ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
‘તાજા
કલમ: હું તને ચાહું છું’ પુસ્તકના જ પ્રકાશકનું એક બીજું પુસ્તક છે:
‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રક્શન બુક’ અર્થાત્ થોડી ડાહી ડાહી શિખામણો. પુસ્તકની
પ્રસ્તાવનામાં લેખક એમ. જૅક્શન બ્રાઉન જુનિયર ખુલાસો કરે છે કે વાસ્તવમાં આ
શિખામણો અમારો દીકરો સ્કૂલનું ભણવાનું પૂરું કરીને કૉલેજના અભ્યાસ માટે
હૉસ્ટેલમાં રહેવા ગયો ત્યારે મેં એને લખીને આપી હતી. લેખક-સંપાદક બ્રાઉનની
આ વાત બોગસ સેલ્સ ગિમિક હોઈ શકે અને સો ટકા સત્ય પણ હોઈ શકે. જે હોય તે.
આપણને નિસ્બત આ નાનકડા પુસ્તકમાં આપેલી ૫૧૧ સલાહ - શિખામણો - સૂચનાઓ સાથે
છે. આ શિખામણો કડકડાટ લખાઈ છે, પરંતુ વાંચતી વખતે તમારે વિરારથી નીકળેલી
ચર્ચગેટ સ્લોની જેમ દરેક સ્ટેશને ઊભા રહેવું જોઈએ. અને ભૂલેચૂકે ઝડપ વધી
જાય તો ગાડી રિવર્સમાં લઈને એ સ્ટેશનની મુલાકાત ફરી લેવી જોઈએ. જેવી તમારી
મરજી. આ શિખામણો એક એક વાક્યની છે. ૫૧૧માંથી જે ગમી તે આ છે:
વર્ષમાં ઓછામાં ઓછો એક વાર સૂર્યોદય જોવો. સંગીતનું એક વાજિંત્ર વગાડતાં આવડવું જ જોઈએ. ‘કેમ છો’ કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઈએ. ગાડી સસ્તી વાપરવી, ઘર પોસાય એટલું મોંઘું જ લેવાનું. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો - પછી ભલે તમે એને વાંચો કે ન વાંચો. શૂઝ હંમેશાં પૉલિશ્ડ રાખવા. મારામારી થઈ જ જાય તો પહેલો મુક્કો આપણે મારવાનો અને જોરદાર મારવાનો. મિત્રો અને કુટુંબીજનોના ખૂબ ફોટા પાડવા. કોઈ પણ વ્યક્તિને લખી માંડી વાળો નહીં. પોલીસ, બંબાવાળા અને સૈનિકો પ્રત્યે હંમેશાં આદર વ્યકત કરો. ટૂથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણું બંધ કરો. મત આપો. કોઈએ લંબાવેલા હાથને ક્યારેય તરછોડવાનો નહીં. જિંદગી એવી રીતે જીવો કે તમારાં છોકરાં ભવિષ્યમાં જ્યારે ઉદારતા, નિષ્ઠા અને લાડકોડ વિશે વિચારે ત્યારે એમને તમે જ યાદ આવો. બહાદુર બનો અથવા એવો દેખાવ કરતા રહો કારણ કે બીજા કોઈને એ ફરકની ખબર પડવાની નથી. આનંદમાં આવીને વ્હિસલ વગાડતાં શીખો. સંતાનોને કડક શિસ્તના પાઠ ભણાવ્યા પછી એમને ઉષ્માથી ભેટવાનું ભૂલતા નહીં. સારી સંસ્થાઓને તમારા પૈસાનું અને સમયનું દાન સતત કરતા રહો. મહેણું ક્યારેય ન મારો. એવાં જ પુસ્તકો બીજાને વાંચવા માટે ઉછીના આપો જે પાછાં આવે કે ન આવે એની તમને દરકાર ન હોય. સંતાનો સામે એમની સારી બાજુનાં વખાણ કરો અને કહો કે તમે એમના પર કેટલો બધો વિશ્ર્વાસ મૂકો છો. ક્રેડિટ કાર્ડ સગવડતા સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. ક્યારેય છેતરાવાનું નહીં. તમારા પ્રદેશનાં ફૂલ, પંખી અને વૃક્ષ ઓળખતાં શીખી જાઓ. મોંઘા દારૂ, મોંઘા બૅગ-પર્સ અને મોંઘી ઘડિયાળો ક્યારેય ખરીદવાં નહીં. ટાઈ બાંધતાં શીખી જાઓ. વાળંદને ક્યારેય ન પૂછો કે મારા વાળ વધી ગયા છે? કોઈ પોતાનો કિસ્સો કહેતું હોય તો તમે વળી એ જ પ્રકારના તમારી સાથે બનેલા કિસ્સાની વાત નહીં માંડતા, એને જ બોલવા દેજો. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. કોઈ પણ આશાવાદીની વાતને તોડી નહીં પાડવાની, શકય છે કે એની પાસે માત્ર આશા જ હોય. બૅન્કના મૅનેજર સાથે ઓળખાણ રાખો. રાત્રે જમતી વખતે ટીવી બંધ કરી દો. અઠવાડિયે એક ટંક ઉપવાસ કરો અને એ ભોજનના ખર્ચ જેટલા પૈસા કોઈ બેઘર આદમીના હાથમાં મૂકી દો. સારો વકીલ, સારો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને સારો પ્લમ્બર હાથવગો રાખવો સારો. નેગેટિવ પ્રકૃતિના માણસોને મળવાનું જ ટાળો. તમે જે ધ્યેય લઈને બેઠા છો એને છોડી દેતા નહીં કારણ કે સંકુચિત વાસ્તવિકતાઓમાં પડી રહેતા માણસ કરતાં વિશાળ સપનાંઓમાં રમતી વ્યક્તિ વધુ શક્તિશાળી હોય છે. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. જરૂર કરતાં વધારે દયાળુ બનો. દરેક વ્યક્તિને બીજી તક આપો, ત્રીજી નહીં. તમારા પતિના કે તમારી પત્નીના બેસ્ટ ફ્રેન્ડ્ઝની યાદીમાં સતત તમારું નામ હોય એની કાળજી રાખો. રોમેન્ટિક બનો. જે તમને પગાર આપે છે એની ટીકા ક્યારેય કરવાની નહીં, કામ ન ગમતું હોય તો રાજીનામું આપીને છૂટા થઈ જવાનું. દરેક બાબતમાં બાળસહજ કૌતુક પ્રગટ કરો અને સતત ‘આવું શા માટે’ પૂછતા રહો. તમે જે ઉત્સાહી અને પોઝિટિવ વિચારોવાળી વ્યક્તિને ઓળખો છો એના જેવા બનવાની કોશિશ કરો. સંતાનોને તમે દુનિયાની બધી જ શ્રેષ્ઠ ચીજો આપી નથી શકતા એની ફિકર કરવાને બદલે તમારું જે શ્રેષ્ઠ છે તે જ આપવાની કોશિશ કરો. યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિને પોતાની સારી બાજુનાં વખાણ સાંભળવા ગમે છે. ટેન્શનમાં આવી જાઓ ત્યારે વિચારોને રિવર્સમાં લઈને થોડા રિલેક્સ થાઓ, તમને સમજાઈ જશે કે જીવનમરણનો ખેલ હોય એવી ભાગ્યે જ આવતી કટોકટી સિવાયની કોઈ સમસ્યા પહેલી નજરે દેખાય છે એટલી મોટી નથી હોતી. દરેકને શંકાનો લાભ આપો. પત્રકાર સાથે વાત કરતાં ખ્યાલ રાખો કે એ જ્યારે લખશે ત્યારે એનો જ શબ્દ છેલ્લો હશે. કોઈપણ કામની સફળતાનો એંશી ટકા જેટલો આધાર તમે લોકો સાથે કેવી રીતે પનારો પાડી શકો છો તેના પર જ છે.
કોઈની સાથે અગત્યની વાત કરતા હો અને તમારો સેલફોન
રણકે કે વૉટ્સઍપનો ટોન સંભળાય તો સેલફોન સામે જોતા પણ નહીં, કારણ કે આ સાધન
તમારી સગવડતા માટે છે, સામે છેડેથી તમારો કૉન્ટેક્ટ કરી રહી છે એની સગવડતા
માટે નથી.
કોઈ તમારા વખાણ કરે ત્યારે બીજું કશું કહેવા કે કરવાને બદલે
માત્ર એક હૂંફાળું અને જેન્યુઈન ‘થૅન્ક્યુ’ બોલવું પૂરતું છે.
કકડીને ભૂખ
લાગી હોય ત્યારે બજારમાં નાસ્તો ખરીદવા જવાનું નહીં, જરૂર કરતાં વધારે
લેવાઈ જશે.
કોઈ પણ મિત્ર પર તમારી ખાનગી વાતનો બોજો લાદતાં પહેલાં બે વાર
વિચાર કરો.
ક્યારેય કોઈને કહેવાનું નહીં કે તમે થાકેલા લાગો છો કે ઉદાસ
દેખાઓ છો.
ભાષણ કરતાં પહેલાં ભોજન કરવું નહીં.
કોઈ તમને ભેટે ત્યારે આલિંગન એમને જ છોડવા દો.
કોઈનાય લગ્ન વિશે, આર્થિક વહેવાર વિશે અને વાળની
સ્ટાઈલ વિશે સલાહ આપવાનું ટાળો.
કામ પૂરું થતાં પહેલાં પૈસા ચૂકવી દેવાની
ભૂલ કરવી નહીં.
સંતાનો નાનાં હોય ત્યારથી જ એમને પૈસાની કિંમત અને બચતનું મહત્ત્વ સમજાવી દેવું જોઈએ.
જે ગાંઠ છોડી શકાય એમ હોય તે કાપવી નહીં.
જેને તમે ચાહતા હો એની સતત કાળજી લેતા રહો.
કોઈને પહેલી જ વખત મળતા હોઈએ ત્યારે
એ શું ધંધો કે ક્યાં નોકરી કરે છે એ વિશે પૂછપરછ કરવાની લાલચ ટાળીને કોઈ
લેબલ લગાડ્યા વિનાની એમની કંપની માણો.
કોઈ પણ પ્રકારના કોર્ટકેસથી જોજનો
દૂર રહો.
તમને ન પોસાય તો પણ કુટુંબ સાથે પિકનિક - પર્યટનો પર વારંવાર
જવાનું રાખો: એ સ્મૃતિઓ અમૂલ્ય છે એવું ભવિષ્યમાં તમને લાગશે.
ગૉસિપ, નિંદા, જુગાર અને કોઈના પગારની ચર્ચાથી દૂર રહો. ઍરકંડિશનરનું ફિલ્ટર દર ત્રણ મહિને ધોઈ નાખો યા બદલી નાખો. કોઈને પણ બોલાવવા માટે ચપટી વગાડવી નહીં, વેઈટરને બોલાવવા માટે પણ નહીં. એ તોછડી અને ઉદ્ધત વર્તણૂક કહેવાય. જાહેરમાં કે કોઈનાય દેખતાં ટૂથપિક વાપરવાની નહીં. તમારી પોતાની જાતને બદલી નાખવાની તમારી શક્તિઓને ક્યારેય અન્ડરએસ્ટિમેટ કરતા નહીં અને બીજાઓને બદલી નાખવાની તમારી શક્તિઓને ક્યારેય ઓવરએસ્ટિમેટ કરતા નહીં. બચત કરવાની શિસ્ત પાળો, સફળતા માટે એ અનિવાર્ય છે, શારીરિક ચુસ્તી કોઈપણ હિસાબે જાળવો. દર મહિને અચૂકપણે કરવા જ પડે એવા ખર્ચાઓ બને એટલા ઓછા રાખો. જિંદગીમાં દર વખતે તમને ન્યાય મળશે એવું માનીને ચાલવું નહીં. રસોડામાં ધોયા વિનાનાં વાસણો મૂકીને રાત્રે ઊંઘી જવું નહીં. તમારી પાસે કેટલી શાંતિ, કેવી તબિયત અને કેટલો પ્રેમ છે એના પરથી તમારી સફળતાનો આંક નક્કી થતો હોય છે. રવિવારે બપોરે સૂઈ જવાનું રાખો. કોઈના ઘરે રહેવા જાઓ ત્યારે તમારી પથારી જાતે જ પાથરવાનો આગ્રહ રાખો. પત્તાં રમીને સમય બરબાદ ન કરો. માબાપ, પતિપત્ની, સંતાનોની ટીકા ઉચ્ચારવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખવો. તમારી સમસ્યાઓ સંભળાવીને લોકોને બોર કરવાનું બંધ કરો, કોઈ પૂછે કે કેમ ચાલે છે જિંદગી? તો જવાબ આપો: જબરદસ્ત અને કોઈ પૂછે કે ધંધો - કામકાજ કેમ ચાલે છે? તો જવાબ આપો: એકદમ જબરદસ્ત. જરા ડિપ્લોમેટિક બનીને વાત કરતાં શીખો,
કોઈ
વ્યક્તિને જાણીજોઈને વાતોમાં એકલી પાડી દેવી સારું નહીં.
ઈર્ષ્યા કરવાને
કારણે આપણને જ અસુખ થતું હોય છે.
દરેક સાથે વિવેકી વર્તાવ રાખો. ક્યારેય
કહેતા નહીં કે તમારી પાસે સમય નથી, તમારી પાસે પણ દિવસના એટલા જ કલાકો છે
જેટલા નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી પાસે છે.
