Sunday, March 24, 2013

પ્રાચીન ભારતમાં સ્થાપત્ય અને યંત્રશાસ્ત્ર - ડો. જે. જે. રાવલ


દક્ષિણ ભારતમાં એક સ્વસ્તિક ગ્રામ છે, જેમાં બધા રસ્તા સાથિયાના આકારમાં છે
બ્રહ્માંડ દર્શન - ડો. જે. જે. રાવલ

પ્રાચીન ભારતમાં મકાનો, મહેલાતોની બાંધણી અને તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી હતી. આપણે ‘દ્વારકા, ઈન્દ્રપ્રસ્થ વગેરે જગ્યાઓની બાંધણીની વિગતોથી વિદિત છીએ. મૌર્ય અને ગુપ્તવંશ સમયના મહેલોની વિગતથી પણ વિદિત છીએ. મકાનોના પ્લાનિંગ, બાંધણી વગેરેના સંદર્ભો આપણી પાસે છે. નિવાસી મકાનો, રાજમહેલ, સેનાનાં મકાનો, તબેલા, ગજશાળા, મંદિરો વગેરે ઊંચા સ્થાપત્યશાસ્ત્ર પ્રમાણે જ થતાં. તે જગ્યા, દ્વારો વિચારીને સ્થાપત્યશાસ્ત્ર અનુરૂપ રહેતાં. આ બધાં મકાનોનું સ્થાપત્ય એવું રહેતું કે ધરતીકંપો, વાવાઝોડાં, ભારે વરસાદ તેમને પાડી ન શકતાં. મોઢેરાનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્યમંદિર સદીઓથી આપણી સામે અડીખમ ઊભાં છે. ભારતમાં સ્થાપત્યકળા કેટલી બધી ઉચ્ચ કક્ષાએ વિકસી હતી એની આ બધાં સ્થાપત્યો સબિતી આપે છે. દક્ષિણનાં મંદિરો આજે આપણને આશ્ર્ચર્ય પમાડે છે. અથર્વવેદમાં શિલ્પશાસ્ત્ર વિષે વિસ્તારથી વિગત આપવામાં આવી છે. એટલે કે ૫,૦૦૦ વર્ષ પહેલા ભારતમાં શિલ્પશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર વિકસેલાં હતાં. મકાન, મહેલાત, મંદિર કે કોઈપણ ઈમારત બાંધવી હોય તો સૌ પ્રથમ તો તે જમીનની તાકાત કેટલી છે એની ચકાસણી થતી.

તમિળનાડુમાં થીરુ મંદિરનાં મુખ્ય ગુંબજમાં ૫૦ ફૂટ પહોળી કમાન છે. આ તે વખતના આપણા સ્થપતિઓની તાકાત દર્શાવે છે, તેમના જ્ઞાનની તાકાત દર્શાવે છે. ક્યાંક તો થાંભલા વગરના મોટા મોટા હોલ હોય છે. તમિળનાડુના કોડાન્ગાઈ શહેરમાં આવુદયાર ભગવાનના મંદિરમાં એક ખડક એટલે પાતળો બનાવવામાં આવ્યો છે, જાણે કાગળ! પ્રાચીન ભારતમાં પથ્થરોના પાતળા પડદા બનાવવામાં આવ્યા હતા, જાણે કે નેનો ટેકનોલોજીના જાણકાર ન હોય! તો પ્રશ્ર્ન એ થાય છે કે તેમનાં સાધનો કેવા હશે? દેલવાડાના દેરા જુઓ, રાણકપુરનું મંદિર જુઓ, ખજૂરહોના મંદિરો જુઓ. જાણે પથ્થરમાં કવિતા! શિલ્પશાસ્ત્રમાં જગતમાં ભારતનો જોટો નથી. હાલના અક્ષરધામ મંદિર અને સોમનાથ વગેરે મંદિરો પ્રાચીન ભારતના શિલ્પશાસ્ત્રની ઉપજ છે. કાવેરી નદી પર ઈસુની બીજી સદીમાં કાલાનાઈમાં બંધાયેલો ગ્રાન્ડ અનીકતેના ડેમ દુનિયાનો સૌથી જૂનો ડેમ છે. આ આપણે સૌ માટે ગર્વની વાત છે. આ ડેમ હજુ પણ સારી સ્થિતિમાં છે અને વપરાશમાં છે. પ્રાચીન ભારત ઘણા ક્ષેત્રે પ્રથમ હતું. આજે તે બધા જ ક્ષેત્રે ગુલામ બનતું જાય છે તે દુ:ખની વાત છે.

દક્ષિણ ભારતમાં સ્વસ્તિક ગ્રામ છે, તેમાં સાથિયાના રૂપમાં બધા રસ્તા છે. છ રસ્તા પૂર્વથી ઉત્તરમાં જાય છે અને ગામના પાદરને મળે છે. પણ ત્યાં જતાં તે માત્ર ચાર રસ્તા જ રહે છે. શહેરમાં મધ્ય ભાગમાં તે છ રસ્તા હોય છે. શહેરના મધ્ય ભાગમાં હેર-ફેર વધારે હોય છે, માણસો વધારે હોય છે. માટે ત્યાં છ રસ્તા છે. ગામના પાદરે જતાં ટ્રાફિક ઓછો થઈ જાય છે, માટે ત્યાં માત્ર ચાર રસ્તા જ રહે છે. ટ્રાફિકની કેટલી સેન્સ. બધા જ રસ્તા વળી પાછા પહોળા અને કાટખૂણે અને વન-વે, આ બધા રસ્તા વળી પાછા સમાતંર અને ઘડિયાળની દિશામાં વળાંક લે.

પ્રાચીન ભારતમાં બે મકાન વચ્ચે ત્રણ પગલાનું અંતર રાખવામાં આવતું. આ નિયમ જે મકાનને વાડો હોય કે છાજલી હોય તેને લાગૂ પડતો. મકાનના ઓરડા વચ્ચે ચાર આંગળાની જગ્યા અથવા તે એકબીજાને અડકે, બારી રસ્તાની બાજુમાં હોય અને જરા ઊંચી હોય, જેથી ઘરમાં પ્રકાશ પથરાય. બારીનાં પરિમાણ પણ યથાયોગ્ય અને બારીઓ બંધ પણ થઈ શકે. ઘરોની આ બાબતો મકાન માલિક જ નક્કી કરે તેવી છૂટ હતી, શરત માત્ર એ કે તે કલ્યાણકારી હોવી ઘટે અને તેમાં ઝઘડાને સ્થાન ન હોય. આ બધી બાબતો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આપવામાં આવી છે. વધારે વિગતો કપિલ - વાત્સ્યાયનમાં પણ આપવામાં આવી છે.

ભારતીય પ્રાચીનશાસ્ત્રોમાં મશીન અને મિકેનિક્સના ઘણા સંદર્ભે મોજુદ છે. વેદમાં ચક્ર, અગ્નિ ઉત્પન્ન કરવાના, હેન્ડલૂમના, દહીં ઝેરવાના વગેરેના સાધનોના પ્રચૂર ઉલ્લેખો છે. મહાભારતમાં દ્રૌપદીના સ્વયંવરમાં થાંભલા પર ગોળ ગોળ ફરતી માછલીનો ઉલ્લેખ છે.

કૌટીલ્યનું અર્થશાસ્ત્ર ૨,૪૦૦ વર્ષ પહેલા લખાયું હતું. તેમાં ૩૨ જાતનાં મશીનોના ઉલ્લેખ છે. તેમાં એક મશીન પથ્થર ફેંકી શકતું હતું. તેમાં ત્રાજવાની વાત છે આ બતાવે છે કે પ્રાચીન સમયમાં ભારતીયોને વિજ્ઞાનનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ કેટલું હતું. ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ લખ્યું છે કે રાજા તેના દીકરાના શિક્ષકને તેના દીકરાને મશીનનું જ્ઞાન આપવાની વાત કરે છે, જે મશીન કાં તો અગ્નિથી, વાયુથી કે પાણીથી ચાલે. આ દર્શાવે છે કે પ્રાચીન સમયના રાજા ભૌતિકશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રને કેટલું બધું મહત્ત્વ આપતાં!

‘આર્યભટીય’ ગ્રંથમાં આર્યભટ લાકડામાંથી બનાવેલા પૃથ્વીના ગોળાની વાત કરે છે, જેમાં વજન સરખી રીતે રખાયું હોય અને ગોળો તેની ધરી પર ૨૪ કલાકમાં એક ચક્કર મારી લે. વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં પણ પ્રાચીન ભારત આગળ હતું. ભાસ્કરચાર્યે ખૂબ જ ચોક્કસ ઘટિકાયંત્ર બનાવ્યું હતું. પ્રાચીન ભારતમાં તુરીયયંત્ર પણ હતું અને તારાના વેધ લેવાનાં યંત્રો પણ હતાં. તુરીયયંત્ર ખરેખર શું હતું તે સંશોધનનો વિષય છે. શું તે દૂરબીન હતું? પ્રાચીન ભારતમાં આમ નાની ટેકનોલોજી સારી એવી વિકાસ પામી હતી. પાંડવોના ઈન્દ્રપ્રસ્થની રચના પણ આપણને સાયન્સ અને ટેક્નોલોજીની કમાલ દેખાડે છે. આર્યભટના ‘આર્યભટીય’ ગ્રંથમાં લંબાઈના માપન માટે નીચેની વિગત આપી છે. ૮ પરમાણુ બરાબર ૧ ત્રસારેનું. ૮ ત્રસારેનું બરાબર ૧ રથારેણુ. ૮ રથારેણું બરાબર ૧ કોસ. ૮ કોસ બરાબર ૧ તલ. ૮ તલ બરાબર ૧ સારાસપાસ. ૮ સારાસપાસ બરાબર ૧ જવ. ૮ જવ બરાબર ૧ અંગુલ. ૧૨ અંગુલ બરાબર ૧ વિતસ્તી (વેંત). ૨વિતસ્તી (વેંત) બરાબર એક હસ્ત. ૪ હસ્ત બરાબર ૧ દાંડા. ૧૦૦૦ દાંડા બરાબર ૧ ક્રોસ. ૪ ક્રોસ બરાબર ૧ યોજન.

No comments:

Post a Comment