જીવનચક્ર: સ્વપ્નો વેરવિખેર અને વાસ્તવિક્તા અકબંધ |
લગ્નનો અર્થ છે અર્પણ થવું, પ્રેમમાં ઢોળાઈ જવું. આમાં જેટલું સમર્પણ એટલી પ્રાપ્તિ, જેટલો ત્યાગ એટલી તૃપ્તિ, જેટલી સમજદારી એટલું સુખ અને જેટલી આત્મીયતા એટલી પ્રસન્નતા |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર એક મળે ઘર એવું મુજને જ્યાં સંતોષ નિવાસ કરે એક ખૂણે દીપ જલે ભક્તિનો બીજે ‘ઈન્સા’ વાસ કરે એવા મુજને મારા મળજો હૈડે રાખી જે હેત કરે હિંમત-હૂંફ વરસાવી દૈને નયને નરદમ નેહ ઝરે આંગણે આવે કોઈ અતિથિ આવો કહી સન્માન કરે હોંકારો દૈ વાત સાંભળે મીઠા જળનો ગ્લાસ ધરે શિરામણ કે વાળુ ટાણે તાણ્ય કરી હૈયું ઠારે બાર સુધી જઈ કહે આવજો હોંશે હાથ ઊંચો કરે વિનુભાઈ ગાંધી ‘ઈન્સાન’ની આ રચનામાં ઘર, પરિવાર, દામ્પત્ય જીવન, પ્રેમની હૂંફ અને આતિથ્ય ભાવના બધાનો એક સાથે મહિમા ગવાયો છે. ઘર ચાર દીવાલોથી બનતું નથી. એમાં દામ્પત્ય જીવનની મહેક, પ્રેમની સુગંધ અને સ્નેહની સૌરભ ન હોય તો લગ્નજીવનનો કોઈ અર્થ રહેતો નથી. માણસો ચાર દીવાલો વચ્ચે અથડાયા કરે છે અને અંદરથી કોતરાયા કરે છે. દામ્પત્ય જીવન એ આજના સમયની કપરી કસોટી છે. હિતેન આનંદપરાએ આ વાતને ભાવાત્મક રીતે કહી છે... ચાર દીવાલથી એમ ઘર થાતું નથી એમને એ કેમ સમજાતું નથી? રાતના પાછું ફરે નહીં એક જણ ત્યાં સુધી એ કોળિયા ખાતું નથી જીવન અગણિત વિવિધતાથી ભરપૂર છે. તેના રહસ્યનો તાગ મેળવવાનું અતિ કઠિન છે. જીવનની સમસ્યાઓ સદાય માણસને મૂંઝવતી રહી છે. જીવનનો પાયો કુટુંબ, માત-પિતા, ભાઈ-બહેનો, પતિ-પત્ની વગેરેના પરસ્પરના સુમેળભર્યા સંબંધો પર રચાયેલો છે. સ્વાર્થ અને સંકૂચિતતાની દીવાલોના કારણે આ બધા સંબંધોમાં હવે તિરાડ પડી રહી છે. સંયુક્ત કુટુંબો તૂટી ગયાં છે. પતિ-પત્નીના સંબંધમાં પણ મોટેભાગે ઉષ્મા જણાતી નથી. જાણે ઔપચારિકતા ખાતર એકબીજાને નભાવી રહ્યાં હોય એવું લાગે છે. છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. વાતવાતમાં કે નજીવાં કારણોસર પતિ-પત્ની વચ્ચે વિખવાદો ઊભા થાય છે. તેની બાળકો પર માઠી અસરો પડે છે અને તેમના અજ્ઞાત મન પર જે ઘાવ પડે છે તે જલદીથી રુઝાતા નથી. દામ્પત્ય જીવન એક યા બીજાં કારણોસર ખરડાઈ રહ્યું છે. આનું મુખ્ય કારણ તનાવપૂર્ણ જીવન અને એકબીજાને સાચા અર્થમાં સમજવાનો અને પરસ્પરને અનુકૂળ થવાની ઈચ્છાનો અભાવ છે. સંસારનો રથ એનાં બે ચક્રો પતિ-પત્ની પર ચાલે છે. આમાંથી એક પણ ચક્ર નબળું હોય તો રથ આગળ વધી શકતો નથી. એક પણ ચક્ર મૂળ ધરીમાંથી વિચલિત થાય તો સંસારના વાવાઝોડામાં સુખનો આ રથ ગબડી પડે છે. માણસ આ બધું સમજવા છતાં તેને અનુરૂપ જીવન જીવી શકતો નથી. લગ્નજીવન એ પુરુષ અને સ્ત્રીની સહયાત્રા છે. તેનું મોટું ભાથું પરસ્પર પ્રેમ, સ્નેહ, ભાવ અને લાગણી છે. જિંદગીની મીઠાશ, તીખાશ અને કડવાશ, બધુ એમાં છે. ખરા અર્થમાં કહીશ તો લગ્નજીવન એ માણસની મોટી પ્રયોગશાળા છે. કોઈએ કહ્યું છે તેમ લગ્નજીવન એક જુગાર છે. એમાં પુરુષે પોતાની સ્વતંત્રતા અને સ્ત્રીએ પોતાની પ્રસન્નતાને હોડમાં મૂકવી પડે છે. લગ્નજીવનમાં પુરુષ પોતાની સ્વતંત્રતા અને સ્ત્રી પોતાની પ્રસન્નતા જાળવી શકે તો દામ્પત્ય જીવન મીઠું-મધૂરું બની જાય. પતિ-પત્ની વચ્ચેના સંબંધો ભાવના અને સમજદારીના હોય છે. પતિ અને પત્ની એકબીજાની શક્તિ અને મર્યાદાથી પરિચિત બને તથા પરસ્પરનાં સ્વભાવ અને પ્રકૃતિને સ્વીકારતાં થઈ જાય તો સંવાદિતા સર્જાય. દામ્પત્ય જીવન એ પ્રેમની અખંડ સાધના છે. પ્રેમ અને વફાદારીને એકબીજાથી અલગ ન પાડી શકાય. સ્ત્રી-પુરુષનું મિલન કેવળ બે વ્યક્તિનું મિલન નથી, પરંતુ સ્નેહ, સહયોગ અને સદ્ભાવનાનું મિલન છે. લગ્ન પ્રસંગે ગોરમહારાજ પ્રત્યેક મંગલાષ્ટક પૂર્વે બોલે છે ‘વર ક્ધયા સાવધાન’. ગૃહસ્થાશ્રમમાં ઘણી બધી કપરી જવાબદારી અને કર્તવ્યો અદા કરવાનાં હોય છે તે માટેની આ ચેતવણી છે. દામ્પત્યજીવન સુખ અને દુ:ખમાં એકબીજાની હૂંફથી મહેકી ઊઠે છે. દુ:ખમાં તેની ખરી કસોટી થાય છે. મુશ્કેલીના સમયમાં પણ સુમેળ જળવાય અને તનાવ ઊભો ન થાય તો સમજવું લગ્નજીવન સફળ થયું છે. પ્રસન્ન દામ્પત્ય એટલે એનો અર્થ એવો નથી કે પતિ-પત્ની વચ્ચે કોઈ મતભેદ કે વિવિધતા ન હોય. ખાટી-મીઠી વાતો, રીસામણાં-મનામણાં તો જીવન સાથે સંકળાયેલાં છે. જીવનમાં આવુ બધુ ન હોય તો તે રસકસ વગરનું બની જાય. દરેક માણસ તેની પ્રકૃતિ અને સ્વભાવથી ભિન્ન છે. તેના ગમા-અણગમા અને મૂડ અલગ હોય છે. કોઈ પણ બે માણસ સ્વાભાવિક રીતે એકબીજાની પ્રતિકૃતિ બની શકે નહીં. લગ્નજીવનમાં એકબીજાને અનુકૂળ બનવું પડે છે. જીવનચક્રમાં જોડાતાં સ્ત્રી-પુરુષ શારીરિક અને માનસિક રીતે સરખાં નથી હોતા. સ્વભાવ, રુચિ, પસંદગી અને સાહજિક વૃત્તિઓમાં મોટું અંતર હોય છે. આવા બે અસમાન ધ્રુવો વચ્ચે એકતાનું અને એકરસતાનું સંયોજન એટલે દામ્પત્ય જીવન. આમાં એકબીજાએ ઘણું બધું જતું કરવું પડે છે. આજનો મુખ્ય પ્રશ્ર્ન લગ્નજીવનને સફળ બનાવવા કરતાય તેને ટકાવી રાખવાનો છે. લગ્નજીવનના મણકાઓ જ્યારે તૂટે છે ત્યારે તેની વિપરિત અસર આખા કુટુંબને થાય છે. સંબંધો સુખદ રીતે તૂટતા નથી. એકબીજા વચ્ચે વૈમનસ્ય અને વ્યથાની લાંબી હારમાળા રચીને તૂટતા હોય છે. લગ્નજીવન તૂટે છે ત્યારે બધું તૂટી જાય છે. ભેગા થવા કરતા અલગ થવાનું વધુ મુશ્કેલ છે. લગ્નજીવન શા માટે તૂટે છે અને એ માટે કોણ જવાબદાર છે? આ પ્રશ્ર્ન સામાજિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે, પરંતુ કેટલાક દેખીતાં કારણોએ આ પવિત્ર સંબંધને તલવારની ધાર પર મૂકી દીધો છે. અત્યારના સમયમાં લગ્નજીવન વધુ સંવેદનશીલ બની ગયું છે. ધીરજ અને સહનશીલતાનો અભાવ છે તથા જતું કરવાની અને નભાવી લેવાની તૈયારી નથી. અર્ધદગ્ધ સમજણ અને અધકચરા શિક્ષણના કારણે પુરુષનો અહમ્ અને સ્ત્રીની જીદ ટકરાયાં કરે છે. કૌટુંબિક અને આર્થિક પરિસ્થિતિના કારણે ઊભી થતી તાણ પણ પતિ-પત્ની વચ્ચે ઘર્ષણનું કારણ બને છે. પરસ્પર સેવા અને સમર્પણની ભાવના લુપ્ત થઈ છે. સમર્પણ ન હોય તો પ્રેમ કેવી રીતે ઉદ્ભવી શકે? પુરુષના મનમાંહંમેશાં માલિકીભાવ હોય છે અને સ્ત્રીના મગજમાં સમાનતાની રાઈ ભરાઈ હોય છે. એટલે સતત તણખા ઝર્યા કરે છે. લગ્નજીવનમાં સુખનો પ્રકાશ ચોમેર પથરાયેલો છે, પરંતુ તેની શોધ સ્વયં કરવી પડે છે, તેને પામવા માટે ઓગળી જવું પડે છે. આમાં જેટલું સમર્પણ એટલી પ્રાપ્તિ, જેટલો ત્યાગ એટલી તૃપ્તિ, જેટલી સમજદારી એટલું સુખ અને જેટલી આત્મિયતા એટલી પ્રસન્નતા. માણસની ખરી પહેચાન એની પત્ની છે. ઘર ચાર દીવાલોથી નહીં પણ સ્ત્રીના સાંનિધ્યથી બને છે અને તે ઘરની ખરી શોભા છે. સ્ત્રી એ પુરુષના સમગ્ર જીવનનો અરીસો છે. માણસને તેની પત્ની સિવાય બીજું કોઈ સાચી રીતે ઓળખી શકતું નથી. સારો પતિ કે સારી પત્ની મળવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આમાં આપણું કાંઈ ચાલતું નથી. ટકોરા મારીને લઈ શકાય એવી આ ચીજ નથી. દરેક માણસના જીવનવિકાસ અને પ્રગતિમાં તેની પત્નીનો અમૂલ્ય ફાળો હોય છે, પણ તેને ભાગ્યે જ યશ મળે છે. પ્રેમ, શ્રદ્ધા અને વિશ્ર્વાસ લગ્નજીવનનો પાયો છે અને તેના પર પ્રસન્ન દામ્પત્યની ઈમારત ઊભી હોય છે. જીવનસાથીની પસંદગીમાં વધારે પડતી અપેક્ષાઓએ પણ અનેક પ્રશ્ર્નો સર્જ્યા છે. યુવાનીનાં સુંદર રંગીન સ્વપ્નો તૂટી જાય છે. સ્વપ્નો કોના સાર્થક થયાં છે? સ્વપ્નો તૂટે છે અને વાસ્તવિક્તા અકબંધ રહે છે, આદર્શ સ્વર્ગ કોઈને સાંપડતું નથી. લગ્નજીવન એટલે યુવાવસ્થામાં પ્રેમ અને પ્રોઢાવસ્થામાં સહારો છે. વૃદ્ધાવસ્થામાં દીકરા-દીકરી પારકાં થઈ જાય ત્યારે જીવનસાથી કિનારો બનીને આવે છે. જીવનસાથીનું મહત્ત્વ પાછલી ઉમ્મરે સમજાય છે. સફળ લગ્નજીવનની ટકાવારી ઘટી રહી છે. મોટેભાગે એકબીજાને નિભાવી રહ્યાં છે. બહારથી બધુ સારું દેખાય છે, પણ અંદર વલોપાત છે. લગ્નજીવનમાં કડવા-મીઠા પ્રસંગો આવ્યા કરે છે. લગ્ન તરફનો અભિગમ આશાવાદી હોય અને ખાટી આંબલીને મીઠા બોરમાં પરિવર્તિત કરવાની કૂનેહ હોય તો એ સુખનો સાગર છે. લગ્નનો અર્થ છે અર્પણ થવું, પ્રેમમાં ઢોળાઈ જવું. પ્રેમ અને શ્રદ્ધાના દીપ અંધારાને ઉલેચીને પ્રકાશ પાથરી શકે છે, કંટકોને દૂર કરીને પુષ્પોની મહેક પ્રસરાવી શકે છે. એ જ જીવનની સફળતા છે અને સાચું સુખ પણ. |
Saturday, March 16, 2013
જીવનચક્ર - મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment