Monday, May 19, 2014

ખુરશી પરથી ઊતરવા વિશે:- ચંદ્રકાંત બક્ષી



ખુરશી પરથી ઊતરવા વિશે: આપણા કૌરવો, એમના પાંડવો

હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એક વાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા મહાન દેશો એટલા માટે છે કે ત્યાંના રાજકારણીઓ નીતિના ધોરણો સ્થાપે છે, સ્વચ્છતાની પ્રતિભા ઉપસાવે છે, વ્યક્તિગત ઈમાનદારીનાં કીર્તિમાન ઊંચા ચડાવતા રહે છે. રાજકારણીએ સ્વચ્છ અને જવાબદાર થવું એવું કોઈ દેશના સંવિધાનમાં લખવામાં આવતું નથી પણ સિંહાસન પર બેઠેલો માણસ સ્વેચ્છાએ કાર્ય કરે છે અને દેશને ગરિમા આપે છે. એ દેશના સર્વોચ્ચ નેતાઓ એક જ ક્ષણમાં સત્તાસ્થાનેથી ઉતરી જાય છે અને બીજી જ ક્ષણે સામાન્ય નાગરિક બની જઈ શકે છે. હિન્દુસ્તાની રાજકારણીઓના માથાની પાછળથી મિનિસ્ટરી આભા ખસતી નથી. હિન્દુસ્તાની મંત્રી, નાનામાં નાનો મંત્રી, સત્તા પર હોય કે ન હોય, પણ એકવાર મંત્રી થઈ ગયો હોય તો આજીવન મંત્રીબાજી છોડતો નથી, સગવડ સુવિધા જિદ્દી હકથી ડિમાન્ડ કરતો થઈ જાય છે. મંત્રીઓમાંથી કેટલાય સાંસદો અને વિધાનસભ્યોમાંથી કેટલાય, એમને આપેલા સરકારી નિવાસો છોડતા નથી, ઝઘડે છે. પાણીના ભાવે મળેલા વિરાટ આવાસોનું ભાડું ભરતા નથી, જળોની જેમ જાતજાતના બહાનાં કે કોર્ટકચેરીબાજી કરીને આવાસોમાં ચોંટી રહે છે. ભારતવર્ષની લોકશાહી આવા ઘટિયા અને બેજવાબદાર અને ભ્રષ્ટ શાસકોની સામે વૃદ્ધ નોકરડીની જેમ લાચાર થઈને ઊભી રહી જાય છે. કારણ કે શાસક હિન્દુસ્તાનમાં સાફ સમજે છે કે એ કાનૂનની ઉપર છે. જ્યારે શાસક ઈંગ્લેન્ડ કે ફ્રાંસ કે અમેરિકામાં સાફ સમજે છે કે એ કાનૂનની નીચે છે અને શાસક એટલે સામાન્ય ધારાસભ્ય કે સાંસદ નહીં, શાસક એટલે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા મિત્તેરોં શાસક એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ; શાસક એટલે ઇંગ્લેન્ડની પ્રાઈમ મિનિસ્ટર માર્ગરેટ થેચર! મિત્તેરોં, કે થેચર એટલે છગ્ગુપંજુ રાજકારણીઓ નહીં, પણ વિશ્ર્વના સૌથી શક્તિમાન દેશોના સૌથી શક્તિમાન રાજનીતિજ્ઞો, જે સિંહાસન પર હતા ત્યારે પૂરી પૃથ્વીને હલાવી નાંખતા હતા...? આપણા રાજકારણીઓ કેટલા નૈતિક છે! અને આ કેટલા નૈતિક હતા?

મે ૧૯૯૫માં ફ્રાંસમાં શાસકો બદલાયા, ૬૨ વર્ષીય યિત્ઝાક શિરાક ૭ વર્ષ માટે ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત થયા, જે ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિ મિત્તેરોં પણ ત્રીજા પ્રયત્ને સફળ થયા હતા. ફ્રાંસની રાજ્ય વ્યવસ્થા જે એ પ્રકારની છે કે ત્યાં અનુભવદગ્ધ રાજનીતિજ્ઞ જ રાષ્ટ્રપતિ થઈ શકે છે, ઈન્દિરા-પુત્ર હોવાને લીધે કે રાજીવજીની વિધવા હોવાને લીધે ખુરશી વારસામાં મળતી નથી. ૧૯૮૧માં મિત્તેરોં રાષ્ટ્રપતિ ચૂંટાયા પછી ફરીથી બીજીવાર ચૂંટાયા અને ૧૯૯૫માં એમણે પદત્યાગ કર્યો. એમનું ૧૪ વર્ષનું રાષ્ટ્રપતિત્વ એ ફ્રાંસના આધુનિક ઈતિહાસનો રેકોર્ડ છે. આજે મિત્તેરોં ૭૮ વર્ષના છે. પ્રોસ્ટ્રેટ કૅન્સરના અસાધ્ય રોગમાં મરણોન્મુખ છે, પૂરા ફ્રાંસની હમદર્દી એમની સાથે છે. આ વિશ્ર્વકક્ષાનો મહાન ફ્રેંચ રાજનીતિજ્ઞ સત્તા છોડ્યા પછી તરત જ બહાર નીકળી ગયા. એ પેરિસમાં ઍફિલ ટાવર પાસે એક ફલેટમાં રહેવા ચાલ્યા ગયા છે. એમની પાસે ૪ માણસોનો સ્ટાફ છે, જે ફ્રેંચ સરકાર આપે છે, બે બૉડીગાર્ડ અને બે ડ્રાઈવર બસ અને માસિક પેન્શન ૪૦ હજાર ફ્રાંક એટલે કે ૫૦૦૦ પાઉન્ડનું! ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિત્તેરોંને સરકાર તરફથી માત્ર એક જ મોટરકાર મળે છે. જે માણસ ૧૪ વર્ષ સુધી ફ્રાંસનો રાષ્ટ્રપતિ રહ્યો, એલિસી પેલેસના પગથિયાં ઊતરીને એક જ મિનિટમાં સામાન્ય ફ્રેંચ નાગરિક બની ગયો! ફ્રેંચ પ્રજાની સાથે આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: ‘વિવા લ ફ્રાંસ્વા!’ (ફ્રાંસ્વા અમર રહે!)

ઇંગ્લેન્ડની લોખંડી મહિલા માર્ગરેટ થેચર આ સદીમાં સૌથી લાંબા સમય સુધી ઇંગ્લેન્ડની પ્રધાનમંત્રી રહેલી વ્યક્તિ છે. એમના ટોરી પક્ષના નિર્વાચનમાં બરાબર બહુમતી મળી નહીં (એ હારી ન હતી) માટે શ્રીમતી થેચરે નક્કી કર્યું કે પક્ષના નેતૃત્વ માટે હું હવે સંપૂર્ણત: યોગ્ય નથી અને પ્રધાનમંત્રી શ્રીમતી થેચરે ત્યાગપત્ર આપી દીધું, સત્તાત્યાગ કરી દીધો. એ ૧૧ વર્ષો સુધી ઇંગ્લેન્ડની પ્રધાનમંત્રી રહી હતી. ત્યાગપત્ર આપ્યા પછી થોડા જ કલાકોમાં શ્રીમતી થેચરે પ્રધાનમંત્રીનું, ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટનું નિવાસસ્થાન ખાલી કરી નાખ્યું અને દક્ષિણ ઇંગ્લેન્ડના પોતાના ઘરમાં આવી ગઈ અંગ્રેજ પ્રજાની સાથે. આપણને પણ ગાવાનું મન થઈ જાય એવી આ ઘટના છે: ‘રૂલ બ્રિટાનીઆ! રૂલ ધ વેવ્ઝ!’ (બ્રિટાનીયા! સમુદ્રોની સમાજ્ઞી બને!)

અમેરિકામાં જ્યોર્જ બુશ (સિનિયર) રાષ્ટ્રપતિ હતા, વિશ્ર્વના સૌથી રાક્ષસની સામર્થ્ય ધરાવતા મુલકના મહાનેતા. નિર્વાચનમાં એ બિલ ક્લિન્ટનથી પરાજિત થયા અને થોડા જ કલાકોમાં એમણે વૉશિંગ્ટનનું રાષ્ટ્રપતિભવન છોડી દીધું પછી એમનો એક ફોટો છપાયો, જાન્યુઆરી ૨૨, ૧૯૯૩ના દૈનિક ‘કોલમ્બસ ડિસ્પેચ’માં: વિશ્ર્વની સૌથી શક્તિમાન મહાસત્તાનો એક સમયનો એટલે કે અઠવાડિયા પહેલાંનો સૌથી શક્તિમાન મહાનેતા એક સામાન્ય અમેરિકન નાગરિક બનીને હ્યુસ્ટનના પાર્ક લૉરિએટ બિલ્ડિંગની લિફટની લાઈનમાં સવારે ૯ વાગે હાથમાં બે બેગો અને બગલમાં એક બ્રીફકેસ દબાવીને ૬૭મે વર્ષે ઊભો છે અને એણે ટાઈ વિના, એક સ્પોર્ટસ કોટ પહેર્યો છે અને લિફટની કતારમાં ઊભેલી નવમાં માળની લૉ ફર્મમાં નોકરી કરતી કલર્ક રીની જૅક્સન જ્યૉર્જ બુશને સસ્મિત કહે છે, ‘આઈ ગેસ ઈટ્સ ગોઈંગ ટુ બી અ લિટલ હાર્ડર ટુ ગેટ ઈન ધ એલિવેટર’ (મને લાગે છે, લિફટમાં ઘૂસવામાં જરા તકલીફ પડશે!) અમેરિકન પ્રજાની સાથે આપણને ગાવાનું મન થઈ જાય એવી ઘટના છે: ‘ગૉડ્ઝ ઓન લૅન્ડ!’ (ઈશ્ર્વરનો પોતાનો દેશ!)

ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કલાકોમાં પોતાના પેરિસના નાના ફલેટમાં ચાલ્યો જાય છે, ઈંગ્લિશ પ્રાઈમ મિનિસ્ટર કલાકોમાં પોતાના દક્ષિણ ઈંગ્લેન્ડના ક્ધટ્રીહોમમાં ચાલી જાય છે, અમેરિકન રાષ્ટ્રપતિ કલાકોમાં એમના હ્યુસ્ટન પાસેના ટેંગલવુડ પરગણામાં ચાલ્યો જાય છે. આને શું કહીશું? સ્વચ્છતા? ઈમાનદારી? પ્રમાણિકતા? ધર્મના શબ્દો વાપરવામાં આપણે ચેમ્પિયનો છીએ. આ ‘અપરિગ્રહ’ છે. આપણા સાધુ બાવાઓ ધર્મની સીઝનમાં દિવસોમાં દોઢસો વાર અપરિગ્રહ શબ્દ વાપરી નાંખે છે. ખુરશીનો, સિંહાસનનો, સત્તાનો, શક્તિનો પણ પરિગ્રહ નહીં. કાયદાની સર્વોપરિતાનું પાલન રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ એક સામાન્ય નાગરિકની જેમ જ કરે છે. સર્વોચ્ચ શાસક પણ નીતિમત્તાનાં મૂલ્ય સ્થાપતા જાય છે. આપણા પરિવેશમાં પણ આ પ્રકારના અપરિગ્રહી માણસો ઉચ્ચ સ્થાને હોય છે અને ગીતા કે મહાભારતનો એક શ્ર્લોક બોલ્યા વિના એ લોકો શાંતિથી ખુરશી પરથી ઊતરી જાય છે. પણ આપણા રાજકારણીનું જે ચિત્ર જનમાનસમાં છે અને આ પ્રકારની સ્થિતિઓમાં છે, એને માટે એક જ મરાઠી શબ્દ કદાચ અર્થપૂર્ણ બની જાય છે: લબાડ! આ મરાઠી શબ્દનો અર્થ થાય છે. જૂઠું બોલવાની ટેવવાળું.

ભ્રષ્ટતા એ કારણ નથી, ભ્રષ્ટતા એ પરિણામ છે, કારણ મનુષ્યની નિમ્ન કક્ષા છે. કારણ કેટલાક માણસોની જન્મજાત બેઈમાનવૃત્તિ ધરાવે છે. કારણ કેટલાક માણસોની જઘન્ય ક્વૉલિટી છે. ખુરશી પર બેઠેલો માણસ ખરાબ શા માટે થઈ જાય છે? પ્રલોભનો? અભાવ? અપસંસ્કાર? કદાચ શેક્સપિયરના ‘ઑથેલો’ નાટકના પાત્ર ઈઆગો વિશે કવિ ટી. એસ. એલિયટે કહેલું કારણ ઉપયુક્ત છે. ‘મોટીવલેસ મેલાઈનિટી’ (ધ્યેયહીન દુર્જનતા) અકારણ ધૂર્તતા, અકારણ હલકટાઈ, અકારણ ઘટિયાપણું, એ કારણ છે?

1 comment:

  1. http://goldenthoughts1991.blogspot.in/2016/02/blog-post_40.html

    ReplyDelete