જિંદગીમાં ડગલે ને પગલે ખુલાસાઓ કર્યા કરવાને બદલે આંખોમાં વિસ્મય આંજીને જીવો (આ વાક્યનું મૂળ અંગ્રેજી વધારે સારું છે: લિવ યૉર લાઈફ એઝ એન એક્સલેમેશન નૉટ એન એક્સપ્લેનેશન).
તમારું મનગમતું પુસ્તક ફરી વાર વાંચી જાઓ.
જિંદગી એવી
રીતે જીવો કે તમારી કબર પર લખાય: કોઈ અફસોસ નથી.
કોઈ મિત્ર સાથે ઝઘડો કરીને એને એકલો મૂકીને જતા રહેવું સારું નહીં.
ઊંચી કિંમતની
ચીજવસ્તુઓની ક્વૉલિટી પણ ઊંચી જ હોય છે એમ માની લેવું નહીં.
હિંમતવાન અને
બહાદુર બનો - ભવિષ્યમાં પાછળ નજર કરીને જોશો ત્યારે તમને તમે કરેલાં કાર્યો
પર થશે એના કરતાં અનેકગણો પસ્તાવો ન કરેલાં કાર્યો પર થશે.
તમારા માટે મને
પ્રેમ છે એવું કહેવાની તક ક્યારેય જતી કરતા નહીં.
પ્રેમભગ્ન થવાનો કોઈ
ખુલાસો માગે તો એટલું જ કહેજો: બધો મારો જ વાંક હતો.
ક્યારેક હારવાની પણ તક રાખો.
કેકનો છેલ્લો ટુકડો આપણે નહીં લઈ લેવાનો.
એક અખતરો કરી
જુઓ: આવતા ચોવીસ કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ, ઘટના કે ચીજની ટીકા નહીં
કરવાનું નક્કી કરો, ૨૪ કલાક પછી સારું લાગશે.
અઠવાડિયાની એક સાંજ તમે અને
તમારા લાઈફ પાર્ટનર માત્ર એકબીજાની સાથે જ હો એવું ગોઠવો. સમિતિઓને ભૂલી
જાઓ, નવા અને દુનિયાને પલટાવી નાખે એવા વિચારો એકલો માણસ જ આપતો હોય છે.
બૂટ, પટ્ટો અને ટાઈ મોંઘાં પહેરવાનાં પણ ખરીદવાના સેલમાં.
ગંભીર બીમારી
સમયે ઓછામાં ઓછા ત્રણ ક્ધસલ્ટિંગ ડૉકટરોના અભિપ્રાય મેળવી લો.
ઘરની પસંદગી
કરવાની બાબતમાં ત્રણ વાત યાદ રાખો: લોકેશન, લોકેશન અને લોકેશન.
દિવસની શરૂઆત તમને ગમતા સંગીતથી કરો.
તમારી પ્રાયોરિટીઝ નક્કી કરી નાખો:
મરણપથારીએ કોઈ નથી કહેતું કે, ‘મેં જિંદગી દરમિયાન થોડો વધુ સમય ઑફિસમાં
વિતાવ્યો હોત તો.’
વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઈટ ચાલુ રાખો.
જુવાનીમાં ફૅમિલી ડૉકટર તમારી જ ઉંમરનો પસંદ કરો જેથી તમે બંને સાથે વૃદ્ધ
થાઓ.
ઘરડા માણસો પ્રત્યે વધુ સૌજન્યતાથી અને ખૂબ ધીરજથી વર્તન કરો.
તમે મરી
જાઓ એ પહેલાં તમને કરવાં ગમે એવા પચ્ચીસ કામોની યાદી બનાવીને ખીસા
પાકીટમાં મૂકી દો અને વારતહેવારે એ વાંચતા રહો.
સેલફોન રણકે ત્યારે રિસીવ
કરીને સ્ફૂર્તિભર્યા અવાજે હૅલો કહો.
આ ચાર વાક્યો કહેતાં ક્યારેય સંકોચ રાખવો નહીં:
જે કોઈ માણસ ગુજરાન ચલાવવા કામ કરતો હોય એનો આદર કરો.
શબ્દો
વાપરતી વખતે કાળજી રાખો, એના ઘા જલદી રૂઝાતા નથી.
નવા વિચારોને આવકારો.
બીજાનો જશ તમે ન લઈ લેતા.
તમારી ઑફિસમાં કે ઘરે કોઈ મળવા આવે ત્યારે એમને
ઊભા થઈને આવકારો.
મોટી સમસ્યાઓથી દૂર નહીં ભાગતા, મોટી તક એમાં જ હોઈ શકે
છે.
|
Thursday, July 3, 2014
થોડીક ડાહી ડાહી શિખામણો
Labels:
સૌરભ શાહ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment