અહંકારની કડીને જરા સ્પર્શ કરો તો માણસ ઘૂમવા લાગે છે |
પ્રશંસાનો અતિરેક એટલે ખુશામત. પોતાનાં વખાણ સાંભળવાં કોને ગમે નહીં? માણસ ફૂલીને ફાળકો થઈ જાય છે, પણ એટલું વિચારતો નથી કે આ માણસ જે કાંઈ કહી રહ્યો છે એવો ખરેખર હું છું કે નહીં? બધું પ્રમાણમાં સારું લાગે. આ અહંકારનું ઈંધણ છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર માણસનો દેખાવ જુદો છે માણસનો વર્તાવ જુદો છે ઉપરથી દેખાય છે સુંદર અંદરથી એ સાવ જુદો છે મીઠી મીઠી વાત કરે છે કિંતુ પાછળ દાવ જુદો છે કોઈપણ દિવસે રુઝાશે નહીં જીવ કરે એ ઘા જુદો છે નક્કી આજે છેતરી લેશે હાવ જુદો છે ભાવ જુદો છે મરતાંને મર નહીં કહું હું હા, મારો સ્વભાવ જુદો છે હસતાં હસતાં જીવી જાઓ જીવન કેરો લ્હાવ જુદો છે જાણીતા શાયર કુતુબ ‘આઝાદ’ની આ રચનામાં જીવનની વાસ્તવિકતાનાં દર્શન થાય છે. માણસ જેવો બહાર દેખાય છે તેવો ઘણી વખત અંદર હોતો નથી. માણસ બહાર સારો સજ્જન દેખાતો હોય તેવોે અંદર છે અથવા બહારનું અને અંદરનું તેનું વલણ સરખું છે એમ કહી શકાય નહીં. માણસ સારી સારી વાતો કરે, તમારા માટે સારું સારું બોલે, વખાણ કરે, પરંતુ અંદરથી તેનો દાવ જુદો પણ હોઈ શકે છે. સ્વાર્થ હોય ત્યારે માણસ વધુ પડતો નમી જાય છે. હાવ જુદા હોય, ભાવ જુદા હોય ત્યારે તેના ઈરાદામાં શંકા ઊભી થયા વગર રહે નહીં. કોઈ આપણા વધારે પડતાં વખાણ કરે ત્યારે ચેતી જવું સારું, કારણ કે આ અહંકારનું ઈંધણ છે. પ્રશંસા અને ખુશામતમાં નાજુક અંતર હોય છે. પ્રશંસા ખુશામતમાં ક્યારે ફેરવાઈ જાય તેનો ખ્યાલ રહેતો નથી. કોઈના પ્રત્યે દિલમાં અહોભાવ ઊભો થાય, કોઈનું કાર્ય આપણને અત્યંત ગમે ત્યારે શબ્દો એની મેળે સરી પડે છે અને તેમાં એક અનોખો ભાવ હોય છે અને કોઈને સારું લગાડવા દેખાવ ખાતર ગોઠવી ગોઠવીને શબ્દો વાપરીએ ત્યારે તે પ્રશંસા રહેતી નથી પણ ખુશામત બની જાય છે. આ ઠાલા શબ્દોમાં ભાવ અને લાગણી દેખાતી નથી. કોઈના માટે સારું બોલવું એ સારી વાત છે પણ આપણા સ્વાર્થ ખાતર કે કોઈ કામ કઢાવી લેવા માટે મસકા લગાવવા એ સારું નથી. પ્રશંસાનો અતિરેક કેટલીક વખત માણસને ખુલ્લો પાડી દે છે તેનો અસલી ચહેરો બહાર આવી જાય છે. બીજાનું સારું જોવું, બીજા માટે સારો ભાવ રાખવો અને સારું કરવું એ માણસનો સદ્_ગુણ છે પણ માણસની હાજરીમાં સારું બોલવું અને પાછળથી તેની નિંદા કરવી એ દુર્ગુણ છે. કેટલાક માણસો મોઢે સારું સારું બોલતા હોય છે અને પાછળ આપણું વાટતા હોય છે. જે માણસ આપણી ખોટી પ્રશંસા કરે એ માણસ વાંકું પડતાં આપણી એટલી જ નિંદા કરશે એની સંભાવના વધુ રહેલી હોય છે. ખુશામત કોને નથી ગમતી? કોઈ આપણા માટે સારા શબ્દો બોલે, ખોટાં વખાણ કરે તો આપણને ગમે જ છે. આપણે તેને અટકાવતા નથી કે ભાઈ તું જે કહે છે એવું મારામાં કશું નથી. કોઈ કહે તમે સારું કામ કરો છો, તમારા જેવા સારા માણસો હવે ક્યાં જોવા મળે છે, તમે છો એટલે આ સંસ્થા ચાલી રહે છે, તમે ન હોત તો આ કામ થયું ન હોત. તમારા જેવા સેવાભાવી માણસ મળવા મુશ્કેલ છે. આવું બધું સાંભળવું આપણને ગમે છે અને આપણને