Tuesday, October 29, 2013

પરિગ્રહ- મહેન્દ્ર પુનાતર

મોહ આંખમાં, ક્રોધ ચહેરા પર, પણ લોભને બહારથી ઓળખવો મુશ્કેલ
આપણી પાસે કેટલી વસ્તુ છે તેના કરતાં આપણે તેનાથી કેટલા બંધાયેલા છીએ તેના પર પરિગ્રહનો આધાર છે. વસ્તુઓ આપણા કરતાં મૂલ્યવાન બની જાય તો બેહોશી. જેનો ઉપયોગ થવાનો ન હોય તે વસ્તુ સોનાની હોય કે પથ્થરની, શું ફરક પડે છે? દાન અને ધર્મમાં શું મળશે એવી ગણતરી કરીને ચાલે છે તે વેપારી છે. જે આપી શકે છે તે મનનો રાજા, બાકી સૌ કંગાળ
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

પરિગ્રહ એ અંદરના લોભની ઝલક છે. તમારી પાસે કેટલી વસ્તુ છે તેના કરતાં તમે તેનાથી કેટલા બંધાયેલા છો તેના પર પરિગ્રહનો આધાર છે. માત્ર વસ્તુઓ રાખવાથી કોઇ સંસારી બની જતું નથી અને માત્ર વસ્તુઓના ત્યાગથી કોઈ સાધુ બની જતું નથી. આ આંતરિક ઘટના છે. વસ્તુઓ પ્રત્યેની કેટલી મૂર્ચ્છા છે, કેટલો લગાવ છે, તેનું કેટલું બંધન છે, તેમાં કેટલો જીવ ચોંટી ગયો છે તેના પરથી સાધુ અને સંસારીનું માપ નીકળે છે. બધી વસ્તુઓનો ત્યાગ કર્યો હોય, પરંતુ મન તેમાં ભટકતું હોય, રસ લેતું હોય તો એ સાચો ત્યાગ નથી. માત્ર ધન, પદ અને પ્રતિષ્ઠાથી આપણે બંધાયેલા છીએ એવું નથી. નાની એવી નકામી ચીજ પણ આપણને બાંધી શકે છે. જે વસ્તુ પ્રત્યે મોહ ઊભો થાય અને તે હાથમાંથી છટકી જાય તો દુ:ખ થયા વગર રહેતું નથી. વસ્તુનું કોઇ મૂલ્ય નથી, પરંતુ આપણે તેમાં આપણો જીવ લગાવી દેતા હોઇએ છીએ એટલે નકામી ચીજ પણ આપણા આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. જેના પ્રત્યે મોહ ઊભો થયો તે હાથમાંથી છટકી જાય ત્યારે પારાવાર દુ:ખ થાય છે. જેમાં જીવ લગાવી દીધો છે એવી નકામી ચીજ પણ ગુમ થઇ જાય તો આપણને એમ લાગે છે કે આત્મા ખોવાઈ ગયો. ભલે પછી એ ચીજ કોડીની હોય પણ આપણી ઊંઘ હરામ કરી નાખે છે. કેટલાક માણસો અમુક ચોક્કસ ચીજો માટે ટેવાયેલા હોય છે તે વસ્તુઓ આમથી તેમ થાય, જલદીથી મળે નહીં ત્યારે પરેશાન થઈ જાય છે. એની અવેજીમાં બીજી કોઈ વસ્તુ ચાલે નહીં. માણસનું આ એક મોટું બંધન છે. મોહમાં અંધ બનીને પ્રેમીઓ પાગલ થઇ જાય છે. કોઇએ દગો દીધો, કોઈ બીજાને પ્રેમ કરે અથવા મળવાનો ઈનકાર કરે ત્યારે માણસની હાલત આવી બને છે. કેટલીક વખત આપણને એમ થાય કે આમાં મોહ પામવા જેવું છે શું? પણ આપણે તેની નજરથી જોવું પડે. મોહ થયો એટલે એ વસ્તુ છોડવી ગમશે નહીં. કોઈ પણ ચીજ કેવી છે તેનું મૂલ્ય શું છે એ મહત્ત્વનું નથી, પરંતુ તેમા મન લાગી જાય ત્યારે તે વસ્તુ મહત્ત્વની બની જાય છે. આ અંગે આપણી હાલત બાળક જેવી છે. બાળકનું નાનું એવું રમકડું તૂટી જાય અને તે રડી પડે છે એમ આપણે પણ મનગમતી કોઇ ચીજ આમથી તેમ થાય તો વિહવળ બની જઇએ છીએ. કોઇ પણ ચીજ આપણી પાસે હોય છે ત્યારે એટલી સુખદ હોતી નથી પણ ગુમ થઇ જાય ત્યારે ચેન પડતું નથી. ધન, પદ અને પ્રતિષ્ઠા જેની પાછળ માણસ આંખો બંધ કરીને દોડી રહ્યો છે તે બાબત પણ ખોવાનો વારો આવે ત્યારે માણસને એમ લાગે છે કે સર્વસ્વ લૂંટાઈ ગયું. જે વસ્તુથી આપણે જેટલા બંધાયેલા હોઇએ તેટલું તે વસ્તુ જવાથી દુ:ખ થવાનું છે.

માણસ ધનનો, સંપત્તિનો સંગ્રહ કરતો રહે છે. બધું એકઠું થતું રહે છે પણ તેનો ઉપયોગ હોતો નથી. મોટા ભાગના માણસો જીવનમાં જેટલું કમાય છે, જેટલું ધન એકઠું કરે છે તેટલું વાપરી શકતા નથી. મોટા ભાગનું ધન અહીં ને અહીં રહી જાય છે અને માણસ ચાલ્યો જાય છે. માણસ ભય અને અસલામતીમાં જીવી રહ્યો છે એટલે તેને એમ લાગે છે કે, આ સુરક્ષા કવચ છે. તિજોરીમાં સોનાની ઈંટ પડી હોય તો તેનાથી કોઇ વધારાનું સુખ મળી જતું નથી. આટલું હોવા થતાં તે આનંદથી ઝૂમી ઊઠતો નથી, કારણ કે આટલાથી સંતોષ નથી. બીજી થોડી વધારે સોનાની ઈંટો ભેગી કરવાની છે. આનો કોઇ ઉપયોગ નથી. તે તિજોરીમાં પડી છે, પરંતુ આ સોનાની ઈંટ જો ચોરાઈ ગઈ તો માણસ છાતી કૂટી કૂટીને રોવા લાગે છે. તિજોરીમાં રહેલી આ ઈંટ સોનાની હોય કે પથ્થરની શું ફરક પડે છે. જિંદગીભર વજન જ ઊંચકી રાખવાનું હોય તો વજન સોનાનું હોય કે પથ્થરનું હોય બધું સરખું છે.

મહાવીરે કહ્યું છે કે વસ્તુઓ આપણાથી મૂલ્યવાન બની જાય તો તે મૂર્ચ્છા છે. રસ્કિને કહ્યું છે કે શ્રીમંત માણસ એ છે જે દાન કરી શકે છે. બીજાને આપી શકે છે. આનો અર્થ એ કે જેટલું આપણે છોડી શકીએ તેટલા આપણે શ્રીમંત. ધનના ઢગલા પડ્યા હોય પણ છૂટી ન શકે તો એ ખરા અર્થમાં શ્રીમંત નથી, પણ પોતાની પાસે ઓછું હોવા છતાં બીજાને તેમાંથી કાંઇક આપી શકે છે તે મનનો રાજા છે. પકડ એ ગરીબનું અને છોડવું એ માલકિયતનું લક્ષણ છે.

કેટલાક માણસો મનેકમને છોડતા હોય છે, દાન કરતા હોય છે પણ સાથે ગણતરી પણ રાખતા હોય છે કે મેં આટલું દાન કર્યું, આટલા પૈસા ધર્મ માટે વાપર્યા. આટલી સખાવત કરી. આવો ઢંઢેરો તેઓ પીટતા રહે છે. જે દાન યાદ રહે, જેની ગણતરી  કરાય એ સાચું દાન નથી. સાચો ત્યાગ નથી. એક બાજુ માણસ છોડે છે અને બીજી બાજુ પકડી રાખે છે. દાનમાંથી કેટલી નામના મળી, કેટલી પ્રસિદ્ધિ મળી તેનો વિચાર કરીને ગણતરીપૂર્વક જે ચાલી રહ્યો છે તે દાનવીર નહીં પણે વેપારી છે.

તૃષ્ણા અને લોભ ન કરવાનાં કામો કરાવે છે. લોભને થોભ હોતો નથી. બધું ઓછું લાગે છે. બધું મળી જાય તો પણ મન ભરાશે નહીં. લોભ છે ત્યાં અતૃપ્તિ , અવિશ્ર્વાસ અને શંકા છે. લોભી માણસોની દૃષ્ટિ લાભ તરફ હોય છે. તેમને કદી સંતોષ થતો નથી. તેમની આશા વણછીપી રહે છે. આજે નથી મળ્યું તે આવતી કાલે મળશે એવી લાલસા પાછળ તો દોડતો રહે છે. જીવનમાં ક્રોધને જીતવો સરળ છે. માણસ ચાહે તો કામ પર પણ વિજય મેળવી શકે છે, પરંતુ લોભ અને તૃષ્ણા પર વિજય મેળવવાનું એટલું આસાન નથી.

લોભનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે. પૈસેટકે માણસ લોભી હોય એ કળાઈ આવે છે, પરંતુ મનનો જે લોભ હોય છે એ કળાતો નથી. મોહ માણસની આંખમાં દેખાય, ક્રોધ ચહેરા પર જણાઈ આવે, પરંતુ લોભ જોઈ શકાતો નથી. તે છૂપા રુસ્તમ જેવો છે. લોભી માણસને ખુદને ખબર પડતી નથી કે પોતે લોભી છે. તે પોતાની જાતને ઉદાર સમજતો હોય છે. આવા માણસો લોકોનું દુ:ખ જોઈને જરા દ્રવી ઊઠે છે, પણ ખિસ્સામાં હાથ જતો નથી. કોઈનો હાથ લાંબો થાય, આપવાની ઈચ્છા જાગે પણ મન તેના માટે તૈયાર હોતું નથી. આવા માણસો પોતાના માટે ઉદાર બની શકતા નથી તો બીજાના માટે કેવી રીતે ઉદાર બની શકે? પ્રેમ, દયા, કરુણા, પહેલાં આપણા પોતાનામાં વહાવીએ. આ બધું આપણી પાસે હશે તો બીજા સુધી પહોંચશે.

માણસને જરૂરત કરતાં વધારે મળે ત્યારે તે ચિંતાનો બોજ બની જાય છે. જેટલું નિજાનંદ માટે વાપરી શકીએ, જેટલું સારા માર્ગે જાય અને જેનાથી સત્કાર્યો થાય તેટલું ધન આપણુ છે, બાકી બોજ છે. તે થેલામાં હોય કે ન હોય કશો ફરક પડતો નથી. આ અંગે ઓશોની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે.

બે ફકીર એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતાં. વૃદ્ધ ગુરુ અને યુવાન શિષ્ય. યુવાન શિષ્યને આજે ખૂબ નવાઈ લાગતી હતી. તેણે ગુરુનું આવું વર્તન કદી જોયું નહોતું. ગુરુ વારંવાર પોતાના થેલામાં હાથ નાંખીને કાંઈક તપાસી લેતા હતાં. થોડી થોડી વારે થેલામાં જોઈ લેતા હતાં. તેમનો જીવ થેલામાં હતો.

શિષ્ય વિચારતો હતો કે થેલામાં એવું શું છે જે ગુરુને ચલિત કરી રહ્યું છે. ગુરુને આવા ચિંતિત તો કદી જોયા નથી. મામલો શું છે?

સાંજ પડવા લાગી. સૂર્ય ડૂબવા લાગ્યો. તેઓ એક કૂવા પર હાથ-મોઢું ધોવા, થોડો વિશ્રામ અને નાસ્તો કરવા રોકાયા. ગુરુ હાથમોઢું ધોવા માટે પાણી કાઢવા ગયા અને થેલો શિષ્યને આપ્યો અને કહ્યું જરા સંભાળીને રાખજે. આપણે જલ્દી નાસ્તો પતાવીને આગળ વધીએ. આ પ્રમાણે ગુરુએ કદી કહ્યું નહોતું. થેલાની ચિંતા પણ તેમણે ક્યારેય કરી નથી. થેલો એમ ને એમ રખડતો મૂકી દેતા હતા. આજે થેલા પ્રત્યે આટલા લગાવનું કારણ શું? શિષ્યની ઉત્સુકતા વધી. ગુરુ જ્યારે પાણી ભરી રહ્યા હતા ત્યારે શિષ્યે થેલામાં ડોકિયું કરી લીધું. થેલામાં સોનાની ઈંટ હતી. બધું રહસ્ય ઉઘાડું પડી ગયું. ગુરુને આ ઈંટ પરેશાન કરી રહી હતી. તેણે આ ઈંટને બહાર કાઢીને બાજુની ઝાડીમાં નાખી દીધી અને તેટલા વજનનો અને આકારનો એક પથ્થર પહેલાંની જેમ કપડામાં વીંટીને મૂકી દીધો.

ગુરુએ આવીને જલદીથી હાથ-મોઢું ધોયાં, નાસ્તો કર્યો અને વચ્ચે વચ્ચે થેલા પર નજર કરતા રહ્યાં.જેવું ભોજન પૂરું થયું કે જવા માટે નીકળ્યા અને ગુરુએ થેલો પોતાના હાથમાં લઈ લીધો અને બહારથી હાથ ફેરવી લીધો કે અંદર બધું સલામત છેને? પછી આગળ ચાલતા રહ્યા પણ ગુરુનો અજંપો ઓછો થતો નહોતો. ગુરુ વારંવાર કહેવા લાગ્યા રાત થવા આવી છે, દૂર કયાંય ગામમાં દીવો પણ ટમટમતો દેખાતો નથી. જંગલ છે. ચોર-લૂંટારાઓ આવી ચડે. ગમે તે દુર્ઘટના થઇ શકે છે. આપણે સલામત સ્થળે પહોંચી જવું જોઇએ. ગુરુ આમ બોલ્યા ત્યારે શિષ્ય હસી પડ્યો. ગુરુએ કહ્યું, ‘તું હસે છે શા માટે? અંધારી રાત છે અને મને ચિંતા થઈ રહી છે.’

શિષ્યે કહ્યું, ‘તમે નાહકની ચિંતા કરી રહ્યા છો. હવે ચિંતાનું કોઈ કારણ નથી. તમે નિશ્ર્ચિંત બની જાવ. રાત હવે અંધારી રહી નથી, કારણ કે તમારી ચિંતાને હું કૂવા પાસે ઝાડીમાં ફેંકીને આવ્યો છું.’

આ સાંભળને ગુરુએ ગભરાઇને થેલામાં હાથ નાખ્યો અને વીટેલું કપડું કાઢીને જોયું તો પથ્થર હતો. સોનાની ઈંટ ગાયબ હતી. એક ક્ષણ માટે આઘાત લાગ્યો. જાણે છાતી ધબકતી અટકી ગઈ, શ્ર્વાસ બંધ થઇ ગયો, પણ પછી બોધ થયો અને પોતાની ભૂલ સમજાઈ.

આપણે પણ જીવનમાં કેટલો વ્યર્થ બોજો ઊંચકીને ચાલી રહ્યા છીએ. આપણા થેલામાં પણ સોનું નથી, કથીર છે, એ બોધ થતો નથી. આંતરચક્ષુ ખૂલતાં નથી.

No comments:

Post a Comment