દરેક સમસ્યાનો ઉકેલ છે. ખરેખર ઉકેલ હોય છે? |
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ જિંદગીમાં આપત્તિઓ ત્રણ પ્રકારે આવી પડતી હોય છે. એક તો, માણસે પોતે જાણતાં-અજાણતાં કરેલી ભૂલોના પરિણામરૂપે સમસ્યાઓ સર્જાતી હોય છે. કયારેક નાની નાની ભૂલો એકઠી થતી જાય અને ઊંટની પીઠ પરના છેલ્લા તણખલાની જેમ છેક છેલ્લી નાની ભૂલ મસમોટી આપત્તિ સર્જતી હોય છે. કયારેય જે ભૂલો ભૂતકાળમાં વારંવાર કરી હોય પણ તે વખતે એને કારણે કોઈ સમસ્યા ઊભી ન થઈ હોય પણ એ જ ભૂલોનું પુનરાવર્તન કોઈ વખત ગંભીર મુસીબત ઊભી કરી નાખે. બીજા પ્રકારની આપત્તિ માણસની પોતાની ભૂલોને કારણે નથી સર્જાયેલી હોતી. પણ બીજાઓએ કરેલી ભૂલોમાં માણસ પોતાની બેવકૂફીને કારણે અથવા માનવ સહજ લાલચને કારણે અથવા કુપાત્રે વિશ્ર્વાસ મૂકવાને કારણે ફસાઈ જતો હોય છે. પોતાનો વાંક એટલો જ કે કોઈની ચાલબાજીનો એ ભોગ બની ગયો. એનામાં એટલી ચબરાકી નહોતી કે તે આવી રહેલી આંધીને જોઈ શકે અને દોષનો ટોપલો પોતાના માથે ઢોળાય તે પહેલાં ત્યાંથી ખસી જાય. આને એની દુર્બળતા ગણો કે પછી ભોળપણ કે નાદાનિયત. જે ગણો તે. પણ બીજાઓએ એને બલિનો બકરો બનાવ્યો એટલે આપત્તિ સર્જાઈ એટલું ચોક્કસ. ત્રીજા પ્રકારની આપત્તિમાં ન તો એનો પોતાનો વાંક હોય છે, ન બીજા કોઈનો. પરિસ્થિતિ કે સમય સંજોગ એના માટે કારણભૂત હોવાનાં. બસ પુલ તોડીને નદીમાં પડે કે ધરતીકંપમાં ઘર ખંડેર બની જાય કે આર્થિક મહામંદીમાં ધંધો ખાડામાં ઉતરી જાય એમાં માણસનો હાથ નહિવત્ હોય છે, કુદરતનો વાંક મોટો હોય છે. આવી, કોઈ પણ પ્રકારે આવી પડેલી આપત્તિ વખતે આપણને સમસ્યા સામે ઝઝૂમવાની, મુસીબતોનો સામનો કરવાની સલાહ આપવામાં આવે છે. સલાહ આપનારાઓનો ઈરાદો ખોટો નથી હોતો, એમની સમજ કાચી છે. સમસ્યા, આપત્તિ કે મુસીબત જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે. એક સમસ્યા ઉકેલાઈ ગઈ તો બીજી ઊભી થશે. જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી કોઈને કોઈ સ્વરૂપે એ સામે રહેવાની. ઉંમર વધવાની સાથે કેટલીક સમસ્યાઓ ઓછી થઈ ગઈ છે કે મટી ગઈ છે એવું લાગે તો એ તમારી પોતાની બદલાયેલી માનસિકતાનું સુંદર પરિણામ છે. બસ, આટલી તકલીફો પૂરી થઈ જાય એટલે પછી મારે જે જિંદગીમાં કરવું છે તે કામ શરૂ કરું એવું વિચારતાં રહેશું તો ક્યારેય કોઈ કામ નહીં કરી શકીએ. આપણે સમજતા નથી કે સમસ્યા સામે ઝઝૂમવાનું નથી, એની સાથે બાખડવાનું નથી. જ્યારે એને જિંદગીના એક અવિભાજ્ય હિસ્સા તરીકે સ્વીકારી લઈએ ત્યારે એની સાથે લડવાનું શું કામ? કોઈ પોતાની જ જિંદગી સાથે ઝઘડો શું કામ કરે? પોતાની જ જિંદગી સામે ઝઝૂમવાનું થોડું હોય? આ સમસ્યાઓ જિંદગીની એક પરિસ્થિતિ છે. માત્ર પરિસ્થિતિ. અને પરિસ્થિતિઓને ઉકેલવાની ન હોય, એને સમજવાની હોય, ધ્યાનથી નીરખવાની હોય, એનાથી દૂર ભાગવાને બદલે એની પાસે બેસીને સમજવાનું હોય કે એની જરૂરિયાતો શું શું છે? એની માગણીઓ કઈ કઈ છે. જેટલી માગણીઓ સંતોષી શકાય એટલી સંતોષી લેવાની. છતાંય પરિસ્થિતિ ન બદલાઈ તો એની સાથે જીવતાં શીખી લેવાનું. વખત જતાં આવી ગાંઠો આપમેળે ઢીલી પડીને ઉકેલાઈ જશે અથવા આખી વાત જ ખરી પડશે. પણ એની પાસે રોકાઈ ગયા, થંભીને પલાંઠી મારીને એને ઉકેલવા બેસી ગયા તો જિંદગી આગળ ચાલી જવાની. બહેતર એ છે કે જિંદગીની સાથે ચાલતાં રહેવું, જે કંઈ કામ કરવાનું નક્કી કર્યું છે તે કર્યા કરવું અને સમસ્યાઓને કહેતા જવું કે મને ખબર છે કે તું જઈશ એટલે તારી બહેન આવવાની જ છે. પણ મારી વિનંતી છે કે બને તો તારી મોટી બહેનને નહીં મોકલતી, નાનીને મોકલજે. દરેક સમસ્યાનો ઉકેલ હોવાનો જ એવું ડાહ્યા માણસો કહે છે. પણ અમારા જેવા દીવાનાઓ કહે છે કે એ વાત ખોટી છે. દરેક સમસ્યાના ઉકેલની આશા રાખવી જ ખોટી. મારી અને તમારી બંનેની સમસ્યા એક જ હોય છતાં તમારી પાસે એનો ઉકેલ હોય અને મારી સે ન હોય એવું બને. તમે જે સમસ્યામાંથી ઝડપથી બહાર આવી જાઓ એ સમસ્યા મને જિંદગી આખી વળગેલી રહે એવું શકય છે. આને લીધે તમને ભલે એવું લાગે કે દરેક સમસ્યાનો ઉકેલ છે. પણ હું તો જાણું જ છું કે દરેક સમસ્યાનો ઉકેલ હોત તો મારાવાળી કેમ હજુય મને વળગેલી છે? જેમ ગળતા છાપરાનું સમારકામ કરી લેવાનો શ્રેષ્ઠ સમય ચોમાસું નહીં પણ ઉનાળો ગણાય એમ સમસ્યાઓ વિશે વિચારવાનો સમય આપત્તિઓથી ઘેરાયેલા હોઈએ ત્યારે નથી હોતો. સમસ્યામાં ગળાડૂબ હોઈએ ત્યારે ગળતા છાપરા નીચે વાસણ મૂકીને તત્ત્પૂરતી રાહત મેળવી લેવાની. ચોમાસું પૂરું થઈ જાય પછી છાપરાનું સમારકામ શરૂ કરવાનું. જેટલું થાય એટલું. આખો દિવસ છાપરું જ રીપેર કર્યા કરીશું તો કામ પર કોણ જશે? |
Friday, March 22, 2013
દરેક સમસ્યાનો ઉકેલ છે. ખરેખર ઉકેલ હોય છે? - સૌરભ શાહ
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment