સમ્યફ દર્શનનાં આઠ સૂત્રોમાં જીવન જીવવાની કલા |
જીવન સાથે જોડાયેલી મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન છે. જાણવું સહેલું છે પણ સમજવું મુશ્કેલ. અભય, નિ:શંકા, સ્થિરતા, નિષ્કામભાવ, ગુણાનુરાગ, તરલ દૃષ્ટિ, પ્રેમ-વાત્સલ્ય અને પ્રભાવના દ્વારા મૂળભૂત સત્યને જાણી શકાય છે. જીવન પરિવર્તનનો આ સરળ માર્ગ છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર સમ્યકત્વ એટલે આત્માનો ગુણ, સમ્યફ દર્શન એટલે સત્યનું દર્શન, સમ્યક્ત્વ એટલે નહીં વધુ નહીં ઓછું. એટલે કે યથાયોગ્ય, સમ્યક્ત્વ એટલે વિવેક દૃષ્ટિ. જેમ બીજ વિના અંકુર ફૂટે નહીં તેમ સમ્યક્ત્વ વગર ગમે તેટલી ક્રિયાઓ કરવામાં આવે, પરંતુ તેનું પરિણામ આવતું નથી. સમ્યક્માં સ્થિરતા અને સંતુલન છે. જે આપણને જીવનના સાચા માર્ગ તરફ લઈ જાય છે. સમ્યફ દર્શનનાં આઠ સૂત્રો એ જીવન જીવવાની ચાવી છે. જીવનને સહજ અને તરલ બનાવવાનો માર્ગ છે. અભય, નિષ્કાંક્ષા, સ્થિરતા, નિષ્કામભાવ, ગુણાંનુરાગ, તરલ દૃષ્ટિ, પ્રેમ-વાત્સલ્ય અને પ્રભાવના દ્વારા સત્યને જાણી શકાય છે અને જીવનને પરિવર્તિત કરી શકાય છે. જાણવું, સમજવું અને તેને જીવનમાં ઉતારવું તે ત્રણ માર્ગો જે આપણને જીવનના ચોથા સત્ય અને પૂર્ણતાના માર્ગ તરફ લઈ જાય છે. જાણવું સહેલું છે, સમજવું મુશ્કેલ અને જીવનમાં ઉતારવું અતિ મુશ્કેલ છે. આ આઠ સૂત્રો જીવન ઉત્કર્ષના આઠ કદમો છે. જીવનમાં સુખ-દુ:ખ, આધિ-વ્યાધિ, ચડતી-પડતી, આશા-નિરાશા, કામ-ક્રોધ, લોભ, મોહ આ બધું છે. જેના કારણે અશાંતિ અને બેેચેની છે. માણસ સુખ કરતાં દુ:ખનો વધુ અનુભવ કરે છે. જેની પાસે છે અને નથી બંને દુ:ખી છે. સુખ સીમિત નથી. તે જાંજવાના જળ જેવું છે. જેમ નજીક જાવ તેમ તે દૂર થતું જાય છે. ઈચ્છિત સુખના ટાપુને કોઈ શોધી શક્યું નથી. સ્વાર્થ, લોભ, લાલસા, ઈર્ષા, અદેખાઈ અને અસંતોષને કારણે સુખ પણ ધીરે ધીરે દુ:ખમાં પલટાઈ જાય છે. સુખ બધાનાં સરખા નથી. એકનું સુખ બીજાનું દુ:ખ બની શકે છે. માણસ વિરોધાભાસ વચ્ચે જીવી રહ્યો છે. અંદર અને બહાર જુદું છે. માણસ સુખ અને દુ:ખના તાણાવાણા વચ્ચે ખેંચાયા કરે છે. જીવનમાં સુખ અને સુખ શક્ય નથી. સુખ અને દુ:ખ જીવનનાં બે ચક્રો છે અને બંનેનો સ્વીકાર એ જ જીવનનો આનંદ છે. આ વાસ્તવિકતાને સમજવા આ સૂત્રો ઉપયોગી છે. સુખ અને દુ:ખ બંનેમાં તીવ્રતા અને તણાવ છે. માણસ અનિશ્ચીતતા અને ભયમાં જીવી રહ્યો છે. માણસ આમાંથી કઈ રીતે બહાર નીકળી શકે. કઈ રીતે શાંતિનો અનુભવ કરી શકે એ માટેનો માર્ગ સમ્યફ દર્શનમાં રહેલો છે. સમ્યફ દર્શનનું પ્રથમ સૂત્ર છે. અભય - નિ:શંકા એટલે કે જીવનમાં કોઈપણ જાતનો ભય અને શંકા રાખવી નહીં. ભયના કારણે માણસ સાચું જોઈ શકતો નથી અને આગળ વધી શકતો નથી. માણસના મનમાં અનેક જાતના ભયો ઊભા થતાં હોય છે. મોટાભાગના ભયો કલ્પના પર આધારિત હોય છે. ભયની ચિંતામાં માણસ અર્ધો થઈ જાય છે. જીવનમાં સમજપૂર્વકનું સાહસ અને હિંમતની જરૂર છે. ભયથી ડરવાની જરૂર નથી તેનો મક્કમતાથી સામનો કરવાની જરૂર છે. જે માણસ ડરે છે તે ક્ષણે ક્ષણે મરે છે અને જે અભય છે, કોઈપણ જાતની ભવિષ્યની શંકા વગર જીવે છે તે મુશ્કેલીને પાર કરી જાય છે. કોઈપણ આફત અને મુશ્કેલી એવી નથી જે દૂર ન થઈ શકે પણ માણસ હામ ગુમાવી બેસે તો મુશ્કેલી આવે તે પહેલા મરણને શરણ થાય છે. હિંમત અને સાહસ વગર સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે નહીં. બીજું સૂત્ર છે નિષ્કાંક્ષા, જીવનમાં બહુ ઈચ્છા અને અપેક્ષા રાખો નહીં. જે મળ્યું છે તેમાં સંતોષ અને આનંદનો અનુભવ કરો. ઈચ્છા અને અપેક્ષા માણસને ચલિત અને વિહવળ બનાવે છે. અપેક્ષા મુજબ કશું બને તો તેનું સુખ બહુ મોટું નથી. તમે ધારેલું હતું અને બન્યું. પણ અપેક્ષા મુજબ ન થાય તો તેનું દુ:ખ આકરું છે. બાપને અપેક્ષા હોય કે દીકરો સુખેથી રાખશે અને એમ બને તેનો બહુ આનંદ હોતો નથી પણ આવી આશા રાખી હોય અને દીકરો ઘરમાંથી કાઢી મૂકે તો તેનું દુ:ખ અપાર છે. પરીક્ષામાં સારા માર્ક્સ મળશે એવી અપેક્ષા હોય અને ઓછા માર્ક્સ આવે તો નિરાશા ઊભી થાય છે. અપેક્ષા અને આકાંક્ષાના બદલે મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાવો કે જીવનમાં જે કાંઈ પરિસ્થિતિ ઊભી થશે તે મને સ્વીકાર્ય છે. જીવનનો નિયમ છે જેની પાછળ આપણે દોડીએ છીએ એ દૂર ભાગે છે અને જે નથી માગતા એ દોડતું આવે છે. સુખ પણ આવું છે ન માગે દોડતું આવે. નિષ્કામભાવ પેદા થાય તો બધા વળગણમાંથી છૂટી શકાય. ત્રીજું સૂત્ર છે નિર્વિચિકીત્સા. એટલે જુગુપ્સાનો અભાવ. પોતાના દોષો અને બીજાના ગુણોનો છુપાવીએ તેનું નામ જુગુપ્સા. માણસ બીજાના ગુણોનો આદર કરતો નથી અને પોતાના અવગુણોને છુપાવે છે. બીજો માણસ સારો છે એ કહેવું મુશ્કેલ છે અને બીજો માણસ મારા કરતાં વધુ સારો છે એમ કહેવું અસંભવ છે. માણસ પોતાની ભૂલ અને પોતાના દોષોનો સ્વીકાર નહીં કરે તેને ઢાંક્યા કરશે. એટલે આમાંથી બહાર નીકળવાનો તેને માર્ગ મળશે નહીં. તે પસ્તાવો કર્યા કરશે પણ પ્રાયશ્ચીત કદી નહીં કરી શકે. પોતાની ભૂલો અને દોષોને છુપાવવા માટે દંભ, જૂઠ અને અસત્યનું આચરણ કરવું પડે છે. એક જૂઠને છુપાવવા માટે અનેક જૂઠ આચરવા પડે છે. દંભનો અંચળો ઓઢવો પડે છે અનેક ચહેરા અને મહોરા લગાવવા પડે છે. જીવન એકદમ પારદર્શક હોવું જોઈએ. છુપાવવા જેવું કશું કરવું જોઈએ નહીં અને ગુણાનુરાગી બનવું જોઈએ. ચોથું સૂત્ર છે અમૂઢ દૃષ્ટિ. મૂઢતા એટલે ભ્રમ દૃષ્ટિ. માણસ મોટે ભાગે ભ્રમ અને ભેદમાં જીવે છે. પોતાની સ્પષ્ટ દૃષ્ટિ નથી. ગાડરિયા પ્રવાહની જેમ તણાયા કરે છે. સાચું શું ખોટું શું સમજવાની શક્તિ નથી. બીજા કરે છે તેમ કર્યા કરે છે. ભીડ અને ટોળામાં માણસ પાગલ બની જાય છે અને ન કરવાનું કરી બેસે છે. માણસે પોતાની રીતે ચાલવું જોઈએ. બીજાનું અનુકરણ કરવાની જરૂર નથી. દરેક માણસને પોતાના ગુણધર્મો છે અને તે અનુસાર તેણે પોતાનો માર્ગ શોધવાનો છે. માણસ મોટે ભાગે જાણ્યે અજાણ્યે પોતાનાથી ચડિયાતા માણસોની નકલ કરતો હોય છે. આપણે આપણી રીતે બરાબર છીએ. બીજા જેવા બનવાની જરૂર નથી. આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી. ‘માનવ માત્ર અધૂરાં.’ પાંચમું સૂત્ર છે ઉપગૂહન. આનો અર્થ છે પોતાના ગુણગાન ગાવા નહીં. ગમે ત્યાં સમજ્યા વિચાર્યા વગર આગળ થવું નહીં. પોતાના પર દૃષ્ટિ રાખવી. પારકી પંચાત કરવી નહીં. બીજા શું કરે છે તે પર ધ્યાન આપવાના બદલે આપણે શું કરી રહ્યા છીએ એ અંગે વિચારવું. આપણી ક્ષતિઓને સુધારવી. બીજા પર દોષનો ટોપલો ઢોળવો નહીં. હું કાંઈક છું. મારા જેવું કોઈ નથી એવો ગર્વ રાખવો નહીં. આ પ્રકારનું અભિમાન આપણને પતનના માર્ગે લઈ જાય છે. સમ્યફ દર્શનનું છઠ્ઠું સૂત્ર છે સ્થિરતા. મન ચંચળ છે તે સ્થિર રહી શકતું નથી. જીવનની જે બધી આપાધાપી છે તે મનનો ખેલ છે. મન એક આયામમાંથી બીજા આયામમાં જલદીથી સરકી જાય છે. મન અનેક રંગો પૂરી લે છે. જીવનના જે કાંઈ પ્રપંચો છે તે મનનું કારણ છે. રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ એ મનની ઉપજ છે. મનની વૃત્તિઓને ગમે તેટલી દબાવી રાખો પણ તે એક યા બીજા સ્વરૂપે બહાર આવે છે. મન વિપરીતમાં ચાલે છે. કોઈ આપણને કહે આમ કરતાં નહીં તો તે કરવાનું વધુ મન થાય છે. મન જે યાદ કરવાનું હોય તે ભૂલી જાય છે અને ભૂલી જવાનું હોય તેને યાદ કરે છે. મનને અંકુશમાં રાખવું જરૂરી છે. મન શાંત થઈ જાય તો સમાધી છે. ‘મન, દાતા, મન લાલચી, મન રાજા, મન રંક. યહ મન જો હરિસે મિલે તો હરિ મિલે નિશંક’ કબીરના આ પદને યાદ કરવું અને મનને સ્થિર અને શાંત કરવું આવશ્યક છે. સાતમું સૂત્ર છે વાત્સલ્ય. પ્રેમ અને વાત્સલ્યમાં ફરક છે. પ્રેમમાં તમે જેટલું આપો છો તેટલું મળે છે. પ્રેમ આપ્યા વગર મળતો નથી. પ્રેમ હોય ત્યાં તમે બીજાને દુ:ખ પહોંચાડી શકો નહીં. પ્રેમ હોય તો બીજાનું દુ:ખ આપણું બની જાય. પ્રેમનો આ મહિમા છે, પરંતુ વાત્સલ્યની ભાવના અનોખી છે તેમાં કશું લેવાનું નથી આપવાનું જ છે. જેના પ્રત્યે વાત્સલ્ય હોય તેના માટે ન્યોછાવર થઈ જવાનું છે. માતાને બાળક માટે વાત્સલ્ય હોય છે. માતા બાળક માટે પોતાનો જાન આપી દેવા માટે પણ તૈયાર થઈ જાય છે. આમાં કોઈ અપેક્ષા નથી. આમ કરીને કશું મેળવવાની ભાવના નથી. જે તમારી પાસે છે તે લૂંટાવી દેવાનું છે. વાત્સલ્ય અંતરનો ભાવ છે. પ્રેમ સાથે વાત્સલ્ય ભાવના મળે તો કોઈ જાતનો સ્વાર્થ રહેતો નથી. તમામ પ્રત્યે આવી ભાવના જાગે ત્યારે આપણા અને પરાયાનો ભેદ રહેતો નથી. આવો અસિમ પ્રેમ અને આવો ભાવ ઉમટે ત્યારે સમજવું હૃદય ભીંજાઈ ગયું છે. અંતર છલકાઈ ગયું છે. મનનો બધો મેલ ધોવાઈ જાય છે. સમ્યફ દર્શનનું આઠમું સૂત્ર છે પ્રભાવના. આનો અર્થ એ છે કે આપણે જે કાંઈ કરીએ તેમાં ધર્મની પ્રભાવના થવી જોઈએ. આપણે ઉઠીએ, બેસીએ કે કોઈપણ ક્રિયા કરીએ તેમાં સંયમ અને વિવેક હોવો જોઈએ. કોઈને કશી તકલીફ ન પડે, આપણા થકી બીજાને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેનો ખ્યાલ રાખવાનો છે. આ જીવવનું અનુશાસન છે. બીજાને ઉપયોગી થવાની ભાવના છે. આપણે કદાચ કોઈને ઉપયોગી ન થઈ શકીએ તો કાંઈ નહીં પણ કોઈની આડા આવવું નહીં, ક્યાંય રૂકાવટ ઊભી કરવી નહીં. કોઈ જાતના ખોટા વાંધાવચકા કાઢવા નહીં. બધાની સાથે સહકારથી પ્રેમપૂર્વક રહેવાનો આમાં બોધ છે. આ ઉપરાંત આપણી પાસે જે કાંઈ સારું છે તેની પ્રભાવના થવી જોઈએ. બીજાને તેનો લાભ મળવો જોઈએ. પ્રભાવના એટલે પ્રેમપૂર્વક, ભાવપૂર્વક આપવું. કોઈ હાથ લાંબો કરે તે પહેલાં આપવું. ઉદારતા દાખવવી, મન મોટું રાખવું. આપણી પાસે ધન હોય તો ધન, જ્ઞાન હોય તો જ્ઞાન, શક્તિ હોય તો શક્તિ, પદ, સ્થાન અને સત્તા હોય તો તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ. જીવનમાં જે કોઈ આપે છે તે જ મેળવે છે. ધન, સત્તા અને શક્તિનો સારો યથાર્થ ઉપયોગ થવો જોઈએ. નાનું એવું દાન પણ જો મનથી થાય તો તે સોનાનું બની જાય છે. સમ્યફ જીવનના આ આઠ સૂત્રો જીવનમાં જો ઊતરે તો સમજો પરિવર્તન થઈ ગયું. જીવનના તમામ પ્રશ્નોનું આમાં સમાધાન છે. બધા આવરણો હટી જશે અને દૃષ્ટિ પારદર્શક બની જશે. સત્ય સમજાઈ જશે અને જીવનયાત્રા ધર્મયાત્રા બની જશે. |
No comments:
Post a Comment