પણ એમ થાય છે કે આપણે પણ કાંઈક છીએ. આવું બધું તો ઘણા વખત પહેલાં કહેવું જોઈતું હતું. ઠીક છે મોડું તો મોડું કાંઈ વાંધો નહીં. લોકોને મારા કામની કદર તો થઈ. ખોટાં વખાણ સાંભળીને આપણે ફૂલીને ફાળકો થઈ જઈએ છીએ. પણ આપણે એ નથી સમજતા કે આ માણસ હવે આટલાં બધાં વખાણ કેમ કરી રહ્યો છે. તે પાછળનું પ્રયોજન શું છે? સમાજ અને રાજકારણમાં આવું બધું ચાલતું હોય છે. માણસો એકબીજાની ખુશામત કરીને લાગ મળે ત્યારે પાછળથી ધક્કો મારીને ખુરશી છીનવી લેતા હોય છે. આ એક પ્રકારનો નશો છે તેમાં ખબર રહેતી નથી કે સાચું શું છે અને ખોટું શું છે. કેટલાક માણસો કોઈ પણ જાતના કારણ વગર વગદાર, શ્રીમંત અને ઊંચે આસને બેસનારાઓને શબ્દોનાં ફૂલો ચડાવ્યા કરતા હોય છે. મળે એટલે તુરંત વરસી પડે છે. પોતાને સારા ગણાવવાની આ એક તરકીબ છે. બધું પ્રમાણમાં સારું લાગે. આમાં વિવેકભાન હોવું જોઈએ નહીંતર માખણિયા તરીકે ઓળખાઈ જઈએ. પણ મનુષ્યનો આ સ્વભાવ છે. કોઈની શ્રીમંતાઈના, કોઈના રૂપનાં કે કોઈનાં જ્ઞાનનાં જરા વખાણ કરો એટલે માણસ ફૂલી જશે અને આવા ફુગ્ગાઓ પાસે કામ કઢાવવાનું આસાન બની જાય છે. ખોટી પ્રશંસા અને ખુશામત અહંકાર અને અભિમાન ઊભું કરે છે અને આ માણસની નબળી કડી છે. ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંત કશા આ અંગે પ્રેરક છે. એક રાજા શિકાર પર નીકળ્યો હતો અને ભટકતો ભટકતો દૂરના એક ગામમાં જઈ ચડ્યો હતો. થાક અને ભૂખ પણ ઘડી લાગી હતી. ગામની ઝૂંપડી જેવી દુકાનમાં તે ગયો અને તેમાં એક વૃદ્ધ માલિકને પૂછ્યું ‘ખાવાનું કાંઈ મળશે?’ દુકાનદારે કહ્યું, ‘અહીં બીજું તો કાંઈ નથી પણ પાંઉ અને ચા મળશે.’ રાજાએ બે પાંઉ અને ચાનો ઓર્ડર કર્યો. વૃદ્ધ દુકાનદાર રાજાને ઓળખી ગયો. શહેરમાં એક ઉત્સવ વખતે તે ગયો હતો ત્યારે રાજાને તેણે હાથીની અંબાડી પર બેઠેલા જોયા હતા. નાસ્તો કરી લીધા પછી રાજાએ પૂછ્યું: નાસ્તાના કેટલા પૈસા થયા? વૃદ્ધે કહ્યું: પાંઉના ૧૦૦ રૂપિયા, આપે બે લીધા એટલે ૨૦૦ રૂપિયા અને ચાના ૧૦૦ રૂપિયા. આમ કુલ ૩૦૦ રૂપિયા આપે આપવાના. રાજા હેરતમાં પડી ગયો. તેણે ઘણી મોંઘીદાટ ચીજો ખરીદી હતી. સ્વાદિષ્ટ વ્યંજનો ચાખ્યાં હતાં, પણ એક પાંઉના ૧૦૦ રૂપિયા કિંમત તો તેણે કદી સાંભળી નહોતી. તેણે પેલા વૃદ્ધ દુકાનદારને પૂછ્યું: કેમ અહીં પાંઉ મળતા નથી? વૃદ્ધે કહ્યું: પાંઉ તો મળે છે પણ આપના જેવા રાજા મળતા નથી. આપના જેવા મહાન રાજા હોય તો કિંમત પણ તેવી હોવી જોઈએને? રાજાએ ૩૦૦ રૂપિયા કાઢીને આપી દીધા અને પોતાના ઘોડા પર સવાર થઈને ચાલ્યો ગયો. વૃદ્ધની પત્નીએ કહ્યું: તમે કમાલ કરી નાખી. ૩૦૦ રૂપિયા ખંખેરી લીધા. વૃદ્ધે કહ્યું: હું માણસની નબળાઈને જાણું છું. તેના અહંકારની કડીને જરા સ્પર્શ કરી લો તો માણસ ઘૂમવા લાગે છે. વૃદ્ધની પત્ની આ બધી વાત બરાબર સમજી નહીં. એટલે તેણે કહ્યું. હું તને મારા જીવનનો એક અનુભવ કહું છું તેનાથી તને આ વાત બરાબર સમજાઈ જશે. જુવાનીમાં હું એક મોટા રાજાની રાજધાનીમાં ગયો હતો અને ત્યાં મેં એક સસ્તી પાઘડી ખરીદી હતી. પાઘડી તો ૧૦૦ રૂપિયાની હતી પણ રંગીન અને ચમકદાર હતી. ચીજ જેટલી વધુ સસ્તી એટલી વધુ ચમકદાર. સાચા હીરા કરતાં નકલી હીરા વધુ ચમકતા હોય છે. સૌ કોઈની નજર મારી પાઘડી પર જતી હતી. રાજાની પરવાનગી લઈને હું રાજ દરબારમાં પહોંચ્યો ત્યારે રાજાની નજર મારી ચમકતી પાઘડી પર પડી. રાજાએ મજાકમાં કહ્યું, કેમ કેટલામાં ખરીદી? પાઘડી બહુ રંગીલી અને સુંદર છે. મેં રાજાને કહ્યું; પૂછો છો એટલે કહું છું. આ પાઘડી માટે મેં પૂરા ૫૦૦૦ રૂપિયા ખર્ચ્યા છે. રાજાને કિંમત સાંભળીને આશ્ર્ચર્ય થયું. વજીરે સિંહાસન પર ઝૂકીને રાજાના કાનમાં કહ્યું: સાવધાન, આ માણસ તરકટી લાગે છે. ૫૦ થી ૧૦૦ રૂપિયાની પાઘડીના ૫૦૦૦ રૂપિયા કહે છે. બેઈમાન છે. લૂંટવાનો તેનો ઈરાદો લાગે છે. વજીરે રાજાના કાનમાં શું કહ્યું હશે તે હું સમજી ગયો. મેં કહ્યું: તો હું રજા લઉં. મારા ગુરુએ કહ્યું છે કે આ પાઘડી નસીબવંતી છે અને આ પૃથ્વી પર એક એવો પ્રભાવી રાજા છે જે તને આ પાઘડીના રૂપિયા ૫૦૦૦૦ આપશે અને તેની કીર્તિ ચોમેર પ્રસરશે. હું તે રાજાની ખોજમાં છું. હું આપના રાજદરબારના દ્વારે આવ્યો અને આપનો વૈભવ જોયો ત્યારે મને લાગ્યું કે આ પ્રભાવી રાજા તમે જ છો, પણ મારી કાંઈક ભૂલ થતી લાગે છે. આ સાંભળીને રાજાના અહંકારને ચોટ લાગી. તેણે ઊભા થઈને તલવારની મૂઠ પર હાથ મૂકીને ઊંચા સાદે કહ્યું: આ જગતમાં મારી બરોબરી કરે એવો રાજા કોણ છે? પાઘડી અહીં રાખી દો અને ૫૦૦૦૦ રૂપિયા લઈ લો. હું ૫૦૦૦૦ રૂપિયા લઈને બહાર આવ્યો ત્યારે વજીર મારી પાછળ દરવાજા પાસે આવ્યા અને કહ્યું: લૂંટવામાં બહુ કુશળ છો, પરંતુ અહીં તમે જાદુ કરી નાખ્યો. વાત શું છે? મેં કહ્યું: વજીરસાહેબ, આપને પાઘડીઓના ભાવની ખબર છે અને મને માણસની નબળાઈની ખબર છે. આ નબળાઈ છે માણસનો અહંકાર. ધન અને સત્તાનો અહંકાર માણસને ઉદ્ધત અને તુમાખી બનાવે છે. ધનને જીરવતાં આવડવું જોઈએ. ઘન અને સત્તા સાથે નમ્રતા આવે તો એ લાંબા સમય સુધી ટકે છે અને તેની શોભા વધે છે. ધન આજે છે, કાલે ન પણ હોય. ધન, સત્તા અને સંપત્તિ હોય ત્યાં સુધી આ બધી વાહ વાહ હોય છે. તે ગયા પછી કોઈ ભાવ પૂછતું નથી. ખુરશીને બધા સલામ કરે છે. આ બધું હોય ત્યાં સુધી લોકો ટોળે વળે છે પછી મિત્રો પણ દૂર ભાગે છે. સ્વાર્થના પાયા પર આ બધા સંબંધો રચાયેલા છે. ધન ન હોય ત્યારે લોકોનું વલણ સમૂળગું બદલાઈ જાય છે. માણસો તો એના એ જ હોય છે, પણ સમય બદલાઈ જાય છે. ક્રોધ, લોભ અને અહંકાર માણસને બહેકાવી નાખે છે. સંત કબીરે જેમ કહ્યું છે તેમ ‘કોટિ કરમ લાગી રહે, એક ક્રોધ કી લાર, કિયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર.’ પોતાની જૂઠી માનમર્યાદા જાળવી રાખવા માણસ બધું કરી છૂટે છે. પોતાનું ક્યાંય ઊતરતું લાગવું જોઈએ નહીં. આ માટે ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે, ગમે તેટલો દંભ અને દેખાવ કરવો પડે. અહંકારનો આ ફુગ્ગોે જેટલો ફુલાવો એટલો ફૂલે છે, પણ એને ફૂટી જતાં વાર લાગતી નથી. |
Tuesday, October 8, 2013
અહંકાર- મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment