદદ લઈને ૧૯૪૭ના ઑક્ટોબરમાં ‘ભારતીય સંવિધાનનો પ્રથમ મુસદ્દો’ ગૃહ સમક્ષ રજૂ કર્યો. એ વખતે એમાં ૨૪૩ કલમો હતી અને કુલ ૧૩ પરિશિષ્ટ હતાં. આ પ્રથમ મુસદ્દા વિશે બંધારણીય સભાએ લગભગ બે વર્ષ સુધી ચર્ચાવિચારણા કરી, સુધારા-ઉમેરા કર્યા અને સભાના પ્રમુખે આખરી મુસદ્દો ૩ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ગૃહમાં રજૂ કર્યો જે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ પસાર થયો. આ આખરી મુસદ્દામાં હવે ૩૯૫ કલમો હતી અને ૮ પરિશિષ્ટો હતાં.

બંધારણીય સભાની આ ચર્ચાઓ કુલ ૧૨ ગ્રંથોમાં પ્રગટ થઈ છે. સંવિધાનને આખરી સ્વરૂપ મળ્યું તે પહેલાં ૭,૬૩૫ બંધારણીય સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા, જેમાંના ૨,૪૭૩ પસાર થયા. કુલ ૨૨૦ કલમોમાંની વિગતો સંપૂર્ણપણે બદલાઈ ગઈ જ્યારે બીજી ૧૨૦ કલમોમાંના શબ્દોમાં સારા એવા ફેરફારો કરવામાં આવ્યા.

ભારતના બંધારણની રચના આ રીતે થઈ. ખૂબ બધા સભ્યોની ખૂબ બધી મહેનત દ્વારા ભારતનું બંધારણ ઘડાયું. આંબેડકર પણ આમાંના એક સભ્ય હતા. કેટલીક બાબતોમાં એમણે પણ અગત્યનો ભાગ જરૂર ભજવ્યો. પણ તેઓ ખૂબ બધામાંના એક હતા, એમણે બંધારણની નીતિનું માળખું ઘડ્યું નહોતું. આમ છતાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રગટ થયેલા ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં લખાણો તથા પ્રવચનો’ના ગ્રંથોમાં ભારતના બંધારણનો આખો મુસદ્દો પ્રગટ કરવામાં આવ્યો છે જેને કારણે છાપ એવી ઊભી થાય છે કે ભારતનું સંવિધાન આંબેડકરની એકલાની મહેનત તથા બુદ્ધિનું પરિણામ છે.

આંબેડકર વિશેનાં આ સત્યો તમે જાહેરમાં રજૂ કરો છો ત્યારે દલિતો તરફથી તમને ‘મનુવાદી’ હોવાની ગાળ ખાવા મળે છે અને કહેવાતા બુદ્ધિજીવીઓ તમને જમણેરીઓના પ્રચારક તરીકે ઉતારી પાડવાની કોશિશ કરે છે. ભલે. આ બધા પછી પણ સત્ય તો સત્ય જ રહે છે.

જોકે, મારી મૂંઝવણ જુદી છે. આપણાં સંતાનો, એમનાં સંતાનો મોટાં થશે ને એમને શાળામાં ભારતના સંવિધાન વિશે ચાર વાતો શીખવવામાં આવશે, ત્યારે ઘરે બચ્ચાઓને ભણાવતી વખતે તમને પૂછવામાં આવશે કે તમે તો આંબેડકર વિશેની વાતો ‘મુંબઈ સમાચાર’ની ‘ગુડ મોર્નિંગ’ કોલમમાં બહુ રસથી વાંચતા હતા તો અમને બાબાસાહેબ વિશે ટૂંકી નોંધ તૈયાર નહીં કરી આપો?

એવા સમયે તમે ધર્મસંકટમાં મુકાઈ જશો. તમારી વિટંબણા એ જ હશે કે બચ્ચાને પરીક્ષામાં શિક્ષકો પૂરા માર્ક્સ ત્યારે જ આપશે જ્યારે એ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ લખીને આવશે. તમે જે કહેશો તેના પરથી નોંધ લખીને આવશે તો પાઠ્યપુસ્તકને ન અનુસરવા બદલ જવાબ પર મોટો ચોકડો મળશે. પરીક્ષામાં બાળકના ગુણ ન કપાય તે માટે તમારે ઈતિહાસની હકીકતો પર પથ્થર દાબી રાખવો પડશે. એમાં જ બાળકનું હિત છે ને એમાં જ એનો સ્વાર્થ સચવાય છે. રિઝલ્ટ આવ્યા પછી પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવવા બદલ તમે બાળકને આઈસક્રીમ ખવડાવવા લઈ જતી વખતે વિચારતા હશો. તમારામાં અને રાજકારણીઓમાં કોઈ ફરક છે ખરો. એ લોકો પણ પોતાનું હિત સાચવવા અને સ્વાર્થ જાળવવા ઈતિહાસની હકીકતો પર પથ્થર દબાવી રાખે એમાં એમનો શું ગુનો.