પ્રેમ બધાને સમાવી લે છે: મન મોટું હોય તો ગરીબની ઝૂંપડી પણ મહેલ |
એક
વખત હતો જયારે નાની એવી ઓરડીમાં મા પોતાનાં પાંચ-છ સંતાનોને સમાવી લેતી
હતી. આજે આલીશાન ફ્લેટો છે, પણ મા સમાતી નથી. મોટાં ઘરોમાં મા-બાપ,
ભાઈ-બહેનો આડાં આવે છે. જગ્યા તો ઘણી છે, પણ પ્રેમ ક્યાં છે? પ્રેમ હોય
ત્યાં જગ્યા સાંકડી પડે નહીં જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર એક ફકીરની નાનકડી ઝૂંપડી હતી. બહાર જોરદાર વરસાદ વરસતો હતો. રાતનો સમય હતો. ફકીર અને તેની પત્ની સૂવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યાં બહારથી કોઈએ બારણું ખખડાવ્યું. તેણે પત્નીને કહ્યું: ‘બહાર કોઈ આવ્યું લાગે છે. કદાચ કોઈને આશ્રયની જરૂર હશે. કોઈ યાત્રી બારણે આવ્યો લાગે છે. દ્વાર ખોલો.’ પત્નીએ કહ્યું, ‘ઝૂંપડીમાં તો આપણે બે માંડ સૂઈ શકીએ એટલી જગ્યા છે. ત્રીજી વ્યક્તિને આમાં ક્યાં સુવડાવીશું?’ ફકીરે કહ્યું; ‘ગાંડી, આ કોઈ થોડો અમીરનો મહેલ છે તે નાનો પડે. આ તો ગરીબની ઝૂંપડી છે તે કદી નાની પડે નહીં અને દિલ જો સાંકડું હોય તો રાજાનો મહેલ પણ ઝૂંપડી જેવો બની જાય. દ્વાર ખોલો. આંગણે આવેલા મહેમાનને કાંઈ પાછો થોડો કઢાય. આપણે બે આરામથી સૂઈ શકત હવે આપણે ત્રણે જણ આરામથી બેસીશું. આ માટે તો પૂરતી જગ્યા છે.’ લાચાર થઈને પત્નીએ બારણું ખોલ્યું. પાણીથી ભીંજાયેલો આગંતુક અંદર આવ્યો. તેને શરીર લૂછવા કપડું આપ્યું અને ત્રણે જણ બેસીને વાતો કરવા લાગ્યા. ફકીરને આ અપરિચિત પણ મિત્ર જેવો લાગ્યો. થોડી વાર થઈ ત્યાં બારણે પાછા ટકોરા પડ્યા. બીજા બે આગંતુકો આવી પહોંચ્યા. ફકીરે બારણા પાસે બેઠેલા હમણાં જ આવેલા મિત્રને કહ્યું બારણું ખોલો. તેણે ખચકાટ અનુભવ્યો અને કહ્યું હવે અહીં જગ્યા ક્યાં છે? ફકીરે કહ્યું પ્રેમ હોય ત્યાં જગ્યા એની મેળે થઈ જાય છે. આપણે આરામથી મોકળાશથી બેઠા હતા. હવે સંકડાશથી એકબીજાની અડોઅડ બેસીશું. આ માટે પૂરતી જગ્યા છે અને ઠંડીમાં એકબીજાની હૂંફ રહેશે. બારણું ખોલવું પડ્યું. નવા બે આગંતુકો આવ્યા અને બધા સાંકડમોકડ ભીંસાઈને બેસી ગયા અને વાતોએ વળગ્યા. બહાર વરસાદનું જોર વધી રહ્યું હતું. પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એટલામાં એક ગધેડાએ બારણા સાથે માથું અફળાવ્યું. મૂંગું પ્રાણી વરસાદમાં ધ્રૂજતું હતું અને આશ્રય માટે ઝંખતું હતું. ફકીરે બારણાને ટેકો દઈને બેઠેલા છેલ્લે આવેલા બે આગંતુકોને કહ્યું કોઈ નવો મિત્ર આવ્યો લાગે છે. જરા જુઓ તો કોણ છે. આ બે માણસોએ બારણાની તિરાડમાંથી જોઈને કહ્યું કે ચિંતાની કોઈ જરૂર નથી. આ કોઈ મિત્ર નથી. આ તો ગધેડો બહાર ઊભેલો છે. તેને માટે બારણું ખોલવાની જરૂર નથી. ફકીરે કહ્યું, ભાઈ, આ તો ગરીબની ઝૂંપડી છે. અમીરોના દરવાજે ભલે માણસ સાથે ગધેડા જેવો વર્તાવ થતો હોય પણ રંકની ઝૂંપડીમાં તો ગધેડા સાથે પણ માણસ જેવો વ્યવહાર થવો જોઈએ. બારણું ખોલી નાખો. આ બિચારું મૂંગું પ્રાણી ક્યાં જશે? પેલા બે જણે કહ્યું: તમારી વાત બરાબર છે પણ અંદર જગ્યા હોવી જોઈએને? અહીં તો બેસવાની પણ જગ્યા નથી. અંદર ગધેડાને કેવી રીતે લઈશું? ફકીરે કહ્યું, જગ્યા તો અહીં ઘણી છે. આપણે સાંકડમાકડ બેઠા હતા હવે ગધેડાની આસપાસ સાંકડ-માકડ ઊભા રહીશું. આ માટે કશો વાંધો નહીં આવે અને જરૂર પડશે તો હું બહાર નીકળી જઈશ. અમને તો આવી આદત પડી ગઈ છે. ઓશોએ ટાંકેલી આ દૃષ્ટાંત કથાનો મર્મ છે પ્રેમ હોય ત્યાં જગ્યા સાંકડી પડતી નથી. પ્રેમ ન હોય તો ગમે તેટલી મોટી જગ્યા હોય તો પણ ઓછી પડે છે. પ્રેમ બધાને સમાવી લે છે. હૃદય જ્યારે પ્રેમપૂર્ણ બને છે ત્યારે સંકડાશ રહેતી નથી. એક નાની એવી રૂમમાં મા-બાપ પોતાનાં પાંચ-છ સંતાનોને સમાવી લેતાં હતાં. આજે મોટી મોટી જગ્યાઓ છે પણ મા-બાપ તેમાં સમાતાં નથી. નાના ઘરમાં આખો પરિવાર સમાઈ જતો હતો અને મહેમાનો પણ આવતા-જતા રહેતા છતાં કશી અડચણ પડતી નહોતી. હવે સૌ એકબીજાને આડા આવે છે. જગ્યા તો ઘણી છે પણ પ્રેમ ક્યાં છે? પ્રેમ ન હોય તો મોટા મહેલો પણ સાંકડા પડે. પ્રેમ, લાગણી, સંવેદના એ જીવનમાં પરમ તત્ત્વો છે. પ્રેમ એ માણસનો સ્વભાવ છે. પણ સ્વાર્થ, લોભ અને લાલચના કારણે પ્રેમના અંકુરો ફૂટતા નથી. પ્રેમ બહાર પ્રગટ થતો નથી. દરેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સંતોષ માને છે. અહંકાર અને માન-અભિમાનના કારણે પ્રેમનાં પુષ્પો ખીલતાં નથી. જીવન આજે દુ:ખી અને તાણગ્રસ્ત બની ગયું છે તેનું કારણ પરસ્પર પ્રેમનો અભાવ છે. સ્વાર્થ અને લોભ વહાલાને પણ વેરી બનાવે છે. વેરઝેર અને દુશ્મનાવટ છે. એકબીજાનું સારું દેખાતું નથી. ઈર્ષ્યા અને અદેખાઈ વધી છે. આ બધાના મૂળમાં જે કાંઈ મળ્યું છે તેમાં સંતોષ નથી. પ્રેમ અને સંવેદના ન હોય તો માણસ કઠોર અને લાગણીશૂન્ય બની જાય. માણસની હિંસકવૃત્તિનું કારણ પ્રેમનો અભાવ છે. જેના દિલમાં પ્રેમ હોય, સ્નેહ હોય, સમભાવ હોય એ ક્રૂર કેવી રીતે બની શકે? આજની જીવનશૈલી અને એશ-આરામમાં પ્રેમનું ફલક વિસ્તૃત બનવાને બદલે સંકોચાઈ રહ્યું છે. બધાને સુખ જોઈએ છે પછી ભલે તે બીજાના ભોગે પણ મળતું હોય તો વાંધો નથી. પ્રેમનાં અનેક સ્વરૂપ છે. તે વિવિધ રીતે વહે છે. મા-બાપ, ભાઈ-બહેન, પરિવાર, મિત્રો, સ્નેહીઓ આમ પ્રેમનો વ્યાપ વધતો રહેવો જોઈએ તેને બદલે સંકુચિત થતો જાય છે. આપણે ઘરના લોકો સિવાય કોઈને સાચા અર્થમાં પ્રેમ કરતા નથી. ઘરનો પ્રેમ પણ સીમિત બની રહ્યો છે. મા-બાપ, ભાઈ-બહેન હવે તેમાંથી બાકાત થતાં જાય છે. પ્રેમના પરિઘમાં હવે પતિ-પત્ની અને બાળકો રહ્યાં છે. કુટુંબની સાથે પ્રેમ પણ વિભાજિત બની રહ્યો છે. પ્રેમ, સુખ બધાને જોઈએ છે પણ તે દેખાતું નથી. લોકો વાતવાતમાં કહેતા હોય છે. આપણને તેના પ્રત્યે સ્નેહ છે પણ તેને કશી પડી નથી. મેં તેને સુખી કરવાનો પ્રયાસ કર્યો પણ તેને કદર નથી. આ પ્રેમ અને સુખ બીજા સુધી કેમ પહોંચતું નથી? અને પહોંચે પણ ક્યાંથી આપણી પોતાની પાસે સુખ અને પ્રેમ હોય તો બીજાને આપી શકીએને? આપણી પાસે જે નથી તે બીજાને આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રથમ આપણે સુખમય અને પ્રેમપૂર્ણ બનવું જોઈએ. આમ થશે તો સુખ અને પ્રેમ એનીમેળે વહેતાં થશે. આ માટે કશો પ્રયાસ નહીં કરવો પડે. મહાવીર ભગવાને તો પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમની વાત કરી છે. તમામ જીવો પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાની ભાવના વ્યક્ત કરવાનું કહ્યું છે. દરેક જીવ સુખ ઈચ્છે છે. આપણા સુખ ખાતર બીજાનું સુખ છીનવાઈ જવું જોઈએ નહીં. પ્રેમ એ માત્ર વહેવાર, ફરજ અને કર્તવ્ય નથી, એ સ્નેહની અભિવ્યક્તિ છે. તેમાં જીવનનો આનંદ છે. પ્રેમ એ જીવનનું ટોનિક છે. એ ન હોય તો જિંદગી બોજ બની જાય. પ્રેમ અને સ્નેહના તાંતણે તો જિંદગી ટકી રહી છે. કોઈ માણસ એવો નહીં હોય તેણે કદી કોઈને પ્રેમ કર્યો ન હોય. પ્રેમનાં ઝરણાંઓ તો વહેતાં રહે છે, પણ આપણે તેને માર્ગ આપતા નથી. પ્રેમ અને સંવેદના એ સૌથી કીમતી ચીજ છે. તેને સાચવીને રાખવાની જરૂર છે. જીવનની સમૃદ્ધિ અને સધ્ધરતા આમાં રહેલી છે. માણસ ગમે તેટલો ધનવાન અને શક્તિશાળી હોય પણ પ્રેમ ન હોય તો તે કંગાળ અને નિર્ધન છે. પશ્ચિમમાં આજે સમૃદ્ધિ છે, પણ પ્રેમ ખોવાઈ ગયો છે. કુટુંબ જીવન વેરણછેરણ બની ગયું છે. સાચા પ્રેમ માટે લોકો ઝૂરી રહ્યા છે. સંવેદના અને લાગણી જેવું કશું રહ્યું નથી. માણસ વૃદ્ધ બને છે, એકલવાયું જીવન જીવે છે ત્યારે તેને પ્રેમની કિંમત સમજાય છે. ભારતીય સંસ્કૃતિએ અત્યાર સુધી પ્રેમ અને સ્નેહના તંગ દોર પર કુટુંબોને ટકાવી રાખ્યાં હતાં હવે તેને પશ્ર્ચિમની સંસ્કૃતિનો લૂણો લાગ્યો છે. લોકોને બેફામ રીતે જીવવું છે અને પરિવારો તૂટી રહ્યાં છે. માણસના જીવનમાં પ્રેમનો તલસાટ, જ્ઞાનની ખોજ, જિજ્ઞાસા અને માનવજાતની યાતના માટે અનુકંપા આવશ્યક છે. જીવન એકબીજા સાથે સંકળાયેલું છે. આ પ્રકારની લાગણી અને ભાવ આપણને ખરા અર્થમાં માણસ બનાવે છે. આપણે વિના કારણે, વિના સ્વાર્થે કોઈના પ્રત્યે ચાહના રાખીએ તેનું નામ સાચો પ્રેમ. પ્રેમ એ પરમાત્મા સુધી પહોંચવાનું દ્વાર છે. એક સંત એક ગામમાં રોકાયા હતા. એક માણસે આવીને કહ્યું: મારે પરમાત્માને પ્રાપ્ત કરવા છે, કોઈ રસ્તો બતાવો જેથી હું તેમના સુધી પહોંચી શકું. સંતે કહ્યું: તેેં કોઈને પ્રેમ કર્યો છે. પેલા માણસે કહ્યું: હું આવી કોઈ ખટપટમાં પડ્યો નથી. સંન્યાસીએ ફરીથી પૂછ્યું: તેં કદી કોઈને પ્રેમ કર્યો નથી? પેલા માણસે કહ્યું: સાચું કહું છું. બિલકુલ નહીં. આ માણસને થયું કે હું પ્રેમની વાત કરીશ તો સંત મોઢું ફેરવી લેશે અને મને રાહ નહીં બતાવે. એટલે તે જુઠું બોલતો રહ્યો. સંતે ત્રીજી વાર પૂછ્યું: તું કહે છે તે બિલકુલ સત્ય છે? તે થોડો ઘણો પ્રેમ કોઈને કર્યો નથી. પેલા માણસે કહ્યું: તમે મને એકની એક વાત પૂછો નહીં. પ્રેમ કરવાની વાત તો એક બાજુ રહી. મેં કદી સ્વપ્નમાં પણ આવું વિચાર્યું નથી. સંતે કહ્યું: ભાઈ, તું મને માફ કર. હું તને પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો બતાવી શકું તેમ નથી. તેં થોડો ઘણો પણ કોઈને પ્રેમ કર્યો હોત તો તેને વિસ્તારીને હું પરમાત્મા સુધી પહોંચી શકત, પરંતુ તારી પાસે તો બીજ જ નથી તો વૃક્ષ કેવી રીતે બની શકે? જીવનમાં પ્રેમ હશે તો અહમ્, ઈર્ષ્યા, અદેખાઈ જેવું કશું રહેશે નહીં. હું ના સ્થાને તું આવી જશે. આ મારું અને આ તારું એવો ભાવ રહેશે નહીં. પ્રેમ અદભૂત શક્તિ છે. પ્રેમની એક ખૂબી છે. આપ્યા વગર મળતો નથી. આમાં તમે જેટલું આપો તેના કરતાં અધિક મેળવી શકો છો. પ્રેમ નહીં રહે તો જીવનમાં કશું રહેશે નહીં. પ્રેમના અભાવે ઘણા માણસો સમય કરતાં વહેલા મરતા હોય છે. જીવનનું આ અમૃત છે. |
Tuesday, October 1, 2013
પ્રેમ બધાને સમાવી લે છે- મહેન્દ્ર પુનાતર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment